આ વર્ષે માર્ચ મહિનાની એક બપોરે બળબળતા તાપમાં પાણીના ત્રણ ઘડા ઊંચકીને જઈ રહેલ 24 વર્ષની મમતા રિંજાડ કૂવેથી તેના ઘરે જવાના ખાલીખમ રસ્તા પર બેભાન થઈ ગઈ. “કોઈએ મને એક મડદાની જેમ રસ્તા પર પડેલી જોઈ નહીં,” તે કહે છે. “જ્યારે 20 મિનિટ પછી મારી આંખ ખુલી, ત્યારે [મેં જોયું કે] મારાથી બધુંજ પાણી ઢોળાઈ ગયું હતું. જેમતેમ કરતા હું ચાલીને ઘરે પહોંચી અને મેં મારા પતિને ઉઠાડ્યો, જેણે મારા માટે નમક-શકર [મીઠું-ખાંડ]નું પાણી બનાવ્યું.”
આ વર્ષે, ગલતારેની બીજી સ્ત્રીઓની જેમ, મમતાએ ત્રણ કિલોમીટર દૂર ખોદાયેલા કૂવાની તેની થકવી નાખનારી ઉનાળુ યાત્રા અગાઉ કરતા ખૂબ વહેલા શરૂ કરવી પડી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ગળતારે ગામમાં ખોદાયેલા બે કૂવા ફેબ્રુઆરી મહિનામાં પૂરેપૂરા સૂકાઈ ગયા હતા. અગાઉના વર્ષોમાં, અહીંના લોકો કહે છે, ગામના ખોદાયેલા કૂવામાંનું પાણી – જેનો પીવા અને રાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે –મે મહિનાની શરૂઆત સુધી ટકતું હતુ. ત્યાર પછી સ્ત્રીઓ દૂરના કૂવા સુધી ચાલવું પડે છે, જેમાં સામાન્ય રીતે થોડું પાણી બચેલું હોય છે. પણ 2019માં, અછત ઘણાં મહિના વહેલી શરૂ થઈ ગઈ.
"અમારે દરેક વર્ષે પાણી માટે હાડમારી સહેવી પડે છે, પણ આ વર્ષે, પાણીના અમારા બધાજ સ્ત્રોતો સૂકાઈ રહ્યાં છે," 42 વર્ષના મનાલી પડવાળે કહે છે; જે મમતાની જેમ ગામની નજીકના એક વિશાળ મંદિરના પરિસરમાં 155 રૂપિયાના રોજે સફાઈ કામદાર તરીકે કામ કરે છે, અને તેમના પતિ ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. “અમને એકપણ વાર પાણીના ટેન્કર પૂરાં પાડવામાં આવ્યાં નથી અને અમારી પાસે તે ખરીદવા માટે પૂરતાં પૈસા પણ નથી,” તે ઉમેરે છે.
ગામથી લગભગ અડધો કિલોમીટર દૂર વહેતી વૈતરણા નદી ગળતારેના 2,473 નિવાસીઓ માટે (વસ્તી ગણતરી 2011), જેમાંથી મોટા ભાગના કોળી મલ્હાર અને વાર્લી આદિવાસી સમુદાયના છે, પાણીના મુખ્ય સ્ત્રોતોમાંથી એક છે. આ વર્ષે મે સુધીમાં તો નદી માત્ર પથ્થરોનો ઢગલો થઈ ગઈ છે અને તેમાં ભાગ્યેજ પાણી વધ્યું છે. ગળતારેના લોકો કહે છે કે અગાઉના ઉનાળાઓમાંવૈતરણામાં વધુ પાણી હતું. “નદીમાં [હવે] વધેલા જરાક અમથા પાણીનો ઉપયોગ પશુઓને નવાડાવવામાં કરવામાં આવે છે અને પછી એજ ગંદુ પાણી ગામના નળમાં આવે છે," મનાલી ઉમેરે છે.












