“હું અહીં લગ્ન કરીને પસ્તાઈ ગઈ છું”

29 વર્ષીય રોઝી એક યુવાન નવવધૂ તરીકેનો પોતાનો અનુભવ શેર કરી રહ્યાં છે. તેઓ આમાં એકલાં નથી. શ્રીનગરના ડાલ તળાવના રહેવાસીઓનું કહેવું છે કે છોકરીઓ અહીં વસતા કોઈની પણ સાથે લગ્ન કરવા માંગતી નથી. પોતાના નાના પુત્ર માટે યોગ્ય પાત્રની શોધમાં રહેલાં ગુલશન નઝીર કહે છે, “પહેલેથી જ ત્રણ વખત અમારા પ્રસ્તાવનો અસ્વીકાર થયો છે. અહીં તો લગ્નની જોડી કરી આપનાર લોકોએ પણ આવવાનું બંધ કરી દીધું છે.”

બારૂ મોહલ્લાનાં આ માતા કહે છે કે તેનું કારણ એ છે કે રાજ્યના સૌથી મોટા તાજા પાણીના તળાવોમાંથી એક પર રહેતા રહેવાસીઓને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડે છે.

સુથાર તરીકે કામ કરતા મુશ્તાક અહેમદ કહે છે, “નવ વર્ષ પહેલાં, અમે અમારી બોટ લઈ જતા અને ડાલ તળાવની આજુબાજુના વિવિધ સ્થળોએથી પાણી એકત્રિત કરતા. એ વખતે પાણીની ટેન્કરો નહોતી.”

પરંતુ છેલ્લા એક દાયકા કરતાંય વધુ સમયથી, મુશ્તાક સવારે 9 વાગ્યે મુખ્ય માર્ગ પર પહોંચી જાય છે, અને રાજ્ય સરકાર તરફથી આવતી પાણીની ટેન્કર આવવાની રાહ જોવા લાગે છે. ગુડૂ મોહલ્લામાં રહેતો તેનો 10 સભ્યોનો પરિવાર તેમના પર નિર્ભર છે. વસ્તુઓને સરળ બનાવવા માટે, તેમણે પાણીનો સંગ્રહ કરવા ટાંકીઓ ખરીદી છે અને પાઇપલાઇન પણ સ્થાપિત કરી છે, જેમાં તેમણે 20,000-25,000 રૂપિયાનો ખર્ચ થયો છે. તેઓ કહે છે, “આ આયોજન ત્યારે જ કામ કરે છે જ્યારે વીજળી હોય, જે કાશ્મીરમાં શિયાળા દરમિયાન એક મોટી સમસ્યા છે.” આ મહિને (માર્ચ) ટ્રાન્સફોર્મરમાં ખામીને કારણે તેમણે પાણી ડોલમાં લઈ જવું પડ્યું હતું.

Left: Hilal Ahmad, a water tanker driver at Baroo Mohalla, Dalgate says, 'people are facing lot of problems due to water shortage.'
PHOTO • Muzamil Bhat
Right: Mushtaq Ahmad Gudoo checking plastic cans (left) which his family has kept for emergencies
PHOTO • Muzamil Bhat

ડાબેઃ દાલઘાટના બારૂ મોહલ્લામાં પાણીના ટેન્કરના ચાલક હિલાલ અહમદ કહે છે, ‘પાણીની અછતને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.’ જમણેઃ મુશ્તાક અહમદ ગુડૂ પ્લાસ્ટિકના કેન (ડાબે) ની તપાસ કરી રહ્યા છે, જે તેમના પરિવારે કટોકટી માટે રાખ્યા છે

મુર્શિદાબાદની બેગુનબારી ગ્રામ પંચાયતના હિજુલી નેસના રહેવાસીઓ પણ પાણીના ટેન્કરમાંથી પાણી એકત્રિત કરે છે. જો કે, તેમને પાણી ખાનગી કંપનીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે, જેઓ અહીં પશ્ચિમ બંગાળમાં 20 લિટર દીઠ 10 રૂપિયા વસૂલે છે.

લાલબાનુ બીબી કહે છે, “અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ તે પાણી છે જે અમે ખરીદીએ છીએ. જો તમે તેને લેવાનું ચૂકી જાઓ, તો તમારે પીવાના પાણીના ફાંફા થઈ પડશે.”

તે સ્પષ્ટ છે કે રોઝી, મુશ્તાક અને લાલબાનુ એવા લોકોમાં સામેલ છે જેમને કેન્દ્ર સરકારના જલ જીવન મિશન (જે.જે.એમ.) નો કોઈ લાભ મળ્યો નથી. જે.જે.એમ.ની વેબસાઇટ કહે છે કે 75 ટકા ગ્રામીણ પરિવારો (19 કરોડ લોકો) પાસે પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ છે. તે એમ પણ કહે છે કે 2019માં કરેલ 3.5 લાખ કરોડના ખર્ચને લીધે પાંચ વર્ષમાં ઘરોમાં નળનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું છે, તેથી આજે 46 ટકા ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચે છે.

નળ લાગવાની વાત સાચી છે, જેમ કે બિહાર રાજ્ય સરકારની સાત નિશ્ચય યોજના હેઠળ ચિંતા દેવી અને સુશીલા દેવીના ગામ અકબરપુરમાં 2017-18 માં નળ લગાવવામાં આવ્યા હતા. ચિંતા કહે છે, “નળ છ-સાત વર્ષ પહેલાં લગાવવામાં આવ્યા હતા. એક ટાંકી પણ લગાવવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ નળમાંથી પાણીનું એક ટીપું પણ બહાર આવ્યું નથી.”

તેનું કારણ એ છે કે ચિંતા અને સુશીલા દલિત છે, અને 40 દલિત ઘરોને ક્યારેય પાણીનું જોડાણ મળ્યું જ નથી, જ્યારે કે અન્ય ઉચ્ચ જાતિના ઘરોને તે મળ્યું હતું. નળમાંથી પાણી ન આવવું એ હવે જાતિનું સૂચક છે.

Left: Women wait to fill water in West Bengal. Here in Hijuli hamlet near Begunbari in Murshidabad district, Rajju on the tempo. Lalbanu Bibi (red blouse) and Roshnara Bibi (yellow blouse) are waiting with two neighbours
PHOTO • Smita Khator
Right: In Bihar's Nalanda district, women wait with their utensils to get water from the only hand pump in the Dalit colony of Akbarpur panchayat
PHOTO • Umesh Kumar Ray

ડાબેઃ પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પાણી ભરવા માટે વારો આવવાની રાહ જુએ છે. અહીં મુર્શિદાબાદ જિલ્લાના બેગુનબારીના હિજુલી ગામમાં , રજ્જૂ ટેમ્પો પર છે. બે પડોશીઓ લાલબાનુ બીબી (લાલ બ્લાઉઝમાં) અને રોશનારા બીબી (પીળા બ્લાઉઝમાં) એક સાથે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યાં છે. જમણેઃ બિહારના નાલંદા જિલ્લામાં અકબરપુર પંચાયતની દલિત કોલોનીમાં આવેલા એકમાત્ર હેન્ડપંપમાંથી પાણી લેવા માટે મહિલાઓ પોતાના વાસણો સાથે રાહ જુએ છે

In the Dalit colony of Akbarpur, a tank was installed for tap water but locals say it has always run dry
PHOTO • Umesh Kumar Ray
Right: The tap was erected in front of a Musahar house in Bihar under the central Nal Jal Scheme, but water was never supplied
PHOTO • Umesh Kumar Ray

અકબરપુરની દલિત વસાહતમાં નળના પાણી માટે એક ટાંકી સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકો કહે છે કે તેમાં ક્યારેય પાણી હતું જ નહીં. જમણેઃ કેન્દ્રીય નલ જલ યોજના હેઠળ બિહારમાં મુસહર સમુદાયના ઘરની સામે નળ લગાવવામાં આવ્યો હતો , પરંતુ ક્યારેય પાણી પૂરું પાડવામાં આવ્યું ન હતું

અકબરપુરની દલિત વસાહતમાં જ્યાં તેઓ રહે છે, ત્યાં માત્ર એક જ હેન્ડ પંપ છે જે મોટાભાગે મુસહર અને ચમાર સમુદાય (રાજ્યમાં અનુક્રમે અત્યંત પછાત જાતિ અને અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) ની જરૂરિયાતોને સંતોષે છે.

જ્યારે એક હેન્ડ પંપ તૂટી જાય છે, જે ઘટના વારંવાર બને છે, ત્યારે નાલંદા જિલ્લાની આ કોલોનીનાં રહેવાસી 60 વર્ષીય ચિંતા કહે છે, “અમે બધાં મળીને પૈસા ઊઘરાવીને તેનું સમારકામ કરાવીએ છીએ.” આ સિવાય, એકમાત્ર અન્ય વિકલ્પ ઉચ્ચ જાતિના યાદવોને પૂછવાનો છે, પરંતુ તેઓ કહે છે કે તેઓ મનાઈ કરવા માટે કુખ્યાત છે.

દલિત માનવાધિકાર પર રાષ્ટ્રીય અભિયાન (એન.સી.ડી.એચ.આર.) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં તમામ દલિત ગામડાંમાંથી લગભગ અડધાં (48.4 ટકા) ગામડાં પાણીના સ્રોતોથી વંચિત છે અને 20 ટકાથી વધુ ગામડાંને પીવાનું સુરક્ષિત પાણી મળતું નથી.

મહારાષ્ટ્રના પાલઘરમાં કે. ઠાકુર આદિવાસી સમુદાયનાં રાકુ નડાગેની વાત કરીએ તો આદિવાસીઓની પણ આવી જ હાલત છે. તેમના ગામ ગોંડે ખુર્દ વિશે તેઓ કહે છે કે, “ટેન્કર ક્યારેય આવતી નથી.” તેથી જ્યારે 1,137 લોકોને સેવા આપતા સ્થાનિક કૂવા ઉનાળામાં સુકાઈ જાય છે ત્યારે, “અમારે બે કળશીઓ [પાણી લઈ જવા માટેનાં વાસણ] લઈને જંગલમાંથી પસાર થવું પડે છે − એક માથા પર અને એક અમારા હાથમાં. ત્યાં એકે રસ્તો નથી.”

રાકુને તેના પરિવારની જરૂરિયાતો માટે પૂરતું પાણી લાવવા માટે ત્રણ આંટા મારવા પડે છે − અને નવ કલાકમાં આશરે 30 કિલોમીટર ચાલવું પડે છે.

*****

Shivamurti Sathe (right) is an organic farmer from Kakramba and sells his produce daily in the Tuljapur market in Maharashtra. He has seen five droughts in the last six decades, and maintains that the water crisis is man-made
PHOTO • Jaideep Hardikar
Shivamurti Sathe (right) is an organic farmer from Kakramba and sells his produce daily in the Tuljapur market in Maharashtra. He has seen five droughts in the last six decades, and maintains that the water crisis is man-made
PHOTO • Medha Kale

શિવમૂર્તિ સાઠે (જમણે) કાકરંબાના ઓર્ગેનિક (જૈવિક) ખેડૂત છે અને મહારાષ્ટ્રના તુલજાપુર બજારમાં દરરોજ પોતાની ઉપજને વેચે છે. તેમણે છેલ્લા છ દાયકામાં પાંચ દુકાળ જોયા છે અને તેમનું કહેવુ છે કે આ જળસંકટ માનવ સર્જિત છે

કાકરંબા ગામના રહેવાસી શિવમૂર્તિ સાઠેએ પોતાના જીવનના છ દાયકામાં પાંચ દુકાળ જોયા છે.

તેઓ એક ખેડૂત છે. તેઓ કહે છે કે મહારાષ્ટ્રના તુલજાપુર પ્રદેશમાં, એક સમયે ફળદ્રુપ જમીન છેલ્લા બે દાયકામાં ઉજ્જડ થઈ ગઈ છે, અને ત્યાં ઘાસનો એક ટુકડો પણ ઉગતો નથી. તેઓ આ માટે ટ્રેક્ટર્સના ઉપયોગને દોષી ઠેરવતાં કહે છે, “હળ અને બળદોથી થતી ખેતીમાં, જમીનમાં ઘાસ વસન [કુદરતી બંધ] બનાવે છે, જે પાણીને ધીમું કરવામાં અને શોષાવામાં મદદ કરતું હતું. ટ્રેકટરો માટીને ખોલે છે અને પાણી સીધું એક છેડેથી બીજા છેડે પહોંચી જાય છે.”

તેઓ 1972માં નવ વર્ષના હોવાનું યાદ કરે છે, જ્યારે તેમણે “સૌથી પહેલો અને સૌથી ખરાબ દુષ્કાળ” જોયો હતો. “એ વખતે પાણી હતું પણ ખાવા માટે કંઈ નહોતું. તે પછી પરિસ્થિતિ ક્યારેય સામાન્ય થઈ ન હતી.” સાઠે કાકા તુલજાપુર શહેરના રવિવારના બજારમાં શાકભાજી અને ચીકૂ વેચે છે. તેમણે 2014માં દુષ્કાળને કારણે તેમના કેરીના બગીચાનો એક એકર ભાગ ગુમાવ્યો હતો. “આપણે ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ કર્યો છે અને તમામ પ્રકારના ઝેરી રસાયણોનો ઉપયોગ કરીને આપણી જમીનને છીછરી બનાવી દીધી છે.”

માર્ચ મહિનો છે, અને તેઓ કહે છે, “અમે મે મહિનામાં ચોમાસા પહેલાં થોડોક વરસાદ પડવાની આશા રાખીએ છીએ, નહીંતર આ વર્ષે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બનશે.” પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. “અમે એક હજાર લિટર પાણી માટે 300 રૂપિયા ચૂકવી રહ્યા છીએ. અને માત્ર આપણને માણસોને જ નહીં, અમારાં ઢોરને પણ પાણીની જરૂર હોય છે.”

સ્વામિનાથન આયોગના પ્રથમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઘાસચારાની અછતને કારણે પશુધનના મૃત્યુને કારણે ખેડૂતો માટે આગામી મોસમમાં ઉભી થતી અનિશ્ચિતતાઓનો સામનો કરવો વધુ મુશ્કેલ બની જાય છે. અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “આ રીતે દુકાળ એક અસ્થાયી ઘટના નથી, પરંતુ તે કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે.”

Left: Droughts across rural Maharashtra forces many families into cattle camps in the summer
PHOTO • Binaifer Bharucha
Right: Drought makes many in Osmanabad struggle for survival and also boosts a brisk trade that thrives on scarcity
PHOTO • P. Sainath

ડાબેઃ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં દુષ્કાળના કારણે ઘણા પરિવારો ઉનાળામાં પશુ શિબિરોમાં રહેવા મજબૂર છે. જમણે: દુષ્કાળમાં ઉસ્માનાબાદમાં ઘણા લોકોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે અને પાણીની અછતને કારણે ઝડપથી વિકસતા વેપારને પણ પ્રોત્સાહન આપે છે

PHOTO • Priyanka Borar

પારી પર ટૂંક સમયમાં પ્રકાશિત થનારા કચ્છી ગીતનો એક અંશ તેમની પાણીની કટોકટીનો ઉકેલ શોધવાની સરકારની ક્ષમતા અંગે સામાન્ય લોકોમાં પ્રવર્તતા અવિશ્વાસની વાત કરે છે. કદાચ , સરદાર સરોવર પ્રોજેક્ટ પછી પણ પાણીની વહેંચણીમાં પ્રચંડ નિષ્ફળતાને કારણે , જ્યાં ખેડૂતોનાં સપનાં રોળીને ગગનચૂંબી બંધ બાંધવામાં આવ્યો હતો. આ પ્રદેશમાં પાણી પીવાના બદલે ઉત્પાદનમાં , કૃષિના બદલે ઉદ્યોગોમાં, ગરીબના ભાગનું પાણી અમીરોને ફાળવી દેવામાં આવે છે, જેનાથી ખેડૂતોને સંઘર્ષ કરવો પડે છે

2023માં જૂનથી સપ્ટેમ્બર સુધી, ધારાશિવ (અગાઉ ઉસ્માનાબાદ) જિલ્લાના તુલજાપુર બ્લોકમાં 570.3 મીમી વરસાદ પડ્યો હતો (સામાન્ય રીતે 653 મીમીના વાર્ષિક વરસાદની સામે). તેમાંથી અડધાથી વધુ વરસાદ જુલાઈમાં માત્ર 16 દિવસમાં પડ્યો હતો. જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં 3-4 અઠવાડિયા સુધી સર્જાએલા સૂકાએ જમીનને જરૂરી ભેજથી વંચિત કરી દીધી હતી, અને જળાશયો ફરી ભરાઈ શક્યા ન હતાં.

તેથી કાકરમ્બાના ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ પારીના આ પત્રકારને ચેતવતાં કહે છે, “અમને હાલ અમારી જરૂરિયાતનો માત્ર 5-10 ટકા હિસ્સો મળી રહ્યો છે. તમે આખા ગામમાં વાસણો અને હાંડીઓની લાંબી કતાર જોશો.”

સાઠે કાકા કહે છે, “આ [દુષ્કાળ જેવી પરિસ્થિતિ] માનવ સર્જિત છે.”

મુર્શિદાબાદ જિલ્લામાં પણ આવી જ કટોકટી છે, જ્યાં ભૂગર્ભજળ આર્સેનિકથી દૂષિત થયું છે. પશ્ચિમ બંગાળમાં ગંગાના વિશાળ મેદાનોમાં ભાગીરથીના કિનારે આવેલા આ વિસ્તારમાં એક સમયે મીઠા પાણીથી છલોછલ ટ્યુબવેલ ઝડપથી સૂકાઈ રહ્યા છે.

બેગુનબારી ગ્રામ પંચાયતમાં નળનું પાણી ન હોવાથી લોકો ટ્યુબવેલ પર નિર્ભર હતા (વસ્તીઃ 10,983, વસ્તી ગણતરી 2011 અનુસાર). રોશનારા બીબી કહે છે, “અમે ટ્યુબવેલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હવે [2023માં] બધું સૂકાઈ ગયું છે. જેવું કે અહીં બેલડાંગા-1 બ્લોકનાં જળાશયોમાં જોવા મળે છે. તળાવો પણ ઝડપથી ઘટી રહ્યાં છે.” તેઓ કહે છે કે આ વરસાદના અભાવને કારણે છે, સાથે સાથે ભૂગર્ભજળને બહાર કાઢતા પંપોના અનિયંત્રિત ઉપયોગને કારણે છે.

In Murshidabad, shallow pumps (left) are used to extract ground water for jute cultivation. Community tanks (right) are used for retting of jute, leaving it unusable for any household use
PHOTO • Smita Khator
In Murshidabad, shallow pumps (left) are used to extract ground water for jute cultivation. Community tanks (right) are used for retting of jute, leaving it unusable for any household use
PHOTO • Smita Khator

મુર્શિદાબાદમાં , છીછરા પંપ (ડાબે) નો ઉપયોગ શણની ખેતી માટે ભૂગર્ભ જળ કાઢવા માટે થાય છે. સામુદાયિક ટાંકીઓ (જમણે) નો ઉપયોગ શણને ફરીથી પલાળવા માટે થાય છે , જે તેને કોઈપણ ઘરગથ્થુ ઉપયોગ માટે બિનઉપયોગી બનાવે છે

ભૂગર્ભ જળ એ ભારતમાં કૃષિ અને ઘરગથ્થુ ઉપયોગ બંને માટે એક મુખ્ય સ્રોત છે, જે ગ્રામીણ પાણી પુરવઠામાં 85 ટકા ફાળો આપે છે, એમ 2017નો આ અહેવાલ જણાવે છે.

જહાંઆરા બીબી સમજાવે છે કે અહીં ભૂગર્ભજળનો અતિશય ઉપયોગ એ ચોમાસામાં વરસાદની ઉણપનું સીધું પરિણામ છે. હિજુલી ગામનાં આ 45 વર્ષીય રહેવાસીએ શણની ખેતી કરતા પરિવારમાં લગ્ન કર્યાં છે. તેઓ કહે છે, “આ પાકની સારી લણણી ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના પછી તેને પાણીમાં પળાલીને રાખવામાં આવે. એક વાર તેની લણણી થઈ ગયા પછી, શણ પાણી વગર ટકી શકતું નથી, તે નાશ પામે છે.” ઓગસ્ટ 2023ના અંતમાં બેલડાંગા-1 બ્લોકના ખેતરોમાં પાકેલો શણનો પાક પાણી વિના ત્યાં જ ઊભો છે તે ચોમાસુ વરસાદમાં ભારે અછતનો પુરાવો આપે છે.

ગમે તે હોય, પણ આ વિસ્તારના રહીશો પારીને કહે છે કે, આર્સેનિકના દૂષણને કારણે આ વિસ્તારોમાં ટ્યુબવેલ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. જ્યારે ભૂગર્ભજળમાં આર્સેનિકની વાત આવે છે ત્યારે મુર્શિદાબાદ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક છે, જે ત્વચારોગ, મગજને લગતી સમસ્યાઓ અને પ્રસૂતિ સ્વાસ્થ્યને અસર કરે છે.

પરંતુ આર્સેનિક દૂષણની વધતી જાગૃતિ સાથે, તે હવે બંધ થઈ ગયું છે. જો કે, તેઓ હવે સંપૂર્ણપણે ખાનગી પાણી પૂરવઠો આપનારાઓ પર નિર્ભર છે અને વ્યંગાત્મક રીતે કોઈને ખબર નથી કે તેઓ ડીલરો પાસેથી જે પાણી ખરીદી રહ્યા છે તે સુરક્ષિત છે કે નહીં.

પાણીનાં ટેન્કરે કેટલાક બાળકોને શાળામાંથી ઘરે લાવી દીધાં છે, જેમ કે બેગુનબારી હાઈસ્કૂલના ધોરણ 5ના વિદ્યાર્થી અને હિજુલીના રહેવાસી રજ્જૂ. રજ્જૂ ઘરે મદદ કરવા માટે હેન્ડપંપના પાણીના ટેન્કરમાંથી પાણી ઘરે લઈ જાય છે. આ પત્રકાર સાથે આંખથી આંખ મિલાવીને તે આંખ મારતાં કહે છે, “ઘરે અભ્યાસ કરવા કરતાં આ વધુ સારું છે.”

આ ભાગોમાં તે એકમાત્ર ખૂશ ભિસ્તી નથી. હિજુલીથી થોડા કિલોમીટર દૂર આવેલા કાઝીસાહામાં (વસ્તી: 13,489, વસ્તી ગણતરી 2011 અનુસાર) કેટલાક ઉત્સાહી છોકરાઓ પાણીના ડીલર કહે તે મુજબ વડીલોને તેમના વાસણો અને બરણીઓ ફરીથી ભરવામાં મદદ કરી રહ્યા છે. છોકરાઓ કહે છે કે તેમને આવું કરવું ગમે છે કારણ કે “અમને વાનની પાછળ બેસીને ગામમાં ફરવા મળે છે.”

Left: In Hijuli and Kazisaha, residents buy water from private dealers. Children are often seen helping the elders and also hop on to the vans for a ride around the village.
PHOTO • Smita Khator
Right: Residents of Naya Kumdahin village in Dhamtari district of Chhattisgarh have to fetch water from a newly-dug pond nearby or their old village of Gattasilli from where they were displaced when the Dudhawa dam was built across the Mahanadi river
PHOTO • Purusottam Thakur

ડાબેઃ હિજુલી અને કાઝીસાહામાં રહેવાસીઓ ખાનગી વેપારીઓ પાસેથી પાણી ખરીદે છે. અહીં બાળકોને ઘણીવાર વડીલોને મદદ કરતા જોવામાં આવે છે અને ગામની આસપાસ આંટા મારવા માટે વાનમાં જતા પણ જોવામાં આવે છે. જમણેઃ છત્તીસગઢના ધમતરી જિલ્લાના નયા કુમદાદીહિન ગામના રહેવાસીઓએ નજીકના નવા તળાવમાંથી અથવા તેમના જૂના ગામ ગટ્ટાસિલીમાંથી પાણી લાવવું પડે છે , જ્યાંથી તેઓ મહાનદી પર દુધાવા બંધ બાંધવામાં આવ્યો ત્યારે વિસ્થાપિત થયા હતા

PHOTO • Sanviti Iyer

પુરંદર તાલુકાના પોખર ગામનાં શાહુબાઈ પોમન અમને કહે છે કે ભલે ધાનને દળીને લોટ બનાવવાનું અને અનાજ પીસવાનું કામ શારીરિક રીતે મુશ્કેલ છે , પરંતુ લાંબા અંતરેથી દરરોજ પાણી લાવવાની સરખામણીમાં તે ખૂબ સરળ છે. રાજગુરુનગરના દેવ તોરણે ગામનાં પાર્વતીબાઈ અવારી કહે છે કે , તેમના ગામની મહિલાઓ ખરેખર ભાગ્યશાળી છે , કારણ કે તેમની પાસે પુષ્કળ પાણી ધરાવતો કૂવો છે અને તેઓ બધા તેમાંથી પાણી ખેંચે છે. પરિવાર માટે પાણી ભરવું મહિલાઓના માધે હોય છે , પરંતુ પાણીના સ્રોત સુધી પહોંચવા માટે લાંબા અંતર સુધી ચાલીને જવા કરતાં કૂવામાંથી તેને લાવવું અનંતગણું સરળ છે. મૂળ ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ ટીમે 1995 અને 1996માં પૂણે જિલ્લામાં આ ગીતો રેકોર્ડ કર્યાં હતાં. અને ગીતોની રચના તો એથીય પહેલાં થઇ હતી , એવા સમયમાં જ્યારે વર્ષે ચોમાસા પછી પાણીના સ્ત્રોત છલકાઈ જતા અને નદીઓ ને કૂવાઓમાંથી પાણી ભરી લાવી શકાતું . પણ આજે જુઓ તો પાણી અને અછત જાણે સમાનાર્થી શબ્દો બની ગયા છે

મુર્શિદાબાદમાં આર્સેનિક અને મહારાષ્ટ્રના પાલઘરમાં અતિસાર — હજારો કિલોમીટર દૂર પરંતુ કારણભૂત સમસ્યા એક જ — પાણીના ભંડારમાં થયેલો ઘટાડો.

રાકુ નાદાગે કહે છે કે તેમના ગામ ગોંડે ખુર્દના કૂવામાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે અને 227 પરિવારો આ એક સ્રોત પર જ આધાર રાખે છે. તેઓ કહે છે, “આ અમારા માટે પાણીનો સૌથી નજીકનો અને એકમાત્ર સ્રોત છે.” મોખડા તાલુકાના આ ગામમાં મોટાભાગના લોકો કે. ઠાકુર આદિજાતિના છે.

બે વર્ષ પહેલાં, તેમના પુત્ર દીપકને અતિસાર થયો હતો, જે સંભવતઃ તેઓ પીવા માટે જે પાણીનો ઉપયોગ કરતા હતા તેના કારણે થયું હતું. વર્ષ 2018ના એક અભ્યાસમાં પાલઘર જિલ્લાના નવ ગામોના બાળકોમાં અતિસારનો વ્યાપ 33.4 ટકા હોવાનું નોંધાયું છે. તેમના પુત્રને માંદગી થઈ ત્યારથી, રાકુ દરરોજ પાણી ઉકાળીને જ વાપરે છે.

પરંતુ તેઓ પાણી ઉકાળી શકે તે પહેલાં રાકૂએ તેને ઘરે લાવવું પડે છે. ઉનાળામાં, જ્યારે કૂવાનું પાણી સૂકાઈ જાય છે, ત્યારે ગામની મહિલાઓ વાઘ નદી તરફ જાય છે, જે આશરે નવ કિલોમીટર દૂર છે, અને તેઓ દિવસમાં બે થી ત્રણ વખત ત્રણ કલાકની મુસાફરી પુનરાવર્તન કરે છે, કાં તો વહેલી સવારે અથવા સાંજ પછી જ્યારે તાપમાન સહેજ સારું હોય.

યુનિસેફના એક અહેવાલ અનુસાર, સમગ્ર ભારતીય ઉપખંડમાં પાણી સંબંધિત ઘરગથ્થુ કાર્યોનો બોજ અન્યાયી રીતે ફક્ત મહિલાઓના માથે હોય છે અને “લગભગ 54 ટકા ગ્રામીણ મહિલાઓ, તેમજ કેટલીક કિશોરવયની છોકરીઓ, દરરોજ અંદાજે 35 મિનિટ પાણી લાવવામાં ગાળે છે.” તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તે એક વર્ષમાં 27 દિવસના વેતનના નુકસાનની સમકક્ષ છે.

ચિંતા દેવી કહે છે, “પુરુષોએ કામ અર્થે [બહાર] જવું પડે છે, તેથી રસોઈ માટે અમારે જ પાણી લાવવું પડે છે. સવારે હેન્ડપંપમાં ખૂબ ભીડ થઈ જાય છે. બપોરે, અમારે સ્નાન કરવા અને કપડાં ધોવા વગેરે માટે અને પછી સાંજે રાત્રિભોજન રાંધવા માટે પણ પાણીની જરૂર પડે છે.”

Left: In Gonde Kh village in Palghar district, a single well serves as the water-source for the entire community, most of whom belong to the K Thakur tribe.
PHOTO • Jyoti Shinoli
Right: When the well dries up in summer, the women have to walk to the Wagh river to fetch water two to three times a day
PHOTO • Jyoti Shinoli

ડાબેઃ પાલઘર જિલ્લાના ગોંડે ખુર્દ ગામમાં , એક જ કૂવો આખા સમુદાય માટે પાણીના સ્રોત તરીકે કામ કરે છે , જેમાંથી મોટાભાગના લોકો કે. ઠાકુર આદિજાતિના છે. જમણેઃ ઉનાળામાં જ્યારે કૂવો સૂકાઈ જાય છે , ત્યારે મહિલાઓએ દિવસમાં બે-ત્રણ વખત પાણી લાવવા માટે વાઘ નદી સુધી ચાલીને જવું પડે છે

Left: Young girls help their mothers not only to fetch water, but also in other household tasks. Women and girls of the fishing community in Killabandar village, Palghar district, spend hours scraping the bottom of a well for drinking water, and resent that their region’s water is diverted to Mumbai city.
PHOTO • Samyukta Shastri
Right: Gayatri Kumari, who lives in the Dalit colony of Akabarpur panchayat, carrying a water-filled tokna (pot) from the only hand pump in her colony. She says that she has to spend at least one to two hours daily fetching water
PHOTO • Umesh Kumar Ray

ડાબેઃ નાની છોકરીઓ તેમની માતાઓને માત્ર પાણી લાવવામાં જ નહીં , પરંતુ અન્ય ઘરગથ્થુ કામોમાં પણ મદદ કરે છે. પાલઘર જિલ્લાના કિલાબંદર ગામમાં માછીમારી સમુદાયની મહિલાઓ અને યુવતીઓ કૂવાના તળીયેથી પીવાનું પાણી કાઢવા માટે કલાકો ગાળે છે, જ્યારે તેમના વિસ્તારનું પાણી મુંબઈ શહેરમાં વાળવામાં આવે છે તેનાથી તેઓ નારાજ છે. જમણેઃ ગાયત્રી કુમારી , જેઓ અકબરપુર પંચાયતની દલિત કોલોનીમાં રહે છે , તેમની કોલોનીમાં એકમાત્ર હેન્ડપંપમાંથી પાણી ભરેલો ટોકણા (ઘડો) લઈ જઈ રહ્યાં છે. તેઓ કહે છે કે તેમણે દરરોજ ઓછામાં ઓછા એકથી બે કલાક પાણી લાવવામાં વિતાવવા પડે છે

આ દલિત વસાહતમાં પાણીનો એકમાત્ર સ્રોત ચાંપાકલ (હેન્ડ પંપ) છે, અને ત્યાં પાણી ભરવા માટે મોટી કતારો છે. સુશીલા દેવી કહે છે, “આટલા મોટા ટોળામાં [વસાહતમાં] માત્ર એક જ હેન્ડ પંપ છે. અમે ટોકના-બાલ્ટી [વાસણો] લઈને ઊભાં રહીએ છીએ.”

ઉનાળામાં જ્યારે હેન્ડ પંપમાં પાણી આવવાનું બંધ થઈ જાય છે, ત્યારે મહિલાઓ પાકની સિંચાઈ માટે પંપમાં આવતું પાણી લેવા માટે ખેતરોમાં જાય છે. 45 વર્ષીય સુશીલા દેવી કહે છે, “ક્યારેક તે એક કિલોમીટર દૂર હોય છે. પાણી લાવવામાં ઘણો સમય વેડફાય છે.”

તેઓ સાંજનું ભોજન બનાવવાની શરૂઆત કરે છે ત્યારે ગુસ્સે થઈને કહે છે, “ગરમી બઢતા હૈ તો હમ લોગોં કો પ્યાસે મરને કા નૌબત આ જાતા હૈ [ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમી વધે છે, ત્યારે અમે તો તરફનાં માર્યાં હેરાનપરેશાન થઈ જઈએ છીએ].”

આ પારીની મલ્ટી–લોકેશન વાર્તા છે, જેમાં કાશ્મીરથી મુઝમિલ ભટ્ટ , પશ્ચિમ બંગાળથી સ્મિતા ખટોર , બિહારથી ઉમેશ કે. રે , મહારાષ્ટ્રથી મેધા કાલે અને જ્યોતિ શિનોલી અને છત્તીસગઢથી પુરુષોત્તમ ઠાકુરે અહેવાલ આપ્યો છે. આમાંના ગીતો પારીમાં સંગ્રહીત થઇ રહેલા ગીતોના બે પ્રોજેક્ટ ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ’ અને સોંગ્સ ઓફ ધ રનઃ કચ્છી લોકગીતો’ માંથી લેવામાં આવ્યાં છે જે અનુક્રમે નમિતા વાયકર અને પ્રતિષ્ઠા પંડ્યા સાંભળી રહ્યાં છે . સંવિતી ઐય્યરે ગ્રાફિક્સ બનાવ્યા છે.

કવર અનાવરણ: પુરુષોત્તમ ઠાકુર

અનુવાદક: ફૈઝ મોહંમદ

Editors : Sarbajaya Bhattacharya

सर्वजया भट्टाचार्य, पारी के लिए बतौर सीनियर असिस्टेंट एडिटर काम करती हैं. वह एक अनुभवी बांग्ला अनुवादक हैं. कोलकाता की रहने वाली सर्वजया शहर के इतिहास और यात्रा साहित्य में दिलचस्पी रखती हैं.

की अन्य स्टोरी Sarbajaya Bhattacharya
Editors : Priti David

प्रीति डेविड, पारी की कार्यकारी संपादक हैं. वह मुख्यतः जंगलों, आदिवासियों और आजीविकाओं पर लिखती हैं. वह पारी के एजुकेशन सेक्शन का नेतृत्व भी करती हैं. वह स्कूलों और कॉलेजों के साथ जुड़कर, ग्रामीण इलाक़ों के मुद्दों को कक्षाओं और पाठ्यक्रम में जगह दिलाने की दिशा में काम करती हैं.

की अन्य स्टोरी Priti David
Photo Editor : Binaifer Bharucha

बिनाइफ़र भरूचा, मुंबई की फ़्रीलांस फ़ोटोग्राफ़र हैं, और पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया में बतौर फ़ोटो एडिटर काम करती हैं.

की अन्य स्टोरी बिनायफ़र भरूचा
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad