ઝાકિર હુસૈન અને મહેશ કુમાર ચૌધરી બાળપણના મિત્રો છે. હવે તેઓ ચાલીસેક વર્ષના છે, અને હજુ પણ એકબીજાની નજીક છે. ઝાકિર અજના ગામમાં રહે છે અને પાકુડમાં બાંધકામ ઠેકેદાર તરીકે કામ કરે છે, જે શહેરમાં મહેશ એક નાની રેસ્ટોરન્ટ ચલાવે છે.

મહેશ કહે છે, “પાકુડ (જિલ્લો) ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે; અહીંના લોકોમાં સુમેળથી રહે છે.”

તેમના મિત્રની બાજુમાં બેઠેલા ઝાકિર ઉમેરે છે, “[આસામના મુખ્યમંત્રી] હિમંતા વિશ્વ શર્મા જેવા બહારથી આવતા લોકો જ તેમના ભાષણોથી લોકોને ઉશ્કેરી રહ્યા છે.”

સંથાલ પરગણા પ્રદેશનો એક ભાગ એવો પાકુડ ઝારખંડની પૂર્વિય સરગદ પર આવેલો છે, જ્યાં 20 નવેમ્બર, 2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કુલ 81 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. 2019ની છેલ્લી ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (જે.એમ.એમ.)ની આગેવાની હેઠળના ગઠબંધને ભાજપને હરાવી દીધું હતું.

ગમે તેમ કરીને સત્તામાં પાછા ફરવા માટે ભાજપે મતદારોને આકર્ષવા માટે આસામના મુખ્યમંત્રી સહિત અન્ય લોકોને મોકલ્યા છે. ભાજપના નેતાઓએ મુસ્લિમ સમુદાયો સામે ગુસ્સો ઠાલવ્યો છે અને તેમને ‘બાંગ્લાદેશના ઘૂસણખોરો’ ગણાવ્યા છે.

ઝાકિર આગળ કહે છે, “હિંદુઓ મારી બાજુમાં રહે છે; તેઓ મારા ઘરે આવે છે, અને હું તેમના ઘરે જાઉં છું. હિંદુ-મુસ્લિમનો મુદ્દો હંમેશાં માત્ર ચૂંટણી દરમિયાન જ સામે આવે છે. અન્યથા તેઓ [ભાજપ] કેવી રીતે જીતશે?”

સપ્ટેમ્બર, 2024માં જમશેદપુરમાં યોજાયેલી એક રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘૂસણખોરીના મુદ્દાઓને પોતાનું રાજકીય મહત્ત્વ આપ્યું હતું . તેમણે પ્રેક્ષકોના ટોળાને સંબોધીને કહ્યું હતું, “સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે. જમીનો જપ્ત કરવામાં આવી રહી છે. ઘૂસણખોરો પંચાયતોમાં હોદ્દાઓ પર કબજો કરી રહ્યા છે.”

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના જાહેર ભાષણોમાં આવી જ વાતો કરી છે. ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ઝારખંડમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરીને રોકવા અને આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા માટે નક્કર પગલાં લઈશું.”

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

જમણેઃ અજના ગામમાં ખેતર ખેડતા એક ખેડૂત. ઝાકિર હુસૈન (જમણે) અને મહેશ કુમાર ચૌધરી (ડાબે) બાળપણના મિત્રો છે. મહેશ એક નાનકડી રેસ્ટોરન્ટ ચલાવે છે, ઝાકિર બાંધકામ ઠેકેદાર તરીકે કામ કરે છે

સામાજિક કાર્યકર્તા અશોક વર્મા આ મુદ્દાનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવા બદલ ભાજપને વખોડતાં કહે છે, “ખોટી વાત રજૂ કરવામાં આવી રહી છે. સંથાલ પરગણામાં બાંગ્લાદેશી ઘૂસણખોરી કોઈ મુદ્દો જ નથી.” તેઓ નિર્દેશ કરે છે કે છોટા નાગપુર અને સંથાલ પરગણા ભાડૂત કાયદાઓ આદિવાસી જમીનના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે, અને જમીનના વેચાણની દરેક લેવડદેવડમાં બાંગ્લાદેશીઓ નહીં પણ સ્થાનિક લોકો સામેલ છે.

ભાજપના રાજકારણીઓ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (એન.સી.એસ.ટી.)ના તાજેતરના અહેવાલનો હવાલો આપી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરી ઝારખંડના સંથાલ પરગણા પ્રદેશની ‘વસ્તી વિષયક સ્થિતિ’ને બદલી રહી છે. એન.સી.એસ.ટી.એ ગૃહ મંત્રાલયને આ અહેવાલ સુપરત કર્યો હતો, જે પછી ઝારખંડ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજ સાર્વજનિક રીતે બહાર પાડવામાં નથી આવ્યો.

અશોક વર્મા એન.સી.એસ.ટી.ની તપાસ કરતી એક સ્વતંત્ર તથ્ય શોધ ટીમનો ભાગ હતા અને તેઓ આ તારણોને પાયાવિહોણા ગણાવે છે. તેઓ કહે છે કે આદિવાસીઓ ગરીબી, કુપોષણ, નીચા જન્મ દર અને ઊંચા મૃત્યુ દરને કારણે આ વિસ્તાર છોડી રહ્યા છે.

મીડિયા ધ્રુવીકરણના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોવાથી પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ઝાકિર ઉમેરે છે, “તેને [ટીવી] બંધ જ કરી દો, અને સુમેળ પાછો આવી જશે. અખબારો મોટે ભાગે શિક્ષિત લોકો વાંચે છે, પરંતુ ટીવી દરેક વ્યક્તિ જુએ છે.”

ઝાકિરના જણાવ્યા અનુસાર, “આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો મોંઘવારી હોવો જોઈએ. આટા [ઘઉંનો લોટ], ચાવલ [ચોખા], દાલ [દાળ], તેલ... બધું જ મોંઘું થઈ ગયું છે.”

ઝારખંડ જનાધિકાર મહાસભાના સભ્ય અશોક ઉમેરે છે, “સંથાલ પરગણામાં મુસ્લિમો અને આદિવાસીઓ સમાન સંસ્કૃતિ અને ખાવાની આદતો ધરાવે છે અને એકબીજાના તહેવારો પણ ઉજવે છે. જો તમે સ્થાનિક આદિવાસી હાટ [બજારો]ની મુલાકાત લો છો, તો તમે બંને સમુદાયોને હાજર જોશો.”

*****

17 જૂન, 2024ના રોજ, મુસલમાનોના બકરી ઈદના તહેવારના દિવસે, ગોપીનાથપુરમાં ઉજવણી માટે પ્રાણીઓનું બલિદાન આપવા અંગે કોમી તણાવ વધ્યો હતો. અજનાની જેમ, આ ગામ પણ પાકુડ જિલ્લામાં આવેલું છે, અને તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો રહે છે. પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ એક સાંકડી સિંચાઈ નહેરની પેલે પાર આવેલું છે. અહીંના મોટાભાગના રહેવાસીઓ સીમાંત કામદારો છે, જેઓ ખેતી અને ખેતમજૂરી સાથે સંકળાયેલા છે.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબેઃ નોમિતા અને તેમના પતિ દીપચંદ મંડલ તેમના ઘરની બહાર, જેના પર જૂન, 2024માં હુમલો થયો હતો. જમણેઃ તેમની પાસે નુકસાનીનો ફોટોગ્રાફિક પુરાવો છે જેના આધારે તેઓ વળતર મેળવવા માગે છે

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબેઃ નોમિતાના ઘરની બહારના રસોડામાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જમણેઃ સિંચાઈની નહેર ઝારખંડને પશ્ચિમ બંગાળથી અલગ કરે છે

પોલીસને ગાંધીપુર પંચાયતમાં વોર્ડ નં. 11માં બોલાવવામાં આવી હતી. પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી, પણ ફરી પાછી બીજા દિવસે વણસી હતી. સ્થાનિક રહેવાસી સુધીર ઉમેરે, કે જેમણે 100-200 પોલીસ કર્મચારીઓને ઘટના સ્થળે પહોંચતા જોયા હતા કહે છે, “ભીડ પથ્થરો ફેંકી રહી હતી. દરેક જગ્યાએ ધુમાડો હતો. તેઓએ મોટરસાયકલો અને પોલીસના વાહનને પણ આગ ચાંપી દીધી હતી.”

જ્યારે તેઓએ વિસ્ફોટ સાંભળ્યો ત્યારે નોમિતા મંડલ તેની પુત્રી સાથે ઘરે હતાં. હજુ પણ ગભરાયેલા અવાજે તેઓ કહે છે, “અચાનક અમારા ઘર પર પથ્થરો પડી રહ્યા હતા. અમે અંદર દોડી ગયાં.”

ત્યાં સુધીમાં, પુરુષોના એક જૂથે પહેલેથી જ તાળું તોડી દીધું હતું અને બળજબરીથી અંદર પ્રવેશ કરી દીધો હતો. તેઓએ માતા અને પુત્રીને માર મારવાનું શરૂ કર્યું. તેની કમર અને ખભા તરફ ઈશારો કરતાં 16 વર્ષીય છોકરી કહે છે, “તેઓએ મને અહીં માર માર્યો હતો... પીડા હજુ પણ છે.” પારીને સ્થળ બતાવતાં નોમિતા કહે છે, તેમણે રસોડામાં પણ આગ લગાવી દીધી હતી, જે મુખ્ય ઘરથી અલગ એક ઓરડો હતો.

મુફસ્સિલ પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય કુમાર ઝા આ ઘટનાને નકારી કાઢતાં કહે છે, “નુકસાન વ્યાપક નથી. એક ઝૂંપડી સળગાવી દેવામાં આવી હતી અને થોડી તોડફોડ કરવામાં આવી હતી. કોઈનું મૃત્યુ થયું નથી.”

32 વર્ષીય નોમિતા, ઝારખંડના પાકુડ જિલ્લાના ગોપીનાથપુરમાં તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પેઢીઓથી આ વિસ્તારમાં રહેતા ઘણા પરિવારોમાંનાં એક છે. તેઓ મક્કમતાથી કહે છે, “આ અમારું ઘર છે, અમારી જમીન છે.”

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબેઃ હુમલા થયા ત્યારથી હેમા મંડલ અસુરક્ષા અનુભવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘પહેલાં હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ નહોતો, પરંતુ હવે સતત ડરનો માહોલ છે.’ જમણેઃ તેમના રસોડામાં પણ તોડફોડ કરવામાં આવી હતી

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબેઃ રિહાન શેખ કહે છે, ‘અહીંના મુસ્લિમો હિંદુઓના પડખે ઊભા હતા.’ જમણેઃ તેમના મોબાઇલ ફોન પર આ ઘટનાનો વીડિયો છે

જિલ્લા પરિષદના સભ્ય પિંકી મંડલ કહે છે કે, પાકુડ જિલ્લાના ગાંધીપુર પંચાયતનો એક ભાગ, ગોપીનાથપુર હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર છે. નોમિતાના પતિ દીપચંદનો પરિવાર અહીં પાંચ પેઢીઓથી રહે છે. જ્યારે હુમલો થયો ત્યારે તેમના અન્ય બે બાળકો સાથે બહાર ગયેલા 34 વર્ષીય દીપચંદ કહે છે, “પહેલાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોઈ તણાવ નહોતો, પરંતુ બકરી ઈદની ઘટના પછી સ્થિતિ વધુ ખરાબ થઈ છે.”

નોમિતા કહે છે, “કોઈએ પોલીસને ફોન કરી દીધો હતો, નહીંતર કોણ જાણે કે અમારું શું થયું હોત.” તે પછીના અઠવાડિયે તેમણે તેમનાં તેમના સાસુ-સસરા પાસેથી 50,000 રૂપિયા ઊછીના લઈને ઘરની બારીઓ અને દરવાજા પર ગ્રિલ લગાવી દીધી. દૈનિક વેતન મજૂરી કરતા દીપચંદ કહે છે, “અમે તેના વિના અહીં સુરક્ષિત ન હોત. હું ઈચ્છું છું કે હું તે દિવસે કામ પર ન ગયો હોત તો સારું હતું.”

હેમા મંડલ તેમના વરંડામાં તેંદુના પાંદડાવાળી બિડી વણી રહ્યાં છે. તેઓ કહે છે, “પહેલાં હિંદુ-મુસ્લિમ તણાવ નહોતો, પરંતુ હવે સતત ડરનો માહોલ રહે છે.” તેઓ ઉમેરે છે કે જ્યારે નહેરમાં પાણીનું સ્તર સુકાઈ જશે, “ફરીથી લડાઈ થશે.” અને બંગાળના લોકો સરહદ પારથી ધમકીઓ આપે છે. તેઓ ઉમેરે છે, “સાંજે છ વાગ્યા પછી, આ આખો રસ્તો શાંત થઈ જાય છે.”

આ નહેર, જે સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ હતી, તે હેમાના ઘર તરફ જતા રસ્તાની સમાંતર ચાલે છે. બપોર પછી પણ આ વિસ્તાર નિર્જન રહે છે અને સાંજે સ્ટ્રીટ લાઇટ વિના તે અંધકારમય હોય છે.

નહેરનો ઉલ્લેખ કરતાં 27 વર્ષીય રિહાન શેખ કહે છે, “આ ઘટનામાં સામેલ બધા લોકો બીજી બાજુના, [પશ્ચિમ] બંગાળના હતા. અહીંના મુસ્લિમો હિંદુઓની પડખે ઊભા હતા.” રિહાન એક ગણોત ખેડૂત છે અને ડાંગર, ઘઉં, સરસવ અને મકાઈની ખેતી કરે છે. તેમના સાત સભ્યોના પરિવારમાં તેઓ એકમાત્ર કમાતા સભ્ય છે.

ભાજપના નિવેદનોને નકારી કાઢતાં તેઓ આ પત્રકારને પૂછે છે, “અમે અહીં ઘણી પેઢીઓથી રહીએ છીએ. શું અમે બાંગ્લાદેશી છીએ?”

અનુવાદ: ફૈઝ મોહંમદ

Ashwini Kumar Shukla

अश्विनी कुमार शुक्ला, झारखंड के स्वतंत्र पत्रकार हैं, और नई दिल्ली के भारतीय जन संचार संस्थान (2018-2019) से स्नातक कर चुके हैं. वह साल 2023 के पारी-एमएमएफ़ फ़ेलो हैं.

की अन्य स्टोरी Ashwini Kumar Shukla
Editor : Sarbajaya Bhattacharya

सर्वजया भट्टाचार्य, पारी के लिए बतौर सीनियर असिस्टेंट एडिटर काम करती हैं. वह एक अनुभवी बांग्ला अनुवादक हैं. कोलकाता की रहने वाली सर्वजया शहर के इतिहास और यात्रा साहित्य में दिलचस्पी रखती हैं.

की अन्य स्टोरी Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad