પ્રીતિ યાદવ કહે છે ગાંઠ કઠણ થઇ ગઈ છે, “હડ્ડી કી તરહ,” (હાડકા ની જેમ).

જુલાઈ 2020 માં તેને તેના જમણા સ્તનમાં વટાણાના કદની ગાંઠ દેખાયાની વાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે, અને પટના શહેરની કેન્સર સંસ્થાના ઓન્કોલોજિસ્ટ્સે બાયોપ્સી અને સર્જિકલ એક્ઝિશન ની (સર્જિકલ પદ્ધતિથી ગાંઠ કાઢવાની ક્રિયા) ભલામણ કર્યાને પણ લગભગ એક વર્ષ થયું છે.

પરંતુ પ્રીતિ ફરી હોસ્પિટલ ગઈ જ નથી.

"કરવા લેંગે [કરાવી લેશું]," તેના પરિવારના ફૂલોની ક્યારીઓવાળા એના મોટા આંગણાવાળા ઘરના લાદીવાળા વરંડામાં કથ્થઈ પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને પ્રીતિ કહે છે.

તેના તેના અવાજમાં મૃદુતા છે, છતાં તેમાં થાક અને કંટાળો દેખાઈ આવે છે.  હાલનાં વર્ષોમાં તેના નજીકના પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યો કેન્સરથી મૃત્યુ પામ્યા છે, અને બિહારના સારણ જિલ્લાના સોનેપુર બ્લોકના તેના ગામમાં માર્ચ 2020 માં કોવિડ -19 રોગચાળો શરૂ થાય તે પહેલા થોડા વર્ષોમાં કેન્સરના ઘણા કેસ નોંધાયા છે. (તેની અરજીને કારણે ગામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તેનું સાચું નામ અહીં ઉપયોગમાં લેવામાં આવ્યું નથી.)

ગાંઠ ક્યારે શસ્ત્રક્રિયા કરાવી કઢાવવી તે અંગેનો નિર્ણય માત્ર 24 વર્ષની પ્રીતિનો એકલીનો નથી. તેના કુટુંબીજનો તેના માટે કોઈ પડોશી ગામનો કોઈક સશસ્ત્ર દળોમાં નોકરી ધરાવતો યુવક શોધી રહ્યા છે. પ્રીતિ કહે છે, "હું લગ્ન કર્યા પછી પણ સર્જરી કરાવી શકીશ, ખરુંને? ડોક્ટરે કહ્યું  છે કે એક વખત મને બાળક થયા પછી ગાંઠ જાતે જ ઓગળી જવાની શક્યતા છે.”

પરંતુ શું તેઓ છોકરાના પરિવારને ગાંઠ અને સંભવિત ઓપરેશન, તેના પરિવારના કેન્સરના કેસો વિશે જાણ કરશે? "વોહિ તો સમજ નહીં આ રહા (એજ સમજ માં નથી આવી રહ્યું)," તે કહે છે. આ એવો મુદ્દો છે જેના કારણે તેની સર્જરી અટકી છે.

Preeti Kumari: it’s been over a year since she discovered the growth in her breast, but she has not returned to the hospital
PHOTO • Kavitha Iyer

પ્રીતિ કુમારી: તેના સ્તનમાં ગાંઠ મળ્યાને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ તે હજી હોસ્પિટલ પાછી આવી નથી

જેણે 2019 માં ભૂસ્તરશાસ્ત્રમાં (જીયોલોજીમાં) બીએસસીની ડિગ્રી મેળવી હતી તે પ્રીતિને માટે ગાંઠ તે મળ્યા પછીનું એક વર્ષ ખૂબ એકલતા ઉપજાવનારું નીવડ્યું છે. અંતિમ તબક્કાના રેનલ કેન્સરનું નિદાન થયાના થોડા મહિના બાદ તેના પિતા નવેમ્બર 2016 માં મૃત્યુ પામ્યા હતા. અગાઉના જાન્યુઆરીમાં, ખાસ કાર્ડિયાક યુનિટ ધરાવતી અનેક હોસ્પિટલોમાં 2013થી સારવાર લીધી હોવા છતાં તેની માતા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. બંને 50ના દાયકામાં હતા. પ્રીતિ કહે છે, "હું એકલી પડી ગઈ છું." "જો મારી મા મારી પાસે હોત તો તે મારી સમસ્યા સમજી શકત."

તેમની માના મૃત્યુના થોડા સમય પહેલા જ પરિવારને નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ખબર પડી કે પરિવારના કેન્સર કેસ તેમના ઘરના પાણીની ગુણવત્તા સાથે સંબંધિત હોઈ શકે છે. "ત્યાંના ડોકટરોએ મમ્મીના માનસિક તનાવ વિશે પૂછ્યું. જ્યારે અમે તેમને અમારા પરિવારમાં થયેલ મૃત્યુનો ઇતિહાસ જણાવ્યો, ત્યારે તેઓએ અમને અમે ક્યું પાણી પીએ છીએ તે અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા. થોડા વર્ષોથી, અમારા હેન્ડપંપમાંથી પાણી ખેંચાયાના અડધા કલાક પછી તે પીળું પડી જાય છે, ”પ્રીતિ કહે છે.

બિહાર ભારતના સાત રાજ્યોમાંથી એક છે (અન્ય આસામ, છત્તીસગઢ, ઝારખંડ, મણિપુર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે) જ્યાનું ભૂગર્ભજળ આર્સેનિક પ્રદૂષણથી સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું નોંધાયું છે - સલામત સ્તરથી ઘણું વધારે. બિહારમાં, 18 જિલ્લાઓમાં ફેલાયેલા 57 બ્લોક - સરણ સહિત, જ્યાં પ્રીતિનું ગામ આવેલું છે - સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા (વર્ષ 2010 માં બે રિપોર્ટમાં , ટાસ્ક ફોર્સ અને રાજ્ય સરકારની એજન્સીઓના તારણોના આધારે) એ વાતનું પ્રમાણ મળી આવ્યુ હતું કે ભૂગર્ભજળમાં ખૂબ વધારે માત્રામાં આર્સેનિક છે, પ્રતિ લિટર 0.05 મિલિગ્રામથી પણ વધુ. માન્ય આર્સેનિકની મર્યાદા 10 માઇક્રો ગ્રામ છે.

*****

પ્રીતિ માત્ર 2 કે 3 વર્ષની હતી જ્યારે પરિવારે તેની મોટી બહેનને ગુમાવી. “તેને હંમેશાં પેટમાં ખૂબ દુખાવો થતો. પિતાજી તેને ઘણા દવાખાને લઈ ગયા, પરંતુ તેને બચાવી શક્યા નહીં,”તે કહે છે. ત્યારથી તેમની મા ગંભીર તનાવમાં રહેતી હતી.

પછી, તેના કાકાનું 2009 માં અને તેના કાકીનું 2012 માં અવસાન થયું. તેઓ બધા એક જ મોટા ઘરમાં રહેતા હતા. બંનેને બ્લડ કેન્સર હોવાનું જણાયું હતું, અને બંનેને ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓએ સારવાર માટે ખૂબ મોડા આવ્યા હતા.

2013 માં, તે જ કાકાના દિકરા, પ્રીતિના 36 વર્ષના પિતરાઈ ભાઈ, વૈશાલી જિલ્લાના હાજીપુર શહેરમાં સારવારનો પ્રયાસ કરવા છતાં મૃત્યુ પામ્યા. તેમને પણ બ્લડ કેન્સર હતું.

માંદગી અને મૃત્યુથી વર્ષોથી ઘેરાયેલાં પરિવાર માટે પ્રીતિએ ઘરની આર્થિક જવાબદારીઓનો ભાર સંભાળ્યો હતો. “જ્યારે હું ધોરણ 10માં હતી ત્યારથી જ જ્યારે મા અને પછી પપ્પા બીમાર પડતા ત્યારે મારે જ લાંબા સમય સુધી ઘર સંભાળવું પડ્યું છે. એક તબક્કો હતો જ્યારે દર વર્ષે કોઈને કોઈ વ્યક્તિનું ઘરમાં મૃત્યુ થતું અથવા કોઈ ગંભીર રીતે બીમાર પડી જતું. ”

Coping with cancer in Bihar's Saran district
PHOTO • Kavitha Iyer

બિહારના સારણ જિલ્લામાં કેન્સરનો સામનો કરતા

પરંતુ શું તેઓ છોકરાનાના પરિવારને ગાંઠ અને સંભવિત ઓપરેશન, તેના પરિવારના કેન્સરના કેસો વિશે જાણ કરશે? 'વોહી તો સમાજ નહીં આ રહા', તે કહે છે. આ  ગૂંચવાયેલા મુદ્દા પર તેની સર્જરી અટકી છે

જ્યારે તેમણે તેના વિશાળ, સંયુક્ત જમીન-માલિકી ધરાવતા પરિવાર માટે રસોડું સંભાળ્યું ત્યારે તેમનો અભ્યાસ પાછળ છૂટી ગયો. જ્યારે તેમના બે ભાઈઓમાંથી એકના લગ્ન થયા, ત્યારે તેની પત્નીના આવવાથી રસોઈ, સફાઈ અને બીમાર લોકોની સંભાળનું દબાણ હળવું થયું. પરિવારના તનાવમાં વધારો ત્યારે થયો જ્યારે એક પિતરાઈ ભાઈની પત્નીને ઝેરી સાપ કરડ્યો અને તે લગભગ મૃત્યુ પામ્યા. પછી 2019 માં પ્રીતિના ભાઈઓમાંના એકને ખેતરમાં બનેલ દુર્ઘટનામાં આંખની ગંભીર ઈજા થઈ અને તેને થોડા મહિનાઓ સુધી સતત સંભાળની જરૂર રહી.

જ્યારે તેના માતાપિતા મૃત્યુ પામ્યા, ત્યારે પ્રીતિ નિરાશા અનુભવવા લાગી. "માયૂસી થી ... બહુત ટેન્શન થા તબ.( ખૂબ ઉદાસી અને ચિંતા હતી ત્યારે)" તે માંડ તે આઘાતમાંથી બહાર આવે તે પહેલાં તો તેમના સ્તનમાં ગાંઠ મળી આવી.

તેમના ગામના દરેક કુટુંબની જેમ તેમનું કુટુંબ પણ હેન્ડપંપથી કાઢીને પાણીને ફિલ્ટર કર્યા વગર અથવા ઉકાળ્યા વગર વાપરતા. બે દાયકા જૂનો બોરવેલ, લગભગ 120-150 ઊંડો, કપડાં ધોવા, નહાવા, પીવા, રસોઈ-તમામ હેતુઓ માટે તેમનો પાણીનો સ્ત્રોત રહ્યો છે. પ્રીતિ કહે છે, "પિતાના અવસાન પછી, અમે પીવાના પાણી અને રસોઈ માટે આરઓ ફિલ્ટર પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ." ત્યાં સુધીમાં, ભૂગર્ભજળમાંથી આર્સેનિક ઝેરની વાત કરતા અનેક અભ્યાસો સામે આવ્યા હતા અને જિલ્લાના લોકો પ્રદૂષણ અને તેના જોખમો વિશે વાકેફ થવા લાગ્યા હતા. નિયમિત જાળવણી સાથે આરઓ શુદ્ધિકરણ પ્રણાલી, પીવાના પાણીમાંથી આર્સેનિકને ફિલ્ટર કરવામાં અમુક અંશે સફળતા દર્શાવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 1958 ની શરૂઆતથી જ એવું જણાવે છે કે આર્સેનિકથી દૂષિત પાણીનું લાંબા ગાળાનું સેવન આર્સેનિક ઝેર અથવા આર્સેનિકોસિસ તરફ દોરી જાય છે, જેના કારણે ચામડી, મૂત્રાશય, કિડની અથવા ફેફસાના કેન્સરના સહીત ચામડીના પર ડાઘ જેવા રોગોનું પણ જોખમ રહે છે. ડબ્લ્યુએચઓએ એમ કહ્યું છે કે અમુક પુરાવા દૂષિત પાણીના સેવન અને ડાયાબિટીસ, હાયપરટેન્શન અને પ્રજનન વિકૃતિઓ વચ્ચે સંભવિત જોડાણો પણ સૂચવે છે.

2017 અને 2019 ની વચ્ચે, પટનાના એક ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાવીર કેન્સર સંસ્થાન અને સંશોધન કેન્દ્ર, તેના બહારના દર્દીઓના વિભાગમાં 2000 રેન્ડમલી પસંદગી પામેલા કેન્સરના દર્દીઓના લોહીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા, અને કાર્સિનોમાના દર્દીઓના લોહીમાં આર્સેનિકનું સ્તર ઊંચું હોવાનું જણાયું. એક ભૌગોલિક નક્શાએ રક્ત આર્સેનિકના કેન્સરના પ્રકારો અને ગંગાના મેદાનોની વસ્તી  સાથે સંબંધિત હોવાનું બતાવ્યું છે.

“હાઈ બ્લડ આર્સેનિક સાંદ્રતા ધરાવતા કેન્સરના મોટાભાગના દર્દીઓ ગંગા નદીની નજીક [સારણ સહિત] જિલ્લાઓમાંથી હતા. તેમની વધેલી રક્ત આર્સેનિક સાંદ્રતા કેન્સર, ખાસ  કરીને કાર્સિનોમા સાથેના આર્સેનિકના જોડાણ સાથે મજબૂત રીતે સંબંધિત છે,”સંસ્થાના વૈજ્ઞાનીક ડૉક્ટર અરુણ કુમાર કહે છે જેમણે આ વિષય પરના ઘણા અભ્યાસો લખ્યા છે.

'Even if I leave for a few days, people will know, it’s a small village. If I go away to Patna for surgery, even for a few days, everybody is going to find out'

'જો હું થોડા દિવસો માટે પણ જઈશ તો લોકોને ખબર પડી જશે કેમકે આ એક નાનું ગામ છે. જો હું ઓપરેશન માટે પટના જઈશ, તો થોડા દિવસોમાં બધાને જ ખબર પડી જશે'

"અમારી સંસ્થાએ વર્ષ 2019 માં 15,000 થી વધુ કેન્સરના કેસ નોંધ્યા છે," અભ્યાસના જાન્યુઆરી 2021 ના ​​અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. “રોગચાળાના ડેટા દર્શાવે છે કે નોંધાયેલા કેન્સરના મોટાભાગના કેસ ગંગા નદીની નજીક આવેલા શહેરો અથવા નગરોના છે. કેન્સરના કેસોની સૌથી વધુ ઘટનાઓ બક્સર, ભોજપુર, સારણ, પટના, વૈશાલી, સમસ્તીપુર, મુંગેર, બેગુસરાય ભાગલપુર જિલ્લાઓમાંથી હતી.

જ્યારે પ્રીતિનો પરિવાર અને સારણ જિલ્લાનું ગામ કેન્સરને કારણે અનેક સ્ત્રીઓ અને પુરુષો બંનેને ગુમાવી ચૂક્યા છે, યુવતીઓ ઓન્કોલોજિસ્ટની મુલાકાત લેવા માટે અસાધારણ પડકારોનો સામનો કરી રહી છે. કેન્સર સાથે સંકળાયેલ એક સામાજીક ભીતિ છે, ખાસ કરીને યુવાન છોકરીઓ પ્રતિ. પ્રીતિના ભાઈઓમાંથી એક કહે છે તેમ, "ગામના લોકો વાતો કરે છે ... પરિવારને સાવચેત રહેવું પડે છે."

“જો હું થોડા દિવસો માટે પણ જઈશ તો પણ લોકોને ખબર પડી જશે કારણ કે આ એક નાનું ગામ છે. જો હું ઓપરેશન માટે પટના જઈશ, તો થોડા દિવસોમાં બધાને ખબર પડી જશે,”પ્રીતિ ઉમેરે છે. "કાશ અમને પેહલાથી જ ખબર હોત કે પાણીમાં કેન્સર છે."

તે એક પ્રેમાળ પતિ શોધવાની આશા રાખે છે - અને ચિંતિત છે કે ગાંઠ તેના સુખના માર્ગમાં આવી શકે છે.

*****

"શું તે બાળકને સ્તનપાન કરાવી શકશે?"

રામુની દેવી યાદવના મનમાં આ પ્રશ્ન થયો 20 વર્ષની એક મહિલાને જોઈને જેણે માત્ર છ મહિના પહેલા લગ્ન કર્યા હતા અને જે હવે પટના હોસ્પિટલ વોર્ડમાં તેની પોતાની પથારીથી થોડી પથારી દૂર પર હતી. તે 2015 નો ઉનાળાનો સમય હતો. "મારા ચારેય પુત્રો પુખ્ત થયા પછી મને સ્તન કેન્સર થયું. પણ યુવાન છોકરીઓનું શું? " 58 વર્ષીય રામુની દેવી પૂછે છે.

પ્રીતિના ગામથી આશરે 140 કિલોમીટર દૂર બક્સર જિલ્લાના સિમરી બ્લોકના બડકા રાજપુર ગામમાં યાદવોની લગભગ 50 વિઘા (આશરે 17 એકર) જમીન છે અને તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભાવશાળી છે. સ્તન કેન્સર સાથેની તેમની સફળ લડાઈના છ વર્ષ પછી, રામુની દેવી રાજપુર કલાન પંચાયતમાં મુખિયા (મુખ્ય) પદ માટે ચૂંટણી લડવાની યોજના ધરાવે છે (જેની અંદર તેમનું ગામ આવેલું છે), જો કોવિડ પછી આ વર્ષના અંતમાં મતદાન થાય તો.

Ramuni Devi Yadav: 'When a mother gets cancer, every single thing [at home] is affected, nor just the mother’s health'
PHOTO • Kavitha Iyer

રામુની દેવી યાદવ: 'જ્યારે ઘરમાં માતાને કેન્સર થાય છે, ત્યારે માત્ર માતાનું સ્વાસ્થ્ય જ નહીં ઘરની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે'

રામુની માત્ર ભોજપુરી બોલે છે, પરંતુ તેમના પુત્રો અને પતિ ઉમાશંકર યાદવ તેમના માટે સરળતાથી ભાષાંતર કરી આપે છે. બડકા રાજપુરમાં કેન્સરના અનેક કેસ હોવાનું ઉમાશંકર કહે છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અહેવાલ અનુસાર, 18 જિલ્લા કે જેમાં 57 બ્લોકમાં ભૂગર્ભજળમાં આર્સેનિકનું પ્રમાણ ખૂબ વધારે છે, તે જિલ્લાઓમાં બક્સર જિલ્લાનો સમાવેશ થાય છે.

તેમની ખેતીની જમીન પર ફરતા જ્યાં માલદા કેરીની- એક નાની ટ્રક લોડ જેટલી હમણાં જ લણણી કરવામાં આવી હતી, રામુની કહે છે કે તેના પરિવારે છેલ્લી સર્જરી પૂરી થઈ અને તેમણે રેડિયેશન સારવાર લેવાનું શરૂ કર્યું ત્યાં સુધી તેમની સ્થિતિ કેટલી ગંભીર હતી તે તેમને જાણવા દીધું જ ન હતું .

"શરૂઆતમાં, અમને ખબર નહોતી કે તે શું હતું અને અમારી જાગૃતિના અભાવે ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ," તે કહે છે, પડોશી ઉત્તરપ્રદેશના બનારસમાં જ્યાં તેમનો અન્ય પરિવાર રહે છે ત્યાં થયેલ પ્રથમ બગડેલી સર્જરીનું વર્ણન કરતા. ગાંઠ દૂર કરવામાં આવી હતી, પરંતુ તે પાછી થઈ અને વધતી ગઈ, જેના કારણે તીવ્ર પીડા થતી. તેઓ એ જ વર્ષે, 2014માં, તે જ ક્લિનિકમાં બનારસ પાછા ગયા, જ્યાં એજ સર્જિકલ એક્ઝિશનનું પુનરાવર્તન કરવામાં આવ્યું.

ઉમાશંકર કહે છે, "પરંતુ જ્યારે અમે ગામમાં અમારા સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં પાટો બદલવા ગયા, ત્યારે તેમણે કહ્યું કે ઘા ખૂબ ગંભીર લાગે છે." 2015ના મધ્યમાં કોઈએ તેમને પટનાની મહાવીર કેન્સર સંસ્થામાં મોકલ્યા તે પહેલા યાદવોએ વધુ બે હોસ્પિટલોની મુલાકાત લીધી.

રામુની કહે છે કે, મહિનાઓ સુધી ગામથી હોસ્પિટલના ચક્કર અને વારંવારની યાત્રાએ સામાન્ય તેમનું પારિવારિક જીવન ખોરવી નાખ્યું હતું. "જ્યારે માતાને કેન્સર થાય છે, ત્યારે માત્ર માતાનું સ્વાસ્થ્ય જ નહીં દરેક વસ્તુ [ઘરની] પ્રભાવિત થાય છે." તે કહે છે “તે સમયે મારી માત્ર એક જ પુત્રવધૂ હતી, અને તે માંડ બધું સાંભળી શકતી હતી. ત્રણ નાના છોકરાઓએ ત્યાર પછી લગ્ન કર્યા.”

તેમના પુત્રોને પણ ચામડીના રોગો થયા હતા, જેની માટે હવે તેઓ હેન્ડપંપના ગંદા પાણીને દોષ આપે છે-તેમનો 100-150 ફૂટનો બોરવેલ આશરે 25 વર્ષ જૂનો છે. રામુનીએ કીમોથેરાપી, સર્જરી અને રેડિયેશન થેરાપી કરાવી હોવાથી, ઘરમાં હંમેશા અંધાધૂંધી રહેતી. એક પુત્ર બક્સર આવતો જતો રહેતો કારણ કે તે તેની બોર્ડર સિક્યુરિટી ફોર્સ પોસ્ટિંગ પર પાછો ફર્યો હતો, બીજા પુત્રની બાજુના ગામમાં શિક્ષક તરીકેની નોકરીએ તેને દિવસ દરમિયાન લાંબા કલાકો સુધી વ્યસ્ત રાખ્યો હતો, અને આ ઉપરાંત ખેતીની જમીન પણ જોવાની હતી.

“મારી છેલ્લી સર્જરી પછી, મેં આ નવવિવાહિત સ્ત્રીને મારી હોસ્પિટલના વોર્ડમાં જોઈ. મેં તેનો સંપર્ક કર્યો, તેને મારો ડાઘ બતાવ્યો અને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. તેને પણ સ્તન કેન્સર હતું, અને મને એ જોઈને આનંદ થયો કે તેનો પતિ તેની સારી રીતે સંભાળ રાખી રહ્યો હતો, જોકે તેમના લગ્નને થોડા મહિના જ થયા હતા. પછી ડોક્ટરે અમને કહ્યું કે તે ખરેખર સ્તનપાન કરાવી શકશે. હું તે સાંભળીને ખૂબ ખુશ થઈ,”રામુની કહે છે.

Ramuni Devi and Umashankar Yadav at the filtration plant on their farmland; shops selling RO-purified water have also sprung up
PHOTO • Kavitha Iyer

રામુની દેવી અને ઉમાશંકર યાદવ તેમની ખેતીની જમીન પર ફિલ્ટરેશન પ્લાન્ટમાં; આરઓ- શુદ્ધ પાણી વેચતી દુકાનો પણ ખુલવા લાગી છે

તેમનો પુત્ર શિવાજીત કહે છે કે બડકા રાજપુરમાં ભૂગર્ભજળ ગંભીર રીતે દૂષિત છે. “જ્યાં સુધી અમારી પોતાની માતા ગંભીર રીતે બીમાર ન પડી ત્યાં સુધી અમને આરોગ્ય અને પાણી વચ્ચેના જોડાણનો ખ્યાલ આવ્યો નહીં. પરંતુ અહીંના પાણીનો વિચિત્ર રંગ છે. 2007 સુધી બધું બરાબર હતું, પરંતુ તે પછી અમે જોયું કે પાણી પીળું થઈ રહ્યું છે. હવે અમે ભૂગર્ભજળનો ઉપયોગ માત્ર કપડાં ધોવા અને સ્નાન કરવા માટે કરીએ છીએ,” તે કહે છે.

રસોઈ અને પીવા માટે, તેઓ કેટલીક સંસ્થાઓ દ્વારા દાન કરેલા ફિલ્ટર પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ આશરે 250 પરિવારો દ્વારા કરવામાં આવે છે, પરંતુ તે સપ્ટેમ્બર 2020માં છેક (યાદવોની જમીન પર) સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક અહેવાલો સૂચવે છે કે અહીંનું ભૂગર્ભજળ ઓછામાં ઓછું 1999થી દૂષિત છે.

ફિલ્ટરેશન પ્લાન્ટ બહુ સફળ રહ્યો નથી. ઉનાળામાં, ગામના લોકો કહે છે કે તેનું પાણી ખૂબ જ ગરમ થઈ જાય છે. RO- શુદ્ધ પાણીની દુકાનો જે રૂ.20-30 પ્રતિ 20 લિટર પ્લાસ્ટિકની બરણી વેચે છે તે પણ નજીકના ગામોમાં ખૂબ ખુલી છે, શિવાજીત કહે છે, પણ તે પાણી ખરેખર આર્સેનિકથી મુક્ત છે કે કેમ તે કોઈને ખબર નથી, તે ઉમેરે છે.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઉત્તર અને પૂર્વ ભારતમાં આર્સેનિકથી પ્રભાવિત નદીના મેદાનો હિમાલયમાં ઉદ્ભવતા નદીના માર્ગોની આસપાસ છે. ગંગાના મેદાનોમાં ઝેરી દૂષિત સ્ત્રોતની ભૌગોલિક ઉત્પત્તિ છે - આર્સેનિક છીછરા પાણીમાં ઓક્સિડેશનને કારણે આર્સેનોપીરાઇટ્સ જેવા છીછરા ખનિજોમાંથી મુક્ત થાય છે. અભ્યાસો અનુસાર, સિંચાઈ માટે ભૂગર્ભજળના વધુ પડતા શોષણને કારણે પાણીનું ઓછું થતું સ્તર કેટલાક ગામોમાં વધતા દૂષણ સાથે સંબંધિત હોઈ શકે છે. આ અન્ય કારણો તરફ પણ નિર્દેશ કરે છે:

“અમારા માનવા મુજબ રાજમહેલ જળક્ષેત્રના ગોંડવાના કોલ સીમ સહિત આર્સેનિકના ઘણા વધુ સંભવિત સ્ત્રોતો છે, જેમાં દર દસ મિલિયને 200 ભાગ જેટલી માત્રામાં (પીપીએમ) સંઘરાયેલું છે; દાર્જિલિંગ હિમાલયમાં આવેલી છૂટીછવાયી સલ્ફાઇડની ચટ્ટાનોમાં  0.8% આર્સેનિક છે; અને ગંગા નદી પ્રણાલીના ઉપલા વિસ્તારમાં પણ એના અન્ય સ્ત્રોત છે,”એવું  અગાઉ ભારતીય ભૂસ્તરશાસ્ત્ર સર્વેક્ષણમાં રહેલા એસ.કે. આચાર્ય, નેચર મેગેઝીન 1999 ના તેમના અભ્યાસ માં નોંધે છે.

અભ્યાસો નોંધે છે કે છીછરા અને ખૂબ ઊંડા કૂવામાં આર્સેનિક દૂષણ ઓછું છે - જ્યારે દૂષિત પાણી તે 80 થી 200 ફૂટ ઊંડી રેન્જમાં છે. કુમાર કહે છે કે જ્યાં તેમની સંસ્થા વિશાળ અભ્યાસ માટે પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવાનું ચાલુ રાખે છે એ ગામોના લોકોના અનુભવો એ વાતનો પૂરાવો છે. વરસાદનું પાણી અને છીછરા ખોદવામાં આવેલા કુવાઓમાં ઓછું અથવા કોઈ આર્સેનિક દૂષણ નથી, જ્યારે ઉનાળાના મહિનાઓમાં બોરવેલનું પાણી વિચિત્ર રંગનું આવે છે.

*****

Kiran Devi, who lost her husband in 2016, has hardened and discoloured spots on her palms, a sign of arsenic poisoning. 'I know it’s the water...' she says
PHOTO • Kavitha Iyer
Kiran Devi, who lost her husband in 2016, has hardened and discoloured spots on her palms, a sign of arsenic poisoning. 'I know it’s the water...' she says
PHOTO • Kavitha Iyer

2016 માં તેમના પતિને ગુમાવનાર કિરણ દેવીની હથેળી પર સખત અને રંગીન ફોલ્લીઓ ઉભરી છે, જે આર્સેનિક ઝેરની નિશાની છે. 'મને ખબર છે કે તે પાણીને કારણે છે ...' તે કહે છે

બડકા રાજપુરથી લગભગ ચાર કિલોમીટર ઉત્તરમાં તિલક રાય કા હટ્ટા, બક્સર જિલ્લાનું 340 ઘરોનું ગામ છે, જેમાંથી મોટા ભાગના ભૂમિહીન પરિવારો છે. અહીં, કેટલાક ઘરોની બહાર લાગેલા હેન્ડપંપમાંથી ખૂબ જ પ્રદુષિત પાણી આવે છે.

2013-14માં, આ ગામમાં મહાવીર કેન્સર સંસ્થાન દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ભૂગર્ભજળમાં આર્સેનિકની ઊંચી સાંદ્રતા જોવા મળી હતી, તિલક રાય કા હટ્ટાના પશ્ચિમી વિસ્તારોમાં તો ખૂબ જ વધારે, એમ મુખ્ય સંશોધક ડો.કુમાર કહે છે. આર્સેનીકોસિસના સામાન્ય લક્ષણો ગામમાં "વ્યાપકપણે જોવા મળ્યા" હતા: 28 ટકાને તેમની હથેળીઓ અને તળીયાઓમાં હાયપરકેરેટોસિસ (છાલા) હતા, 31 ટકાની ચામડી કાળી પડી ગઈ હાતી , 57 ટકાને લીવર સંબંધિત સમસ્યાઓ હતી, 86 ટકાને ગેસ્ટ્રાઇટિસ, (પેટ સંબંધિત સમસ્યા) હતી અને 9 ટકા મહિલાઓને અનિયમિત માસિક ચક્ર હતું.

કિરણ દેવીના પતિ આ ગામના, જે ઈંટ અને કાદવના ઘરોથી બનેલું છે અને બિચ્છુ કા ડેરા તરીકે ઓળખાય છે, રહેવાસી હતા. તે કહે છે, "પેટના દુખાવાના કેટલાક મહિનાઓ પછી 2016 માં તેમનું અવસાન થયું." પરિવાર તેમને સિમરી અને બક્સર શહેરોના ડોક્ટરો પાસે લઈ ગયો, અને વિવિધ નિદાન કરવામાં આવ્યા. “તેઓએ કહ્યું કે તે ક્ષય રોગ અથવા લીવર કેન્સર છે, ”કિરણ કહે છે, જેમની ઉંમર 50ના દાયકામાં છે. તેમની પાસે જમીનનો એક નાનો ભાગ છે, પરંતુ તેમના પતિની આવકનો મુખ્ય સ્રોત દૈનિક વેતન મજૂર તરીકે કામ હતું.

2018થી, કિરણ દેવીને તેમની હથેળીઓ પર કડક અને રંગીન ફોલ્લીઓ થઈ આવી છે, જે આર્સેનિક ઝેરની નિશાની છે. "હું જાણું છું કે તે પાણી છે, પરંતુ જો હું અમારા પોતાના પંપનો ઉપયોગ ન કરી શકું તો મારે પાણી માટે ક્યાં જવું?" તેમનો હેન્ડપંપ તેમના નાના ઘરની બહાર સ્થિત છે, જ્યાં એકાંતમાં તેમનો બળદ વાગોળતો હોય છે.

તેઓ કહે છે કે ચોમાસા સિવાયના સમયગાળામાં (નવેમ્બર થી મે) પાણીની ગુણવત્તા વધુ ખરાબ હોય છે, તે પાણીવાળી ચા જેવું લાગે છે. “અમે ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. એવામાં ડૉક્ટર ની સારવાર કે ટેસ્ટ માટે હું પટના કેવી રીતે જઈ શકું?” તેઓ પૂછે છે. તેમની હથેળીઓમાં ભયંકર ખંજવાળ આવે છે, અને જ્યારે તે ડિટરજન્ટને અડે છે અથવા દિવસ ભરમાં એકઠા થયેલ છાણને ભેગું કરે છે ત્યારે તેમને હાથમાં ખૂબ બળતરા થાય છે.

રામુની કહે છે, "સ્ત્રીઓ અને પાણી ખૂબ નજીકથી સંકળાયેલ છે, કારણ કે બંને ઘરના કેન્દ્રમાં છે. તેથી જો પાણી ખરાબ હોય તો સ્વાભાવિક છે કે મહિલાઓ પર સૌથી વધુ અસર થશે.” ઉમાશંકર ઉમેરે છે કે કેન્સરની સામાજિક ભીતિ ઘણાને, ખાસ કરીને મહિલાઓને, સારવાર લેવામાં ત્યાં સુધી આડે આવે છે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

ગામની આંગણવાડીએ, તેઓ મને કહે છે, રામુનીના સ્તન કેન્સરની જાણ થયા પછી તરત જ પાણીની ગુણવત્તા વિશે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. મુખી તરીકે ચૂંટાઈ આવે તો તે (રામુની) આ વિષયે વધુ કામ કરવાની યોજના ધરાવે છે. "દરેક જણને તેમના ઘર માટે આરઓ પાણી ખરીદવાનું પરવડી શકે તેમ નથી," તે કહે છે. “અને બધી સ્ત્રીઓ સરળતાથી હોસ્પિટલમાં જઈ શકતી નથી. અમે આમાંથી બચવાની બીજી રીતો શોધવાનો પ્રયત્ન કરતા રહીશું. ”

PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોર છોકરીઓ અને યુવતીઓ પર રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટ ભારતના પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા-સપોર્ટેડ પહેલનો એક ભાગ છે જે સામાન્ય લોકોના અવાજો અને જીવંત અનુભવ દ્વારા આ મહત્વપૂર્ણ છતાં હાંસિયામાં ધકેલાયેલા જૂથોની પરિસ્થિતિનું અન્વેષણ કરે છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર  લખો.

અનુવાદક: જાહ્નવી સોધા

Kavitha Iyer

ಕವಿತಾ ಅಯ್ಯರ್ 20 ವರ್ಷಗಳಿಂದ ಪತ್ರಕರ್ತರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ‘ಲ್ಯಾಂಡ್‌ಸ್ಕೇಪ್ಸ್ ಆಫ್ ಲಾಸ್: ದಿ ಸ್ಟೋರಿ ಆಫ್ ಆನ್ ಇಂಡಿಯನ್ ಡ್ರಾಟ್’ (ಹಾರ್ಪರ್ ಕಾಲಿನ್ಸ್, 2021) ನ ಲೇಖಕಿ.

Other stories by Kavitha Iyer
Illustration : Priyanka Borar

ಕವರ್ ಇಲ್ಲಸ್ಟ್ರೇಷನ್: ಪ್ರಿಯಾಂಕಾ ಬೋರಾರ್ ಹೊಸ ಮಾಧ್ಯಮ ಕಲಾವಿದೆ. ಹೊಸ ಪ್ರಕಾರದ ಅರ್ಥ ಮತ್ತು ಅಭಿವ್ಯಕ್ತಿಯನ್ನು ಕಂಡುಹಿಡಿಯಲು ತಂತ್ರಜ್ಞಾನವನ್ನು ಪ್ರಯೋಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಕಲಿಕೆ ಮತ್ತು ಆಟಕ್ಕೆ ಎಕ್ಸ್‌ಪಿರಿಯೆನ್ಸ್ ವಿನ್ಯಾಸ‌ ಮಾಡುತ್ತಾರೆ. ಸಂವಾದಾತ್ಮಕ ಮಾಧ್ಯಮ ಇವರ ಮೆಚ್ಚಿನ ಕ್ಷೇತ್ರ. ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪೆನ್ ಮತ್ತು ಕಾಗದ ಇವರಿಗೆ ಹೆಚ್ಚು ಆಪ್ತವಾದ ಕಲಾ ಮಾಧ್ಯಮ.

Other stories by Priyanka Borar
Editor and Series Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Jahanvi Sodha

Jahanvi Sodha is a student of Critical Thinking and Liberal Arts Diploma Program at Ahmedabad University and works with Youth for Swaraj. She is interested in the environment and history.

Other stories by Jahanvi Sodha