આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
ઈંટો, કોલસો અને પથ્થર
તેઓ માત્ર ઉઘાડા પગે ચાલી નથી રહ્યા- તેમના માથા પર ગરમ-ગરમ ઈંટો પણ છે. ઢોળાવવાળા રસ્તે ચાલતા આ લોકો આંધ્ર પ્રદેશમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા ઓડિશાના સ્થળાંતરિત શ્રમિકો છે. બહાર કાળઝાળ ગરમી છે - બહારનું તાપમાન છે 49 ડિગ્રી સેલ્સિયસ. ભઠ્ઠીના વિસ્તારમાં, જ્યાં મોટાભાગે મહિલાઓ જ કામ કરે છે ત્યાં એથી પણ વધુ ગરમી છે.
આખા દિવસની કાળી મજૂરી પછી દરેક મહિલાને માંડ 10-12 રુપિયા મળે છે. પુરુષોને મળતી 15-20 રુપિયાની દયનીય દાડિયા મજૂરી કરતાં ય ઓછા. ઠેકેદારો ‘એડવાન્સિસ’ સિસ્ટમ હેઠળ (અગાઉથી પૈસા ઉછીના આપીને) આવા સ્થળાંતરિત શ્રમિકોના આખાનેઆખા પરિવારોને અહીં પહોંચાડે છે. આ દેવું સ્થળાંતરિત શ્રમિકોને ઠેકેદાર સાથે બાંધી દે છે અને આ શ્રમિકો મોટેભાગે બંધુઆ મજૂરો બનીને રહી જાય છે. અહીં આવનારા 90 ટકા જેટલા લોકો ભૂમિહીન અથવા સીમાંત ખેડૂતો છે.
લઘુત્તમ વેતન અધિનિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં આમાંથી કોઈ પણ શ્રમિકો તેમને થતા અન્યાય બદલ ફરિયાદ કરી શકતા નથી. સ્થળાંતરિત શ્રમિકોને આવરી લેતા જૂના કાયદાઓ તેમને રક્ષણ આપતા નથી. દાખલા તરીકે, આ કાયદાઓ આંધ્ર પ્રદેશના શ્રમ વિભાગને ઓડિયાઓને (ઓડિશાના શ્રમિકોને) મદદ કરવાની ફરજ પાડતા નથી. અને ઓડિશાના શ્રમ અધિકારીઓ પાસે આંધ્ર પ્રદેશમાં કોઈ સત્તા નથી. બંધુઆ મજૂરીને કારણે ઈંટના ભઠ્ઠાઓમાં કામ કરતી ઘણી મહિલાઓ અને યુવાન છોકરીઓ જાતીય શોષણનો પણ ભોગ બને છે.
ઝારખંડના ગોડ્ડામાં કોલસાની ખુલ્લી ખાણોની બાજુમાં ઉકરડા અને કાદવકીચડમાંથી રસ્તો કાઢતી આ એકલી મહિલા (નીચે જમણે). આ વિસ્તારની બીજી ઘણી મહિલાઓની જેમ તેઓ થોડાઘણા રુપિયા કમાવા માટે આ ઉકરડામાંથી ઘરેલુ બળતણ તરીકે વેચી શકાય તેવા નિકાલજોગ કોલસા એકઠા કરે છે. જો તેમના જેવા લોકો આ નિકાલજોગ કોલસા એકઠા ન કરે તો તે વપરાયા વિના ત્યાં પડી રહે. તેમનું કામ દેશની ઉર્જા બચાવે છે, પરંતુ કાયદાની નજરે આ કામ ગુનાહિત ગણાય છે.
નળિયાં બનાવનાર આ મહિલા (નીચે જમણે) છત્તીસગઢમાં સુરગુજામાં રહે છે. લોન લીધા પછી તે પાછી ન ચૂકવી શકતા તેમના પરિવારે શબ્દશ: માથા પરની છત ગુમાવી દીધી હતી. તેમના (ઘરના) છાપરા પરના નળિયાં જ એવી વસ્તુ હતી જે વેચીને થોડાઘણા પૈસા ઊભા કરી તેઓ લોનનો હપ્તો ચૂકવી શકે. તેથી તેઓએ તેમ કર્યું. અને હવે તે મહિલા (વેચી દીધેલાં) જૂના નળિયાંની જગ્યાએ લગાવવા માટે નવા નળિયાં બનાવી રહ્યા છે.
તમિલનાડુના પુદુક્કોટ્ટઈના આ પથ્થર તોડનાર મહિલા (નીચે ડાબે) ની કહાણી અનોખી છે. 1991 માં ત્યાંની લગભગ 4000 ખૂબ જ ગરીબ મહિલાઓએ એ ખાણોનો કબ્જો લીધો જ્યાં તેઓ એક સમયે બંધુઆ મજૂર તરીકે કામ કરતા હતા. તત્કાલીન સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા ક્રાંતિકારી સુધારાવાદી પગલાઓને કારણે એ શક્ય બન્યું. નવ-શિક્ષિત મહિલાઓ દ્વારા કરાયેલ સંગઠિત કાર્યવાહીએ તેને વાસ્તવિકતાનું રૂપ આપ્યું. અને ખાણિયા મહિલા પરિવારોની જિંદગી દેખીતી રીતે જ એકદમ સુધરી ગઈ. સરકારને પણ આ મહેનતુ નવા 'માલિકો' પાસેથી જંગી આવક થઈ. પરંતુ અગાઉ આ પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ ચલાવતા ઠેકેદારોએ નિર્દયતાથી હિંસક હુમલા કરીને આ પ્રક્રિયાને ચગદી નાખી. ઘણું મોટું નુકસાન થયું છે. તેમ છતાં ઘણી મહિલાઓએ વધુ સારા જીવન માટે તેમનો સંઘર્ષ જારી રાખ્યો છે.
પૃષ્ઠભૂમિમાં સૂર્ય આથમી રહ્યો છે ત્યારે આ મહિલાઓ (નીચે) ગોડ્ડામાં ખુલ્લી ખાણો પાસેના ઉકરડામાંથી (ઘેર) પાછી ફરી રહી છે. તેઓએ દિવસ દરમિયાન શક્ય તેટલા નિકાલજોગ કોલસા ભેગા કર્યા છે, અને ચોમાસાનું ગોરંભાયેલું આકાશ વરસી પડે અને તેઓ કાદવકીચડમાં ફસાઈ જાય તે પહેલાં તેઓ ત્યાંથી નીકળી જાય છે. ખાણો અને ખાણોમાં કામ કરતી મહિલાઓની સંખ્યાના સત્તાવાર આંકડાઓનો કોઈ અર્થ નથી. કારણકે ગેરકાયદેસ ખાણો અને તેની આસપાસ જોખમી કામ કરતા ઘણા મહિલા શ્રમિકોને ગણતરીમાંથી બાકાત રખાય છે, જેમ કે ઉકરડામાંથી બહાર નીકળતી આ મહિલાઓ. નસીબદાર હશે તો તેઓ દિવસના અંતે 10 રુપિયા માંડ કમાયા હશે.
આ બધાની વચ્ચે તેઓ ખાણોમાં વિસ્ફોટ, ઝેરી વાયુઓ, ખડકોની ધૂળ અને હવામાંની બીજી અશુદ્ધિઓના ગંભીર જોખમોનો સામનો કરે છે. કેટલીકવાર 120-ટનની ડમ્પર ટ્રક ખાણોની ધાર પર આવે છે અને ખોદી કાઢવામાં આવેલ ખાણ વિસ્તારમાંની 'ઓવરબર્ડન' અથવા ટોચના સ્તરની માટી બહાર ફેંકે છે. અને કેટલીક ગરીબ મહિલાઓ એ ટનબંધ માટી નીચે દટાઈ મારવાનું જોખમ વહોરીને પણ એ માટીમાંથી જે થોડાઘણા નિકાલજોગ કોલસા મળે તે ભેગા કરવા દોટ મૂકે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક