ડ્રાઈવરે તેને ખાતરી આપી હતી કે એ તેને ઘેર છોડી દેશે, પરંતુ ગાડી વિરુદ્ધ દિશામાં દોડતી રહી. ડ્રાઈવરે હાઈવે પર પહેલો યુ-ટર્ન ન લીધો ત્યારે નેહાએ વિચાર્યું કે તે અજાણતાં જ યુ-ટર્ન લેવાનું ચૂકી ગયો હતો. બીજો યુ-ટર્ન પણ આવીને જતો રહ્યો એ પછી આ 15 વર્ષની કિશોરીની શંકા વધી ગઈ. ત્રીજી વાર પણ એવું જ બન્યું ત્યારે તે ગભરાઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ; તેના હૃદયના ધબકારા જ જાણે બંધ થઈ ગયા.

અસ્વસ્થ અને અનિશ્ચિત નેહા તેના માતાપિતા પાસે જવા માટે બૂમો પાડવા લાગી. ગાડીમાં તેની બાજુમાં બેઠેલી મહિલાએ અને ડ્રાઈવરે ચિંતા ન કરવાનું કહી તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

પરંતુ મનમાં ઊંડે ઊંડે નેહા જાણતી હતી કે તે મોટી મુશ્કેલીમાં છે. તેણે ઝાઝું વિચાર્યા વિના આવેગમાં આવી જઈને ઘર છોડવાનો નિર્ણય લીધો હતો, અને એ માટે તે પહેલેથી જ પસ્તાઈ રહી હતી.

આ વર્ષની શરૂઆતમાં, મે 2023 માં, આ કિશોરીને પોતાના માતાપિતા સાથે ઝગડો થયો હતો, માતાપિતાને લાગ્યું હતું કે તે તેના ફોન પર વધુ સમય વિતાવે છે અને પુસ્તકો વાંચવામાં (ભણવામાં) ઓછો. આ ઝગડાને અંતે નેહાનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

તે આંખ મેળવ્યા વિના નીચી નજરે અને નીચા અવાજે કહે છે, "મારા માતા-પિતાએ મારો મોબાઈલ છીનવી લીધો એનાથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મારે બસ એમનાથી દૂર ભાગી જવું હતું."

તેથી તે સવારે 6 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી અને પડોશની સાંકડી શેરીઓ વટાવીને હાઇવે સુધી પહોંચી ગઈ. હજી સુધી તેના માતા-પિતા પર ગુસ્સે ભરાયેલી નેહાએ તેને પોતાને કંઈ ખ્યાલ આવે એ પહેલા હાઇવે પર લગભગ 7-8 કિલોમીટર ચાલી ચૂકી હતી. અત્યાર સુધીમાં સૂર્ય ઊગ્યાને થોડા કલાકો થઈ ગયા હતા અને તેને તરસ લાગી હતી પરંતુ તેની પાસે પાણીની બોટલ ખરીદવાનાય પૈસા નહોતા.

એક ચમકતી કાળી સેડાન તેની સામે આવીને અટકી. નેહા યાદ કરે છે, "એક પુરુષ ગાડી ચલાવતો હતો અને પાછળ એક મહિલા બેઠી હતી." મહિલાએ બારીનો કાચ નીચો કરીને નેહાને પૂછ્યું હતું કે તેને ઘેર પાછા જવા લિફ્ટ જોઈએ છે? નેહા કહે છે, "તેઓ સારા લોકો હોય એવું લાગતું હતું. હું ખૂબ થાકી ગઈ હતી અને આખે રસ્તે ચાલીને પાછા જવાની મારામાં તાકાત નહોતી અને બસની ટિકિટના મારી પાસે પૈસા નહોતા.”

નેહાએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એર કંડિશનરે તેને આરામ આપ્યો, તેણે માથું પાછળ ટેકવીને રૂમાલ વડે તેના કપાળ પરનો પરસેવો લૂછી નાખ્યો. એ મહિલાએ તેને પાણીની બોટલ ધરી.

જોકે, નેહાની રાહત ટૂંક સમયમાં જ ડરમાં ફેરવાઈ ગઈ કારણ કે એ પુરુષે ગાડી નેહાના ઘરથી દૂર ભગાડવાનું ચાલુ રાખ્યું. નેહાએ બૂમો પાડવાનો અને વિરોધ કરવાનો પ્રયાસ કરી જોયો પરંતુ આખરે એક કલાક પછી જ ગાડી અટકી. ત્યાં સુધીમાં તો તેઓ ભોપાલ પહોંચી ગયા હતા. નેહાનું અપહરણ કરાયું હતું.

ભારતમાં 2016 અને 2021 ની વચ્ચે કુલ 403825 બાળકો ગુમ થયા હતા. આ દુ:ખદાયક આંકડાના આલેખમાં મધ્ય પ્રદેશ રાજ્ય હંમેશ ટોચના સ્થાને રહ્યું છે - એ  જ સમયગાળામાં આ રાજ્યમાં સત્તાવાર રીતે (બાળકો ગુમ થયાના) 60031 કેસ નોંધાયા હતા (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો). ચાઈલ્ડ રાઇટ્સ એન્ડ યુ (ક્રાય) દ્વારા દાખલ કરાયેલ આરટીઆઈથી પ્રાપ્ત થયેલ આંકડાઓ અનુસાર 2022 માં 11717 બાળકો ગુમ થયા હતા. એક વર્ષમાં સરેરાશ 10250 અથવા રોજના 28 બાળકો ગુમ થાય છે - આ આંકડો ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં વધુ છે.

Madhya Pradesh consistently has the highest numbers of children that go missing in India

ભારતમાં ગુમ થનારા બાળકોની સંખ્યા મધ્યપ્રદેશમાં સતત સૌથી વધુ રહી છે

અને ગુમ થયેલા બાળકોનો ઘણો મોટો હિસ્સો, 77 ટકા - 55073 - નેહાની જેમ જ (કિશોર વયની) છોકરીઓ છે. બાળકોના અધિકારો માટે નફાના હેતુ વિના કામ કરતી સંસ્થા વિકાસ સંવાદ સમિતિમાં કામ કરતા ભોપાલ સ્થિત કાર્યકર સચિન જૈન કહે છે, "પરંતુ [ગુમ થયેલા બાળકોની] આ સંખ્યા પણ એક રૂઢિચુસ્ત અંદાજ હોઈ શકે છે કારણ કે અંતરિયાળ વિસ્તારોમાંથી ગુમ થયેલા બાળકોના ઘણા કેસ નોંધાતા જ નથી." આ સંસ્થા મધ્યપ્રદેશમાં ગુમ થયેલા બાળકો અંગેની માહિતીની નોંધ જાળવે છે.

દરમિયાન ઘેર, શહેરની સીમમાં તેમની એક ઓરડીની ઝૂંપડીમાં નેહાના માતા-પિતા પ્રીતિ અને રમણે તાત્કાલિક શોધખોળ શરૂ કરી દીધી હતી, તેમણે પોતાના પડોશીઓના દરવાજા ખખડાવી જોયા હતા અને સંબંધીઓને ફોન કરી જોયા હતા. પ્રીતિ કહે છે, “મને ખરાબ લાગ્યું અને હું મારી જાતને દોષી સમજતી હતી.અમે આખા પડોશમાં ચારે બાજુ શોધી વળ્યાં પરંતુ એ ક્યાંય નહોતી. અમને લાગ્યું કે એ બપોર સુધીમાં પાછી આવી જશે.” બીજે દિવસે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી ગુમ થવાની ફરિયાદ નોંધાવી.

આ દંપતી ભોપાલની આસપાસની જુદી જુદી ફેક્ટરીઓમાં દાડિયા મજૂરી કરે છે અને બેઉ મળીને મહિને 8000-10000 કમાય છે. પ્રીતિ કહે છે, “અમારી હંમેશની એવી ઈચ્છા રહી છે કે અમારા બાળકો કોઈપણ ભોગે શિક્ષણ મેળવે, જેથી તેઓ સારી નોકરી મેળવી શકે."

તેઓ અને તેમના પતિ ભૂમિહીન સ્થળાંતરિત શ્રમિકો છે, તેઓ 20 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી અહીં આવ્યા હતા; તેઓ અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ કલાસ) તરીકે સૂચિબદ્ધ સમુદાયના છે. “શ્રમિક હોવાને કારણે તમારા બાળકોને અપમાન અને શોષણ સહન કરવા વારો આવે એવું તમે ન જ ઈચ્છો. તેના અભ્યાસ બાબતે અમે થોડા કડક હતા."

આ કિશોરી નેહાની જેમ, પોતાના માતા-પિતા સાથેના ઝઘડા પછી ઘર છોડીને ચાલ્યા જતા કિશોર-કિશોરીઓ, પ્રેમમાં પડીને ઘેરથી ભાગી જતા ટીન-એજર્સ એ ગુમ થઈ જતા બાળકોની ઘણી શ્રેણીઓમાંની એક છે, એમાંથી યૌન શોષણ અથવા મજૂરી માટે થતી માનવ-તસ્કરી સૌથી ઘાતક ગણાવી શકાય. જૈન કહે છે, “ઠેકેદાર બાળકોને કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આ પ્રકારની બાળમજૂરી પાછળ બહુ મોટી સાંઠગાંઠ હોય છે."

*****

નેહાને ભોપાલના એક ફ્લેટમાં લઈ જવામાં આવી હતી અને તેને ઘરની બહાર જવાની કે કોઈનીય સાથે વાતચીત કરવાની સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી હતી. આ દંપતીએ પડોશીઓને કહ્યું હતું કે એ તેમના પિતરાઈ ભાઈની દીકરી છે અને તેઓ તેને સના કહીને બોલાવવા માંડ્યા હતા; જ્યારે તેણે આ નવા નામે બોલાવવામાં આવે ત્યારે જવાબ આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો.

આ ભાગેડુ કિશોરીનું શારીરિક અને જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ દંપતી તેની પાસે ઘરનાં ઢગલાબંધ કામો - રૂમ સાફ કરાવવાથી લઈને વાસણો ધોવડાવવા સુધીના બધા જ કામો - કરાવતા. આખરે તેણે હિંમત એકઠી કરીને ત્યાંથી ભાગી છૂટવાની યોજના બનાવી ત્યારે તે પકડાઈ ગઈ હતી અને તેને સજા કરવામાં આવી હતી. તે યાદ કરે છે, "મેં ઘેર પાછા ફરવાની આશા જ છોડી દીધી હતી. પોલીસે મને બચાવી ત્યારે હું વિશ્વાસ કરી શકી નહોતી."

પોલીસે હાઈવે પર ચાલતી નેહાના સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને તેને શોધી કાઢી હતી પરંતુ ભોપાલમાં તેને શોધવામાં પોલીસને થોડા દિવસો લાગી ગયા હતા. અપહરણ કરવા બદલ એ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ઉપર બાળ જાતીય શોષણ અધિનિયમ, 2012 (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોસ્કો) એક્ટ, 2012) અને બાળ મજૂરી (નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1986 (ચાઈલ્ડ લેબર (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1986) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

દીકરી ઘેર પાછી ફરી ત્યારે તેના માતા-પિતા એ રાહતનો શ્વાસ લીધો હતો. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. પ્રીતિ કહે છે, “અમે હંમેશને માટે પોલીસના આભારી રહીશું."

PHOTO • Priyanka Borar

આ કિશોરી નેહાની જેમ, પોતાના માતા-પિતા સાથેના ઝઘડા પછી ઘર છોડીને ચાલ્યા જતા કિશોર-કિશોરીઓ, પ્રેમમાં પડીને ઘેરથી ભાગી જતા ટીન-એજર્સ એ ગુમ થઈ જતા બાળકોની ઘણી શ્રેણીઓમાંની એક છે, એમાંથી યૌન શોષણ અથવા મજૂરી માટે થતી માનવ-તસ્કરી સૌથી ઘાતક ગણાવી શકાય

જૈન માને છે કે નેહાને પ્રમાણમાં ઝડપથી શોધી કઢાઈ એટલા પૂરતી એ નસીબદાર હતી પરંતુ આવા કિસ્સાઓની વધતી જતી સંખ્યા મોટી ચિંતા ઊભી કરે છે. તેઓ કહે છે, "આ સમસ્યા માત્ર કાયદો અને વ્યવસ્થાની જ નથી. આ એક સામાજિક સમસ્યા છે.  બાળકો અને કિશોરોના શારીરિક, ભાવનાત્મક અને માનસિક પડકારોનો સામનો શી રીતે કરવો એ સમજવા માટે સમાજ આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે.”

છેલ્લા સાત વર્ષોમાં મધ્યપ્રદેશમાં 70000 થી વધુ બાળકો ગુમ થયા હતા, રાજ્ય પોલીસે દર વર્ષે સતત ગમ થયેલા બાળકોમાંથી 60-65 ટકા બાળકોને શોધી કાઢવાનો દર જાળવી રાખ્યો છે. પરંતુ એક પણ બાળક ગુમ થાય એ કંઈ નાનીસૂની વાત નથી. હાલમાં 11000 થી વધુ બાળકો એવું જીવન જીવી રહ્યા છે જે જીવન જીવવા તેઓ સર્જાયા નહોતા અને તેમના માતા-પિતા અને પરિવારો પોતાના બાળક પર કેવા કેવા અત્યાચારો ગુજારવામાં આવતા હશે એ વિચારી ભય અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે.

ઓગસ્ટ મહિનાની મધ્યમાં તેમની 14 વર્ષની દીકરી પૂજા ગુમ થઈ ત્યારથી લક્ષ્મી અને નીતિશના મનમાં વારંવાર ફરી ફરીને ભયાનક પરિસ્થતિની અલગ-અલગ આશંકાઓ ઘુમતી રહે છે. પોલીસ હજી સુધી તેને શોધી શકી નથી અને તેનો કેસ હજી પણ ખુલ્લો છે.

નીતિશ કહે છે, "દિમાગ ખરાબ હો ગયા [અમારું તો મગજ બહેર મારી ગયું છે], અમે શક્ય તેટલા સકારાત્મક વિચારો જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમારી દીકરી શું કરતી હશે, એ કેવી હાલતમાં હશે એનો વિચાર જ ન આવે એવું તો શી રીતે બને?"

એક સવારે પૂજા શાળાએ જવા નીકળી પણ પછી ક્યારેય પાછી ફરી નહીં. સીસીટીવી ફૂટેજમાં તે અડધા રસ્તા સુધી શાળાએ જતી દેખાય છે પરંતુ તે પછી એ અચાનક ગાયબ થઈ જાય છે. માતા-પિતાને લાગે છે કે તેણે પહેલેથી યોજના કરીને આમ કર્યું હતું કારણ કે તે દિવસે એ પોતાનો ફોન ઘેર રાખીને ગઈ હતી, અગાઉ ક્યારેય તેણે આવું કર્યું નહોતું. નીતિશ કહે છે, "પોલીસે તેના કૉલ રેકોર્ડ્સ જોયા તો જાણવા મળ્યું કે તે એક છોકરા સાથે નિયમિત રીતે વાત કરતી હતી." 49 વર્ષના તેના પિતા કહે છે, “એ ઘણી વાર તેના ફોન પર વ્યસ્ત રહેતી હતી પરંતુ અમે તેના પર ચોકીપહેરો કરવા માગતા નહોતા. અમે વિચાર્યું હતું કે આ એવી ઉંમર છે જ્યારે બાળકો હંમેશા તેમના મિત્રો સાથે વાતો કરવા માગતા હોય છે."

પૂજા જે છોકરાની સાથે વાત કરી રહી હતી એ તેની જ ઉંમરનો હતો અને ઉત્તર પ્રદેશના એક ગામનો તેમનો પરિચિત હતો. પોલીસ એ છોકરાને અને પૂજાને શોધવાની કોશિશ કરી રહી છે, પરંતુ બેમાંથી કોઈ મળ્યા નથી.

નીતિશ અને લક્ષ્મીએ નાછૂટકે પરિસ્થિતિને સ્વીકારી લીધી છે અને રોજ કામ પર જવાનું ચાલુ રાખે છે.  બંનેની ઉંમર ચાળીસની આસપાસ છે, તેઓ બંને લગભગ 30 વર્ષ પહેલાં પશ્ચિમ બિહારના એક ગામમાંથી કામ માટે સ્થળાંતરિત થયા હતા. નીતિશ કહે છે, "અમે અહીં સ્થળાંતરિત થનાર કોઈકને ઓળખતા હતા. તેમણે જ અમને અહીં આવીને કામ શોધવાની સલાહ આપી હતી."

આ દંપતી દાડિયા મજૂર તરીકે કામ કરે છે, અને ઝૂંપડીમાંથી કોંક્રીટના મકાનમાં રહેવા જવા માટે અને તેમના બાળકોના શિક્ષણ અને લગ્ન માટે બચત કરે છે. દિવસમાં 12-14 કલાક કામ કરીને તેઓ મહિને 900 રુપિયા કમાઈ શકે છે. નીતિશને થાય છે કે શું લાંબા કલાકોના કામને કારણે તેઓ દીકરી ઉપર ધ્યાન નહીં આપી શક્યા હોય? તેઓ કહે છે, “અમને જે કોઈ કામ મળે તે અમે કરતા કારણ કે અમે અમારા બાળકોને વધુ સારી જિંદગી આપવા માગતા હતા. શું અમે માતા-પિતા તરીકે એટલા નિષ્ફળ ગયા છીએ કે તે અમારી સાથે એ વિશે વાત પણ ન કરી શકી?"

પૂજા એક તેજસ્વી વિદ્યાર્થિની હતી અને ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતી હતી. તેની મોટી બહેનોએ 20 અને 22 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા પરંતુ તે પોલીસ અધિકારી બનવાની માગતી હતી. તેના માતા-પિતા વિચારે છે કે શું તેણે તેનું એ સપનું છોડી દીધું હશે? શું તે તેમને યાદ કરતી હશે ખરી? ક્યારેક તેઓને થાય છે કે શું તેને તેની ઇચ્છા વિરુદ્ધ તો લઈ જવામાં નહીં આવી હોય અને તેઓ ફરી ક્યારેય તેનું મ્હોં જોઈ શકશે ખરા?

PHOTO • Priyanka Borar

પૂજાના માતા-પિતાને થાય છે કે શું તેઓ ફરી ક્યારેય દીકરીનું મ્હોં જોઈ શકશે ખરા?

જે દિવસથી તેમની દીકરી ગુમ થઈ ત્યારથી લક્ષ્મી બરોબર ઊંઘી નથી શક્યા. તેઓ કહે છે, "જે છોકરીઓ ગુમ થઈ જાય છે તેમની સાથે શું થાય છે એની ભયાનક વાતો સાથેના ઘણા સમાચાર લેખો છે. હું આ બધા ડરામણા વિચારોમાંથી છૂટકારો મેળવી શકતી નથી. ઘરનું વાતાવરણ સ્મશાન જેવું થઈ ગયું છે."

માનક પ્રથા (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ ગુમ થયાના ચાર મહિના સુધી ગમ થયેલ સગીરને શોધી ન શકાય તો એ કેસ સંબંધિત જિલ્લા માનવ તસ્કરી વિરોધી એકમ (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ - એએચટીયુ) ને સોંપવામાં આવે છે.

જૈન કહે છે કે એકવાર આ એકમમાં સ્થાનાંતરિત થયા પછી વધુ તીવ્રતા અને ગંભીરતા સાથે અને ધ્યાનથી એ કેસની તપાસ કરવામાં આવે છે. તેઓ ઉમેરે છે, "પરંતુ વહીવટીતંત્ર ઘણીવાર તેમ કરવાનું ટાળે છે કારણ કે માનવ તસ્કરીના કેસોની સંખ્યા ખૂબ વધે તો સરકારની છબીને નુકસાન પહોંચે છે, સરકારનું નામ બગડે છે." આ કમનસીબ કિસ્સાઓ સ્થાનિક પોલીસના સ્તરે જ દબાયેલા રહે છે અને ગુમ થયેલા બાળકને શોધવામાં વિલંબ થતો રહે છે.

*****

બાળકો મળી આવે એ પછી તેમનું પુનર્વસન પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ આઘાતજનક અનુભવમાંથી પસાર થયા હોય છે. ઘણીવાર તેઓ અત્યંત સંવેદનશીલ માનસિક સ્થિતિમાં હોય છે.

ભોપાલ સ્થિત બાળ અધિકાર કાર્યકર્તા રેખા શ્રીધર કહે છે કે મધ્યપ્રદેશની સરકારી હોસ્પિટલોમાં પૂરતા વ્યાવસાયિક મનોવૈજ્ઞાનિકો નથી, અને જે છે તેમાંના મોટા ભાગના શહેરોમાં છે. તેઓ કહે છે, "તેનો અર્થ એ છે કે અંતરિયાળ વિસ્તારોના આઘાતગ્રસ્ત બાળકો અવારનવાર થતા કાઉન્સેલિંગ સત્રોથી વંચિત રહે છે, જેની તેમને ખૂબ જ જરૂર હોય છે." તેઓ ઉમેરે છે કે, "ઘેર માતાપિતા ઘેર તેમને સાંભળવા માટે સજ્જ નથી કારણ કે તેઓ તેમની પોતાની આર્થિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હોય છે અને માનસિક રીતે અસ્વસ્થ દર્દીની કેવી રીતે સંભાળ લેવી એ અંગે સામાન્ય જાગૃતિનો અભાવ છે.”

શ્રીધર કાઉન્સેલિંગના મહત્વ પર ભાર મૂકે છે. તેઓ કહે છે, " બાળકો હતાશામાં ડૂબી જઈને આત્મહત્યા કરી શકે છે. તે તેમના માનસ પર લાંબા ગાળાની અસર કરી શકે છે અને ભવિષ્યમાં તેઓના દરેક સંબંધને અસર કરી શકે છે."

નેહાને ઘેર પરત ફર્યાને લગભગ પાંચ મહિના થઈ ગયા છે. ત્યારથી તેણે ચારથી પાંચ કાઉન્સેલિંગ સત્રો કર્યા છે પરંતુ હજી તે સંપૂર્ણ સ્વસ્થ નથી. તે ઘેર છે અને સલામત છે એ હકીકત સ્વીકારતા પણ તેને થોડો સમય લાગ્યો હતો. નેહા કહે છે, "એ 17 દિવસ મને એક આખા જન્મારા જેવા લાગ્યા હતા.”

તે ફરીથી શાળાએ જવા લાગી છે પરંતુ તે પોતાની જાતે એકલા જતા ડરે છે. તેનો ભાઈ રોજ તેને શાળાએ મૂકી આવે છે અને પાછી લઈ જાય છે. નેહા, જે પહેલા મિલનસાર હતી એ, હવે નવા લોકોને મળવાથી ડરતી હોય છે અને આંખ મેળવીને વાત કરતી નથી.

આ પરિવાર ઈંટની દીવાલવાળા એક રૂમ રસોડાના ઘરમાં રહે છે, ઘરને પતરાની છત છે, તેઓ બધા એકબીજાની બાજુમાં જમીન પર જ સૂઈ જાય છે. આ વ્યવસ્થાથી નેહાના મનમાં પરેશાન કરી મૂકતી યાદો ફરીથી જાગે છે. પ્રીતિ કહે છે, “જ્યારથી તે પાછી આવી છે ત્યારથી તે શાંતિથી સૂઈ શકી નથી. જ્યારે પણ તેની બાજુમાં સૂતેલી કોઈ વ્યક્તિ ઊંઘમાં પડખું ફરે છે, ત્યારે મધરાતે મદદ માટે ચીસો પાડતી એ જાગી જાય છે. તેને શાંત કરવામાં થોડો સમય લાગે છે."

આ વાર્તામાં ઉલ્લેખિત સગીરોની ઓળખને સુરક્ષિત રાખવા માટે તમામ પાત્રોના નામ બદલવામાં આવ્યા છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

पार्थ एम एन, साल 2017 के पारी फ़ेलो हैं और एक स्वतंत्र पत्रकार के तौर पर विविध न्यूज़ वेबसाइटों के लिए रिपोर्टिंग करते हैं. उन्हें क्रिकेट खेलना और घूमना पसंद है.

की अन्य स्टोरी Parth M.N.
Illustration : Priyanka Borar

प्रियंका बोरार न्यू मीडिया की कलाकार हैं, जो अर्थ और अभिव्यक्ति के नए रूपों की खोज करने के लिए तकनीक के साथ प्रयोग कर रही हैं. वह सीखने और खेलने के लिए, अनुभवों को डिज़ाइन करती हैं. साथ ही, इंटरैक्टिव मीडिया के साथ अपना हाथ आज़माती हैं, और क़लम तथा कागज़ के पारंपरिक माध्यम के साथ भी सहज महसूस करती हैं व अपनी कला दिखाती हैं.

की अन्य स्टोरी Priyanka Borar
Editor : PARI Desk

पारी डेस्क हमारे संपादकीय कामकाज की धुरी है. यह टीम देश भर में सक्रिय पत्रकारों, शोधकर्ताओं, फ़ोटोग्राफ़रों, फ़िल्म निर्माताओं और अनुवादकों के साथ काम करती है. पारी पर प्रकाशित किए जाने वाले लेख, वीडियो, ऑडियो और शोध रपटों के उत्पादन और प्रकाशन का काम पारी डेस्क ही संभालता है.

की अन्य स्टोरी PARI Desk
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

की अन्य स्टोरी Maitreyi Yajnik