65 વર્ષના કરસૈદ બેગમ કહે છે, "પહેલે દિવસે મજિદાને મારા હાથ પર આ રીતે માર્યું હતું," અને તેઓ રમતિયાળ રીતે તે ક્ષણને ફરીથી રજૂ કરી બતાવે છે. એ જૂની વાતથી હજી આજેય આનંદમાં આવી ગયેલા તેમની બાજુમાં બેઠેલા મજિદાન બેગમ તરત જ પોતાનો બચાવ કરે છે. તેઓ કહે છે, "કરસૈદને શરૂઆતમાં દોરા સાથે કેવી રીતે કામ કરવું તે આવડતું નહોતું. મેં તેમને માત્ર એક જ વાર માર્યું હતું," અને ઉમેરે છે, “પછી તેઓ ઝડપથી શીખી ગયા હતા.”

પંજાબના ભટિંડા જિલ્લાના એક ગામ, ઘંડા બાનામાં, બે વૃદ્ધ મહિલાઓ, મજિદાન અને કરસૈદ, સુતર, શણ અને જૂના કપડામાંથી ઝીણી ડિઝાઈનવાળી અને ચમકીલા રંગની ધુરી [શેતરંજી] વણવા માટે જાણીતા છે.

કરસૈદ કહે છે, "35 વર્ષની ઉંમરે હું મજિદાન પાસેથી ધુરી કેવી રીતે વણવી તે શીખી હતી."  71 વર્ષના મજિદાન કહે છે, "ત્યારથી અમે સાથે મળીને ધુરી વણતા આવ્યા છીએ. આ માત્ર એક વ્યક્તિનું કામ નથી, પરંતુ બે જણાએ મળીને કરવું પડે એવું કામ છે."

બે ભાઈઓ સાથે લગ્ન કરીને એકબીજા સાથે સંકળાયેલા તેઓ બંને પોતાને બહેનો અને પરિવારના સભ્યો તરીકે ઓળખાવે છે. કરસૈદ કહે છે, “અમે સગી બહેનો હોઈએ એવું જ અમને લાગે છે. મજિદાન ઝડપથી ઉમેરે છે, "જો કે અમારો સ્વભાવ એકબીજાથી સાવ જુદો છે." કરસૈદ તેનો ઝડપથી જવાબ આપતા કહે છે, "મજિદાન જે હોય તે તડ ને ફડ કહી દે છે. જો કે, હું શાંત રહું છું."

તેઓ ધુરી વણવામાં કલાકો ગાળે છે તેમ છતાં, મજિદાન અને કરસૈદ મહિનાના થોડા હજાર રુપિયા કમાવા માટે ઘરેલુ નોકર તરીકે પણ કામ કરે છે જેથી તેઓ તેમના પરિવારને મદદ કરી શકે. બંને કામ શારીરિક મહેનત માગી લે એવા છે, ખાસ કરીને તેમની ઉંમરની મહિલાઓ માટે.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

મજિદાન બેગમ (ડાબે) અને તેમના દેરાણી કરસૈદ બેગમ (જમણે) ભટિંડાના ઘંડા બાના ગામમાં સુતર, શણ અને જૂના કપડામાંથી ઝીણી ડિઝાઈનવાળી અને ચમકીલા રંગની ધુરી [શેતરંજી] વણવા માટે જાણીતા છે. 65 વર્ષના કરસૈદ કહે છે, '35 વર્ષની ઉંમરે હું મજિદાન પાસેથી ધુરી કેવી રીતે વણવી તે શીખી હતી.'  71 વર્ષના મજિદાન કહે છે, 'ત્યારથી અમે સાથે મળીને ધુરી વણતા આવ્યા છીએ. આ માત્ર એક વ્યક્તિનું કામ નથી, પરંતુ બે જણાએ મળીને કરવું પડે એવું કામ છે'

ઈદની ભેજવાળી સવારે, મજિદાન કરસૈદના ઘર તરફ દોરી જતી ઘાંડા બાનાની સાંકડી ગલીઓમાં આગળ વધે છે. તેઓ અભિમાનપૂર્વક કહે છે, "આ ગામમાં દરેક ઘરના દરવાજા મને આવકારવા માટે ખુલ્લા છે મને આવકારશે. એ જ બતાવે છે કે આટલા વર્ષોમાં મેં કેટલું કામ કર્યું છે.

તેમની ખ્યાતિ આ ગામની બહાર પણ ફેલાયેલી છે. દૂર-દૂરના સ્થળોએથી લોકો સંદેશવાહકને મજિદાન પાસે તપાસ કરવા મોકલે છે કે તેઓ બંને શેતરંજી બનાવી શકશે કે કેમ. મજિદાન કહે છે, "પરંતુ ફૂલ, ધાપલી અને રામપુરા ફૂલ જેવા નજીકના ગામો અથવા નગરોના લોકો જેઓ મને ધૂરી વણાટના કામ માટે સારી રીતે ઓળખે છે, તેઓ સીધા મારે ઘરે આવે છે."

જ્યારે પારીએ થોડા મહિનાઓ પહેલા (એપ્રિલ 2024) માં તેમની મુલાકાત લીધી ત્યારે બંને કારીગરો ઘંડા બાનાના એક નિવાસી માટે ફુલકારી ધુરી, ફૂલોની ગૂંથણીવાળી શેતરંજી વણતા હતા. એ પરિવાર તેમની દીકરીને એ શેતરંજી આપવા માગતો હતો, જેના ટૂંક સમયમાં લગ્ન થઈ રહ્યા હતા. મજિદાને કહ્યું, "ધુરી તેના દાજ [આણાં] માટે છે."

ગ્રાહકે આપેલા બે અલગ અલગ રંગીન દોરાના સંયોજનોનો ઉપયોગ કરીને ફૂલો બનાવવામાં આવ્યા હતા. પીળા વાણા (આડા દોરા) ને પસાર કરવા માટે 10 સફેદ તાણા (ઊભા દોરા) ઉપાડીને, પછી વાદળી દોરા માટે એ જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતા મજિદાન સમજાવે છે, "વણાટમાં ફૂલનો નમૂનો કરીએ ત્યારે અમે વચ્ચે-વચ્ચે જુદા જુદા રંગોના વાણાનો સમાવેશ કરીએ છીએ." થોડું અંતર છોડીને તેઓ ફરીથી એ પ્રક્રિયા ચાલુ રાખે છે, આ વખતે તેઓ લીલું અને કાળું ફૂલ બનાવે છે.

મજિદાન કહે છે, "એકવાર ફૂલો પૂરાં થઈ જાય પછી અમે ફક્ત લાલ વાણાનો ઉપયોગ કરીને લગભગ એક ફૂટ ધુરી વણીશું." કાપડને માપવા માટે અહીં કોઈ ટેપ નથી, તેને બદલે મજિદાન તેમના હાથનો ઉપયોગ કરે છે. તેઓ અને કરસૈદ શરૂઆતથી આમ જ કરતા આવ્યા છે કારણ કે તેમણે બંનેએ ક્યારેય શાળામાં અભ્યાસ કર્યો નથી.

તેઓ બંને હથ્થા [શાળ પર વપરાતું કાંસકા જેવું સાધન] નો ઉપયોગ કરીને વાણાને તેના યોગ્ય સ્થાને ધકેલે છે ત્યારે મજિદાન ફરીથી ટિપ્પણી કરે છે, "બધી ડિઝાઇન મારા મગજમાં છે." તેમણે અત્યાર સુધી જે ધુરીઓ વણી છે તેમાં એક મોર સાથેની અને બીજી 12 પરિયાં [પરીઓ] સાથેની ધુરી વિષે તેમને ગર્વ છે. આ ધુરીઓ તેમની બંને દીકરીઓને તેમના દાજ માટે આપવામાં આવી હતી.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ગ્રાહક માટે ફુલકારી ધુરી, ફૂલોની ગૂંથણીવાળી શેતરંજી વણતા મજિદાન. પીળા વાણા (આડા દોરા) ને પસાર કરવા માટે 10 સફેદ તાણા (ઊભા દોરા) ઉપાડીને, પછી વાદળી દોરા માટે એ જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતા મજિદાન સમજાવે છે, 'વણાટમાં ફૂલનો નમૂનો કરીએ ત્યારે અમે વચ્ચે-વચ્ચે જુદા જુદા રંગોના વાણાનો સમાવેશ કરીએ છીએ'

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ડાબે: હથ્થા [શાળ પર વપરાતું કાંસકા જેવું સાધન] નો ઉપયોગ કરીને વાણાને તેના યોગ્ય સ્થાને ધકેલતા બે મહિલા કારીગરો. જમણે: લાકડી પર લાલ દોરો વીંટાળતા મજિદાન, જેનો ઉપયોગ તેઓ વાણા તરીકે કરશે અને 10-ફૂટની ધાતુની ફ્રેમ પર કામ કરતા કરસૈદ, પોતાની પૌત્રી મન્નત સાથે, આ ફ્રેમ પર તેઓ ધૂરી વણશે

*****

મજિદાનના પાકા ઘરમાં તેમનું વર્કસ્ટેશન જોતાં તેઓ ઝીણી ઝીણી વિગતો પર કેટલું ધ્યાન આપે છે એનો ખ્યાલ આવી જાય છે. તેઓ જે રૂમમાં કામ કરે છે તે રૂમનો ઉપયોગ તેઓ અને તેમનો 10 વર્ષનો પૌત્ર ઈમરાન ખાન બંને કરે છે. 14 x 14-ફૂટના આ રૂમની મોટા ભાગની જગ્યા પર 10-ફૂટ-લાંબી ધાતુની ફ્રેમ છે જેને સ્થાનિક રીતે 'અડ્ડા' તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ ટેપેસ્ટ્રી (નકશીદાર કાપડ) ના વણાટ માટે થાય છે. બાકીના ઓરડામાં ઘણી બધી ચારપાઈ (પાટી બાંધેલા ખાટલા) છે, કેટલાક દિવાલને અઢેલીને મૂકેલા છે અને એક ફ્રેમની બાજુમાં છે; કપડાં અને સામાનથી ભરેલો સ્ટીલનો મોટો પટારો બાજુમાં પડેલો છે. એક જ લાઇટ બલ્બ રૂમમાં અજવાળું ફેલાવે છે, પરંતુ જરૂરી અજવાળા માટે અને કરસૈદ દરવાજામાંથી આવતા  સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે.

તેઓ લગભગ 10-ફૂટની ધાતુની ફ્રેમની આજુબાજુ તાણા-ઊભા દોરા-વીંટાળવાથી શરૂઆત કરે છે. મજિદાન ટિપ્પણી કરે છે, "ધુરી વણાટમાં તાણાને વીંટાળવાનું કામ સૌથી મુશ્કેલ છે." ચુસ્ત રીતે વીંટાળેલા તાણાને ધાતુના બીમની આસપાસ લંબાઈની દિશામાં ખેંચવામાં આવે છે.

બે વણકરો ધાતુની ફ્રેમની ઉપર મૂકવામાં આવેલા પાટિયા પર બેસે છે, આ ધાતુની ફ્રેમ તેઓ જે ટેપેસ્ટ્રી બનાવશે તેને ટેકો આપે છે. હેડલ - ઝડપી અને સરળ વણાટ માટે વપરાતા લાકડા કે ધાતુના લાંબા દાંડા - ને લૂમના શેડને ખોલવા અને બંધ કરવા માટે વાપરવાની સાથે પ્રક્રિયા શરૂ થાય છે. શેડ એ તાણાને એકબીજાથી અલગ કરે છે. આનાથી આગળ જતાં શેતરંજી કેવી બનશે એનો એક નમૂનો તૈયાર થાય છે.

લાકડીનો ઉપયોગ કરીને બે કારીગરો વારાફરતી આડા વાણા (બાના) ને તાણા (તાના) માંથી પસાર કરી અટપટી ડિઝાઈન બનાવે છે. મજિદાન જુદા જુદા બુટ્ટા બનાવવા માટે તાણા વીંટાળે છે, તેઓ કહે છે કે આ બુટ્ટાઓ "તેમના મગજમાં રહેલા એક વિચાર પર આધારિત છે." ડિઝાઈનની આબેહૂબ નકલ કરવા તેઓ કોઈ નમૂના અથવા સ્ટેન્સિલનો સંદર્ભ લેતા નથી.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

બે વણકરો ધાતુની ફ્રેમની ઉપર મૂકવામાં આવેલા પાટિયા પર બેસે છે, આ ધાતુની ફ્રેમ તેઓ જે ટેપેસ્ટ્રી બનાવશે તેને ટેકો આપે છે. તેઓ સ્થાનિક રીતે 'અડ્ડા' તરીકે ઓળખવામાં આવતી અને ટેપેસ્ટ્રી (નકશીદાર કાપડ) ના વણાટ માટે વપરાતી લગભગ 10-ફૂટની ધાતુની ફ્રેમની આજુબાજુ તાણા-ઊભા દોરા-વીંટાળવાથી શરૂઆત કરે છે. મજિદાન કહે છે, 'ધુરી વણાટમાં તાણાને વીંટાળવાનું કામ સૌથી મુશ્કેલ છે

મુશ્કેલ લાગતું હોવા છતાં હવે પછીનું કામ ઘણું સરળ છે. કરસૈદ કહે છે, “આ પહેલાં અમે જમીનમાં ચારેય ખૂણામાં લોખંડના ચાર મોટા કિલ [ખીલા] મારતા હતા. તેના પર લાકડાના બીમ લગાવી અમે એક ફ્રેમ બનાવતા અને પછી વણાટ કરવા માટે તેની આસપાસ તાણા વીંટાળતા.”  મજિદાન કહે છે, "એ અડ્ડાને આની જેમ ખસેડી શકાતો નહોતો." તેથી જ્યારે તેઓને જગ્યા બદલવી હોય, ત્યારે "અમે તેને ખેંચીને આંગણામાં લઈ જઈએ છીએ."

બંને મહિલાઓને તેમના પરિવારો તરફથી ખાસ આર્થિક મદદ મળતી નથી. મજિદાનના સૌથી નાના દીકરા રિયાસત અલી ટ્રક ડ્રાઈવર હતા પણ હવે તેઓ દિવસના 500 રુપિયા પેટે એક ગમાણમાં કામ કરે છે. તેમના મોટા દીકરા બરનાલામાં સ્થાનિક પત્રકાર છે. કરસૈદના બે દીકરા વેલ્ડર તરીકે કામ કરે છે, જ્યારે તેમના ત્રીજા દીકરા દાડિયા મજૂર છે.

મજિદાને કરસૈદ કરતાં ઘણું વહેલું વણાટ કરવાનું શરૂ કર્યું હતું. જો કે તેમના પર લાદવામાં આવેલી શિસ્તની પ્રયુક્તિઓ અલગ નહોતી. મજિદાન તેમને વણાટ કેવી રીત કરવું એ શીખવનાર તેમની જેઠાણી વિષે બોલતા કહે છે, “મને શીખવવા માટે મારી પરજાઈ [જેઠાણી] મને તૂઈ [પૂંઠ] પર મારતા હતા."

"હું બહુ ઝડપથી ગુસ્સે થઈ જતી, એ મારો સ્વાભાવ હતો, તેમ છતાં હું ચૂપ રહી કારણ કે હું શીખવા માટે ઉત્સુક હતી." અને તેઓ એક મહિના કરતાં ઓછા સમયમાં શીખી પણ ગયા, "મારી શરૂઆતની હતાશા અને આંસુ છતાં."

મજિદાનના પિતાના અવસાન પછી તેમની માતા એકમાત્ર કમાનાર સભ્ય રહી ગયા ત્યારે મજિદાનનો આત્મવિશ્વાસ અને તેમની દૃઢતા છતાં થયા. 14 વર્ષના મજિદાને શરૂઆતમાં (તેમની માતાની) નામરજી છતાં માતાને મદદ કરવાનો આગ્રહ રાખ્યો. મજિદાન યાદ કરે છે, "બેબે [માતા] નરમાશથી ના પાડતા, [હું મદદ ન કરી શકું કારણ કે] 'હું છોકરી છું', પરંતુ મેં જીદ કરી, મેં સવાલ કર્યો કે એક છોકરી હોવાને કારણે હું પરિવારને મદદ ન કરી શકું એવું શા માટે હોવું જોઈએ."

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

લાકડીનો ઉપયોગ કરીને બે કારીગરો વારાફરતી આડા વાણા (બાના) ને તાણા (તાના) માંથી પસાર કરી અટપટી ડિઝાઈન બનાવે છે. મજિદાન જુદા જુદા બુટ્ટા   બનાવવા માટે તાણા વીંટાળે છે, તેઓ કહે છે કે આ બુટ્ટાઓ 'તેમના મગજમાં રહેલા એક વિચાર પર આધારિત છે.' ડિઝાઈનની આબેહૂબ નકલ કરવા તેઓ કોઈ નમૂના અથવા સ્ટેન્સિલનો સંદર્ભ લેતા નથી

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

પીળા અને વાદળી યાર્નના દોરાનો ઉપયોગ કરીને બે ફૂલોના નમૂનાના સંયોજનનું વણાટ કરી રહેલા મજીદાન અને કરસૈદ. થોડું અંતર છોડીને તેઓ બંને લીલા અને કાળા ફૂલ બનાવવાનું ચાલુ રાખે છે. મજિદાન કહે છે, 'એકવાર ફૂલો પૂરાં થઈ જાય પછી અમે ફક્ત લાલ વાણાનો ઉપયોગ કરીને લગભગ એક ફૂટ ધુરી વણશું.' કાપડને માપવા મજિદાન તેમના હાથનો ઉપયોગ કરે છે, તેઓ શરૂઆતથી આમ જ કરતા આવ્યા છે કારણ કે તેમણે બંનેએ ક્યારેય શાળામાં અભ્યાસ કર્યો નથી

ભારતના વિભાજનની આ પરિવાર પર ઊંડી અસર પડી હતી - મજિદાનના નાના-નાનીનો પરિવાર પાકિસ્તાનમાં રહેતો હતો, એ હકીકતને કારણે હજી આજે પણ મજિદાન ત્યાંનું ખેંચાણ અનુભવે છે. 1980 ના દાયકામાં મજિદાન તેમને મળવા ગયા હતા ત્યારે તેઓ ભેટો - હાથેથી વણેલી બે ધુરી - લઈને ગયા હતા, મજિદાન કહે છે, "એ તેમને ખૂબ ગમી હતી."

*****

કલાકોની મહેનત છતાં આ મહિલાઓ એક ધુરીના માત્ર 250 રુપિયા કમાય છે. મજિદાન સમજાવે છે, “અમે સામાન્ય રીતે ધુરી વણવાના 1100 રુપિયા લઈએ છીએ. જો ગ્રાહક સૂત [સુતરના દોરા] પૂરા પાડે તો અમે અમારી મજૂરીના માત્ર 500 રુપિયા લઈએ છીએ." તેઓ યાદ કરે છે, “જ્યારે મેં ધુરી વણાટનું કામ કરવાની શરૂઆત કરી ત્યારે આખી ધુરી 20 રુપિયામાં વણાતી હતી. હવે અમે અમારા પેટપૂરતુંય ભાગ્યે કમાઈએ છીએ." કરસૈદ દુઃખ વ્યક્ત કરતા કહે છે, "ગામમાં એક લિટર દૂધની કિંમત 60 રુપિયા છે. એક મહિનામાં મારે કેટલો ખર્ચ થતો હશે વિચારો."

મજિદાન અને કરસૈદ બંનેના પતિ બેરોજગાર હોવાથી તેઓ બંનેએ ખૂબ જ મુશ્કેલીથી પોતાના બાળકોને ઉછેર્યા હતા. કરસૈદ ઉમેરે છે, “મેં જાટ શીખ પરિવારો માટે ઘરેલુ નોકર તરીકે કામ કર્યું છે, એ પરિવારો મને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ ઘેર લઈ જવા આપતા. તેનાથી હું મારા બાળકોનું પેટ ભરતી." મજિદાન, તેમના સૌથી નાના દીકરા અને તેના પરિવાર સાથે રહે છે, અને કરસૈદ તેમના આઠ જણના પરિવાર સાથે રહે છે, તેઓ બંને ઘણીવાર એ મુશ્કેલ સમય યાદ કરે છે.

ત્રણ વર્ષ પહેલા સુધી, તેઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે કપાસની લણણીની વ્યસ્ત મોસમ દરમિયાન કપાસ ચૂંટતા હતા. તેઓ તેને યાર્નમાં કાંતતા, જેમાંથી તેમને થોડીઘણી કમાણી થતી, 40 કિલો કપાસ ચૂંટવા માટે તેઓ રોજના 200 રુપિયા કમાતા. મજિદાન ટિપ્પણી કરે છે, "આજકાલ, મોટા ભાગના ખેડૂતો કપાસને બદલે ડાંગરની વાવણી કરે છે." આ પરિવર્તને તેમના જીવનને ભારે અસર પહોંચાડી છે. સરકારી રેકોર્ડ પંજાબમાં કપાસના વાવેતરમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે , પંજાબમાં કપાસનું વાવેતર 2014-15 માં 420000 હેક્ટરથી ઘટીને 2022-23 માં 240000 હેક્ટર થઈ ગયું છે.

માર્ચમાં મજિદાને અનિચ્છાએ દોરો અને યાર્ન કાંતવા માટે તેમનો ચરખો વાપરવાનું છોડી દીધું; એ શેડમાં ત્યજી દેવાયેલી હાલતમાં પડ્યો છે. ધુરીની માંગમાં પણ તીવ્ર ઘટાડો થયો છે - એક સમયે તેઓ મહિનાની 10 થી 12 ધુરી વણતા હતા, હવે તેઓ માંડ બે જ વણે છે. રાજ્ય સરકાર તરફથી મળતું 1500 રુપિયાનું માસિક વિધવા પેન્શન એ જ તેમની એકમાત્ર સ્થિર આવક છે.

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

છૂટા દોરાઓ પર ગાંઠો બાંધીને હાથેથી વણેલી ધુરીને આખરી ઓપ આપતા મજિદાન

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

પોતે અને કરસૈદે બનાવેલી એક ધુરી (ડાબે) બતાવતા મજિદાન. તેમના 10 વર્ષના પૌત્ર ઈમરાન ખાન (જમણે) ની મદદથી મજિદાન સોયમાં દોરો પરોવે છે. એક કલાકથી વધુ કામ કર્યા પછી કરસૈદ અને મજિદાન એક નાનો વિરામ લે છે અને તેમના પગ લંબાવે છે. તેઓ બંને આંખોની રોશની નબળી પડવાની અને સાંધાના દુઃખાવાની ફરિયાદ પણ કરે છે

એક કલાકથી વધુ કામ કર્યા પછી કરસૈદ અને મજિદાન એક નાનો વિરામ લે છે અને તેમના પગ લંબાવે છે. કરસૈદ તેમની પીઠમાં દુખાવો થતો હોવાનો ઉલ્લેખ કરે છે અને મજિદાન પોતાના ઘૂંટણ દબાવીને કહે છે, "આજે મને ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે. મારા સાંધા દુખે છે." તેઓ બંને આંખોની રોશની નબળી પડવાની ફરિયાદ પણ કરે છે.

મજિદાન ઉમેરે છે, “બંદા બનકે કામ કિત્તા હૈ [મેં એક પુરુષની જેમ કામ કર્યું છે], અને હું આ ઉંમરે પણ તેમ કરવાનું ચાલુ રાખું છું,” કારણ કે તેઓ ફક્ત તેમની સાધારણ કમાણી પર આ ઘર ચલાવે છે.

તેમની ઉંમર અને તેની સાથે આવતી પીડા છતાં મજિદાનને તેમના પેન્શન અને ધૂરી વણીને મળતી આવકની પૂર્તિ કરવી પડે છે.  દરરોજ સવારે 7 વાગ્યે થોડા કિલોમીટર ચાલીને તેઓ એક પરિવાર માટે રસોઈ બનાવવા જાય છે, અને તેમાંથી મહિને 2000 રુપિયા કમાય છે. તેઓ અને કરસૈદ ઘરેલુ નોકર તરીકે પણ કામ કરે છે, જેમાંથી તેઓ કલાક દીઠ 70 રુપિયા કમાય છે.

લાંબા કલાકો સુધી કામ કરવા છતાં તેઓ ધુરી વણવા માટે સમય કાઢી લે છે. કરસૈદ કહે છે, "જો અમે દરરોજ વણાટ કરીએ તો અમે એક અઠવાડિયામાં એક ધુરી પૂરી કરી શકીએ."

મજિદાન વણાટ છોડી દેવાનું વિચારે છે. ગયા વર્ષની પિત્તાશયની શસ્ત્રક્રિયાના ટાંકા બતાવતા તેઓ કહે છે, "કદાચ આ એક અને બીજી એક ધુરી પૂરી કર્યા પછી હું વણાટ કરવાનું બંધ કરી દઈશ. લાંબા કલાકો સુધી બેસવાનું મુશ્કેલ બન્યું છે. મને અહીં દુખે છે. જે કંઈ વર્ષો બાકી રહ્યા છે - એક કે કદાચ બે - એ હું સારી રીતે જીવવા માગું છું."

જોકે, બીજે દિવસે નિવૃત્તિનો કોઈપણ વિચાર ભૂલાઈ ગયો હોય તેવું લાગે છે. ઉંમરના એંસીના દાયકાની શરૂઆતમાં હોય એવી એક કમજોર મહિલા, બલબીર કૌર બીજા ગામમાંથી એક ધુરીનો ઓર્ડર લઈને આવે છે. મજિદાન એ વૃદ્ધ મહિલાને સો રૂપિયા આપીને સૂચના આપે છે, “માઈ [મા], પરિવારને પૂછો કે તેમને ધુરી ઘરમાં વાપરવા માટે જોઈએ છે કે તેમની દીકરીના આણાં માટે."

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Sanskriti Talwar

ಸಂಸ್ಕೃತಿ ತಲ್ವಾರ್ ನವದೆಹಲಿ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು 2023ರ ಪರಿ ಎಂಎಂಎಫ್ ಫೆಲೋ.

Other stories by Sanskriti Talwar
Editor : Vishaka George

ವಿಶಾಖಾ ಜಾರ್ಜ್ ಪರಿಯಲ್ಲಿ ಹಿರಿಯ ಸಂಪಾದಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಜೀವನೋಪಾಯ ಮತ್ತು ಪರಿಸರ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ವರದಿ ಮಾಡುತ್ತಾರೆ. ವಿಶಾಖಾ ಪರಿಯ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮ ಕಾರ್ಯಗಳ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಪರಿಯ ಕಥೆಗಳನ್ನು ತರಗತಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲು ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ತಮ್ಮ ಸುತ್ತಲಿನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸಲು ಸಹಾಯ ಮಾಡಲು ಎಜುಕೇಷನ್ ತಂಡದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Vishaka George
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik