ત્રણ દાયકા પહેલાં કોઈ યુવાન સંજય કાંબલેને વાંસમાંથી કારીગરી કરવાની કળા શીખવવા માંગતું ન હતું. આજે, જ્યારે તેઓ દરેકને તેમની આ મરતી કળા શીખવવા માંગે છે, ત્યારે કોઈ તેને શીખવા માંગતું નથી. 50 વર્ષીય સંજય કહે છે, “સમય કેવી રીતે બદલાઈ ગયો છે, તે વ્યંગાત્મક બાબત છે.”

તેમના એક એકરના ખેતરમાં ઉગતા વાંસમાંથી, કાંબલે મુખ્યત્વે ઇર્લા બનાવે છે, જે પશ્ચિમ મહારાષ્ટ્રના આ પ્રદેશમાં ડાંગરના ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો રેઇનકોટ છે. કેરલે ગામના આ રહેવાસી કહે છે, “આશરે વીસ વર્ષ પહેલાં, દરેક ખેડૂત ખેતરોમાં કામ કરતી વખતે ઇર્લાનો ઉપયોગ કરતો હતો કારણ કે અમારા શાહુવાડી તાલુકામાં ઘણો વરસાદ પડતો હતો.” જ્યારે તેઓ તેમના ખેતરમાં કામ કરતા, ત્યારે તેઓ પોતે પણ ઇર્લા જ પહેરતા હતા. વાંસનો આ રેઇનકોટ ઓછામાં ઓછો સાત વર્ષ સુધી ચાલે છે, અને “તે પછી પણ, તેને સરળતાથી સરખો કરી શકાય છે,” તેઓ ઉમેરે છે.

પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા 20 વર્ષોમાં કોલ્હાપુર જિલ્લામાં જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે વરસાદ 1,308 મીમી (2003માં) થી ઘટીને 973 (2023માં) થયો છે.

ઇર્લા બનાવતા કારીગર સંજય કાંબલે પૂછે છે, “કોને ખબર હતી કે અહીં વરસાદ એટલો બધો ઓછો થઈ જશે કે તે મારી કળાને લઈ ડુબશે?”

કાંબલે કહે છે, “અમે દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી જ ખેતી કરીએ છીએ કારણ કે અહીંની ખેતી વરસાદ પર નિર્ભર છે.” વર્ષોથી, વરસાદની અનિયમિતતાને કારણે મોટાભાગના ગ્રામજનોને મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે, જ્યાં તેઓ રેસ્ટોરાંમાં, ખાનગી બસ કંપનીઓમાં કંડક્ટર તરીકે, કડિયાઓ, દૈનિક વેતન મજૂરો અને શેરી વિક્રેતાઓ તરીકે અથવા સમગ્ર મહારાષ્ટ્રમાં ખેતરોમાં કામ કરે છે.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ મહારાષ્ટ્રના કેરલે ગામના રહેવાસી સંજય કાંબલે ખેતરમાં ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા વાંસના રેઇનકોટ બનાવે છે. જમણે: તેમના ખેતરમાં વાંસ તપાસતાં સંજય કહે છે, ‘સારી ગુણવત્તાના ઇર્લા બનાવવા માટે, સારી ગુણવત્તાની વાંસ ઓળખવાની કુશળતામાં પણ નિપુણતા હોવી જરૂરી છે’

ઘટતા વરસાદને કારણે જે લોકોએ સ્થાળાંતર નહોતું કર્યું તેઓ ડાંગરની ખેતીથી શેરડી તરફ વળ્યા છે. કાંબલે કહે છે. “બોરવેલ ધરાવતા ખેડૂતો ઝડપથી શેરડીની ખેતી તરફ સ્થળાંતર કરી રહ્યા છે, જેને ઉગાડવી ખૂબ સરળ છે.” આ પરિવર્તનની શરૂઆત લગભગ સાત વર્ષ પહેલાં થઈ હતી.

જો અહીં પૂરતો વરસાદ પડે, તો કાંબલે ચોમાસા દરમિયાન લગભગ 10 ઇર્લા વેચી શકે છે, પરંતુ આખા 2023માં તેમને માત્ર ત્રણ ઇર્લાના જ ઓર્ડર મળ્યા હતા. “આ વર્ષે બહુ ઓછો વરસાદ પડ્યો હતો. તો ઇર્લા કોણ ખરીદતું?” તેમના ગ્રાહકો અંબા, મસનોળી, તલવડે અને ચાંદોલી જેવા નજીકના ગામોમાંથી આવે છે.

શેરડીની ખેતી તરફ વળવાથી બીજી એક સમસ્યા પણ ઊભી થઈ છે. દલિત બૌદ્ધ સંજય સમજાવે છે, “ઇર્લા આદર્શ રીતે ટૂંકા ઊંચાઈના પાકવાળા ખેતરોમાં પહેરવામાં આવે છે. તમે શેરડીના ખેતરમાં ઇર્લામાં ચાલી શકતા નથી કારણ કે તેનું વિશાળ માળખું પાકના દાંડા સાથે ટકરાશે.” ઇર્લાનું કદ તેને પહેરનાર ખેડૂતની ઊંચાઈ પર આધાર રાખે છે. તેઓ ઉમેરે છે, “ તે એક નાના ઘર જેવું હોય છે.”

હવે ગામમાં વેચાતા સસ્તા પ્લાસ્ટિકના રેઇનકોરે ઇર્લાનો લગભગ ખાતમો કરી દીધો છે. વીસ વર્ષ પહેલાં કાંબલેને એક ઇર્લા દીઠ 200-300 રૂપિયા મળતા હતા, પરંતુ હવે જીવનનિર્વાહનો ખર્ચ પણ વધ્યો હોવાથી તેમણે તેની કિંમત હવે વધારીને 600 રૂપિયા કરી દીધી છે.

*****

કાંબલેના પિતા સ્વર્ગીય ચંદ્રપ્પા એક ખેડૂત હતા અને કારખાનામાં કામ કરતા હતા. ઇર્લા બનાવવાનું કામ તેમના દાદા, સ્વર્ગીય જ્યોતિબા હતા, જેઓ સંજયના જન્મ પહેલાં મૃત્યુ પામ્યા હતા. તેમના સમયમાં તેમના ગામમાં આ એક સામાન્ય વ્યવસાય હતો.

30 વર્ષ પહેલાં પણ આ વસ્તુની એટલી માંગ હતી કે કાંબલેએ વિચાર્યું કે વાંસની બનાવટ શીખવાથી તેમને ખેતીમાંથી તેમની આવક વધારવામાં મદદ મળશે. તેઓ કહે છે, “મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારે મારા પરિવારને ટેકો આપવા માટે પૈસા કમાવ્યા વગર ચાલે એમ નહોતું.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

સંજય વાંસને ચિહ્નિત કરવા માટે સ્કેલ અથવા માપ પટ્ટીનો ઉપયોગ કરતા નથી. પાર્લી (ડાબે) નામના એક પ્રકારના દાતરડાનો ઉપયોગ કરીને તેઓ ઝડપથી વાંસ (જમણે) ને બે સમાન ભાગોમાં વહેંચે છે

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ પાર્લી એકદમ તીક્ષ્ણ હોય છે અને ઘણીવાર ઇર્લા બનાવનારા કારીગરો માટે જોખમકારક હોય કરે છે. જમણેઃ વાંસને કાપતા સંજય

જ્યારે તેમણે આ કળા શીખવાનું નક્કી કર્યું, ત્યારે કાંબલે કેરલેના કાંબલેવાડી વસાત (વિસ્તાર) માં એક અનુભવી ઇરલાના કારીગર પાસે ગયા હતા. કાંબલે યાદ કરે છે, “મેં તેમને વિનંતી કરી કે તેઓ મને આ કળા શીખવે. પરંતુ તેઓ ખૂબ વ્યસ્ત હતા અને મારી સામે ક્યારેય લક્ષ્ય નહોતું આપતા.” જો કે, કાંબલે હાર માને એવા નથી, તેઓ દરરોજ સવારે તે કલાકારનું નિરીક્ષણ કરતા અને છેવટે તેઓ જાતે જ આ કળા શીખી ગયા.

કાંબલેએ વાંસથી સૌપ્રથમ વસ્તુ બનાવવાના પ્રયોગમાં નાની ગોળ ટોપલીઓ બનાવી હતી, જે માટે જરૂરી કૌશલ્યો તેઓ એક અઠવાડિયાની અંદર શીખવામાં સફળ રહ્યા હતા. તેઓ આખો દિવસ વાંસમાં પરોવાયેલા રહેતા, જ્યાં સુધી કે તેઓ ભૂખરા રંગની વાંસની પટ્ટીઓને વણીને પરિપૂર્ણતા સુધી ન પહોંચાડી દે.

કાંબલે કહે છે, “મારા ખેતરમાં હવે લગભગ 1,000 વાંસના છોડ છે. તેમનો ઉપયોગ હસ્તકલાની વસ્તુઓ બનાવવા માટે થાય છે અને તેમને દ્રાક્ષના બગીચાઓમાં વેચવામાં આવે છે [જ્યાં તેઓ દ્રાક્ષના વેલાને ટેકો આપે છે].” જો તેમણે બજારમાંથી ચીવા (વાંસની સ્થાનિક વિવિધતા) ખરીદવી હોય, તો સંજયે નંગ દીઠ ઓછામાં ઓછા 50 રૂપિયા ખર્ચવા પડશે.

ઇર્લા બનાવવામાં તનતોડ મહેનત જાય છે, અને તેને શીખવામાં સંજયને લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો.

આ કામની શરૂઆત થાય છે વાંસનો સંપૂર્ણ દાંડો શોધવાથી. ગ્રામજનો ચીવાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે મજબૂત અને ટકાઉ હોય છે. કાંબલે તેમના ખેતરના છોડની કાળજીપૂર્વક તપાસ કરે છે અને 21 ફૂટ ઊંચું એક વાંસ કાઢે છે. આગામી પાંચ મિનિટમાં, તેઓ તેને બીજા નોડની સહેજ ઉપરથી કાપે છે અને તેને તેમના ખભા ઊંચકે છે.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

વણાટમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર સમતલ ગોઠવેલી (જમણે) વાંસની બારીક કાપેલી પટ્ટીઓ (ડાબે)

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ હાડપિંજર બનાવવા માટે વાંસની પટ્ટીઓ વાળવામાં ઘણી તાકાત અને સમય લાગે છે. જમણે: એક ભૂલથી તે આખુંને આખું બરબાદ થઈ જશે તેથી તેમણે અત્યંત સાવચેત રહેવું પડશે

તેઓ તે વાંસને લઈને તેમના ચીરા (લેટરાઇટ)થી બનાવેલા ઘેર પરત ફરે છે, જેમાં એક ઓરડો અને રસોડું છે અને તેને તેઓ જ્યાં કામ કરે છે તે આંગણામાં નીચે મૂકે છે. તેઓ વાંસના બે છેડા કાપવા માટે પાર્લી (એક પ્રકારનું દાતરડું) નો ઉપયોગ કરે છે. આ ઓજાર આકારમાં એકસમાન નથી હોતું. પછી, તેઓ વાંસને બે સમાન ભાગોમાં વહેંચે છે અને ઝડપથી તેની પાર્લીને દરેક ટુકડામાં ઊભી કરીને વીંધે છે, અને તેના વધુ બે ટુકડા કરે છે.

વાંસના લીલાશ પડતા બાહ્ય સ્તરમાંથી પાતળી પટ્ટીઓ બનાવવા માટે પાર્લીનો ઉપયોગ કરીને તેને છોલવામાં આવે છે. તેઓ આવી કેટલીક પટ્ટીઓ બનાવવા માટે ઓછામાં ઓછા ત્રણ કલાક વિતાવે છે, જેને પછી ઇર્લા બનાવવા માટે વણવામાં આવે છે.

તેઓ સમજાવે છે, “પટ્ટીની સંખ્યા ઇર્લાના કદ પર આધાર રાખે છે.” આશરે, દરેક ઇર્લાને વાંસના ત્રણ દાંડાની જરૂર પડે છે, જે દરેક 20 ફૂટના હોય છે.

કાંબલે વાંસની 20 પટ્ટીઓને આડી ગોઠવે છે, અને તેમની વચ્ચે છ સેન્ટિમીટરનું અંતર છોડી દે છે. તે પછી તેઓ તેમની ઉપર ચટાઈ (સાદડી) વણવામાં આવે છે તે રીતે ઊભી કરીને કેટલીક વધુ પટ્ટીઓ મૂકે છે અને તેમને એકબીજા સાથે જોડીને વણાટ કરવાનું શરૂ કરે છે.

આ પીઢ કારીગરને આ પટ્ટીઓ બનાવવા માટે સ્કેલ અથવા માપ પટ્ટીની જરૂર નથી રહેતી. તેઓ સંદર્ભ માટે ફક્ત તેમની હથેળીઓનો ઉપયોગ કરે છે. તેઓ હસતાં હસતાં કહે છે, “માપ એટલું ચોક્કસ હોય છે કે પટ્ટીનો કોઈ વધારાનો ભાગ બાકી રહેતો નથી.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ ઇર્લાનું લઘુચિત્ર સ્વરૂપ બતાવતા સંજય. જમણેઃ એક વાર તે બની જાય, પછી ઇર્લાને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવે છે. 2023માં આ વિસ્તારમાં વરસાદના અભાવે સંજયને ઇર્લા માટે પૂરતા ઓર્ડર મળ્યા ન હતા

તેઓ આગળ કહે છે, “આ માળખું બનાવ્યા પછી, તમારે બાજુઓથી ધારને વાળવી પડશે, જેના માટે ઘણી તાકાતની જરૂર પડે છે.” એક વાર માળખું તૈયાર થઈ જાય પછી, તેઓ પટ્ટીઓ વાળવા પાછળ લગભગ એક કલાક વિતાવે છે, અને દરેકની ટોચ પર અણીદાર ભાગ બનાવે છે. તેઓ કહે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ આઠ કલાક લાગે છે.

એક વાર માળખું પૂર્ણ થઈ જાય પછી, ઇર્લાને મોટી વાદળી તાડપત્રીથી ઢાંકી લેવામાં આવે છે, જે પાણીને દૂર કરવામાં કામ લાગે છે. તેને પહેરનારના વ્યક્તિ તેને પહેરવા માટે શરીર સાથે પ્લાસ્ટિકની દોરડીનો ઉપયોગ કરીને તેને બાંધે છે, જે ઇર્લા સાથે જોડેલી હોય છે. તેને તેના સ્થાને રાખવા માટે વિવિધ છેડા પર બહુવિધ ગાંઠો બનાવવામાં આવે છે. કાંબલે તાડપત્રીની શીટ્સ અંબા અને મલકાપુર નજીકના શહેરોમાંથી નંગ દીઠ 50 રૂપિયામાં ખરીદે છે.

*****

કાંબલે ઇર્લા બનાવવાની સાથે સાથે પોતાની જમીન પર ડાંગરની ખેતી પણ કરે છે. મોટાભાગની લણણી તેમના પરિવારના ઉપયોગમાં આવે છે. તેમનાં 40 વર્ષીય પત્ની માલાબાઈ પણ તેમના પોતાના ખેતરમાં અને બીજાઓના ખેતરમાં કામ કરે છે, નીંદણ દૂર કરે છે, ચોખા વાવવામાં અને શેરડી રોપવામાં મદદ કરે છે અથવા પાકની લણણી કરે છે.

તેઓ કહે છે, “અમને ઇર્લા માટે પૂરતા ઓર્ડર મળતા નથી અને અમે માત્ર ડાંગરની ખેતી પર ટકી શકતાં નથી, તેથી હું ખેતરોમાં કામ કરવાનું પસંદ કરું છું.” તેમની દીકરીઓ કરુણા, કંચન અને શુભાંગી, જે બધાં 30 વર્ષનાં થવા આવ્યાં છે અને તે બધાં પરિણીત અને ગૃહિણી છે. તેમનો પુત્ર સ્વપ્નિલ મુંબઈમાં અભ્યાસ કરે છે અને તે ક્યારેય ઇર્લા બનાવવાનું શીખ્યો નથી. સ્વપ્નિલના શહેરમાં જવા અંગે સંજય કહે છે, “અહીં રોજીની તકો ન હોવાથી તે શહેરમાં જતો રહ્યો છે.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબે: પોતાની આવક વધારવા માટે સંજયે માછલીનો સંગ્રહ કરવા માટે વપરાતા કારંડા સહિત અન્ય વાંસની વસ્તુઓ હાથથી બનાવવામાં પણ નિપુણતા મેળવી છે. જમણે: ડાબી બાજુએ ખુરુદ (મરઘીઓ રાખવા માટે વપરાય છે) છે, અને જમણે સંજયે બનાવેલી ટોપલી

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ સંજય ખાતરી કરે છે કે તે વણાટ કરતી વખતે સમપ્રમાણતા જાળવી રાખે છે. જમણે: સંજય કહે છે, છેલ્લા ત્રણ દાયકામાં તેમની પાસે તેમની કળા શીખવા માટે કોઈ આવ્યું નથી

પોતાની આવક વધારવા માટે કાંબલેએ અન્ય વાંસની વસ્તુઓની સાથે હાથથી ખુરુદ (મરઘીઓ માટેનો ઘેરો) અને કારંડા (માછલી માટેનો ઘેરો) બનાવવાની કુશળતામાં પણ નિપુણતા મેળવી છે. તેઓ આ વસ્તુઓને ઓર્ડર પર બનાવે છે, અને ગ્રાહકો તેમને લેવા માટે તેમના ઘરે આવે છે. લગભગ એક દાયકા પહેલાં, તેઓ ટોપલા અથવા કાંગી પણ બનાવતા હતા, જે પરંપરાગત રીતે ચોખાનો સંગ્રહ કરવા માટે વપરાતાં વાસણો છે. પરંતુ પત્રચા ડબ્બા (ટીનના ડબ્બા) સરળ રીતે ઉપલબ્ધ થતા હોવાથી, તેના ઓર્ડર આવવાનું બંધ થઈ ગયું છે. હવે તેઓ આવા ડબ્બા માત્ર ઘરેલું ઉપયોગ માટે જ બનાવે છે.

કાંબલે તેમના માલસામાનના ફોટા બતાવવા માટે તેના ફોનમાં સ્ક્રોલ કરતાં કરતાં પૂછે છે, “કોણ એવું હશે જે આ કુશળતાને શીખવા માંગશે? ન તો તેની કોઈ માંગ છે કે ન તો તેમાં પૂરતું વળતર મળે છે. થોડા વર્ષોમાં તે ગાયબ થઈ જશે.”

આ વાર્તા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, અને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sanket Jain

संकेत जैन, महाराष्ट्र के कोल्हापुर में रहने वाले पत्रकार हैं. वह पारी के साल 2022 के सीनियर फेलो हैं, और पूर्व में साल 2019 के फेलो रह चुके हैं.

की अन्य स्टोरी Sanket Jain
Editor : Shaoni Sarkar

शावनी सरकार, कोलकाता की स्वतंत्र पत्रकार हैं.

की अन्य स्टोरी Shaoni Sarkar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad