એ છે માયાલા પાકીર. એ આંધ્રપ્રદેશના અનંતપુરની શેરીઓમાં ફરતો બાળકો માટેની પૌરાણિક વાર્તાઓમાંનો એક દુષ્ટ જાદુગર છે. આપણા લોકપ્રિય ગાયક કલાકાર કિશોર કુમારનો નામેરી આંધ્ર પ્રદેશ પોલીસમાં આર્મ્ડ રિઝર્વ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો કિશોર કુમાર માયાલા પાકીરનો વેશધારી છે. અને આ ચિત્ર ૨ એપ્રિલના રોજ, શહેરના મધ્ય વિસ્તારમાં ક્લોક ટાવર પાસે લીધેલ છે.
આમ તો લોકોને “પાઠ ભણાવવા” હિંસાના શસ્ત્રનો વિનાસંકોચ પ્રયોગ કરતા તેલુગુભાષી રાજ્યોનું પોલીસદળ, આ વખતે એ જ કામ માટે કળાનો આધાર લઈ રહ્યું હોય એમ લાગે છે. (બીજા એક જિલ્લામાંથી મળેલા વિડિયોમાં પોલીસ હાથ ચોખ્ખા રાખવા માટેના સંદેશમાં લોકપ્રિય તેલુગુ ગીત રામુલારામાલાના સંગીત પર નૃત્ય કરતા જોવા મળે છે.) ‘અનંતપુર પોલીસ’ના ફેસબુક પેજ પર માયાલા પાકીરની (મૂળ નામ કિશોરકુમાર) ડર લાગી જાય એવો કોરોના વાયરસ જેવો દેખાતો મુગુટ પહેરેલી તસવીરો મૂકાઈ છે. (આમ પણ કોરોના શબ્દનો એક અર્થ મુગુટ થાય છે.)
અનંતપુર પોલીસ જણાવે છે કે ઝુંબેશ માટેનું વાહન અને આ ‘નવતરવેશધારક’, હળવા નિયમોના સમયે લોકો ચીજવસ્તુઓની ખરીદી કરવા ઘરની બહાર જશે ત્યારે સામાજિક અંતર રાખવા, સ્વચ્છતાના નિયમો પાળવા જેવા સંદેશ તેમના સુધી પહોંચાડશે. અને આ સંદેશ શાકભાજી બજારો, સરકારી હોસ્પિટલો, કરિયાણાની દુકાનો અને મુખ્ય ચાર રસ્તાઓ પરની ગિરદી સુધી પણ પહોંચાડવામાં આવશે.” લોકોને બિવડાવવામાં કુશળ પોલીસદળ માટે આ વરી કંઈક નવું જ છે.
અનુવાદક: સ્વાતિ મેઢ