રુખસાના ખાતૂનને લાગ્યું કે તેઓને હવે તેમના પરિવારને ખવડાવવાની ચિંતા નહીં કરવી પડે.આ ૨૦૨૦નો નવેમ્બર મહિનો હતો,અને ત્રીજા પ્રયાસ પછી, જે બે વર્ષથી પણ વધારે સમય સુધી ખેંચાતો રહ્યો હતો, તેઓને અંતે રેશન કાર્ડ મળ્યું. એકાએક,મહામારીના વર્ષના સૌથી ખરાબ મહિનાઓ હવે જતા રહ્યા હોય એવું લાગવા લાગ્યું.

તે એક ‘પ્રાયોરિટી હાઉસહૉલ્ડ’ કાર્ડ હતું, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ), ૨૦૧૩ હેઠળની એક શ્રેણી છે. તેમાં પાત્ર લાભાર્થીઓની ઓળખ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે.

એ કાર્ડમાં તેમના જૂના ઘરનું સરનામું હતું જ્યાં તેઓ તે સમયે રહેતા હતા - એ ગામ તાજેતરમાં બિહારના દરભંગા જિલ્લા મ્યુનિસિપલ કાઉન્સિલના ધૂળિયા વિસ્તારમાં ભળી ગયું હતું. રૂખસાના આખરે તેઓના સાત સભ્યોના પરિવાર માટે સબસિડીવાળું રેશન મેળવવામાં સફળ રહી.

પછી તેઓ બધા ઓગસ્ટ ૨૦૨૧માં દિલ્હી પાછા ફર્યા, અને તેમનો પરિવાર કાયદેસર રીતે જે અનાજ મેળવવાનો હકદાર હતો તે મેળવવામાં તેમને ફરીથી મુશ્કેલી પડવા લાગી.

કેન્દ્ર સરકારની વન નેશન, વન રેશન કાર્ડ (ઓએનઓઆરસી) યોજના હેઠળ, એનએફએસએના જે લાભાર્થીઓ ‘પ્રાયોરિટી હાઉસહૉલ્ડ’ અને ‘ગરીબમાં ગરીબ’ શ્રેણી હેઠળ વર્ગીકૃત હોય તેઓ કોઈપણ વાજબી ભાવની દુકાનમાંથી તેમના અનાજનો હિસ્સો  મેળવી શકે છે. દુકાનો જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીઍસ) હેઠળ આધાર-લિંક્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ચીજવસ્તુઓનું વિતરણ કરી શકે છે. પરંતુ જ્યારે પણ રૂખસાના તેમના હિસ્સાનું મહિનાનું રેશન લેવા માટે પશ્ચિમ દિલ્હીના શાદીપુર મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી વાજબી ભાવની દુકાને જતા, ત્યારે ઈલેક્ટ્રોનિક પોઈન્ટ-ઓફ-સેલ (ઇપીઓએસ) મશીનમાં બતાવતું હતું: ‘આઈએમપીડીઍસમાં રેશન કાર્ડ મળતું નથી.’

પીડીઍસ હેઠળ વિતરણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અનાજની ફાળવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં સ્થળાંતરિત મજૂરો આખા દેશમાં ગમે તે જગ્યાએથી પોતાના હિસ્સાનું રેશન મેળવી શકે તે માટે ઓએનઓઆરસી યોજના હેઠળ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઑફ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ( આઈએમપીડીઍસ ) પ્રણાલીની રચના કરવામાં આવી.

Rukhsana Khatoon and her eldest children Kapil and Chandni in their rented room in Shadipur Main Bazaar area of West Delhi.
PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ડાબે: રુખસાના ખાતૂન અને તેઓ ના સૌથી મોટા સંતાન કપિલ અને ચાંદની, પશ્ચિમ દિલ્હીના શાદીપુર વિસ્તારમાં તેમના ભાડાના મકાનમાં. જમણે: રુખસાના તેઓ ની સૌથી નાની દીકરી આસિયા સાથે. તેઓ ની ત્રણ વર્ષની દીકરી જમજમ ફોન રમી રહી છે

ઑક્ટોબર ૨૦૨૦માં, પારી એ દિલ્હીમાં ઘરેલું સેવિકા તરીકે ફરજ બજાવતા રુખસાનાની વ્યથા પ્રકાશિત કરી હતી . કોવિડ-૧૯ના લીધે તેઓના પરિવારની નાણાકીય સ્થિતિ વણસી જતા તેઓ રેશન કાર્ડ મેળવવા માટે સખત પ્રયાસ કરી રહી હતી. તેઓએ મફત ખોરાકનું વિતરણ થતું હતું ત્યાં લાંબી કતારમાં ઊભા રહેવું પડ્યું, અને તેમ છતાંય અંતે તેમને ન તો કામ મળ્યું કે ન તો પીડીઍસ હેઠળ અનાજ મળ્યું, આથી તેઓ તેમના બાળકો સાથે દરભંગા પાછા ફર્યા.

પારીએ તેઓની વ્યથા પ્રકાશિત કર્યાના ગણતરીના અઠવાડિયા પછી, અધિકારીઓએ બિહારમાં રુખસાનાની મુલાકાત લઈને તેઓના પરિવારના સભ્યોના આધાર કાર્ડની ચકાસણી કરી અને પછી તેઓને રેશન કાર્ડ આપ્યું.

તેઓ કહે છે, “બિહારમાં માણસે ફક્ત તેનો અંગૂઠો [ઇપીઓએસથી સજ્જ ફિંગરપ્રિન્ટ સ્કેનર પર] મૂકવાનો હોય છે અને તેમને રેશન મળી જાય છે.” જો તેઓ ન જઈ શકે તેવું હોય તો તેઓનો ૧૧ વર્ષનો પુત્ર કે પછી ૧૩ વર્ષની પુત્રી પણ તેમના બદલે અનાજ લાવી શકે તેમ હતું. જબ સબ ઓનલાઈન હુઆ હૈ, ફિર ક્યૂં નહીં આ રહા યહાં [જ્યારે હવે બધું ઓનલાઈન થઇ ગયું છે, તો અમે અહીં (દિલ્હીમાં) વિગતો કેમ જોઈ શકતા નથી?]”

૩૧ વર્ષીય રૂખસાના, તેમના ૩૫ વર્ષીય પતિ મોહંમદ વકીલ, અને તેમના પાંચ બાળકો ૨૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ ટ્રેન દ્વારા દિલ્હી પાછા ફર્યા હતા. તેઓએ પશ્ચિમ દિલ્હીના પટેલ નગરમાં ચાર ઘરોમાં ઘરેલુ સેવિકા તરીકે કામ કરવાનું ફરીથી શરૂ કર્યું, જેનાથી તેમને મહીને ૬,૦૦૦ રૂપિયા આવક થતી હતી. વકીલ, કે જેમણે બિહાર પાછા ફરતા પહેલા નવેમ્બર ૨૦૨૦માં તેમની દરજીની દુકાન બંધ કરી દીધી હતી, તેમને આખરે માર્ચ ૨૦૨૨માં ઉત્તર પૂર્વ દિલ્હીના ગાંધી નગર માર્કેટમાં દરજી તરીકે નિયમિત કામ મળ્યું, જેનાથી તેમને મહિને ૮,૦૦૦ રૂપિયા આવક થવા લાગી.

માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ લોકડાઉન લાગ્યું એ પહેલાં, આ દંપતીની મહિનાની કુલ કમાણી લગભગ ૨૭,૦૦૦ રૂપિયા હતી.

Rukhasana’s husband, Mohammed Wakil, and their children outside their rented room.
PHOTO • Sanskriti Talwar
He works in the same room, tailoring clothes on his sewing machine
PHOTO • Sanskriti Talwar

ડાબે: રુખસાનાના પતિ , મોહંમદ વકીલ અને તેમના બાળકો તેમના ભાડાના મકાનની બહાર. જમણે: તેઓ એ જ ઓરડામાં તેમના સીવણ મશીન પર કપડા સીવવાનું કામ કરે છે

રુખસાનાએ સપ્ટેમ્બર ૨૦૨૧થી વાજબી ભાવની દુકાનમાં કેટલા ધક્કા ખાધા એ તેમને યાદ નથી.

તેઓ કહે છે, “અહીંના વેપારીએ મને કહ્યું કે બિહારમાંથી અમારું રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યું છે, અને તેમણે મને બિહાર જઈને અમારા બધા આધાર કાર્ડને મારા રેશન કાર્ડ સાથે લિંક કરાવવા કહ્યું. મારા સસરા બેનીપુરની રેશન ઑફિસમાં ગયા, પરંતુ ત્યાં તેમને કહેવામાં આવ્યું કે અમારા બધા આધાર કાર્ડ દિલ્હીની રેશન ઑફિસમાં જમા કરાવવા પડશે. જ્યારે અમે બિહારમાં પૂછપરછ કરીએ છીએ, ત્યારે તેઓ અમને દિલ્હીમાં તપાસ કરાવવાનું કહે છે. અને દિલ્હીમાં તેઓ બિહારમાં તેની તપાસ કરાવવાની વાત કરે છે.”

*****

રુખસાના તેઓના ગામ મોહન બહેરામાં રહેવાનું પસંદ કરે છે, જેને ૨૦૦૯માં દરભંગામાં અન્ય ૨૩ ગામો સાથે જોડીને બેનીપુર નગર પરિષદ બનાવવામાં આવી હતી. “હું અમારા ગામમાં આરામ અનુભવું છું. મારે ફક્ત ખાવાનું બનાવવાનું હોય છે, ખાવાનું હોય છે, અને બાળકોની સંભાળ રાખવાની હોય છે.” દિલ્હીમાં, તેઓની માલકણના ઘેર કામ પતાવીને સમયસર પાછા આવીને તેઓના પોતાના ઘેર ખાવાનું બનાવવું પડે છે.

શાદીપુર મુખ્ય બજારના રહેણાંક ક્વાર્ટર્સ મુખ્ય બજારના રસ્તાની આસપાસ બનાવેલા નાના ઘરોવાળી બિલ્ડીંગ છે. રૂખસાના અહીં સપ્ટેમ્બર ૨૦૨૧થી એક નાના, ખીચોખીચ ઓરડામાં રહે છે, જેનું માસિક ભાડું ૫,૦૦૦ રૂપિયા છે. તેમાં એક બાજુ રસોડાનું પ્લેટફોર્મ છે, અને તેની સામેની બાજુએ સિંગલ બેડ, અને તેની વચ્ચે વકીલનું સિલાઈ મશીન અને વચ્ચે કપડા માપવાનું મોટું ટેબલ છે. પ્રવેશદ્વારની નજીકના જમણા ખૂણામાં શૌચાલય બનાવવામાં આવ્યું છે.

રુખસાના અને તેઓની ત્રણ નાની પુત્રીઓ - ૯ વર્ષની નાઝ્મીન, ૩ વર્ષની જમજમ અને ૧ વર્ષની આસિયા - લોખંડના પલંગ પર સૂવે છે. વકીલ, ૧૧ વર્ષીય કપિલ, અને તેમની મોટી પુત્રી ૧૩ વર્ષની ચાંદની, જમીન પર ગાદલું પાથરીને તેના પર સૂવે છે.

વકીલ કહે છે, “ગામડાઓમાં, તો લોકો આવા ઓરડાઓમાં તેમના ઢોરને સુવાડે છે. હું મજાક નથી કરતો. તેઓ તેમના પશુધનને આના કરતા સારા ઓરડામાં રાખે છે. અહીં લોકો જાતે જ પશુ [જેવા] બની જાય છે.”

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

આ પરિવાર સપ્ટેમ્બર , ૨૦૨૧થી આ ચિક્કાર ઓરડામાં રહે છે , જેનું માસિક ભાડું ૫ , ૦૦૦ રૂપિયા છે

એનએફએસએ હેઠળ, ભારતની ગ્રામીણ વસ્તીના ૭૫% લોકો અને શહેરી વસ્તીના ૫૦% લોકો સબસિડીવાળું અનાજ ખરીદવા માટે હકદાર છે. જે અંતર્ગત તેઓ ૩ રૂપિયે કિલો ચોખા, ૨ રૂપિયે કિલો ઘઉં, અને ૧ રૂપિયે કિલો બરછટ અનાજ (બાજરી) નિયુક્ત વાજબી ભાવની દુકાનોમાંથી મેળવી શકે છે. ‘પ્રાયોરિટી હાઉસહૉલ્ડ’ અથવા‘પ્રાથમિકતાવાળા ઘરો’ તેમના કાર્ડમાં સૂચિબદ્ધ દરેક સભ્ય દીઠ દર મહિને ૫ કિલો અનાજ મેળવવા માટે હકદાર છે, જ્યારે સૌથી વધુ સંવેદનશીલ પરિવારો અથવા “ગરીબમાંથી ગરીબ” અંત્યોદય અન્ન યોજના (એએવાય) હેઠળ દર મહિને ૩૫ કિલો અનાજ મેળવવા માટે હકદાર છે.

રૂખસાનાના પરિવારના છ સભ્યો તેમના કાર્ડ પર નોંધાયેલા છે. દરેકને દર મહિને ૩ કિલો ચોખા અને ૨ કિલો ઘઉં મળવાપાત્ર છે.

આ શ્રેણીઓ માટેની પાત્રતા રાજ્ય સરકારો દ્વારા વિવિધ વપરાશ અને આવકના માપદંડોનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં, વાર્ષિક ૧ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારો ‘પ્રાયોરિટી હાઉસહૉલ્ડ’ અને એએવાય શ્રેણીઓમાં સમાવેશ માટે પાત્રતા ધરાવે છે . લોકોને કઈ શ્રેણીમાં મુકવા તે દરેક કુટુંબની  સામાજિક, વ્યવસાયિક અને આવાસની નબળાઈઓ તપાસીને નક્કી કરવામાં આવે છે. જો કે, આવકની રીતે પાત્રતા ધરાવતા હોવા છતાંય, જો તેઓ વ્યક્તિગત ઉપયોગ માટે ફોર-વ્હીલર ધરાવતા હોય, અથવા રાજ્યના ચોક્કસ વિસ્તારોમાં મકાન અથવા જમીન ધરાવતા હોય કે પછી ૨ કિલો વોટ (કેડબલ્યુ) કરતાં વધારે વીજળીનું જોડાણ ધરાવતા હોય તેવા પરિવારોને આ શ્રેણીઓમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જે પરિવારના લોકો અન્ય યોજના હેઠળ સબસિડીવાળું અનાજ મેળવતા હોય, અથવા તેમના પરિવારના સભ્યોમાંથી કોઈ સભ્ય આવકવેરો ચૂકવતો હોય કે પછી સરકારી કર્મચારી હોય, તેઓ પણ આ માટે પાત્ર નથી.

બિહારમાં, પાત્રતા એક બાકાતના માપદંડ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યાં રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટેની માર્ગદર્શિકામાં મોટરવાળું વાહન (થ્રી કે ફોર વ્હીલર) અથવા ત્રણ કે તેથી વધુ પાકા ઓરડાઓ વાળું ઘર કે પછી ૨.૫ એકર અથવા તેનાથી વધુ સિંચાઈવાળી જમીન ધરાવતા કોઈપણ પરિવારને ગેરલાયક ઠેરવવામાં આવે છે. જે પરિવાર કોઈ સભ્ય મહીને ૧૦,૦૦૦ રૂપિયા કમાણી કરતો હોય, અથવા સરકારી કર્મચારી હોય તેમને પણ બાકાત રાખવામાં આવે છે.

મે ૨૦૨૦માં, કેન્દ્ર સરકારે ૨૦૧૯માં પાયલોટ સ્કીમ તરીકે શરૂ કરાયેલ વન નેશન, વન રેશન કાર્ડ યોજનાને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી. આ રેશનકાર્ડની‘પોર્ટેબિલિટી’ને મંજૂરી આપે છે, જેનાથી તે એકવાર કાર્ડધારકના આધાર નંબર સાથે ‘સીડ’ થઈ જાય પછી તેની ગમે ત્યાં નોંધણી કરાવી શકાય છે. આનાથી કોઈપણ વ્યક્તિ જે રુખસાના જેવી પરિસ્થિતિનો સામનો કરતો હોય તો, તે દેશની કોઈપણ વાજબી ભાવની દુકાનમાંથી પીડીઍસમાંથી તેમના હિસ્સાનું અનાજ મેળવી શકે છે.

દિલ્હી સરકારે આ યોજના જુલાઈ ૨૦૨૧માં લાગુ કરી હતી.

*****

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ડાબે: રુખસાનાની બહેન રૂબી ખાતૂન. વચ્ચે: મેરા રેશન એપ પર રુખસાનાના પરિવારના આધારની નોંધણી ‘સીડેડ’ એવું બતાવે છે. જમણે: વન નેશન , વન રેશન કાર્ડ યોજનામાં રુખસાનાની સ્થળાંતરની માહિતી સુધારતા જોવામાં આવતો પોપ-અપ સંદેશ

રુખસાના દરરોજ સવારે ૮ વાગ્યાથી બપોર સુધી અને પછી સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા સુધી ઝાડુપોતાં મારે છે, અને વાસણો ધૂએ છે. ૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ, રુખસાનાની બહેન રૂબી અને આ પત્રકાર પટેલ નગરમાં અન્ન અને પુરવઠા વિભાગની સર્કલ ઓફિસમાં પૂછવા ગયા હતા કે શા માટે રૂખસાના દિલ્હીમાં તેઓનું રેશન મેળવી શકતા ન હતા.

અમને કહેવામાં આવ્યું કે ‘મેરા રાશન’ નામની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તપાસો કે તેમના પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ સીડ કરેલા છે કે નહીં. તે દિવસે તેમની ઓફિસમાં વેબ પોર્ટલ કામ કરતું ન હતું.

તે બપોરે, અમે રુખસાનાની રેશનકાર્ડ અને આધારની વિગતો એપ્લિકેશન નાખી. એક વર્ષની બાળકી આસિયાને છોડીને પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ ‘સીડેડ’ જોવામાં આવ્યા. પરંતુ ઓએનઓઆરસીની નોંધણી માટે રૂખસાનાની સ્થળાંતર માહિતી સુધારવાનો કરવાનો પ્રયાસ કર્યો, તો પોપ-અપ સંદેશ દેખાયો: : ‘માહિતી સુધારવા અસમર્થ. કૃપા કરીને પછી પ્રયાસ કરો.’

૭ ડિસેમ્બરે ફરીથી પ્રયાસ કર્યો તો પણ આ જ પોપ-અપ પ્રતિસાદ મળ્યો.

આખરે, એક પીડીઍસ ડીલરે કહ્યું કે દિલ્હીમાં રહેતા સ્થળાંતર કરનારાઓ માટે આઈએમપીડીઍસ સર્વર ક્યારેક તે જ સમયે કામ કરવાનું શરૂ કરે છે જ્યારે તેમના મૂળ ગામોમાં વિતરણ શરૂ થાય. દિલ્હીના લાભાર્થીઓને ૩૧ નવેમ્બરની સાંજ પહેલા તેમનો હિસ્સો મળી ગયો હતો. બિહારમાં વિતરણનો આગામી રાઉન્ડ ૫ ડિસેમ્બરથી શરૂ થશે, એમ વેપારીએ કહ્યું હતું.

રુખસાના આશા રાખીને ૫ ડિસેમ્બરના રોજ રેશનની દુકાને ફરીથી ગઈ. મશીનમાં પ્રતિસાદ આવ્યો: ‘આઈએમપીડીઍસમાં રેશન કાર્ડ મળ્યું નથી.’

સપ્ટેમ્બર ૨૦૨૧થી, રુખસાનાને તેઓના ઘેર ખાવાનું પૂરૂ પાડવા માટે તેઓની માલકણના સહારે રહેવું પડ્યું હતું. “એક માલકણ મને કાચા શાકભાજી આપે છે. કેટલીકવાર બીજી માલકણ તેમણે રેશનની દુકાનેથી એકત્રિત કરેલા રેશનનો થોડો ભાગ અમને આપતી હતી.”

PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ડાબે: શાદીપુર મુખ્ય બજાર ખાતેની વાજબી ભાવની દુકાનમાં રુખસાના ખાતૂન. તેઓ એ કેટલી વાર આવા ધક્કા ખાધા એ હવે તો યાદ પણ નથી. જમણે: જ્યારે વાજબી ભાવની દુકાનના સંચાલક ભરત ભૂષણ ઇપીઓએસ મશીનમાં સુખસાનાનો આધાર નંબર નાખે છે ત્યારે જોવા મળતો પ્રતિસાદ

રૂખસાના કહે છે, “કબ સે કોશિશ કર રહી હું [હું ક્યારની પ્રયાસ કરી રહી છું]. તેઓની હતાશા સ્પષ્ટપણે ઝળકતી હતી. બિહારના અન્ય લોકો જેઓ તેમની સાથે દિલ્હી પરત ફર્યા હતા તેઓએ ઓગસ્ટ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ વખત તેમનો હિસ્સો મેળવ્યો હતો.

દિલ્હીમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ડિસેમ્બર ૨૦૨૦થી મધ્યાહ્ન ભોજનના બદલે આપવામાં આવેલી સૂકી રેશન કીટ તેમના માટે ઉપયોગી હતી. તેમના સૌથી મોટા બે બાળકો કપિલ અને ચાંદની, પટેલ નગરની સરકારી શાળામાં ભણે છે. દરેક બાળકને ૧૦ કિલો ચોખા, ૨ કિલો દાળ અને એક લિટર ચોખ્ખું તેલ આપવામાં આવ્યું હતું. રુખસાના કહે છે કે માર્ચ ૨૦૨૨માં શાળામાં મધ્યાહન ભોજન ફરી શરૂ થયા પછી કીટનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.

*****

દિલ્હી સરકારના ઓએનઓઆરસી હેલ્પલાઈન નંબર પર ફોન કરવાના અનેક પ્રયાસો કરવા છતાંય કોઈ સફળતા મળી નથી. નેટવર્ક હંમેશા ‘વ્યસ્ત’ જ રહેતું હતું.

દરભંગાના બેનીપુરમાં રેશન ડીલર તરીકે પરવેજ આલમ ફરજ બજાવે છે, અને તેઓ ૧૯૯૧થી વાજબી ભાવની દુકાન ચલાવે છે. તેમણે ફોન પર કહ્યું કે રૂખસાનાનો કેસ એક જ નથી. આલમ કહે છે, “દિલ્હીથી ઘણા પરપ્રાંતિય મજૂરો મને ફોન કરીને કહી રહ્યા છે કે તેઓ દિલ્હીમાં તેમનું રેશન મેળવી શકતા નથી.”

દરભંગાના જિલ્લા પુરવઠા અધિકારી (ડીએસઓ) અજય કુમારે ફોન પર જણાવ્યું કે તેમની ઓફિસમાં બધી વસ્તુઓ તકલીફ વગર ચાલી રહી છે. તેઓ કહે છે, “તમારે શું તકલીફ છે એ તો તમને દિલ્હીના અધિકારીઓ કહેશે. [દિલ્હી સિવાય] અન્ય રાજ્યોમાંથી કોઈએ પણ કોઈ સમસ્યા હોવાનું જણાવ્યું નથી.”

દિલ્હીના ખાદ્ય અને પુરવઠા વિભાગના અધિક કમિશનર કુલદીપ સિંહે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં બિહારથી આવેલા પરપ્રાંતીય  મજૂરો સાથે 43,૦૦૦ વખત લેવડદેવડ થઇ ચૂકી છે. તેઓ કહે છે, “તે એકાદ કેસ હોઈ શકે. શક્ય છે કે બિહારમાં લાભાર્થીનું નામ કાઢી નાખવામાં આવ્યું હોય.”

PHOTO • Sanskriti Talwar

રુખસાના અને તેમના પતિ વકીલે બિહારના દરભંગા જિલ્લામાંથી કામની શોધમાં દિલ્હી સ્થળાંતર કર્યું છે

મે ૨૦૨૦માં, કેન્દ્ર સરકારે વન નેશન, વન રેશન કાર્ડ યોજનાને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત કરી. આ યોજના રેશન કાર્ડની ‘પોર્ટેબિલિટી’ ને મંજૂરી આપે છે, જેનાથી તે એકવાર કાર્ડધારકના આધાર નંબર સાથે ‘સીડ’ થઈ જાય પછી તેની ગમે ત્યાં નોંધણી કરાવી શકાય છે

૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ, રૂખસાના અને તેમનો પરિવાર સગાવહાલાંના લગ્નમાં હાજરી આપવા માટે દરભંગા ગયા હતા. ૨૬ ફેબ્રુઆરીએ, તેઓ ત્યાં પહોંચ્યા એના બીજા દિવસે, રુખસાનાએ તેમની પુત્રીને મોહન બહેરાની વાજબી ભાવની દુકાન પર મોકલી હતી.

એ પરિવાર તે મહિને ત્યાં આગળ તેમનું રેશન મેળવવામાં સફળ રહ્યો.

જો કે, જ્યારે જ્યારે રૂખસાના ૨૧ માર્ચે દિલ્હી જતા પહેલા રેશન લેવા ગઈ ત્યારે ગામના વેપારીએ કહ્યું કે તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું, “ઉપર સે બંદ હો ગયા હે.[ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને બંધ કરવામાં આવ્યું છે].”

રૂખસાનાએ વેપારીને પૂછ્યું, “તે ગયા મહિને તો કામ કરી રહ્યું હતું. તે કેવી રીતે રદ થયું?”

ફરીથી, ડીલરે તેઓને તેના પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ બેનીપુર બ્લોકની રેશન ઓફિસમાં લઈ જવાની સલાહ આપી. ડીલરે સલાહ આપી કે તેઓની દિલ્હીની ઓફિસમાં પણ આધાર કાર્ડ લઈ જાય.

ડીએસઓ અજય કુમારે જણાવ્યું હતું કે આ રીતે રેશન કાર્ડ રદ કરી શકાય નહીં. જો કે, તેઓ સલાહ આપે છે કે આવી પરિસ્થિતિમાં રુખસાના અને તેમનો પરિવાર નવા રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે.

દિલ્હીમાં, રુખસાનાએ કહ્યું કે તેઓની એવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી જે સુધારવાના કોઈ અણસાર દેખાતા નથી. “રેશન તો મેરા બંદ હી હો ગયા હૈ. [મને હવે રેશન મળતું જ નથી.]”

અનુવાદક : ફૈઝ મોહંમદ

Sanskriti Talwar

ಸಂಸ್ಕೃತಿ ತಲ್ವಾರ್ ನವದೆಹಲಿ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತರು ಮತ್ತು 2023ರ ಪರಿ ಎಂಎಂಎಫ್ ಫೆಲೋ.

Other stories by Sanskriti Talwar
Editor : Kavitha Iyer

ಕವಿತಾ ಅಯ್ಯರ್ 20 ವರ್ಷಗಳಿಂದ ಪತ್ರಕರ್ತರಾಗಿದ್ದಾರೆ. ಇವರು ‘ಲ್ಯಾಂಡ್‌ಸ್ಕೇಪ್ಸ್ ಆಫ್ ಲಾಸ್: ದಿ ಸ್ಟೋರಿ ಆಫ್ ಆನ್ ಇಂಡಿಯನ್ ಡ್ರಾಟ್’ (ಹಾರ್ಪರ್ ಕಾಲಿನ್ಸ್, 2021) ನ ಲೇಖಕಿ.

Other stories by Kavitha Iyer
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad