આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ  ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.

ભારતીય સિનેમામાં રણયુદ્ધનું આબેહૂબ દ્રશ્ય જોઈ લો:  રેતના મેદાનો અને નિરાશાની  પૃષ્ઠભૂમિ પર છૂટાછવાયા ઝાડી ઝાંખરા વચ્ચે બળબળતા સુક્કાભઠ્ઠ રેતના વેરાનમાંથી ઉઠતો, દુશ્મનોના ભૂક્કા બોલાવતો એક નાયક,  કુદરતે આપેલી જાણે ઓછી ના હોય એમ વધુ ગરમી ને ધૂળ ઉડાડતો લઇ આવે છે કથાને સૌએ (સિવાય કે ખલનાયકે) ખાધું-પીધું-ને-મોજ-કરી-વાળા અંત તરફ. અગણિત ભારતીય સિનેમાના આવાં દ્રશ્યો રાજસ્થાનના કોઈ રણમાં કે મધ્યપ્રદેશની ચંબલ ઘાટીના કોતરોમાં ભજવાયાં છે.

ફક્ત આ નિર્જળ વેરાન (જુઓ વિડિઓ) કોઈ રાજસ્થાન કે ચંબલમાં નથી. દક્ષિણ દ્વિપકલ્પમાં દૂર આંધ્રપ્રદેશના રાયલસીમા પ્રદેશમાં આ દ્રશ્યનું શૂટિંગ થયું છે.  અનંતપુર જિલ્લાનો લગભગ 1000 એકરનો આ ટુકડો જ્યાં એક જમાનામાં બાજરી લહેરાતી તેમાં છેલ્લા કેટલાય દાયકાઓથી વધુ ને વધુ રણ વિસ્તરતું જાય છે.  વિરોધાભાસી પરિબળોથી અસરગ્રસ્ત આ વિસ્તાર હવે એવું સ્થળ બની ગયો છે જેની શોધમાં સિનેમાના નિર્માતાઓ હંમેશ એમના માણસોને મોકલતા હોય છે.

જ્યાં આ પટ્ટાના મોટા ભાગના જમીનમાલિકો વસે છે એ દરગાહ હોન્નુર ગામના એકપણ માણસને એ સમજાવવાનું મુશ્કેલ હતું કે અમે લોકો કોઈ સિનેમા કંપનીના શૂટિંગની જગ્યા શોધવા ત્યાં નહોતા. "કઈ ફિલ્મ માટે છે? ક્યારે આવવાની?" જેવા પ્રશ્નો ક્યારેક એમના હોઠ પર નહીં તો એમના મન પર સતત હતા. અમે પત્રકાર છીએ એ જાણતાં જ કેટલાકનો અમારામાં રસ ઓછો થતો સ્પષ્ટ વર્તાતો.

તેલગુ ફિલ્મ "જય મન્નદે રા"ના નિર્માતાઓ એ 1998 અને 2000 ની વચમાં ફિલ્મના લડાઈના દ્રશ્યોનું અહીંયા શૂટિંગ કરીને આ જગ્યાને જાણીતી કરેલી. કોઈપણ ઉદ્યમશીલ વ્યવસાયિક ફિલ્મોના નિર્માતાઓની માફક એમણે રણની વધુ સારી અસર માટે થઇને એમના સેટને મઠારેલા. "અમે અમારા પાકને ઉખાડી નાખ્યા'તા (જેના માટે એમણે અમને વળતર આપેલું)" 45 વર્ષના પૂજારી લિન્ગાન્ના બોલ્યા. એમના કુટુંબની 34 એકરની જમીન એ વિસ્તારમાં પડે છે જ્યાં ફિલ્મનું શૂટિંગ થયેલું.

“જય મન્નદે રા”ના નિર્માતાઓને આજે વીસ વર્ષ બાદ જો એની સિકવલ બનાવવી હોય તો એમને ઘણી ઓછી મહેનત પડશે. સમય, પ્રકૃતિની પિલામણી, અને મનુષ્યજાતની અવિરત છેડછાડ઼ે રણની અસરમાં એમને જોઈએ એટલી વૃદ્ધિ કરી આપી છે

આ નિર્જળ વેરાન (જુઓ વિડિઓ) કોઈ રાજસ્થાન કે ચંબલમાં નથી. દક્ષિણ દ્વિપકલ્પમાં દૂર આંધ્રપ્રદેશના રાયલસીમા પ્રદેશમાં આનું શૂટિંગ થયું છે.


પણ આ એક અવનવો રણનો ટુકડો છે.  અહીંયા હજી ખેતી થાય છે -- કારણ ભૂગર્ભ જળ જમીનથી ઘણું પાસે છે. લિન્ગાન્નાના પુત્ર પી. હોન્નુર રેડ્ડીના કહ્યા પ્રમાણે, "અમને અહીંયા માત્ર 15 ફુટ નીચે પાણી મળી રહે છે."  અનંતપુરમાં મોટાભાગના બોરવેલને 500 થી 600 ફુટ પહેલાં પાણી મળતું નથી. જિલ્લાના ઘણા ભાગોએ તો 1000 ફૂટનો વિક્રમ તોડ્યો છે.  છતાંય અહીંયા અમે વાત કરીએ છે ત્યાં તો ચાર ઇંચના બોરવેલમાંથી પાણી વહી આવે છે.  આટલું બધું પાણી, જમીનથી આટલું  નજીક, આ ગરમ અને રેતાળ પ્રદેશમાં?

"એ આખો વિસ્તાર નદીનો વિસ્તૃત પટ છે." પાસેના ગામના એક ખેડૂત પાલતુરુ મુકન્ના સમજાવે છે. નદી? કઈ નદી? અમને તો કઈ દેખાતું નથી. "દાયકાઓ પહેલા એની પર એમણે બંધ બાંધી દીધો. હોંનુરથી 25-30 કિલોમીટર દૂર વેદવતી નદી ઉપર જે પહેલા અહીંયા થઇને વહેતી. વેદવતી(તુંગભદ્રની ઉપનદી-- અઘારી પણ કહેવાતી) નો અમારો ફાંટો સાવ સૂકાઈ ગયો.”

આ વિસ્તારને ખૂબ સારી રીતે જાણનારા ગણ્યાગાંઠ્યા  લોકોમાંના એક (અનંતપુર ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના) પર્યાવરણ કેન્દ્રના મલ્લા  રેડ્ડી  કહે છે, "આવું ખરેખર થયું છે. નદી તો મરી ગઈ પણ સદીઓથી એણે  ભૂગર્ભમાં એક જળ સંગ્રહ તૈયાર કરેલો જે હવે એકધારી રીતે ખોદવામાં ને લૂંટવામાં આવે છે. આ જે ગતિએ થઇ રહ્યું છે એ જોઈને આપણને આવનારી મોટી હોનારતના સંકેત મળે છે."

હોનારત આવવામાં લાંબી વાર નથી. "વીસ વરસ પહેલા ક્યાં એકેય બોર હતા," 46 વર્ષના ખેડૂત વી એલ હિમાચલની જેમની 12.5 એકર જમીન રણમાં ફેરવાઈ ગઈ છે તેઓ કહે છે. "એ વરસાદી ખેતી હતી. હવે જુઓ 1000 એકરમાં 300-400 બોરેવેલ છે, પાણી  30-35 ફૂટે મળે  કે એથીય વધારે."  એનો અર્થ દર ત્રણ એકરે કે એથી ઓછામાં એક બોરવેલ.

આ અનંતપુરમાટે પણ ઘણું ગીચ કહેવાય જ્યાં મલ્લા રેડ્ડીના કહેવા મુજબ, "270,000 બોરેવેલ છે, જયારે જિલ્લાની ક્ષમતા 70,000ની છે. અને આ આંકડાઓમાંના અડધાઅડધ આ વર્ષે સૂકાઈ ગયેલા છે."

Pujarai Linganna in his field
PHOTO • Rahul M.
Pujarai Linganna with his son P. Honnureddy in their field
PHOTO • P. Sainath

વીસ વર્ષ પહેલા, પૂજારી લિન્ગાન્નાએ (ડાબે: જમણે એમના પુત્ર પી હોન્નુર રેડ્ડી  સાથે), ફિલ્મના શૂટિંગ માટે  ઝાડપાન ઉખાડી નાખેલા. આજે, સમય અને માનવીય કૃત્યોએ એજ  અસર ઉભી કરી છે. (ફોટા: ડાબે: રાહુલ એમ/ PARI, જમણે: પી. સાંઈનાથ/PARI)

તો આ વગડામાં બોરવેલનું કામ શું છે? શું ઉગે છે અહીંયા? અમે જે પટ્ટામાં છીએ  ત્યાં જે ઉડીને આંખે વળગે છે તે આ પ્રદેશમાં ચારેબાજુ જોવા મળતી મગફળી નહીં પણ બાજરી છે. આ બાજરી અહીંયા બિયારણની વૃદ્ધિ માટે વવાય છે. આ બાજરી વપરાશ માટે કે બજાર માં વેચવા માટે નથી પણ આ બીજ ઉત્પાદન  એ કંપનીઓ માટે છે જેમણે આ ખેડુતોને સાથે  એમને આ કામમાં  રોપવાના કરાર કર્યા છે. તમને નર અને નારી જાતિના રોપાઓ બાજુ બાજુની હરોળમાં એકદમ વ્યવસ્થિત રીતે પથરાયેલા દેખાશે. કંપનીઓ બે પ્રકારની બાજરીમાંથી એક સંકરજાત (હાઈબ્રીડ) તૈયાર કરવા માંગે છે. આ કામમાં પાણી ખૂબ વપરાય. બીજ કાઢી લીધા પછી જે છોડ બચે એ ખાસ કરીને ઢોરનાં ચરણ તરીકે કામ લાગે.

"અમને આ બિયારણ વૃદ્ધિના કામમાં એક ક્વિન્ટલના 3800 રૂપિયા મળે છે," પૂજારી લિન્ગાન્નાએ કહ્યું. આ કામમાં જોઈતી મજૂરી ને સારસંભાળ જોતા આ પૈસા ઘણા ઓછા લાગે છે અને ખાસ કરીને ત્યારે જયારે આ જ બીજ પેલી કંપનીઓ બજારમાં આ જ વર્ગના ખેડૂતોને આથી ઘણી ઊંચી કિંમતે વેચતી હોય.  આ પટ્ટા પરના બીજા ખેડૂત વાહ્ય એસ શાંતાંમાં કહે છે કે એમના કુટુંબને એક ક્વિન્ટલના 3700 રૂપિયા મળે છે.

શાંતાંમાં અને એમની દીકરી વંદાક્ષીના કહેવા પ્રમાણે અહીં ખેતી કરવામાં મુશ્કેલી પાણીની નથી. "અમારે તો ગામમાં પાણીનું કોઈ પાઇપ કનેક્શન નથી ને તોય પાણી તો મળી રહે છે."  એમને ત્રાસ હોય તો એ આ રેતીનો છે -- જે ઢગલેઢગલા અહીંયા છે તે તો ઠીક, પણ બીજી રેતને ય એકઠી થતાં વાર નથી લાગતી. અને પછી કેટલાય ફુટ ઊંડી એ  રેતીને ખૂંદતા થોડાક અંતર ચાલવું પણ થકવી નાખે એવું હોય  છે.

"એ તમે કરેલી બધી મહેનત ખતમ કરી નાખે," મા અને દીકરી કહે છે. પી હોન્નુરરેડ્ડી સહમત થાય છે અને અમને બતાવે છે એક રેતના ટીલા નીચેનો એ પટ્ટો જ્યાં એમણે ઘણી મહેનતથી રોપાઓની એકસરખી હરોળો વાવેલી, જેને હજુ ચાર દિવસ પણ નહીં થયા હોય. ઝડપથી ઉજ્જડ થતી જતી જમીન, અને ગામમાં ફૂંકાતા ભારે પવનોવાળી આ જગ્યામાં રેતના તોફાનો જોવા મળે છે.

"વરસમાં ત્રણ મહિના આ ગામમાં રેતની રેલમછેલ હોય છે," આ રણનો ખેડૂત એમ. બાષા બોલે છે. “એ અમારા ઘરમાં ઘૂસી આવે છે, અમારા ખાવાનામાં ભળી જાય છે.” પવન રેતને ઉડાડીને એ ઘરોની અંદર પણ લઇ જાય છે જે રેતના મેદાનો થી ખાસ્સાં દૂર છે.  ઝીણી જાળી કે એક વધારે કમાડ કશાનો અર્થ નથી હોતો. "ઇસીકકા વર્ષમ (રેતનો વરસાદ)એ અમારા જીવનનો એક ભાગ થઇ ગયો છે, અમે એની સાથે જીવી લઈએ છીએ."

Honnureddy’s painstakingly laid out rows of plants were covered in sand in four days.
PHOTO • P. Sainath
Y. S. Shantamma
PHOTO • P. Sainath

ડાબીતરફ: વાવ્યાના ચાર દિવસમાં રેતમાં દટાયેલી હોન્નુરરેડ્ડીએ મહેનતથી વાવેલી રોપાઓની હરોળ. જમણીતરફ: વાહ્ય એસ શાંતાંમાં અને દીકરી વંદાક્ષી કહે છે, "એ (રેત) તમારી બધી મહેનત નકામી કરી મૂકે." (છબી: ડાબી: પી સાંઈનાથ/PARI. જમણી: પી સાંઈનાથ/PARI)

રેત આ ગામને માટે અજાણી નથી. " પણ હા, એની તીવ્રતા વધી છે, " હિમાચલ કહે છે. ઘણા ઝાડીઝાંખરા, નાના વૃક્ષો જે પવનથી રક્ષણ પૂરું પાડતા એ બધાં જતા રહ્યા છે.  હિમાચલ જાણકારી સાથે વૈશ્વિકરણની અને બજારના અર્થશાસ્ત્રની વાત કરે છે. "હવે એ લોકો બધું પૈસામાં મૂલવે છે. એ ઝાંખરા, એ ઝાડ, એ વનસ્પતિ બધું ગયું કારણ લોકોને જમીનની એકેએક ઇંચ વ્યવસાયિક ખેતીમાં વાપરવી હતી." અને " જો બીજઅંકુરણના સમયે જો રેતી આવી જાય,"  55 વર્ષના એમ ટિપપૈયાહ કહે છે, "તો નુકસાન પૂરેપૂરું." આટલા પાણી છતાં ઉપજ બહુ ઓછી છે. "અમને એક એકરમાં માંડ ત્રણ ક્વિન્ટલ મગફળી મળે, બહુ બહુ તો ચાર," 32 વર્ષના ખેડૂત કે સી હોન્નુર સ્વામી કહે છે. આ જિલ્લાની સરેરાશ ઉપજ લગભગ પાંચ છે.

શું એ લોકો  પવનને રોકે એવા કુદરતી અવરોધોમાં કોઈ લાભ જોતા નથી? હિમાચલ કહે છે, "એ લોકોને એવા જ ઝાડ જોઈએ છે જેમાં વ્યાવસાયિક લાભ હોય."  જોકે એ બધા અહીંની પરિસ્થિતિને અનૂકૂળ ના હોવાથી કદાચ ખાસ ઉગે પણ નહીં "અને છેવટે અમે ઝાડ રોપવામાં મદદ કરીશું એમ બધા અધિકારીઓના કહેવા છતાં થતું કશું નથી."

પલતરુ મુકન્ના કહે છે, "થોડાં વર્ષો પહેલા કેટલાક સરકારી સાહેબો ગાડી લઈને રેતના ટેકરાઓની તાપસ માટે આવેલા।" પણ એમની રણસફારીનો જોવા જેવો અંત આવ્યો જયારે એમની એસયુવી રેતમાં ખૂંપી ગઈ ને એને બહાર ખેંચી કાઢવા  ગામમાંથી ટ્રેકટર લાવવું પડ્યું. "એ પછી હરામ છે જો અમે એમાંના એકેયને ફરી જોયા હોય તો," મુકન્નાએ ઉમેર્યું. ખેડૂત મોખા રાકેશ કહે છે કે ઘણા એવા પણ દિવસો હોય છે, "જયારે એક બસ ગામની આ બાજુથી પેલી બાજુ ના જઈ શકે."

ઘટતાં જતાં ઝાડી અને જંગલોનો પ્રશ્ન એ આખાય રાયલસીમા પ્રદેશનો છે.  એક માત્ર અનંતપુરમાં 11 ટકા વિસ્તારને "વનભૂમિ" તરીકે જાહેર કરાયો છે.  હકીકતમાં વન વિસ્તાર માત્ર બે ટકાથી ય ઓછો છે. એની ટાળી ના શકાય એવી અસરો અહીંની જમીન, હવા, પાણી, અને તાપમાનમાં વર્તાય છે.  અનંતપુરમાં કોઈ એક મોટું વન હોય તો એ છે પવનચક્કીઓનું વન --- હજારોની સંખ્યામાં --- નાના રણની સરહદથી માંડીને આખા વિસ્તારમાં ફેલાયેલું. આ બધી પવનચક્કીની કંપનીઓએ લાંબાગાળાની ભાડાપેટે લીધેલી કે ખરીદેલી જમીનો પર છે.

ડી હોન્નુરમાં રેતના એક પટ્ટામાં ખેતી કરવાવાળા કિસાનો અમને એમ કહીને દિલાસો આપે છે કે પરિસ્થિતિ હંમેશા આવી નહોતી. એ લોકો પછી એથી વિરુદ્ધના નક્કર પુરાવા રજુ કરે છે. રેત અહીં હંમેશા હતી, એ વાત ખરી. પણ એનો પ્રભાવ આટલો વધ્યો છે કે હવે રેતના તોફાનો થાય છે. પહેલા વધારે ઝાડી-ઝાંખર હતાં। હવે બહુ ઓછાં છે.  એમની પાસે પાણી હંમેશ હતું પણ અમે પછીથી જાણ્યું કે એમની નદી હવે મરી ગઈ છે.  બે એક દસકા પહેલા ગણ્યાગાંઠ્યા બોરવેલ હતા, હવે ગણ્યા ગણાય નહીં એટલા છે. એમનામાનું  દરેક વ્યક્તિ પાછલા બે દસકામાં વારંવાર વાતાવરણમાં અનુભવાયેલા તીવ્ર ફેરફારો વિષે વાત કરે છે.

વરસાદના સ્વરૂપ બદલાયાં છે. "તમે જોવા જાઓ તો અમને જોઈએ એનાં કરતા 60 ટકા ઓછો વરસાદ મળે છે,"  હિમાચલ કહે છે. "છેલ્લા થોડા વર્ષોથી યુગાદિ સમયે (તેલગુ નવું વર્ષ, જે સામાન્યરીતે એપ્રિલ મહિનામાં હોય છે) પણ વરસાદ ઓછો હોય છે." દક્ષિણપશ્ચિમ અને ઉત્તરપૂર્વ બંને ચોમાસા અનંતપુરને અડીને --જાણે ડરતાં ડરતાં-- જાય  છે પણ બંનેમાંથી એકેયનો પૂરો ફાયદો  એ મેળવી શકતું નથી.

PHOTO • Rahul M.

ઉપલી હરોળમાં: રેત સર્વત્ર છે, બીજા રણના ખેડૂત એમ બાષા કહે છે, “એ અમારા ઘરમાં ઘૂસી આવે છે, અમારા ખાવાનામાં ભળી જાય છે." નીચલી હરોળમાં: આખા અનંતપુરમાં કોઈ એક વેન હોય તો એ છે આ પવનચક્કીઓનું વન, ક્ષિતિજ લગી ફેલાયેલું.

જે વર્ષોમાં જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 535 મીમી - એના ક્રમ પ્રમાણે રહે છે તેમાં પણ એનો સમય, એનો વ્યાપ, અને પ્રસાર ખાસ્સાં અનિયમિત રહે છે. કોઈક વર્ષોમાં વરસાદ પાકની મોસમ સિવાયના સમયમાં જતો રહે છે.  તો ક્યારેક પહેલા 24 થી 48 કલાક માં મૂશળધાર વરસાદ હોય ને પછી અતિશય લાંબા સૂક્કા સમયના ગાળા. ગયા વર્ષે કોઈ કોઈ ગામોએ પાકની મોસમ દરમ્યાન (જૂન થી ઓક્ટોબર) 75 દિવસોના સૂક્કા ગાળા જોયેલા।  અનંતપુરની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે અને 80 ટકા ખેત મજદૂરીનું કામ કરે છે એ જોતાં આ સ્થિતિ  ઘણી પાયમાલી સર્જી શકે છે.

"સામાન્ય કહી શકાય એવા માત્ર બે વર્ષો અનંતપુરે છેલ્લા બે દાયકામાં જોયા છે," એવું પર્યાવરણ કેન્દ્રના મલ્લા રેડ્ડીનું કહેવું છે. "બાકીના સોળે સોળ વર્ષોમાં જિલ્લાનો બે તૃત્યાંશ થી ત્રણ ચતુર્થાંશ હિસ્સો દુષ્કાળગ્રસ્ત રહ્યો છે. આના 20 વર્ષ પહેલાં  એક દાયકામાં ત્રણ દુકાળ પડતા. 1980થી જે પરિવર્તનો શરુ થયા તે વર્ષોવર્ષ ઝડપથી વધતા ગયાં."

એ જિલ્લો જે કદી બાજરીની મબલખ ફસલ માટે જાણીતો હતો તે મગફળી જેવા વ્યવસાયિક પાક તરફ વધારે ને વધારે વળતો ગયો. એની સાથે સાથે વધુ ઊંડા ને  ઊંડા ઉતારતા ગયા બોરવેલ.  (નેશનલ રેઇનફેડ એરિયા ઓથોરિટીના એક અહેવાલ મુજબ અત્યારે "એવા વિસ્તારો પણ છે જ્યાં ભૂગર્ભજળનું 100 ટકા શોષણ થઇ ચૂક્યું છે.")

સી કે 'બબલુ' ગાંગુલી કહે છે, "ચાલીસ વર્ષ પહેલાં, એક ચોક્કસ ભાત રહેતી હતી-- દસ વર્ષમાં ત્રણ દુકાળ-- ખેડૂત જાણાતો'તો શેનું વાવેતર કરવું. નવથી બાર જુદા જુદા પાક હતા અને એક સ્થાયી ખેતીનું ચક્ર હતું."  તેઓ એનજીઓ ટિમ્બક્ટુ કલેક્ટિવના આગેવાન છે, અને છેલ્લા ત્રણ દાયકાથી આ પ્રદેશના  ગ્રામીણ ગરીબોની આર્થિક સદ્ધરતા માટેના કામોમાં પ્રવૃતિશીલ છે.  છેલ્લા ચાર દાયકાથી અહીંયા પ્રવૃત્ત હોવાને કારણે તેઓ આ પ્રદેશની ખેતી વિષે અદ્દભુત આંતરસૂઝ ધરાવે છે.

"(હવે અનંતપુરની 69 ટકા ખેતીની જમીન ઉપર પથરાયેલી) મગફળીએ જે આફ્રિકામાં સાહેલનું કર્યું તે અહીંયા અમારું કર્યું. વિશાળ સ્તર પર એક જ પાકના વાવેતરમાં (મોનોક્રોપીંગ) આપણે જે ડૂબ્યાં તેથી માત્ર પાણીની સ્થિતિ જ નથી બદલાઈ. મગફળીને છાંયડો ના ખપે, એટલે લોકોએ ઝાડ કાપ્યાં. અનંતપુરની જમીન ખલાસ થઇ ગઈ. બાજરી મારી નાખી. ભેજ ગયો અને વરસાદી(રેઈનફેડ) ખેતી તરફ પાછા જવું મુશ્કેલ થઇ ગયું." પાકના ફેરફારોને લીધે ખેતીમાં સ્ત્રીઓની  ભૂમિકા ઓછી થઇ ગઈ. પરંપરાગત રીતે સ્ત્રીઓ અહીંયા ઉગતા જુદી જુદી જાતના વરસાદી પાકના બીજની સંરક્ષક હતી. એકવાર ખેડૂતે રોકડિયા પાકના માટે બજારમાંથી બિયારણ લાવવું શરુ કર્યું કે હાઈબ્રીડે અનંતપુર પર કબજો કર્યો (જેમ મગફળીનો), અને સ્ત્રીઓની ભૂમિકા મહદ અંશે ખેત મજદૂરીમાં સીમિત થઇ ગઈ. બે પેઢીઓમાં તો કેટલાય ખેડૂતોનું એ એક જ ખેતરમાં એકથી વધુ ને અલગ અલગ ફસલો ઉગાડવાનું જે અટપટું કૌશલ હતું તે ય વિસરાઈ ગયું.

PHOTO • Rahul M. ,  P. Sainath

લિન્ગાન્નાનો પૌત્ર હોન્નુર સ્વામી (ઉપલી હરોળમાં ડાબે) અને નાગરાજુ (ઉપલી હરોળમાં, જમણે) બંને હવે રણના કિસાન છે, જેમના ટ્રેકટરો અને બળદગાડાં (નીચલી હરોળમાં) રેતમાં ઊંડા ચાસ પાડી જાય છે. (છબીઓ: ઉપરથી ડાબી અને નીચેથી ડાબી: રાહુલ એમ/PARI . ઉપરથી જમણી અને નીચે જમણી: પી સાંઈનાથ/PARI)

ઘાસચારાના પાકો ખેતીની જમીનો માત્ર ત્રણ ટકા હિસ્સો લે છે. " સૌથી વધુ વાગોળનારા પ્રાણીઓ એક સમયે અનંતપુરમાં હતાં," ગાંગુલી કહે છે. "કુરુબા જેવી ગોવાળોની પ્રાચીન જાતિઓ માટે આ વાગોળનારા પ્રાણીઓ એ સૌથી સારી  સંપત્તિ છે – હરતીફરતી.  એક પરંપરાગત ચક્ર, જેમાં ગોવાળોનાં પશુઓના ટોળાં ખેડૂતને એના ખેતરમાં છાણ અને મૂત્ર સ્વરૂપે લણણી પછીનું ખાતર પૂરું પાડતાં, તે બદલાતી પાકની ભાત અને રાસાયણિક ખેતીનાં આવવાથી તૂટી ગયું. આ પ્રદેશમાં આયોજન છેવાડાના લોકો માટે પ્રતિકૂળ પુરવાર થયું છે.

હોન્નુરના હિમાચલ એમની આસપાસની સંકોચાતી જતી જૈવવિવિધતા અને એના પરિણામોથી સભાન છે. "એક સમયે આ જ ગામમાં બાજરી, ચોળા, તુવેર, રાગી, કાંગ, લીલા ચણા, વાલ...થતાં," એ યાદી રટે છે. "વરસાદી ખેતી કરવી સરળ છે, પણ એમાં કમાણી નથી."મગફળીમાં હતી, થોડો વખત.

મગફળીના પાકનું ચક્ર લગભગ 110 દિવસનું હોય. એમાંય જમીનનું ધોવણ અટકાવે એવી રીતનું આવરણ ફક્ત 60 થી 70 દિવસ હોય. એ જમાનામાં જયારે નવ જુદી જુદી જાતના બાજરી ને દાળનું વાવેતર થતું ત્યારે દર વર્ષે જૂનથી ફેબ્રુઆરી સુધી એક કે બીજો પાક જમીનના ઉપરી થરને રક્ષણાત્મક છાંયાનું આવરણ આપી રહેતો.

હોન્નુરમાં હિમાચલ વિચારોમાં છે. એ જાણે છે કે બોરવેલ અને રોકડિયા પાકોએ ખેડૂતોને લાભ કરાવ્યો છે. એનું ઘટતું ચલણ અને આજીવિકા ઓછી થતાં બહાર તરફ થતાં સ્થળાંતર પણ એ જુએ છે. "હંમેશા દસેક કુટુંબો એવા હોય છે જે બહાર કામની શોધમાં હોય છે." અનંતપુરના બોમમાનહાલ મંડળના આ ગામની 1227 કુટુંબોની વસ્તીનો (2011ની વસ્તીગણતરી મુજબ) એ છઠ્ઠો ભાગ થયો. "70 થી 80 ટકા કુટુંબો દેવામાં છે," તેઓ ઉમેરે છે. ખેતીની આપત્તિની તીવ્રતા અનંતપુરમાં છેલ્લા બે દાયકાથી છે -- અને આ આંધ્રપ્રદેશનો એ જિલ્લો છે જેણે સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યાઓ જોઈ છે.

Pujari Linganna standing outside his house
PHOTO • P. Sainath
Palthuru Mukanna
PHOTO • Rahul M.
V. L. Himachal
PHOTO • P. Sainath

ડાબે: પૂજારી લિન્ગાન્ના (છબી: પી સાંઈનાથ/PARI ). વચમાં: પાલતરુ મુકનના (છબી: રાહુલ એમ/PARI ). જમણે: વી એલ હિમાચલ (છબી: પી સાંઈનાથ/PARI)


"બોરવેલનો તેજીનો સમય જતો રહ્યો છે," મલ્લા રેડ્ડી કહે છે. "અને એવું જ છે રોકડિયા પાકોનું અને મોનોકલચરનું।"  છતાંય ઉત્પાદનથી ઉપભોગ તરફ અને ઉપભોગથી અજાણ્યા બજારોને માટે ઉત્પાદન તરફના આ મૂળભૂત પલટાવને કારણે  બધાંયમાં હજુ વૃદ્ધિ તો થઇ રહી છે.

જો વાતાવરણના પરિવર્તનો એ પ્રકૃતિએ દાબેલું રેસેટનું બટન માત્ર હોય, તો આ શું છે જે આપણે હોન્નુર અને  અનંતપુરમાં જોઈએ છીએ? બીજું, જો વૈજ્ઞાનિકોના મતે વાતાવરણના પરિવર્તનો અત્યંત વિશાલ કુદરતી પ્રદેશો ને મેખલાઓમાં જોવા મળતા હોય-- તો આ રજકણ જેવા હોન્નુર અને અનંતપુરના વહીવટી એકમોની તો શું વિસાત?  શું શક્ય છે કે વિશાળ ફલક પરના મોટા પ્રદેશોમાં થતા  ફેરફારો ક્યારેક નાનાં ઉપપ્રદેશોનાં પ્રવર્તમાન વિચિત્ર લક્ષણોને વધુ ઉત્તેજિત કરી મૂકે?

અહીંયા પરિવર્તનના લગભગ બધાજ પરિબળો માનવીય હસ્તક્ષેપની નીપજ છે. 'બોરવેલનો  ઉપદ્રવ'; રોકડિયા પાક અને મોનોકલચર તરફનો વ્યાપક પલટો;  અનંતપુરને વાતાવરણના પરિવર્તનો સામે સૌથી સારું રક્ષણ આપી શકી હોત એવી જૈવિવિધતાનો નાશ;  ખૂટતાં ભૂગર્ભજળ; આ અર્ધશુષ્ક પ્રદેશના રહ્યાંસહ્યાં હરિયાળાં આવરણોનો (ફોરેસ્ટ કવર) વિનાશ; ગ્રાસલેન્ડ ઈકોલોજીની તબાહી અને જમીનને થતું ગંભીર નુકશાન; ઔદ્યોગો પ્રેરિત રાસાયણિક ખેતીનું વધેલું ચલણ; ખેતર અને જંગલના, ગોવાળ અને ખેડૂતના પરસ્પરના સહજીવનના સંબંધોનું ભાંગવું; આજીવિકાઓનું અદ્રશ્ય થવું; અને નદીઓનું મરી જવું. આ બધાની અસર તાપમાન પર, હવામાન પર, અને વાતાવરણ પર થઇ છે, જેને લઈને આ જ બધી પ્રક્રિયાઓ વધુ ઉગ્ર બની છે.

રહ્યા છીએ એ પરિવર્તનો માટે જો અર્થવ્યવસ્થા અને વિકાસના કોઈ વરવા આદર્શથી પ્રેરિત માણસજાતનો હસ્તક્ષેપ મૂળ રીતે જવાબદાર હોય તો આ પ્રદેશ ને એના જેવા બીજા અનેક પાસેથી આપણે ઘણું શીખવાનું રહે છે.

"કદાચ આપણે બધા બોરવેલ બંધ કરી દેવા જોઈએ અને વરસાદી ખેતી તરફ જવું જોઈએ," એમ હિમાચલ કહે છે. "પણ એ બહુ અઘરું છે."

પી સાંઈનાથ એ પીપલ્સ આર્કાઇવ્સ ઓફ રૂરલ ઇન્ડિયાના ફાઉન્ડર એડિટર છે.

આવરણ છબી: રાહુલ એમ/ PARI

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાંનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ આપતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને  cc મોકલો: [email protected]

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Pratishtha Pandya

ಪ್ರತಿಷ್ಠಾ ಪಾಂಡ್ಯ ಅವರು ಪರಿಯ ಹಿರಿಯ ಸಂಪಾದಕರು, ಇಲ್ಲಿ ಅವರು ಪರಿಯ ಸೃಜನಶೀಲ ಬರವಣಿಗೆ ವಿಭಾಗವನ್ನು ಮುನ್ನಡೆಸುತ್ತಾರೆ. ಅವರು ಪರಿಭಾಷಾ ತಂಡದ ಸದಸ್ಯರೂ ಹೌದು ಮತ್ತು ಗುಜರಾತಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಲೇಖನಗಳನ್ನು ಅನುವಾದಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸಂಪಾದಿಸುತ್ತಾರೆ. ಪ್ರತಿಷ್ಠಾ ಗುಜರಾತಿ ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಕವಿಯಾಗಿಯೂ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದು ಅವರ ಹಲವು ಕವಿತೆಗಳು ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಪ್ರಕಟವಾಗಿವೆ.

Other stories by Pratishtha Pandya