તાનુબાઈ ગોવિલકરના કામમાં ભૂલ થાય તો તે સુધારવાનો કોઈ અવકાશ નથી. તેઓ હાથ વડે ખૂબ કાળજીપૂર્વક ધીમે ધીમે જે ઝીણા ટાંકા લે છે તેમાં એકાદી ભૂલને પણ સુધારવાનો એક જ રસ્તો છે - આખી પ્રક્રિયા ફરી કરવાનો. જેનો અર્થ છે, લગભગ 97800 ટાંકા ઉકેલીને આખી પ્રક્રિયા ફરી એકડેએકથી શરૂ કરવી.
74 વર્ષના આ અશક્ત મહિલા તેમની હસ્તકલા માટે જરૂરી ચોકસાઇ વિશે કહે છે, "એક પણ ભૂલ કરો તો પછી તમે વાકળ [ગોદડી] ને ઠીક ન કરી શકો." તેમ છતાં તેમને એવી એક પણ મહિલા યાદ નથી કે જેણે ક્યારેય વાકળના ટાંકા ઉકેલીને ફરીથી લેવા પડ્યા હોય. તેઓ હસતા હસતા કહે છે, "એકદા શિકલં કી ચૂક હોત નાહી [એકવાર તમે આ કૌશલ્ય બરોબર શીખી લો પછી તમારી ભૂલ ન થાય]."
આ ઝીણવટભરી કળા શીખવાનો ઇરાદો તેમણે ક્યારેય રાખ્યો ન હતો. જીવન – અને જીવન ટકાવી રાખવાની સમસ્યાએ – તેમને સોય ઉઠાવવાની ફરજ પાડી. 1960 ના દાયકાની શરૂઆતમાં તેઓ 15 વર્ષની નવવધૂ હતા ત્યારના પોતાના જીવનની યાદો તાજી કરતા તેઓ કહે છે, "પોટાને શિકાવલં મલા [ગરીબીએ મને આ કળા શીખવી],"
તાનુબાઈ, જેમને લોકો પ્રેમથી આજી (દાદી) કહે છે તેઓ, પૂછે છે, “શાળામાં ભણવાની ઉંમરે મારા હાથમાં પેન ને પેન્સિલને બદલે ખુરપી અને સોય હતા. તમને [શું] લાગે છે હું શાળાએ ગઈ હોત તો આ કૌશલ્ય શીખી શકી હોત?"





















