રાધાની હિંમતની કિંમત તેમણે પાળેલા કૂતરાઓએ ચૂકવી છે. પહેલાનું માથું વાઢી નાખવામાં આવ્યું, બીજાને ઝેર આપવામાં આવ્યું, ત્રીજો ગુમ થયો, અને ચોથાને તેમની નજર સામે મારી નાખવામાં આવ્યો. તેઓ કહે છે, "મારા ગામના ચાર શક્તિશાળી લોકો તેમણે મારી સાથે જે કર્યું તે કારણે જેલમાં છે. બળાત્કારના કેસની પતાવટ ન કરવા બદલ તેઓ મને ધિક્કારે છે."
લગભગ છ વર્ષ પહેલાં ચાર શખ્સોએ રાધા (આ તેનું સાચું નામ નથી) પર જાતીય હુમલો કર્યો હતો. તેઓ બીડ જિલ્લામાં આવેલા તેમના ગામથી લગભગ 100 કિલોમીટર દૂર બીડ શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે એક ખાનગી વાહનના ડ્રાઈવરે લિફ્ટ આપવાના બહાને તેમનું અપહરણ કર્યું હતું. પછી તેણે અને તે જ ગામના તેના ત્રણ મિત્રોએ રાધા પર બળાત્કાર કર્યો હતો.
40 વર્ષના રાધા પોતાની માનસિક વેદના વિશે વાત કરતા કહે છે, "તે પછી કેટલાય અઠવાડિયાઓ સુધી હું વ્યથિત હતી. મેં તેમને કાયદા દ્વારા સજા અપાવવાનું નક્કી કર્યું, તેથી મેં પોલીસ ફરિયાદ નોંધાવી."
તેમના પર હિંસક હુમલો થયો તે સમયે રાધા તેમના પતિ અને બાળકો સાથે બીડ શહેરમાં રહેતા હતા. તેઓ કહે છે, “મારા પતિ ત્યાં એક ફાઇનાન્સ એજન્સીમાં કામ કરતા હતા. હું અમારી ખેતીની જમીનની સંભાળ રાખવા અવારનવાર ગામમાં જતી."
ફરિયાદ નોંધાયા બાદ રાધા પર કેસ પાછો ખેંચી લેવા ઘણું દબાણ હતું. તેઓ કહે છે કે ગુનેગારો અને તેમના સંબંધીઓને ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના શક્તિશાળી લોકો સાથે સારાસારી છે. “હું ખૂબ દબાણમાં હતી. પણ હું ગામથી દૂર રહેતી હતી. શહેરમાં મને મદદ કરનાર ઘણા લોકો હતા. હું કંઈક અંશે સુરક્ષિત અને સલામત અનુભવતી હતી."
જો કે માર્ચ 2020 માં કોવિડ-19 ના વિસ્ફોટ પછી તેમની સુરક્ષાનો પડદો પડી ગયો. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત થયા પછી તરત જ તેમના પતિ મનોજે (આ તેનું સાચું નામ નથી) તેમની નોકરી ગુમાવી દીધી. રાધા કહે છે, “તેઓ મહિને 10000 રુપિયા કમાતા હતા. અમે ભાડાના ફ્લેટમાં રહેતા હતા, પરંતુ મનોજ બેરોજગાર થયા પછી હવે અમે ભાડું ભરી શકતા નહોતા. અમારા માટે પેટ ભરવું ય મુશ્કેલ બની ગયું હતું.”
બીજો કોઈ રસ્તો ન હોવાથી રાધા, મનોજ અને તેમના બાળકોને અનિચ્છાએ ગામમાં - જ્યાં રાધા પર બળાત્કાર થયો હતો તે જ જગ્યાએ - રહેવા જવું પડ્યું. તેઓ (રાધા) કહે છે, “અમારી પાસે અહીં ત્રણ એકર જમીન છે, તેથી અમે અહીં રહેવા આવ્યા. અમને બીજું કંઈ સૂઝતું નહોતું." તેમનો પરિવાર હવે એ જમીન પર એક ઝૂંપડીમાં રહે છે અને રાધા ત્યાં કપાસ અને જુવારની ખેતી કરે છે.
રાધા ગામમાં પાછા આવતાની સાથે જ ગુનેગારોના પરિવારો તેમની પાછળ પડી ગયા. તેઓ કહે છે, “કેસ ચાલતો હતો. (કેસ) પાછો ખેંચવાનું દબાણ ઘણું વધી ગયું." પરંતુ જ્યારે તેમણે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો ત્યારે દબાણ સ્પષ્ટ ધમકીઓમાં ફેરવાઈ ગયું. રાધા કહે છે, “હું ગામમાં તેમની સામે જ હતી. મને ધમકાવવાનું અને હેરાન કરવાનું સહેલું થઈ ગયું." પરંતુ રાધાએ નમતું ન જોખ્યું.




