અમે ટેકરીઓ અને ખેતરોની આસપાસ ચાલતા ચાલતા હાથીના પગલાંના નિશાન શોધી રહ્યા છીએ
અમને રાત્રિભોજનની થાળી કરતાં મોટા હોય એવા પુષ્કળ નિશાન મળે છે, નરમ જમીન પર ઊંડા નિશાન. જૂના નિશાન ધીમેધીમે ભૂંસાઈ રહ્યા છે. બીજા નિશાન ઉપરથી એ પ્રાણીએ શું કર્યું હશે તેનો ખ્યાલ આવે છે: ધીમી ચાલે મારેલી લટાર, નિરાંતે આરોગેલું ભોજન, ઘણી બધી લાદ. અને એ પ્રાણીએ ઉખેડીને આમતેમ ફેંકેલી વસ્તુઓની રહી ગયેલી નિશાનીઓ: ગ્રેનાઈટના થાંભલા, તારની વાડ, વૃક્ષો, દરવાજા...
અમે હાથીની સાથે સંકળાયેલી હોય તેવી દરેક વસ્તુનો ફોટો પાડવા રોકાઈએ છીએ. હું મારા સંપાદકને પગલાંના નિશાનનો ફોટો મોકલું છું. તેઓ આશાપૂર્વક જવાબ આપે છે, "શું ત્યાં આ પગલાં જેના છે એ હાથી પણ છે?" હું પ્રાર્થના કરું છું કે તેમની આશાઓ પર પાણી ફરી વળે.
કારણ કે મેં જે સાંભળ્યું છે તેના પરથી કૃષ્ણાગિરી જિલ્લાના ગંગનહલ્લી કસ્બામાં હાથીઓ તમારા માથે (સૂંઢ મૂકી) આશીર્વાદ આપે અને કેળું માંગે તેવી શક્યતા નથી. મંદિરના હાથીઓ સાથે તે ક્રમ રોજનો હોઈ શકે. આ તેમના જંગલી પિતરાઈ ભાઈઓ છે. અને તેઓ સામાન્ય રીતે ભૂખ્યા હોય છે.
ડિસેમ્બર 2021 માં તમિળનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના રાગી ખેડૂતોને મળવા માટેની મારી સફર અણધારી રીતે મને હાથીઓ તરફ દોરી ગઈ. મને એમ હતું કે ખેતીના અર્થશાસ્ત્રની આસપાસ ચર્ચાઓ થશે. કેટલીક ચર્ચાઓ ચોક્કસ થઇ હતી. પરંતુ મોટે ભાગે મેં એક પછી એક ખેતરમાં સાંભળ્યું કે તેઓ માંડ તેમના પરિવાર પૂરતી જ રાગી (એક પ્રકારની બાજરી) ઉગાડી શકે છે અને તેનું કારણ છે - હાથીઓ. નબળા ભાવો (35 થી 37 રુપિયા પ્રતિ કિલોના ભાવ જે તેમને કોઈ જાતના નફા વિના જેટલો ખર્ચ થયો હોય તે ભરપાઈ કરી આપે તેને બદલે 25 થી 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવ) ની સાથોસાથ આબોહવા પરિવર્તન અને અતિશય ભારે વરસાદથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. હવે તેમાં હાથીઓની સૂંઢ અને દંતશૂળ ઉમેરો અને આ તમામ બાબતોએ મળીને ખેડૂતોની કમર તોડી નાખી છે.
આનંદરામુ રેડ્ડી સમજાવે છે, “હાથી ખૂબ બુદ્ધિશાળી પ્રાણી છે. તેઓ તારના દોરડાને દબાવી રાખીને તારની વાડ કેવી રીતે ઓળંગવી એ શીખી ગયા છે. તેઓ ઇલેક્ટ્રિક વાડને શોર્ટ-સરકિટ કરવા માટે વૃક્ષોનો ઉપયોગ કરવાનું જાણે છે, અને તેઓ હંમેશા ટોળામાં હોય છે." આનંદરામુ - જેમને (લોકો) આનંદ કહીને બોલાવે છે તેઓ - ડેન્કનીકોટ્ટાઈ તાલુકામાં વાડરા પલયમમાં એક ખેડૂત છે. તેઓ અમને મેલાગિરી અભયારણ્યની સરહદ પર લઈ જાય છે. એ ઉત્તર કાવેરી વન્યજીવ અભયારણ્યનો ભાગ છે.


















