7 ડિસેમ્બર, 2023ના રોજ, અમારા સાથી અનુવાદક, કવિ, લેખક, શિક્ષણવિદ, કટારલેખક અને પેલેસ્ટાઇનના રિફત અલ અરીર, ગાઝામાં ચાલી રહેલા નરસંહારમાં એક લક્ષિત બોમ્બ ધડાકામાં માર્યા ગયા. પરંતુ જે દિવસે તેમનો અવાજ શમી ગયો, તે દિવસે તેમણે લખેલી એક કવિતા વિશ્વભરની એક ડઝનથી વધુ ભાષાઓમાં ગુંજી ઊઠી હતી.

આ દુનિયા અને આ સમયમાં ભાષાઓના વિશ્વમાં અમે પારીમાં અમારા કામ અને અમારી ભૂમિકા પર ફરી નજર કરીએ છીએ! અને અમે શરૂઆત કરીએ છીએ રિફતના શબ્દોથી જ:

આપણા સંઘર્ષને વાચા આપવા અને સામી લડત આપવા માટે આપણી પાસે એક ભાષા જ તો છે. શબ્દો આપણા સૌથી મૂલ્યવાન ખજાના છે, જેનો ઉપયોગ આપણે પોતાને અને અન્યોને શિક્ષિત કરવા માટે કરવો જ રહ્યો. અને આ શબ્દોને શક્ય તેટલી વધુ ભાષાઓમાં વ્યક્ત કરવા જ રહ્યા. હું એવી ભાષામાં વિશ્વાસ ધરાવું છું જે શક્ય તેટલા વધુ લોકોના હૃદય અને મનને સ્પર્શે… કારણ કે અનુવાદ એ માનવતાને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે. અનુવાદ અવરોધોને તોડીને એક ડી રચે છે અને સમજણ પેદા કરે છે. પરંતુ “ખરાબ” અનુવાદો  ગેરસમજો પણ પેદા કરી શકે છે.

લોકોને એકસાથે લાવવાની, નવી સમજણ ઊભી કરવાની અનુવાદની આ ક્ષમતા પારીભાષાના કાર્યના કેન્દ્ર સ્થાને છે.

અને 2023 અમારા માટે એક મહત્ત્વપૂર્ણ વર્ષ રહ્યું છે.

આ વર્ષમાં અમે છત્તીસગઢી અને ભોજપુરી એમ બે નવી ભાષાઓ ઉમેરીને પારી જે તમામ ભાષાઓમાં પ્રકાશિત થાય છે તેની સંખ્યાને 14 સુધી લઈ ગયા છે.

આ વર્ષ અમારા માટે એટલા માટે પણ વિશેષ છે કેમ કે આ વર્ષે અમે અમારું નવું નામ “પરીભાષા” મેળવ્યું છે, જે અમારી ટીમની અંગ્રેજી સામગ્રીના અનુવાદથી એક ડગલું આગળ વધીને પારીને ગ્રામીણ પત્રકારત્વનું સાચું બહુભાષી મંચ માટેની અમારી ભૂમિકાને પ્રકાશિત કરે છે.

અમે આપણા દેશના રોજિંદા લોકોના જીવનમાં ભાષાઓ અને બોલીઓની ભૂમિકા વિષે વધુને વધુ જાણવાનું ચાલુ રાખ્યું છે. અનુવાદ અને ભાષાઓની આસપાસની વાર્તાઓ અને વાતચીત દ્વારા, અમે પારીના કાર્યને આ ક્ષેત્રમાં મજબૂત સ્થાન આપીએ છીએ.

પારીભાષા શું હાંસલ કરી શકી છે તે આંકડાઓ તરફ એક નજર

વધુ સારી પ્રણાલી અને પારીમાં વિવિધ ટીમો વચ્ચે વધુ સારા સમન્વયથી, અમે આપણી ભાષાઓમાં રજૂ થઈ રહેલી વાર્તાઓને શક્ય તેટલી સાચી અને સચોટ બનાવી શક્યાં છીએ, અને વધતા કામ સાથે ગતિ જાળવી શક્યાં છીએ. દર અઠવાડિયે ભારતીય ભાષાઓમાં પહેલાં કરતાં વધુ વાર્તાઓ પ્રકાશિત કરી શક્યાં છીએ! બિન-અંગ્રેજી શબ્દો માટેની ઓડિયો ફાઇલ્સ, કૅપ્શન્સને સચોટ બનાવવા માટે ફોટા સાથેની પીડીએફ વગેરે ઉપલબ્ધ કરવી એ અમારા અનુવાદો અને ભાષાના ઉપયોગમાં નવા પરિમાણો ઉમેરવા માટેનાં જરૂરી પગલાં હતાં અને એ પગલાં ભરવામાં અમે જરાય ખચકાયાં નથી. અમારો ઉદ્દેશ હંમેશાં અનુવાદ અને અનુભવ વચ્ચેના અંતરને ઘટાડવાનો રહ્યો છે. જ્યારે અમે અમારા ડેસ્ક પર બેસીને, ક્રિયા અને મૂળના સ્રોતથી દૂર રહીને લેખને અક્ષરક્ષ: અનુવાદ કરવાને બદલે તેને નવી ભાષામાં જીવંત બનાવીએ છીએ ત્યારે આ ઉદ્દેશને જરાય ભૂલતાં નથી.

પરીભાષા લોકોના અવાજમાં તેમના પોતાના શબ્દોના સચોટ અંગ્રેજી અનુવાદ પૂરા પાડીને તેમના અવાજને નવું જ પરિમાણ આપે છે. વાર્તામાં વપરાયેલ ફિલ્મ અથવા અવતરણના સબટાઇટલ્સની સમીક્ષા અને લોકોની વાતોના અંગ્રેજી સંસ્કરણમાં ભારતીય ભાષાઓના સ્થાનિક શબ્દો અને સંદર્ભોને જાળવી રાખવાથી લોકોની વિશિષ્ટ ઢબ અને સાચા રૂઢિપ્રયોગો જાળવી રાખવામાં મદદ મળી છે.

સારા અને સમયસર કરેલા અનુવાદો, સ્થાનિક ભાષાને આપયેલી પ્રાથમિકતા અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ ડિજિટલ સામગ્રીના વાચકોની સંખ્યાના વધારાએ અમારી અનુવાદ કરેલી વાર્તાઓમાં લોકોનું આકર્ષણ વધાર્યું છે અને જમીન પર તેની સાચી અસરો જોવા મળી છે.

મહિલા બિડી કામદારોના સ્વાસ્થ્ય પરની સ્મિતા ખટોરની વાર્તા: ધુમાડો થઈ જતું મહિલા બીડી કામદારોનું સ્વાસ્થ્ય નું બંગાળી સંસ્કરણઃ ঔদাসীন্যের ধোঁয়াশায় মহিলা বিড়ি শ্রমিকদের স্বাস্থ্য વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કામદારોના વેતનમાં વધારો થયો હતો. તેવી જ રીતે, પ્રીતિ ડેવિડની વાર્તા: જેસલમેરમાં: પવનચક્કીઓની અડફેટમાં જીવસૃષ્ટિ માં ઉર્જા દ્વારા એક વિડિઓ પણ હતો. પ્રભાત મિલિન્દ દ્વારા કરાયેલો તેનો હિન્દી અનુવાદ जैसलमेर : पवनचक्कियों की बलि चढ़ते ओरण સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે સરકારે દેગ્રેમાંની ‘ઉજ્જડ જમીન’ સામાન્ય લોકો (ઓરણ)ને પરત કરવી પડી હતી. આતો માત્ર થોડા જ ઉદાહરણો છે.

અનુવાદ અને ભાષા કાર્યક્રમો માટે AI આધારિત વેબસાઇટ્સ અને સાધનોના ઉપયોગમાં તીવ્ર વૃદ્ધિના વૈશ્વિક વલણમાં તણાયા વિના, પારી પરીભાષાના સંગઠનાત્મક માળખાના દરેક સ્તરમાં વધુને વધુ લોકોને સામેલ કરવામાં અડીખમ રહ્યું છે. વર્ષ 2023માં પારીભાષામાં વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિમાંથી અને વિવિધ સ્થળોએથી આવતા લોકો નોંધપાત્ર સંખ્યામાં જોડાયા હતા

પારી દ્વારા કરવામાં આવેલા ઘણા અનુવાદો ભૂમિકા, માતૃકા, ગણશક્તિ, દેશ હિતૈશી, પ્રજા વાણી જેવા છાપાઓમાં અને પ્રાદેશિક ગ્રામીણ પોર્ટલોમાં ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. મહિલાઓના પ્રશ્નો માટે સમર્પિત મરાઠી માસિક મિલન સર્યાજાનીએ જાન્યુઆરી 2023માં પારી પર એક પ્રારંભિક લેખ પ્રકાશિત કર્યો હતો અને આગામી વર્ષોમાં મહિલાઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી પારીની વાર્તાઓના મરાઠી અનુવાદો રજૂ કરશે.

પરીભાષા કામ પ્રત્યેના તેના સતત અને સંવેદનશીલ અભિગમને કારણે જ અનુવાદ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકી છે. તેણે વિવિધ ભારતીય ભાષાઓનો ઉપયોગ કરીને બહુભાષી જગ્યાઓ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ અને મંડળોને માહિતી અને સમર્થન પૂરું પાડ્યું છે.

‘પારી અનુવાદ’થી ‘પરીભાષા’ સુધીની સફર

આ વર્ષથી અમે ભારતીય ભાષાઓમાં મૂળ સામગ્રી લખાવવાનું અને તે માટે જરૂરી મદદ પૂરી પાડવાનું શરૂ કર્યું છે અને અંગ્રેજીમાં અંતિમ સંપાદન પહેલાં મૂળ ભાષામાં જ તેનું પ્રાથમિક સંપાદન કરવાનું શરૂ કર્યું છે. અમારું લક્ષ્ય અમારી ક્ષમતાઓનું વધારવાનું છે જેથી કરીને ભારતીય ભાષાઓમાં રજૂ કરાયેલી વાર્તાઓને મૂળ ભાષામાં જ સંપાદિત કરવામાં આવે અને અંતિમ સંસ્કરણનો ફક્ત અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવે એ દિશામાં પણ ઘણી પ્રગતિ થઈ છે. કેટલાક દ્વિભાષી ભાષાના સંપાદકો એક સાથે બે ભાષાઓમાં કામ કરી રહ્યા છે.

પારી પર તેમની વાર્તાઓ/સર્જનાત્મક કૃતિઓ અથવા ફિલ્મો લાવવા માટે ઘણા પત્રકારોએ પરીભાષા સાથે કામ કર્યું હતુંઃ જેમાં જીતેન્દ્ર વસાવા, જીતેન્દ્ર મેડ, ઉમેશ સોલંકી, ઉમેશ રે, વઝેસિંહ પારઘી, કેશવ વાઘમારે, જયસિંહ ચૌહાણ, તોર્પણ સરકાર, હિમાદ્રી મુખર્જી, શાયન સરકાર, લાબુની જુંગી, રાહુલ સિંહ, શિશિર અગ્રવાલ, પ્રકાશ રણસિંગ, સવિકા અબ્બાસ, વાહિદુર રહમાન, અર્શદીપ અર્શીનો સમાવેશ થાય છે.

પરીભાષાના સહયોગથી પારી એજ્યુકેશન ટીમ ભારતીય ભાષાઓમાં વિદ્યાર્થી દ્વારા લખાયેલા લેખો પ્રકાશિત કરી રહી છે. બિન-અંગ્રેજી પૃષ્ઠભૂમિના યુવાન પત્રકારો તેમની પસંદગીની ભાષામાં લખી રહ્યા છે, જેમને ખાતરી છે કે તેઓ પારી સાથે રહીને અહેવાલીકરણ અને દસ્તાવેજીકરણની કુશળતા શીખી જ લેશે. આ વાર્તાઓના અનુવાદ તેમને વ્યાપક પ્રેક્ષક ગણ સુધી લઈ જાય છે.

પરીભાષાની ઓડિયા ભાષાની ટીમે પારી પર આદિવાસી બાળકો દ્વારા ચિત્રોના અનન્ય સંગ્રહના અનુવાદમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ પ્રોજેક્ટની મૂળ રૂપે ઓડિયા ભાષામાં રજૂ કરવામાં આવ્યો હતો.

પારીએ મહારાષ્ટ્રના ગ્રાઇન્ડમિલ સોંગ્સ અને ગુજરાતના કચ્છી ગીતો જેવા સંગ્રહોનું સંકલન અને પ્રદર્શન કરવામાં મોટી હરણફાળ ભરી છે. ન્યૂઝ પોર્ટલ અને એનજીઓ સહિતના ઘણા જૂથોએ પ્રાદેશિક ભાષાઓમાં યોગદાન અને સહયોગ માટે પારીનો સંપર્ક કર્યો છે.

પારીભાષા પારીને લોકોની ભાષાઓમાં લોકોનું પોતાનું આર્કાઇવ બનાવવા માટે પ્રતિબદ્ધ બનાવે છે. અને આગામી વર્ષોમાં આ લક્ષ્ય તરફ વધુ પ્રયાસો જોવા મળશે.

કવર અનાવરણ: રિકીન સંકલેચા

જો અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રસ હોય અને તમે પારીમાં યોગદાન આપવા માગતા હો, તો કૃપા કરીને contact@ruralindiaonline.org પર અમારો સંપર્ક કરો. અમે અમારી સાથે કામ કરવા માટે સ્વતંત્ર અને ફ્રીલાન્સ લેખકો, પત્રકારો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, સંપાદકો, ચિત્રકારો અને સંશોધકોને આવકારીએ છીએ.

પારી એક બિન-નફાકારક સંસ્થા છે અને અમે એવા લોકોના દાન પર આધાર રાખીએ છીએ જેઓ અમારા બહુભાષી ઓનલાઇન જર્નલ અને આર્કાઇવની કદર કરતા હોય. જો તમે પારીમાં યોગદાન આપવા માંગતા હો, તો કૃપા કરીને ડોનેટ પર ક્લિક કરો.

અનુવાદક: ફૈઝ મોહંમદ

PARIBhasha Team

ಪರಿಭಾಷಾ ಎನ್ನುವುದು ನಮ್ಮ ವಿಶಿಷ್ಟ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿದ್ದು, ಇದು ಅನೇಕ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಪರಿ ಕಥೆಗಳನ್ನು ವರದಿ ಮಾಡಲು ಮತ್ತು ಅನುವಾದಿಸಲು ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ. ಪರಿಯ ಪ್ರತಿಯೊಂದು ಕಥೆಯ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಅನುವಾದವು ಪ್ರಮುಖ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತದೆ. ನಮ್ಮ ಸಂಪಾದಕರು, ಅನುವಾದಕರು ಮತ್ತು ಸ್ವಯಂಸೇವಕರ ತಂಡವು ದೇಶದ ವೈವಿಧ್ಯಮಯ ಭಾಷಾ ಮತ್ತು ಸಾಂಸ್ಕೃತಿಕ ವೈಭವವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುತ್ತದೆ ಮತ್ತು ಜನಸಾಮಾನ್ಯರ ಕತೆಗಳನ್ನು ಜನಸಾಮಾನ್ಯರ ಭಾಷೆಯಲ್ಲೇ ಅವರಿಗೆ ತಲುಪಿಸುತ್ತದೆ.

Other stories by PARIBhasha Team
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad