હું જન્મ્યો અવિભાજિત કાલાહાંડી જિલ્લામાં. જ્યાં અછત, ભૂખમરો, અકાળ મરણ, નછૂટકે સ્થળાંતર એ બધું લોકોના જીવનનો એક ભાગ જ હતું. શરૂઆતમાં એક બાળકની નજરે ને પછી એક પત્રકારની નજરે હું આ હાલતના, તાદૃશ અહેવાલો ખૂબ ધ્યાનથી લખતો રહ્યો. હું સમજું છું  કે સ્થળાંતર કોને કરવું પડે છે, શા માટે કરવું પડે છે, કઈ હાલત લોકોને સ્થળાંતર કરવા મજબૂર કરે છે, કેવી રીતે એ લોકો એમનું પેટ ભરે છે -- તનતોડ મહેનત કરીને.

એ લોકોની આવી બેહાલીની સ્થિતિ સૌને એવી કોઠે પડી ગઈ હતી કે જે સમયે એમને સરકારી મદદની જરૂર પડી તે જ ઘડીએ એમને તરછોડી દેવામાં આવ્યા. સાવ ભૂખ્યા, તરસ્યા, કોઈ વાહન વગર એમને સેંકડો કિલોમીટર ચાલવું પડ્યું -- એમાંના ઘણાએ તો પગમાં ચંપલ વગર.

આ બધાથી મને અતિશય પીડા થાય છે, કારણ એ લોકો સાથે મારે એક લાગણીભર્યો આત્મીય સંબંધ છે -- જાણે કે હું એમનામાંનો જ એક છું. ખરું પૂછો તો, એ મારા જ લોકો છે. ફરી એક વાર પછડાટ ખાતા એ  લોકોને એ  જ લોકો, એ  જ  સમુદાયોને જોઈને  મને ખૂબ પીડા થઇ અને અસહાયતાની લાગણી થઇ. હું ઉશ્કેરાયો-- અને હું કોઈ કવિ નથી -- આ શબ્દો ને કડીઓ લખવા.

કાવ્યપઠન સુધન્વા દેશપાંડે.

When the lockdown enhances the suffering of human beings you’ve grown up knowing and caring about for decades, says this photographer, it forces you to express yourself in poetry, beyond the lens
PHOTO • Purusottam Thakur

હું નથી કવિ.


હું છું તસવીરકાર

મેં ખેંચી છે તસવીરો

માથે છોગા બાંધેલા,

પગે ઘૂઘરા બાંધેલા,

ગળે હાર પહેરેલા તરુણોની.

આજે અગન ઓકતી સડકો પર ઘરભણી ચાલતા

આ તરુણોને મેં જોયા છે આ જ રસ્તાઓ પર

ઉલ્લાસથી થનગનતા

ફરફરાટ સાઇકલ દોડાવતા

પેટમાં આગ

પગ તળે આગ.

આંખમાં આગ

ઉઘાડા પગે

અંગારા પર ચાલતાં, દાઝતાં


મેં ખેંચી છે તસવીરો

માથામાં ફૂલ ગૂંથેલી

પાણી જેવું હસતી આંખોવાળી

એ નાની બાળકીઓની

મારી દીકરીની આંખો જેવી આંખોવાળી

પેલી છોકરીઓ

શું એ જ છોકરીઓ છે

જે આંસુઓમાં ડૂબી જતા

એમના સ્મિત સાથે

હવે વલખાં મારે છે પાણી માટે?


સાવ મારા ઘરની પાસે રસ્તાની ધારે

આ કોણ મારવા પડ્યું છે?

ઘરની આટલી પાસે?

જમલો તો નહીં હોય ને?

એ જમલો જ નહોતી

જેને મેં જોઈ'તી

લાલ લીલા મરચાંના ખેતરોમાં

ઉઘાડા પગે ફાળ ભરતી

ચુંટતી, છૂટા પાડતી, કરતી ગણતરી

મરચાંની, આંકડાની જેમ?

આ ભૂખ્યું બાળ કોનું છે?

સાવ નખાઈ ગયેલું, રસ્તા પર પડેલું,

ચીમળાઈ રહેલું શરીર કોનું છે?


મેં  લીધી છે તસવીરો સ્ત્રીઓની

યુવાન અને વૃદ્ધ

ડોંગરીઆ કોંઢની સ્ત્રીઓ

વણઝારાની સ્ત્રીઓ

માથે પિત્તળના બેડા મૂકીને

ઉમંગભેર નાચતી સ્ત્રીઓ.

પગમાં આનંદ ભરી

થનગનતી સ્ત્રીઓ

પણ ના, આ એ સ્ત્રીઓ નથી.

એમના ખભા ઝૂકી ગયા છે

કોણ જાણે કેટલાય બોજ સહીને.

ના, ના, આ એ ગોંડ સ્ત્રીઓ ન હોય.

માથે લાકડાના ભારા ઊંચકી

હાઇવે પર ઉતાવળે દોડતી

આ તો છે ભૂખી, અધમૂઈ સ્ત્રીઓ


મેં ખેંચી છે તસવીરો પુરુષોની.

જોમભર્યાં, જુસ્સાવાળા

એ માછીમારની, ઢીંકિયાના મજૂરની

મહાકાય કોર્પોરેશનોને હંફાવતાં

એમના ગીતો મેં સાંભળ્યા છે.

આ જે વિલાપ કરતાં કેમ સંભળાય છે

તે એ નથી, કે પછી એ જ છે?


શું હું ઓળખું ય છું

આ યુવાનને? પેલા વૃદ્ધને?

પીછો કરતી રહેલી પીડાઓને અવગણતા

વધતી જતી એકલતાને ટાળતા?

નિરાશાથી છટકવા

માઈલોના માઈલો કોઈ ચાલે?

ધસી આવતા  આંસુને રોકવા

આટલું બધું તે કોઈ દોડતું હશે?

મારો શું સંબંધ છે આ પુરુષો સાથે?

આ પેલો  દેગુ છે

ઇંટની ભઠ્ઠીથી છેવટે ભાગી છૂટેલો

ભરતો ફાળ ઘરે જવા?


શું હું એમની તસવીરો ખેંચું?

કહું એમને ગાવા?

ના,  હું કવિ નથી

હું ગીત ના લખી શકું

હું તો તસવીરકાર છું

પણ આ એ લોકો નથી

જેમની હું તસવીરો ખેંચું છું,

શું આ જ છે એ લોકો? સાચે?

સાભાર સ્વીકાર: કાવ્યવિભાગના સંપાદક પ્રતિષ્ઠા પંડ્યાનો, એમના મૂલ્યવાન સૂચનો માટે.

ઓડિયો: કાવ્યપઠન કલાકાર સુધન્વા દેશપાંડે જનનાટ્ય મંચના અભિનેતા અને નિર્દેશક છે. ‘લેફ્ટવર્ડ બુક્સ’ના સંપાદક છે.

અનુવાદક:  સ્વાતિ મેઢ.

Purusottam Thakur

ಪತ್ರಕರ್ತ ಹಾಗೂ ಸಾಕ್ಷ್ಯಚಿತ್ರ ನಿರ್ಮಾಪಕರಾದ ಪುರುಶೋತ್ತಮ ಠಾಕುರ್, 2015ರ 'ಪರಿ'ಯ (PARI) ಫೆಲೋ. ಪ್ರಸ್ತುತ ಇವರು ಅಜೀಂ ಪ್ರೇಂಜಿ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ಉದ್ಯೋಗದಲ್ಲಿದ್ದು, ಸಾಮಾಜಿಕ ಬದಲಾವಣೆಗಾಗಿ ಕಥೆಗಳನ್ನು ಬರೆಯುತ್ತಿದ್ದಾರೆ.

Other stories by Purusottam Thakur
Translator : Swati Medh

Swati Medh is a freelance writer/translator in Gujarati. She has taught English, Journalism and Translation skills at graduate and post-graduate levels. She has two original, three translated and one compilation books published. A few of her stories are translated in English and other Indian languages. She also writes two columns in a Gujarati newspaper.

Other stories by Swati Medh