વંદના ઉંબરસદા તેની સાત વર્ષની પૌત્રીની 5 રુપિયાની માગણીની હઠનો ઉલ્લેખ કરતા કહે છે, “સોમવાર [16મી માર્ચ] થી અમને કોઈ કામ મળ્યું નથી. હું પૈસા ક્યાંથી લાવું?”
મહારાષ્ટ્રના વાડા તાલુકાના વિવિધ બાંધકામ સ્થળો પર કામ કરતી 55 વર્ષની વંદના, પાલઘર જિલ્લાના કાવતેપાડામાં તેના આંગણમાં બેઠી છે, તે કહે છે, “અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે. મારા દીકરાએ મને ઘેર રહેવાનું કહ્યું કારણ કે આપણી આસપાસ એક બિમારી ફેલાઈ છે અને સરકારે આપણને ઘરની બહાર ન નીકળવાનું કહ્યું છે. ”
લગભગ સાંજના 4 વાગ્યાનો સમય છે, અને વંદનાના ઘણા પડોશીઓ તેના ઘરની બહાર ભેગા થઈ વિવિધ બાબતો પર, મુખ્યત્વે હાલના કોવિડ -19 ને કારણે ઊભા થયેલા સંકટ અંગે, ચર્ચા કરે છે. તેમાંથી માત્ર એક યુવતી કહે છે કે વાત કરતી વખતે દરેકે થોડું અંતર જાળવવું જોઈએ. અહીંના લોકોના અંદાજ પ્રમાણે કાવતેપાડામાં આશરે 70 ઘરો છે અને દરેક પરિવાર આદિવાસીઓના વારલી સમુદાયનો છે.
જ્યાં સુધી રાજ્યવ્યાપી લોકડાઉન શરૂ થયું ન હતું ત્ત્યાં સુધી વંદના અને તેની પાડોશણ મનિતા ઉંબરસદાનો દિવસ સવારે 8 વાગ્યે શરૂ થતો અને તેઓ એકાદ કલાક ચાલીને લગભગ દસેક કિલોમીટર દૂર વાડા શહેર અને તેની આસપાસના બાંધકામના સ્થળો પર પહોંચતા. ત્યાં સવારે 9 થી સાંજના 6 સુધી મજૂરી કરીને તેઓ 200 રુપિયા કમાતા. વંદના કહે છે કે આ રીતે તેને મહિને લગભગ 4,000 રુપિયા મળી રહેતા . પરંતુ હવે બાંધકામના સ્થળોના ઠેકેદારો પાસે તેને માટે કોઈ કામ નથી.
તે કહે છે, “મારા પુત્રોને પણ કોઈ કામ મળતું નથી. અમારે અનાજ ખરીદવું છે પરંતુ કામ કર્યા વિના અમને પૈસા કેવી રીતે મળશે? અમારું રેશન ખલાસ થઇ જવા આવ્યું છે. અમે બાળકોને શું ફક્ત ચટણી બનાવીને ખવડાવીએ? હું ઇચ્છું છું કે આનો જલ્દી અંત આવે."
વંદનાને ત્રણ પુત્રો અને 11 પૌત્ર-પૌત્રીઓ છે. તેના પુત્રો વાડામાં ઇંટોની ભઠ્ઠીઓ પર અથવા બાંધકામના સ્થળો પર કામ કરે છે. વાડા તાલુકાના 168 ગામોમાં કુલ મળીને 154,416 લોકોની વસ્તી છે. સ્થાનિક દુકાનમાં કામ કરતા વંદનાના પતિ લક્ષ્મણને અતિશય દારૂ પીવાની લત હતી. તેના કારણે તબિયતને લગતી ગૂંચવણો ઊભી થઈ, પરિણામે 15 વર્ષ પહેલાં તે મૃત્યુ પામ્યો .
કાવતેપાડાથી ઘણા લોકો તેમના પરિવારોને અહીં જ છોડીને વરસમાં અમુક નિશ્ચિત સમય દરમ્યાન કામ મેળવવા - લગભગ 90 કિલોમીટર દૂર - મુંબઇ સ્થળાંતર કરે છે. વંદના કહે છે, “મારો પુત્ર અને પુત્રવધૂ ભિવંડીમાં [પાડાથી આશરે 45 કિલોમીટર] એક બાંધકામ સ્થળ પર ત્રણ મહિના માટે દાડિયા તરીકે કામ કરવા ગયા છે. તેમના બાળકોને ખવડાવવાની અને તેમની સંભાળ લેવાની જવાબદારી મારી પર છે. હવે શાળાઓ બંધ હોવાથી તેઓને મધ્યાહ્ન ભોજન પણ મળતું નથી.”
વાડા શહેરમાં બાંધકામના સ્થળો પર કામ કરતો તેનો વચલો પુત્ર, 32 વર્ષનો મારુતિ, કહે છે, "સરકારે આ રોગને બધે ફેલાતો અટકાવવા બધું જ બંધ કરી દીધું છે." તે પણ 16મી માર્ચથી બેકાર છે.
