તબીબે કહ્યું, “છોકરી છે."

આ આશાનું ચોથું બાળક હશે - પરંતુ તેમનું છેલ્લું તો ચોક્કસ નહીં જ. સ્ત્રીરોગચિકિત્સક આશાની માતા કાંતાબેનને દિલાસો આપી રહ્યા હતા એ તેઓ  (આશા) સાંભળી શકતા હતા: “મા, રડશો નહીં. જરૂર પડ્યે  બીજા આઠ  સિઝેરિયન કરીશ. પરંતુ તે છોકરો નહિ જણે ત્યાં  સુધી  હું અહીં  જ છું. એ જવાબદારી મારી .”

આશાના અગાઉ જન્મેલા ત્રણે ય બાળકો છોકરીઓ હતી,  બધા સિઝેરિયન શસ્ત્રક્રિયા  દ્વારા જન્મ્યા હતા. અને હવે તેઓ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના એક ખાનગી ક્લિનિકમાં તબીબ પાસેથી ગર્ભની જાતિ-પરીક્ષણનું પરિણામ સાંભળી રહ્યા હતા. (આવા પરીક્ષણો ગેરકાયદેસર છે છતાં વ્યાપકપણે ઉપલબ્ધ છે.) 4 વર્ષમાં આ તેમની ચોથી ગર્ભાવસ્થા હતી. તેઓ  40 કિલોમીટર દૂર ખાનપર ગામથી કાંતાબેન સાથે અહીં આવ્યા હતા. મા-દીકરીને દિલાસો આપવાનું  મુશ્કેલ હતું. તેઓ જાણતા હતા કે આશાના સસરા તેને ગર્ભપાત નહિ કરાવવા દે. કાંતાબેને કહ્યું, “તે અમારા ધર્મની વિરુદ્ધ છે."

બીજા શબ્દોમાં: આ આશાની છેલ્લી ગર્ભાવસ્થા નહીં હોય.

આશા અને કાંતાબેન પશુપાલકોના ભરવાડ સમુદાયના છે, જે સામાન્ય રીતે ઘેટાં -બકરાં ઉછેરે છે. જો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં - જ્યાં ફક્ત 271 ઘરો અને 1500 થી ઓછી વસ્તી  (વસ્તી ગણતરી 2011) ધરાવતું  તેમનું ગામ ખાનપર આવેલું છે  - તેમાંના મોટાભાગના નાને પાયે ગાય-ભેંસ ઉછેરે છે. પરંપરાગત સામાજિક દરજ્જાના  ક્રમમાં આ સમુદાય પશુપાલક જાતિઓમાં સૌથી નીચો ગણાય છે અને તે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.

*****

ખાનપરમાં  જ્યાં અમે તેમની રાહ જોતા હતા તે નાનકડા ઓરડામાં પેસતા કાંતાબેન  તેમનું  માથું ઢાંકતો સાડીનો પાલવ ઉતારે છે. આ ગામ  અને નજીકના ગામોની કેટલીક બીજી  મહિલાઓ પણ તેમના પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે વાત કરવા અહીં અમારી સાથે જોડાઇ છે - વાતચીત માટે આ વિષય ક્યારેય સરળ નથી.

'You don’t cry. I will do eight more caesareans if needed. But I am here till she delivers a boy'

તમે રડશો નહીં. જરૂર પડ્યે  બીજા આઠ  સિઝેરિયન કરીશ. પરંતુ તે છોકરો નહિ જણે ત્યાં  સુધી  હું અહીં જ છું.

કાંતાબેન કહે છે, 'આ ગામમાં નાના-મોટા 80 થી 90 ભરવાડ પરિવારો છે. અહીં હરિજન [દલિત], વાઘરી, ઠાકોર અને કુંભારના કેટલાક ઘર છે. પરંતુ અહીંના મોટાભાગના પરિવારો ભરવાડ છે.” ગુજરાતમાં કોળી ઠાકોર એ એક મોટો  જાતિ સમૂહ  છે - તેને અન્ય રાજ્યોમાંની  ઠાકુર જાતિ સાથે કોઈ લેવા-દેવા નથી./પરંતુ તે અન્ય રાજ્યોના ઠાકુરથી જુદા છે.

આશરે 50 વર્ષના કાંતાબેન કહે છે, “અમારામાં છોકરીઓને  વહેલી પરણાવી દે ને પછી 16 કે 18 વર્ષની થાય અને સાસરે જવા તૈયાર થાય ત્યાં સુધી છોકરીઓ  તેમના બાપને ઘેર જ રહે.”  તેમની દીકરી આશાને  પણ વહેલી પરણાવી દીધેલી, 24 વર્ષે ત્રણ છોકરાંની મા થયેલી, અને હવે તેને ચોથું આવવાનું  છે. તેમના સમુદાયમાં બાળલગ્નની પ્રથા છે  અને સમુદાયની મોટાભાગની સ્ત્રીઓને તેમની ઉંમર, લગ્નનું વર્ષ, અથવા તેમના પહેલા બાળકનો જન્મ થયો ત્યારે તેઓ કેટલા વર્ષના હતા તે વિશે કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી.

એ મને યાદ છે." તેમના આધારકાર્ડની તારીખ તેમની યાદશક્તિને આધારે નોંધાયેલી છે.

તે દિવસે ત્યાં ભેગી થયેલી મહિલાઓમાંથી હીરાબેન ભરવાડ કહે છે, “‘મારે નવ છોકરીઓ છે અને આ દસમો -  છોકરો. છોકરો  8 મા ધોરણમાં  છે. મારી છોકરીઓમાંથી છ પરણી ગઈ છે, હજી બે બાકી છે. અમે બે-બે છોકરીઓને સાથે  પરણાવી." ખાનપર અને આ તાલુકાના બીજા ગામોના  સમુદાયમાં ઉપરાઉપરી અનેક  ગર્ભાવસ્થા સામાન્ય છે. હીરાબેન કહે છે, "અમારા ગામમાં એક મહિલાને 13 કસુવાવડ પછી એક છોકરો હતો. આ ગાંડપણ છે. છોકરો ન થાય ત્યાં સુધી અહીંના  લોકો ગર્ભ ધારણ કરે જ રાખે. આ લોકો કંઈ સમજતા જ  નથી. તેમને તો બસ એક છોકરો જોઈએ  છે. [છોકરો થયો ત્યાં સુધીમાં]  મારા સાસુને આઠ છોકરાં થઈ ગયા  હતા. મારા  કાકીને 16. આને તમે (ગાંડપણ નહિ તો બીજું) શું કહો? "

40 વર્ષના રમીલા ભરવાડ ઉમેરે છે, "સાસરિયાઓને તો છોકરો જોઈએ. અને જો એ ન થાય તો તમારી સાસુથી લઈને તમારી નણંદથી લઈને પડોશીઓ સુધીના દરેક જણ તમને મહેણાં મારશે. આજના જમાનામાં  છોકરાં ઉછેરવા સહેલા નથી. મારો મોટો  10 મા ધોરણમાં બે વાર નપાસ થયો અને હવે તે ત્રીજી વાર પરીક્ષા આપશે. છોકરાં ઉછેરવા એટલે શું એ અમે મહિલાઓ જ જાણીએ છીએ. પણ અમે  કરી શું શકીએ? ”

છોકરા માટેની તીવ્ર ઈચ્છા કુટુંબ દ્વારા લેવાતા નિર્ણયો પર હાવી થઈ જાય છે, જેને કારણે  મહિલાઓ પાસે પ્રજનન સંબંધિત બહુ ઓછા વિકલ્પો બચે છે. રમીલા પૂછે છે, "ભગવાને અમારા નસીબમાં દીકરા માટે રાહ જોવાનું જ લખ્યું હોય તો અમે કરી પણ શું શકીએ?  દીકરો થયો એ પહેલા મારે પણ ત્રણ દીકરીઓ થઈ હતી. પહેલા તો અમે બધા ય દીકરાની રાહ જોતા, પરંતુ  હવે જમાના સાથે કદાચ થોડુંઘણું બદલાયું હોય.

1522 લોકોની વસ્તીવાળા નજીકના લાણા ગામના રેખાબેને તુચ્છકારથી ટોણો મારતા કહ્યું, "શું ધૂળ બદલાયું છે?  મેં ય ચાર છોકરીઓ જણી જ ને?” અમે જે મહિલાઓ સાથે વાત કરી રહ્યા છીએ તેઓ અમદાવાદ શહેરની આસપાસ 50 કિલોમીટરના વિસ્તારમાં આવેલા આ તાલુકાના ખાનપર, લાણા અને આંબલીયારા ગામોની વિવિધ વસાહતોમાંથી આવ્યા છે. અને હવે તેઓ ફક્ત આ પત્રકાર સાથે જ નહીં, પણ અંદરોઅંદર પણ ઉત્તેજિત થઈને વાતો કરી રહ્યા છે. રમીલાના ‘પરંતુ  હવે જમાના સાથે કદાચ થોડુંઘણું બદલાયું હોય' એ દાવા પર સવાલ કરતા રેખાબેન કહે છે, "હું ય છોકરો જણવાની  જ રાહ જોતી હતી ને? અમે ભરવાડ છીએ, અમારે છોકરો તો  હોવો જ જોઈએ. જો અમારે છોકરીઓ જ હોય તો લોકો અમને વાંઝણી કહે."

'The in-laws want a boy. And if you don’t go for it, everyone from your mother-in-law to your sister-in-law to your neighbours will taunt you'

‘સાસરિયાઓને તો છોકરો જોઈએ. અને જો એ ન થાય તો તમારી સાસુથી લઈને તમારી નણંદથી લઈને પડોશીઓ સુધીના દરેક જણ તમને મહેણાં મારશે’

રમીલાબહેનની સમુદાયની માંગણીઓ અંગેની આકરી ટીકા છતાં સામાજિક દબાણ અને સાંસ્કૃતિક પરંપરાઓની અસર હેઠળ મોટાભાગની મહિલાઓ - પોતાને જ ‘છોકરો જોઈએ છે’ એમ કહે છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ હેલ્થ સાયન્સિસ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયેલ 2015 નું  અધ્યયન નોંધે છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામીણ ભાગોમાં 84  ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને છોકરો જોઈએ છે. મહિલાઓમાં આ પસંદગીના કારણો જણાવતા અધ્યયન પત્ર નોંધે છે કે  પુરુષો: “ખાસ કરીને કૃષિપ્રધાન અર્થવ્યવસ્થામાં  વધુ વેતન કમાવવાની ક્ષમતા ધરાવે  છે; તેઓ કુટુંબનો વંશવેલો ચાલુ  રાખે છે; સામાન્ય રીતે તેઓ વારસો મેળવવા હકદાર હોય છે.”

સંશોધન પત્ર નોંધે છે કે બીજી તરફ છોકરીઓને આર્થિક  બોજ માનવાના કારણો છે: “દહેજ પ્રણાલી; લગ્ન પછી તેઓ સામાન્ય રીતે પતિના પરિવારનો ભાગ  ગણાય છે; અને [તેથી] પોતાના માતાપિતાની માંદગી અને વૃદ્ધાવસ્થાની  જવાબદારી નિભાવી શકતી નથી."

*****

3567 ની વસ્તીવાળા નજીકના આંબલીયારા ગામના 30 વર્ષના જીલુબેન ભરવાડે  થોડા વર્ષો પહેલા ધોળકા તાલુકાના કોઠ (જેને કોઠા પણ કહેવામાં આવે છે) ગામ નજીક, તેઓ જેને એક સરકારી હોસ્પિટલ હોવાનું માને છે ત્યાં, નસબંધીની શસ્ત્રક્રિયા કરાવી હતી. પરંતુ તેમણે તે વંધ્યીકરણ શસ્ત્રક્રિયા ચાર છોકરાં થયા પછી જ કરાવી હતી. તેઓ  કહે છે, “બે છોકરા ન જણ્યા ત્યાં સુધી મારે ય રાહ જોવી પડી. 7-8 વર્ષની હતી  ત્યારે મને પરણાવી દેવાઈ. મોટી થઈ એ પછી તેમણે મને સાસરે મોકલી. ત્યારે  હું 19 ની હોઈશ. હજી તો લગનના કપડાં ય નહોતા બદલ્યા ત્યાં તો મને દિવસ રહ્યા. ને પછી તો આ  લગભગ દર બીજા વર્ષે થતું રહ્યું."

ગર્ભનિરોધક ગોળીઓ ગળવા  કે ઇન્ટ્રાયુટ્રાઈન ડિવાઇસ (કોપર-ટી) મુકાવવા વિશે    તેમને મૂંઝવણ હતી. વિચાર આવતાની સાથે જ તેઓ કહે છે, “ત્યારે હું ઝાઝું જાણતી નહોતી.  વધારે જાણતી હોત તો કદાચ આટલા બધા છોકરાં ન જણ્યા હોત. પરંતુ અમારે  ભરવાડોમાં માતાજી (મેલાડી મા, સમુદાયના દેવતા) જે આપે  તે લેવું  પડે. બીજું બાળક ન કર્યું હોત, તો લોકો વાતો કરત. તેમને લાગત કે મારા મનમાં કોઈ બીજો પુરુષ છે. આ બધાનો સામનો શી  રીતે કરવો? ”

જીલુબેનનું પહેલું  બાળક છોકરો હતો, પરંતુ પરિવારે આગ્રહ રાખ્યો કે તેમને  એક વધારે છોકરો હોય - અને બીજો છોકરો જન્મે તેની રાહ જોવામાં અને જોવામાં એક પછી એક સતત બે ગર્ભાવસ્થામાં તેમને બે છોકરીઓ જન્મી. તેમાંની એક છોકરી ન તો બોલી શકે છે, ન સાંભળી શકે છે. તેઓ ઉમેરે છે, “અમારે ભરવાડમાં  બે છોકરા તો જોઈએ. આજે કેટલીક બેનોને  લાગે છે કે એક છોકરો અને એક છોકરી બસ છે, પરંતુ અમને હજી ય  માતાજીના આશીર્વાદની આશા રહે છે."

Multiple pregnancies are common in the community in Khanpar village: 'There was a woman here who had one son after 13 miscarriages. It's madness'.
PHOTO • Pratishtha Pandya

ખાનપર  ગામના  સમુદાયમાં ઉપરાઉપરી અનેક  ગર્ભાવસ્થા સામાન્ય છે: 'અમારા ગામમાં એક બાઈને 13 કસુવાવડ પછી એક છોકરો થયો. આ ગાંડપણ છે.'

તેમના બીજા દીકરાના જન્મ પછી -  શક્ય વિકલ્પો વિશે વધુ જાણકારી ધરાવતી   બીજી સ્ત્રીની સલાહથી -  આખરે જીલુબેને તેની નણંદ  સાથે કોઠ ખાતે ટ્યુબેક્ટોમી (નસબંધી) માટે જવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, “મારા વરે પણ મને કહ્યું કે કરાવી નાખ. તે પણ [પોતાની મર્યાદા] જાણતો હતો કે પોતે  કેટલું કમાઈને ઘરે લાવશે. અમારી પાસે કમાવાના વધારે સારા બીજા કોઈ રસ્તા ય નથી. અમે તો આ પશુઓની સંભાળ રાખી જાણીએ.”

ધોળકા તાલુકાનો આ સમુદાય સૌરાષ્ટ્ર અથવા કચ્છના ભરવાડ પશુપાલકો થી તદ્દન અલગ છે.  તે જૂથો પાસે મોટી સંખ્યામાં  ઘેટાં-બકરાં હોઈ શકે છે જ્યારે ધોળકાના ભરવાડ મોટે ભાગે ફક્ત થોડી ગાયો-ભેંસો પાળે છે. આંબલીયારાના જયાબેન ભરવાડ કહે છે, "અહીં દરેક કુટુંબ પાસે ફક્ત 2-4 પ્રાણીઓ જ છે. તેનાથી અમારી  ઘરની જરૂરિયાતો માંડ પૂરી થાય છે. એમાંથી કોઈ આવક થતી નથી. અમે તેમના ચારાની વ્યવસ્થા કરીએ છીએ. કેટલીકવાર  ડાંગરની સિઝનમાં લોકો અમને થોડા-ઘણા ડાંગર આપે છે - નહીં તો અમારે  તે પણ ખરીદવા પડે છે."

ગુજરાતમાં ભરવાડોના અધિકારો  માટે  કાર્યરત અમદાવાદ સ્થિત માલધારી સંગઠનના અધ્યક્ષ ભાવના રબારી કહે છે, "આ વિસ્તારના પુરુષો પરિવહન, બાંધકામ અને કૃષિ જેવા જુદા જુદા ક્ષેત્રમાં અકુશળ શ્રમિકો તરીકે કામ કરે છે. કામની ઉપલબ્ધતાને આધારે તેઓ દિવસના 250 થી 300 રુપિયા કમાય છે."

For Bhawrad women of Dholka, a tubectomy means opposing patriarchal social norms and overcoming their own fears

ધોળકાની ભરવાડ મહિલાઓ માટે ટ્યુબેક્ટોમી (નસબંધી) એટલે પિતૃસત્તાક સામાજિક ધારાધોરણાનો વિરોધ કરવો અને પોતાના ડરથી ઉપર ઉઠવું.

જયાબેન કહે છે કે પુરુષો “બહાર જાય છે અને દાડિયા મજૂર તરીકે કામ  કરે છે. મારો વર જાય છે અને સિમેન્ટની બોરીઓ ઉપાડે છે અને 200-250 રુપિયા કમાય છે." અને એના નસીબે નજીકમાં જ એક સિમેન્ટ ફેક્ટરી છે જ્યાં તેને મોટાભાગના દિવસો કામ મળી રહે છે. અહીંના ઘણા લોકોની જેમ તેમના પરિવાર પાસે  બીપીએલ (ગરીબી રેખાની નીચે) રેશનકાર્ડ પણ નથી.

બે છોકરાઓ અને એક છોકરી પછી પણ - જયાબેન તેમની ગર્ભાવસ્થા નિયંત્રિત કરવા  ગર્ભનિરોધક ગોળીઓ અથવા કોપર-ટીનો ઉપયોગ કરતા ડરે છે. તેઓ  કાયમી શસ્ત્રક્રિયા પણ કરાવવા માગતા નથી. “મારી બધી સુવાવડ ઘેર જ થઈ'તી. એ લોકો જે   બધા સાધનો વાપરે છે એની મને બહુ બીક લાગે. શસ્ત્રક્રિયા પછી એક ઠાકોરની પત્નીને હેરાન થતા મેં જોઈ છે."

“તેથી મેં અમારી મેલડી માને પૂછવાનું નક્કી કર્યું.  તેમની પરવાનગી વિના હું શસ્ત્રક્રિયા ન કરાવી શકું. માતાજી મને ઉગતા છોડને કાપવાની મંજૂરી કેમ આપશે? પરંતુ આજકાલ બધી વસ્તુઓ ખૂબ મોંઘી છે. આટલા બધા લોકોના પેટ કેમના ભરવા? તેથી મેં માતાજીને કહ્યું કે મારે પૂરતા બાળકો છે પણ હું  શસ્ત્રક્રિયા કરાવતા ડરું છું. મેં માતાજીને ભેટ ચડાવવાનું વચન આપ્યું. માતાજીએ 10 વર્ષથી મારી સંભાળ રાખી   છે. મારે એક પણ દવા લેવી નથી પડી.”

*****

તેમના પતિ પણ નસબંધી કરાવી શકે એ વિચાર માત્ર જયાબેન માટે  જ નહિ ત્યાં ભેગા થયેલ સમૂહની બધી મહિલાઓ માટે નવાઈ પમાડે એવો હતો.

તેમની પ્રતિક્રિયા પુરુષ વંધ્યીકરણ માટેની  રાષ્ટ્રવ્યાપી ઉદાસીનતા પ્રતિબિંબિત કરે છે. નેશનલ હેલ્થ મિશનના એક અહેવાલ માં જણાવાયું છે કે, "  2017-18માં સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલ કુલ 1473418 વંધ્યીકરણ શસ્ત્રક્રિયાઓમાંથી ફક્ત 6.8% પુરુષ નસબંધી હતી અને બાકીની 93.1% મહિલા વંધ્યીકરણ શસ્ત્રક્રિયા હતી."

વંધ્યીકરણની બધી પ્રક્રિયાઓના પ્રમાણમાં પુરુષ નસબંધીનો વ્યાપ અને સ્વીકૃતિ આજની સરખામણીએ 50 વર્ષ પહેલા વધુ હતા, 1970 ના દાયકાના અંત ભાગમાં, ખાસ કરીને 1975-77 ની કટોકટીના કુખ્યાત અને બળજબરીપૂર્વકના  વંધ્યીકરણ પછી તેમાં તીવ્ર ઘટાડો નોંધાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના બુલેટિનના એક સંશોધન પત્ર માં કહેવાયું છે કે, આ પ્રમાણ 1970 માં 74.2 ટકાથી ઘટીને 1992 માં માત્ર 4.2  ટકા થઈ ગયું હતું.

કુટુંબ નિયોજન મોટેભાગે મહિલાઓની જવાબદારી લેખાય છે.

આ જૂથમાં એક માત્ર જીલુબેને જ ટ્યુબેક્ટોમી કરાવી હતી, તેઓ યાદ કરે છે કે શસ્ત્રક્રિયા કરાવતા પહેલા, “મારા પતિને કંઈપણ વાપરવાનું કહેવાનો કોઈ સવાલ જ નહોતો. તે પણ શસ્ત્રક્રિયા કરાવી શકે એવી તો મને ખબર પણ નહોતી. આમ પણ અમે  આ બાબતો વિશે ક્યારેય વાત કરી નહોતી.” જોકે તેઓ કહે છે કે એવું પણ બન્યું હતું કે કેટલીક વાર તેમના પતિ પોતાની મરજીથી ધોળકાથી તેમને (જીલુબેન) માટે "500 રુપિયાની ત્રણ"  ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓ ખરીદી લાવતા. તેમની ટ્યુબેક્ટોમી કરાવી તે પહેલાના થોડા વર્ષોની આ વાત છે.

રાજ્ય માટેની રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્ય સર્વેક્ષણનું માહિતી પત્રક (ધ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફેક્ટ શીટ) (2015-16) નોંધે છે કે  ગ્રામીણ ગુજરાતમાં કુટુંબ નિયોજનની તમામ પદ્ધતિઓમાં પુરૂષ વંધ્યીકરણનો ભાગ માત્ર 0.2 ટકા છે.  સ્ત્રી વંધ્યીકરણ, ઇન્ટ્રાયુટ્રાઈન ડિવાઇસીસ (કોપર-ટી) અને ગોળીઓ સહિતની અન્ય તમામ પદ્ધતિઓનો ભાર મહિલાઓ ઉઠાવે  છે.

ટ્યુબેક્ટોમી (નસબંધી) એટલે પિતૃસત્તાક કુટુંબની વિરુદ્ધ જવું તેમ જ તેમના  પોતાના ડરથી ઉપર ઉઠવું.

The Community Health Centre, Dholka: poor infrastructure and a shortage of skilled staff add to the problem
PHOTO • Pratishtha Pandya

સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર), ધોળકા: નબળી માળખાગત સુવિધાઓ અને કુશળ કર્મચારીઓનો અભાવ સમસ્યામાં વધારો કરે છે

કાંતાબેનના દીકરાના વહુ, 24-25 વર્ષના કનકબેન ભરવાડ કહે છે, "આશા [ASHA - એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એકટીવિસ્ટ - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર] કાર્યકરો  અમને સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે. પરંતુ અમે બધા ડરીએ છીએ." તેમણે સાંભળ્યું હતું કે “એક શસ્ત્રક્રિયા દરમિયાન એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ડોક્ટરે ભૂલથી ખોટી નસ કાપી નાખી અને તે ત્યાં જ ઓપરેશન ટેબલ પર મરી ગઈ. આ વાતને હજી વરસે ય  નથી થયું.”

પરંતુ ધોળકામાં ગર્ભાવસ્થા પણ ખૂબ જોખમી છે. સરકાર સંચાલિત સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (કોમ્યુનિટી  હેલ્થ સેન્ટર, સીએચસી) ના સલાહકાર ચિકિત્સક કહે છે કે નિરક્ષરતા અને ગરીબી યોગ્ય અંતર વિનાની ઉપરાઉપરી અનેક ગર્ભાવસ્થા માટે જવાબદાર  છે. અને તેઓ કહે છે, “તપાસ માટે કોઈ નિયમિત આવતું નથી.” કેન્દ્રની મુલાકાત લેતી મોટાભાગની મહિલાઓ કુપોષણ અને એનિમિયા (લોહ તત્ત્વની ખામી) થી પીડાય છે." તેમના અંદાજ પ્રમાણે છે "અહીં આવનારી  લગભગ 90% મહિલાઓનું  હિમોગ્લોબિન 8 ટકાથી ઓછું હોય છે."

સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની નબળી માળખાગત સુવિધાઓ અને કુશળ કર્મચારીઓની અછતને કારણે સમસ્યામાં વધારો થાય છે. ત્યાં કોઈ સોનોગ્રાફી મશીનો નથી, અને લાંબા સમયથી પૂર્ણ સમયના  સ્ત્રીરોગચિકિત્સક  અથવા સંલગ્ન એનેસ્થેટીસ્ટ ઉપલબ્ધ નથી. એક જ એનેસ્થેટીસ્ટ ધોળકાના તમામ છ પીએચસી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો), એક સીએચસી, અને ઘણી ખાનગી હોસ્પિટલો અથવા ક્લિનિકમાં  કામ કરે છે અને દર્દીઓએ તેનો ખર્ચ અલગથી ચૂકવવો પડે છે.

મહિલાઓના પોતાના શરીર ઉપર નિયંત્રણના અભાવ વિશેની ખાનપર ગામના તે ઓરડામાં ચાલતી વાતચીતમાં એક ગુસ્સાભર્યો અવાજ જોડાય છે. એક વર્ષના બાળકને હાથમાં ઊંચકીને ઊભેલી  એક યુવાન માતા થોડી કઠોરતાથી પૂછે છે: “કોણ નક્કી કરશે એટલે? તમે કહેવા શું માગો છો? હું નક્કી કરીશ. શરીર મારું છે; પછી બીજું કોઈ શું કરવા નક્કી કરે? મને ખબર છે કે મારે બીજું બાળક નથી જોઈતું. અને મારે ગોળીઓ લેવી નથી. ધારો કે મને દિવસ રહ્યા, તો સરકાર પાસે આપણે માટે દવા તો છે ને? હું દવા લઈશ [ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક]. હું જ નક્કી કરીશ. ”

જો કે આવો સ્વર દુર્લભ છે. તેમ છતાં વાતચીતની શરૂઆતમાં રમીલા ભરવાડે કહ્યું હતું એમ: "હવે જમાના સાથે કદાચ થોડુંઘણું બદલાયું હોય." સારું, કદાચ (કંઈક બદલાયું હોય), થોડુંક પણ....

આ લેખમાંની તમામ મહિલાઓના નામ તેમની ગોપનીયતા જાળવવા બદલવામાં આવ્યા છે.

સંવેદના ટ્રસ્ટના જાનકી વસંતનો તેમના સહકાર બદલ વિશેષ આભાર.

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર  લખો

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Pratishtha Pandya

ಪ್ರತಿಷ್ಠಾ ಪಾಂಡ್ಯ ಅವರು ಪರಿಯ ಹಿರಿಯ ಸಂಪಾದಕರು, ಇಲ್ಲಿ ಅವರು ಪರಿಯ ಸೃಜನಶೀಲ ಬರವಣಿಗೆ ವಿಭಾಗವನ್ನು ಮುನ್ನಡೆಸುತ್ತಾರೆ. ಅವರು ಪರಿಭಾಷಾ ತಂಡದ ಸದಸ್ಯರೂ ಹೌದು ಮತ್ತು ಗುಜರಾತಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಲೇಖನಗಳನ್ನು ಅನುವಾದಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸಂಪಾದಿಸುತ್ತಾರೆ. ಪ್ರತಿಷ್ಠಾ ಗುಜರಾತಿ ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಕವಿಯಾಗಿಯೂ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದು ಅವರ ಹಲವು ಕವಿತೆಗಳು ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಪ್ರಕಟವಾಗಿವೆ.

Other stories by Pratishtha Pandya
Illustrations : Antara Raman

ಅಂತರಾ ರಾಮನ್‌ ಸಾಮಾಜಿಕ ಪ್ರಕ್ರಿಯೆಗಳು ಮತ್ತು ಪೌರಾಣಿಕ ಚಿತ್ರಣಗಳಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಹೊಂದಿರುವ ಇಲಸ್ಟ್ರೇಟರ್‌ ಮತ್ತು ವೆಬ್‌ಸೈಟ್‌ ಡಿಸೈನರ್‌ ಆಗಿದ್ದು . ಬೆಂಗಳೂರಿನ ಸೃಷ್ಟಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಆರ್ಟ್, ಡಿಸೈನ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿಯ ಪದವೀಧರೆ, ಕಥಾ ಜಗತ್ತು ಮತ್ತು ಚಿತ್ರವು ಜೊತೆಯಾಗಿ ಬದುಕುತ್ತವೆ ಎಂದು ಅವರು ನಂಬುತ್ತಾರೆ

Other stories by Antara Raman

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Series Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik