તે નજીકના ગામની મહિલાઓ હતી જેમણે યુદ્ધના મેદાનમાં તેમના પ્રિય સરદારને પામ્યા હતા. તેઓ તેમના પરિવારોમાંથી યોધ્ધાઓ શોધવા આવ્યા હતા. તેના બદલે, તેમણે તેમના અગ્રણી ઉમૈદુરાઈને જીવતા તો પામ્યા પણ તેઓ ખરાબ રીતે ઘાયલ હતા અને તેમનામાંથી લોહી વહી રહ્યું હતું. તેઓએ તેમને કાળજીપૂર્વક ઉપાડ્યા અને ત્રણ માઇલ દૂર તેમના પોતાના ગામમાં પાછા લઈ ગયા.
સૈનિકો થોડી વાર પછી આવી ગયા અને ‘વોન્ટેડ’ ઉમૈદુરાઈને શોધવા લાગ્યા. સ્ત્રીઓએ ઝડપથી તેમને સફેદ કપડાથી ઢાંકી દીધા, વિલાપ કર્યો, ચીસો પાડી અને તેમને કહ્યું કે તેઓ શીતળાના કારણે મરી ગયા છે. આ સાંભળીને સૈનિકો તેમનો જીવ બચાવવા નાસી છૂટ્યા, અને ઉમૈદુરાઈ અને અન્ય પુરુષો બચી ગયા.
આ એક મહાન કથા છે અને તે સાચી પણ છે. તે તમિલનાડુમાં ૨૦૦ વર્ષો પહેલાં ઘટી હતી. ઓગણીસમી સદીની શરૂઆતના બ્રિટીશ અહેવાલોમાં પણ તેનો ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. અને તે હવે તમિલનાડુના પ્રખ્યાત લેખક ચો ધર્મન દ્વારા સુંદર તમિલ સાથે વર્ણવાય છે, જેથી તેમાં ચાર ચાંદ લાગી જાય છે. કોવિડ-૧૯ મહામારીને લઈને વર્તમાન ધારણાઓ, ભય અને ગભરાટના સંદર્ભમાં તેનું વર્ણન કરવાથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. અને આપણને સદીઓ સુધી કઈ રીતે ગામડાઓ વાઈરસ, પ્લેગ અને રોગચાળા સામે લડ્યા તેનો અમુલ્ય મૌખિક ઈતિહાસ મળે છે.
ધર્મન કહે છે કે, “ઉમૈદુરાઈ પંચાલમકુરુચી [દક્ષીણ તમિલનાડુ] ના પોલીગર [નાયક] વિખ્યાત સ્વતંત્રસેનાની વિરાપંડિયા કટ્ટાબોમ્મનના ભાઈ હતા. બહેરા અને મૂંગા હોવાથી ઉમૈદુરાઈને સ્થાનિક લોકો દ્વારા ઊમી અને અંગ્રેજો દ્વારા ડમ્બી કહેવાતા હતા. તેઓ તેમના ભાઈના પ્રિય હતા અને ઇસ્ટ ઇન્ડિયા કંપની કે જે ‘નામચીન અને પ્રખ્યાત સરદાર’ ને ભાંગી નાખવાના મિશન પર હતી તેમના નિશાન પર હતા. તમે આ બધા વિષે કર્નલ જેમ્સ વેલ્શના પુસ્તક મીલીટરી રેમીનીસન્સમાં વાંચી શકો છો.”
પંચાલમકુરુચીની ઐતિહાસિક જંગ ૧૭૯૯માં તમિલનાડુના થુઠુકુડી જીલ્લાના કોવીલપટ્ટી શહેર સ્થિત ધર્મનના ઘરથી ૫૦ કિલોમીટર દૂર લડાઈ હતી. પરંતુ બ્રિટીશ કર્નલ વેલ્શથી વિપરીત, કે જેમણે તેમના સંસ્મરણમાં ઉમૈદુરાઈનો બચાવ કરનારી મહિલાઓને "તુચ્છ અને દેખીતી રીતે અર્ધવિચારી જીવો” કહી છે, ધર્મન ગ્રામજનોના દેશી શાણપણ અને ઉમૈદુરાઈને યુદ્ધના મેદાનથી ઘરે લઈ ગયેલી મહિલાઓના પરાક્રમની ઊંડી પ્રશંસા કરે છે. ધર્મન પૂછે છે કે, “મને બતાવો કે, શું તે હિંમતવાન સ્ત્રીઓ એ જાણતી નહોતી કે તેઓ એક વોન્ટેડ માણસને બચાવી રહી છે, અને સૈનિકો તેમનો પીછો કરશે અને તેમના ઘરોને બરબાદ કરી દેશે?”








