જયશ્રી મ્હાત્રે જ્યારે ઘારાપુરીમાં તેમના ઘર પાસેના જંગલમાં લાકડાં વીણવા ગયા હતા ત્યારે તેમને ડંખ લાગ્યો હતો. બે છોકરીઓની મા, ૪૩ વર્ષીય જયશ્રીએ શરૂઆતમાં તો ડંખની અવગણના કરી, કદાચ એવું વિચારીને કે કોઈ ડાળી તેમને વાગી હશે. જાન્યુઆરી ૨૦૨૦ની તે હળવા શિયાળાની બપોરે તેઓ વીણેલાં લાકડાં લઈને ઘેર જવા નીકળી ગયા.
થોડી વાર પછી, તેઓ તેમના દરવાજા પર ઊભા રહીને એક સંબંધી સાથે વાત કરતી વખતે જમીન પર ઢળી પડ્યાં. શરૂઆતમાં, નજીકના લોકોએ ધાર્યું કે તેઓ નબળાઈને કારણે બેહોશ થઈ ગયા હશે, કારણ કે તેઓ ઉપવાસ કરી રહ્યા હતા.
જયશ્રીની મોટી દીકરી ૨૦ વર્ષીય ભાવિકા યાદ કરીને કહે છે, “મને કહેવામાં આવ્યું હતું કે મા બેભાન થઈ ગઈ છે.” ભાવિકા અને તેની ૧૪ વર્ષીય બહેન ગૌરી બન્નેએ આ ઘટના જોઈ ન હતી કારણ કે તે વખતે તેઓ સંબંધીના ઘેર હતા. તેઓએ આ વિષે હાજર પાડોશીઓ અને સંબંધીઓ પાસેથી સાંભળ્યું હતું, જેઓ કહેતા હતા કે થોડીવાર પછી જયશ્રી ભાનમાં આવ્યા ત્યારે તેમનો હાથ ધ્રૂજતો હતો. ભાવિકા ઉમેરે છે, “કોઈને ખબર નહોતી કે શું થયું છે.”
આ ઘટના ઘટતાં જ કોઈ જયશ્રીના પતિ, ૫૩ વર્ષીય મધુકર મ્હાત્રેને જાણ કરવા દોડી ગયું, જેઓ ઘારાપુરી ટાપુ પર તેમની ખાણીપીણીની દુકાન પર હતા. અરબી સમુદ્રમાં સ્થિત આ ટાપુ એલિફન્ટાની ગુફાઓ માટે જાણીતો છે. મુંબઈ શહેરની નજીકનું આ પ્રવાસી આકર્ષણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે – અહીંના પથ્થરના સ્થાપત્ય છઠ્ઠી થી આઠમી સદીમાં બનાવેલા છે – અને અહીં દર વર્ષે લાખો મુલાકાતીઓ આવે છે. ટાપુના રહેવાસીઓ આવક માટે પ્રવાસન પર આધાર રાખે છે – તેઓ ટોપીઓ, સનગ્લાસ, સ્મૃતિ ચિહ્નો અને ખાવાની વસ્તુઓનું વેચાણ કરે છે; જ્યારે કેટલાક રહેવાસીઓ ગુફાઓના માર્ગદર્શક તરીકે કામ કરે છે.
ભલે આ ટાપુ પ્રવાસી નકશા પર મહત્ત્વના સ્થાને હોય, પણ આ ટાપુ પરના ઘારાપુરી ગામમાં જાહેર આરોગ્ય કેન્દ્ર જેવી પ્રાથમિક તબીબી સુવિધાઓની પણ અછત છે. બે વર્ષ પહેલાં અહીં એક જાહેર આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, પણ તે અત્યારે સૂનું પડેલું છે. અહીં ૧,૧૦૦ લોકોની વસ્તી છે, જેઓ ત્રણ નેસમાં રહે છે: રાજબંદર, શેતબંદર, અને મોરાબંદર. અહીં આરોગ્ય સુવિધાઓનો અભાવ તેમને હોડીની સવારી કરી દૂરના વિકલ્પો શોધવાની ફરજ પાડે છે. આ વિકલ્પ વધુ ખર્ચાળ હોવાની સાથે સાથે તબીબી સારવારમાં વિલંબ પણ થાય છે, અને કેટલાક કિસ્સાઓ જીવલેણ પણ બની શકે છે.














