સોહન સિંઘ ટીટાનું ક્યારેય હાર ન માનવાનું વલણ જમીન પર અને પાણીમાં લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થાય છે. ભુલે ચક ગામ અને તેની નજીકની શેરીઓ પર, તેઓ ઘણીવાર ધુમાડા અને ધૂળના વાદળોની પાછળથી આવતા જોવા મળે છે, એક ભગવાન જેવું રૂપ ધારણ કરીને તેઓ તેમની મોટરબાઈક પર સવાર થઈને પૌષ્ટિક શાકભાજી વેચવા માટે આવે છે. પરંતુ તેઓ આના માટે નહીં, પણ તેમની ડૂબકી લગાવીને લોકોના જીવ બચાવવાની કુશળતા માટે પ્રખ્યાત છે. સોહન પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા તેમના ગામ નજીક સિંચાઈની નહેરોમાંથી લોકોને સલામત બહાર કાઢવા માટે ઘણીવાર તેમાં કૂદી પડે છે.

છેલ્લાં 20 વર્ષથી આ કામ કરતા 42 વર્ષીય સોહન કહે છે, “લોકોને ડૂબવાથી બચાવવા એ મારું કામ તો નથી. પણ હું તે કરું છું.” સોહન વર્ષોથી તેમણે બહાર કાઢેલા મૃતદેહોની સંખ્યા પર ભાર મુકતાં કહે છે, “તમે વિચારતા હશો કે, ‘જળ એ જ જીવન છે’. પણ મેં હજારો વખત તેને ખરેખર મોતનું કારણ બનતાં જોયું છે.”

ગુરદાસપુર અને તેના પડોશી જિલ્લા પઠાણકોટ બન્નેમાં, નહેરમાં પડી ગયેલા વ્યક્તિને બચાવવા કે પછી મૃતદેહને બહાર લાવવા માટે જે લોકોને સૌપ્રથમ બોલાવવામાં આવે છે, તેમાં સોહનનો પણ સમાવેશ થાય છે. તે માણસ અકસ્માતથી ત્યાં પહોંચ્યો હતો કે આત્મહત્યાના પ્રયાસમાં ત્યાં પહોંચ્યો હતો તેની પરવા કર્યા વગર, સોહન કહે છે કે, “કોઈ વ્યક્તિ નીચે પડી ગયો છે તેની જાણ થતાં જ હું પાણીમાં કૂદી પડું છું. હું તે વ્યક્તિને જીવતો શોધવા માંગુ છું.” પણ જો માણસ મૃત હાલતમાં મળી આવે, તો “હું ઈચ્છું છું કે તેમના સંબંધીઓ એક છેલ્લી વાર તેમનો ચહેરો જોઈ શકે.” તેઓ શાંતિથી કહે છે, અને હજારો જીવ ગુમાવ્યાનું દુઃખ તેમના નિવેદનને ભરી દે છે.

સોહન દર મહિને નહેરોમાંથી ઓછામાં ઓછા 2-3 મૃતદેહોને બહાર કાઢે છે. તેમના અનુભવોને દાર્શનિકની જેમ વિચારીને તેઓ તેનો અરથ કાઢે છે. તેઓ મને કહે છે, “જીવન એક વાવાઝોડા જેવું છે. તે એક એવું ચક્ર છે જે એક જ ક્ષણે સમાપ્ત થાય છે અને શરૂ પણ થાય છે.”

PHOTO • Amir Malik

સોહન સિંઘ ટીટા તેમની શાકભાજીની લારીને તેમની મોટરબાઈકલ સાથે જોડે છે, જેને લઈને તેઓ આખા ભુલે ચક ગામ અને ગુરદાસપુર જિલ્લાના નજીકના સ્થળોએ ફરે છે

ભુલે ચક નજીકની શાખા નહેરો, ઉપરી બારી દોઆબ કેનાલ (યુબીડીસી)ની 247 વિતરક શાખાનો ભાગ છે, જે રાવી નદીના પાણીને ગુરદાસપુર અને પઠાણકોટ સહિત પંજાબના કેટલાક જિલ્લાઓમાં પહોંચાડે છે. ઐતિહાસિક રીતે નોંધપાત્ર આ નહેર પ્રણાલી, રાવી અને બિયાસ નદીઓ વચ્ચેના દોઆબ પ્રદેશને પાણી પૂરું પાડે છે. (‘દોઆબ’ એટલે બે નદીઓ વચ્ચેની જમીન).

હાલની નહેરનાં મૂળિયાં 17મી સદીમાં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલ નહેરમાં છે. પછીથી મહારાજા રણજિત સિંહના શાસનકાળમાં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને ત્યારપછી બ્રિટિશ રાજ દ્વારા 19મી સદીમાં તેને સિંચાઈ નહેર તરીકે વિકસાવવામાં આવી હતી. આજે, યુબીડીસી દોઆબના જિલ્લાઓમાંથી પસાર થાય છે અને 5.73 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે.

ભુલે ચકના લોકો આ નહેરને બડી નહર (‘મોટી નહેર’) કહે છે. આ જળાશયની નજીક ઉછરેલા સોહન માટે નહેરોની આસપાસ સમય પસાર કરવો સ્વાભાવિક બાબત હતી. તેઓ કહે છે, “હું મારા મિત્રો સાથે તરતો હતો. તે સમયે અમે ભૂલકાઓ હતા, અને નહેરો અને નદીઓ કેટલી ઘાતક બની શકે છે તે અંગે ખૂબ ઓછા ચિંતિત હતા.”

સૌપ્રથમ વાર હું 2002માં મૃતદેહ શોધવા માટે નહેરમાં ઊતર્યો હતો. ગામના સરપંચે નહેરમાં ડૂબી ગયેલા કોઈ વ્યક્તિને શોધવા માટે મને કહ્યું હતું. તેઓ કહે છે, “મને મૃતદેહ મળ્યો અને તેને હું કિનારે લઈ આવ્યો. તે એક છોકરો હતો. જેવું મેં તેના શબને મારા હાથમાં પકડ્યું, તેવો પાણી સાથેનો મારો સંબંધ કાયમ માટે બદલાઈ ગયો. પાણી મને ભારે લાગવા લાગ્યું અને મારું હૃદય પણ. તે દિવસે, મને સમજાયું કે દરેક જળાશય - નદી, નહેર, સમુદ્ર, મહાસાગર - બલિદાન માંગે છે. તે જીવન માંગે છે. તમે પણ સહમત છો ને?”

તેમના ગામથી 50 કિલોમીટરના અંતરે આવેલા બટાલા, મુકેરિયન, પઠાણકોટ અને તિબરીના લોકો તેમની સેવા માટે તેમનો સંપર્ક કરે છે. જો તેમને દૂરના સ્થળોએ બોલાવવામાં આવે તો, સોહન કોઈ ટુ-વ્હીલર પર સવારી કરીને જાય છે. નહિંતર, તેઓ શાકભાજીની લારીવાળી તેમની મોટરબાઈકને લઈને ઘટનાસ્થળે પહોંચી જાય છે.

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ડાબે: શાકભાજી વેચવી એ સોહનની આવકનો એકમાત્ર સ્રોત છે. જમણે: ભુલે ચકથી લગભગ બે કિલોમીટર દૂર, તિબરી ખાતે ઉપરી બારી દોઆબ કેનાલ

સોહન કહે છે કે ક્યારેક તેઓ જે વ્યક્તિનો જીવ બચાવે છે અથવા જેનો મૃતદેહ બહાર કાઢે છે તે વ્યક્તિના પરિવારજનો તરફથી તેમને 5,000-7,000 રૂપિયા આપવામાં આવે છે.પણ તેમને પૈસા લેવાનું પસંદ નથી. શાકભાજી વેચીને તેઓ એક દિવસમાં જે 200-400 રૂપિયા કમાય છે તે જ તેમની એકમાત્ર કમાણી છે. તેમની પાસે થોડીક પણ જમીન નથી. આઠ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા થયા ત્યારથી તેઓ તેમની 13 વર્ષીય પુત્રીના એકલા માતા-પિતા છે અને તેઓ તેમનાં 62 વર્ષીય માતાની પણ સંભાળ રાખે છે.

સોહન કહે છે કે કેટલીકવાર ખતરો અણધારી જગ્યાઓએ છુપાયેલો રહે છે. તેમને ત્રણ વર્ષ પહેલાંની એક ઘટના યાદ છે, જ્યારે તિબરી (ભુલે ચકથી લગભગ બે કિલોમીટર) ખાતે એક મહિલાને નહેરમાં કૂદતી જોઈને તેઓએ તરત જ છલાંગ લગાવી હતી. સોહન કહે છે, “તેઓ 40 વર્ષનાં હતાં. તેઓ મને તેમનો જીવ બચાવવા દેતાં ન હતાં. તેમણે મને પણ તેમની સાથે ખેંચવાનું શરૂ કર્યું હતું.” જીવ બચાવવાના તે 15-20 મિનિટના સંઘર્ષમાં તેમણે તે સ્ત્રીના વાળ પકડીને તેણીને બહાર કાઢી હતી. “ત્યાં સુધીમાં તે બેહોશ થઈ ગઈ હતી.”

સોહનની નિપુણતા પાણીમાં લાંબા સમય સુધી શ્વાસ રોકી રાખવાની તેમની ક્ષમતામાં રહેલી છે. તેઓ કહે છે, “હું 20 વર્ષનો હતો ત્યારથી, હું પાણીની અંદર ચાર મિનિટથી વધુ સમય સુધી મારો શ્વાસ રોકી શકતો હતો. હવે તે ઘટીને ત્રણ મિનિટ થઈ ગયો છે.” પરંતુ તેઓ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરતા નથી. તેઓ પૂછે છે, “હું કટોકટીના સમયે તેેને ક્યાં શોધવા જાઉં?”

જિલ્લા ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રાજીન્દર કુમારનું કહેવું છે કે 2020માં પોલીસે ગુરદાસપુરની ઉપરી બારી દોઆબ કેનાલમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારનારા લોકોની મદદ લીધી હતી. 2021માં, તે લોકોએ તેમના માટે વધુ પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. આ કિસ્સાઓમાં, ફોજદારી કાર્યરીતિ સંહિતા (સી.આર.પી.સી.)ની કલમ 174 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેનાથી પોલીસને તપાસ કરવાની મંજૂરી મળે છે કે, આ મૃત્યુ આત્મહત્યા હતું, કે પછી તેમની હત્યા કરવામાં આવી હતી, કે પછી તે આકસ્મિક હતું, કે પછી તેમાં શંકાસ્પદ સંજોગો હતા.

સબ-ઇન્સ્પેક્ટર રાજીન્દર કુમાર કહે છે, “લોકો નદીઓ અને નહેરોમાં આત્મહત્યા કરવા માટે કૂદે છે. ઘણી વખત, તેઓ નહાવા જતાં હોય છે, અને કેવી રીતે તરવું તે જાણતાં ન હોવાથી પોતાનો જીવ ગુમાવે છે. કેટલીકવાર, તેઓ લપસી જાય છે અને ડૂબી જાય છે. અમારી પાસે તાજેતરના સમયમાં કોઈને ડૂબાડીને મારી નાખવામાં આવ્યું હોય તેનો કોઈ રેકોર્ડ નથી.”

PHOTO • Amir Malik

હિન્દીમાં સોહન સિંહ ટીટાનું અખબારી પ્રોફાઇલ. તેમનું કામકાજ જાણીતું હોવા છતાં, તેઓ કહે છે કે, સરકારે કૂદીને લોકોને બચાવનારાને અત્યાર સુધી કોઈ સહાય પૂરી પાડી નથી

2020માં પોલીસે ગુરદાસપુરની ઉપરી બારી દોઆબ કેનાલમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારનારા લોકોની મદદ લીધી હતી

સોહન જણાવે છે કે આવી કેનાલોમાં મોટાભાગનાં મૃત્યુ ઉનાળામાં થાય છે. તેઓ કહે છે, “ગામવાસીઓ સખત ગરમીથી રાહત મેળવવા માટે પાણીમાં ઉતરે છે અને અકસ્માતે ડૂબી જાય છે. મૃતદેહો તરતા રહે છે, અને તેમને નહેરમાં શોધવા મુશ્કેલ છે. તેથી મારે પાણીના માર્ગને અનુસરીને જુદા જુદા સ્થળોએ તપાસ કરવી પડે છે. આ એક જોખમી કામ છે, જેમાં હું મારો જીવ જોખમમાં મૂકું છું.”

જોખમો હોવા છતાં, સોહને આ કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તેઓ કહે છે, “જ્યારે પણ મેં [મૃતદેહ] શોધવા માટે ડૂબકી મારી, ત્યારે દરવખતે મને તેમાં સફળતા મળી જ છે. હું આશા રાખું છું કે સરકાર લોકોને પાણીમાંથી બચાવનારા લોકોને નોકરી આપે. તેનાથી મારા જેવા લોકોને ટેકો મળશે.”

પંજાબમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ લબાના શીખ સમુદાય સાથે સંકળાયેલા સોહન ગુસ્સે થઈને કહે છે, “મારા ગામમાં એક ડઝનથી વધુ ડાઇવરો છે. પગાર તો દૂર રહ્યો, પણ સરકાર આને કામ તરીકે પણ નથી જોતી.”

જ્યારે મૃતદેહને શોધવું મુશ્કેલ થઈ પડે, ત્યારે ઓછામાં ઓછા ચારથી પાંચ લોકો સોહનની સાથે હોય છે. 23 વર્ષીય ગગનદીપ સિંહ તેમાંના એક છે. તેઓ પણ લબાના શીખ સમુદાયના છે. તેઓ 2019માં સોહન સાથે મૃતદેહો બહાર કાઢવાના કામમાં જોડાયા હતા. તેઓ યાદ કરીને કહે છે, “જ્યારે હું મૃતદેહ શોધવા માટે પાણીમાં પ્રવેશ્યો ત્યારે હું ડરી ગયો હતો. મારા ડરને દૂર કરવા માટે મેં વાહેગુરુ [પ્રાર્થના]નો પાઠ કર્યો હતો.”

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

ડાબે: સોહન છેલ્લા 20 વર્ષથી ગુરદાસપુર અને પઠાણકોટની નહેરોમાં ડૂબકી મારી રહ્યા છે. જમણે: ગગનદીપ સિંહે 2019માં સોહનને મદદ કરવાનું શરૂ કર્યું હતું

10 વર્ષના છોકરાના શરીરને શોધવાના કામથી તેઓ દ્રવી ઉઠ્યા હતા. ગગનદીપ કહે છે, “તે છોકરો નજીકના ગામ ઘોટ પોખરનો હતો. તેનાં માતાએ તેને પબ-જી રમવા બદલ ઠપકો આપ્યો અને ભણવા ન બેસતો હોવાથી તેને લાફો માર્યો હોવાથી તે ગાઝીકોટમાં પાણીમાં કૂદી પડ્યો. તે કેનાલમાં ગયો અને કૂદી પડ્યો.”

તેમની સાથે અન્ય બે ડાઈવર્સ પણ હતા. તેમાંનો એક વ્યક્તિ ભુલે ચકથી લગભગ 20 કિલોમીટર દૂર ધારીવાલ ગામમાંથી આવ્યા હતા અને તેમની સાથે એક ઓક્સિજન સિલિન્ડર પણ લાવ્યા હતા. તેઓ કહે છે, “તેણે મને સિલિન્ડર આપ્યું અને હું તે લઈને પાણીમાં ગયો. હું લગભગ બે કલાક માટે પાણીમાં રહ્યો હતો. પછી, આખો દિવસ તેની શોધખોળ કર્યા પછી, અમને પુલની નીચે અટવાયેલી લાશ મળી, તે ફૂલેલી હાલતમાં હતી…તે એક સુંદર છોકરો હતો. તેના પરિવારમાં તેનાં માતા-પિતા અને બે બહેનો છે.” ગગનદીપ પણ આ પહેલાં ઓનલાઈન ગેમ રમતા હતા, પણ આ ઘટના પછી તેમણે એવું કરવાનું બંધ કરી દીધું. “મારી પાસે ફોનમાં પબ-જી છે, પણ હું તેને રમતો નથી.”

અત્યાર સુધીમાં ગગનદીપે નહેરોમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. તેઓ કહે છે, “હું આ માટે કોઈ પૈસા નથી લેતો. જો મને પૈસા આપે તો પણ હું તેનો ઇનકાર કરી દઉં છું.” સૈન્યમાં જવાની મહત્વાકાંક્ષા રાખતા, ગગનદીપ તેમના માતા-પિતા સાથે બે અરોડાના મકાનમાં રહે છે અને સ્થાનિક ગેસ વિતરણ એજન્સીમાં લોકોના ઘેર સિલિન્ડર પહોંચાડવાનું કામ કરીને મહિને 6,000 રૂપિયા કમાણી કરે છે. તેમના પરિવાર પાસે એક એકર જમીન છે, જ્યાં તેઓ ઘઉં અને ચારો ઉગાડે છે અને થોડીક બકરીઓ ઉછેરે છે. 60 વર્ષીય તેમના પિતા એક ઓટો-રિક્ષા ચલાવે છે, જેને કેટલીકવાર ગગનદીપ પણ ચલાવે છે.

નહેરોમાં, ડાઇવરો ત્યાં પથરાયેલા કચરાના ઢગલામાંથી પસાર થવા માટે સંઘર્ષ કરે છે, અને લાશને શોધવામાં લાંબા કલાકો પસાર કરે છે.

ધારીવાલ ગામની નહેર પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ડૂબી ગયેલા 19 વર્ષના એક છોકરાના મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસે 2020માં એકવાર ગગનદીપને બોલાવ્યો હતો. તેઓ કહે છે, “તેનું શરીર ડૂબી ગયાના થોડા કલાકો પછી હું ત્યાં પહોંચ્યો હતો. મેં સવારે 10 વાગ્યે તેને શોધવાનું શરૂ કર્યું, પરંતુ સાંજે 4 વાગ્યા સુધી તેને શોધી શક્યો ન હતો.” ગગનદીપને નહેરની દિવાલના એક છેડાથી બીજા છેડા સુધી દોરડું બાંધવું પડ્યું હતું અને ત્રણ લોકોની માનવ સાંકળ બનાવવી પડી હતી. તેઓ બધાંએ એકી સાથે કૂદકો માર્યો હતો. તેઓ કહે છે, “તે છોકરાનો મૃતદેહ શોધવો સૌથી કઠીન કામ હતું, કારણ કે ત્યાં ઘણો કચરો હતો. એક વિશાળ પથ્થરના કારણે મૃતદેહ ત્યાં અટવાઈ ગયો હતો.”

PHOTO • Amir Malik

ગગનદીપ તિબરી ખાતે નહેર તરફ નજર કરતાં પુલ પર ઊભા છે. ‘ક્યારેક હું મારી જાતને પૂછું છું કે હું શું કરી રહ્યો છું...પણ હું હાર માનવાનું વિચારતો નથી’

તેમણે આ કામ કરતાં કરતાં ભૌતિકશાસ્ત્રના નિયમો શીખ્યા છે. 2021માં તિબરી નહેરમાંથી 16 વર્ષના એક છોકરાના મૃતદેહને પાછો મેળવવાના તેમનો અનુભવ વિષે ગગનદીપ કહે છે, “મૃતદેહોને સપાટી પર તરતા આવવામાં ઓછામાં ઓછા 72 કલાક લાગે છે. અને તેઓ પાણીમાં તરે છે. જો કોઈ વ્યક્તિ A જગ્યાએથી પાણીમાં કૂદે, તો તે ત્યાં જોવા નહીં મળે. તે છોકરાએ જ્યાંથી છલાંગ લગાવી હતી, હું ત્યાં તેને શોધતો હતો. પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. પછી મેં મારા નાકમાં એક નળી નાખી અને તેની સાથે એક પાઈપ જોડી, જેથી પાણીમાં મારો શ્વાસ ન રૂંધાઈ જાય.”

તેમને મૃતદેહ છેક મોડી સાંજે મળ્યો હતો. તેઓ યાદ કરીને કહે છે, “તે કેનાલના બીજા છેડે, લગભગ 25 ફૂટ ઊંડે પાણીમાં હતો. સોહન અને હું બન્ને તેને શોધી રહ્યા હતા. સોહને મને કહ્યું કે આપણે તેને બહાર કાઢવા માટે બીજા દિવસે પાછા આવીશું. પરંતુ અમે ત્યાં પહોંચ્યા ત્યારે મૃતદેહ ત્યાંથી ગાયબ હતો. તે તણાઈને બીજા કાંઠે પહોંચી ગયો હતો અને નહેરના તળિયે સ્થાયી થઈ ગયો હતો.” ડાઇવરોને તેને બહાર કાઢવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. ગગનદીપ કહે છે, “અમે ઓછામાં ઓછા 200 વખત પાણીમાં ડૂબકી મારી હશે અને બહાર આવ્યા હોઈશું. ક્યારેક હું મારી જાતને પૂછું છું કે હું શું કરી રહ્યો છું...પણ હું હાર માનવાનું વિચારતો નથી. જો મારા નસીબમાં માનવ સેવા [નિઃસ્વાર્થ સેવા] કરવાનું લખેલું હોય, તો હું તેને બદલી શકતો નથી.”

જો કે, સોહન જીવનની જટિલતાઓને પાણીમાં જુએ છે. તેઓ દરરોજ સાંજે અને જ્યારે પણ તેમને સમય મળે ત્યારે તિબરી પુલ પર જાય છે તેનું એક કારણ આ પણ છે. તેઓ કહે છે, “મને હવે તરવામાં મજા નથી આવતી. હું દરેક દુ:ખદ ઘટનાની યાદ મારા દિલમાંથી ભૂસી નાખું છું. જ્યારે પણ અમે કોઈ મૃતદેહને સપાટી પર લાવીએ છીએ, ત્યારે અમે જોઈએ છીએ કે તે વ્યક્તિના સંબંધીઓનો થોડો ભાગ મરી જાય છે. તેઓ રડે છે અને મૃતદેહને એક નિસાસો નાખીને લઈ જાય છે - એવું કહીને કે મરવાનો આ રસ્તો નહોતો હોવો જોઈતો.”

સોહનના માનસમાં નહેર અને તેના પાણીનું ખાસ મહત્ત્વ છે. 2004માં, જ્યારે તેમને મોરોક્કોમાં રહેવા અને કામ કરવાની તક મળી હતી, ત્યારે ઉત્તર આફ્રિકન દેશની સરહદે આવેલા એટલાન્ટિક મહાસાગર અને ભૂમધ્ય સમુદ્રે પણ તેમને તેઓ જે નહેરને ખૂબ સારી રીતે જાણતા હતા તેને યાદ કરવાથી રોકી શકી ન હતી. અલગ અલગ કામો કરવાથી કંટાળીને તેઓ ચાર વર્ષની અંદર જ પરત ફર્યા હતા. તેમના રોજિંદા કામકાજની શરૂઆત કરતા પહેલાં તેઓ કહે છે, “હું ત્યાં હતો ત્યારે મને યાદ છે કે હું તિબરીને યાદ કરતો હતો. અત્યારે પણ હું મારો ખાલી સમય તે નહેર પર વિતાવું છું, અને ફક્ત તેની તરફ તાકી રહું છું.” બટાકા, ડુંગળી, ટામેટાં અને અન્ય શાકભાજીની લારી ભરીને તેઓ તેને તેમની મોટરબાઈક સાથે જોડીને આગલી શેરીના ખૂણા પર તેમના ગ્રાહકો પાસે પહોંચી જાય છે.

આ લેખક સુમેધા મિત્તલને આ વાર્તા માટે માહિતી એકત્ર કરવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માને છે.

જો તમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય અથવા માનસિક તણાવમાં હોય તેવા બીજા કોઈની તમને જાણ હોય તો કૃપા કરીને રાષ્ટ્રીય હેલ્પલાઈન, કિરણ, 1800-599-0019 (24/7 ટોલ ફ્રી) પર અથવા આ હેલ્પલાઈનમાંથી તમારી નજીકની કોઈપણ હેલ્પલાઈન પર કૉલ કરો. માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને સેવાઓની મદદ મેળવવા તેમનો સંપર્ક સાધવા અંગેની માહિતી મેળવવા કૃપા કરીને એસઆઈપીએફ (SPIF) ની માનસિક સ્વાસ્થ્ય નિર્દેશિકાની મુલાકાત લો.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Amir Malik

आमिर मलिक मुक्त पत्रकार असून २०२२ या वर्षासाठी ते पारी फेलो होते.

यांचे इतर लिखाण Amir Malik
Editor : S. Senthalir

एस. सेन्थलीर चेन्नईस्थित मुक्त पत्रकार असून पारीची २०२० सालाची फेलो आहे. इंडियन इन्स्टिट्यूट ऑफ ह्यूमन सेटलमेंट्ससोबत ती सल्लागार आहे.

यांचे इतर लिखाण S. Senthalir
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad