"ગોરાલ!" અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના સિંગચુંગ નગરના ટેકરીની ફરતે ઘુમતા વાંકાચૂંકા રસ્તાઓ પર એક શાંત ડ્રાઇવ દરમિયાન ડો. ઉમેશ શ્રીનિવાસન બૂમ પાડી ઊઠે છે.

થોડે દૂર એક નાનું અને સ્થૂળ રાખોડી બકરી જેવું પ્રાણી રસ્તાની પેલે પાર ટેકરી પરથી નીચે, પૂર્વીય હિમાલયના જંગલોમાં ઝડપભેર ધસી આવતું દેખાય છે.

પશ્ચિમ કામેંગના જંગલોમાં 13 વર્ષથી કામ કરી રહેલા (ગોરલને જોઈ) સ્તબ્ધ થઈ ગયેલા વન્યજીવ જીવવિજ્ઞાની કહે છે, "પહેલાં તમને ક્યારેય આ જોવા ન મળ્યું હોત."

ગ્રે ગોરલ (નેમોર્હેડસ ગોરલ) એ હિમાલયની આજુબાજુ ભૂતાન, ચીન, ઉત્તર ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં જોવા મળતી બોવિડ પ્રજાતિ છે. પરંતુ 2008 સુધીમાં નિવાસસ્થાનના નુકસાન અને શિકારને કારણે ઈન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન) એ તેને " સંકટગ્રસ્ત થવાના આરે ઊભેલ " પ્રાણી તરીકે સૂચિબદ્ધ કર્યું હતું.

ખાસ કરીને હિમાલયના નીચલા વિસ્તાર અને ઉત્તરપૂર્વ ભારતમાં જ્યાં માનવ હાજરી વધુ છે ત્યાં લુપ્તપ્રાય થવાના સંકટનો સામનો કરી રહેલ આ પ્રજાતિઓ વિશે વાત કરતા ઉમેશ કહે છે, "તેઓ હંમેશા જંગલોમાં ઊંડે રહેતા હતા, બહાર આવવામાં ખૂબ ડરતા હતા.”

ગોરલને જોયાના થોડા સમય પછી સિંગચુંગમાં રહેતા ખેડૂત નીમા ત્સેરિંગ મોન્પા અમને ચા આપે છે અને નજરે ચડેલા બીજા કેટલાક પ્રાણીઓની કેટલીક માહિતી પણ આપે છે, તેઓ કહે છે, “થોડા અઠવાડિયા પહેલા મેં ખેતરમાં એક રેડ પાંડા (આઈલરસ ફૂન્જન્સ) જોયું હતું. અહીંથી થોડેક જ દૂર." એક લુપ્તપ્રાય પ્રજાતિ, રેડ પાંડા ચીન, મ્યાનમાર, ભૂતાન, નેપાળ અને ભારતમાં જોવા મળે છે પરંતુ તેની વસ્તીમાં છેલ્લી ત્રણ પેઢીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે અને આઈસીયુએન ચેતવણી આપે છે કે આગામી બે દાયકામાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા છે.

Inside the Singchung Bugun Village Community Reserve(SBVCR) in West Kameng, Arunachal Pradesh.
PHOTO • Binaifer Bharucha
Gorals are listed as Near Threatened by the IUCN due to habitat loss and hunting
PHOTO • A. J. T. Johnsingh

ડાબે: અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં સિંગચુંગ બુગુન વિલેજ કમ્યુનિટી રિઝર્વ (એસબીવીસીઆર) ની અંદર. જમણે: નિવાસસ્થાનનાના નુકસાન અને શિકારને કારણે આઈયુસીએન દ્વારા ગોરલને 'સંકટગ્રસ્ત થવાના આરે ઊભેલા' પ્રાણી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે

Singchung is a town in West Kameng district of Arunachal Pradesh, home to the Bugun tribe.
PHOTO • Vishaka George
The critically endangered Bugun Liocichla bird inhabits the 17 sq. km SBVCR forest reserve adjacent to Singchung town
PHOTO • Binaifer Bharucha

સિંગચુંગ (ડાબે) એ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલું એક શહેર છે, જે બુગુન જનજાતિનું ઘર છે. જમણે: લુપ્ત થવાના સૌથી વધુ ગંભીર સંકટનો સામનો કરી રહેલ બુગુન લિઓચિકલા પક્ષી સિંગચુંગ નગરને અડીને આવેલા 17 ચોરસ કિલોમીટરના અનામત વન વિસ્તાર એસબીવીસીઆરમાં વસે છે

સ્થાનિક લોકોનું કહેવું છે કે સિંગચુંગ નજીક જંગલી પ્રાણીઓ નજરે ચડવા એ કોઈ સંયોગ નથી. તેઓ માને છે કે   2017 માં જ્યારે અરુણાચલ વન વિભાગે અગાઉના અવર્ગીકૃત સામુદાયિક જંગલોમાંથી સિંગચુંગ બુગુન વિલેજ કમ્યુનિટી રિઝર્વ (એસબીવીસીઆર) ઊભું કરવા અહીં રહેતા બુગુન આદિવાસી સમુદાય સાથે હાથ મિલાવ્યા હતા ત્યારથી શરૂ થયેલા સતત ચાલતા રહેલા સંરક્ષણ પ્રયાસનું આ પરિણામ છે

આ સામુદાયિક અનામત વન વિસ્તારની વાત શરૂ થાય છે વિશ્વના લુપ્ત થવાના સૌથી વધુ ગંભીર સંકટનો સામનો કરી રહેલ પક્ષીઓ માંનું એક બુગુન લિઓચિકલા (લિઓચિકલા બુગુનોરમ) મળી આવવાની સાથે - આ પક્ષી સિંગચુંગની આસપાસના જંગલોના એક ખૂબ નાના મર્યાદિત વિસ્તારમાં જ જોવા મળે છે.

ભાગ્યે જ જોવા મળતા આ પક્ષીનો રંગ ઓલિવ જેવા લીલો હોય છે, માથાની ટોચ કાળી હોય છે, આંખની ઉપરના ભાગે ઉઠાવદાર નારંગી-પીળા રંગના રેસા હોય છે અને પાંખોનો છેડો લાલ રંગનો હોય છે. 2006 માં ઔપચારિક રીતે એક પ્રજાતિ તરીકે નોંધવામાં આવેલા આ પક્ષીનું નામ આ જ જંગલોમાં રહેતા આદિવાસી સમુદાય, બુગુનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

સિંગચુંગમાં પોતાના બેઠક ખંડમાં શલીના પિન્યા કહે છે, "આખી દુનિયાના લોકો આ પક્ષી વિશે જાણતા હતા." તેમનો બેઠક ખંડની દીવાલો પર આ પ્રદેશના ઉષ્ણકટિબંધીય ડુંગરાળ (પર્વતીય) જંગલોના ફ્રેમમાં મઢેલા ફોટોગ્રાફ્સથી ભરેલી છે.

પિન્યા કહે છે કે પાંચ વર્ષ પહેલાં તેમને બુગુન લિઓચિકલાના અસ્તિત્વ વિશે કંઈ જ ખ્યાલ નહોતો, પરંતુ આજે 24 વર્ષના આ મહિલા સિંગચુંગ બુગુન વિલેજ કમ્યુનિટી રિઝર્વ ((એસબીવીસીઆર) ના પહેલા મહિલા-પેટ્રોલિંગ અધિકારી અને એક ફિલ્મ નિર્માતા છે, તેઓ પૂર્વીય હિમાલયના આ જંગલોનું દસ્તાવેજીકરણ કરે છે.

પશુ-પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ વધુ નજરે ચડે છે એ 2017 માં સિંગચુંગ બુગુન વિલેજ કમ્યુનિટી રિઝર્વની રચના સાથે શરૂ થયેલ અને સતત ચાલતા રહેલા સંરક્ષણ પ્રયાસનું પરિણામ છે

ભાગ્યે જ નજરે ચડતા બુગુન લિઓચિકલાનો આ વિડિઓ જુઓ

રમણા અત્રેયે 1996માં આ પક્ષીને પહેલવહેલું જોયું હતું. તેઓ કહે છે કે સ્થાનિક સમુદાયને આ વિસ્તાર તેમનો પોતાનો છે એવી ભાવના જાગે એ સુનિશ્ચિત કરવાની સાથસાથે “એસબીવીસીઆરનો હેતુ તેની પોતાની જૈવવિવિધતાને જાળવવાનો અને સ્થાનિક સમુદાયને જીવનમાં આગળ વધવા માટેની તેમની પોતાની મહત્વાકાંક્ષાઓ મુજબ આ વિસ્તારનો ઉપયોગ કરવામાં મદદ કરવાનો છે."

તેમણે આગ્રહ રાખ્યો કે તેનું નામ અહીં રહેતા બુગુન (આદિવાસી સમુદાય) ના નામ પરથી રાખવામાં આવે જેથી સંરક્ષણના પ્રયાસોમાં આ સમુદાયનો સમાવેશ સુનિશ્ચિત કરી શકાય અને સ્થાનિક લોકો પીંછાવાળા આ નાનકડા જીવો અને તેમના નિવાસસ્થાન (રહેઠાણ) સાથે સીધા સંબંધની લાગણી અનુભવી શકે - આ પક્ષીઓનું નિવાસસ્થાન હવે એક આરક્ષિત અનામત વિસ્તાર છે.

અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ઇગલનેસ્ટ વન્યજીવ અભયારણ્યની નીચે સ્થિત એસબીવીસીઆરની સ્થાપના ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (ધ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ ઈન્ડિયા, 1972) હેઠળ કરવામાં આવી છે. તેના પાંચ વર્ષના અસ્તિત્વમાં 17 ચોરસ કિલોમીટરના આ સામુદાયિક અનામત વન વિસ્તારે સામુદાયિક સંરક્ષણ માટેના ઉચ્ચ ધોરણો સ્થાપી આપ્યા છે.

પિન્યા જેવા સ્થાનિકો, એક બુગુન આદિવાસી, આ જંગલો અને તેમાં વસતા વન્યજીવોની સુરક્ષામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. બીજા 10 વન અધિકારીઓ (ફોરેસ્ટ ઓફિસરો) સાથે તેમનું કામ એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું (સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તારમાં નિયમિત રૂપે ચક્કર લગાવવાનું) અને શિકારીઓને આ વિસ્તારની બહાર રાખવાનું છે.

લેકી નોર્બુ પણ એસબીવીસીઆર ખાતે પેટ્રોલિંગ અધિકારી છે, તેઓ વૃક્ષ કાપવા, શિકાર કરવા અને જાળ બિછાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય એ માટે જંગલ પર ચાંપતી નજર રાખે છે. 33 વર્ષના આ બગુન આદિવાસી કહે છે, “લાકડા માટે ઝાડ કાપવાનો દંડ 100000 રુપિયા સુધી જઈ શકે છે. અને શિકાર કરવા માટેનો તો તેનાથી પણ વધુ."

Shaleena Phinya, the first woman patrolling officer at the SBVCR, in her living room in Singchung.
PHOTO • Binaifer Bharucha
Leki Norbu and his family outside his home in Singchung. Behind them are paintings of the Bugun Liochicla (left) and another passerine, the Sultan Tit (right)
PHOTO • Binaifer Bharucha

ડાબે: શાલીના ફિન્યા, એસબીવીસીઆરના પહેલા મહિલા-પેટ્રોલિંગ અધિકારી, સિંગચુંગમાં તેમના લિવિંગ રૂમમાં. જમણે: લેકી નોર્બુ અને તેમનો પરિવાર સિંગચુંગમાં તેમના ઘરની બહાર. તેમની પાછળ બુગુન લિઓચિકલા (ડાબે) અને બીજા પેસેરીન પક્ષી સુલતાન ટીટ (જમણે) ના ચિત્રો છે

Patrolling officers seen here with District Forest Officer Milo Tasser (centre) who played a crucial role in establishing the community forest reserve.
PHOTO • Courtesy: SBVCR
Ramana Athreya, the man who discovered the Bugun Liocichla and named it after the community with whom it shares these forests
PHOTO • Courtesy: Ramana Athreya

ડાબે: અહીં સામુદાયિક અનામત વન વિસ્તારની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર જિલ્લા વન અધિકારી મિલો તાસર (મધ્યમાં) સાથે પેટ્રોલિંગ અધિકારીઓ જોઈ શકાય છે. જમણે: રમણા અત્રેય, એ વ્યક્તિ જેણે બુગુન લિઓચિકલાને શોધી કાઢ્યું અને આ જ જંગલોમાં રહેતા સમુદાયના નામ પરથી તેનું નામ આપ્યું

માનવીય પ્રવૃત્તિઓ બંધ થતા પ્રાણીઓ જંગલમાં ઊંડેથી બહાર નીકળીને  એસબીવીસીઆરમાં ચારો શોધવા આવતા થયા છે. ગૌર બાયસન સૌથી મોટું ગોજાતીય પ્રાણી છે અને તે એક લુપ્તપ્રાય થવાના સંકટનો સામનો કરી રહેલ પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ છે, પરંતુ લેકી કહે છે, એસબીવીસીઆરમાં “નંબર તો જ્યાદા હુવા જેસા હૈ. પહેલે સે આતા થા, પર જ્યાદા નંબર મેં નહીં આતા હૈ, સિંગલ હી આતા થા [હવે આપણને અનામત વિસ્તારમાં વધુ ગૌર જોવા મળે છે. અગાઉ આપણને ફક્ત એકલ-દોકલ ગૌર જોવા મળતા હતા, પરંતુ હવે તે આપણે જૂથોમાં જોવા મળે છે."]

બીજા પ્રાણીઓ પણ સમૂહમાં જોવા મળે છે. સિંગચુનના રહેવાસી અને બુગુન, ખાંડુ ગ્લો કહે છે, “છેલ્લા 3-4 વર્ષોમાં એસબીવીસીઆરમાં ધોલ – જંગલી કૂતરાઓ [ક્યુઓન એલપિનસ] – પણ વધારે સંખ્યામાં જોવા મળી રહ્યા છે." ખાંડુ એસબીવીસીઆર સમિતિના અધ્યક્ષ પણ છે.

આ અનામત વિસ્તાર સિંગચુંગ નગર અને ઇગલનેસ્ટ વન્યજીવન અભયારણ્ય વચ્ચે બફર તરીકે કામ કરે છે, ઇગલનેસ્ટ વન્યજીવન અભયારણ્યમાં ખૂબ મોટી સંખ્યામાં ક્લાઉડેડ લેપર્ડ, માર્બલ્ડ કેટ્સ, એશિયન ગોલ્ડન કેટ્સ અને લેપર્ડ કેટ્સ સહિતના જંગલી પ્રાણીઓ રહે છે. લુપ્તપ્રાય કેપ્ડ લંગુર, ગોરલ, રેડ પાંડા, એશિયાટિક બ્લેક બેર અને લુપ્તપ્રાય થવાના સંકટનો સામનો કરી રહેલા અરુણાચલ મકાક અને ગૌર માટે પણ આ જંગલો જ તેમનું ઘર છે. ઈગલનેસ્ટ એ 3250 મીટરની ઊંચાઈએ હાથીઓ જોવા મળતા હોય એવું આ પૃથ્વી પરનું એકમાત્ર સ્થાન છે.

પરંતુ વિશ્વભરના પ્રવાસીઓને અહીં આકર્ષનાર હોય તો એ છે આ પક્ષીઓ. ઈગલનેસ્ટ પક્ષીઓની 600 થી વધુ પ્રજાતિઓનું ઘર છે, જેમાં (સંકટગ્રસ્ત થવાના આરે ઊભેલા) સ્કારલેટ-બેલીડ (લાલચટક પેટવાળા) વોર્ડ્ઝ ટ્રોગન જેવા દુર્લભ પ્રકારના પક્ષીઓ, લુપ્તપ્રાય થવાના સંકટનો સામનો કરી રહેલા મોટા તેતર-જેવા બ્લાઇથ્સ ટ્રેગોપન અને (લુપ્તપ્રાય થવાના સંકટનો સામનો કરી રહેલા) નીલા-રાખોડી રંગના રેશમ જેવા સુંવાળા બ્યુટીફુલ નટહેચનો સમાવેશ થાય છે.

હવે ઇગલનેસ્ટની સાથે સાથે સિંગચુંગ પણ પક્ષીઓનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવામાં રસ ધરાવનાર વ્યક્તિઓનું માનીતું સ્થળ બની ગયું છે. લુપ્ત થવાના સૌથી વધુ ગંભીર સંકટનો સામનો કરી રહેલ બુગુન લિયોચિકલાની મોહક અવરોહી સીટીઓ સાંભળવા મુલાકાતીઓ આ વિસ્તારમાં ઉમટી પડે છે. દુનિયામાં આ પ્રજાતિના માત્ર 14-20 પ્રજનનક્ષમ વયસ્ક પક્ષીઓ બાકી બચ્યા છે, આ નજરે ચડવા ખૂબ મુશ્કેલ એવા પક્ષીની એકાદી ઝલક પણ મળી જાય તો પક્ષી નિરીક્ષકો પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે.

The scarlet-bellied Ward's trogon found in Eaglenest, a wildlife sanctuary in the eastern Himalayas
PHOTO • Micah Rai
The large pheasant-like Blyth's Tragopan found in Eaglenest, a wildlife sanctuary in the eastern Himalayas
PHOTO • Micah Rai

પૂર્વીય હિમાલયના વન્યજીવ અભયારણ્ય ઇગલનેસ્ટમાં જોવા મળતા સ્કારલેટ-બેલીડ (લાલચટક પેટવાળું) વોર્ડ્ઝ ટ્રોગન (ડાબે) અને મોટા તેતર જેવા બ્લાઇથ્સ ટ્રેગોપન (જમણે)

Only between 14-20 breeding Bugun Liocichla adults are estimated to be alive in these forests
PHOTO • Micah Rai
Birders at the SBVCR hoping to catch a glimpse of the bird
PHOTO • Binaifer Bharucha

આ જંગલોમાં માત્ર 14-20 પ્રજનનક્ષમ વયસ્ક બુગુન લિઓચિકલા (ડાબે) જીવંત હોવાનો અંદાજ છે: પક્ષીઓનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવામાં રસ ધરાવનાર વ્યક્તિઓ (જમણે) બુગુન લિઓચિકલા પક્ષીની ઝલક મેળવવાની આશામાં એસબીવીસીઆર ખાતે

બુગુન લિઓચિકલા પક્ષીઓ સામાન્ય રીતે જોડીમાં અથવા નાના જૂથોમાં જોવા મળે છે. તેમનું એકમાત્ર ઘર છે - (સમુદ્રની સપાટીથી 2060-2340 મીટરની ઊંચાઈએ આવેલા) પૂર્વીય હિમાલયના નીચલા સ્તરના ગાઢ જંગલો.

પર્યાવરણ ને અનુકૂળ (ઇકો-ફ્રેન્ડલી) કેમ્પિંગ સાઇટ લામા કેમ્પ ચલાવતા ઇન્ડી ગ્લો કહે છે, “ઇગલનેસ્ટમાં,  (અરુણાચલ પ્રદેશમાં જ) નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) માં અને આસામમાં ઘણા પક્ષીઓ છે, પરંતુ લિઓચિકલા માત્ર અહીં સિંગચુંગમાં જ છે. જો આ પક્ષી અહીં ન હોત, તો લોકો અહીં ન આવત." ગ્લો ઉમેરે છે કે, "જો લોકોને એ પક્ષી જોવા ન મળે તો તેઓ (ખાસ એ પક્ષીને જોવા માટે જ) વધારાની રાતો અહીં રોકાય છે."

અહીં આવતા સેંકડો મુલાકાતીઓને કારણે સ્થાનિક સમુદાયને પ્રવાસનનો લાભ મળે છે. ગ્લો કહે છે કે આજે "સિંગચુંગમાં દર વર્ષે 300 થી 400 પ્રવાસીઓ આવે છે અને આ આંકડો દિવસે-દિવસે માત્ર વધી જ રહ્યો છે." પ્રવાસીઓ માટેની પીક સીઝન ચોમાસા પહેલા, એપ્રિલથી જૂન છે.

પૈસા ચૂકવીને આવતા મુલાકાતીઓને અત્રેય મદદરૂપ માને છે અને ટીકાને વખોડી કાઢતા કહે છે, “અહીં પૈસાની જરૂર છે. [સંરક્ષણ પ્રયાસો માટેના કુલ ખર્ચનો] માત્ર પગાર ઘટક વર્ષે 15 લાખ રુપિયા છે." વ્યવસાયે રેડિયો ખગોળશાસ્ત્રી અત્રેય અરુણાચલ પ્રદેશ માટેના સંરક્ષણ પ્રયાસોમાં નજીકથી સંકળાયેલા છે અને જે રીતે  “બુગુન આદિવાસી સમુદાયે સંરક્ષણ પ્રયાસોની જવાબદારી પોતાને માથે લઈ લીધી છે અને આ પ્રયાસોને આગળ ધપાવી રહ્યા છે" એની પ્રશંસા કરતા તેઓ કહે છે, "મેં ધાર્યું હતું તેનાથી તેઓ ઘણા વધારે આગળ વધી ગયા છે.”

આજે તો આ સમુદાય ઈકો-ટુરિઝમ શિબિરોનું આયોજન કરે છે, નિયમિત પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારની શાળાઓમાં જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. બુગુન આદિવાસી સમુદાય અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે અને 2013 ના આ અહેવાલ મુજબ તેમની વસ્તી 1432 છે, પરંતુ આ સમુદાય વાસ્તવમાં તેમની સંખ્યા ઓછામાં ઓછી એનાથી બમણી હોવાનો દાવો કરીને વાંધો ઉઠાવે છે.

Indie Glow runs Lama Camp, an eco-friendly site for birders seeking the elusive Bugun Liocichla and other wildlife .
PHOTO • Binaifer Bharucha
The walls of Lama Camp adorned with posters of the famed bird
PHOTO • Binaifer Bharucha

ડાબે: ઈન્ડી ગ્લો લામા કેમ્પ ચલાવે છે, નજરે ચડવા ખૂબ મુશ્કેલ એવા બુગુન લિઓચિકલા અને બીજા વન્યજીવોનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવામાં રસ ધરાવનાર વ્યક્તિઓ માટે આ પર્યાવરણને અનુકૂળ (ઇકો-ફ્રેન્ડલી)  સાઇટ છે. જમણે: લામા કેમ્પની દિવાલો આ પ્રખ્યાત પક્ષી (બુગુન લિઓચિકલા) ના પોસ્ટરોથી શણગારેલી છે

The view of the SBVCR from Lama camp. The Bugun Liocichla is found only within a 2 sq km radius within this 17 sq km protected reserve
PHOTO • Binaifer Bharucha

લામા કેમ્પમાંથી એસબીવીસીઆરનો નજારો. બુગુન લિઓચિકલા 17 ચોરસ કિમીના આ આરક્ષિત અનામત વિસ્તારની અંદર માત્ર 2 ચોરસ કિમીની ત્રિજ્યામાં જ જોવા મળે છે

પિન્યા જેવા સ્થાનિકો પશ્ચિમ કામેંગની શાળાઓમાં વિદ્યાર્થીઓને જંગલોના મહત્વ અને તેમની જૈવવિવિધતા વિશે શિક્ષિત કરવા 'વન્યજીવન સપ્તાહ' ની ઉજવણીમાં ભાગ લે છે. તેમણે પોતાના બાળપણમાં જે કંઈ જોયું હતું તેને કારણે તેમને માટે વન સંરક્ષણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેઓ કહે છે "હું મારા મિત્રોને જંગલમાં જઈને નાનકડા પક્ષીઓને મારીને ખાતા જોતી. એ જોઈને હું ખૂબ અસ્વસ્થ થઈ જતી, અને પછી હું તેમને પૂછતી, 'જ્યારે તમે લોકો જેને ખાવા માટે ખાસ ઉછેરવામાં આવે છે એવા મરઘી (ચિકન) જેવા પક્ષીઓને ખાઈ શકો છો તો પછી તમે આ જંગલને, જંગલના પક્ષીઓને શા માટે ખલેલ પહોંચાડો છો?"

તેમના સહકર્મચારી નોર્બુ ઉમેરે છે: "અમને ભણવાનું બહુ ગમતું નહોતું. અમારા જૂથો જંગલમાં જતા અને કેટલીકવાર અમે જેનો શિકાર કર્યો હોય તે સાથે લઈને પાછા ફરતા - બાર્કિંગ ડીઅર (ભસતું હરણ), કાલીજ ફેઝન્ટ (શ્વેત ચોટિલી), વાઈલ્ડ બોર (જંગલી ડુક્કર)." તેઓ એ સમયની વાત કરે છે જ્યારે શિકાર એક મનોરંજનની એક પ્રવૃત્તિ હતી અને ભણતર એ પ્રાથમિકતા નહોતી.

નોર્બુ કહે છે, "ક્યારેક ખાવા માટે શિકાર કરાતો, તો કેટલીક વાર કોઈ ખાસ હેતુ વિના, માત્ર મનોરંજન ખાતર લોકો શિકાર કરતા." તેઓ અહીંના વન્યજીવનને જોખમમાં મૂકતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતર્ક નજર રાખે છે.

અનામત વિસ્તાર પાછળના પ્રેરક બળોમાંના એક હતા પશ્ચિમ કામેંગ જિલ્લાના ભૂતપૂર્વ જિલ્લા વન અધિકારી (ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર - ડીએફઓ) મિલો ટસર, આઠ વર્ષ સુધી તેઓ આ પદ પર કાર્યરત હતા. હવે ઝીરો વેલીના ડીએફઓ ટસર કહે છે, "જો અમે આ સમુદાયને વિશ્વાસમાં લઈ તેમની મદદ લીધી ન હોત તો એસબીવીસીઆર બન્યું ન હોત." તેઓ ભારપૂર્વક કહે છે, "એસબીવીસીઆરે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી કરી છે પરંતુ જો અમે આ સમુદાયને વિશ્વાસમાં લઈ તેમની મદદ લીધી ન હોત તો એસબીવીસીઆર શક્ય બન્યું ન હોત એ નક્કી."

ઘણા પરિવારોમાંથી ઓછામાં ઓછો એક સભ્ય રસોઈયા, વન કર્મચારી, ડ્રાઈવર અને અન્ય સેવા કર્મચારી તરીકે નોકરી કરે છે. આગલી હરોળના કર્મચારીઓને રાજ્યના અનુદાન હેઠળ તેમના પગાર મેળવવામાં ઘણી વાર વિલંબનો સામનો કરવો પડે છે, અને પ્રવાસનમાંથી બીજી કોઈ કમાણી થાય એ ખૂબ જરૂરી બની જાય છે.

જો કે, બુગુન સમુદાય નગરની કાયાપલટનું શ્રેય આ નાનકડા પક્ષીને આપે છે, ગ્લો ઉમેરે છે, "જો લિઓચિકલા ન હોત તો સિંગચુંગની આવી કાયાપલટ થઈ ન હોત."

The entry point of the SBVCR. The fee to enter this reserve is Rs. 300
PHOTO • Binaifer Bharucha
The entry point of the SBVCR. The fee to enter this reserve is Rs. 300
PHOTO • Binaifer Bharucha

અહીંથી એસબીવીસીઆરમાં પ્રવેશી શકાય છે. આ અનામત વિસ્તારમાં પ્રવેશવાની ફી 300 રુપિયા છે

*****

ઉમેશ સ્પષ્ટતા કરતા કહે છે કે આ પક્ષીનું અડધું નામ (બુગુન આદિવાસી) સમુદાય પરથી પડ્યું છે તો "તેના બાકીના અડધા નામ, લિઓચિકલાનો રોમાંસ ભાષાસમૂહમાં લગભગ સુંવાળું પક્ષી એવો અનુવાદથાય છે." અમે ઘેરા લીલા રંગની ટેકરીઓ અને ખીણોવાળા એસબીવીસીઆરમાં ફરીએ છીએ; જુદા જુદા પક્ષીઓના અવાજથી માત્ર પ્રસંગોપાત જ શાંતિનો ભંગ થાય છે.

અમને જાણ થાય છે કે આ સ્વર્ગ થોડું મુશ્કેલીમાં છે.

ઇગલનેસ્ટ વન્યજીવન અભયારણ્યમાં પક્ષીવિદ શ્રીનિવાસનનું સંશોધન દર્શાવે છે કે વધતા તાપમાનને કારણે વ્હાઈટ-ટેઈલ્ડ રોબિન અને કોમન ગ્રીન મેગપાઈ જેવા નાના પક્ષીઓ ગરમીથી બચવા વધુ ઊંચાઈએ સ્થળાંતરિત થઈ રહ્યા છે.

તેઓ કહે છે કે આ પ્રખ્યાત પક્ષી “[હવે] દરિયાની સપાટીથી 2000-2300 મીટરની ઊંચાઈએ [અબોવ સી લેવલ - એએસએલ] ની વચ્ચે માત્ર 2 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ જોવા મળે છે. પરંતુ લિઓચિકલાને પણ અહીંથી ખસવું પડશે, અને જ્યારે તે ખસશે ત્યારે તે ઉપરની તરફ જશે." આ બાબત  ધ્યાનમાં રાખીને મોટા એલિવેશનલ ગ્રેડિયન્ટમાં ફેલાયેલા આ સામુદાયિક અનામત વિસ્તારની રચના  કરવામાં આવી હતી. શ્રીનિવાસન કહે છે, "એસબીવીસીઆર 1300 થી 3300 મીટરની વચ્ચે છે, જે અપસ્લોપ રેન્જ શિફ્ટ (પર્વતીય ઢોળાવ પર વધુ ઊંચાઈએ થતા સ્થળાંતર) ની સંભાળ લઈ લેશે." ગરમીથી બચવા અરુણાચલના પક્ષીઓ કેવી રીતે પર્વતીય ઢોળાવ પર વધુ ઊંચાઈએ સ્થળાંતર કરી રહ્યા છે તે વિશે વધુ વાંચો: અગમના એંધાણ આપતા અરુણાચલના અબોલ જીવો .

Srinivasan in Eaglenest measuring the tarsus of a bird. The scientist's work indicates birds in this hotspot are moving their ranges higher to beat the heat.
PHOTO • Binaifer Bharucha
Sang Norbu Sarai was one of the Singchung residents who opposed the SBVCR initially, fearing the Buguns would lose touch with the forest
PHOTO • Binaifer Bharucha

ઈગલનેસ્ટમાં પક્ષીના ટાર્સસ (પગના હાડકા) ને માપતા શ્રીનિવાસન (ડાબે). આ વૈજ્ઞાનિકનું કામ સૂચવે છે કે જૈવવિવિધતાના આ હોટસ્પોટમાં આ વિસ્તારમાં ગરમીથી બચવા પક્ષીઓ પર્વતીય ઢોળાવ પર વધુ ઊંચાઈએ સ્થળાંતર કરી રહ્યા છે. સાંગ નોર્બુ સરાઈ (જમણે) સિંગચુંગના એ રહેવાસીઓમાંના એક હતા જેમણે બુગુન સમુદાય જંગલો સાથેનો સંપર્ક ગુમાવશે એ ભયથી  શરૂઆતમાં એસબીવીસીઆરનો વિરોધ કર્યો હતો

The SBVCR is regularly patrolled by forest officers who watch out for hunters, poaching and logging activities
PHOTO • Binaifer Bharucha

એસબીવીસીઆરમાં વન અધિકારીઓ નિયમિતપણે પેટ્રોલિંગ કરે છે, તેઓ શિકારીઓ, પ્રાણીઓના ગેરકાયદેસર શિકાર અને લાકડા માટે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે

પરંતુ સીએફઆરની સ્થાપના પણ વિવાદથી બાકાત રહી નથી.

સ્થાનિક ઠેકેદાર સાંગ નોર્બુ સરાઈ કહે છે, “અમે અમારી જમીન સાથેનો સંપર્ક ગુમાવી દઈએ છીએ અને તેથી જ હું એ લોકોમાંનો એક હતો જેમણે આ સામુદાયિક અનામત વિસ્તારની રચના સામે વાંધો ઉઠાવ્યો હતો.” આ સિંગચુંગના રહેવાસી અને બુગુન આદિવાસી કહે છે, "વન વિભાગ જમીન લઈ લે છે અને પછી લોકોને તેના બદલામાં કંઈ જ મળતું નથી."

જો કે, એસબીવીસીઆરમાં આવેલ વોટરશેડે (જળાશયે) તેમને અને બીજા વિરોધીઓને વિચારતા કરી મૂક્યા હતા. નિવૃત્ત સ્થાનિક ઠેકેદાર સરાઈ કહે છે, “સિંગચુંગ એ વોટરશેડના નીચલા ભાગમાં છે જેમાંથી નગરને પાણીનો પુરવઠો મળે છે. જો આપણે જળાશયનું રક્ષણ કરવા માગતા હોઈએ તો જંગલનું રક્ષણ કરવું, લાકડા માટે વૃક્ષો કપાતા અટકાવવા અને વનનાબૂદી અટકાવવી મહત્વપૂર્ણ હતું એ અમે જાણીએ છીએ.  સરાઈ ઉમેરે છે, "અમારી ભાવિ પેઢીઓને પાણી મળી રહે અને તેઓ સુરક્ષિત રહે એ અમે સુનિશ્ચિત કરવા માગતા હતા." એસબીવીસીઆર એ દિશામાં એક પગલું છે.

આસામના તેઝપુરથી અરુણાચલ પ્રદેશના ઇગલનેસ્ટ સુધી, આ પ્રદેશમાં દરેક જગ્યાએ, બુગુન લિઓચિકલાના ચિત્રો છે - આ પક્ષીની લોકપ્રિયતા બુગુન લોકોના પ્રયાસોનું પ્રમાણ છે. સરાઈ કહે છે, "આજે દુનિયામાં અમારું નામ છે, અમારી નામના છે. એનાથી વધારે અમારે બીજું શું જોઈએ?"

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Vishaka George

ವಿಶಾಖಾ ಜಾರ್ಜ್ ಪರಿಯಲ್ಲಿ ಹಿರಿಯ ಸಂಪಾದಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಜೀವನೋಪಾಯ ಮತ್ತು ಪರಿಸರ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ವರದಿ ಮಾಡುತ್ತಾರೆ. ವಿಶಾಖಾ ಪರಿಯ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮ ಕಾರ್ಯಗಳ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಪರಿಯ ಕಥೆಗಳನ್ನು ತರಗತಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲು ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ತಮ್ಮ ಸುತ್ತಲಿನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸಲು ಸಹಾಯ ಮಾಡಲು ಎಜುಕೇಷನ್ ತಂಡದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Vishaka George
Photographs : Binaifer Bharucha

ಬಿನೈಫರ್ ಭರುಚಾ ಮುಂಬೈ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಛಾಯಾಗ್ರಾಹಕರು ಮತ್ತು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಫೋಟೋ ಎಡಿಟರ್.

Other stories by Binaifer Bharucha
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik