મદુરાઇ જિલ્લાના કિન્નર લોક કલાકારો માટે વર્ષના પ્રથમ છ મહિના નિર્ણાયક હોય છે. આ સમયગાળા દરમિયાન ગામો સ્થાનિક ઉત્સવોનું આયોજન કરે છે અને મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ લોકડાઉન દરમિયાન મોટા જાહેર મેળાવડા પરના પ્રતિબંધોથી તમિલનાડુના આશરે 500 કિન્નર મહિલા કલાકારોને ગંભીર અસર પહોંચી છે.
તેમાંથી એક (લોક કલાકાર) મેગી છે, અને મદુરાઈ શહેરથી 10 કિલોમીટરથી ઓછા અંતરે વિલાંગુડી શહેરમાં આવેલું તેનું બે ઓરડાનું ઘર અન્ય કિન્નર મહિલાઓ માટે ભેગા થવાનું સ્થળ અને આશ્રયસ્થાન છે. મેગી વાવણી પછી બીજ અંકુરણની ઉજવણી કરવા પરંપરાગત કુમ્મી પાટુ ગીતો રજૂ કરતી જિલ્લાની કેટલીક કિન્નર મહિલાઓમાંથી એક છે. દર વર્ષે જુલાઇમાં તમિલનાડુમાં ઉજવાતા 10 દિવસના મુલાઇપરી ઉત્સવ દરમિયાન આ ગીત વરસાદ, જમીનની ફળદ્રુપતા અને સારા પાક માટે ગામની દેવીઓને પ્રાર્થનારૂપે અર્પણ કરાય છે.
તેમના મિત્રો અને સહકાર્યકરો પણ આ ગીતો પર નૃત્ય કરે છે. લાંબા સમયથી એ તેમના માટે આવકનો સ્ત્રોત છે. પરંતુ મહામારી-લોકડાઉનના પગલે જુલાઈ 2020 માં તહેવાર યોજાયો ન હતો અને આ મહિને પણ યોજાયો ન હતો ( વાંચો: મદુરાઈના કિન્નર લોક કલાકારોનું દર્દભર્યું જીવન ) . અને તેમની આવકનો બીજો નિયમિત સ્ત્રોત મદુરાઇ અને તેની આસપાસ અથવા બેંગલુરુમાં પણ - દુકાનોમાંથી (માગીને) પૈસા ભેગા કરવા - લગભગ ઠપ્પ થઈ ગયો હતો. તે સાથે તેમની આશરે 8000 થી10000 રુપિયાની માસિક આવક લોકડાઉન દરમિયાન ઘટીને લગભગ નહિવત થઈ ગઈ હતી.
24 વર્ષના કે. સ્વસ્તિકા (ડાબે) કુમ્મી નૃત્યાંગના-કલાકાર છે. ટ્રાંસજેન્ડર મહિલા હોવાને કારણે તેમને જે સતામણીનો સામનો કરવો પડ્યો તે સહન ન કરી શકતા તેમણે બીએની પદવી માટેનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો - પરંતુ હજી પણ તેઓ તે ભણતર પૂરું કરવાનું સપનું સેવે છે જેથી તેઓને નોકરી મળી શકે. આજીવિકા રળવા તેઓ દુકાનોમાંથી (માગીને) પૈસા પણ ભેગા કરે છે - અને તે કામ અને કમાણીને પણ લોકડાઉનને કારણે અસર પહોંચી હતી.
25 વર્ષના બાવ્યશ્રી (જમણે) બીકોમની પદવી ધરાવતા હોવા છતાં નોકરી મેળવી શક્યા નથી. તેઓ પણ કુમ્મી નૃત્યાંગના-કલાકાર છે, અને કહે છે કે તેઓ અન્ય કિન્નર મહિલાઓ સાથે હોય ત્યારે જ ખુશ હોય છે. જોકે તેઓ મદુરાઇમાં તેમના પરિવારને મળવા ઇચ્છે છે પરંતુ તેઓ ત્યાં જવાનું ટાળે છે કારણ કે તેઓ કહે છે, "હું ઘેર જાઉં ત્યારે તેઓ (મારા પરિવારના સભ્યો) મને ઘરની અંદર રહેવાનું કહે છે. તેઓ મને ઘરની બહાર કોઈની સાથે વાત ન કરવાનું કહે છે."
23 વર્ષના આર. શિફાના (ડાબે) કુમ્મી નૃત્યાંગના-કલાકાર છે, ટ્રાંસજેન્ડર મહિલા હોવાને કારણે સતત સતામણીનો સામનો કરવો પડતો હોવાથી તેમણે અભ્યાસના બીજા વર્ષમાં કોલેજ જવાનું બંધ કરી દીધું. માતાની સમજાવટથી તેમણે ફરી (કોલેજ જવાનું) શરૂ કરીને બીકોમની પદવી મેળવી. માર્ચ 2020 માં લોકડાઉન શરૂ થયું તે પહેલા તેઓ મદુરાઈની દુકાનોમાંથી (માગીને) પૈસા ભેગા કરીને આજીવિકા રળતા હતા.
વી. અરાસી (વચ્ચે) 34 વર્ષના છે અને કુમ્મી નૃત્યાંગના-કલાકાર છે, તેઓ તમિલ સાહિત્યમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે, તેમજ એમફિલ અને બીએડની પદવી પણ ધરાવે છે. શાળામાં સહાધ્યાયીઓ દ્વારા સતામણી થતી હોવા છતાં તેમણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યાર બાદ તેમણે ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરી, પરંતુ તેઓ હજી બેરોજગાર છે. લોકડાઉન પહેલા તેમને પણ પોતાના ખર્ચાને પહોંચી વળવા દુકાનોમાંથી (માગીને) પૈસા ભેગા કરવા પડ્યા હતા.
30 વર્ષના આઈ. શાલિની (જમણે) કુમ્મી નૃત્યાંગના-કલાકાર છે, વધુ સતામણી સહન ન થઈ શકતા તેમણે 11 મા ધોરણમાં માધ્યમિક શાળાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. તેઓ લગભગ 15 વર્ષથી દુકાનોમાંથી (માગીને) પૈસા ભેગા કરે છે અને નૃત્યની રજૂઆત કરે છે, પરંતુ લોકડાઉન શરૂ થયું ત્યારથી તેઓ આજીવિકા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શાલિની કહે છે કે તેમને પોતાની માતા યાદ આવે છે અને તેઓ ઈચ્છે છે કે પોતે તેમની સાથે રહી શકે, અને ઉમેરે છે, "હું ઈચ્છું છું કે હું મૃત્યુ પામું તે પહેલાં મારા પિતા ઓછામાં ઓછું એક વખત મારી સાથે વાત કરે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક