વહેલી સવારે થોડો પ્રયત્ન કરી પડખું ફરીને સુનીતા સાહુએ પૂછ્યું, "બાળકો ક્યાં છે?" તેમના પતિ બોધરામે કહ્યું કે તેઓ ઊંઘતા હતા. સુનીતાએ નિસાસો નાખ્યો. સુનીતા આખી રાત ઊંઘી શક્યા નહોતા. અને તે કારણે બોધરામ ચિંતિત હતા. બોધરામ ઘણીવાર સુનીતાની મજાક ઉડાવતા કે તે તો ગમે ત્યારે ગમે ત્યાં ઊંઘી જઈ શકે છે.

પરંતુ 28 મી એપ્રિલની રાત્રે બોધરામ અને સુનીતા સાહુના (12 થી 20 વર્ષની વયની વચ્ચેના) ત્રણ દીકરાઓ વારાફરતી પોતાની માતાના હાથ, પગ, માથું અને પેટ સરસવના હુંફાળા તેલથી માલિશ કરતા હતા ત્યારે તેઓ પીડાથી કણસતા હતા. તેઓ ગણગણ્યા, "મને કંઈક થાય છે." - આ તે સવારની બોધરામની યાદો છે.

સાહુ પરિવાર લખનૌ જિલ્લાની ખરગાપુર જાગીરમાં નાનકડી ઝૂંપડીમાં રહે છે. તેઓ બે દાયકા પહેલા છત્તીસગઢના બેમેત્રા જિલ્લાના તેમના ગામ મારોથી ચિન્હાટ બ્લોકના આ ગામમાં આવીને સ્થાયી થયા હતા. 42 વર્ષના બોધરામ બાંધકામના સ્થળોએ કડિયાકામ કરે છે; 39 વર્ષના સુનીતા ગૃહિણી છે.

એપ્રિલ મહિનામાં કોવિડ -19 મહામારીની બીજી લહેરે ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી મચાવી હતી. 24 મી એપ્રિલે (એક જ દિવસમાં) રાજ્યમાં 38055 નવા સંક્રમણ નોંધાયા - જે એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે, જો કે ઉત્તર પ્રદેશના વાસ્તવિક આંકડા સામે આવ્યા નથી એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લખનૌની રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RMLIMS - આરએમએલઆઈએમએસ) ખાતે કોમ્યુનિટી મેડિસિન વિભાગના સહાયક અધ્યાપક રશ્મિ કુમારી કહે છે, “(કોવિડ સંક્રમણના) કેસોની વાસ્તવિક સંખ્યા (સરકારે જાહેર કરેલા આંકડા કરતા) ચારથી પાંચ ગણી વધારે હોઈ શકે છે. અંડરરિપોર્ટિંગ છે કારણ કે (કોવિડ સાથે સંકળાયેલ) સામાજિક કલંકના ડરને કારણે લોકો (કોવિડના) પરીક્ષણો કરાવવા આગળ આવતા નથી. પરિણામે વાસ્તવિક ચિત્ર મેળવવું મુશ્કેલ છે."

સાહુ પરિવારને ખાતરી છે કે સુનીતાને કોવિડ-19 નહોતું કારણ કે પરિવારમાં બીજા કોઈને તે નહોતું, જો કે તેમને (સુનીતાને) તાવ, શરીરનો દુખાવો અને ઝાડા હતા - આ બધા લક્ષણો કોરોનાવાયરસ સંક્રમણના સૂચક છે.

Bodhram Sahu's wife Sunita was diagnosed with typhoid but could have been Covid-positive too
PHOTO • Courtesy: Bodhram Sahu

બોધરામ સાહુની પત્ની સુનીતાને ટાઇફોઇડ હોવાનું નિદાન થયું હતું પરંતુ સંભવ છે કે તેઓ  કોવિડ-સંક્રમિત પણ હોઈ શકે છે

સુનીતાએ 26 મી એપ્રિલે સવારે પહેલી વાર દુખાવા અને શારીરિક નબળાઇની ફરિયાદ કરી ત્યારે બોધરામ તેમને પોતાની સાયકલના કેરિયર પર બેસાડી સાયકલ ચલાવીને ત્રણ કિલોમીટર દૂર ડૉક્ટર પાસે લઈ ગયા હતા. તેમણે ડૉક્ટરને પૂછ્યું હતું કે સુનીતાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે નહીં.

બોધરામ યાદ કરે છે કે ડૉક્ટરે તેમને કહ્યું હતું: "તમે ક્યાં લઈ જશો તેમને? કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી. તેમને આ દવાઓ આપો, ત્રણ દિવસમાં સારું થઈ જશે."  ડૉક્ટરે નજીકની પેથોલોજી લેબમાં ફોન કરીને  સુનીતાના લોહીના નમૂના લેવડાવવાની વ્યવસ્થા કરી. કોવિડ -19 માટે  તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.

સાહુને આ પરીક્ષણનો ખર્ચ 3000 રુપિયા થયો. આ ઉપરાંત તેમણે ડોક્ટરને સલાહ  અને દવાઓ પેટે બીજા 1700 રુપિયા ચૂકવ્યા. દવાના પાનામાંથી બહાર કાઢીને ખાખી કાગળની થેલીમાં લપેટેલી ગોળીઓ અને કેપ્સ્યુલ્સ, અને ડોક્ટરના સમજાવ્યા પ્રમાણે શક્તિ માટે ઘેરા ભૂખરા રંગના પ્રવાહીની એક બોટલ આપવામાં આવી હતી.

પોતાને ખૂબ નબળાઈ લાગે છે એમ કહી સુનીતાએ (દવાખાને જવાની) ઘસીને ના પાડી તેમ છતાં તે સાંજે 5 વાગે બોધરામ સુનીતાને સાયકલ પર બેસાડી સાયકલ ચલાવી ફરી દવાખાને લઈ આવ્યા. ત્યાં સુધીમાં તેમના લોહીના પરીક્ષણનો રિપોર્ટ આવી ગયો હતો. તેમાં એન્ઝાઇમ સીરમ ગ્લુટામિક ઓક્સાલોએસેટિક ટ્રાન્સમિનેઝનું સ્તર ઊંચું દર્શાવાયું હતું, જે (બીજા અવયવોની સાથે) લીવરને નુકસાન થયું હોવાનું સૂચક છે. ડૉક્ટરે કહ્યું કે સુનીતાને ટાઈફોઈડ હતો. સુનીતાને શક્તિ માટે ડ્રિપ આપવાની બોધરામની વિનંતી ડોક્ટરે નકારી કાઢી અને આગ્રહ રાખ્યો કે તેમણે આપેલી દવાઓથી સુનીતાને જલ્દીથી રાહત થશે.

ટાઈફોઈડ પોતે જ  વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે પરંતુ એક સંશોધન લેખ સૂચવે છે કે "કેટલીકવાર... COVID-19 ના દર્દીઓમાં  [ટાઈફોઈડ માટેના] વાઈડલ પરીક્ષણમાં ટાઈફોઈડ પોઝિટિવ હોવાનો ખોટો- રિપોર્ટ વિકાસશીલ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ જાહેર આરોગ્ય સમસ્યા છે...હવે ટાઈફોઈડ અને ડેન્ગ્યુનું સંક્રમણ થયું હોવાના ખોટા-પોઝિટિવ રિપોર્ટનું સાવધાનીપૂર્વક અર્થઘટન કરવું જરૂરી છે અને સાથેસાથે કોવિડ-19 મહામારી દરમિયાન આવા દર્દીઓની દેખરેખ અને સતત ફોલોઅપ પણ જરૂરી બની રહે છે.

સતર્ક રહેવાની જરૂરિયાતને સમર્થન આપતા આરએમએલઆઈએમએસની કોવિડ-19 હોસ્પિટલના ઈન્ચાર્જ એનેસ્થેસિયોલોજિસ્ટ પ્રવીણ કુમાર દાસ કહે છે, “કોવિડ અને ટાઈફોઈડ એન્ટિબોડીઝ વચ્ચે કેટલીક ક્રોસ પોઝિટિવિટી છે. અમારા ક્લિનિકલ અનુભવમાં લગભગ 10 ટકા દર્દીઓ ટાઇફોઇડ માટે પોઝિટિવ પરીક્ષણ કરે છે પરંતુ હકીકતમાં તેઓ કોવિડ-સંક્રમિત હોય છે.”

ટાઇફોઇડ માટે પોઝિટિવ પરીક્ષણ કરનાર સુનીતા, 29 મી એપ્રિલની સવારે તેમણે પોતાના બાળકો વિશે પૂછ્યું તેના અડધા જ કલાક પછી મૃત્યુ પામ્યા - તેમને તાવ અને બીજા લક્ષણોની શરૂઆત થયાના માંડ ત્રણ દિવસ પછી. બોધરામને લાગ્યું હતું હાશ, છેવટે સુનીતા સૂતી ખરી, પરંતુ તેના કપાળ પર હાથ મૂકતાની સાથે જ બોધરામ  જોરથી ચીસ પાડી ઊઠ્યા અને તે સાંભળતા જ તેમના દીકરાઓ જાગી ગયા. થોડા અઠવાડિયાઓ પહેલા પોતાના ગામથી બોધરામે મારી સાથે ફોન પર વાત કરી ત્યારે ઘટનાઓના ક્રમનું અને તેમના અંગત નુકસાનનું વર્ણન કરતા કહ્યું, "બસ આમ જ તે હંમેશને માટે સૂઈ ગઈ."

સુનીતાના (મૃતદેહના) અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારને મૃત્યુના પ્રમાણપત્રની જરૂર હતી. ખરગપુર જાગીરના પ્રધાન રબિલા મિશ્રા દ્વારા તે જારી કરવામાં આવ્યું હતું. વાદળી શાહીથી તેમણે લખ્યું હતું કે ‘29.04.2021 ના રોજ તેઓ  પોતાની ઝૂંપડીમાં મૃત્યુ પામ્યા હતા.' પ્રમાણપત્રમાં મૃત્યુના કારણનો કોઈ ઉલ્લેખ નહોતો.

અને તેથી સુનીતાના મૃત્યુને કોવિડ ને કારણે થયેલ મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહીં. તેથી યુપી અને બીજા સ્થળોએ (કોવિડ સંક્રમણના) કેસોના અન્ડરરિપોર્ટિંગ અંગેની ચિંતા સાથેસાથે વૈશ્વિક ચિંતા એ છે કે કોવિડ -19 ને કારણે થયેલા મૃત્યુની વાસ્તવિક સંખ્યા સત્તાવાર જાહેર કરાતી સંખ્યા કરતા ઘણી વધારે છે.

Ramvati with her son Rakesh Kumar at her husband Ram Saran’s kiosk: they disbelieve the ‘Covid-19 positive’ notation
PHOTO • Rana Tiwari

રામવતી તેમના દીકરા રાકેશ કુમાર સાથે પતિ રામ સરનની હાટડી પર: તેઓને  'કોવિડ -19 પોઝિટિવ' ના આંકડાઓ પર વિશ્વાસ  નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન નોંધે છે, "... આપણે સંભવતઃ COVID-19 ને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયેલા કુલ મૃત્યુના આંકડાને  નોંધપાત્ર  રીતે ઓછા આંકી  રહ્યા છીએ.  "અતિરિક્ત મૃત્યુ" શબ્દપ્રયોગ  "સામાન્ય" પરિસ્થિતિઓમાં અપેક્ષિત હોય તેના કરતા ઘણા વધારે મૃત્યુ દર્શાવે છે. તેમાં માત્ર નિશ્ચિતપણે  નિદાન થયેલ મૃત્યુ જ નહીં, પણ જેનું યોગ્ય નિદાન અને નોંધ  ન થઈ હોય તેવા કોવિડ-19 મૃત્યુનો અને એકંદર કટોકટીની સ્થિતિને કારણે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય  છે. એકલા પુષ્ટિ થયેલ COVID-19 મૃત્યુની સરખામણીમાં આ પ્રકારની ગણતરી વધુ વ્યાપક અને સચોટ આંકડા પૂરા  પાડે છે.”

યોગ્ય નિદાન ન થયું હોય અને કોવિડ સાથે સાંકળી દેવામાં આવી હોય તેવી ઘણી સ્થિતિઓમાંની એક છે હૃદયની પેશીઓનો સોજો. તે ઓક્સિજનના પુરવઠાને અવરોધે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

લખનૌથી લગભગ 56 કિલોમીટર દૂર સીતાપુર જિલ્લાના મહેમુદાબાદ બ્લોકના મીરા નગર ગામના સરન પરિવારમાં આવું જ બન્યું. 22 મી એપ્રિલે બપોરના સુમારે 57 વર્ષના રામ સરનને સખત દુખાવો થયો. તેમની પત્ની 56 વર્ષના રામવતી તેમને ક્યાં દુખતું હતું તે બતાવવા પોતાની છાતી પર હાથ મૂકે છે.

ત્યારે રામવતી લખનૌમાં હતા. તેઓ 16 વર્ષના હતા ત્યારે તેમના પતિ સાથે આ શહેરમાં સ્થાયી થયા હતા. શહેરના ઉત્તરમાં આવેલા અલીગંજ વિસ્તારમાં આ દંપતી તેમના ત્રણ બાળકો સાથે રહેતું હતું, રામ સરન ત્યાં હાટડીમાં પાણીની બોટલ, ચિપ્સ, સોફ્ટ ડ્રિંક્સ અને સિગારેટ વેચતા હતા. કેટલાક મહિનાઓ પહેલા તેણે આ માલસામાનમાં ફેસ માસ્ક પણ ઉમેર્યા હતા.

લોકડાઉનને કારણે હાટડી બંધ હોવાથી રામ સરન વારંવાર તેમના પૈતૃક ઘરની સંભાળ રાખવા તેમના ગામ જતા હતા. તે દરમિયાન ઘરનોકર તરીકે કામ કરતી રામવતીની કમાણી પર પરિવારનું ગુજરાન ચાલતું હતું.

જ્યારે રામ સરને તબિયત ઠીક ન હોવાની ફરિયાદ કરી ત્યારે ફોટોકોપી મશીન ઓપરેટર તરીકે કામ કરતા તેમના દીકરા રાજેશ કુમાર તેમને તેમના ઘરથી લગભગ 10 કિલોમીટર દૂર મહેમુદાબાદના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ફરજ પરના તબીબે રામ સરનને બે ઈન્જેક્શન આપ્યા.

Ramvati in the colony where she does domestic work. With the kiosk (right) shut during the lockdown, the household had run on her earnings
PHOTO • Rana Tiwari
Ramvati in the colony where she does domestic work. With the kiosk (right) shut during the lockdown, the household had run on her earnings
PHOTO • Rana Tiwari

રામવતી જ્યાં ઘરકામ કરે છે તે કોલોનીમાં. લોકડાઉન દરમિયાન હાટડી (જમણે) બંધ હોવાથી રામવતીની કમાણી પર ઘર ચાલતું હતું

કુમાર યાદ કરે છે, “ત્યાં સુધીમાં તો મારા પિતા શ્વાસ માટે તડપતા હતા. ડૉક્ટરે કહ્યું કે અહીં અમારી પાસે માત્ર એક નાનું ઓક્સિજન સિલિન્ડર છે, તેનો કોઈ ફાયદો નહિ થાય, તેથી મારે તેમને [ગામથી લગભગ 8 કિલોમીટર દૂર] જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા પડશે,” (એમ્બ્યુલન્સ સેવા માટે રાજ્યનો કેન્દ્રીય નંબર) 108 જોડીને એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં ખસેડતાની સાથે જ - 22 મી એપ્રિલે લગભગ બપોરે 2:30 વાગ્યે - રામ સરનનું મૃત્યુ થયું.

કુમાર કહે છે, "તેઓ કહેતા રહ્યા કે 'હું નહિ જીવું'. તેઓ એટલા તંદુરસ્ત માણસ હતા પરંતુ તેમના શ્વાસ પૂરા થઈ ગયા.”

કોઈ મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું ન હતું અને તે જ સાંજે ગામમાં રામ સરનના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સીએચસીમાં તેમના માટે લખાયેલ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં 'કોવિડ 19 એજી (એન્ટિજેન) ટેસ્ટ પોઝિટિવ' નોંધવામાં આવ્યું હોવા છતાં કોઈપણ સાવચેતીનાં પગલાં લીધા વિના તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કારણ કે પરિવાર હજી પણ એમ જ માને છે કે તેઓ 'હાર્ટ ફેલ'થી મૃત્યુ પામ્યા હતા.

રામ સરન સીએચસીમાં સારવાર મેળવી ન શક્યા એ બાબત રાજ્યના નગરો અને ગામડાઓમાં આરોગ્ય સેવાઓના અભાવ વિષે ઘણું કહી જાય છે - 17 મી મેએ અલ્હાબાદ હાઈકોર્ટની બે જજની પીઠે  પણ (આરોગ્ય સેવાઓના) આ અભાવ અંગે ટિપ્પણી કરી હતી.

પરંતુ માત્ર સીએચસી અથવા જિલ્લા હોસ્પિટલો જ મહામારી દરમિયાન જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા એવું નથી.  થોડા મહિનાઓ પહેલા મૌર્ય પરિવારને  ખ્યાલ આવ્યો કે રાજધાની લખનૌમાં પણ આરોગ્યની માળખાકીય સુવિધાઓ અપૂરતી છે.

12 મી એપ્રિલે લખનૌની ચિન્હાટ હોસ્પિટલમાં દાખલ કરાયેલ 41 વર્ષના સુનિલ કુમાર મૌર્યએ તેમના ભત્રીજા પાવનને કહ્યું: “હું શ્વાસ લઈ શકતો નથી. મને આ હોસ્પિટલમાં કેમ રાખ્યો છે. મને ઘરે લઈ જશો તો મને ઠીક  થઈ જશે.”

તેના લગભગ એક અઠવાડિયા પહેલા મૌર્યને તાવ આવવા લાગ્યો હતો. તેમને ઉધરસ પણ હતી, પરંતુ તેમને ઘણા સમયથી આ તકલીફ રહેતી  હતી તેથી પરિવારે તેના પર બહુ ધ્યાન આપ્યું ન હતું.  પરંતુ 30 વર્ષના પાવન યાદ કરે છે કે જ્યારે તેમણે કહ્યું, "મારામાં ચાલવાની તાકાત નથી" ત્યારે તેમના પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા.

મૌર્ય પરિવાર મધ્ય લખનૌના ગોમતીનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીની વસાહત છોટી જુગૌલીમાં રહે છે, ત્યાં ઘણા સ્થળાંતરિત પરિવારો રહે છે. સુનીલ કુમાર  સુલતાનપુર જિલ્લાના જયસિંહપુર બ્લોકના બીરસિંહપુર ગામમાંથી બે દાયકા પહેલા અહીં આવ્યા હતા. તેઓ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને બાંધકામના સ્થળોએ મજૂરો પૂરા પાડતા હતા.

Rakesh Kumar with a photo of his father Ram Saran on his phone: the family's inability to get care at the CHC speaks of the precarious health facilities in the state’s towns and villages
PHOTO • Rana Tiwari

રાકેશ કુમાર તેમના ફોન પર પોતાના પિતા રામ સરનના ફોટા સાથે: પરિવાર સીએચસીમાં સારવાર મેળવી ન શક્યો એ બાબત રાજ્યના નગરો અને ગામડાઓમાં આરોગ્ય સેવાઓના અભાવ વિષે ઘણું કહી જાય છે

ગીચ વસ્તીવાળી છોટી જુગૌલી અને તેનાથી થોડી મોટી એ જ નામવાળી બડી જુગૌલી, 1.5 કિલોમીટરમાં ફેલાયેલી આ બે ઝૂંપડપટ્ટીઓ વચ્ચે માત્ર એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC - પીએચસી) અને છ આંગણવાડીઓ છે.

તેમાંથી એકમાં કાર્યરત એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એકટીવિસ્ટ (Accredited Social Health Activist - ASHA - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર - આશા) કહે છે કે મહામારી શરૂ થઈ ત્યારથી આ વિસ્તારમાં નથી કોઈ જાગૃતિ શિબિરોનું આયોજન થયું  કે નથી માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ થયું. સરકારી કાર્યવાહીના ડરથી તેઓ પોતાનું નામ આપવા  માંગતા નથી, પરંતુ તેમને ખાતરી છે કે લગભગ 15000 લોકોની વસ્તીવાળા આ વિસ્તારના સેંકડો રહીશો કોવિડ -19 થી  સંક્રમિત છે - પરંતુ ન તો તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે કે ન તો  તેમના નામ સંક્રમિતોની યાદીમાં નોંધવામાં આવ્યા છે.

તેમના કાર્યક્ષેત્રમાં આવતા 1517 પરિવારોમાંથી એક પણ પરિવારમાં કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું નથી. તેમણે મને થોડા મહિનાઓ પહેલા કહ્યું હતું, "લોકો શરદી, ઉધરસ અને તાવથી મરી રહ્યા છે, પરંતુ કોઈને પરીક્ષણ કરાવવું નથી. માર્ચ 2000 માં અમને લક્ષણોવાળા દર્દીઓની તપાસ કરવા દરરોજ 50 ઘરોનું સર્વેક્ષણ કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે હું બહાર જતી નથી કારણ કે તેમાં બહુ  જોખમ છે. મેં મારા વિસ્તારમાં એક જૂથ બનાવ્યું છે અને લોકોને ફોન પર મને જાણ કરવા કહું છું.

સ્થાનિક આરોગ્ય કાર્યકરો સરળતાથી મળતા ન હતા અને પીએચસીના ડૉક્ટરને બીજે ક્યાંક કોવિડ ડ્યુટી પર મૂકવામાં આવ્યા હતા તેથી જ્યારે મૌર્ય બીમાર થયા ત્યારે મદદ માટે સલાહ લઈ શકાય એવું કોઈ નહોતું.

આમતેમ ખોટી ભાગદોડ કરવાને બદલે છોટી જુગૌલીમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં કામ કરતા વિજ્ઞાનના સ્નાતક પાવન તેમના કાકાને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તેમની પાસેથી એન્ટિજેન પરીક્ષણના 500 રુપિયા લેવામાં આવ્યા. આ પરીક્ષણ નકારાત્મક આવ્યું. તે પછી તેઓ મૌર્યને લગભગ 30 કિલોમીટર દૂર ટી.એસ. મિશ્રા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં તેમને કહેવામાં આવ્યું કે એન્ટિજેન ટેસ્ટ ભરોસાપાત્ર નથી અને તેથી તેમના કાકાને બેડ ફાળવી શકાય તેમ નથી.

પરંતુ ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડૉક્ટરે તેમને એક પ્રિસ્ક્રિપ્શન આપ્યું જેમાં બીજી દવાઓની સાથે સાથે આઈવરમેક્ટીન, વિટામિન C અને ઝિંકની ગોળીઓ સૂચવવામાં આવી હતી - સામાન્ય રીતે કોવિડ -19 ના લક્ષણો હોય ત્યારે જ આ દવાઓની ભલામણ કરવામાં આવે છે.

Pawan Maurya: the antigen test turned up negative so his uncle Sunil Kumar Maurya could not be allotted a bed
PHOTO • Rana Tiwari

પાવન મૌર્ય: એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવ્યો તેથી તેમના કાકા સુનિલ કુમાર મૌર્યને બેડ ફાળવી શકાયો નહીં

ત્યાં સુધીમાં સુનીલ મૌર્યનું ઓક્સિજનનું સ્તર ઘટીને 80 થઈ ગયું હતું. પરિવારે વધુ બે હોસ્પિટલોમાં પ્રયાસ કર્યો પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તેમને વેન્ટિલેટરની જરૂર છે, જે આ હોસ્પિટલોમાં નથી. ચાર કલાકની દોડધામ પછી આખરે તેમને દાખલ કરે તેવી એક હોસ્પિટલ મળી ત્યારે મૌર્યને સતત ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડતી હતી. બીજું પરીક્ષણ, આ વખતે આરટી-પીસીઆર (RT-PCR) પરીક્ષણ કરવામાં આવ્યું.

12 મી એપ્રિલે થોડા કલાકો સુધી શ્વાસ લેવામાં ખૂબ તકલીફ વેઠ્યા પછી સુનીલનું મૃત્યુ થયું. લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલ (અગ્નિસંસ્કાર/દફન માટે જરૂરી)  પ્રમાણપત્રમાં મૃત્યુના કારણ તરીકે 'હાર્ટ ફેઈલ' સૂચિબદ્ધ છે. બે દિવસ પછી આવેલા આરટી-પીસીઆર રિપોર્ટમાં જણાવાયું કે તેઓ કોવિડ-19 સંક્રમિત હતા.

પાવન કહે છે, "એક અઠવાડિયામાં તો ખેલ ખલાસ થઈ ગયો.  આ પરીક્ષણોનો અર્થ શું?"

શહેરી ઝૂંપડપટ્ટીઓ, બેઘર લોકો અને દાડિયા મજૂરો સાથે કામ કરતા લખનૌ સ્થિત વિજ્ઞાન ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર રિચા ચંદ્રા કહે છે, "(કોવિડ) મહામારીની બીજી લહેર અને આરોગ્યસંભાળ માટેના નજીવા નાણાકીય સંસાધનોએ શહેરી ગરીબોને યોગ્ય નિદાન વિના જ મોતના મોંમાં ધકેલી  દીધા છે." તેઓ ઉમેરે છે કે શહેરી ગરીબો નહિવત કામ અને નજીવી સામાજિક સુરક્ષા સાથે, જાગૃતિના અભાવમાં અને ભીડભાડમાં જીવે છે - અને હવે તેઓ પરીક્ષણના અને કોવિડ સંક્રમિત જાહેર થવાના અને (તેની સાથે સંકળાયેલ) સામાજિક કલંકના વધારાના ડર સાથે જીવે છે.

એન્ટિજેન અને આરટી-પીસીઆર બંને પરીક્ષણો સંક્રમિત ન હોવાના ખોટા પરિણામો આપી શકે છે એ હકીકતને કારણે પરીક્ષણ કરાવવાનો ડર અનેક ગણો વધી જાય છે.

આરએમએલઆઈએમએસના માઇક્રો  ઉપરાંત સ્વેબ યોગ્ય રીતે લેવામાં ન આવ્યો હોય, અથવા (પરીક્ષણ માટે) વપરાયેલી કીટ આઈસીએમઆર [ICMR - ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ] દ્વારા માન્ય ન હોય તો પણ પરિણામો ભૂલભરેલા હોઈ શકે છે. એન્ટિજન પરીક્ષણો ઝડપી પરિણામો આપે છે, પરંતુ આ પરીક્ષણમાં આરએનએને વિસ્તૃત કરતા નથી તેથી એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે.

Neither private clinics nor government hospitals would admit Sadrunisha's son Suaib as his Covid test was negative.
PHOTO • Courtesy: Sadrunisha
Neither private clinics nor government hospitals would admit Sadrunisha's son Suaib as his Covid test was negative
PHOTO • Courtesy: Vigyan Foundation

સદ્રુન્નિશાના દીકરા શોએબને દાખલ કરવા ન તો કોઈ ખાનગી દવાખાના કે ન તો કોઈ સરકારી હોસ્પિટલો તૈયાર થશે કારણ કે તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ  હતો

મધ્ય લખનૌના માણકનગર વિસ્તારના ગઢી કનૌરા વિસ્તારના 38 વર્ષના શોએબ અખ્તરના આરટી-પીસીઆર પરીક્ષણમાં તેઓ કોરોના સંક્રમિત નથી તેમ જણાયું.

અખ્તર એપ્રિલના બીજા સપ્તાહમાં અછબડામાંથી સાજા થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે (13 મી એપ્રિલથી શરૂ થતા) રમઝાન માટે ઉપવાસ રાખવાનો આગ્રહ રાખ્યો, જોકે તેમના 65 વર્ષના માતા સદ્રુન્નિશાએ તેમને ઉપવાસ ન કરવા કહ્યું.

27 મી એપ્રિલે અખ્તરને ખાંસી આવવા લાગી અને સખત શ્વાસ ચડવાનું શરૂ થયું. પરિવારજનો તેમને આરટી-પીસીઆર પરીક્ષણ અને સીટી-સ્કેન (CT-સ્કેન) માટે ખાનગી પેથોલોજી લેબમાં લઈ ગયા - તેમણે તે પરીક્ષણોના 7800 રૂપિયા ચૂકવ્યા . આરટી-પીસીઆર પરીક્ષણ નેગેટિવ હતું પરંતુ સ્કેનમાં 'વાઈરલ ન્યુમોનિયા' જોવા મળ્યો હતો. પરંતુ ન તો કોઈ ખાનગી દવાખાના કે ન કોઈ સરકારી હોસ્પિટલો તેમને દાખલ કરવા તૈયાર હતા કારણ કે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ હતો. તેઓ બધા કોવિડ કેસોને પ્રાથમિકતા આપી રહ્યા હતા,  બધા ખાટલા ભરેલા હતા, અને બીજી  બિન-ઇમરજન્સી સેવાઓ હાલ પૂરતી બંધ હતી.

30 મી એપ્રિલે અખ્તર મૃત્યુ પામ્યા. પરિવારે ઘેર ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી  હતી. તેનાથી ઓક્સિજન આપવા છતાં તેઓ શ્વાસ લઈ શકતા નહોતા. સદ્રુન્નિશા કહે છે, “તે જોરજોરથી હાંફવા લાગ્યો અને તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું."

તેઓ પોતાના દીકરાનો ઉલ્લેખ એક  "હોશિયાર ઇલેક્ટ્રિશિયન" તરીકે કરે છે, જેને તાજેતરમાં કતાર તરફથી નોકરીની ઓફર મળી હતી. તેઓ કહે છે, "તે નોકરી માટે વિઝા મેળવે તે પહેલાં મૃત્યુએ તેને વિઝા આપી દીધો."

અખ્તરના મૃતદેહને તેમના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર પ્રેમવતી નગરમાં તકિયા મીરન  શાહ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. કબ્રસ્તાનમાંથી જારી કરાયેલ પ્રમાણપત્રમાં મૃત્યુનું કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી. જોકે સદ્રુન્નિશાને ખાતરી છે કે અછબડાના હુમલાને કારણે તેમના દીકરા અખ્તરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હશે આથી તે કોવિડ -19 થી સંક્રમિત થયો હતો.

14 મી જૂન 2020 ના રોજ ભારત સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવાયું હતું કે "... આવા શંકાસ્પદ કોવિડ કેસોના મૃતદેહો કોઈ પણ જાતના વિલંબ વિના તેમના સંબંધીઓને સોંપવા જોઈએ અને કોવિડની પુષ્ટિ કરતા લેબોરેટરી રિપોર્ટની રાહ જોવી જોઈએ નહીં."

Two days after his death, the family – Vimla and sons Gyanendra Kumar, Dheerendra Kumar and Abhishek – received the test result which said he was Covid-19 positive, but his death certificate (left) says otherwise
PHOTO • Durgesh Singh
Two days after his death, the family – Vimla and sons Gyanendra Kumar, Dheerendra Kumar and Abhishek – received the test result which said he was Covid-19 positive, but his death certificate (left) says otherwise
PHOTO • Durgesh Singh

તેમના મૃત્યુના બે દિવસ પછી, પરિવાર - વિમલા અને દીકરાઓ જ્ઞાનેન્દ્ર કુમાર, ધીરેન્દ્ર કુમાર અને અભિષેક - ને પરીક્ષણનું પરિણામ મળ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ કોવિડ -19 સંક્રમિત હતા, પરંતુ તેમનું મૃત્યુ પ્રમાણપત્ર (ડાબે) કંઈક જુદું જ કહે છે

આનો સીધો અર્થ એ છે કે જે લોકોમાં રોગના લક્ષણો છે પરંતુ પરીક્ષણના પરિણામો નેગેટિવ આવ્યા છે તેમના મૃત્યુને કોવિડ-19 ના કારણે થયેલા મૃત્યુ તરીકે સૂચિબદ્ધ કરાય  તેવી શક્યતા નથી.

ઉન્નાવ જિલ્લાના બીઘાપુર તહેસીલના કુતુબુદ્દીન ગરેવા ગામના અશોક કુમાર યાદવ પણ તેમાંના એક છે. રાજ્યના વીજળી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 56 વર્ષના યાદવને  22 એપ્રિલથી તાવ અને ઉધરસની તકલીફ હતી. તે માટે તેમણે સ્થાનિક કેમિસ્ટ પાસે દવા માંગી હતી. જ્યારે ઉધરસ વધી ગઈ અને તેમને નબળાઈ લાગવા માંડી ત્યારે 25 મી એપ્રિલની રાત્રે પરિવારજનો તેમને લગભગ 45 કિલોમીટર દૂર જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. યાદવનું  આરટી-પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યું  પરંતુ તેમને દાખલ કરવામાં આવ્યા ન હતા. બીજા દિવસે તેઓ શૌચાલયમાં જવા માટે પથારીમાંથી ઉઠ્યા ત્યારે જમીન પર ઢળી પડ્યા અને મૃત્યુ પામ્યા.

તેમના પત્ની 51 વર્ષના વિમલા કહે છે, “બસ એમ જ, સાવ અચાનક, એક ક્ષણમાં જ." તેઓ ગૃહિણી છે.

પરિવારે - વિમલાને ત્રણ બાળકો છે, જેની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે છે - કોઈપણ સાવચેતીના પગલાં વિના તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા. બે દિવસ પછી તેઓને પરીક્ષણનું પરિણામ મળ્યું જેમાં કહેવામાં આવ્યું કે યાદવ કોવિડ -19 સંક્રમિત હતા.  જિલ્લા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ યાદવના મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ‘કાર્ડિયો રેસ્પિરેટરી ફેઈલિયર’ જણાવવામાં આવ્યું  છે.

લખનૌમાં કોવિડ-19 સંચાલનની દેખરેખની જવાબદારી સાંભળતા રાજ્યના આરોગ્ય વિભાગના અધિક નિયામક ગિરિજા શંકર બાજપાઈ કહે છે, “અમે તમામ કોવિડ -19 મૃત્યુને નોંધવાનો પ્રયાસ કર્યો છે પરંતુ એ સાચું છે કે તમામ કેસોમાં પરીક્ષણો થયા નથી અને કેટલાક પરિણામો ખૂબ મોડેથી આવ્યા છે. જો કે હવે અમે એ અંગે વધુ સતર્ક  છીએ.”

તેમ છતાં આવા કેટલા કેસો અને મૃત્યુ નોંધાયા નહીં હોય અને જે (કોવિડ) મહામારીને કારણે થયેલ મૃત્યુ તરીકે ક્યારેય ગણાશે નહીં - એ તો કદાચ ક્યારેય જાણી નહિ શકાય.

ઉન્નાવમાં દુર્ગેશ સિંહે આપેલી માહિતીને આધારે લખાયેલ.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Rana Tiwari

ರಾಣಾ ತಿವಾರಿ ಲಕ್ನೋ ಮೂಲದ ಸ್ವತಂತ್ರ ಪತ್ರಕರ್ತ.

Other stories by Rana Tiwari
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik