પટ્ટાવાળી લુંગીને પોતાના બે ઢીંચણ વચ્ચે ખોસીને અજય મહતો માત્ર 30 સેકન્ડમાં 40 ફૂટ ઊંચા તાડના ઝાડની અડધી ઊંચાઈ સર કરી લે છે.

તેઓ રોજેરોજ આ કામ કરે છે - તાડના ઝાડ પર ચક્કર આવી જાય એટલે ઊંચે, ઝાડની ટોચ સુધી, ચડીને તેઓ તેના લાંબા પાંદડા વચ્ચેની કળીઓમાંથી રસ એકઠો કરે છે.

મે મહિનાની સવારનો તડકો છે, બિહારના સમસ્તીપુર જિલ્લામાં 27 વર્ષના આ તરવાડા (તાડી ઉતારનારા) તાડના ઝાડ પર ચડવાની તૈયારી કરી રહ્યા છે. અજયે પોતાના બંને હાથ પરના આંટણ તરફ ઈશારો કરતા કહે છે, “અવત તાર કે પેર જૈસન સક્કત હો ગેલઈહન. કાટા ભી નય ભોકેતઈ [આ તો હવે તાડના ઝાડ જેવા કઠણ થઈ ગયા છે. હવે તો એમાં કાંટોય ન ભોંકાઈ શકે]."

આંગળીઓને એકબીજામાં ગૂંથીને હાથને કેવી રીતે થડની ફરતે વીંટાળવા જોઈએ એ બતાવતા અજય કહે છે, “ચડતી વખતે ઝાડ પરની પકડ મજબૂત હોવી જોઈએ. થડને બંને હાથ અને પગથી સજ્જડ પકડવું પડે છે." તાડના ઝાડના પાતળા અને ખરબચડા થડ પર  રોજેરોજના ચડવાના આ મુશ્કેલ કામને કારણે તેમની છાતી, હાથ અને પગની ઘૂંટીઓ પર ઘેરા નિશાનો પડી ગયા છે.

છેલ્લા 12 વર્ષથી આ કામ કરી રહેલા આ તરવાડા (અજય મહતો) કહે છે, “15 (પાન) સાલ કે રહિયે તહિયે સે સ્ટાર્ટ કોદલિયઈરા [15 વર્ષનો હતો ત્યારથી મેં તાડના ઝાડ પર ચડવાનું શરૂ કર્યું હતું]."

રસુલપુર ગામના રહેવાસી અજય પાસી સમુદાયના છે, આ સમુદાયના લોકો પરંપરાગત રીતે તરવાડા તરીકેનું કામ કરતા આવ્યા છે - અજયના પરિવારની ઓછામાં ઓછી ત્રણ પેઢીઓ આ ધંધામાં છે.

Ajay climbing a palm tree with a pakasi – a black leather or rexine strap, stretched between his feet. He demonstrates (right) how he grabs the trunk of the tree with his fingers intertwined
PHOTO • Umesh Kumar Ray
Ajay climbing a palm tree with a pakasi – a black leather or rexine strap, stretched between his feet. He demonstrates (right) how he grabs the trunk of the tree with his fingers intertwined
PHOTO • Umesh Kumar Ray

અજય - તેમના બે પગ વચ્ચે ભેરવીને ખેંચેલા કાળા ચામડાના અથવા રેક્સિનના પટ્ટા - પકસી - સાથે તાડના ઝાડ પર ચઢી રહ્યા છે. તેઓ (જમણે) બતાવે છે કે તેઓ તેમની આંગળીઓને એકબીજામાં ગૂંથીને કેવી રીતે ઝાડના થડને પકડી રાખે છે

Years of climbing the rugged trunk of palm trees have left dark calluses on his hands and feet
PHOTO • Umesh Kumar Ray
Years of climbing the rugged trunk of palm trees have left dark calluses on his hands and feet.
PHOTO • Umesh Kumar Ray

વર્ષોથી તાડના ઝાડના ખરબચડા થડ પર ચડવાને કારણે તેમના હાથ અને પગ પર ઘેરા આંટણ પડી ગયા છે

તેઓ યાદ કરે છે, "શરૂઆતમાં હું ઝાડ પર અડધે સુધી ચડતો અને નીચે ઉતરી જતો." તેઓ ઉમેરે છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા તેમને આ કૌશલ્ય શીખવા માટે પ્રોત્સાહિત કરતા હતા. "જ્યારે હું તાડના ઝાડની ટોચ પરથી નીચે જોતો ત્યારે મને લાગતું કે હમણાં મારું હૃદય બંધ પડી જશે."

ઝાડ ઉપર ચડતા અને નીચે ઉતરતા થડની સાથે વારંવાર ઘસાવાને કારણે તેમના સ્નાયુબદ્ધ શરીર પર ઠેર ઠેર પડેલા ઘા વિષે વાત કરતા અજય કહે છે, “પહેલી વખત જ્યારે હું તાડના ઝાડ પર ચડ્યો ત્યારે મારી છાતી, હાથ અને પગમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. પછી ધીમે ધીમે એ ભાગોની ચામડી સખત થતી ગઈ."

બપોરની ગરમીથી બચવા માટે અજય લગભગ પાંચ તાડના ઝાડ પરથી સવારે અને પાંચ તાડના ઝાડ પરથી સાંજે રસ ઉતારે છે, બપોરના સમયની આસપાસ તેઓ આરામ કરે છે. તેમણે રસુલપુરમાં 10 ઝાડ ભાડાપટે લીધા છે અને જમીન માલિકને પ્રત્યેક ઝાડ દીઠ વર્ષે 500 રુપિયા ચૂકવે છે અથવા એટલી જ કિંમતનો તાડનો રસ આપે છે.

આ તરવાડા કહે છે, “બૈસાખ (એપ્રિલ-જૂન) મેં એગો તાર સે 10 બોતલ તારી નિકલઈ છઈ. ઉકરા બાદ કમ હોઈ લગઈ છઈ. [વૈશાખ મહિના દરમિયાન એક ઝાડમાંથી 10 બાટલી રસ મળે છે. આ પીક સીઝન પૂરી થયા પછી ઉપજ ઘટવા લાગે છે]."

(તાડના ઝાડ પરથી ઉતારેલા) આ ફીણવાળા રસ પર પ્રક્રિયા કરીને કાં તો ગોળ બનાવવામાં આવે છે અથવા આથાવાળું તાડી (તાડી) નામનું પીણું બનાવવામાં આવે છે. અજય કહે છે, “અમે એક પૈકાર [જથ્થાબંધ વેપારી] ને આશરે 10 રુપિયાની એક બાટલીના દરે આ રસ વેચીએ છીએ." દરેક બાટલીમાં લગભગ 750 મિલી રસ હોય છે. વૈશાખ મહિના દરમિયાન અજય દિવસના 1000 રુપિયા સુધીની કમાણી કરી શકે છે. પરંતુ પછીના નવ મહિનામાં તેમની કમાણીમાં નોંધપાત્ર - લગભગ 60 થી 70 ટકાનો - ઘટાડો થાય છે.

બપોરની ગરમીથી બચવા માટે અજય સવારે પાંચ અને સાંજે પાંચ તાડના ઝાડ પર ચડી રસ ઉતારે છે, બપોરના સમયની આસપાસ તેઓ આરામ કરે છે

વીડિયો જુઓ: એક તરવડાના જીવનના ચડાવ-ઉતાર

સિઝન ન હોય ત્યારે અજય તેમના સ્થાનિક ગ્રાહકોને પોતાને ઘેરથી જ એક બાટલીના 20 રુપિયાના દરે આ રસ વેચે છે. તેમના પત્ની અને ત્રણ બાળકોનો પરિવાર આ કામમાંથી થતી આવક પર નિર્ભર છે.

સમસ્તીપુર ભારતના એવા જિલ્લાઓમાંનો એક છે જ્યાંથી મોટી સંખ્યામાં પુરૂષો કામની શોધમાં બીજા રાજ્યોમાં સ્થળાંતરમાં કરે છે. તેમની આસપાસના આ વલણની વિરુદ્ધ અજય સમસ્તીપુરમાં રહીને તરવાડાનું કામ કરવાનું પસંદ કરે છે.

*****

ઝાડ પર ચડતા પહેલાં અજય પોતાની કમરની આસપાસ ચુસ્તપણે ડરબાસ (નાયલોનનો પટ્ટો)બાંધે છે.  ડરબાસ સાથે જોડેલા લોખંડના અકુરા (હૂક) વડે પ્લાસ્ટિકની બરણી અને હસુઆ (દાતરડું) લટકાવેલ હોય છે. અજય સમજાવે છે, "ડરબાસને એટલો મજબૂત રીતે બાંધવો જોઈએ કે 10 લિટર રસ હોય તો પણ એ હાલે નહીં."

તેઓ ઓછામાં ઓછા 40 ફૂટ ઊંચા તાડના ઝાડ પર ચઢે છે અને જેમ જેમ તેઓ થડના ઉપરના  લપસણા અડધા ભાગ તરફ પહોંચે છે તેમ તેમ હું તેમને - તેમના બે પગ વચ્ચે ભેરવીને ખેંચેલા કાળા ચામડાના અથવા રેક્સિનના પટ્ટા - પકસી -  વડે તેમની પકડ મજબૂત કરતા જોઉં છું.

આગલી સાંજે અજયે પહેલેથી જ એક ચીરો પાડી રાખ્યો હતો અને (તેમાંથી ટપકતો રસ એકઠો કરવા) ઝાડની કળી પાસે એક ખાલી લબની (માટીનું વાસણ) લટકાવ્યું હતું. 12 કલાક પછી અજય લબનીમાં ભેગો થયેલો લગભગ પાંચ લિટર રસ ખાલી કરવા માટે ફરીથી ઝાડ પર ચ ડે છે. તેમણે પછીથી મને કહ્યું કે મધમાખીઓ, કીડીઓ અને ભમરાઓને દૂર રાખવા માટે આ વાસણના તળિયે જંતુનાશક દવા લગાવવી પડે છે.

Left: Preparing to climb, Ajay ties a darbas (a belt-like strip) very tightly around his waist. " The darbas has to be tied so securely that even with 10 litres of sap it won’t budge,” he explains.
PHOTO • Umesh Kumar Ray
Right: Climbing a palm tree in Rasulpur, Samastipur distirct
PHOTO • Umesh Kumar Ray

ડાબે: (ઝાડ પર) ચડવાની તૈયારી કરતા અજય તેમની કમરની આસપાસ ખૂબ જ ચુસ્તપણે ડરબાસ (પટ્ટા જેવું) બાંધે છે. તેઓ સમજાવે છે, 'ડરબાસને એટલો મજબૂત રીતે બાંધવો જોઈએ કે 10 લિટર રસ હોય તો પણ એ હાલે નહીં.' જમણે: સમસ્તીપુર જિલ્લાના રસુલપુરમાં તાડના ઝાડ પર ચડતા અજય

Left: Ajay extracting sap from the topmost fronds of the palm tree.
PHOTO • Umesh Kumar Ray
Right: He descends with the sap he has collected in a plastic jar . During the peak season, a single palm tree yields more than 10 bottles of sap
PHOTO • Umesh Kumar Ray

ડાબે: અજય તાડના ઝાડની ટોચની કળીઓમાંથી રસ કાઢે છે. જમણે: તેમણે પ્લાસ્ટિકની બરણીમાં એકઠા કરેલા રસ સાથે તેઓ નીચે ઉતરે છે.  સીઝન દરમિયાન એક તાડનું ઝાડ 10 થી વધુ બાટલી જેટલો રસ આપે છે

સૌથી ઉપરના ભાગની કળીઓ વચ્ચે જોખમ સાથે બેઠેલા અજય દાતરડા વડે તાડની કળી પર નવો તાજો ચીરો પાડે છે. ખાલી થયેલી લબનીને ત્યાં મૂકીને તેઓ નીચે ઊતરે છે. આ આખી પ્રક્રિયા માંડ 10 મિનિટમાં પૂરી થઈ જાય છે.

સમય જતાં રસ ઘટ્ટ અને ખાટો થઈ જશે, તેથી અજય મને સલાહ આપે છે, “તાડ કે તાડી કો પેડ કે પાસ હી પી જાના ચાહિયે, તબ હી ફાયદા હોતા હૈ [જે તાડના ઝાડમાંથી તાડી ઉતારવામાં આવે છે તે ઝાડની નજીક જ તાડીનું સેવન કરી લેવું જોઈએ તો જ એ ફાયદાકારક છે]."

જીવન-નિર્વાહ માટે તાડી ઉતારવાનું કામ પુષ્કળ જોખમોથી ભરેલું છે - તરવાડો સહેજ પણ સંતુલન ગુમાવે તો ઝાડ પરથી સીધો નીચે પટકાય અને એ પતન જીવલેણ બની શકે અથવા કાયમી નબળાઈનું કારણ બની શકે.

માર્ચ મહિનામાં અજયને ઈજા થઈ હતી. તેઓ કહે છે, “તાડના થડ પરથી મારો હાથ સરકી ગયો હતો અને હું પડી ગયો હતો. મને કાંડામાં ઈજા થઈ હતી." એ પછી લગભગ એક મહિના સુધી તેમણે ચડવાનું બંધ કરવું પડ્યું હતું . આ વર્ષની શરૂઆતમાં અજયના પિતરાઈ ભાઈ, જેઓ પણ તરવાડાનું કામ છે તેઓ, તાડના ઝાડ પરથી પડી જતાં તેમના કમર અને પગના હાડકાં ભાંગી ગયાં હતાં.

અજય તાડના બીજા ઝાડ પર ચડી જાય છે અને ઝાડના કેટલાક ફળ - તાડફળી - નીચે ફેંકે છે. તેઓ દાતરડા વડે ફળનું બહારનું કઠણ આવરણ છોલે છે અને મને અંદરથી એક તાડગોળો આપે છે.

તેઓ હસતા હસતા કહે છે, “લિજીયે, તાઝા-તાઝા ફલ ખાઈયે. શહર મેં તો 15 રુપાયે મેં એક આખ મિલ્તા હોગા [લો, થોડા તાજા ફળો ખાઓ. શહેરોમાં તો એક-એક તાડગોળો 15-15 રુપિયાનો વેચાતો હશે]."

Ajay will transfer the fresh toddy which has a lather of white foam to a bigger plastic jar fixed to his bicycle
PHOTO • Umesh Kumar Ray
Ajay will transfer the fresh toddy which has a lather of white foam to a bigger plastic jar fixed to his bicycle.
PHOTO • Umesh Kumar Ray

સફેદ ફીણ વળેલી તાજી તાડીને અજય પોતાની સાયકલ સાથે બાંધેલા પ્લાસ્ટિકના મોટા જારમાં રેડશે

Left: Ajay sharpening the sickle with which he carves incisions. Right: Before his morning shift ends and the afternoon sun is glaring, Ajay will have climbed close to five palm trees
PHOTO • Umesh Kumar Ray
Left: Ajay sharpening the sickle with which he carves incisions. Right: Before his morning shift ends and the afternoon sun is glaring, Ajay will have climbed close to five palm trees
PHOTO • Umesh Kumar Ray

ડાબે: અજય દાતરડાની ધાર કાઢી રહ્યા છે, એ દાતરડાથી તેઓ ચીરા પાડે છે. જમણે: અજયની સવારની પાળી પૂરી થાય અને બપોરનો ધોમ ધખવા માંડે તે પહેલાં તેઓ  લગભગ પાંચ તાડના ઝાડ પર નજીક ચડી ચૂક્યા હશે

અજયે થોડો સમય શહેરી જીવન જીવી જોયું છે - તેમને મતે શહેરી જીવન એક અધૂરું  જીવન છે. થોડા વર્ષો પહેલા બાંધકામના સ્થળે શ્રમિક તરીકે કામ કરવા માટે દિલ્હી અને સુરત સ્થળાંતરિત થયા હતા. તેઓ  રોજના 200-250 રુપિયા કમાતા, પરંતુતેઓ  કહે છે, “મને ત્યાં કામ કરવાનું મન નહોતું. કમાણી પણ ઓછી હતી.”

તરવાડા તરીકેનું કામ કરીને તેઓ જે કંઈ કમાય છે તેનાથી તેમને સંતોષ છે.

તાડીનું કામ કરવામાં પોલીસના દરોડાનું જોખમ છે એ હકીકત છે તેમ છતાં. બિહાર નિષેધ અને આબકારી અધિનિયમ, 2016 (ધ બિહાર પ્રોહિબિશન એન્ડ એકસાઈઝ એક્ટ, 2016), હેઠળ  - આથો આવેલ તાડી સહિત - દારૂ અને માદક દ્રવ્યોના    "ઉત્પાદન કરવા, બોટલિંગ કરવા (ભરીને બાટલીમાં રાખવા), વિતરણ કરવા, પરિવહન કરવા, એકઠા કરવા, સંગ્રહ કરવા , કબજામાં રાખવા, ખરીદ કરવા, વેચાણ કરવા અથવા તેનું સેવન કરવા" પર પ્રતિબંધ છે. હજી સુધી બિહાર પોલીસે રસુલપુર પર દરોડો પાડ્યો નથી, પરંતુ અજય કહે છે, "હજી સુધી પોલીસ અહીં આવી નથી તેનો અર્થ એ નથી કે ક્યારેય નહીં આવે."

ઘણા લોકો આક્ષેપ કરે છે કે પોલીસે તેમને ખોટા કેસોમાં ફસાવ્યા છે. અજયનો ડર ખોટા કેસોમાંથી ઊભો થયો છે. તેઓ કહે છે કે પોલીસ "ગમે ત્યારે આવી શકે છે."

અજય આ જોખમો લેવા તૈયાર છે. પોતાની હથેળી પર ખૈની (તમાકુ) ઘસતા કહે તેઓ કહે છે"અહીં રસુલપુરમાં મને મારા પરિવાર સાથે રહેવા તો મળે છે."

ફટ્ઠા (વાંસની લાકડી) પર માટી નાખીને અજય તેના પર પોતાના દાતરડાની ધાર કાઢે છે. પોતાના ઓજારો તૈયાર કરીને તેઓ તાડના બીજા ઝાડ તરફ આગળ વધે છે.

આ વાર્તા બિહારના છેવાડાના લોકોના સંઘર્ષને ટેકો આપવામાં પોતાનું જીવન વિતાવનાર મજૂર મહાજનના એક સભ્યની યાદમાં અપાતી ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Umesh Kumar Ray

ಉಮೇಶ್ ಕುಮಾರ್ ರೇ ಪರಿ ಫೆಲೋ (2022). ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತರಾಗಿರುವ ಅವರು ಬಿಹಾರ ಮೂಲದವರು ಮತ್ತು ಅಂಚಿನಲ್ಲಿರುವ ಸಮುದಾಯಗಳ ಕುರಿತು ವರದಿಗಳನ್ನು ಬರೆಯುತ್ತಾರೆ.

Other stories by Umesh Kumar Ray
Editor : Dipanjali Singh

ದೀಪಾಂಜಲಿ ಸಿಂಗ್ ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಸಹಾಯಕ ಸಂಪಾದಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಪರಿ ಲೈಬ್ರರಿಗಾಗಿ ದಾಖಲೆಗಳನ್ನು ಸಂಶೋಧಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸಂಗ್ರಹಿಸುತ್ತಾರೆ.

Other stories by Dipanjali Singh
Video Editor : Shreya Katyayini

ಶ್ರೇಯಾ ಕಾತ್ಯಾಯಿನಿ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಚಲನಚಿತ್ರ ನಿರ್ಮಾಪಕರು ಮತ್ತು ಹಿರಿಯ ವೀಡಿಯೊ ಸಂಪಾದಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಪರಿಗಾಗಿ ಚಿತ್ರವನ್ನೂ ಬರೆಯುತ್ತಾರೆ.

Other stories by Shreya Katyayini
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik