તેમના ઘરની બારીમાંથી જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં પાણી જ પાણી છે - આ વર્ષનાં પૂર ઓસર્યાં નથી. રૂપાલી પેગુ સુબનસિરી નદીથી માત્ર એક કિલોમીટરના અંતરે રહે છે - સુબનસિરી બ્રહ્મપુત્રાની એક મહત્વપૂર્ણ ઉપનદી છે, જે આસામમાં દર વર્ષે જમીનના મોટા વિસ્તારોને પૂરના પાણીમાં ગરકાવ કરી દે છે.

તેઓ કહે છે કે પાણી ચારે બાજુ હોઈ શકે છે, પરંતુ વિડંબના તો એ છે કે પીવાલાયક પાણી શોધવું એ એક પડકાર છે. આસામના લખીમપુર જિલ્લામાં આવેલા તેમના ગામ બોરદુબી માલુવાલમાં પીવાનું પાણી પ્રદૂષિત છે. રૂપાલી સમજાવે છે, “અમારા ગામના અને આજુબાજુના મોટાભાગના હેન્ડપંપ પૂરના પાણી નીચે ડૂબી ગયા છે.”

રસ્તા પાસેના હેન્ડપંપ પરથી પાણી ભરી લાવવા માટે તેઓ એક નાનીસરખી હોડકી પર આધાર રાખે છે. સ્ટીલના ત્રણ મોટા પાણીના કન્ટેનરથી સજ્જ હોડકીને રૂપાલી રસ્તા તરફ હંકારી જાય છે, એ રસ્તો પણ આંશિક રીતે પાણીમાં ડૂબી ગયેલો છે. એ પૂરગ્રસ્ત ગામમાં કાળજીપૂર્વક હોડી હંકારવા માટે તેઓ વાંસની લાંબી લાકડીનો ઉપયોગ કરે છે. રૂપાલી પોતાના પાડોશીને બૂમ પાડીને બોલાવે છે, "મોની, મારી સાથે ચાલ!", મોની ઘણીવાર તેમની સાથે આ સફરોમાં જોડાય છે. આ બે સખીઓ પાણીના પાત્રો ભરવામાં એકબીજાને મદદ કરે છે.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: રૂપાલી આસામના લખીમપુર જિલ્લાના રહેવાસી છે જ્યાં પૂરને કારણે દર વર્ષે ઘણી સમસ્યાઓ સર્જાય છે. જમણે: આ ગામના બીજા લોકોની જેમ તેઓ - પૂરનો સામનો કરવા માટે બાંધવામાં આવેલા - વાંસના એક જમીનથી ઊંચા ઘરમાં - એક ચાંગ ઘરમાં રહે છે

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: રૂપાલીનું ગામ બ્રહ્મપુત્રાની ઉપનદી સુબનસિરી નદીની ખૂબ નજીક છે. જ્યારે ગામ પૂરનાં પાણીમાં ડૂબી જાય છે ત્યારે આસપાસમાં ફરવા માટે તેઓ એક નાવડીનો ઉપયોગ કરે છે. જમણે: સ્વચ્છ પાણી મેળવવાની આશામાં તેઓ નાવડીને હેન્ડપંપ સુધી હંકારી જાય છે

હેન્ડપંપ પર પમ્પિંગ કર્યાની થોડી મિનિટો પછી આખરે સ્વચ્છ પાણી વહેવા લાગે છે. રૂપાલી રાહતના હળવા સ્મિત સાથે કહે છે, “ત્રણ દિવસથી વરસાદ પડ્યો નથી તેથી અમને પાણી મળી શક્યું." પાણી ભરવાનું એ કામ એ મહિલાઓએ કરવાના કામ તરીકે જોવામાં આવે છે, અને જેમ જેમ નદીમાં પાણીનું સ્તર વધે છે તેમ તેમ આ વધારાનો બોજ ઉઠાવવાનું મહિલાઓને ભાગે આવે છે.

36 વર્ષના રૂપાલી તેમના ઘરની આસપાસ ઘૂમતા કાદવવાળા પાણી તરફ ઈશારો કરીને કહે છે કે જ્યારે હેન્ડપંપ નિરાશ કરે છે (જ્યારે હેન્ડપંપ પરથી પાણી મળતું નથી) ત્યારે “અમે આને ઉકાળીને પીએ છીએ."

આ પ્રદેશના બીજા ઘણા લોકોની જેમ રૂપાલીનું વાંસનું ઘર પૂરનો સામનો કરવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે. સ્થાનિક રીતે ચાંગ ઘર તરીકે ઓળખાતા - આ ઘરો પૂરથી બચવા માટે વાંસના થાંભલા પર ઊંચે બનાવવામાં આવે છે. રૂપાલીના બતકોએ તેમના પોર્ચને (ઘરના બારણા આગળની છતવાળી જગ્યાને) પોતાનું ઘર બનાવી લીધું છે, અને તેમનો ક્વેક ક્વેક અવાજ આંગણામાં પ્રસરેલી શાંતિને ભરી દે છે.

રૂપાલીને મૂત્ર વિસર્જન કે મળ ત્યાગ કરવા જવાની જરૂર હોય ત્યારે આ હોડકી જ તેમને લાવનાર-લઈ જનાર બને છે. એક સમયે તેના ઘરમાં એક શૌચાલય હતું, પરંતુ હાલ તે પાણી નીચે ડૂબી ગયેલું છે. તેઓ કહે છે, "આપણે દૂર, નદી તરફ દૂર જવું પડે છે." રૂપાલી એ સફર અંધારામાં ખેડે છે.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે અને જમણે: પાણી ચારે બાજુ હોઈ શકે છે, પરંતુ વિડંબના તો એ છે કે પીવાલાયક પાણી શોધવું એ એક પડકાર છે

માત્ર રોજિંદા જીવન ને જ નહીં પરંતુ અહીં રહેતા મોટાભાગે મિસિંગ સમુદાયના લોકોની આજીવિકાને પણ અસર પહોંચે છે. રૂપાલી કહે છે, “અમારી પાસે 12 વીઘા જમીન હતી જ્યાં અમે ચોખાની ખેતી કરતા હતા. પરંતુ આ વર્ષે અમારા બધા પાક ડૂબી ગયા છે અને અમે બધું ગુમાવી દીધું છે." તેમની જમીનનો એક ભાગ નદી અગાઉ જ ગળી ગઈ છે. તેઓ કહે છે, "આ વર્ષે નદી કેટલી જમીન ગળી ગઈ છે એ તો પૂર (ઓસરે એ) પછી જ ખબર પડશે."

ખેતી એ (આ રાજ્યમાં શિડ્યુલ્ડ ટ્રાઈબ (અનુસૂચિત જનજાતિ) તરીકે સૂચિબદ્ધ) મિસિંગ સમુદાયના લોકોનો પરંપરાગત વ્યવસાય છે. ખેતી ન કરી શકવાને કારણે ઘણાને આજીવિકાની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 2020 માં કરવામાં આવેલા આ અભ્યાસ મુજબ લખીમપુરમાંથી થતું આઉટ-માઇગ્રેશન (લખીમપુરમાંથી બહાર સ્થળાંતરિત થવાનો દર) 29 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ત્રણ ગણું વધારે છે. ઘરની અને તેમના બે બાળકોની જવાબદારી રૂપાલીને સોંપીને - રૂપાલીના પતિ માનુસ ચોકીદાર તરીકે કામ કરવા હૈદરાબાદ ગયા છે, તેમને એક દીકરો અને એક દીકરી છે. માનુસ મહિને 15000 રુપિયા કમાય છે અને તેઓ 8000-10000 રુપિયા ઘેર મોકલે છે.

રૂપાલી કહે છે કે વર્ષના છ મહિના માટે જ્યારે તેમના ઘરો પૂરગ્રસ્ત જમીન પર હોય છે ત્યારે કામ શોધવું અઘરું હોય છે. તેણી ઉદાસીભર્યા અવાજે ઉમેરે છે, “ગયા વર્ષે અમને સરકાર તરફથી કેટલીક મદદ મળી હતી - પોલિથીન શીટ્સ, રાશન. પરંતુ આ વર્ષે કશું મળ્યું નથી. અમારી પાસે પૈસા હોત તો અમે ક્યારનુંય (આ ગામ) છોડી દીધું હોત."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ashwini Kumar Shukla

ಅಶ್ವಿನಿ ಕುಮಾರ್ ಶುಕ್ಲಾ ಜಾರ್ಖಂಡ್ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತ ಮತ್ತು ಹೊಸದೆಹಲಿಯ ಇಂಡಿಯನ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಮಾಸ್ ಕಮ್ಯುನಿಕೇಷನ್ (2018-2019) ಕಾಲೇಜಿನ ಪದವೀಧರರು. ಅವರು 2023ರ ಪರಿ-ಎಂಎಂಎಫ್ ಫೆಲೋ ಕೂಡಾ ಹೌದು.

Other stories by Ashwini Kumar Shukla
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik