તેમના પિતાની પુણ્યતિથિ પર તિરુ મૂર્તિ એક નવીન ભેટ અર્પણ કરે છે: દસ જાતના સાબુ, વિવિધ જાતના નાળિયેરના તેલ, અને તેમનો પ્રખ્યાત હળદરનો પાઉડર. સુંદરમૂર્તિની હાર ચઢાવેલી છબી આગળ આ બધી વસ્તુઓ ઉપરાંત લાલ રંગના કેળાનું ઝૂમખું, ફૂલો, નાળિયેર, પ્રગટાવેલા કપૂર પણ મૂકેલા છે.
તેઓ એક ફેસબુક પોસ્ટમાં પૂછે છે, “પપ્પા માટે આનાથી સારી શ્રદ્ધાંજલિ શી હોઈ શકે?.” તેમના પિતાએ મંજલ (હળદર) ની ખેતી કરવાનું છોડી દીધું હતું. તિરુ ને બધાએ હળદરની ખેતી કરતાં વારવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં તેમણે એ બીડું ઉપાડ્યું. તેઓ હસીને કહે છે, “તેમણે મને મલ્લી (ચમેલી) ઉછેરવાનું કહ્યું, કારણ કે ફૂલો દરરોજ કમાણી કરાવે છે. જ્યારે મેં હળદરની ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે બધા મારી હાંસી ઉડાડતા હતા.” તિરુ એ તે બધાને ખોટા સાબિત કર્યા. તેમની કથા એક વિરલ કથા છે: હળદરની વિજયગાથા.
૪૩ વર્ષીય તિરુ મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ તેને હોલસેલમાં નથી વેચતા – તેઓ કહે છે આવું કરવું વ્યર્થ છે – કારણ કે ત્યાં કિંમતો પર તેમનું કોઈ નિયંત્રણ નથી હોતું. સ્થાનિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે, મોટા વેપારીઓ, કોર્પોરેટ્સ અને સરકારો જ કિંમતો નક્કી કરે છે.
ભારત વિશ્વમાં હળદરના ધીખતા બજારમાં સૌથી મોટો ભાગ ભજવે છે. ૨૦૧૯માં ભારતની નિકાસ ૧૯૦ મિલિયન ડોલરને સ્પર્શી ગઈ હતી – જે વૈશ્વિક વેપારના ૬૨.૬% છે. પણ અહીંયાં એક ખામી એ છે કે એ છે કે ભારત હળદરની આયાત પણ કરે છે, અને એમાં એ વિશ્વમાં બીજા ક્રમે છે જે કુલ આયાતના ૧૧.૩% છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આયાતમાં વધારો થવાથી ભારતના હળદરના ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
ઇરોડની મંડી જેવા સ્થાનિક બજારો પહેલેથી જ તેમનો કસ કાઢી રહ્યા છે. ત્યાં મોટા વેપારીઓ અને ખરીદદારો કિંમત નક્કી કરે છે. ઓર્ગેનિક ઉત્પાદન માટે વિશેષાધિકૃત કિંમત પણ નથી મળતી. અને વધુમાં, વર્ષ-દર-વર્ષે કિંમતમાં ખૂબ જ વધઘટ જોવા મળે છે. ૨૦૧૧માં, હળદરનો ભાવ ક્વિન્ટલ દીઠ ૧૭,૦૦૦ રૂપિયા હતો. જે બીજા વર્ષે ઘટીને લગભગ ચોથા ભાગનો થઇ ગયો હતો. ૨૦૨૧માં તેનો ભાવ ક્વિન્ટલ દીઠ ૭,૦૦૦ રૂપિયા હતો.
કુશળતા, દ્રઢતા, અને સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે, તિરુ એ એક સીધો સાદો ઉકેલ શોધી કાઢ્યો: મૂલ્યવર્ધન. જો કે તેમના આ પ્રયાસની નકલ બધા કરી શકે તેમ નથી, પણ તે એક વિશેષ સિદ્ધિ હતી. તિરુ સમજાવે છે, “ખેતરના ઝાંપે એક નાળિયેર ૧૦ રૂપિયામાં વેચાય છે તે જ નાળિયેરથી હું ત્રણ ગણી કમાણી કરું છું, કારણ કે હું તેમાંથી તેલ કાઢું છું અને તેમાંથી સાબુ બનાવું છું. હળદરમાં પણ આવું જ છે. હું દોઢ એકર જમીન પર તેની ખેતી કરું છું. જો હું ૩,૦૦૦ કિલો હળદરને મંડીમાં વેચું, તો મારે ઓર્ગેનિક હળદરમાં કિલો દીઠ ૫૦ રૂપિયા નુકસાન વેઠવું પડે.”



























