“તેમને શાળા સુધી લાવવા પણ એક પડકાર છે.”
આચાર્ય શિવજી સિંહ યાદવના શબ્દો પાછળ તેમનો ૩૪ વર્ષનો અનુભવ બોલે છે. યાદવને તેમના વિદ્યાર્થીઓ ‘માસ્ટરજી’ કહીને બોલાવે છે, અને તેઓ ડાબલી ચાપોરીની એકમાત્ર શાળા ચલાવે છે. આસામના માઝુલી જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના આ ટાપુ પર વસતા ૬૩ પરિવારોના મોટાભાગના બાળકો આ શાળામાં ભણે છે.
ધોને ખોના મઝદુર નિમ્નતર પ્રાથમિક શાળાના એકમાત્ર વર્ગખંડમાં તેમના ટેબલ પર બેઠેલા, શિવજી તેમની આસપાસ જુએ છે, અને તેમના વિદ્યાર્થીઓ તરફ સ્મિત કરે છે. એકતાલીસ તેજસ્વી ચહેરાઓ – બધા ૬ થી ૧૨ વર્ષના બાળકો અને ૧-૫ ધોરણના વિદ્યાર્થીઓ – તેમની તરફ પાછા જુએ છે. તેઓ કહે છે, “ભણાવવું, અને ભૂલકાઓને શીખવવું એ એક મોટો પડકાર છે. તેમને તો અહીંથી બસ ભાગી જ જવું હોય છે.”
ભારતીય શિક્ષણ પ્રણાલીની સમીક્ષા કરવાની શરૂઆત કરતા પહેલા, તેઓ થોભે છે અને કેટલાક મોટા વિદ્યાર્થીઓને બોલાવે છે. તેઓ તેમને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલા આસામી અને અંગ્રેજી ભાષાના વાર્તાના પુસ્તકોનું પેકેટ ખોલવાની સૂચના આપે છે. તેઓ જાણે છે કે નવા પુસ્તકોની ઉત્તેજના તેમના વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખશે અને ત્યાં સુધી તેમને અમારી સાથે વાત કરવાનો સમય મળી જશે.
તેઓ પ્રાથમિક શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા કહે છે, “સરકાર કૉલેજના પ્રોફેસરને જેટલો પગાર આપે છે, તેટલો જ પગાર તેમણે પ્રાથમિક શાળાના શિક્ષકને પણ આપવો જોઈએ; [શિક્ષણનો] પાયો નાખનાર અમે જ છીએ.” પરંતુ, તેઓ કહે છે કે, મા-બાપ પ્રાથમિક શિક્ષણને ગંભીરતાથી લેતાં નથી, એવું માનીને કે માત્ર હાઈસ્કૂલનું શિક્ષણ જ મહત્ત્વનું હોય છે. તેઓ આ ખોટી માન્યતાને સુધારવા માટે સખત મહેનત કરે છે.

















