ગણેશ અને અરુણ મુકણે શાળામાં હોવા જોઈએ અનુક્રમે ધોરણ 9 અને 7માં. તેના બદલે, તેઓ થાણે જિલ્લામાં મુંબઈની હદમાં આવેલા ગામ કોલોશીમાં તેમના ઘેર સમય પસાર કરી રહ્યા છે. જે પણ ભંગાર ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને તેઓ કાર અને અન્ય વસ્તુઓ બનાવે છે. અથવા તો જ્યારે તેમના માતા-પિતા ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે ત્યારે તેઓ આસપાસ બેસીને સમય વિતાવે છે.

તેમનાં માતા નીરા મુકણે કહે છે, “તેઓ હવે ચોપડીઓમાંથી નથી ભણતા. આ નાનો [અરુણ] ભંગાર અને લાકડામાંથી રમકડાં બનાવવામાં વ્યસ્ત છે. તેનો આખો દિવસ રમતમાં જ જાય છે.” અરુણે તેમને ટૂંકાવીને કહ્યું, “હું તને કેટલી વાર કહું કે હું શાળાથી કંટાળી ગયો છું?” તેમની વચ્ચેની વાતચીત સારી રીતે સમાપ્ત થતી નથી અને એટલામાં અરુણ એક કામચલાઉ ગાડી સાથે રમવા માટે ચાલ્યો જાય છે જે તેણે તાજેતરમાં જ તેના ઘરના અને તેની આસપાસના કચરામાંથી બનાવેલ છે.

26 વર્ષીય નીરાએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે પરંતુ તેમના 35 વર્ષીય પતિ વિષ્ણુએ ધોરણ 2 પછી શાળા છોડી દીધી હતી. મુકણે પરિવાર મક્કમ છે કે તેમના છોકરાઓને ઔપચારિક શિક્ષણ મળવું જોઈએ જેથી તેઓ તેમના માતા-પિતાની જેમ જે કામ મળે તે કરવા મજબૂર ન થાય – સ્થાનિક પ્રવાહોમાં માછીમારી કરવી અથવા તો ઈંટોના ભઠ્ઠામાં કામ કરવું. ઘણા આદિવાસી પરિવારો ઈંટોના ભઠ્ઠાઓ પર કામ કરવા માટે શાહપુર-કલ્યાણ પ્રદેશમાં સ્થળાંતર કરે છે.

મહારાષ્ટ્રમાં ત્રણમાંથી એક, ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે સૂચિબદ્ધ કાતકરી સમુદાયના વિષ્ણુ કહે છે, “હું બહુ ભણી શક્યો ન હતો. પરંતુ હું ઇચ્છું છું કે મારા બાળકો સારી રીતે ભણે.” આદિજાતિ બાબતોના મંત્રાલયના 2013ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે રાજ્યમાં કાતકરી સમુદાયનો સાક્ષરતા દર 41 ટકા છે.

તેથી ચાર વર્ષ પહેલાં ત્યાં પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાના કારણે જ્યારે સ્થાનિક સરકારી શાળા બંધ થવા જઈ રહી હતી, ત્યારે વિષ્ણુ અને તેમનાં પત્નીએ તેમના છોકરાઓને મઢ ગામની સરકારી માધ્યમિક આશ્રમ શાળામાં (જેને સ્થાનિક રીતે મઢ આશ્રમશાળા તરીકે ઓળખવામાં આવે છે)મૂક્યા. આ રાજ્ય દ્વારા સંચાલિત ધોરણ 1-12 સુધીની દિવસે ચાલતી નિવાસી શાળા છે અને તે થાણે જિલ્લામાં મુરબાડથી 30 કિલોમીટર દૂર આવેલી છે. 379 વિદ્યાર્થીઓમાંથી 125 તેમના પુત્રો જેવા રહેણાંક વિદ્યાર્થીઓ હતા. વિષ્ણુએ કહ્યું, “હું ખુશ હતો કે તેઓને શાળામાં ખાવાનું અને ભણવાનું મળી રહ્યું હતું. પણ અમને તેમની ખૂબ યાદ આવતી હતી.”

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

ડાબે: અરુણ મુકણે તેમણે પોતે બનાવેલી લાકડાની સાઇકલ સાથે રમે છે. જમણે: મુકણે પરિવાર: વિષ્ણુ, ગણેશ, નીરા અને અરુણ તેમના ઘરની બહાર

જ્યારે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી અને શાળાઓ બંધ થઈ, ત્યારે કોલોશીના મોટાભાગના બાળકો જેઓ મઢ આશ્રમશાળામાં અભ્યાસ કરતા હતા તેઓ તેમના માતાપિતાને ઘેર પાછા ફર્યા.

વિષ્ણુના છોકરાઓ પણ ઘેર પરત ફર્યા. તેઓ ઉમેરે છે,“શરૂઆતમાં, જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે અમે ખુશ હતા કે તેઓ ઘેર પાછા આવ્યા.” ભલેને તેનો અર્થ એ હોય કે તેમણે વધુ કામ કરવું પડશે. વિષ્ણુ નજીકના નાના ચેકડેમમાં - બે થી ત્રણ કિલોગ્રામ - માછલી પકડીને તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે તેને મુરબાડમાં વેચતા હતા. હવે ઘેર છોકરાઓ હોવાથી, માછલીના વેચાણથી થતી આવક હવે પૂરતી ન હતી. આથી તેમણે પોતાની આવકને પૂરક બનાવવા નજીકના ઈંટોના ભઠ્ઠામાં કામ કરવાનું શરૂ કર્યું. તેમને દર હજાર ઈંટો ખસેડવા બદલ 600 રૂપિયા મળે છે, પણ તેઓ તેટલી રકમ ક્યારેય કમાવી શકતા નથી, કારણ કે લાંબા સમય સુધી કામ કરવા છતાંય તે દિવસમાં માત્ર 700-750 ઈંટો જ બનાવી શકે છે.

બે વર્ષ પછી, શાળા ફરી ખુલી છે અને મઢ આશ્રમશાળાએ વર્ગો શરૂ કર્યા છે, પરંતુ તેમના માતાપિતાની વિનંતીઓ છતાં, ગણેશ અને અરુણ મુકણે તેમના વર્ગખંડમાં પાછા જવા તૈયાર નથી. અરુણ કહે છે કે બે વર્ષનો તફાવત દૂર કરવો ખૂબ જ કઠીન છે અને તેમણે શાળામાં છેલ્લે શું કર્યું હતું એ   તેમને યાદ જ નથી. તેમના પિતા હાર માનતા નથી અને મોટા પુત્ર ગણેશને શાળામાં ફરીથી જવા માટે જે પાઠ્યપુસ્તકોની જરૂર પડશે તે લાવી આપવાનો પ્રયાસ પણ કરે છે.

નવ વર્ષીય કૃષ્ણ ભગવાન જાધવ કે જેઓ ચોથા ધોરણમાં હતા અને તેમના ત્રીજા ધોરણમાં ભણતા મિત્ર, કાલુરામ ચંદ્રકાંત પવાર, આશ્રમશાળામાં ફરીથી જોડાવાની ઈચ્છા ધરાવે છે: કૃષ્ણા અને કાલુરામે એકસાથે કહ્યું, “અમને વાંચવું અને લખવું ગમે છે.” પરંતુ બે વર્ષના અવકાશ પહેલાં તેઓએ ઔપચારિક શાળામાં માત્ર થોડા વર્ષો જ પસાર કર્યા હોવાથી, તેમની પાસે હવે કૌશલ્ય નથી અને તેમણે બધું નવેસરથી શરૂ કરવાની જરૂર પડશે.

આ બંને છોકરાઓ તેમની શાળા બંધ થઈ ત્યારથી તેમના પરિવારો સાથે તે વિસ્તારની નદીઓ અને નદીઓના કિનારેથી રેતી કાઢવા માટે મુસાફરી કરી રહ્યા છે. તેમના પરિવારો માટે કમાણીનું દબાણ વધું હતું કારણ કે બાળકો ઘેર હોવાથી, પરિવારમાં ખાવાવાળા વધારે લોકો હતા.

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

ડાબે: થાણે જિલ્લાના મઢ ગામમાં સરકારી માધ્યમિક આશ્રમ શાળા. જમણે: કૃષ્ણ જાધવ (ડાબે) અને કાલુરામ પવાર સ્થાનિક પ્રવાહમાં રમતા

*****

સમગ્ર દેશમાં, શાળા છોડવાનો દર અનુસૂચિત જનજાતિ સમુદાયના બાળકોમાં ધોરણ 5 પછી 35 ટકા છે; ધોરણ 8 પછી તે વધીને 55 ટકા થઈ જાય છે. કોલોશીની વસ્તી મુખ્યત્વે આદિવાસી છે અને આ ગામ અથવા વાડીમાં લગભગ 16 કાતકરી આદિવાસી પરિવારો રહે છે. મુરબાડ તાલુકામાં મા ઠાકુર આદિવાસીઓની પણ મોટી વસ્તી છે; આ બંને સમુદાયના બાળકો આશ્રમશાળામાં અભ્યાસ કરતાં હતાં.

અન્ય શાળાઓથી વિપરીત કે જેમણે વિચાર્યું હતું કે લોકડાઉન દરમિયાન તેઓ ઓનલાઇન વર્ગો ચલાવી શકશે, માર્ચ 2020માં, આદિવાસી વિદ્યાર્થીઓની મોટાભાગની વસ્તી ધરાવતી મઢ આશ્રમ શાળા, સીધી બંધ થઈ ગઈ હતી.

જાહેર થવા ન ઇચ્છતા એક શિક્ષક કહે છે, “ઓનલાઈન ભણતર લાગુ કરવું અશક્ય હતું કારણ કે તમામ વિદ્યાર્થીઓ પાસે કે તેમના પરિવારો પાસે સ્માર્ટફોન ન હતા. અમે ફોન કરીએ ત્યારે જેમની પાસે ફોન હતો તેઓ કામ કરતા માતા-પિતા પાસે રહેતો.” અન્ય લોકોએ ઉમેર્યું હતું કે ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક નથી અને તેઓ ગમે તેમ કરીને પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતા ન હતા.

એવું નથી કે તેઓએ પ્રયાસ નહોતો કર્યો. 2021ના અંતમાં અને 2022ની શરૂઆતમાં, કેટલીક શાળાઓએ નિયમિત વર્ગો ફરી શરૂ કર્યા હતા. પરંતુ વિષ્ણુના પુત્ર ગણેશ અને અરુણ, તેમજ કૃષ્ણ અને કાલુરામ જેવા ઘણા બાળકોનો વર્ગખંડના કામ અને શિક્ષણશાસ્ત્ર સાથેનો સંપર્ક પૂરેપૂરી રીતે તૂટી ગયો હતો અને તેઓ પાછા ફરવા માટે આનાકાની કરતા હતા.

એક શિક્ષકે પારીને કહ્યું, “અમે જે થોડા બાળકોને શાળામાં પાછા આવવા સમજાવ્યા હતા તેઓ વાંચવાનું ભૂલી ગયા હતા.” આવા વિદ્યાર્થીઓનું એક વિશેષ જૂથ બનાવવામાં આવ્યું હતું અને તેમના શિક્ષકોએ તેમના માટે વાંચન વર્ગો શરૂ કર્યા હતા. તેઓ ધીમે ધીમે પાછા આવી રહ્યા હતા એવામાં ફેબ્રુઆરી 2021માં મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર આવવાથી લોકડાઉનની ફરજ પડી અને માંડ માંડ અભ્યાસે આવવાની શરૂઆત કરનારા ભૂલકાઓ ફરી એકવાર ઘેર પાછા ફર્યા હતા.

*****

PHOTO • Mamta Pared

કાલુરામ અને કૃષ્ણ સાથે લીલા જાધવ. છોકરાઓ બપોરે માત્ર બાફેલા ભાત ખાય છે

કૃષ્ણનાં માતા લીલા જાધવે કહ્યું, “શું અમારે [અમારી કમાણીથી] ખાવાનું ખાવું કે પછી બાળકો માટે મોબાઈલ લેવા? મારા પતિ એક વર્ષથી બીમાર છે અને પથારીવશ છે.” તેઓ ઉમેરે છે, “મારો મોટો દીકરો  કલ્યાણમાં ઈંટોના ભઠ્ઠામાં ગયો છે.” તેમના માટે તેમના નાના દીકરાના ફક્ત શાળાના કામ માટે ઉપયોગમાં લેવાતો મોબાઇલ ખરીદવા માટે પૈસા ખર્ચવાનો તો પ્રશ્ન સુધ્ધાં પેદા નથી થતો.

કૃષ્ણ અને કાલુરામ બપોરનું ભોજન કરી રહ્યા છે – તે ભાતની થાળી છે જેમાં બીજું કંઈ નથી, શાકભાજી કે બીજું કંઇપણ. લીલા તેમના અને પરિવાર માટે જે વાસણમાં ચોખા રાંધ્યા છે તે બતાવવા માટે તેના ઉપરનું ઢાંકણ સરકાવે છે.

લીલા, દેવઘરના અન્ય લોકોની જેમ, જીવનનિર્વાહ માટે નદીઓના કિનારેથી રેતી કાઢે છે. આખો ટ્રક ભરીને રેતી વેચવાથી 3,000 રૂપિયા મળે છે અને એક ટ્રક ભરવા માટે એક અઠવાડિયામાં ત્રણથી ચાર લોકો કામ કરે છે. પછી પૈસા મજૂરો વચ્ચે વહેંચવામાં આવે છે.

હજું પણ ખાવાનું ખાઇ રહેલા કાલુરામ પૂછે છે, “અમે ફરી ક્યારથી ભણવાનું શરૂ કરી શકીશું?” આ એવો પ્રશ્ન છે કે જેનો જવાબ મળે તો લીલાને પણ ગમશે કારણ કે તેનો અર્થ માત્ર શિક્ષણ જ નહીં પણ બાળકો માટે ભોજનની ખાતરી પણ હશે.

*****

આખરે ફેબ્રુઆરી 2022માં મઢ આશ્રમશાળા ફરી ખોલવામાં આવી; કેટલાક બાળકો પાછા ફર્યા પરંતુ મધ્ય અને પ્રાથમિક શાળા (વર્ગ 1-8) ના લગભગ 15 બાળકો પાછા આવ્યા ન હતા. નામ ન આપવાની શરતે એક શિક્ષકે કહ્યું, “અમે તેમને શાળામાં પાછા લાવવા માટે અમારાથી બનતું બધું કરી રહ્યા છીએ. પરંતુ આ બાળકો તેમના પરિવાર સાથે થાણે, કલ્યાણ અને શાહપુરમાં કામ કરે છે. હવે તેઓ ક્યાં છે તે શોધવું કઠીન છે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Mamta Pared

ಮಮತಾ ಪರೇದ್ (1998-2022) ಪತ್ರಕರ್ತೆ ಮತ್ತು 2018ರ ಪರಿ ಇಂಟರ್ನ್ ಆಗಿದ್ದರು. ಅವರು ಪುಣೆಯ ಅಬಾಸಾಹೇಬ್ ಗರ್ವಾರೆ ಕಾಲೇಜಿನಿಂದ ಪತ್ರಿಕೋದ್ಯಮ ಮತ್ತು ಸಮೂಹ ಸಂವಹನದಲ್ಲಿ ಸ್ನಾತಕೋತ್ತರ ಪದವಿ ಪಡೆಡಿದ್ದರು. ಆದಿವಾಸಿಗಳ ಜೀವನ, ವಿಶೇಷವಾಗಿ ತನ್ನ ವರ್ಲಿ ಸಮುದಾಯದ ಬದುಕು, ಜೀವನೋಪಾಯಗಳು ಮತ್ತು ಹೋರಾಟಗಳ ಬಗ್ಗೆ ಅವರು ವರದಿ ಮಾಡಿದ್ದರು.

Other stories by Mamta Pared
Editor : Smruti Koppikar

ಸ್ಮೃತಿ ಕೊಪ್ಪಿಕರ್ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು ಅಂಕಣಕಾರರು ಮತ್ತು ಮಾಧ್ಯಮ ಶಿಕ್ಷಕರು.

Other stories by Smruti Koppikar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad