કલાવતી સોની કહે છે, "કેટલીકવાર કોઈ મહિલા મને ફોન કરે છે અથવા કોઈ પુરુષ સંબંધીને રાત્રે મારે ઘેર કોન્ડોમનું પેકેટ લેવા મોકલે છે." મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડતા ટીકરી ગામના આ 54 વર્ષના ‘ડેપો દીદી’ ને રાત્રે મોડે સુધી જાગવું પડે તેનો કોઈ વાંધો નથી. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના આ ગામમાં તેમના નાના ઘરના વરંડામાં ચારપાઈ (ખાટલી) પર બેસીને તેઓ મજાકમાં કહે છે, "હું રાત્રે પણ સેવા આપું છું." કલાવતી તેમના કામ વિશે કહે છે, "ઈતની કોઈ બડી બાત નહીં હૈ [એમાં કંઈ એવી મોટી વાત નથી].”
ગામમાં કાર્યરત એક બિન-સરકારી સંસ્થા પાસેથી ‘ડેપો દીદી’ વિશે સાંભળીને અમે કુતૂહલથી તેમને ઘેર આવી પહોંચ્યા છીએ. કલાવતી તેમના પૌત્રને બૂમ પાડીને કહે છે, "અરે એય, જા પેલો થેલો લઈ આવ." થોડીક જ સેકન્ડમાં એ નાનકડો છોકરો બે માળના પાકા મકાનમાંથી ઠસોઠસ ભરેલી પ્લાસ્ટિકની થેલી લઈને દોડતો આવે છે. કોન્ડોમ, સેનિટરી નેપકિન્સ, ગર્ભનિરોધક ગોળીઓ, ઓરલ રિહાઈડ્રેશન પેકેટ્સ જેવી કંઈક ચીજવસ્તુઓ થેલીમાંથી બહાર પડી જાય છે. તેઓ એ બધી વસ્તુઓને પ્રદર્શનમાં મૂકી હોય એમ ચારપાઈ પર વ્યવસ્થિત ગોઠવે છે.
તેઓ કોઈ કવિતાની ધ્રુવપંક્તિની જેમ એ જ વાત ફરી દોહરાવે છે, "ઈતની કોઈ બડી બાત નહીં હૈ." તેઓ ટીકરીના ‘ડેપો દીદી’ ની ભૂમિકા શી રીતે ભજવવા લાગ્યા તે સમજાવતા તેઓ કહે છે, "પહેલા હું ઘર-પરિવારની નાની નાની બાબતો વિશે વાત કરતી. અમે તેમના ઘરની પરિસ્થિતિ, સાસુ વિશેની ફરિયાદો, બાળકો વિશે થોડી ચર્ચા કરીએ. હું ધીરજથી સાંભળુ. એવું છે ને કે હું બહુ વાતોડિયણ છું, ધીમે ધીમે આ વાતચીતથી મને સમજાવા માંડ્યું કે બધી મહિલાઓ એકસરખી જ સમસ્યાઓનો સામનો કરે છે. તો પછી એકબીજાને મદદ કેમ ન કરવી? બસ વાત આટલી જ છે."
તેમને મળેલું આ નામ 'ડેપો હોલ્ડર' શબ્દ પરથી આવે છે, જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરતી અને લોકોને સ્વાસ્થ્ય વિષયક સારી ટેવો અનુસરવા પ્રોત્સાહન આપતી સમુદાયની મહિલાઓ માટે વપરાતો આરોગ્ય ક્ષેત્રની પરિભાષાનો આ શબ્દ છે. પરંતુ કલાવતી ઔપચારિક રીતે ગામડાઓમાં ડેપો હોલ્ડર તરીકે કામ કરતા આંગણવાડી કાર્યકર કે માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - આશા) નથી. કે નથી તેઓ ઝોલા છાપ (લાયસન્સ વિનાના મેડિકલ પ્રેક્ટિશનર - કાનૂની અનુમતિપત્ર વિનાના વ્યવસાયી ચિકિત્સક). તેઓ મહિલાઓને મૂળભૂત પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ જરૂરિયાતો માટે જરૂરી હોય તેવી લગભગ દરેક વસ્તુઓ રાખે છે, અને તેમની જાતીય અને પ્રજનન સંબંધિત ચિંતાઓ વિશે તેમની સાથે વાત પણ કરે છે.







