ખંડુ માને અઠ્ઠ્યાની પીઠ પરના છાલકામાં ગણી ગણીને કાચી ઈંટો મૂકે છે “ચૌદ, સોળ, અઢાર... .” અને (અઢાર ઈંટો થઈ ગયા) પછી ગધેડાને સૂચના આપે છે: "ચલા...ફર્રર્રર્રર્ર...ફર્રર્રર્રર્ર..." અઠ્ઠ્યા અને બોજ લાદેલા બે ગધેડા ત્યાંથી લગભગ 50-મીટર દૂર આવેલી ભઠ્ઠી તરફ ચાલવાનું શરૂ કરે છે. એ ઈંટોને આગમાં પકાવવા માટે ત્યાં ઉતારવામાં આવશે.
ખંડુ કહે છે, “બસ હવે બીજો એક કલાક અને પછી આરામ." પણ હજી તો સવારના નવ જ વાગ્યા છે! અમારા મૂંઝવણભર્યા ચહેરાઓ જોઈને તેઓ સમજાવે છે: “અમે મધરાતે એક વાગ્યે અંધારામાં કામ શરૂ કર્યું હતું. અમારી પાળી સવારે 10 વાગ્યે પૂરી થાય છે. રાતભર હે અસંચ ચાલુ આહે [અમે આખી રાત આ જ રીતે કામ કર્યું છે].”
ખંડુના ગધેડાની ટોળીમાંના ચાર ગધેડા તેમના ખાલી છાલકા સાથે ભઠ્ઠીમાંથી પાછા ફર્યા છે. તેઓ ફરીથી નવેસરથી (ગણતરી) શરૂ કરે છે: "ચૌદ, સોળ, અઢાર ..."
ત્યાં જ અચાનક તેઓ તેમના એક ગધેડાને મોટેથી બૂમ પાડીને હિન્દીમાં કહે છે, “રુકો…” તેઓ ખુલ્લા દિલથી હસીને કહે છે, “આપણા સ્થાનિક ગધેડા મરાઠી સમજે છે, પરંતુ આ નથી સમજતું. આ ગધેડું રાજસ્થાનનું છે. અમારે તેને હિન્દીમાં સૂચના આપવી પડે છે." અને અમને સાબિત કરી બતાવવા કહે છે: રુકો. એ ગધેડું અટકી જાય છે. ચલો. (કહેતા) એ ચાલવા લાગે છે.
ખંડુનું તેમના ચોપગા મિત્રો વિશેનું ગૌરવ સ્પષ્ટ જણાઈ આવે છે. “લીંબુ અને પાંઢર્યા બહાર ચરી રહ્યા છે, અને એ જ રીતે મારી સૌથી પ્રિય બુલેટ પણ. તે ઊંચી અને રૂપાળી અને ખૂબ ચપળ છે!”
















