તમે જંગલના રાજાને રાહ જોવડાવી ન શકો.
સિંહો આવવાના હતા. તે પણ છેક ગુજરાતથી. અને બીજા બધાએ તેમનો પ્રવેશ સરળ બનાવવા ખસી જવાનું હતું.
અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કની અંદર આવેલા પાયરા જેવા ગામડાઓને એ બધું શી રીતે પાર પડશે એનો કોઈ ચોક્કસ ખ્યાલ ન હોય તો પણ વિચાર તરીકે એ સારો હતો.
70-72 વર્ષના રઘુલાલ જાટવ કહે છે, “આ સિંહોના આવ્યા પછી આ વિસ્તાર પ્રખ્યાત થઈ જશે. અમને ભોમિયા તરીકે નોકરી મળશે. અમે આસપાસના વિસ્તારમાં દુકાનો અને ભોજનશાળાઓ ચલાવી શકીશું. અમારા પરિવારો ફૂલશે-ફાલશે.” તેઓ કુનો પાર્કની બહાર આગરા ગામમાં અમારી સાથે વાત કરી રહ્યા હતા.
રઘુલાલ કહે છે, “અમને સિંચાઈની સુવિધાવાળી સારી ગુણવત્તાની જમીન, ઓલ-વેધર રોડ્સ (બારમાસી પાકી સડક), આખા ગામ માટે વીજળી, અને તમામ નાગરિક સુવિધાઓ મળશે."
તેઓ કહે છે, "સરકારે અમને આવી ખાતરી આપી હતી."
અને તેથી પાયરાના લોકો અને 24 ગામોના લગભગ 1600 પરિવારોએ કુનો નેશનલ પાર્કમાં આવેલા તેમના ઘરો ખાલી કર્યા. તેઓ મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત અને ગરીબ ઓબીસી હતા. તેમને (અકારણ) ખૂબ ઉતાવળે વિસ્થાપિત કરાયા હતા.
ટ્રેક્ટરો લાવવામાં આવ્યા, અને વનવાસીઓએ તેમના ચાલુ ઘરબાર ઉતાવળે છોડી દેવા પેઢીઓથી ભેગી કરેલી ચીજવસ્તુઓનો ખડકલો કર્યો. પ્રાથમિક શાળાઓ, હેન્ડપંપ, કૂવાઓ અને તેમણે પેઢીઓથી ખેડેલી જમીન બધુંય પાછળ રહી ગયું. પશુઓને પણ પાછળ છોડવા પડ્યા. કારણ કે જંગલના પૂરતા ચરાઈના સંસાધનો વિના પશુઓને ચારો નીરવો બોજારૂપ બની રહે.
આજે ત્રેવીસ વર્ષ પછી હજી પણ તેઓ સિંહોની રાહ જોઈ રહ્યા છે.
પોતાના દીકરાના ઘરની બહાર ચારપાઈ પર બેઠેલા રઘુલાલ કહે છે, “સરકારે જુઠ્ઠું બોલીને અમને છેતર્યા." તેમનો ગુસ્સો પણ હવે તો ઠંડો પડી ગયો છે. સરકાર પોતે આપેલા વચનોનું પાલન કરે તેની રાહ જોઈનેય તેઓ હવે થાકી ગયા છે. દલિત સમુદાયના રઘુલાલ જેવા હજારો ગરીબ, છેવાડાના લોકોએ તેમની જમીનો, તેમના ઘરો, તેમની આજીવિકા ગુમાવી દીધી છે.
પરંતુ રઘુલાલનું નુકસાન એ કુનો નેશનલ પાર્કનો ફાયદો ન હતો. સિંહનો હિસ્સો કોઈનેય મળ્યો નથી. ખુદ સિંહોને પોતાને પણ નહીં. તેઓ ક્યારેય આવ્યા જ નહીં.
*****
એક સમયે સિંહો મધ્ય, ઉત્તર અને પશ્ચિમ ભારતના જંગલોમાં ફરતા હતા. જોકે, આજે એશિયાટિક સિંહ (પેન્થેરા લીઓ લીઓ) માત્ર ગીરના જંગલોમાં અને ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ વિસ્તારમાં ગીરના જંગલોની આસપાસના 30000 ચોરસ કિલોમીટરને આવરી લેતા વિસ્તૃત મેદાનોમાં જ જોવા મળે છે. એ વિસ્તારના છ ટકાથી પણ ઓછો - 1883 ચોરસ કિમીનો - વિસ્તાર એ તેમનું છેલ્લું સુરક્ષિત રહેઠાણ છે. આ હકીકત વન્યજીવન જીવવિજ્ઞાનીઓ અને (પર્યાવરણ) સંરક્ષણવાદીઓ માટે ભારે ચિંતાનો વિષય છે.
અહીં નોંધાયેલા 674 એશિયાટિક સિંહો વિશ્વની અગ્રણી સંરક્ષણ એજન્સી આઈયુસીએન દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરાયા છે. અને વન્યજીવન સંશોધક ડૉ. ફૈયાઝ એ. ખુડસર ઝઝૂમી રહેલા ગંભીર જોખમ તરફ નિર્દેશ કરે છે. તેઓ કહે છે, "સંરક્ષણ જીવવિજ્ઞાન સ્પષ્ટપણે સૂચવે છે કે (કોઈ એક પ્રજાતિની) એક નાની વસ્તીને એક જ જગ્યાએ પ્રતિબંધિત કરવામાં આવે તો તે (પ્રજાતિ) લુપ્ત થવાના વિવિધ પ્રકારના જોખમોનો સામનો કરે છે."
ખુડસર સિંહો સામેના અનેક જોખમોનો ઉલ્લેખ કરી રહ્યા છે. આમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનો પ્રકોપ, જંગલની આગ, આબોહવા પરિવર્તન, સ્થાનિક બળવો વગેરેનો સમાવેશ થાય છે. તેઓ કહે છે કે આવા જોખમો આ લુપ્તપ્રાય પ્રજાતિની વસ્તીનો ખૂબ ઝડપથી નાશ કરી શકે છે. ભારત માટે તે એક દુઃસ્વપ્ન સમાન હશે કારણ કે આપણા સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીકો અને સીલ પર સિંહની છબીઓનું પ્રભુત્વ છે.
ખુડસર ભારપૂર્વક જણાવે છે કે સિંહો માટે વધારાના રહેઠાણ તરીકે કુનો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેઓ કહે છે તેમ: "આનુવંશિક સામ્યતાને પ્રોત્સાહિત કરવા માટે આ સિંહોના જૂના ભૌગોલિક પ્રદેશોમાં થોડા સિંહોનો પુન:પ્રવેશ કરાવવો જરૂરી છે."
જો કે આ વિચાર ઘણો જૂનો છે - 1993-95 ની આસપાસ સ્થાનાંતરણ યોજના તૈયાર કરવામાં આવી હતી. એ યોજના હેઠળ કેટલાક સિંહોને ગીરથી 1000 કિલોમીટર દૂર કુનોમાં ખસેડવામાં આવનાર હતા. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબ્લ્યુઆઈઆઈ - WII) ના વડા ડૉ. યાદવેન્દ્રદેવ ઝાલા કહે છે કે નવ સંભવિત સ્થાનોની સૂચિમાંથી આ યોજના માટે કુનો સૌથી વધુ યોગ્ય હોવાનું જણાયું હતું.
ડબ્લ્યુઆઈઆઈ એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ એન્વિરોન્મેન્ટ, ફોરેસ્ટ્સ એન્ડ ક્લાયમેટ ચેઈન્જ - એમઓઈ એફસીસી - MoEFCC) અને રાજ્યના વન્યજીવન વિભાગોની તકનીકી શાખા છે. આ સંસ્થાએ સરિસ્કા અને પન્નામાં વાઘ, બાંધવગઢમાં ગૌર અને સતપુરામાં બારાસિંગાના પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સંરક્ષણ વૈજ્ઞાનિક ડૉ રવિ ચેલ્લમ કહે છે, "કુનોનું એકંદર કદ [અંદાજે 6800 ચો. કિ.મી.ની આસપાસનો સંલગ્ન રહેઠાણ વિસ્તાર], ત્યાં માનવીય વિક્ષેપનું પ્રમાણમાં નીચું સ્તર, તેમાંથી પસાર થતા કોઈ ધોરીમાર્ગો નથી, આ બધા કારણોએ તેને (સિંહોના સ્થાનાંતરણ માટેનું) આદર્શ સ્થાન બનાવ્યું." તેમણે ચાર દાયકાથી આ શક્તિશાળી સસ્તન પ્રાણીઓની - સિંહોની - હિલચાલનું નિરીક્ષણ કર્યું છે.
તેઓ કહે છે, બીજા સકારાત્મક પરિબળોમાં: “વસવાટની સારી ગુણવત્તા અને વિવિધતા – ઘાસના મેદાનો, વાંસ, ભીની બાગાયત જમીનના ટુકડા. અને તે ઉપરાંત ચંબલ [નદી]ની બારમાસી વિશાળ ઉપનદીઓ અને શિકારની વિવિધ પ્રજાતિઓ પણ છે. આ બધાને કારણે આ અભયારણ્ય સિંહોને આવકારવા તૈયાર હતું."
જો કે તે પહેલા હજારો લોકોને કુનો અભયારણ્યમાંથી બીજે ખસેડવા પડશે. તેઓ જેના પર નિર્ભર હતા તે જંગલોથી માઇલો દૂર તેમને વિસ્થાપિત અને સ્થાનાંતરિત કરવાનું કામ થોડા જ વર્ષોમાં કરવામાં આવ્યું હતું.
આજે ત્રેવીસ વર્ષ પછી પણ સિંહો હજીય દેખાયા નથી.
*****
કુનોની અંદરના 24 ગામોના રહેવાસીઓ માટે સંભવિત વિસ્થાપનનો પ્રથમ સંકેત 1998માં આવ્યો હતો. તે સમયે અહીં આસપાસના વન રક્ષકોએ આ અભયારણ્યને - માનવ હાજરી વિનાના - રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવવાની વાત કરવાનું શરૂ કર્યું હતું.
મંગુ આદિવાસી પૂછે છે, “અમે કહ્યું કે અમે [ભૂતકાળમાં] સિંહો સાથે રહેલા છીએ. વાઘ અને બીજા પ્રાણીઓ સાથે પણ રહ્યા છીએ, તો પછી અમને (અહીંથી) શા માટે ખસેડવામાં આવે છે?" તેઓ 40-42 વર્ષના સહરિયા છે, અને વિસ્થાપિત થયેલા લોકોમાંથી છે.
1999 ની શરૂઆતમાં ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના વન વિભાગે કુનો સીમાની બહારની જમીનના મોટા વિસ્તારો સાફ કરવાનું શરૂ કર્યું. વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને જે સી બેમફોર્ડ એક્સેવેટર્સ (જેસીબી) વડે જમીનને સમતળ કરવામાં આવી.
જે.એસ. ચૌહાણ કહે છે, “સ્થળાંતર સ્વૈચ્છિક હતું, મેં વ્યક્તિગત રીતે તેની દેખરેખ રાખી હતી." 1999 માં તેઓ કુનોના જિલ્લા વન અધિકારી હતા. હાલમાં તેઓ મધ્યપ્રદેશના મુખ્ય વડા વન સંરક્ષક (પ્રિન્સિપલ ચીફ કર્ન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ - પીસીસીએફ - PCCF) અને મધ્યપ્રદેશના મુખ્ય વન્યજીવન અભિરક્ષક છે.
વિસ્થાપનની (કડવી) ટીકડીને મીઠી બનાવવા માટે દરેક પરિવારને કહેવામાં આવ્યું હતું કે તેમના એકમને ખેતીલાયક અને સિંચાઈની સુવિધાવાળી બે હેક્ટર જમીન મળશે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુરુષ સભ્યો પણ આ (જમીન મેળવવા) માટે પાત્ર ગણાશે. આ ઉપરાંત તેઓને નવું મકાન બનાવવા 38000 રુપિયા અને તેમનો સામાન ખસેડવા માટે 2000 રુપિયાની આર્થિક સહાય મેળવવાનો પણ હક રહેશે. તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમના નવા ગામોમાં તમામ નાગરિક સુવિધાઓ ઉપલબ્ઘ હશે.
અને ત્યારબાદ પાલપુર પોલીસ સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું. 43 વર્ષના સૈયદ મેરાજુદ્દીન કહે છે કે, "આ વિસ્તારમાં ડાકુઓનો ડર હોવાથી લોકો ચિંતામાં હતા." તે સમયે તેઓ આ વિસ્તારમાં એક યુવાન સામાજિક કાર્યકર તરીકે કાર્યરત હતા.
આ યજમાન ગામોને (વિસ્થાપિતોના) આ ધસારા બાબતે કે પછી હવે સમતળ કરી દેવાયેલા જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ બાબતે ન તો વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે ન તો કોઈ વળતર ચૂકવવામાં આવ્યું હતું
1999 નો ઉનાળો આવી પહોંચ્યો. લોકો તેમના આગામી પાકનું વાવેતર કરવાની તૈયારીમાં હતા ત્યારે પાકનું વાવેતર કરવાને બદલે કુનોના રહેવાસીઓએ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું. તેઓ આગરા અને તેની આસપાસના વિસ્તારોમાં આવી પહોંચ્યા અને વાદળી પોલિથીનની બનેલી કઢંગી ઝૂંપડીઓમાં પોતાના ઘરો વસાવ્યા. અહીં તેઓ આગામી 2-3 વર્ષ રહેવાના હતા.
મેરાજુદ્દીન કહે છે, “મહેસૂલ વિભાગે શરૂઆતમાં વિસ્થાપિતોને જમીનના નવા માલિકો તરીકે સ્વીકાર્યા ન હતા અને તેથી દસ્તાવેજો જારી કરવામાં આવ્યા ન હતા. આરોગ્ય, શિક્ષણ અને સિંચાઈ જેવા બીજા વિભાગોને કામકાજ શરૂ કરવામાં બીજા 7-8 વર્ષ લાગ્યાં." તેઓ આધારશિલા શિક્ષા સમિતિના સચિવ બન્યા. તે નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા છે જે યજમાન ગામ આગરામાં વિસ્થાપિત સમુદાય સાથે કામ કરે છે અને તેમને માટે એક શાળા ચલાવે છે.
23 વર્ષ પછી પણ અધૂરા રહેલા વચનો પર ટિપ્પણી કરવાનું કહેવામાં આવતા પીસીસીએફ ચૌહાણ સ્વીકારે છે કે “ગામનું પુનર્વસન એ વન વિભાગનું કામ નથી. સ્થળાંતરની જવાબદારી સરકારે લેવી જોઈએ તો જ વિસ્થાપિતોને સંપૂર્ણ લાભ એકસાથે મળી શકે. તમામ વિભાગોએ લોકો સુધી પહોંચવું જોઈએ. એ આપણી ફરજ છે."
શ્યોપુર જિલ્લાની વિજયપુર તહેસીલના ઉમરી, આગરા, અર્રોડ, ચેંતીખેડા અને દેવરી ગામોમાં 24 વિસ્થાપિત ગામોમાંથી હજારો લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ યજમાન ગામોને (વિસ્થાપિતોના) આ ધસારા બાબતે કે પછી હવે સમતળ કરી દેવાયેલા જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ બાબતે ન તો વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે ન તો કોઈ વળતર ચૂકવવામાં આવ્યું હતું.
રામ દયાલ જાટવ અને તેમનો પરિવાર જૂન 1999માં આગરાની બહાર પાયરા જાટવ કસ્બામાં સ્થળાંતરિત થયા. કુનો પાર્કના મૂળ પાયરાના હાલ 52-53 વર્ષના આ રહેવાસી આ નિર્ણય બાબતે હજી આજે પણ પસ્તાય છે. તેઓ કહે છે, “પુનઃસ્થાપનથી અમને કોઈ લાભ થયો નથી. અમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે અને હજી આજે પણ કરીએ છીએ. આજે પણ અમારા કૂવાઓમાં પાણી નથી, અમારા ખેતરો માટે વાડ નથી. અમારે તબીબી કટોકટીના મોટા ખર્ચ ઉઠાવવા પડે છે અને નોકરી મળવી મુશ્કેલ છે. આ ઉપરાંત બીજી પણ ઘણી સમસ્યાઓ છે." "તેઓએ ફક્ત પ્રાણીઓ માટે સારું કર્યું પણ અમારા માટે કંઈ સારું ન કર્યું." એમ કહેતા તેમનો અવાજ ધીમો થઈ જાય છે.
રઘુલાલ જાટવ કહે છે કે સૌથી મોટો ફટકો ઓળખ ગુમાવવાનો છે: "આજકાલ કરતા 23 વર્ષ થઈ ગયા અને અમને જે વચન આપવામાં આવ્યું હતું તેમાંનું કંઈ હજી સુધી નથી મળ્યું, અમારી પોતાની સ્વતંત્ર ગ્રામસભાઓ પણ અહીં અગાઉથી કાર્યરત ગ્રામસભાઓમાં વિલીન કરી દેવામાં આવી છે."
તેઓ પોતાના ગામ પાયરા સહિત 24 ગામોના વિલીનીકરણ સામે લડી રહ્યા છે. રઘુલાલના જણાવ્યા અનુસાર 2008માં નવી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી ત્યારે પાયરાએ મહેસૂલી ગામ તરીકેનો તેનો દરજ્જો ગુમાવ્યો. ત્યારબાદ તેના રહેવાસીઓને ચાર કસ્બાઓમાં અગાઉથી કાર્યરત પંચાયતોમાં સામેલ કરી દેવામાં આવ્યા. "આ રીતે અમે અમારી (પોતાની સ્વતંત્ર) પંચાયત ગુમાવી."
પીસીસીએફ ચૌહાણનું કહેવું છે કે આ એક એવી પીડા છે જેનો ઈલાજ કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે, “વિસ્થાપિતોને તેમની પોતાની પંચાયત પાછી આપવા માટે મેં સરકારના ઘણા લોકોનો સંપર્ક કર્યો છે. હું તેમને [સરકારના વિભાગોને] કહું છું, 'તમારે આવું નહોતું કરવું જોઈતું હતું.' આ વર્ષે પણ મેં પ્રયત્ન કર્યો હતો."
તેમની પોતાની (સ્વતંત્ર) પંચાયત વિના, વિસ્થાપિતોને તેમના અવાજો (લાગતાવળગતાઓને) સંભળાવવા જટિલ કાનૂની અને રાજકીય સંઘર્ષનો સામનો કરવો પડે છે.
*****
મંગુ આદિવાસી કહે છે કે વિસ્થાપન પછી “જંગલના દરવાજા અમારા માટે બંધ થઈ ગયા. પહેલા તો અમે ચારા તરીકે ઘાસ વેચતા હતા, પરંતુ હવે વેચવાની વાત તો દૂર રહી, અમને પોતાને જ એક ગાય પાળવા માટેય પૂરતું ઘાસ મળતું નથી.” હવે ચરાઈ જમીન, બળતણ માટેના લાકડાં, લાકડા સિવાયની વન પેદાશો વગેરેની પણ મળતાં નથી.
સામાજિક વિજ્ઞાની પ્રો. અસ્મિતા કાબરા વિરોધાભાસ તરફ ધ્યાન દોરે છે: “લોકોને તેમના ઘર છોડવા માટે ફરજ પાડવામાં આવી હતી કારણ કે [જે સિંહો આવવાના છે એવું મનાતું હતું તેમને કારણે] પશુધનના સંભવિત નુકસાન વિશે વન વિભાગ ચિંતિત હતું. પરંતુ આખરે ઢોર-ઢાંખરને તો ત્યાં જ છોડી દેવા પડ્યા કારણ કે તેમના માટે (જંગલની) બહાર કોઈ ચરાઈ/ગોચર જમીન જ નહોતી.”
જેમ જેમ ખેતી માટે જમીન સાફ કરવામાં આવતી ગઈ તેમ તેમ વૃક્ષોની હારમાળા વધુ ને વધુ દૂર ખસતી ગઈ. 23 વર્ષના શિક્ષક અને વિસ્થાપિત સહરિયાને જ્યાં સ્થળાંતરિત કરાયા છે તેવા ગામોમાંના એક અહરવાણીના રહેવાસી કેદાર આદિવાસી કહે છે, “હવે અમારે બળતણ માટે લાકડાં લેવા 30-40 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. શક્ય છે કે અમારી પાસે અનાજ હોય, પરંતુ તેને રાંધવા માટે લાકડાં ન હોય."
હાલ 52-53 વર્ષના ગીતા અને 62-63 વર્ષના હરજાણીયાએ લગ્ન કરીને અભયારણ્યમાં રહેવા માટે શ્યોપુરની કરાહલ તહેસીલમાં આવેલા પોતાના ઘર છોડી દીધા ત્યારે તેઓ બંને ખૂબ જ નાના હતા. ગીતા કહે છે “[હવે] અમારે લાકડું લેવા માટે ટેકરીઓ ઉપર જવું પડે છે. તેમાં અમારે આખો દિવસ લાગે છે અને અવારનવાર વન વિભાગ દ્વારા અમને અટકાવવામાં આવે છે. તેથી અમારે સાવચેત રહેવું પડે છે."
કાબરા યાદ કરે છે કે મામલો થાળે પાડવાની તેમની ઉતાવળમાં વન વિભાગે મૂલ્યવાન વૃક્ષોને અને ઝાડીઓને કચડી નાખ્યા હતા. કુનો અને તેની આસપાસના વિસ્થાપન, ગરીબી અને આજીવિકાની સુરક્ષા પર પીએચડી કરનાર સામાજિક વૈજ્ઞાનિક ઉમેરે છે કે, "જૈવવિવિધતાના નુકસાનની ક્યારેય ગણતરી કરવામાં આવી નથી." તેઓ આ પ્રદેશ અંગેના અગ્રણી સંરક્ષણ વિસ્થાપન નિષ્ણાત ગણાય છે.
ગુંદર અને રેઝિન એકત્ર કરવા ચિર અને બીજા વૃક્ષોની પહોંચ ગુમાવવી એ એક મોટો ફટકો/મોટું નુકસાન છે. ચિરનો ગુંદર સ્થાનિક બજારમાં 200 રુપિયે વેચાય છે, અને મોટા ભાગના પરિવારો લગભગ 4-5 કિલો રેઝિન એકત્ર કરી શકતા હતા. કેદાર કહે છે, “તેંદુના પાન [જેમાંથી બીડી બનાવવામાં આવે છે તે]ની જેમ વિવિધ પ્રકારના ગુંદરના રેઝિન પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા. તે જ પ્રમાણે બીલ, અચાર, મહુઆ, મધ અને કંદમૂળ પણ (પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા). આ બધાથી અમારી ખોરાક અને કપડાંની જરૂરિયાતો પોષાતી. એક કિલો ગુંદરના બદલામાં અમે પાંચ કિલો ચોખા લઈ શકતા હતા."
હવે કેદારના માતા કુંગાઈ આદિવાસી જેવા ઘણા, જેમની પાસે અહરવાણીમાં માત્ર થોડાક જ વીઘા વરસાદ આધારિત જમીન છે, તેઓને દર વર્ષે કામ માટે મોરેના અને આગ્રા શહેરોમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. તેઓ દર વર્ષે કેટલાક મહિનાઓ માટે બાંધકામના સ્થળોએ મજૂરી કરે છે. 52-53 વર્ષના કુંગાઈ કહે છે, "નબળી સિઝનમાં અહીં ખેતીને લાગતું કોઈ કામ મળી શકે તેમ ન હોય ત્યારે અમારામાંથી દસ કે 20 લોકો સાથે (કામની શોધમાં) જઈએ."
*****
15 મી ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ‘ પ્રોજેક્ટ લાયન ’ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી "દેશમાં એશિયાટિક સિંહોનું ભવિષ્ય સુરક્ષિત થશે."
2013 માં સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ એન્વિરોન્મેન્ટ, ફોરેસ્ટ્સ એન્ડ ક્લાયમેટ ચેઈન્જ - એમઓઈ એફસીસી - MoEFCC) ને સિંહોને સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે વડા પ્રધાન મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. અદાલતે કહ્યું હતું કે સિંહોનું સ્થાનાંતરણ "આજથી 6 મહિનાના સમયગાળામાં" થવું જોઈએ અને કારણ એ જ હતું જે લાલ કિલ્લા પરથી કરાયેલા ભાષણમાં ટાંકવામાં આવ્યું હતું. એટલે કે દેશમાં એશિયાટિક સિંહોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે. ત્યારથી તે આજ સુધી (અદાલતના) આદેશનું પાલન કરવામાં અને કેટલાક સિંહોને કુનો મોકલવામાં ગુજરાત સરકાર કેમ નિષ્ફળ રહી છે તે અંગે કોઈ ખુલાસો અપાયો નથી.
ગુજરાત વન વિભાગની વેબસાઈટ પર પણ સ્થાનાંતર અંગે કોઈ જ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી. અને 2019 માં એમઓઈએફસીસીની અખબારી યાદી માં 'એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ' માટે 97.85 કરોડ રુપિયાના ભંડોળની જાહેરાત કરાઈ હતી. પરંતુ તેમાં માત્ર ગુજરાત રાજ્યનો ઉલ્લેખ છે.
15 મી એપ્રિલ, 2022 ના રોજ દિલ્હી સ્થિત સંસ્થા દ્વારા 2006 માં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને નવ વર્ષ પૂરા થયા. પીઆઈએલમાં "ગુજરાત સરકારને રાજ્યના કેટલાક એશિયાટિક સિંહોને કુનો સ્થાનાંતરિત કરવા દિશાનિર્દેશ આપવા" ની વિંનતી કરવામાં આવી હતી.
ડબલ્યુઆઈઆઈના ઝાલાએ જણાવ્યું હતું, “સર્વોચ્ચ અદાલતના 2013 ના ચુકાદાને પગલે કુનોમાં સિંહોના પુનઃપ્રસારની દેખરેખ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે છેલ્લા અઢી વર્ષથી આ નિષ્ણાત સમિતિની બેઠક મળી જ નથી. અને ગુજરાતે એક્શન પ્લાન સ્વીકાર્યો નથી."
તો બીજી તરફ, કુનોને આ વર્ષે આફ્રિકન ચિત્તાના આગમન માટેના સ્થાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યારે સર્વોચ્ચ અદાલતના આ જ ચુકાદામાં જણાવ્યા પ્રમાણે, "કુનોમાં આફ્રિકન ચિત્તાઓને દાખલ કરવાનો એમઓઈએફસીસીનો આદેશ કાયદાની નજરમાં ટકી શકતો નથી અને તે રદ કરવામાં આવે છે."
પ્રોજેકટ લાયન પરના 2020ના અહેવાલ મુજબ આ સંદર્ભમાં સંરક્ષણવાદીઓની ગંભીર ચેતવણીઓ સાચી ઠરી રહી છે. ડબલ્યુઆઈઆઈના અહેવાલો અને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારોએ આ પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલમાં કહેવાયું છે કે "ગીરમાં તાજેતરમાં બેબેસિઓસિસ અને સીડીવી [કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ]ના પ્રકોપને કારણે છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા 60 થી વધુ સિંહોના મોત થયા છે."
વન્યજીવ જીવવિજ્ઞાની રવિ ચેલ્લમ કહે છે, “માત્ર માનવીય અહંકાર જ સ્થાનાંતરણને અટકાવી રહ્યું છે." તેમણે સ્થાનાંતરણનો નિર્ણય લેવામાં સર્વોચ્ચ અદાલતની ફોરેસ્ટ બેન્ચના નિષ્ણાત વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. સંરક્ષણ વૈજ્ઞાનિક અને મેટાસ્ટ્રિંગ ફાઉન્ડેશનના સીઈઓ ચેલ્લમ સિંહોને સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા અને તેમાં થતા વિલંબના કારણો પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ચેલ્લમ બાયોડાયવર્સિટી કોલાબોરેટિવના સભ્ય પણ છે. તેઓ કહે છે, “સિંહો ભારે સંકટના સમયગાળામાંથી પસાર થયા છે, અને હવે તેમની વસ્તીમાં વધારો થયો છે. પરંતુ કમનસીબે સંરક્ષણની બાબતે તમે ક્યારેય બેદરકાર ન રહી શકો. ખાસ કરીને લુપ્તપ્રાય પ્રજાતિઓના કિસ્સામાં - કારણ કે ખતરા તો હંમેશા હાજર જ હોય છે. આ શાશ્વત તકેદારીનું વિજ્ઞાન છે.”
“મનુષ્ય કો ભગા દિયા પર શેર નહિ આયા! [માણસોને પરાણે તગેડી મૂક્યા, પરંતુ સિંહો આવ્યા નહીં].”
મંગુ આદિવાસી કુનોમાં પોતાનું ઘર ગુમાવવા બાબતે મજાક કરે છે, પરંતુ તેમના અવાજમાં હાસ્ય નથી. સરકાર તેના વચનો પૂરા કરે અથવા તેમને પાછા ફરવા દે તેવી માગણી સાથેના એક વિરોધ પ્રદર્શનમાં તેમણે માથા પર થોડી લાઠીઓ પણ ખાધી છે. "ઘણી વખત અમે વિચાર્યું કે અમે પાછા જઈ શકીશું."
15 મી ઓગસ્ટ, 2008 ના રોજ થયેલો વિરોધ એ ન્યાયોચિત વળતર મેળવવા માટેનો અંતિમ પ્રયાસ હતો. રઘુલાલ કહે છે, “[પછી] અમે નક્કી કર્યું કે અમને આપવામાં આવેલી જમીન અમે છોડી દઈશું અને અમારે અમારી જૂની જમીન પાછી જોઈએ છે. અમે જાણતા હતા કે એક કાયદો છે કે જે અમને વિસ્થાપનના 10 વર્ષની અંદર પાછા ફરવાની મંજૂરી આપે છે."
એ તક ગુમાવ્યા પછી પણ રઘુલાલે હાર નથી માની અને પરિસ્થિતિને સુધારવા માટે પોતાના પૈસા અને સમય ખર્ચ્યા છે. તેઓ ઘણી વખત જિલ્લા અને તહેસીલ કચેરીમાં ગયા છે. તેઓ તેમની (સ્વતંત્ર) પંચાયતના કેસની દલીલ કરવા માટે ભોપાલમાં ચૂંટણી પંચ સુધી જઈ ચૂક્યા છે. પરંતુ તેનાથી કંઈ વળ્યું નથી.
કોઈ રાજકીય અવાજ ન હોવાને કારણે વિસ્થાપિતોને અવગણવાનું અને ચૂપ કરી દેવાનું સરળ બની ગયું છે. રામ દયાલ કહે છે, “કોઈએ અમને પૂછ્યું પણ નથી કે અમે કેમ છીએ, અમને કોઈ સમસ્યા છે કે કેમ, અમારે કશાની જરૂર છે. કોઈ અહીં આવતું નથી. જો અમે વન વિભાગની કચેરીમાં જઈએ તો ત્યાં કોઈ અધિકારી અમને મળતા નથી. અમે તેમને મળીએ ત્યારે તેઓ અમને ખાતરી આપે છે કે તેઓ તરત જ અમારું કામ કરી આપશે. પરંતુ છેલ્લ્લા 23 વર્ષથી કંઈ જ કરવામાં આવ્યું નથી."
કવર ફોટો: સુલતાન જાટવ પાયરામાં જ્યાં એક સમયે તેમના પરિવારનું જૂનું ઘર હતું તે જગ્યાએ બેઠા છે, હવે તે ઘર નથી.
આ લેખ માટે જરૂરી સંશોધનમાં અને અનુવાદોમાં અમૂલ્ય મદદ કરવા બદલ પત્રકાર સૌરભ ચૌધરીનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક