કોરોના વાઇરસ વિષે પ્રધાનમંત્રીના પહેલા ભાષણે જ આપણને થાળી વાડકા ટીપી ટીપીને બધા દુષ્ટ આત્માઓને ભગાડતાં કરી મૂક્યા.

અને એમના બીજા ભાષણે આપણે બધાને ટીપી કાઢ્યા.

આવનારા દિવસોમાં જનતા, ખાસ કરીને ગરીબો કઈ રીતે ખાવા પામશે કે કેવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ એમના સુધી પહોંચશે એ વિષે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર એમણે લોકોના ટાંપીને બેઠેલા ભયને હવા આપી. મધ્યમવર્ગ દુકાનો ને બજારોમાં ઉમટી પડ્યો -- જે ગરીબો માટે શક્ય નહોતું. નહોતું શક્ય શહેર છોડીને એમને ગામ જઈ રહેલા સ્થળાંતરિત લોકો માટે. નહોતું શક્ય નાના ફેરિયાઓ, કામવાળાઓ, ખેત મજૂરો માટે. નહોતું શક્ય રવિની ફસલ પૂરી ના કરી શકતા - કે ફસલ સાથે ફસાયેલા ખેડૂતો માટે. નહોતું શક્ય ભારતના હજારો લાખો છેવાડાના લોકો માટે.

નાણામંત્રીએ ગઈકાલ 26 માર્ચે જાહેર કરેલા પેકેજમાં જો કોઈ એક સારી વાત હોય તો એ છે: દરેક વ્યક્તિને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ (પીડીઍસ) મળતા 5 કિલો અનાજ ઉપરાંત  ત્રણ મહિના સુધી વધારાના 5 કિલો ઘઉં કે ચોખા મફત આપવાની વ્યવસ્થા. એમાં પણ એ સ્પષ્ટ નથી કે પહેલાના યોજના પ્રમાણે મળતા 5 કિલો પણ મફત મળશે કે પછી એના પૈસા આપવાના રહેશે. અને જો એના પૈસા આપવાના હોય તો એ નિરર્થક હશે. પેકેજમાં ઉલ્લેખાયેલા મોટાભાગના પગલાંમાંની રકમ એ જ યોજનાઓની છે જે પહેલેથી અસ્તિત્વમાં છે. જેમકે મનરેગાના વેતનમાં 20 રૂપિયાનો વધારો નિશ્ચિત જ હતો-- અને આમાં ક્યાંય કામના દિવસોના વધારાનો ઉલ્લેખ ક્યાં છે?  અને માનો કે તમે લાગી પણ જાઓ કામે; પણ કામ આવશે ક્યાંથી, અને એ કામના સમયે સામાજિક અંતર રાખવાનું શક્ય હશે?  આ સ્તરનું કામ  ઉપલબ્ધ કરવા માટે જે સમય જોઈશે એ બધા અઠવાડિયાઓમાં લોકો શું કરશે? શું તેમનું સ્વાસ્થ્ય એમનો સાથ આપશે?  આપણે મનરેગાના દૈનિક વેતન દરેક મજૂર ને ખેડૂતને  જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી આપવા જ રહ્યા, પછી ભલે એમને માટે કામ હોય કે ના હોય.

2000 રૂપિયાનો લાભ તો પીએમ-કિસાન હેઠળ હતો જ અને અપેક્ષિત હતો -- તો એનાથી ઉમેરાયું શું?  જે લાભ ત્રણ માસના અંતે મળવાનો હતો તે હવે અગાઉથી મળવાનો થયો. મહામારી ને લૉકડાઉનની પરિસ્થિતિ સામે લેવાતા પગલાં રૂપે જે 1.7 લાખ કરોડ ફાળવવામાં આવ્યા એનો સ્પષ્ટ વિભાજીત ખ્યાલ, કે એમાં આવરી લેવાયેલા નવા પગલાંનો ખ્યાલ નાણામંત્રીએ આપણને આપ્યો જ નહિ. જાહેર કરાયેલી કુલ રકમનો કેટલો હિસ્સો જૂની કે હાલમાં અસ્તિત્વમાં હોય એવી યોજનાઓમાંથી વાળીઝૂડીને ભેગા કરેલા આંકડાઓનો છે? એની ગણના તો કટોકટીના પગલાંમાં ભાગ્યે જ થઇ શકે. વધુમાં, સેવાનિવૃત્તો, વિધવાઓ, અને દિવ્યાંગોને એકવારની સહાયરૂપે આવનારા ત્રણ મહિના દરમ્યાન બે તબક્કામાં રૂપિયા 1000 આપવામાં આવશે ? તેમજ જન ધન યોજનાના ખાતા ધરાવતી 20 કરોડ બહેનોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 500 આપવામાં આવશે? આ તો સૂચક પણ નહિ; આ શરમજનક કહેવાય.

સ્વ-સહાય જૂથો માટે લોનની મર્યાદા વધારવાથી પરિસ્થિતિ કેમની બદલાશે જયારે મંજૂર થયેલી લોનની રકમ મેળવાવમાં લોકોને નવ નેજાં પાણી ઉતરે છે? અને પેલા પોતાને ઘેર, ગામ જવા મથતાં અગણિત સ્થળાંતરિત મજ઼દૂરોને, જે રસ્તામાં અધવચ્ચે ફસાયેલા છે, એમને આ 'પેકેજ' કેવી રીતે મદદ કરશે? માત્ર એમ કહેવું કે એ સ્થળાંતરિત લોકોને મદદ કરશે એ તદ્દન અપૂરતું છે. તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવાના જાહેર કરાયેલા પગલાંઓમાં  રહેલી આ ખામીઓ ચિંતાજનક છે, એમજ આ 'પેકેજ' તૈયાર કરનારનું વલણ અત્યંત ભય ઉપજાવનારું છે. તેમાં આંખ સામે ઉભી થઇ રહેલી પરિસ્થિતિઓ વિષે સંપૂર્ણ ઉદાસીનતા જોવા મળે છે.

PHOTO • Labani Jangi

આ લેખ સાથેના બંને ચિત્રો એક સર્જકની આંખે નિરૂપાયેલાં દિલ્હી અને નોઇડાથી ઉત્તરપ્રદેશ ને બીજે તેમના ગામો તરફ પાછા જતા સ્થળાંતરિત કામદારોની અવળી મુસાફરીના દ્રશ્યો છે.  કલાકાર લાબાની જંગી એક ચિત્રકાર છે. ચિત્રકાલાનું જ્ઞાન એમણે સ્વયં સાધનાથી પ્રાપ્ત કર્યું છે. તેઓ હાલમાં સેન્ટર ફોર સોશિયલ સાયન્સીસ, કલકત્તામાં મજૂરોના સ્થળાંતરના વિષયમાં પીએચડી નો અભ્યાસ કરી રહ્યા છે.

આપણે અત્યારે જે રીતના લૉકડાઉનમાં છીએ - નબળા વર્ગોને માટે કોઈ સામાજિક સહાયતાઓ કે પૂર્વતૈયારી વગરના-- તેવા લૉકડાઉન આપણને આવા અવળા સ્થળાંતરો તરફ નક્કી દોરી જઈ શકે છે, દોરી જઈ રહ્યા છે. કોઈ ચોક્કસ આંકડો મેળવવો આમાં  શક્ય નથી, પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી મળતા અહેવાલો પ્રમાણે  લોકો જે નાના મોટા શહેરોમાં કામ કરતાં હતાં એ બધા લૉકડાઉન હેઠળ આવતા મોટી સંખ્યામાં લોકો પોતાના ગામડાંઓ તરફ પાછા જઈ રહ્યા છે.

ઘણા એમની પાસે છે તે એક માત્ર પરિવહનનું સાધન વાપરીને જઈ રહ્યા છે -- અને તે છે એમના પોતાના પગ. કોઈ સાયકલ પર જઈ રહ્યા છે. તો ઘણા અડધે રસ્તે અટવાયેલા છે કારણ ટ્રેન, બસ, વાન બધું ઠપ્પ થઇ ગયું છે. વિચારો જો પરિસ્થિતિ વધુ વિકટ થશે તો જે આભ તૂટી પડશે આપણે માટે એનો વિચાર માત્ર ડરાવી મૂકે તેવો છે.

વિચારો, ગુજરાત થી રાજસ્થાન, હૈદરાબાદ થી તેલંગાનાના અને આંધ્રપ્રદેશના દૂરના ગામો તરફ, દિલ્હીથી ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ, મુંબઈથી કોણ જાણે કઈ કેટલાય રાજ્યોના કેટલાય ગામો તરફ મોટા જૂથમાં ઘર તરફ ચાલતાં  લોકો વિષે. જો એમની વહારે કોઈ ના આવ્યું અને એમનો ઝડપથી ખાલી થતો અનાજ પાણીનો પૂરવઠો ખૂટી ગયો તો હોનારત સર્જાશે.  એ સૌ ઝાડા, ઉલટી, કોલેરા,જેવા સદીઓ જુના કંઈ કેટલાય રોગના શિકાર બનશે.

ઉપરાંત, આર્થિક આપત્તિઓ વધતાં એવી સ્થિતિ સર્જાશે જેમાં આપણે કદાચ મોટી સંખ્યામાં કામદાર અને યુવાન લોકોને મોતનો શિકાર થતાં જોઈશું. પીપલ્સ હેલ્થ મૂવમેન્ટના વૈશ્વિક સંચાલક  ટી સુંદરરામને PARIને જણાવ્યું કે, "તબીબી સારવારના અભાવ વચ્ચે આ આર્થિક આપત્તિને કારણે આપણે કોરોના વાયરસની જગ્યાએ બીજા અનેક રોગોથી થતા મોત જોઈશું.

કુલ જનસંખ્યાના 8 ટકા લોકો જે 60 વર્ષ કે એથી ઉપરના છે તેમને કોરોના વાયરસથી સૌથી વધારે ખતરો છે. બીજા રોગોનો રાફડો ફાટતાં, અને આવશ્યક તબીબી સારવારની ગેરહાજરીમાં યુવાન કામદાર વર્ગની જનસંખ્યાને મોટો ફટકો પડશે.”

નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના ભૂતપૂર્વ કારોબારી સંચાલક, પ્રો. સુંદરરામન, "અવળા સ્થળાંતરોની સમસ્યા અને આજીવિકાના નુકશાનના પ્રશ્નોની નોંધ લેવાની તેમજ એ ઉપર કામ કરવાની" જરૂર ઉપર ભાર મૂકે છે. "આમાં જો આપણે અસફળ રહયાં તો એ સૌ બીમારીઓ જે વર્ષોથી ગરીબોને સતાવે છે અને તેમના મોતનું કારણ બને છે તે બધીય કોરોના વાયરસથી થતા મોત ને આંબી જશે."  ખાસ કરીને શહેરમાં રહેતા સ્થળાંતરિત કામદારોનું નજીવું વેતન બંધ થતા ભૂખમરાની પકડમાં આવશે અને જો અવળાં સ્થળાંતર વધશે તો સ્થિતિ વધુ વણસશે.

PHOTO • Rahul M.

થાકેલા સ્થળાંતરિત કામદારો જે દર અઠવાડિયે આંધ્રપ્રદેશમાં અનન્તપુર અને કેરાલામાં કોચીની વચમાં આવજા કરે છે.

ઘણા સ્થળાંતરિત લોકો એમના કામની જગ્યાએ જ રહે છે. એ જગ્યાઓ બંધ થતા એમને હવે ત્યાંથી જવાની સૂચના મળે છે -- આ લોકો જાય ક્યાં? લાંબા લાંબા અંતરો પગપાળા કાપવા એ  દરેકના ગજાની વાત નથી. એમની પાસે રાશન કાર્ડ નથી-- એમની પાસે ખાવાનું કેવી રીતે પહોંચડશો?

આર્થિક સંકટ ગતિ પકડી રહ્યું છે.

જે ઉભરીને આવે છે તે છે સ્થળાંતરિત મજૂરોનું, કામવાળાઓનું, અને ગરીબોનું મોટી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા થઇ રહેલું વિમુદ્રીકરણ (ડીમોનિટાઇઝેશન), કારણ સોસાયટીઓના લોકોને ખાતરી છે કે આ લોકો સમસ્યાની જડ છે. હકીકત: કોવિડ 19 ના વાહક, જેવા પહેલા સાર્સ (SARS)ના હતા,  હવામાં ઉડવાવાળા વર્ગના છે. આ સમજવાને બદલે આપણે જાણે આપણા શહેરોની ગંદકીને દૂર કરી રહ્યા હોઈએ એમ આ બધા અનિચ્છનીય તત્વોને બહાર કાઢી રહ્યા છીએ. વિચાર કરો: આ ઉડતા વાહકોએ જો વાયરસ આ સ્થળાંતર કરી રહેલા લોકોમાંના એકાદને આપ્યો હોય અને એ ગામડે પહોંચે પછી એનું પરિણામ શું આવે?

થોડાઘણા સ્થળાંતરિત કારીગરો હંમેશા પગપાળા એક ગામથી બીજે ગામ ગયા છે, ખાસ કરીને જયારે એ ગામો એક જ રાજ્યના કે આજુબાજુના રાજ્યોના હોય. પરંપરા એવી હોતી કે જયારે આમ ચાલતા જતાં હોય ત્યારે રસ્તામાં આવતા ઠેલા ને ધાબાઓ પર રોકાઈ, થોડું કામ કરે અને એ બહાને એક સમયના ખાવાનાની  અને રાતના સૂવાની વ્યવસ્થા થઇ જાય. પણ હવે તો એ બધાં બંધ થયા છે-- શું થશે?

ઉપલા અને મધ્યમ વર્ગના લોકોનું એમ માનવું છે કે જો આપણે ઘેર રહીશું ને આ સામાજિક અંતરનું બરાબર પાલન કરીશું તો બધું ઠીક થઇ જશે. કઈ નહિ તો આપણને વાઇરસનો ચેપ નહિ લાગે. ઘણાને મન આ સામાજિક અંતરના જુદા સંદર્ભો છે. આપણે જ લગભગ બે સહસ્ત્રક પહેલા આનું એક મજબૂત સ્વરૂપ શોધ્યું હતું – જ્ઞાતિ. જ્ઞાતિ અને વર્ગ એ આપણા લૉકડાઉનની રીત અને  પ્રતિભાવમાં પણ જાણે વણાઈ ગયેલા છે.

એક દેશ તરીકે આપણને એ વાત અડતી નથી કે 2.5 લાખ જેટલા ભારતીયો દર વર્ષે ટ્યુબરક્યુલોસિસની  બીમારીથી મરે છે. કે પછી ઝાડાઉલટીથી મરતાં બાળકોની સંખ્યા વર્ષે 100,000 છે. એ આપણામાંના નથી. ભય ને આતંક ત્યારે ફેલાય છે જયારે રૂપાળાં લોકોને સમજાય છે કે કોઈ ઘાતક બીમારી સામે લડવા એમની પાસે કોઈ પ્રતિકારક શક્તિ નથી. SARS માં પણ એમ હતું. 1994ના સુરતના પ્લેગમાં પણ એવું હતું. બંને ખતરનાક બીમારી છે પણ તેમને ભારતમાં લઇ શકે એ કરતાં ઘણા ઓછા લોકોનો ભોગ લીધો છે. પરતું એમની પર આપણે  ઘણું ધ્યાન આપ્યું છે. મેં એ સમયે સુરત વિષે લખતાં કહેલું, "પ્લેગના જીવાણુઓ ખતરનાક હોય છે, એ વિમાનમાં મુસાફરી કરી,  ઊડનારા વર્ગ સાથે ન્યૂ યોર્ક સુઘી પહોંચી શકે છે."

PHOTO • Jyoti

મુંબઈના ચેમ્બુરના માહુલ ગામનાં સફાઈ કામદારો કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર ઘણુંખરું ઝેરી કચરામાં કામ કરે છે.

આપણે અત્યારે કામે લાગવાની જરૂર છે.  આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા -- મહામારીના પણ 'પેકેજ' હોય છે.  આર્થિક સંકટ એમાનું આપણે જાતે ઉભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

એ ખ્યાલ કે આપણે માત્ર એક વાઇરસ સામે લડી રહ્યા છે અને એક વખત એની સામે જીતી ગયા તો બધું ઠીક થઇ જશે -- એ બહુ જોખમી ખ્યાલ છે. આપણે કોવિડ 19 સામે અવશ્ય લડવું જોઈએ -- "સ્પેનિશ ફલૂ" ના ખોટા નામે પ્રચલિત અને 1918માં ફેલાયેલી મહામારી પછીની આ સૌથી ખરાબ મહામારી હોઈ શકે છે.  (જેમાં ભારતના 16 થી 21 મિલિયન લોકોએ એમના જીવ ગૂમાવ્યા હતાં અને 1921 ની વસ્તીપત્રક એ એવું એમ માત્ર વસ્તીપત્રક હતું જેમાં ગ્રામીણ વસ્તીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો હતો).

પરંતુ વિશાલ ફલકનો વિચાર કાર્ય વગર માત્ર કોવિડ-19 ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે ચકલી ચાલુ રાખી, પાણી ગળતું રાખી ને જમીન પર પોતું કરવા જેવી વાત છે.

આપણે એવા અભિગમની જરૂર છે જે જાહેર આરોગ્ય પ્રણાલીના, હક અને અધિકારોના વિચારો મજબૂત કરે

આરોગ્ય ક્ષેત્રના કેટલાક મહાન માથાંઓએ 1978માં ડેક્લેરેશન આલ્મા આટા તૈયાર કર્યું હતું -- એ દિવસોની વાત છે જયારે પશ્ચિમની સરકારોએ  કોર્પોરેટ હિતની સામે WHO ને ઘૂટણા ટેકતું નહોતું કરી મૂકયું. એ નિવેદન (ડેક્લેરેશન)એ આ વાક્ય પ્રચલિત કરી મૂકેલું "હેલ્થ ફોર ઓલ બાય 2000" (2000 સુધીમાં સૌનું આયોગ્ય).  એમાં એક એવી માન્યતા હતી કે આરોગ્ય એ દુનિયાના સૌ લોકો ભોગવી શકે છે "દુનિયાની પૂંજીનો વધારે અને સારો ઉપયોગ કરીને.."

અને 80થી શરુ કરીને આરોગ્યના સામાજિક અને આર્થિક પાસાઓને સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરતું એની સાથે સાથે એક બીજો વિચાર પણ વેગ પકડી રહ્યો છે. ખૂબ ઝડપથી: ઉદારમતવાદ (નીઓ લિબરલીઝમ)।

80ના દાયકાના પાછળના ભાગમાં અને 90ના દાયકાથી શરુ કરીને આરોગ્ય, ભણતર, અને આજીવિકા એ બધાને માનવ અધિકારમાં ગણાતા જ જાણે બંધ થઇ ગયા છે.

1990માં આવ્યું બીમારીઓનું વૈશ્વિકરણ. પરતું આ ઘાતક પડકારને પહોંચી વાળવા માટે વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવાને બદલે કેટલાય રાષ્ટ્રો એ આરોગ્યના ક્ષેત્રમાં ખાનગીકરણનો રસ્તો અપનાવાયો. ભારતમાં પહેલેથીજ ખાનગી સંસ્થાઓનું વર્ચસ્વ રહ્યું છે. આપણે આરોગ્ય પર ખર્ચ કરવાની બાબતમાં વિશ્વમાં સૌથી પછાત છીએ. જીડીપી નો માત્ર 1.2 ટકા હિસ્સો આપણે આરોગ્ય સેવાઓ પાછળ ફાળવીએ છીએ. 1990થી શરુ કરીને જે યોજનાઓ આપણે એક ઇરાદાપૂર્વક અમલમાં મૂકી એના ફળ સ્વરૂપ આપણું જાહેર આરોગ્ય તંત્ર જે પહેલેથી જ કથળેલું હતું તે વધુ નબળું થયું. આપણી હાલની સરકાર હવે જિલ્લા સ્તરની હોસ્પિટલોના આયોજનનો દોર સાંભળવા પણ ખાનગી કંપનીઓને આમંત્રે છે.

સ્વાસ્થ્યને લઈને થતા ખર્ચાઓ એ આજની તારીખે ગ્રામીણ કુટુંબોમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે. 2018ના જૂન મહિનામાં સ્વાસ્થ્ય વિશેની માહિતીનું વિશ્લેષણ કરતા પબ્લિક હેલ્થ ફોઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ તારણ કાઢયું કે પોતાના સ્વાસ્થ્યને માટે કરવા પડતા ખરચાને કારણે 2011-12 ના માત્ર એક વર્ષની અંદર 55 મિલિયન લોકો ગરીબી રેખા તળે ગયા હતા, અને એમાંના 38 મિલિયન માત્ર દવાઓના ખર્ચને કારણે ગરીબી રેખા નીચે ગયા.

ખેડૂતોએ આત્મહત્યા કરી હતી એવા હજારો ઘરો વચ્ચે જો કોઈ સામ્ય હોય તો એ હતું સ્વાથ્યને માટે કરવા પડતા અમર્યાદ ખર્ચ -- અને તેને માટે કરવું પડતું શાહુકારનું દેવું

PHOTO • M. Palani Kumar

ચેન્નાઈના સફાઈ કામદારો, અને એમના પ્રતિરૂપી બીજા ઘણાય, કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર સફાઈનું કામ કરે છે.

આપણી  પાસે સૌથી વધુ વસ્તી છે જે કોવિડ 19 જેવી મહામારીને સહેવા માટે બિલકુલ તૈયાર નથી. અને હવે કોઈ અત્યંત દુઃખની વાત હોય તો એ કે : બીજા ઘણા નામથી કોવિડ આવશે આવનારા દિવસોમાં. 1990થી લઈને આપણે SARS અને MERS (જે બંને કોરોના વાયરસથી જ આવેલા) અને બીજી અનેક બીમારીઓનો વૈશ્વિક વ્યાપ જોયો છે. ભારતમાં 1994માં સુરતમાં પ્લેગ આવેલો. જે તમામ સંકેતો છે આપણે જે પ્રકારની દુનિયા બનાવી છે  તેના તેમજ જેમાં આપણે પ્રવેશી રહ્યા છીએ એ દિવસોના.

ગ્લોબલ વીરોમ પ્રોજેક્ટ ના પ્રોફેસર ડેનિસ કૅરોલે હાલમાં કહ્યું એ પ્રમાણે: " આપણે સૌ પર્યાવરણની એ સૌ મેખલાઓમાં જેમાં પહેલા ક્યારેય નહોતા વસ્યા ત્યાં બધે ખૂબ ઊંડા પહોંચી ગયા છીએ. "  એમનું કહેવું છે કે જે વિસ્તારોમાં પહેલા ખૂબ ઓછી માનવ વસ્તી હતી એ બધે ખોદકામ કરીને કાઢવામાં આવતા તેલ અને ખનીજ તત્વો માટે આપણે ખાસ્સી મોટી રકમ ચૂકવીએ છીએ. પર્યાવરણની નાજુક મેખલાઓ પર આપણું વધતું જતું આક્રમણ માત્ર વાતાવરણને અસર નથી કરતું, પરંતુ એને કારણે વધતા જતા વન્યપ્રાણી સૃષ્ટિ અને માનવો વચ્ચેના સંપર્કથી અને તેથી ફેલાતા ચેપ અને  વાયરસથી (જેના વિષે આપણે બહુ ઓછું કે કંઈ પણ જાણતા નથી) આપણે આપણા સ્વાસ્થ્ય માટે  હોનારત નોતરીએ છીએ.

હા, નક્કી આપણે આવું બધું વધારે ને વધારે જોવાના છીએ

જ્યાં સુધી કોવિડ-19ની વાત છે, એ બે રીતે આગળ વધી શકે છે.

જો વાયરસનું પરિવર્તન થાય (આપણા ફાયદા માટે) અને એ થોડા અઠવાડિયામાં અદ્રશ્ય થઇ જાય.

કાં એ પોતે પોતાના લાભ માટે પરિવર્તિત થાય અને તો એનું ચલણ વધારે ખરાબ થાય. જો એવું થાય તો માનો આભ તૂટી પડે.

આપણે શું કરી શકીએ? ભારતના ઉચ્ચ કક્ષાના વિચારકો, સમાજ સેવકો, અને બુદ્ધિજીવીઓ દ્વારા કરાયેલા સૂચનોની સાથે, એના ઉપરાંત, તેમજ એના સંદર્ભમાં, તેમજ કેરાલાની સરકારના પગલાંઓથી પ્રેરાઈને હું આ થોડા સૂચનો રજુ કરું છું. (આ વિચારો દેવું, ખાનગીકરણ અને આર્થિક વ્યવસ્થાના પરાજયના વિશાળ વૈશ્વિક સંદર્ભને ધ્યાનમાં રાખી ને ઉચ્ચારાયેલા છે).

સૌથી પહેલાં જે કરવું જોઈએ: સંકટ સમયે 60 મિલિયન ટનના 'સર પ્લસ' અનાજના વિતરણની તૈયારી કરવી. આ સંકટમાં ઘેરાયેલા લખો સ્થળાંતરિત  મજૂરો ને ગરીબો સુધી તાત્કાલિક ધોરણે મદદ લઇ પહોંચવું. તમામ સામુદાયિક સ્થળો (જેવા કે શાળાઓ, કોલેજો, સામુદાયિક હૉલ, અને મકાનો) જેમને હાલ પૂરતા બંધ કરાયાં છે તેને અટવાયેલા સ્થળાંતરિત લોકો તેમજ ઘરબાર વિનાના લોકો માટે આશ્રયસ્થાનો જાહેર કરવા.

બીજું, અને એટલું જ અગત્યનું, બધા ખેડૂતોને ખરીફ પાકની વાવણી માટે તૈયાર કરવા . જો હાલની પરિસ્થિતિ લાંબી ચાલશે તો ખાદ્ય પૂરવઠાને લઈને એક ભયાનક સ્થિતિ આપણી ઉપર ઝળૂંબી રહી છે. ખેડૂતો આ મોસમની રોકડિયા પાકોની  ફસલ વેચી શકશે નહિ. એવામાં વધુ રોકડિયા પાકો તરફ જવું ઘાતક નીવડશે. કોરોના વાયરસની રસી શોધતાં મહિનાઓ થશે. ત્યાં સુધીમાં અનાજના ભંડારો ખૂટી પડશે.

સરકારે ખેડૂતોની ફસલ ખરીદવામાં મોટી મદદ કરવાની જરૂર છે. ઘણા સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીન્ગ) અને લૉકડાઉનની વચમાં રવિની ફસલ પૂરી કરી શકે તેમ નથી.  જેમણે કરી છે એમને પરિવહનની ને વેચાણની કોઈ સુવિધા નથી. ખરીફના  ખાદ્ય પાકોને માટે પણ ખેડૂતોને કોઈ નિવેશ, સહાય કામગીરી, વિતરણ બધામાં મદદ જોઈશે

સરકાર દેશની તમામ ખાનગી હોસ્પીટલોનું રાષ્ટ્રીયકરણ કરવું રહ્યું. હોસ્પિટલોને માત્ર એક ખૂણો કોરોના માટે આરક્ષિત કરવાનું કહેવાથી કંઈ નહિ થાય. સ્પેઇનએ ગયા અઠવાડિયે એ વાત સમજી કે નફાની દ્રષ્ટિએ ચાલતી વ્યવસ્થા દ્વારા આ સંકટને પહોંચી વાળવું અશક્ય છે અને એણે દેશની તમામ હોસ્પીટલો તેમજ આરોગ્ય સેવા પૂરી પાડતી સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ કર્યું

સફાઈ કામદારોને તાત્કાલિક ધોરણે સરકારના/મ્યુનિસિપાલિટીના પૂરા સમયના કામદાર તરીકે જાહેર કરી એમના માસિક વેતનમાં  રૂપિયા 5000નો વધારો કરવો, તેમજ તેમને હંમેશા જેનાથી વંચિત રાખ્યા છે એ તમામ આરોગ્ય સેવાઓના લાભ મળે તેની વ્યવસ્થા કરવી રહી. તેમને રક્ષણાત્મક પોશાક ને સાધનો પણ આપવા રહ્યા. છેલ્લા ત્રણ દાયકાઓથી આપણે પહેલેથી નબળા એવા લાખો સફાઈ કામદારોને જાહેર સેવાઓમાંથી બહાર કરીને, એમની નોકરીઓને ખાનગી કંપનીઓને આપીને -- જે પાછળથી એ જ કામદારોને કરાર ઉપર અને પહેલાથી ઓછા વેતન અને કોઈ લાભ વગર એજ કામમાં ફરી રોપે છે -- વધુ રંજાડ્યા, ઊજડ્યા છે.

ગરીબો માટે ત્રણ મહિનાની મફત ખાદ્ય સામગ્રી જાહેર કરવી અને પહોંચતી કરવી.

આશા (ASHA) આંગણવાડી અને મધ્યાહન ભોજનના તમામ કાર્યકર્તાઓને જે સૌ આગળની હરોળમાં રહીને લડનારા છે તેમને તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓ તરીકે કાયમી કરવા. ભારતના બાળકોનું સ્વાસ્થ્ય અને  જિંદગીઓ એમના હાથમાં છે. એમને પણ પૂરા સમયના વેતન મેળવતા પૂર્ણ સમયના કર્મચારીઓ જાહેર કરવાની તેમજ રક્ષણાત્મક પોશાક અને સાધનો પૂરા પાડવાની જરૂર છે.

ખેડૂતો અને મજ઼દૂરોને આ સંકટ દૂર ના થાય ત્યાં સુધી મનરેગા (MGNRGA) નું મહેનતાણું આપવું. શહેરી રોજના કારીગરોને પણ આ સમય પૂરતા 6000 રૂપિયા મહિનાના આપવા.

આપણે આ પગલાં ભરવાની તાતી જરૂર છે. સરકારનું 'પેકેજ'  ઉદાસીનતા અને અજ્ઞાનતાનું આશ્ચર્યજનક મિશ્રણ છે. આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા -- મહામારીના પણ 'પેકેજ' હોય છે.  આર્થિક સંકટ એમાનું  આપણે જાતે ઉભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

જો વાઇરસ આવનારા અઠવાડિયાઓમાં હટવાનું નામ નહિ લે  તો ખેડૂતોને ખરીફની મોસમમાં ખાદ્ય પદાર્થો ઉગાડવા સમજાવવા એ સૌથી વધુ અગત્યનું હશે.

આ સાથે શું આપણે કોવિડ-19ને, થોડી તટસ્થતાથી, ઇતિહાસની એક અદભૂત સાક્ષાત્કારની પળ તરીકે જોઈ શકીએ? એક એવો ચોરાહો જ્યાં ઉભા રહી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ તરફ આગળ વધીશું. અસમાનતા અને આરોગ્ય ન્યાયની ચર્ચાઓને ફરી એક વાર જગાવવા અને સમજવા આપણેને પ્રેરતી ક્ષણ.

આ લેખની એક આવૃત્તિ પહેલા ધ વાયર માં માર્ચ 26, 2020ના દિવસે પહેલા પ્રકાશિત થઇ છે.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

ಪಿ. ಸಾಯಿನಾಥ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಥಾಪಕ ಸಂಪಾದಕರು. ದಶಕಗಳಿಂದ ಗ್ರಾಮೀಣ ವರದಿಗಾರರಾಗಿರುವ ಅವರು 'ಎವೆರಿಬಡಿ ಲವ್ಸ್ ಎ ಗುಡ್ ಡ್ರಾಟ್' ಮತ್ತು 'ದಿ ಲಾಸ್ಟ್ ಹೀರೋಸ್: ಫೂಟ್ ಸೋಲ್ಜರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯನ್ ಫ್ರೀಡಂ' ಎನ್ನುವ ಕೃತಿಗಳನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ.

Other stories by P. Sainath
Translator : Pratishtha Pandya

ಪ್ರತಿಷ್ಠಾ ಪಾಂಡ್ಯ ಅವರು ಪರಿಯ ಹಿರಿಯ ಸಂಪಾದಕರು, ಇಲ್ಲಿ ಅವರು ಪರಿಯ ಸೃಜನಶೀಲ ಬರವಣಿಗೆ ವಿಭಾಗವನ್ನು ಮುನ್ನಡೆಸುತ್ತಾರೆ. ಅವರು ಪರಿಭಾಷಾ ತಂಡದ ಸದಸ್ಯರೂ ಹೌದು ಮತ್ತು ಗುಜರಾತಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಲೇಖನಗಳನ್ನು ಅನುವಾದಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸಂಪಾದಿಸುತ್ತಾರೆ. ಪ್ರತಿಷ್ಠಾ ಗುಜರಾತಿ ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಕವಿಯಾಗಿಯೂ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದು ಅವರ ಹಲವು ಕವಿತೆಗಳು ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಪ್ರಕಟವಾಗಿವೆ.

Other stories by Pratishtha Pandya