મદુરાઈમાં અમારા ઘર સામે  દીવાબત્તીનો એક થાંભલો છે, જેની સાથે મારે કંઈક વાર્તાલાપ થયેલા  છે. એ દીવાબત્તીના થાંભલા સાથે મારે અનોખો સંબંધ છે. વર્ષો સુધી,  મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી, અમારે ઘેર વીજળીની સુવિધા નહોતી. ૨૦૦૬માં અમને વીજળી મળી ત્યારે અમે ૮x૮ ફૂટના ઘરમાં રહેતા હતા. અમારા 5 જણ વચ્ચે ફક્ત એક જ ઓરડી. પરિણામે મારે શેરીના દીવાબત્તીના થાંભલા સાથે વધુ નજીકનો નાતો બંધાયો.

મારા બાળપણમાં અમે કંઈ કેટલીય વાર ઘરો બદલ્યા, નાનકડી ઝૂંપડીથી માટીના મકાનમાં, ત્યાંથી ભાડાની ઓરડીમાં, ને ત્યાંથી ૨૦x૨૦ ફૂટના ઘરમાં, જ્યાં અમે અત્યારે રહીએ છીએ. આ ઘર મારા માબાપે ધીમે ધીમે કરીને 12 વર્ષે ઊભું કર્યું છે. આ મકાન ચણવા તેમણે એક કડિયો રોજે રાખ્યો હતો ખરો, પણ આ ઘર બનાવવામાં મારા માબાપે તેમનો જીવ રેડી દીધો હતો અને એ મકાન હજુ તો ચણાતું હતું ત્યારે જ અમે તેમાં રહેવા આવી ગયા હતા. અમારા બધા ઘરો એ  દીવાબત્તીના થાંભલાની આસપાસ જ હતા. તેના અજવાળે જ મેં ચે ગૂવેરા, નેપોલિયન, સુજાતા અને બીજા પુસ્તકો વાંચ્યા હતા.

આજે પણ દીવાબત્તીનો એ જ થાંભલો આ લખાણનો સાક્ષી છે.

*****

કોરોનાના કારણે  હું ઘણા વખત પછી મારી મા સાથે ઘણો સારો સમય ગાળી શક્યો. ૨૦૧૩માં મેં મારો પહેલો કેમેરો ખરીદ્યો ત્યારથી જ  મેં ઘેર ઓછો ને ઓછો સમય પસાર કર્યો છે. મારા શાળાજીવન દરમિયાન મારા વિચારો કંઈક જુદા જ હતા, અને પછી ફરી મારો કેમેરો ખરીદ્યા  પછી સાવ અલગ વલણ વિકસ્યું. પરંતુ આ મહામારીના સમયમાં અને કોવિડ લોકડાઉનમાં હું મહિનાઓ સુધી મારી મા સાથે ઘરે રહી શક્યો. આ પહેલા ક્યારેય મને તેની સાથે આટલો સમય ગાળવા મળ્યો નહોતો.

My mother and her friend Malar waiting for a bus to go to the Madurai Karimedu fish market.
PHOTO • M. Palani Kumar
Sometimes my father fetches pond fish on his bicycle for my mother to sell
PHOTO • M. Palani Kumar

ડાબે: મદુરાઈ કરીમેડુ માછલી બજાર જવા માટે બસની રાહ જોતા મારી મા અને તેની સહેલી મલાર. જમણે: ક્યારેક મારા પિતા તળાવમાંથી માછલીઓ પકડીને તેમની સાયકલ પર લઈ આવે  છે જેથી મારી મા તે વેચી શકે

અમ્માને એક જગ્યાએ (નવરી) બેઠેલી જોયાનું મને નથી, ક્યારેય નહીં. તે હંમેશા કંઈક ને કંઈક કામ કરતી રહેતી. પરંતુ થોડા વર્ષો પહેલા સંધિવા થયા પછી તેનું  હરવા-ફરવાનું ખૂબ ઓછું થઈ ગયું. આની મારા પર ઊંડી અસર થઈ. મેં મારી માને ક્યારેય આટલી લાચાર જોઈ નહોતી.

તેનાથી તેને પણ ખૂબ ચિંતા થતી હતી. “આ ઉંમરે મારી આ હાલત?  હવે મારા બાળકોનું ધ્યાન કોણ રાખશે?” જ્યારે પણ તે કહે છે: “બસ મારા પગ ફરીથી પહેલા જેવા કરી દે, કુમાર,” ત્યારે ગુનાહિત લાગણી અનુભવું છું. મને થાય છે મેં તેની યોગ્ય કાળજી ન લીધી.

મારી મા વિષે કહેવાનું તો કંઈ કેટલું ય  છે. હકીકત તો એ છે કે હું ફોટોગ્રાફર બન્યો, મારે જે લોકોને મળવાનું થયું, મારી સિદ્ધિઓ - આ દરેકેદરેકની પાછળ, હું મારા માબાપની તનતોડ મહેનત જોઉં છું. ખાસ કરીને મારી માની; તેનો ફાળો ખૂબ મોટો છે.

અમ્મા સવારે ૩ વાગે ઊઠીને માછલી વેચવા ઘેરથી નીકળી જતી. તે મને ય એટલો વહેલો ઊઠાડી દેતી ને ભણવા બેસવાનું કહેતી. આ તેના માટે અઘરું કામ  હતું. તે જાય ત્યાં સુધી હું વીજળીના થાંભલા નીચે બેસીને વાંચતો. અને નજરથી દૂર થાય તેની સાથે જ હું તરત પાછો સૂઈ જતો. દીવાબત્તીનો એ થાંભલો ઘણી વાર મારા જીવનની ઘટનાઓની સાક્ષી બન્યો છે.

My mother carrying a load of fish around the market to sell.
PHOTO • M. Palani Kumar
My mother selling fish by the roadside. Each time the government expands the road, she is forced to find a new vending place for herself
PHOTO • M. Palani Kumar

ડાબે: માથે માછલીનો ભાર ઊંચકીને બજારની આસપાસ વેચવા ફરતી મારી મા. જમણે: રસ્તાની બાજુએ માછલી વેચતી મારી મા. દર વખતે જ્યારે જ્યારે સરકાર રસ્તાનું વિસ્તરણ કરે છે, ત્યારે તેણે માછલી વેચવા પોતાના માટે નવી જગ્યા શોધવી પડે છે

મારી માએ ત્રણ-ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય વખત તે બચી ગઈ એ કંઈ નાનીસૂની  વાત નથી.

એક ઘટના વિષે હું વાત કરવા માગું છું. હજી તો હું માંડ ચાલતા શીખ્યો હોઈશ ત્યારે મારી માએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બરાબર એ જ વખતે હું ખૂબ મોટેથી રડ્યો. એ સાંભળીને પડોશીઓ શું થયું એ જોવા દોડી આવ્યા. તેમણે મારી માને લટકતી જોઈ અને તેને બચાવી. કેટલાક કહે છે કે જ્યારે તેમણે મારી માને બચાવી, ત્યારે તેની જીભ બહાર નીકળી ગઈ હતી. મારી મા હજી  ય કહે છે, “જો તું રડ્યો ન હોત તો કોઈ મને બચાવવા આવ્યું ન હોત.”

મારી માની જેમ જ જેમણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોય એવી બીજી ઘણી માતાઓની વાતો મેં સાંભળી છે. તેમ છતાં તેઓ ગમે તે રીતે હિંમત ભેગી કરીને તેમના બાળકો ખાતર જીવતી રહે છે. જ્યારે જ્યારે મારી મા આ વિષે વાત કરે છે, ત્યારે તેની આંખો ભીની થઈ જાય છે.

એક વાર ડાંગરના ધરુ એક ઠેકાણેથી ઉખાડીને બીજે ઠેકાણે રોપવા તે નજીકના ગામમાં ગઈ હતી. પાસેનાઝાડ પર થૂલી (બાળકો માટે કપડાનું પારણું) બાંધીને તેણે મને તેમાં સૂવાડ્યો. મારા પિતાએ ત્યાં આવીને મારી માને માર માર્યો અને મને પારણામાંથી ફેંકી દીધો. હું ખાસ્સે દૂર હરિયાળા ખેતરોની કીચડવાળી કોર પર  પડ્યો, અને મારા શ્વાઓચ્છવાસ બંધ થઈ ગયા હોય એવું લાગ્યું.

મારી માએ મને ફરીથી ભાનમાં લાવવા માટે તેનાથી બનતું બધું કર્યું. પરંતુ તે મને ભાનમાં લાવી ન શકી. મારી ચિતિ, માની નાની બહેને, મને ઊંધો લટકાવ્યો અને મારી પીઠ થપકારી. તેઓ મને કહે છે એ પછી તરત જ હું શ્વાસ લેવા માંડ્યો અને રડવા માંડ્યો. અમ્મા જયારે જયારે આ ઘટનાને યાદ કરે છે, ત્યારે તેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. તે કહે છે કે હું ખરેખર મોતના મોંમાંથી પાછો આવ્યો છું.

My mother spends sleepless nights going to the market to buy fish for the next day’s sale in an auto, and waiting there till early morning for fresh fish to arrive.
PHOTO • M. Palani Kumar
She doesn’t smile often. This is the only one rare and happy picture of my mother that I have.
PHOTO • M. Palani Kumar

ડાબે: મારી મા બીજા દિવસના વેચાણ માટે માછલી ખરીદવા રાતના  ઉજાગરા વેઠીને રીક્ષામાં બેસીને બજારમાં જઈને ત્યાં વહેલી સવાર સુધી તાજી માછલી આવવાની રાહ જુએ છે. જમણે: મા ભાગ્યે જ હસે છે. મારી મા ખુશ/હસતી હોય  તેવી આ એકમાત્ર દુર્લભ છબી મારી પાસે છે

*****

હું બે વર્ષનો હતો ત્યારે મારી માએ ખેતરોમાં મજૂરી કરવાનું છોડીને માછલી વેચવાનું શરૂ કર્યું. અને ત્યારથી આજ સુધી આ જ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો. હું તો હજી છેલ્લા એક વર્ષથી જ મારા પરિવારનો કમાતો સભ્ય બન્યો. ત્યાં સુધી અમારા પરિવારનું ગુજરાન ચલાવવા ફક્ત મારી મા એકલી જ કમાતી હતી. સંધિવા થયા પછી પણ તે ગોળીઓ ગળીને માછલી વેચવાનું કામ ચાલુ રાખતી હતી. તે પહેલેથી જ ખૂબ જ મહેનતુ હતી.

મારી માનું નામ તિરુમાયી છે. ગામલોકો તેને કુપ્પી કહે છે. મૉટે ભાગે મને પણ કુપ્પીનો દીકરો જ કહે છે. વર્ષો સુધી માને નીંદણ કાઢવાનું, ડાંગર લણવાનું, નહેરો ખોદવાનું: આ પ્રકારના કામ મળતા હતા. મારા દાદાએ જમીનનો એક ટુકડો ગણોતપટે લીધો ત્યારે મારી માએ એકલા હાથે એ જમીન પર ખાતર નાખીને ખેતર તૈયાર કરી દીધું હતું. આજ સુધી મેં કોઈને ય મારી મા જેટલું સખત કામ કરતા જોયા  નથી. મારી અમ્માયી (દાદી) કહેતી હતી કે સખત મહેનત એ અમ્માનો પર્યાય બની ગયો છે. મને નવાઈ લાગતી કે આટલી બધી તનતોડ મહેનત કોઈ શી રીતે કરી શકે.

હું જોઉં છું કે સામાન્ય રીતે દાડિયાઓ અને શ્રમિકો ખૂબ કામ કરે છે - ખાસ કરીને સ્ત્રીઓ. મારી નાનીને મારી મા સહિત ૭ બાળકો હતા – ૫ છોકરીઓ અને ૨ છોકરાઓ. મારી મા સૌથી મોટી. મારા નાનાને દારૂની લત હતી, પોતાનું ઘર વેચીને જે કંઈ ઉપજે તે બધું ય દારૂ પાછળ ખર્ચી દે એ હદ સુધીના. બધું મારા નાનીએ જ સાંભળ્યું: તેઓ કમાયા, પોતાના છોકરાંઓને પરણાવ્યા, અને પૌત્ર-પૌત્રીઓની સંભાળ પણ લીધી.

મારી મામાં પણ તેના કામ પ્રત્યે હું આવી જ નિષ્ઠા જોઉ છું. જ્યારે મારી ચિતિ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી ત્યારે મારી માએ હિંમતભેર આગળ આવીને તેને લગ્નમાં મદદ કરી. એક સમયે અમે હજી ઝૂંપડીમાં રહેતા હતા ત્યારે તેમાં અચાનક આગ ફાટી નીકળતાં  મારી માએ મને અને મારા નાના ભાઈ-બહેનને પકડીને અમને બચાવ્યા હતા. તે પહેલેથી જ નીડર છે. ફક્ત મા જ પોતાના પહેલા પોતાના બાળકોનું ભલું વિચારી શકે છે, પછી તેનો પોતાનો  જીવ જોખમમાં કેમ ન હોય.

Amma waits outside the fish market till early in the morning to make her purchase.
PHOTO • M. Palani Kumar
From my childhood days, we have always cooked on a firewood stove. An LPG connection came to us only in the last four years. Also, it is very hard now to collect firewood near where we live
PHOTO • M. Palani Kumar

ડાબે: માછલી ખરીદવા અમ્મા વહેલી સવાર સુધી માછલી બજારની બહાર રાહ જુએ છે. જમણે: મારા બાળપણના દિવસોથી અમે હંમેશા ચૂલા પર જ રાંધીએ છીએ. અમારા ઘરમાં એલપીજીનું જોડાણ છેલ્લા ચાર વર્ષથી જ આવ્યું છે. આ ઉપરાંત અમે જ્યાં રહીએ છીએ ત્યાં બળતણ માટે લાકડાં એકઠા કરવાનું હવે ખૂબ મુશ્કેલ થઇ ગયું છે

તે ઘરની બહાર ચૂલા પર પનિયારમ (ડમ્પલિંગ જે ગળ્યા અથવા ખારા  હોઈ શકે છે) બનાવતી. લોકો આજુબાજુ આંટા મારતા, બાળકો ખાવા માગતા. ત્યારે તે હંમેશા કહેતી, “પહેલા બધાની સાથે વહેંચો.” અને હું પડોશના બાળકોને મુઠ્ઠીભર ખાવાનું આપતો.

બીજા લોકો માટેની તેમની કાળજી જુદી જુદી રીતે જોવા મળતી. હું જયારે મારી  મોટરબાઈક ચાલુ કરું ત્યારે તે કહે છે: “તને વાગે એનો વાંધો નહિ પણ  મહેરબાની કરીને બીજા કોઈને વગાડીશ નહીં...”

મારા પિતાએ તેને ક્યારેય એકે વાર પૂછ્યું નથી કે તેણે ખાધું કે નહીં. તેઓ ક્યારેય એકસાથે ફિલ્મ જોવા કે મંદિરમાં પણ નથી ગયા. મારી મા હંમેશા કામમાં વ્યસ્ત રહેતી. અને તે મને કહેતી કે, “તું ન હોત તો હું ક્યારની ય મરી ગઈ હોત.”

કેમેરો ખરીદ્યા પછી જ્યારે હું વાર્તાઓની શોધમાં જાઉં છું ત્યારે હું જે મહિલાઓને મળું છું તેઓ હંમેશા કહે છે કે “હું મારા બાળકો માટે જીવું છું.” આજે  ૩૦ વર્ષની ઉંમરે હું સમજી શકું છું કે આ વાત એકદમ સાચી છે.

*****

મારી મા જે પરિવારોને માછલી વેચતી હતી, તેમના ઘેર તે પરિવારોના બાળકોએ જીતેલા કપ અને મેડલ્સ બધા જોઈ શકે તેમ ગોઠવેલા હતા. મારી માએ કહ્યું કે તે પણ ઈચ્છે છે કે તેના બાળકો પણ ટ્રોફી જીતીને ઘેર લાવે. પરંતુ એ વખતે મારી માને બતાવવા માટે મારી પાસે મારા અંગ્રેજી વિષયના પેપરમાં આવેલા ‘નાપાસ ગુણ’ જ હતા. એ દિવસે તે ખૂબ ગુસ્સે બરાઈ હતી અને મારાથી નારાજ હતી. તેણે ગુસ્સાથી  કહ્યું, “હું (તને ભણાવવા) ખાનગી શાળાની ફી ભરું છું, અને તું અંગ્રેજીમાં નાપાસ થાય છે.”

My mother waiting to buy pond fish.
PHOTO • M. Palani Kumar
Collecting her purchase in a large bag
PHOTO • M. Palani Kumar

ડાબે: તળાવની માછલી ખરીદવા માટે રાહ જોતી મારી મા. જમણે: મા તેની ખરીદેલી માછલી એક મોટા થેલામાં ભરી રહી છે

તેનો એ ગુસ્સો એ જ  મારા માટે જીવનમાં કોઈક ક્ષેત્રમાં સફળ થવાના મારા નિશ્ચયનું બીજ બન્યું. પહેલી સફળતા મને ફૂટબોલમાં મળી. મારી મનપસંદ રમતમાં શાળાની ટીમમાં પ્રવેશ મેળવવા માટે મેં બે વર્ષ સુધી રાહ જોઈ હતી. અને અમારી ટીમ સાથેની મારી પહેલી જ મેચમાં અમે ટુર્નામેન્ટમાં કપ જીત્યા. તે દિવસે ઘેર આવીને ખૂબ અભિમાનથી તે કપ મેં મારી માના હાથમાં આપ્યો.

ફૂટબોલે મને ભણવામાં પણ મદદ કરી હતી. મેં સ્પોર્ટ્સ ક્વોટા પર હોસુરની એન્જીનિયરિંગ કોલેજમાંથી પદવી મેળવી હતી. જો કે પાછળથીહું ફોટોગ્રાફી માટે એન્જીનિયરિંગ છોડી દેવાનો હતો. પણ સરળ શબ્દોમાં કહું તો આજે હું જે કંઈ છું તે મારી માને લીધે છું.

નાનપણમાં મા મારે માટે ખરીદી આપતી એ પરુતિપાલ પનિયારમ (કપાસના બીજના દૂધ અને ગોળમાંથી બનાવેલ મીઠા ડમ્પલિંગ) ખાવાની ઈચ્છાથી હું તેની સાથે બજારમાં જતો.

રસ્તાની બાજુના પ્લેટફોર્મ પર બેસીને અમે બજારમાં તાજી માછલી આવવાની રાહ જોતા હતા ત્યારે મચ્છરો ચટકા ભરીને આખી રાત સૂવા દેતા નહોતા, અને માછલી ખરીદવા માટે સવારે વહેલા ઊઠવું પડતું, આજે હવે થાય છે કે એ બધું શી રીતે સહન કરતા હોઈશું? પરંતુ એ વખતે આ બધું સાવ સામાન્ય હતું. નજીવો નફો રળવા અમારે બધી જ માછલીઓ વેચવી પડતી.

My father and mother selling fish at one of their old vending spots in 2008.
PHOTO • M. Palani Kumar
During the Covid-19 lockdown, we weren’t able to sell fish on the roadside but have now started again
PHOTO • M. Palani Kumar

ડાબે: ૨૦૦૮ માં મારા માબાપ માછલી વેચવાની  તેમની જૂની  જગ્યાએ. જમણે: કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન અમે રસ્તાની બાજુ  પર માછલી વેચી શકતા નહોતા પરંતુ હવે ફરી ત્યાં વેચવાનું શરુ કર્યું છે

મારી મા મદુરાઈ કરીમેડુ માછલી બજારમાંથી ૫ કિલો માછલી ખરીદતી. તેમાં તેની ફરતે ગોઠવેલા બરફનું વજન પણ ગણાઇ જતું. તેથી જ્યારે તે મદુરાઈની શેરીઓમાં  પોતાના માથા પર ટોપલો ઊંચકીને માછલી વેચવા ફેરી કરવા જતી ત્યારે બરફ પીગળવાથી ૧ કિલો વજન ઓછું  થઇ જતું.

૨૫ વર્ષ પહેલા તેણે આ ધંધો શરૂ કર્યો  ત્યારે તે રોજના માંડ ૫૦ રૂપિયા કમાતી. આ કમાણી પાછળથી વધીને ૨૦૦-૩૦૦ રૂપિયા સુધી પહોંચી હતી. એ સમય દરમિયાન તેણે ફેરી કરીને વેચવાનું બંધ કરી હવે રસ્તાની બાજુમાં પોતાની માલિકીનો માછલી વેચવાનો એક નાનકડો ગલ્લો શરૂ કર્યો. હવે તે મહિનાના બધા ય દિવસ - 30 દિવસ - કામ કરીને મહિને લગભગ ૧૨,૦૦૦ રૂપિયા કમાય છે.

હું થોડો મોટો થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી મા અઠવાડિયાના ચાલુ દિવસોમાં કરીમેડુથી માછલી ખરીદવા પાછળ રોજનું ૧,૦૦૦ રુપિયાનું રોકાણ કરતી અને એમાંથી જેટલી માછલી મળે તેટલી ખરીદતી. શનિ-રવિમાં વેચાણ સારું રહેતું તેથી (તે દિવસોમાં માછલી ખરીદવા પાછળ) મા ૨,૦૦૦ રુપિયાનું રોકાણ કરવાનું સાહસ કરી શકતી. હવે તે (માછલી ખરીદવા પાછળ) અઠવાડિયાના ચાલુ દિવસોમાં ૧,૫૦૦ રુપિયાનું અને શનિ-રવિમાં ૫-૬૦૦૦ રુપિયાનું રોકાણ કરે છે. પરંતુ અમ્મા સાવ ઓછો નફો કરે છે, કારણ કે તે ખૂબ જ ઉદાર છે. તે વજનમાં ક્યારેય ચિંગૂસાઈ કરતી નથી અને તેના ગ્રાહકોને નમતું જોખીને જ આપે છે.

મારી મા કરીમેડુ ખાતે માછલી ખરીદવા માટે જે પૈસા ખર્ચે છે, તે પૈસા એક શાહુકાર પાસેથી લે છે, જેમને તેણે બીજા દિવસે પાછા ચૂકવવા પડે છે. એટલે જો તે હાલની જેમ દિવસના ૧,૫૦૦ રૂપિયા ઉધાર લે, તો તેણે ૨૪ કલાક પછી ૧,૬૦૦ રૂપિયા ચુકવવા પડે છે – એટલે કે દિવસના ૧૦૦ રૂપિયાના વ્યાજ દરે (વધારે પૈસા ચૂકવવા પડે). મોટાભાગની લેવડદેવડની પતાવટ એ જ અઠવાડિયામાં થઈ જતો  હોય છે, એટલે વાર્ષિક ધોરણે આ લોનનું વ્યાજ ૨,૪૦૦ ટકાથી પણ વધારે થયું, એ વાત ધ્યાનમાં આવતી જ નથી.

These are the earliest photos that I took of my mother in 2008, when she was working hard with my father to build our new house. This photo is special to me since my journey in photography journey began here
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

૨૦૦૮માં જ્યારે મારા માબાપ બંને અમારું નવું ઘર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા ત્યારે મેં લીધેલા મારી મા (ડાબે) અને પિતા (જમણે) ના આ સૌથી જૂના ફોટા છે. આ બે ફોટા મારા માટે ખાસ છે કારણ ફોટોગ્રાફીની મારી સફર અહીંથી શરૂ થઈ હતી.

જો તે શનિ-રવિ માટે માછલી ખરીદવા શાહુકાર પાસેથી ૫,૦૦૦ રૂપિયા ઉછીના લે, તો તેણે સોમવારે તેમને ૫,૨૦૦ રૂપિયા પાછા આપવા પડે. અઠવાડિયાના સામન્ય દિવસો હોય, કે પછી શનિ-રવિ હોય, (પૈસા પાછા ચૂકવવામાં) એક દિવસનું મોડું થાય તો  તેના બોજામાં  ૧૦૦ રુપિયાનો વધારો કરે છે. શનિ-રવિની લોનનો વાર્ષિક વ્યાજ દર ૭૩૦ ટકા થવા જાય છે.

માછલી બજારની મારી મુલાકાતોએ મને ઘણી બધી વાર્તાઓ સાંભળવાનો મોકો આપ્યો. કેટલીક વાર્તાઓ સાંભળીને હું સ્તબ્ધ થઇ ગયો. ફૂટબોલની મેચો દરમિયાન સાંભળેલી વાર્તાઓ, મારા પિતાની સાથે સિંચાઈની નહેરોમાં માછલી પકડવા જતાં સાંભળેલી વાર્તાઓ, આ બધાના લીધે મને સિનેમા અને વિઝ્યુઅલ્સમાં  રસ જાગ્યો. મારી માએ મને આપેલા અઠવાડિયાના પોકેટ મનીમાંથી જ મેં ચે ગૂવેરા, નેપોલિયન અને સુજાતાના પુસ્તકો ખરીદ્યા જે મને દીવાબત્તીના થાંભલાની વધુ નજીક ખેંચી ગયા.

*****

એક તબક્કે મારા પિતા પણ કંઈક સુધર્યા અને તેઓ પણ થોડુંઘણું કમાવા લાગ્યા. દાડિયા મજૂરીના જુદા જુદા કામો કરવાની સાથેસાથે તેમણે  બે બકરીઓ પણ પાળી. પહેલા તેઓ અઠવાડિયાના ૫૦૦ રુપિયા કમાતા હતા. પછી તેઓ હોટેલ અને રેસ્ટોરન્ટમાં કામ કરવા ગયા. હવે તેઓ રોજના ૨૫૦ રુપિયા કમાય છે. ૨૦૦૮માં મુખ્યમંત્રી આવાસ વીમા યોજના હેઠળ મારા માબાપે પૈસા ઉધાર/લોન  લઈને અમે અત્યારે જે મકાનમાં રહીએ છીએ તે મકાન બનાવવાનું શરૂ કર્યું. તે જવાહરલાલ પુરમમાં છે, જે એક સમયે તમિલનાડુમાં મદુરાઈની બહાર આવેલું ગામ હતું, પણ વિસ્તરતું શહેર તેને ગળી ગયું અને હવે તે એક ઉપનગર બનીને રહી ગયું છે.

અમારા ઘરના બાંધકામ દરમિયાન ઘણા પડકારોનો સામનો સામનો કરતા-કરતા મારા માબાપને ઘર ચણતા ૧૨ વર્ષ લાગ્યા. મારા પિતા કપડા રંગવાના કારખાનામાં, હોટલોમાં કામ કરીને, ઢોર ચરાવવાનું કામ કરીને અને બીજા કામો કરીને થોડા-થોડા કરીને પૈસા બચાવતા હતા. મારા માબાપે તેમની બચતની મદદથી મને અને મારા બે ભાઈ-બહેનોને શાળામાં ભણાવ્યા અને ધીમે ધીમે મકાન પણ પૂરું કર્યું. અમારું ઘર, જેના માટે તેઓએ આટલું બધું બલિદાન આપ્યું, તે તેમના સતત પ્રયાસનું પ્રતીક છે.

The house into which my parents put their own hard labour came up right behind our old 8x8 foot house, where five of us lived till 2008.
PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ડાબે: મારા માબાપે પોતે મહેનત કરીને બનાવેલું ઘર અમારા જુના ૮x૮ ફૂટના ઘરની બરાબર પાછળ જ છે, ૨૦૦૮ સુધી અમે પાંચ જણ એ ૮x૮ ફૂટના ઘરમાં જ રહેતા હતા. જમણે: અમારા નવા ઘરમાં મારી મા અને નાની (ડાબે) અને માસી (જમણે) ઘરની છત પર ટેરાકોટા ટાઇલ ગોઠવતી વખતે – તે બંધાતું હતું ત્યારે જ અમે તેમાં રહેવા જતા રહ્યા હતા

મારી માને ગર્ભાશયની તકલીફ થઈ ત્યારે તેણે સરકારી હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા  કરાવી. તેમાં અમારે ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો. એ વખતે હું સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યો હતો, તેથી તેને આર્થિક મદદ કરી શકું તેમ નહોતો. અમ્માની સારવારની જવાબદારી જે નર્સને સોંપવામાં આવી હતી તેમણે તેની બરોબર કાળજી ન લીધી. જ્યારે મારા પરિવારે તેને વધુ સારી હોસ્પિટલમાં દાખલ કરવાનું વિચાર્યું, ત્યારે હું તેમને (આર્થિક) ટેકો આપી શકું તેવી સ્થિતિમાં નહોતો. પરંતુ હું પારીમાં જોડાયો તેની સાથે જ પરિસ્થિતિ બદલાવા માંડી.

મારા ભાઈની સર્જરીના ખર્ચમાં પણ પારીએ મદદ કરી. મને પગાર તરીકે મળતી માસિક આવક હું અમ્માને આપી શકતો હતો. મને - વિકટન એવોર્ડ જેવા - ઘણા ઈનામો મળ્યા ત્યારે મારી માને આશા જાગી કે આખરે તેના દીકરાએ કંઈક સારું કરવાનું શરૂ કર્યું છે. મારા પિતા  હજી ય મને ટોણા મારીને કહેતા હતા: “તું  પુરસ્કારો તો જીતતો હોઈશ પણ સરખા પૈસા કમાઈને ઘેર લાવી શકે છે ખરો?”

તેઓ સાચા હતા.  ૨૦૦૮માં મારા કાકા અને મિત્રો પાસેથી મોબાઈલ ફોન ઉછીના  લઈને મેં ફોટોગ્રાફી કરવાનું શરુ કર્યું પણ  નાણાકીય સહાય માટે પરિવાર પર આધાર રાખવાનું મેં છેક ૨૦૧૪  માં બંધ કર્યું. ત્યાં સુધી મેં હોટલમાં વાસણ સાફ કરવાનું, લગ્ન સમારોહમાં ભોજન પીરસવાનું વિગેરે જેવા નાનામોટા કામો કર્યા હતા.

મારી મા માટે સરખા પૈસા કમાતો થવામાં મારે ૧૦ વર્ષ લાગી ગયા. છેલ્લા એક દાયકામાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો છે. મારી બહેન પણ બીમાર પડી હતી. તે અને મારી મા વારાફરતી બીમાર પડતાં  હોસ્પિટલ અમારું બીજું ઘર બની ગયું હતું. અમ્માને ગર્ભાશયની પણ વધુ તકલીફ થવા માંડી હતી. પરંતુ આજે પરિસ્થિતિ ઘણી સારી છે.  મને લાગે છે કે હવે હું મારા માબાપ માટે કંઈક કરી શકું છું.  શ્રમિક વર્ગની જિંદગી મેં જોઈ છે, એ જિંદગી હું જીવ્યો છું અને તેના પરથી જ ફોટો જર્નલિસ્ટ તરીકે શ્રમિક વર્ગ પરના લેખોનું દસ્તાવેજીકરણ કરવાની મને પ્રેરણા મળી છે. તેમની અખૂટ ધીરજ એ મારું શિક્ષણ છે. દીવાબત્તીનો એ થાંભલો આજે પણ મારી દુનિયા રોશન કરે  છે.

PHOTO • M. Palani Kumar

મારી માએ ત્રણ-ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય વખત તે બચી ગઈ/મરતાં બચી એ કંઈ નાનીસૂની  વાત નથી


PHOTO • M. Palani Kumar

અહિં તે પોતાનું કામ પૂરું કરીને પાણીના વહેણમાં એલ્યુમિનિયમના વાસણો ધોઈ રહી છે. અમ્માને એક જગ્યાએ (નવરી) બેઠેલી જોયાનું મને નથી , ક્યારેય નહીં. તે હંમેશા કંઈક ને કંઈક કામ કરતી રહે છે. અહીં તે પોતાનું કામ પૂરું કરીને પાણીના વહેણમાં એલ્યુમિનિયમના વાસણો ધોઈ રહી છે


PHOTO • M. Palani Kumar

મારા માને હંમેશ ખેડૂત બનવું હતું , પણ તેમ થઇ શક્યું નહીં. આથી તેણે માછલી વેચવાનું શરૂ કર્યું , પણ ખેતીમાં તેનો રસ ક્યારેય ઓછો ન થયો. અમે અમારા ઘરની પાછળ કેળાના દસ છોડ ઉગાડીએ છીએ. તેમાંથી એકમાં પણ ફૂલ બેસે તો પણ તે ખુશ થઈ જાય છે અને પ્રાર્થના અને મીઠા પોંગલથી તેની ઉજવણી કરે છે


PHOTO • M. Palani Kumar

કોઈ એક તબક્કે મારા પિતાએ બકરીઓ પાળવાનું શરૂ કર્યું. બકરીની ઝૂંપડી તો અમ્મા જ સાફ કરે છે


PHOTO • M. Palani Kumar

મારા પિતાને પશુપક્ષીઓની વચ્ચે રહેવાનું ગમે છે. તેઓ માત્ર પાંચ વર્ષના હતા ત્યારથી તેમણે જીવનનિર્વાહ માટે બકરીઓ ચરાવવાનું શરૂ કર્યું હતું


PHOTO • M. Palani Kumar

અમ્માને સાયકલ અને મોટરબાઈક પર ચલાવવાનું ગમે છે , પણ તેને ચલાવતા આવડતું નથી


PHOTO • M. Palani Kumar

આ છબીમાં હું અમ્માને માછલી વેચવામાં મદદ કરી રહ્યો છું


PHOTO • M. Palani Kumar

મારી માની સંધિવાની બીમારી ખૂબ જ પીડાદાયક છે , અને તેને ચાલવામાં પણ તકલીફ થાય છે. પરંતુ તે હજુ સુધી રસોઈ માટે લાકડા વીણવાનું કામ કરે છે. જો કે , લાકડા હવે વધુ ને વધુ દુર્લભ થતા જાય છે


PHOTO • M. Palani Kumar

દર મહિને સંધિવાની દવાઓ લેવા માટે તે સરકારી હોસ્પિટલ જાય છે. તે દવાઓના લીધે જ તે આટલું કરી શકે છે. જ્યારે પણ તે કહે છે : બસ મારા પગ ફરીથી પહેલા જેવા કરી દે , કુમાર ,” ત્યારે ગુનાહિત લાગણી અનુભવું છું

PHOTO • M. Palani Kumar

મારા પિતાને ૧૫ વર્ષ કરતા પણ વધુ સમયથી કિડનીની સમસ્યા હતી. પરંતુ તેનું ઓપરેશન કરાવવા માટે અમારી પાસે પૈસા નહોતા. મને પારીમાં નોકરી મળી એ પછી અમારી પાસે તેમના ઓપરેશન માટે પૈસા આવ્યા


PHOTO • M. Palani Kumar

આ તે ઘર છે જેમાં અમે અત્યારે રહીએ છીએ. તેને બનાવવામાં ૧૨ વર્ષ લાગ્યાં , પરંતુ આખરે મારી માનું સ્વપ્ન સાકાર થયું


PHOTO • M. Palani Kumar

મારી મા જે વાસણોમાં માછલી લઇ જાય છે એ વાસણો ધોઈને પછી ઘેર પાછી આવે છે. મને  ઘણી વાર તે આકાશ ની જેવી લાગે છે , જેના દિલના દરવાજા સૌને માટે ખુલ્લા છે અને જે ખૂબ જ ઉદાર છે. તે ક્યારેય પોતાના વિશે વિચારતી નથી


અનુવાદક : ફૈઝ મોહંમદ

M. Palani Kumar

ಪಳನಿ ಕುಮಾರ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಟಾಫ್ ಫೋಟೋಗ್ರಾಫರ್. ದುಡಿಯುವ ವರ್ಗದ ಮಹಿಳೆಯರು ಮತ್ತು ಅಂಚಿನಲ್ಲಿರುವ ಜನರ ಬದುಕನ್ನು ದಾಖಲಿಸುವುದರಲ್ಲಿ ಅವರಿಗೆ ಆಸಕ್ತಿ. ಪಳನಿ 2021ರಲ್ಲಿ ಆಂಪ್ಲಿಫೈ ಅನುದಾನವನ್ನು ಮತ್ತು 2020ರಲ್ಲಿ ಸಮ್ಯಕ್ ದೃಷ್ಟಿ ಮತ್ತು ಫೋಟೋ ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾ ಅನುದಾನವನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ. ಅವರು 2022ರಲ್ಲಿ ಮೊದಲ ದಯನಿತಾ ಸಿಂಗ್-ಪರಿ ಡಾಕ್ಯುಮೆಂಟರಿ ಫೋಟೋಗ್ರಫಿ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಪಡೆದರು. ಪಳನಿ ತಮಿಳುನಾಡಿನ ಮ್ಯಾನ್ಯುವಲ್‌ ಸ್ಕ್ಯಾವೆಂಜಿಗ್‌ ಪದ್ಧತಿ ಕುರಿತು ಜಗತ್ತಿಗೆ ತಿಳಿಸಿ ಹೇಳಿದ "ಕಕ್ಕೂಸ್‌" ಎನ್ನುವ ತಮಿಳು ಸಾಕ್ಷ್ಯಚಿತ್ರಕ್ಕೆ ಛಾಯಾಗ್ರಾಹಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.

Other stories by M. Palani Kumar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad