જયા કહે છે, “બીજુ [નવા વર્ષના તહેવાર] ને દિવસે અમે બધા વહેલા ઊઠીને ફૂલો ચૂંટવા નીકળી જઈએ. પછી અમે ફૂલોને તરતા મૂકીને નદીમાં ડૂબકી લગાવીએ. એ પછી અમે ગામમાં દરેક ઘેર જઈ, લોકોને મળીને તેમનું અભિવાદન કરીએ."   આ વાતને અડધી સદીથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમની તે દિવસની યાદ હજી એવી ને એવી તાજી છે.

તેઓ કહે છે, “અમે [સારા નસીબના પ્રતીક તરીકે] મુઠ્ઠીભર ચોખા ભેટ આપીએ અને બદલામાં દરેક ઘરમાં અમને લાંગી [ચોખાની બિયર] ધરવામાં આવે. દરેક ઘેર અમે માત્ર થોડી જ ચુસ્કીઓ લઈએ, પરંતુ અમે એટલાં બધા ઘેર જઈએ કે દિવસના અંત સુધીમાં તો અમે ખાસ્સા નશામાં હોઈએ." ઉપરાંત, "તે દિવસે ગામના પુખ્ત વયના યુવાનો આદરના પ્રતીકરૂપે વડીલોને નદીના પાણીથી સ્નાન કરાવે." વાર્ષિક ઉજવણીની યાદોથી જયાના ચહેરા પર ચમક આવી જાય છે.

હવે એક આંતરરાષ્ટ્રીય સરહદની પાર અને એ ઘરથી સેંકડો કિલોમીટર દૂર જે બચ્યું છે તે છે લાંગી - આ એ દોર છે જે ઘણા શરણાર્થીઓને તેમના ચકમા સમુદાયની ધાર્મિક વિધિઓ અને તેમના રીતરિવાજો સાથે જોડે છે. બાંગ્લાદેશમાં રંગામતીમાં ઉછરેલા જયા કહે છે, “તે અમારી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે." આ પ્રદેશની બીજી જાતિઓ પણ ધાર્મિક વિધિઓમાં અને પ્રસાદમાં લાંગીનો ઉપયોગ કરે છે.

તેઓ ઉમેરે છે, “હું મારા માતા-પિતાનું જોઈને આ [લાંગી] બનાવતા શીખી. મારા લગ્ન પછી મારા પતિ સુરેને અને મેં સાથે મળીને લાંગી બનાવવાનું શરૂ કર્યું." આ દંપતી બીજી ત્રણ પ્રકારની બીયર - લાંગી, મોદ અને જોગોરા - કેવી રીતે બનાવવી તે જાણે છે.

જોગોરા પણ ચોખામાંથી બનાવવામાં આવે છે, એ બનાવવાની તૈયારી ચૈત્ર મહિનાના (બંગાળી કેલેન્ડર વર્ષના છેલ્લા મહિનાના) પહેલા દિવસે શરૂ થાય છે. જયા કહે છે, “અમે બિરોઈન ચાલ (વધારે સારી જાતના ચીકણા ચોખા) નો ઉપયોગ કરીએ છીએ અને તેને ગાળતા પહેલા અઠવાડિયાઓ સુધી વાંસમાં(થી બનાવેલા વાસણમાં) આથો આવવા દઈએ છીએ. હવે અમે વારંવાર જોગોરા બનાવતા નથી." એ માટેનું કારણ આપતા તેઓ કહે છે તેને બનાવવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે અને એ ચોખા પણ ખૂબ મોંઘા થઈ ગયા છે. "પહેલાં અમે આ ચોખા ઝુમ [પહાડી ખેતી] માં ઉગાડતા હતા, પરંતુ હવે જે જમીન પર આ ચોખાની ખેતી કરવામાં આવતી હોય એવી જમીન ખાસ રહી નથી."

PHOTO • Amit Kumar Nath
PHOTO • Adarsh Ray

ડાબે: જયાની દારૂ ગાળવા માટે જરૂરી ચીજવસ્તુઓ અહીં રાખવામાં આવી છે - વાસણો, ભરવા માટેનું પાત્ર અને લાંગી બનાવવામાં વપરાતો સ્ટવ અને એક બાજુ મોદ (બનાવવામાં વપરાતું) સ્ટેન્ડ. જમણે: ત્રિપુરામાં વાંસની દિવાલોવાળા ઘરો અને દુકાનો

આ દંપતીનું ઘર ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં છે. આ રાજ્ય દેશનું બીજા નંબરનું સૌથી નાનું રાજ્ય છે, રાજ્યના લગભગ બે તૃતીયાંશ ભાગમાં જંગલ છે. ખેતી એ અહીંનો મુખ્ય વ્યવસાય છે અને ઘણા લોકો વધારાની આવક માટે નોન-ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ (એનટીએફપી - લાકડા સિવાયની વન્ય પેદાશો) પર આધાર રાખે છે.

જયા કહે છે, “મારે ઘર છોડવું પડ્યું ત્યારે હું બહુ નાની હતી. સમગ્ર સમુદાય વિસ્થાપિત થયો હતો." અગાઉના પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) માં ચિત્તગોંગમાં કર્ણફૂલી નદી પર બંધ બાંધવા માટે તેમના ઘરોની કોઈ પરવા કરવામાં આવી નહોતી. જયા ઉમેરે છે, “અમારી પાસે નહોતું ખાવાનું કે નહોતા પૈસા. અમે અરુણાચલ પ્રદેશમાં એક છાવણીમાં આશરો લીધો હતો… થોડા વર્ષો પછી અમે ત્રિપુરા ગયા." પછીથી તેમણે ત્રિપુરાના રહેવાસી સુરેન સાથે લગ્ન કર્યા હતા.

*****

લાંગી એ એક લોકપ્રિય પીણું છે, જે આ જનજાતિઓના તમામ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનો આવશ્યક ભાગ છે. આ પીણું એક ધમધમતા બજારને ચાલકબળ પૂરું પાડે છે. સેંકડો આદિવાસી મહિલાઓ આ પીણાં (દારૂ) ના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલી છે. જો કે આ પીણાંને લાગેલ 'ગેરકાયદેસર' ના લેબલને કારણે કાયદાનો અમલ કરનારા કર્મચારીઓ દ્વારા દારૂ ગાળનાર-વેપારીઓ, જે તમામ મહિલાઓ છે, તેમની સતામણી અને અપમાન થતા રહે છે.

જયા કહે છે કે એક બેચ બનાવતા બે-ત્રણ દિવસ લાગે છે. બપોરના ધોમધખતા તડકાથી ઘડીભર બચવા દુકાનમાં બેસીને વાત કરતા તેઓ કહે છે, “તે કામ સરળ નથી. મને રોજબરોજના ઘરના કામકાજ કરવાનો પણ સમય મળતો નથી." વચ્ચે વચ્ચે તેઓ પોતાના હુક્કો ગગડાવી લે છે.

જર્નલ ઓફ એથનિક ફૂડ્સના 2016 ના અંકમાં જણાવાયું છે કે લાંગી બનાવવા માટે (અલગ અલગ સમુદાય દ્વારા) વપરાતા ઘટકો અલગ અલગ હોય છે, પરિણામે (બનાવનાર) સમુદાયના આધારે અંતિમ ઉત્પાદનનો સ્વાદ વિશિષ્ટ રહે છે. સુરેન ઉમેરે છે, “દરેક સમુદાય પાસે લાંગી બનાવવા માટેની પોતાની રેસીપી છે. દાખલા તરીકે, અમે જે લાંગી બનાવીએ છીએ તે રીઆંગ સમુદાયે બનાવેલ લાંગી કરતાં વધારે કડક હોય છે [તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે].” રીઆંગ એ ત્રિપુરામાં બીજા નંબરનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે.

આ દંપતી કરકરા દળેલા ચોખાના દાણા સાથે દારૂ ગાળવાની પ્રક્રિયા શરૂ કરે છે. જયા કહે છે, “દરેક બેચ માટે અમે 8-10 કિલો સિદ્ધો ચાલ [ઝીણા દાણાવાળા ચીકણા ચોખા] ડેગચી [ધાતુના મોટા વાસણ] માં ઉકાળીએ છીએ. તેને વધુ પડતા રાંધવા ન જોઈએ."

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

ડાબે: ચોખાના દાણાને ઉકાળવા એ દારૂ બનાવવાનો સૌથી પહેલો તબક્કો છે. જયા માટીના ચૂલા પર ચોખા ઉકાળવા માટે એલ્યુમિનિયમના મોટા વાસણનો ઉપયોગ કરે છે. બળતણ તરીકે તેઓ લાકડાનો ઉપયોગ કરે છે

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

આથો લાવવાની શરૂઆત કરવા માટેના ચોસલાં ઉમેરતા પહેલા બાફેલા ચોખાને સૂકવવા અને ઠંડા કરવા માટે તેને તાડપત્રી પર ફેલાવવામાં આવે છે

તેઓ પાંચ કિલો ચોખાની થેલીમાંથી બે લિટર લાંગી અથવા બે લિટરથી થોડો વધુ મોદ બનાવી શકે છે. તેઓ 350 મિલીની બાટલીમાં અથવા (90 મિલી) ના પ્યાલામાં એ વેચે છે. એક પ્યાલાના 10 રુપિયાના ભાવે લાંગી એ મોદ કરતા અડધી કિંમતે વેચાય છે, મોદ એક પ્યાલાના 20 રુપિયાના ભાવે વેચાય છે.

સુરેન જણાવે છે કે, “દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. 10 વર્ષ પહેલાં એક ક્વિન્ટલ [100 કિલો] ચોખાની કિંમત લગભગ 1600 રુપિયા હતી. તે હવે વધીને 3300 રુપિયા થઈ ગઈ છે. તેઓ કહે છે માત્ર ચોખા જ નહીં પરંતુ પાયાની ચીજવસ્તુઓના ભાવ પણ વર્ષો જતા વધ્યા છે.

અમે બરોબર ગોઠવાઈએ પછી જયા તેમનું આ મૂલ્યવાન પીણું બનાવવાની પ્રક્રિયાનું વિગતવાર વર્ણન કરવાનું શરૂ કરે છે. રાંધેલા ચોખાને (સૂકવવા માટે સાદડી પર) ફેલાવવામાં આવે છે, અને એકવાર ઠંડા થઈ જાય પછી તેમાં મૂલી ઉમેરવામાં આવે છે અને હવામાનના આધારે આથો લાવવા માટે તેને બે-ત્રણ દિવસ માટે છોડી દેવામાં આવે છે. તેઓ કહે છે, “ગરમ ઉનાળા દરમિયાન એક રાતમાં આથો આવી જાય છે. પરંતુ શિયાળામાં આથો આવતા થોડા દિવસો લાગી શકે છે."

તેઓ ઉમેરે છે કે એકવાર આથો આવી જાય પછી “અમે પાણી ઉમેરીએ અને તેને છેલ્લી એક વાર ઉકાળીએ. એ અમે પછી પાણી કાઢી નાખીએ અને એકવાર ઠંડું થઈ જાય એટલે તમારી લાંગી તૈયાર. બીજી તરફ મોદને નિસ્યંદિત કરવું પડે છે - સાંકળ બાષ્પીભવન પદ્ધતિ માટે ત્રણ ડીશ એકબીજાની ઉપર ગોઠવવામાં આવે છે. આથો લાવવા માટે કોઈ કૃત્રિમ આથો લાવનાર પદાર્થ અથવા યીસ્ટ ઉમેરવામાં આવતા નથી.

બંને માટે તેઓ સામાન્ય રીતે ઊંચાઈએ જોવા મળતો ફૂલનો છોડ પાથર ડાગર ( પરમોટ્રેમા પરલેટમ ), આગચીના પાંદડા, જિન જિન નામના લીલા છોડના ફૂલો, ઘઉંનો લોટ, લસણ અને લીલા મરી જેવી ઘણી વનસ્પતિઓ ઉમેરે છે. જયા ઉમેરે છે, "નાની નાની મૂલી બનાવવા માટે આ બધું ભેગું કરવામાં આવે છે - સામાન્ય રીતે એ અગાઉથી બનાવીને રાખવામાં આવે છે."

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

જયા બાફેલા ચોખાને આથો લાવવા માટે વાટેલી મૂલી (જડીબુટ્ટીઓ અને અનાજનું મિશ્રણ) ઉમેરે છે. જમણે:  48 કલાક સુધી આથો આવવા દીધા પછીનું મિશ્રણ

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

આથો લાવવા માટે કોઈ કૃત્રિમ આથો લાવનાર પદાર્થ અથવા યીસ્ટ ઉમેરવામાં આવતા નથી, તેને બદલે કેટલીક જડીબુટ્ટીઓ, ફૂલોનો છોડ, પાંદડા, ફૂલો, ઘઉંનો લોટ, લસણ અને લીલા મરીનો ઉપયોગ કરવામાં આવે છે

પોતાનું નામ આપવા ન માગતા એક ખુશ ગ્રાહક કહે છે, "તેમાં બીજા ઘણા આલ્કોહોલિક પીણાંથી થતી બળતરા જેવી અસર વિનાની એક અલગ ખટાશ છે. ઉનાળામાં તે ખૂબ જ ઠંડક આપનાર હોય છે અને તેમાં સુખદ સુગંધ હોય છે." અમે (પારી) જે જે ગ્રાહકોને મળ્યા તે તમામ ગ્રાહકો કાયદાના ડરથી (પોતાનો) ફોટો લેવડાવવા કે મુક્તપણે વાતચીત કરવા તૈયાર નહોતા.

*****

લાંગી બનાવનારાઓનું કહેવું છે કે આ પીણું બનાવવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. 1987 ના ત્રિપુરા આબકારી અધિનિયમ દ્વારા આથાવાળા ચોખામાંથી મેળવેલા પીણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

“અહીં કોઈ કેવી રીતે ટકી શકે? અહીં નથી કોઈ ઉદ્યોગ કે નથી (કામની) તક. …માણસ કરે શું? જરા આસપાસ નજર કરો તો તમને ખબર પડશે લોકો અહીં કેવી રીતે ટકી રહ્યા છે.

મોટી માત્રામાં આ પીણું બનાવવાનું શક્ય નથી. જયા કહે છે કે તેઓ દર વખતે માત્ર 8-10 કિલો ચોખા જ ઉકાળી શકે છે કારણ કે તેની પાસે માત્ર પાંચ વાસણો છે, અને વધુમાં પાણીની પહોંચ પણ મર્યાદિત છે અને ઉનાળામાં પાણીની અછત રહે છે. વધુમાં તેઓ ઉમેરે છે, "અમે તેને બનાવવા માટે ફક્ત લાકડાનો જ ઉપયોગ કરીએ છીએ અને તેમાં ઘણું લાકડું વપરાય છે - દર મહિને અમે 5000 રુપિયા ખર્ચીએ છીએ." ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારાએ લાકડાને બદલે ગેસ સિલિન્ડર વાપરવાનો વિકલ્પ બાકી રહેવા દીધો નથી.

જયા કહે છે, “અમે લગભગ 10 વર્ષ પહેલાં [લાંગીની] દુકાન ખોલી હતી. એ સિવાય અમારા બાળકોને શિક્ષણ આપવાનું શક્ય બન્યું ન હોત. અમારી એક હોટલ પણ હતી, પરંતુ ઘણા ગ્રાહકો ત્યાં ખાતા અને તેમના લેણાં ચૂકવતા નહોતા, તેથી અમારે એ બંધ કરવી પડી."

PHOTO • Adarsh Ray
PHOTO • Adarsh Ray

આ દંપતી કહે છે, 'અમે ફક્ત લાકડાનો જ ઉપયોગ કરીએ છીએ અને તેમાં ઘણું લાકડું વપરાય છે - દર મહિને અમે 5000 રુપિયા ખર્ચીએ છીએ.' ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારાએ લાકડાને બદલે ગેસ સિલિન્ડર વાપરવાનો વિકલ્પ બાકી રહેવા દીધો નથી

PHOTO • Amit Kumar Nath
PHOTO • Rajdeep Bhowmik

ડાબે: નિસ્યંદનની પ્રક્રિયા એકબીજાની ઉપર ગોઠવાયેલા, હવાચુસ્ત અને એકબીજા સાથે જોડાયેલા ધાતુના વાસણોની શ્રેણીની મદદથી કરવામાં આવે છે. પાઈપ નિસ્યંદિત દારૂ ભેગો કરે છે. જમણે: બાટલીમાં પીરસવા માટે તૈયાર લાંગી

બીજા એક દારૂ બનાવનાર લતા (નામ બદલ્યું છે) કહે છે કે આસપાસના બધા લોકો બૌદ્ધ છે અને “લાંગીનો સૌથી વધુ ઉપયોગ અમે પૂજા [તહેવાર] અને નવા વર્ષ દરમિયાન કરીએ છીએ. કેટલીક ધાર્મિક વિધિઓમાં ભગવાનને ગાળેલો દારૂ ધરાવવાનો હોય છે.” છેલ્લા કેટલાક વર્ષોમાં લતાએ દારૂ ગાળવાનું બંધ કરી દીધું છે અને એ માટે તેઓ ઓછો નફો થતો હોવાનું કારણ આગળ ધરે  છે.

ઓછી આવક જયા અને સુરેનને પણ ચિંતિત કરે છે કારણ જેમ જેમ તેમની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમણે તેમની વધતી જતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માટે નાણાં ફાળવવા પડે છે. “મારી દૃષ્ટિ નબળી છે અને ક્યારેક ક્યારેક મને સાંધાનો દુખાવો થાય છે. મારા પગમાં વારંવાર સોજા આવે છે.”

આ અને બીજી (આરોગ્ય સંબંધિત) સમસ્યાઓ માટે તેઓ આસામની હોસ્પિટલોમાં જવાનું પસંદ કરે છે કારણ કે ત્રિપુરામાં રાજ્યની આરોગ્યસંભાળ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. જોકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જય) યોજના તેમના જેવા ગરીબ પરિવારોને 5 લાખ રુપિયા સુધીની સહાય પૂરી પાડે છે તેમ છતાં તેઓ આસામ જવાનું પસંદ કરે છે કારણ કે તેમને રાજ્યની આરોગ્યસંભાળમાં વિશ્વાસ નથી. જયા જણાવે છે, "મુસાફરીનો આવવા-જવાનો ખર્ચ જ 5000 રુપિયા થાય છે." તબીબી પરીક્ષણો પણ તેમની બચત ખાઈ જાય છે.

અમારે જવાનો સમય થઈ ગયો છે અને જયા રસોડું સરખું કરવાનું શરૂ કરે છે જ્યારે સુરેન બીજે દિવસે સવાર માટે અને લાંગીની આગલી બેચ માટે લાકડાનો ઢગલો કરે છે.

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Rajdeep Bhowmik

ರಾಜದೀಪ್ ಭೌಮಿಕ್ ಅವರು ಪುಣೆಯ ಐಐಎಸ್‌ಇಆರ್‌ನ ಪಿಎಚ್‌ಡಿ ವಿದ್ಯಾರ್ಥಿ. ಇವರು 2023ರ ಪರಿ-ಎಂಎಂಎಫ್‌ ಫೆಲೋ.

Other stories by Rajdeep Bhowmik
Suhash Bhattacharjee

ಸುಹಾಶ್ ಭಟ್ಟಾಚಾರ್‌ಜೀ ಅಸ್ಸಾಂನ ಸಿಲ್ಚಾರ್ ಎನ್ಐಟಿಯಲ್ಲಿ ಪಿಎಚ್ಡಿ ವಿದ್ಯಾರ್ಥಿ. ಅವರು 2023ರ ಪರಿ-ಎಂಎಂಎಫ್ ಫೆಲೋ.

Other stories by Suhash Bhattacharjee
Deep Roy

ದೀಪ್ ರಾಯ್‌ಯವರು ನವದೆಹಲಿಯ ವಿಎಂಸಿಸಿ ಮತ್ತು ಸಫ್ದರ್ಜಂಗ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಗ್ರಾಜುಯೇಟ್ ರೆಸಿಡೆಂಟ್ ಡಾಕ್ಟರ್. ಇವರು 2023ರ ಪರಿ-ಎಂಎಂಎಫ್‌ ಫೆಲೋ.

Other stories by Deep Roy
Photographs : Adarsh Ray
Photographs : Amit Kumar Nath
Editor : Priti David

ಪ್ರೀತಿ ಡೇವಿಡ್ ಅವರು ಪರಿಯ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕರು. ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಶಿಕ್ಷಕರಾದ ಅವರು ಪರಿ ಎಜುಕೇಷನ್ ವಿಭಾಗದ ಮುಖ್ಯಸ್ಥರೂ ಹೌದು. ಅಲ್ಲದೆ ಅವರು ಗ್ರಾಮೀಣ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತರಗತಿ ಮತ್ತು ಪಠ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಆಳವಡಿಸಲು ಶಾಲೆಗಳು ಮತ್ತು ಕಾಲೇಜುಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ ಮತ್ತು ನಮ್ಮ ಕಾಲದ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸುವ ಸಲುವಾಗಿ ಯುವಜನರೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik