“મેં મારી આખી જિંદગીમાં ક્યારેય આ નદીને આટલી ગુસ્સામાં નથી જોઈ,” 55 વર્ષના સખુબાઈ વાઘ કહે છે. તે દિવસે, 4 ઑગસ્ટના રોજ, તેમનો 20 વર્ષનો દીકરો મનોજ અને તેઓ સવારના લગભગ 10 વાગ્યે ઘરમાં હતા. “બહાર ધોધમાર વરસાદ પડતો હતો,” એ યાદ કરે છે. “અચાનક જ એક મોટું મોજું અમારી ઝૂંપડીમાં ધસી આવ્યું. અમે કેટલીક ક્ષણો માટે ગળાડૂબ પાણીમાં હતા, એકબીજાનો હાથ પકડીને. એક જ ક્ષણમાં મેં જે બધું સાચવીને રાખ્યું હતું, કાળી મજૂરી કરીને મેળવેલા નાણાંથી ભેગું કર્યું હતું – તે બધું જ પાણી લઈ ગયું.”
આશરે 20 મિનિટના ભયાનક સમય પછી, સખુબાઈ અને મનોજ પાણી કાપીને નજીકના ઊંચાણવાળા સ્થળે પહોંચ્યા, જ્યાંથી તેઓ આ સર્વનાશને જોઈ રહ્યાં. તે સવારે વૈતરણા નદીના પાણીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ગેટ્સ ખ ગામમાં 24 બીજી ઝૂંપડીઓની સાથે તેઓની ઝૂંપડીનો પણ નાશ કરી નાંખ્યો. કલાકો પછી, સાંજ સુધીમાં, પાણી ઓસર્યાં.
“જુઓ, આ મારો સંસાર છે,” સખુબાઈ નદીના કાંઠે પડી ગયેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધતા કહે છે. કીચડવાળા મેદાનમાં ટૂટેલી ટાઇલ્સ એકબીજા પર ગોઠવાયેલી છે, વાંસની છત અને દીવાલોના અવશેષો અને ફાટેલી તાડપત્રી, બધુંજ દેખાય છે. કેટલાંય દિવસોથી કીચડમાં પડી રહીને કોહવાતા ચોખા, ડુંગળી અને બટાકાની તીવ્ર ગંધ, હવામાં છવાયેલી રહે છે. “મારાથી આ ગંધ સહન નથી થતી, લાગે છે કે મને ઉલ્ટી થઈ જશે,” સખુબાઈ કહે છે.
પૂરના દસ દિવસ પછી, 13 ઑગસ્ટે 58 વર્ષના તેમના પતિ પરશુરામ, એલ્યુમિનિયમના ડબ્બામાં કેટલાક પલળી ગયેલા ચોખા મને બતાવે છે. “આ મારા કુટુંબનું એક મહિનાનું સીધુંસામગ્રી હતું. અમારા મતદાર કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, વાસણ, કપડાં – બધુંજ ગયું,” તેઓ કહે છે. “બસ, ફક્ત આ ત્રણ ગોદડીઓ બચી છે.” આ હાથે સીવેલ ગોદડીઓ હવે એકલવાઈ એક દોરી પર સુકાય છે.
"અમે નદીની નજીક રહીએ છીએ અને દર વર્ષે ચોમાસામાં પાણીનું સ્તર વધી જાય છે,” પરશુરામ કહે છે. “એ અમારા દરવાજે પહોંચે છે, પણ ક્યારેય અંદર નથી આવતું અને થોડી વારમાં ઉતરી જાય છે. ફક્ત એક વાર, 2005માં, પાણી અમારી ઝૂંપડીઓમાં ઘુસી ગયું હતું, પણ એ ફક્ત ઘૂંટણ સુધી હતું અને એણે અમારી ઝૂંપડીઓનો નાશ કર્યો ન હતો. આ વર્ષે પાણીની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી.”
પરશુરામ અને સખુબાઈ કાટકરી આદિવાસી – મહારાષ્ટ્રમાં ખાસ નિર્બળ આદિવાસી સમૂહ તરીકે સૂચિબદ્ધ સમુદાય - છે અને તેઓ દિવસના રૂ. 150 લેખે ખેતમજૂર તરીકે કામ કરે છે. તેમની ઝૂંપડી પડી ગઈ ત્યાર પછી તેઓ એજ ગામમાં નદીના બીજા કિનારે આવેલા સખુબાઈના ભાઈના ઘરે રહેવા ગયા છે. વૈતરણા નદી ગેટ્સ ખ ગામને બે ભાગમાં વિભાજિત કરે છે, અને તેના પૂર્વના કિનારે આવેલા મોટાભાગના કૉંક્રીટના મકાનો પૂરગ્રસ્ત થયા ન હતા. આ 881 લોકોનું ગામ છે (વસ્તી ગણતરી 2011), જેમાંથી 227 અનુસૂચિત જનજાતિના છે.
“અમારી પાસે જમીન નથી. અમે જે કાંઈ કમાઈએ છીએ તે ખેતમજૂરીમાંથી આવે છે,” 35-વર્ષના કવિતા ભોઈર, જેમની ઝૂંપડી નજીકમાં આવેલી છે, કહે છે. “જૂન-જુલાઈમાં અમે આશરે રૂ. 20,000 કમાયા હતા [તે અને તેનો પતિ કેશવ બંને 50 દિવસ માટે રૂ. 200 દરેક વ્યક્તિને દરરોજ લેખે]. અમે વાવણીના સમય પછી આટલું કમાતા નથી. મેં રૂ. 10,000 સાચવીને એક દાળના ડબ્બામાં મૂક્યા હતા. આ મુશ્કેલીના સમયમાં ઉપયોગ કરવા માટે અમારી બચત હતી. હવે કંઈ નથી રહ્યું …”
કવિતા અને કેશવ કવિતાના ભાઈને તેના એક એકરના ખેતરમાં મદદ કરવા માટે નદીના બીજા કાંઠે તેના ગામ ગયા હતા. “અમને ફોન આવ્યો કે અહીં પૂર આવ્યું છે,” તે કહે છે. “અમે જ્યારે બીજા દિવસે આવ્યા, ત્યારે એક પરાળની દીવાલ પડી ગઈ હતી. ઘૂંટીસમાણો કીચડ હતો.” ભોઈર યુગલે પછીના બે દિવસ ડોલોમાં ભરીને કીચડ બહાર ફેંકવામાં અને તેમના બચેલા સામાનને ફરીથી ગોઠવવામાં ગાળ્યા. કપડાની એક થેલી, પ્લાસ્ટિકના ડબ્બા, સ્ટીલનો એક ડબ્બો, 2-3 સ્ટીલની થાળીઓ, કેટલીક ચાદરો – બધુંજ કાદવ-કાદવ હતું. “અમે જે કંઈ બચ્યું હતું તેને ધોઈ નાખ્યું અને તે વાપરવા લાગ્યા. મારા દીકરાની ચોપડીઓને નોટો સાવ પલળી ગઈ હતી, મેં તે ચૂલા (માટીના) પર સૂકવ્યા,” પોતાના ખાલી વાસણના સ્ટેન્ડને જોતા કવિતા કહે છે, તેમાંના બધાં વાસણ પૂરના પાણીમાં વહી ગયા છે.
કેશવ કહે છે, “પંચાયતના લોકો અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ અમને સીઘુંસામગ્રી આપી. પણ હજુ સુધી તાલુકા કચેરીમાંથી [વાડા તહેસીલદારની કચેરીમાંથી] કોઈ પંચનામુ કરવા આવ્યું નથી અને અમને કોઈ પૈસા પણ આપવામાં આવ્યા નથી”. કવિતા ઉમેરે છે, “અમારા લોકો કેટલીયે પેઢીઓથી અહીં રહે છે. સરકારે અમને રહેવા માટે સુરક્ષિત સ્થળ આપવું જોઈએ. નદીમાં ફરીથી પૂર આવે તો શું?”
પૂર પછીના દિવસે, ઑગસ્ટ 5ના રોજ, ગેટ્સ ખ ગ્રામ પંચાયતે ગેટ્સ ખના 25 પૂર-ગ્રસ્ત કુટુંબોને 5 કિલો ચોખા, પાંચ કિલો ઘંઉનો લોટ, બે કિલો દાળ, બે કિલો ખાંડ, 250 ગ્રામ ચાની પત્તી, તેલના અડધો-અડધો કિલોના બે પેકેટ, મીઠાનું એક પેકેટ અને થોડું લાલ મરચું અને હળદર આપ્યાં, “આપવામાં આવેલું સીઘુંસામગ્રી પૂરૂં થવા આવ્યું છે,” કવિતા કહે છે.
4-5 ઑગસ્ટના ભારે વરસાદે વડા તાલુકાના 57 ગામોને પ્રભાવિત કર્યા, તહસીલદાર દિનેશ કુર્હાડે એ મને જણાવ્યું. સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયેલા સ્થળો છે ગેટ્સ ખ, બોરાન્ડે, કરાન્જે, નાણે અને ગોરહે – બધાં વૈતરણા નદીના કાંઠે છે. 1 થી 7 ઑગસ્ટ દરમિયાન પાલઘરમાં 729.5 મિમી વરસાદ પડ્યો હતો – અહીં અઠવાડિયા દરમિયાન સામાન્ય વરસાદ છે 204 મિમી.
4 ઑગસ્ટના રોજ, ગેટ્સ ખથી આશરે સાત કિલોમીટર દૂર આવેલ 126 કુટુંબો અને 499 વ્યક્તિઓ (વસ્તી ગણતરી 2011) ધરાવતું બોરાન્ડે ગામ આખું પાણીમાં ડૂબી ગયું. ફક્ત છાપરા અને વીજળીના થાંભલા દેખાતા હતા. દરેક કૉન્ક્રીટના ઘરની દિવાલો પર પાણીના સ્તરના નિશાનો છે, જ્યારે પરાળ છાયેલા કાચાં મકાનો બસ પડી ભાંગ્યા.
45 વર્ષના અનિલ રાજકવાર કહે છે, “સવારના 6 વાગ્યા હતા. અમે ઊંઘતા હતા જ્યારે મને લાગ્યું કે મારી ચાદર પર પાણી છે. હું જાગી ગયો અને જોયું તો પાણી ઘરની અંદર હતું. મેં ઝડપથી મારી પત્ની અને મારાં બાળકોને જગાડ્યા અને અમે અમારો જીવ બચાવવા ભાગવા લાગ્યા. પછી એક મોટું મોજું ઘરમાં પ્રવેશ્યું. એ બધુંજ લઈ ગયું. અમે કંઇજ બચાવી ન શક્યા. બધે જ પાણી-પાણી હતું, બધાં તેમના ઘરની બહાર હતા, કમર સમાણા પાણી હતાં. બધાં બૂમો અને ચીસો પાડતા હતા …”
અનિલ, તેની 32 વર્ષની પત્ની પાર્વતી અને તેમના બાળકો ગામની બહાર આવેલા ખુલ્લા મેદાન સુધી પહોંચવા માટે બીજાં કેટલાંય લોકો સાથે લગભગ અડધો કલાક સુધી પાણીમાં ચાલ્યા. ઘણાં લોકો બે દિવસ પાણી ઉતર્યાં ત્યાં સુધી એક ટિનના ગોદામમાં રહ્યા. અનિલ અને પાર્વતી વર્ષના આઠ મહિના દિવસના રૂ. 150 લેખે ખેતમજૂર તરીકે કામ કરે છે. જ્યાં તહસીલદાર દિનેશ ખુરાડેનું કહેવું છે કે અત્યાર સુધીમાં 102 કુટુંબોને કંઇક મદદ મળી છે, હજી સુધી અનિલનું કુટુંબ તેમાં આવતું નથી.
32-વર્ષની મયૂરી હિલીમ કહે છે, “સદ્ભાગ્યે, બોરાન્ડેમાં બધાં લોકો સુરક્ષિત હતા. અમે બે દિવસ ગોદામમાં કાઢ્યા. કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ અને ખાવાનું અને પીવાનું પાણી આપ્યાં. જ્યારે પાણી ઉતરવા માંડ્યા, ત્યારે અમે અમારા ઘરે પાછા ફર્યા. બધેજ કીચડ હતો. એક દિવાલ પડી ગઈ હતી.” તે જૂનથી સપ્ટેમ્બર સુધી ખેતમજૂર તરીકે કામ કરે છે, અને દિવસના રૂ. 150 કમાય છે અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આશરે 70 કિલોમીટર દૂર આવેલ દહાણુ તાલુકે સ્થળાંતર કરે છે અને ત્યાં જઈને ઈંટોની ભઠ્ઠીમાં મજૂરી કરે છે.
“3 અને 4 ઑગસ્ટના રોજ વાડા તાલુકામાં બે દિવસમાં 400 મિમી વરસાદ [કુલ] થયો. પરિણામે, વૈતરણા નદીમાં પૂર આવ્યું. ઑગસ્ટ 4ના રોજ મોટી ભરતી આવી અને દરિયોએ વૈતરણામાંથી વધારાનું પાણી ન લેતા, તે નદી નજીકના ગામોમાં ભરાયું,” તહસીલદાર દિનેશ કુર્હાડે કહે છે. “આ દિવસોમાં તાલુકામાં કોઈપણ માનવ કે પ્રાણીનો જીવ ગયો નથી. બધાં ગામોને રાહત પૂરી પાડવાની અમારી પ્રક્રિયા ચાલુ છે.”
વૈતરણા નદી હવે શાંતિથી વહી રહી છે. પણ સખુબાઈની ચિંતા હજુ શાંત નથી થઇ, અને તે પૂછે છે: “નદી ફરીથી ગુસ્સે થઈ જાય તો શું?”
ભાષાંતર: ધરા જોષી