આંગણાં યાદ આવશે મને વલણ યાદ આવશે .
હું તો પરદેશી છું મહેમાન , જીજલ મને આંગણાં યાદ આવશે .

એક યુવતી તેના લગ્ન પછી તેના સાસરે ગામ જતી વખતે એક દુઃખભર્યું ગીત ગાય છે. દેશભરમાં ચાલી  વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓમાં સ્ત્રીને તેના કુટુંબ અને મિત્રોથી પીડાદાયક અલગ કરતા વિષયવસ્તુવાળા અને એક ઉદાસ ધૂનવાળા ગીતો જોવા મળે છે. લગ્ન સમયે ગવાતા ગીતો મૌખિક પરંપરાઓના સમૃદ્ધ ભંડારનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

દેખીતી રીતે સરળ લાગતા સ્વરૂપ અને વિષયવાળા આ ગીતો પરંપરાગત રીતે એકથી બીજી પેઢી સુધી પહોંચે છે, સચવાય છે અને સમય અનુસાર બદલાય પણ છે.  આ ગીતો ખાસ કરીને સ્ત્રીઓની ઓળખના સામાજિક નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પિતૃસત્તાક સમાજમાં લગ્ન એ સ્ત્રીના જીવનમાં માત્ર એક વિશેષ ઘટના નથી, પણ એ સ્ત્રીની પોતાની ઓળખ બનાવવામાં પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બને છે. આ આંગણા જે યાદો, પરિવારો, મિત્રતા અને સ્વતંત્રતાના સૂચક છે,  જેમને  તેણે  અત્યાર સુધી જાણ્યા ને જીવ્યા છે, તે આ ક્ષણથી એકદમ અજાણ્યા અને દૂર થઇ જવાના છે. પરિચિત વસ્તુઓની, વ્યક્તિઓની આ ખોટ, સમાજ દ્વારા ફરજિયાત રીતે એના પર થોપવામાં આવતી, એને જાણે એણે જ ઝંખેલી હોય એમ સ્વીકારવામાં આવતી ખોટ તેનામાં લાગણીઓના જટિલ સમૂહને જાગૃત કરે છે.

મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામના મુસ્લિમ સમુદાયના જુમા વાઘેર નામના માછીમાર દ્વારા અહીં રજૂ કરાયેલ ગીત 2008માં કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા શરૂ કરાયેલા સમુદાય સંચાલિત રેડિયો, સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતોમાંનું એક છે. KMVS દ્વારા PARI સુધી પહોંચેલો આ લોકગીતોનો સંગ્રહ પ્રદેશની વિશાળ સાંસ્કૃતિક, ભાષાકીય અને સંગીતની વિવિધતાને પ્રદર્શિત કરે છે.  તેમજ  કચ્છની સંગીત પરંપરાને જાળવવામાં મદદ કરે છે. રોજબરોજ વિસરાતી જતા, રણની રેતીમાં વિલીન થઈ રહ્યાં સૂરોને અહીં જાળવી રાખાયા છે.

ગીતો દ્વારા સ્ત્રી પોતાની તમામ સામાન્ય રીતે અવ્યક્ત  ચિંતાઓ અને ડર વિશે મુક્તપણે ગાઈ શકે છે

મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામના જુમા વાઘેર દ્વારા ગવાયેલું લોકગીત સાંભળો

કરછી

અંઙણ જાધ પોંધા મૂકે વલણ જાધ પોંધા (૨)
આંઊ ત પરડેસણ ઐયા મેમાણ. જીજલ મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા,મિઠડા ડાડા જાધ પોંધા (૨)
આઊ ત પરડેસણ ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
આઊ ત વિલાતી ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા બાવા જાધ પોંધા (૨)
આઊ તા રે પરડેસણ બાવા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
આઊ તા વિલાતી ઐયા મેમાણ, જીજલ મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા કાકા જાધ પોંધા (૨)
આઊ તા પરડેસણ કાકા મેમાણ,માડી મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા મામા જાધ પોંધા (૨)
આઊ તા રે ઘડી જી મામા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા (૨)
આઊ તા વિલાતી ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા વીરા જાધ પોંધા (૨)
આઊ તા રે પરડેસી મેમાણ, વીરા મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મૂકે વલણ જાધ પોંધા (૨)
આઊ તા રે પરડેસણ ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
આઊ તા વિલાતી ઐયા મેમાણ, જીજલ મૂકે અંઙણ જાધ પોંધા
આઊ તા રે ઘડી જી ઐયા મેમાણ,માડી મૂકે અંઙણ જાધ પોંધા (૨)
અંગણ યાદ પોધા મુકે વલણ યાદ પોધ

ગુજરાતી

આંગણાં યાદ આવશે મને વલણ યાદ આવશે.
હું તો પરદેશી છું મહેમાન,જીજલ મને આંગણાં યાદ આવશે.
આંગણાં યાદ આવશે, મીઠડા દાદા યાદ આવશે (૨)
હું તો છું રે પરદેશી દાદા મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે
હું તો વિલાયતી છું રે મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે
આંગણાં યાદ આવશે મિઠડા બાપા યાદ આવશે (૨)
હું તો રે પરદેશી બાપા, માડી મને આંગણાં યાદ આવશે
હું વિલાયતી છું મહેમાન, જીજલ મને આંગણાં યાદ આવશે
આંગણાં યાદ આવશે મીઠડા કાકા યાદ આવશે (૨)
હું તો રે પરદેશી કાકા મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે
આંગણાં યાદ આવશે મીઠડા મામા યાદ આવશે (૨)
હું તો રે પરદેશી મામા મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે
હું તો છું વિલાયતી મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે
આંગણાં યાદ આવશે મીઠડા વીરા યાદ આવશે (૨)
હું તો રે પરદેશી મહેમાન, વીરા મને આંગણાં યાદ આવશે
આંગણાં યાદ આવશે મને વલણ યાદ આવશે (૨)
હું તો પરદેશી છું મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે
હું તો વિલાયતી છું મહેમાન, જીજલ મને આંગણાં યાદ આવશે
હું તો રે ઘડી ની છું મહેમાન, માડી મને આંગણાં યાદ આવશે (૨)
આંગણાં યાદ આવશે મને વલણ યાદ આવશે.

PHOTO • Priyanka Borar

ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત

ગીતગુચ્છ : લગ્ન ગીતો

ગીત : 4

ગીતનું શીર્ષક : આંગણાં યાદ આવશે મને વલણ યાદ આવશે.

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : જુમા વાઘેર, ભદ્રેસર, મુન્દ્રા. તે 40 વર્ષના માછીમાર છે

વાજીંત્રો : હાર્મોનિયમ, ડ્રમ, બાન્જો

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

ગુજરાતી અનુવાદ : આમદ સમેજા, ભારતી ગોર


આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, મદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.

Pratishtha Pandya

ಪ್ರತಿಷ್ಠಾ ಪಾಂಡ್ಯ ಅವರು ಪರಿಯ ಹಿರಿಯ ಸಂಪಾದಕರು, ಇಲ್ಲಿ ಅವರು ಪರಿಯ ಸೃಜನಶೀಲ ಬರವಣಿಗೆ ವಿಭಾಗವನ್ನು ಮುನ್ನಡೆಸುತ್ತಾರೆ. ಅವರು ಪರಿಭಾಷಾ ತಂಡದ ಸದಸ್ಯರೂ ಹೌದು ಮತ್ತು ಗುಜರಾತಿ ಭಾಷೆಯಲ್ಲಿ ಲೇಖನಗಳನ್ನು ಅನುವಾದಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಸಂಪಾದಿಸುತ್ತಾರೆ. ಪ್ರತಿಷ್ಠಾ ಗುಜರಾತಿ ಮತ್ತು ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಕವಿಯಾಗಿಯೂ ಗುರುತಿಸಿಕೊಂಡಿದ್ದು ಅವರ ಹಲವು ಕವಿತೆಗಳು ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಪ್ರಕಟವಾಗಿವೆ.

Other stories by Pratishtha Pandya
Illustration : Priyanka Borar

ಕವರ್ ಇಲ್ಲಸ್ಟ್ರೇಷನ್: ಪ್ರಿಯಾಂಕಾ ಬೋರಾರ್ ಹೊಸ ಮಾಧ್ಯಮ ಕಲಾವಿದೆ. ಹೊಸ ಪ್ರಕಾರದ ಅರ್ಥ ಮತ್ತು ಅಭಿವ್ಯಕ್ತಿಯನ್ನು ಕಂಡುಹಿಡಿಯಲು ತಂತ್ರಜ್ಞಾನವನ್ನು ಪ್ರಯೋಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಕಲಿಕೆ ಮತ್ತು ಆಟಕ್ಕೆ ಎಕ್ಸ್‌ಪಿರಿಯೆನ್ಸ್ ವಿನ್ಯಾಸ‌ ಮಾಡುತ್ತಾರೆ. ಸಂವಾದಾತ್ಮಕ ಮಾಧ್ಯಮ ಇವರ ಮೆಚ್ಚಿನ ಕ್ಷೇತ್ರ. ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪೆನ್ ಮತ್ತು ಕಾಗದ ಇವರಿಗೆ ಹೆಚ್ಚು ಆಪ್ತವಾದ ಕಲಾ ಮಾಧ್ಯಮ.

Other stories by Priyanka Borar