તે કહે છે, "ન્યૂઝ ચેનલોમાં બતાવાય છે કે આપણે આ રોગ સામે લડવા માટે દર કલાકે સાબુથી હાથ ધોવા જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ." અને ઉમેરે છે, "પરંતુ જો અમે પહેલા જ ભૂખે મરી જઈશું તો સાબુ અમારી જિંદગી નહિ બચાવી શકે ."
તે કાવતેપાડામાં 12 બાય 12 ફૂટના મકાનમાં તેની માતા, ભાભી વૈશાલી, પત્ની મનીષા (તે બંને ગૃહિણીઓ છે) અને બે બાળકો સાથે રહે છે. તે કહે છે, “મારી ભાભીને દર અઠવાડિયે હોસ્પિટલમાં લઈ જવી પડે છે. તેને વધારે ડાયાબિટીસ છે અને તેને નિયમિત રીતે ઇન્જેક્શનની જરૂર પડે છે." ઇન્સ્યુલિનના એક ઇન્જેક્શનની કિંમત 150 રુપિયા છે. " મને જે દાડિયું મળે છે તેમાંથી અમે માંડ માંડ અમારું ગુજરાન ચલાવીએ છીએ. કોઈ કામ કર્યા વિના હું મારા કુટુંબની સંભાળ શી રીતે રાખીશ? ”
વંદનાની બાજુમાં રહેતી 48 વર્ષની મનીતા ઉંબરસદા તે દિવસે બપોરે બહાર ભેગા થઈ વાત કરનારા જૂથમાંની એક છે. તે પણ બાંધકામના સ્થળોએ ભારે માલસામાન એક જગ્યાએથી ઉપાડી ને બીજે ઉતારવાના કામના આઠ કલાકની મજૂરીના એક દિવસના 200 રુપિયા કમાય છે. તે કહે છે, “ખેતીના કામ કરતા આ કામ હજી ય સારું છે. કમ સે કમ અહીં અમને સમયસર પગાર તો મળે છે અને આખો દિવસ તડકામાં કામ નથી કરવું પડતું . પરંતુ હવે કોઈ અમને વાડામાં કામ આપતું નથી, એટલે અમારે નજીકમાં ખેતીનું કામ શોધવા જવું પડશે."
તેઓ હાલ પૂરતું તો સંઘરેલા અનાજથી નભાવી રહ્યા છે જે આ મહિના પૂરતું તો ચાલી જશે , પરંતુ કોઈ કામ અથવા પૈસા વગર આગામી દિવસોમાં તેઓ શી રીતે જીવી શકશે એ જ શંકા છે
મનિતાનો પતિ, 50 વર્ષનો બાબુ 10 વર્ષ પહેલાં ડાયાબિટીસમાં પોતાનો પગ ગુમાવી ચૂક્યો હતો અને ત્યારબાદ તે કામ કરતો નથી - તે ભાડાની ખેતી કરતો હતો. તેમને પાંચ પુત્રો છે. તે બધા પણ વાડામાં બાંધકામના સ્થળોએ અથવા નાના કારખાનામાં કામ કરે છે. તેનો સૌથી નાનો પુત્ર, 23 વર્ષનો કલ્પેશ, પાઈપ બનાવવાની ફેક્ટરીમાં મહિને 7,000 રુપિયાના પગારે કામ કરે છે. તે કહે છે, “તેઓએ અમને કામ પર ન આવવા કહ્યું છે. અમે જાણતા નથી કે તેઓ અમારો પગાર કાપશે કે નહીં." તે ચિંતિત છે.
આ પરિવારમાં છ પૌત્ર-પૌત્રીઓ સહિત 15 લોકો છે. હાલમાં કોઈની કંઈ જ આવક નથી. તેઓ હાલ પૂરતું તો સંઘરેલા અનાજથી નભાવી રહ્યા છે જે આ મહિના પૂરતું તો ચાલી જશે , પરંતુ કોઈ કામ અથવા પૈસા વગર આગામી દિવસોમાં તેઓ શી રીતે જીવી શકશે એ જ શંકા છે.
ત્રણ મકાન દૂર રહેતો, 18 વર્ષનો સંજય તુમ્ડા કહે છે કે તે 17મી માર્ચથી કંઈ જ કમાયો નથી. તે પાલઘર જિલ્લામાં ઇંટોની ભઠ્ઠીઓ પર મહિનાના લગભગ 20 દિવસ કામ કરે છે. તેને રોજના 300-400 રુપિયા લેખે દાડિયું મળે છે . વાડાનો એક ઠેકેદાર કોઈ કામ હોય તો તેને જાણ કરે છે. તે એક અઠવાડિયાથી આવ્યો નથી. સંજય કહે છે, “મેં સમાચારમાં જોયું કે આ મહિને બધી જ દુકાનો બંધ રહેશે. અમારી પાસે પહેલેથી જ અનાજ ઓછું છે. આવતા અઠવાડિયાથી અમારું અનાજ ખલાસ થવા માંડશે. ”
બાંધકામના સ્થળે કામ કરતો 20 વર્ષનો અજય બોચલ પણ આ જ ચિંતા વ્યક્ત કરે છે. “મારી માતા હવે બે દિવસથી ફક્ત સરગવાની શીંગનું શાક બનાવે છે. જો મને જલ્દી કામ નહીં મળે, તો અમારે બીજા પાસેથી પૈસા માગવા પડશે/ઉછીના લેવા પડશે." 42 વર્ષની અજયની માતા સુરેખા હવે થાકી જાય છે અને એટલે તેણે કેટલાક મહિના પહેલા વાડા શહેરમાં લોકોને ઘેર કામવાળી બાઈ તરીકે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેનો પતિ સુરેશ ખૂબ દારૂ પીએ છે અને છેલ્લા કેટલાક સમયથી કામ કરતો નથી.
કુટુંબનું રેશન લગભગ ખલાસ થઈ ગયું છે. અજય કહે છે, “અમને સરકારની જાહેર વિતરણ યોજના [PDS] હેઠળ દર મહિને [2 રૂપિયે કિલોના ભાવે] 12 કિલો ઘઉં અને [3 રુપિયે કિલોના ભાવે] 8 કિલો ચોખા મળે છે. હવે આ મહિનાનું અનાજ ખરીદવા અમારે પૈસાની જરૂર છે." વાડાની PDSની દુકાનમાં દર મહિનાની 10મી તારીખે જથ્થાબંધ અનાજ આવે છે. અજય કહે છે કે તેઓ 10મી તારીખ પછી ગમે ત્યારે, જ્યારે તેમનું રેશન લગભગ ખલાસ થવા આવે ત્યારે દુકાને જાય છે. ગયા અઠવાડિયે 20મી માર્ચ સુધીમાં, પરિવારનું સંઘરેલું રેશન લગભગ ખલાસ થઈ ગયુ. મેં બે રાત પહેલા જ્યારે અજય સાથે ફોન પર વાત કરી હતી, ત્યારે પણ પરિવારને હજી અનાજ મળ્યું નહોતું. રાત્રે વાળુ કરવા માટે તેની પાસે થોડા ચોખા અને દાળ હતા. અજયને આશા છે કે તેની માતાને નજીકના ફાર્મહાઉસ પર કામ મળી જશે.
મુંબઇના પરેલની KEM હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને સર્જન ડો. અવિનાશ સુપે કહે છે, “દાડિયા મજૂરો માટેની તાત્કાલિક સમસ્યા કોવિડ -19 નથી, એ છે તેમનો ડર કે તેમને જમવાનું મળશે નહીં. મજૂરોને રોજિંદી આવકની જરૂર હોય છે, પરંતુ પરપ્રાંતીય મજૂરો હમણાં તેમના ગામોમાં પાછા ન જાય તે મહત્વનું છે. ગ્રામીણ [વિસ્તારો] થી શહેરોમાં અથવા અન્યથા કોઈપણ પ્રકારની હિલચાલ ફક્ત સામુદાયિક સંક્રમણની શક્યતામાં વધારો કરશે. આપણે પણ વાયરસ વિશે અને જે સાવચેતી રાખવી જોઈએ તે વિશે મોટા પ્રમાણમાં લોકોને શિક્ષિત કરવાનું શરૂ કરવાની જરૂર છે. "
કાવતેપાડાના રહેવાસીઓ માટે સૌથી નજીકનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) વાડા શહેરમાં આવેલું છે. વાડાની સરકારી ગ્રામીણ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. શૈલા અધાઉ કહે છે, “અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે અને કોરોના વાયરસ સંબંધિત કોઈપણ પરીક્ષણો કરવા માટે અમારી પાસે કોઈ સુવિધા નથી. અમે ફક્ત સરળ રક્ત પરીક્ષણ કરી શકીએ છીએ. આપણે આ વાયરસના વધુ પ્રસારને રોકવો પડશે અને એકાંતવાસ એ તે માટેનો એકમાત્ર રસ્તો છે."
પરંતુ કાવતેપાડાના રહેવાસીઓ માટે અત્યારે એકાંતવાસ એ કામ, આવક અને ભોજન કરતાં ઓછી તાકીદનું છે. વંદનાએ ચિંતાથી કહ્યું, “મોદી સરકારે વાયરસના ફેલાવાને કારણે બધું બંધ રાખવાનું અને ઘેર રહેવાનું કહ્યું છે. પણ અમને ઘેર રહેવાનું કેવી રીતે પોસાય?’
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક