મે મહિનામાં ગરમ, બફારા મારતી બપોર છે, પરંતુ મોહામાં આવેલી હજરત સૈયદ અલવી (રહમતુલ્લાહ અલૈહી) દરગાહમાં લોકોની કમી નથી. ચાલીસ પરિવારો, જેમાં મુસ્લિમો કરતાં હિંદુઓ વધુ છે, કંદુરી તરીકે ઓળખાતી તેમની વાર્ષિક પૂજા અને ઉજવણીમાં વ્યસ્ત છે. ઢોબળે પરિવાર તેમાંનો એક છે, અને ઉસ્માનાબાદ જિલ્લાના કળંબ બ્લોકમાં આવેલી આ 200 વર્ષ જૂની દરગાહમાં હું અને મારો પરિવાર તેમના મહેમાન છીએ.

ઉનાળાના મહિનાઓમાં જ્યારે ખેડૂત પરિવારો પાસે થોડો સમય હોય છે, ત્યારે મરાઠવાડા પ્રદેશમાં ઉસ્માનાબાદ, લાતુર અને અન્ય છ જિલ્લાઓ – બીડ, જાલના, ઔરંગાબાદ, પરભણી, નાંદેડ અને હિંગોલી – માં પીરોની દરગાહો સામાન્ય રીતે કોઈને કોઈ પ્રવૃત્તિથી  ધમધમતી હોય છે. ગુરુવારે અને રવિવારે પરિવારો મોટી સંખ્યામાં ત્યાં આવે છે. તેઓ નર બકરાનું બલિદાન આપે છે, રાંધેલા માંસનું નિવાદ આપે છે, આશીર્વાદ લે છે, સાથે મળીને ખાય છે અને અન્યોને પણ ખવડાવે છે.

ઉસ્માનાબાદના યેળશીનાં અમારાં સંબંધી, 60 વર્ષીય ભાગીરથી કદમ કહે છે, “અમે આ [કંદુરી] ઘણી પેઢીઓથી કરી રહ્યાં છીએ.” મરાઠવાડાનો પ્રદેશ 600 વર્ષ કરતાં વધુ સમય સુધી ઇસ્લામી શાસન હેઠળ હતો, જેમાં 224 વર્ષ સુધી હૈદરાબાદના નિઝામે શાસન કર્યું હતું. આ ઇસ્લામી ધાર્મિક સ્થળો પર પૂજા કરવી એ લોકોની આસ્થા અને ધાર્મિક વિધિઓનો એક અંતર્ગત ભાગ છે — જે સમન્વયભરી જીવનની રીતિનું સૂચક છે.

ભાગીરથી, કે જેમને પ્રેમથી લોકો ભાગા માવશી કહીને બોલાવે છે, તેઓ પૂજા માટે ગામડાઓને ચોક્કસ દરગાહોની જવાબદારી સોંપવાની સદીઓ જૂની પરંપરાની રૂપરેખા આપતાં કહે છે, “અમે ગડ દેવદરીમાં પૂજા કરીએ છીએ. તાવરજ ખેડાના લોકો અહીં મોહામાં આવે છે અને તમારા ગામ [લાતુર જિલ્લાના બોરગાઉં ભુદ્રુક] ના લોકોએ શેરાની મુલાકાત લેવાની હોય છે.”

અહીં મોહામાં રહેમતુલ્લાહ દરગાહ પર, દરેક વૃક્ષ અને ટીનની છત અથવા તાડપત્રીના આશ્રય હેઠળ, લોકોએ ચૂલા ગોઠવ્યા છે જ્યાં દરગાહ પર ધાર્મિક વિધિઓ દરમિયાન અર્પણ કરવા માટે ખોરાક રાંધવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓ ગપસપ કરી રહ્યાં છે, બાળકો નિરાંતે રમી રહ્યાં છે. હવા ગરમ છે, પરંતુ પશ્ચિમના આકાશમાં ઘેરાઈ રહેલા વાદળોને કારણે થોડો છાંયડો છે, તેમ જ પ્રવેશદ્વારની બાજુમાં આવેલાં જૂના આમલીના વૃક્ષો પણ છાંયડો કરે છે અને ગરમીથી રાહત આપે છે. દરગાહમાં આવેલ જળાશય — બારવ નામનો 90 ફૂટ ઊંડો જૂનો પથ્થરનો કૂવો સુકાઈ ગયો છે પરંતુ એક ભક્ત અમને જણાવે છે કે તે “ચોમાસામાં પાણીથી ભરાઈ જશે.”

Left: Men offer nivad and perform the rituals at the mazar at Hazrat Sayyed Alwi (Rehmatullah Alaih) dargah (shrine) at Moha.
PHOTO • Medha Kale
Right: Women sit outside the mazar, near the steps  to watch and seek blessings; their heads covered with the end of their sarees as they would in any temple
PHOTO • Medha Kale

ડાબે: મોહા ખાતે હજરત સૈયદ અલવી (રહમતુલ્લાહ અલૈહી) દરગાહના મઝાર પર પુરુષો નિવાદ આપે છે અને ધાર્મિક વિધિઓ કરે છે. જમણે: મઝારની બહાર પગથિયાં પર દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા બેઠેલી મહિલાઓ; તેમના માથાને તેમની સાડીના છેડાથી ઢાંકે છે, જાણે મંદિરમાં હોય એમ

Left: People sit and catch up with each other while the food is cooking.
PHOTO • Medha Kale
Right: People eating at a kanduri feast organised at the dargah in Moha, Osmanabad district
PHOTO • Medha Kale

ડાબે: ભોજન રંધાઈ રહ્યું છે ત્યારે લોકો બેસીને એકબીજાના હાલચાલ પૂછે છે. જમણે: ઉસ્માનાબાદ જિલ્લાના મોહા ખાતેની દરગાહ પર આયોજિત કંદુરી મિજબાનીની મજા માણતા લોકો

સિત્તેર વર્ષની વયે પહોંચવા આવેલા એક વ્યક્તિ તેમનાં વૃદ્ધ માતાને તેમની પીઠ પર લઈને દરગાહમાં પ્રવેશે છે. તેમનાં માતા લગભગ નેવુ વર્ષની વયે પહોંચવા આવેલાં છે, તેમણે આ પ્રદેશની હિંદુ અને મુસ્લિમ મહિલાઓ બન્ને પહેરે છે તેવી નવ યાર્ડ લાંબી આછા લીલા રંગની ઇરકલ સાડી પહેરી છે. જેમ જેમ તેમનો પુત્ર મઝાર (સંતની સમાધિ)નાં પાંચ પગથિયાં ચઢે છે, તેમ તેમ તેમની માતાની આંખો ભીની થતી જાય છે, અને તેઓ તેમના હાથ જોડીને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરે છે.

અન્ય ભક્તો તેમને અનુસરે છે, અને ચાલીસ વર્ષની એક દેખીતી રીતે બીમાર અને વ્યગ્ર સ્ત્રી તેમનાં માતા સાથે પ્રવેશ કરે છે. મઝાર મુખ્ય પ્રવેશદ્વારથી લગભગ 500 મીટરના અંતરે આવેલ છે અને અહીં પહોંચવા માટે બન્ને ખૂબ જ ધીમાં પગલાં ભરે છે. તેઓ મઝાર પર નાળિયેર, કેટલાક ફૂલો અને અગરબત્તી અર્પણ કરે છે. મુજાવર (રખેવાળ) અડધું છોલેલું નાળિયેર અને બીમાર સ્ત્રીના કાંડા પર બાંધવા માટે દોરો આપે છે. માતા સળગેલી ધૂપની રાખની એક ચપટી દીકરીના કપાળ પર લગાવે છે. તેઓ બન્ને થોડી વાર આમલીના ઝાડ નીચે બેઠાં અને પછી ચાલ્યાં ગયાં.

મઝારની પાછળની તારની વાડ નિયોન અને આછા લીલા રંગની કાચની બંગડીઓથી ભરેલી છે. તમામ ધર્મની સ્ત્રીઓ, તેમની દીકરીઓ માટે યોગ્ય જોડીદારની આશામાં આ બંગડીઓ અહીં મૂકે છે. એક બાજુના ખૂણામાં, લાકડાનો મોટો ઘોડો રાખેલ છે જેની આગળ થોડી માટીના ઘોડાની મૂર્તિઓ રાખેલી છે. ભાગા માવશી મને વિગતો આપતાં કહે છે, “આને આદરણીય મુસ્લિમ સંતોની યાદમાં અર્પણ કરવામાં આવે છે, જેમણે તેમના જીવનકાળમાં ઘોડા પર સવારી કરી હતી.”

મને યાદ છે કે મારા સાસરામાં દરરોજ બે ઘોડાઓની પૂજા કરવામાં આવતી હતી. હવે અચાનક તે અર્થસભર લાગવા લાગે છે. એક ઘોડો હિંદુ દેવતા ભૈરોબાનો છે અને બીજો ઘોડો પીર, એક આદરણીય મુસ્લિમ ફકીરનો છે.

Left: Women who are seeking a match for their daughters tie bunches of light green or neon bangles to a metal fence behind the mazar.
PHOTO • Medha Kale
Right: A large wooden horse with a few clay horse figurines are offered by people in memory of revered saints who rode faithful horses
PHOTO • Medha Kale

ડાબેઃ જે મહિલાઓ તેમની દીકરીઓ માટે જોડીદારની શોધમાં હોય છે, તેઓ મઝારની પાછળ ધાતુની વાડ પર આછા લીલા અથવા નિયોન રંગની બંગડીઓ મૂકે છે. જમણેઃ વફાદાર ઘોડાઓ પર સવારી કરનારા આદરણીય સંતોની યાદમાં લોકો થોડા માટીના ઘોડાની મૂર્તિઓ સાથે એક મોટો લાકડાનો ઘોડો અર્પણ કરે છે

*****

ઘણી સ્ત્રીઓ આખીરાત જાગીને વાર્ષિક કંદુરી તહેવારની તૈયારી કરી રહી છે, જેમાં મટનની મસાલેદાર કઢી અને ભાખરીનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંના કેટલાક મટન નહીં ખાય, કારણ કે ગુરુવારે તેમના પંચાંગમાં માંસ ખવાતું નથી. એક મહિલા મને કહે છે, “ભોજનનું કંઈ એટલું મહત્ત્વનું નથી. તે દેવચા કામ આહે, માય [અમે તે મારા પ્રિય ભગવાન માટે કરીએ છીએ].”

આવી ઉજવણીઓ પાછળ સ્ત્રીઓની અથાગ મહેનત હોય છે, પરંતુ જે લોકો ભોજનમાં ભાગ નથી લેતા તેઓ કહે છે કે તેઓ કેટલાક શાકાહારીઓ અને ઉપવાસ કરનારાઓ માટે રાંધેલો ઉપવાસ ખાઈને પણ ખુશ છે. તેમનું ભોજન પણ જે ચૂલા પર માંસ રાંધવામાં આવે છે, તેના પર જ રાંધવામાં આવે છે તેનાથી કે તેઓ બધા એક જ થાળીમાં ખાય છે તેનાથી તેમને કોઈ સમસ્યા નથી; ન તો કોઈની લાગણી દુભાય છે, કે ન તો કોઈ ગુસ્સે ભરાય છે.

પુણેમાં રહેતાં લક્ષ્મી કદમ ખાસ આ મિજબાની માટે આવ્યાં છે અને સેંકડો ભાખરીઓ બનાવીને, કઢી માટે મસાલા દળીને, અને તે દરમિયાન સાફસફાઈ કરીને તેઓ હવે થાકી ગયાં છે. થાકેલાં લક્ષ્મી કહે છે, “મને ‘તેમની’ [મુસ્લિમ] સ્ત્રીઓની ઈર્ષ્યા આવે છે. બિરયાનીનું એક મોટું તપેલું બનાવો અને કામ તમામ. હા અસલા રાડા નાકો ના કહી નાકો [અમારે જેટલું કામ કરવું પડે છે, તેટલું તેમણે નથી કરવું પડતું].”

તેમની ઈર્ષ્યા હવે તેમને વિચારો અને કલ્પના તરફ દોરી જાય છે, તેઓ કહે છે, “તેમના ગાલ જુઓ, કેવા સરસ અને ગુલાબી છે!” જો કે, થોડીક સમૃદ્ધ, ઉચ્ચ જ્ઞાતિના પરિવારોમાંથી આવતી સ્ત્રીઓ સિવાય, અમારી આસપાસની મોટાભાગની સ્ત્રીઓ પાતળી છે અને તેમણે વધારે કામ કરવું પડે છે, જે “ગુલાબી ગાલવાળી” સ્ત્રીઓની તે કલ્પના કરે છે તેવી નથી.

Left: Men are in charge of both cooking and serving the meat.
PHOTO • Medha Kale
Right: Men serve the mutton dish; women eat after making hundreds of bhakri
PHOTO • Medha Kale

ડાબે: માંસ રાંધવા અને પીરસવા બન્નેની જવાબદારી પુરુષો સંભાળે છે. જમણે: પુરુષો મટનની વાનગી પીરસે છે; જ્યારે મહિલાઓ સેંકડો ભાખરી બનાવીને જમવા બેસી છે

Left: Men sitting and chatting after the feast, sharing a paan and some laughs.
PHOTO • Medha Kale
Right:  The region of Marathwada was under Islamic rule for more than 600 years. Belief and worship at these Islamic shrines are ingrained in people’s faith and rituals – representing a syncretic way of life
PHOTO • Medha Kale

ડાબેઃ ભોજન પછી બેસીને વાતો કરતા, પાન ખાતા, અને હસી મજાક કરતા પુરુષો. જમણેઃ મરાઠવાડા પ્રદેશ 600 વર્ષ કરતાં વધુ સમય સુધી ઇસ્લામી શાસન હેઠળ હતો. આ ઇસ્લામી ધાર્મિક સ્થળો પર પૂજા કરવી લોકોની આસ્થા અને ધાર્મિક વિધિઓ નો અંતર્ગત ભાગ છે જે સમન્વયભરી જીવનની રીતિનું સૂચક છે

આ ઉજવણીઓ દરમિયાન માંસ રાંધવાનું કામ માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. મુસ્લિમ શ્રધ્ધાળુઓ દ્વારા મોંમાં પાણી આવી જાય તેવી સુગંધિત બિરયાની પીરસવામાં આવી રહી છે.

પાંચ ભાખરીઓ, ગ્રેવીથી ભરેલું તપેલું અને માંસના પસંદ કરેલા ભાગો તથા ઘઉંની કચડેલી રોટલી, ઘી અને ખાંડ અથવા ગોળમાંથી બનાવેલ મીઠી મળીદાને દરગાહ પર મુજાવરને નિવાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. સ્ત્રીઓ દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા મઝારની બહાર પગથિયાં પર બેસે છે, અને જાણે કોઈ મંદિરમાં હોય તે રીતે સાડીના છેડાથી તેમનું માથું ઢાંકે છે.

એક વાર પ્રાર્થના પૂરી થઈ જાય અને ભેટોની આપ-લે થઈ જાય, પછી ઉજવણી શરૂ થાય છે. સ્ત્રીઓ અને પુરુષો અલગ-અલગ હરોળમાં ખાય છે. જેઓ ઉપવાસ કરે છે તેઓ ઉપવાસ માટેનું ખાસ ભોજન આરોગે છે. જ્યારે દરગાહમાં કામ કરતા પાંચ ફકીરો અને પાંચ મહિલાઓને ભોજન પીરસવામાં આવે, ત્યારે જ આ તહેવાર ઔપચારિક રીતે સમાપ્ત થાય છે .

*****

થોડા અઠવાડિયા પછી, મારાં સાસુ, 75 વર્ષીય ગયાબાઈ કાળેએ અમારા ઘરની નજીકની દરગાહમાં મિજબાનીનું આયોજન કર્યું છે. તેઓ આનું ઘણા સમયથી આયોજન કરી રહ્યાં છે, અને આ વર્ષે (2023), મહારાષ્ટ્રના લાતુરના રેણાપુર બ્લોકના એક નાનકડા ગામ શેરામાં રહેતી તેમની નાની દીકરી ઝુમ્બર તેમની સાથે જોડાય છે.

Left: A woman devotee at Dawal Malik dargah in Shera coming out after offering her prayers at the mazar .
PHOTO • Medha Kale
Right: Shriram Kamble (sitting on the floor) and his friend who did not want to share his name enjoying their time out
PHOTO • Medha Kale

ડાબેઃ શેરામાં દાવલ મલિક દરગાહમાં મઝાર પરથી પ્રાર્થના કરીને બહાર આવતાં એક મહિલા શ્રદ્ધાળુ. જમણેઃ તેમના સમયનો આનંદ માણતા શ્રીરામ કાંબલે (ભોંયતળિયે બેઠેલા) અને તેમના મિત્ર (જેઓ તેમનું નામ લેવા માંગતા ન હતા)

Left: Gayabai Kale is joined by her daughter Zumbar in the annual kanduri at Dawal Malik in Latur district.
PHOTO • Medha Kale
Right: A banyan tree provides some shade and respite to the families who are cooking the meat, as well as families waiting to offer nivad and prayers at the dargah
PHOTO • Medha Kale

ડાબે: લાતુર જિલ્લાના દાવલ મલિક ખાતે વાર્ષિક કંદુરીમાં તેમની પુત્રી ઝુમ્બર પણ જોડાઈ છે. જમણે: એક વડનું વૃક્ષ માંસ રાંધતા પરિવારો તેમજ દરગાહ પર નિવાદ અને પ્રાર્થના કરવા માટે રાહ જોઈ રહેલા પરિવારોને થોડો છાંયો અને રાહત આપે છે

દાવલ મલિકની આ દરગાહ મોહા ખાતેની દરગાહ કરતાં નાની છે. અમે વિવિધ જાતિના 15 હિંદુ પરિવારોને મળીએ છીએ. સ્ત્રીઓનું એક જૂથ મઝારની સામે બેસે છે અને હિંદુ દેવતાઓની આરાધના કરતાં થોડાં ભજન (ભક્તિ ગીતો) ગાય છે; કેટલીક મહિલાઓ એક વૃદ્ધ મુસ્લિમ ફકીર સાથે વાત કરી રહી છે, અને ઘરેલું બાબતો અંગે સલાહ માંગે છે. છોકરાઓનું એક જૂથ, જેમાં મોટાભાગે દલિત છે અને જેમને હજુ પણ ઘણા મંદિરોમાં પ્રવેશ મળતો નથી, તેઓ લોકો જ્યારે નિવાદ આપે ત્યારે હલગી (ઢોલ) વગાડે છે.

ગયાબાઈના મોટા પુત્ર બાલાસાહેબ કાળે રસોઈની દેખરેખ રાખે છે. બાલાસાહેબ લાતુરના બોરગાઉં ભુદ્રુકના એક નાના ખેડૂત છે, અને તેઓ બકરાં કાપવામાં મદદ કરે છે. તેઓ મસાલેદાર, સ્વાદિષ્ટ કઢી પણ બનાવે છે. માતા-પુત્રીની જોડી નિવાદ આપે છે અને તેમનો પરિવાર દરગાહ પર હાજર અન્ય લોકો સાથે વહેંચીને ભોજનનો આનંદ ઉઠાવે છે.

હું દરગાહમાં જે બે મહિલાઓને મળું છું, તેમના માટે પ્રાર્થના કરવાની પ્રથા અને અને આ તહેવાર એક વચન સમાન છે જેને પાળવું જરૂરી છે. “આમાં કોઈ વિકલ્પ નથી. વાજા અસતા, ઉતરાવ લગતા [તે એક બોજ છે, જેને ઉતારવાની જરૂર છે].” તેઓને ડર છે કે જો તે વચન પાળવામાં નહીં આવે, તો કંઈક અણગમતું બનશે.

યાત્રા, રસોઈ, મિજબાની અને વહેંચણી દ્વારા, તેઓ તેમની હિંદુ તરીકેની ઓળખને જાળવી રાખે છે, સાથે સાથે આ દરગાહોને તેમના પોતાના પૂજનીય સ્થાનો તરીકે પણ જુએ છે.

ગયાબાઈ ખાતરી અને અતૂટ વિશ્વાસ સાથે કહે છે, “આ [પીર] મારા દેવતા છે, અને હું તેમની પૂજા કરતી રહીશ. મારા દાદા પણ આવું જ કરતા હતા, મારા પિતા પણ આવું જ કરતા હતા, અને હું પણ તે પ્રથાને ચાલુ રાખીશ.”

Left: Women spend hours making hundreds of bhakris for the kanduri feast.
PHOTO • Medha Kale
Right: Men like Maruti Fere, Gayabai’s brother, preparing the mutton
PHOTO • Medha Kale

મહિલાઓ કંદુરી તહેવાર માટે સેંકડો ભાખરીઓ બનાવવામાં કલાકો વિતાવે છે. જમણે: ગયાબાઈના ભાઈ મારુતિ ફેરે જેવા પુરુષો, મટન તૈયાર કરે છે

Left: Balasaheb Kale is in charge of cooking the meat at dargah Dawal Malik.
PHOTO • Medha Kale
Right: Prayers and nivad are offered at the mazar and Kale family eats the kanduri meal
PHOTO • Medha Kale

ડાબે: બાલાસાહેબ કાળે દાવલ મલિક દરગાહ પર મટન રાંધવાનો હવાલો સંભાળે છે. જમણે: મઝાર પર પ્રાર્થના અને નિવાદ કરવામાં આવે છે અને કાળે પરિવાર કંદુરી ભોજન ખાય છે

*****

ભાગા માવશી અને અન્ય લોકો જ્યારે દરગાહ પર જઈને તેમનું વચન પૂરું કરી રહ્યા હતા, તે જ મહિનામાં (મે 2023)માં ત્ર્યંબકેશ્વરના રહેવાસી સલીમ સૈયદ 500 કિલોમીટર દૂર નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર મંદિરના પ્રવેશદ્વાર પર ચંદન-ધૂપ ચઢાવવા ગયા હતા. સાઠ વર્ષના સલીમની સાથે અન્ય લોકો જોડાયા હતા અને 100 થી વધુ વર્ષોની આ પ્રથાને જીવંત રાખી હતી.

તેઓને તેમના પોતાના ‘ત્ર્યંબક રાજા’માં અતૂટ શ્રદ્ધા હતી અને તેથી ચાદર ચઢાવવા માટે વાર્ષિક ઉર્સનું આયોજન કરે છે.

પરંતુ સૈયદ અને અન્ય લોકોને પ્રવેશદ્વાર પર ઉદ્ધત રીતે અટકાવવામાં આવ્યા હતા અને તેમના પર મંદિરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એક કટ્ટરપંથી હિંદુ નેતાએ તો મુસ્લિમ પુરુષોને ‘તેમની ઇબાદત તેમની દરગાહો સુધી જ મર્યાદિત રાખવા’ કહ્યું હતું. તેમના પર ત્યાં પૂજા કરતા હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. ‘આતંકવાદના આ કૃત્ય’ની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના પણ કરવામાં આવી હતી.

આઘાત પામેલા સૈયદે જાહેરમાં માફી માંગી હતી. તેમણે સામાજિક સંવાદિતા જાળવી રાખવા માટે આ સદીઓ જૂની પ્રથા બંધ કરવાનું વચન આપ્યું હતું. આ એક વક્રોક્તિની નોંધ લેવામાં આવી ન હતી.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Medha Kale

ಪುಣೆಯ ನಿವಾಸಿಯಾದ ಮೇಧ ಕಾಳೆ, ಮಹಿಳೆ ಮತ್ತು ಆರೋಗ್ಯವನ್ನು ಕುರಿತ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಕ್ರಿಯರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ಪರಿಯ ಅನುವಾದಕರೂ ಹೌದು.

Other stories by Medha Kale
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad