શાસ્તી ભુનિયાએ ગયા વર્ષે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ત્યારપછી તેણે સુંદરવન ક્ષેત્રમાં આવેલા તેના ગામ સીતારામપુરથી લગભગ 2000 કિલોમીટર દૂર બેંગલુરુ જવા માટે ટ્રેન પકડી હતી. તે કહે છે, “અમે અત્યંત ગરીબ છીએ. હું શાળામાં મધ્યાહન ભોજન લઈ શકતી નહોતી." શાસ્તી 16 વર્ષની છે અને તે 9 મા ધોરણમાં હતી, અને પશ્ચિમ બંગાળમાં અને ભારતભરમાં, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર 8 મા ધોરણ સુધી જ મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે.
આ વર્ષે માર્ચ સુધીમાં શાસ્તી દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપ બ્લોકમાં આવેલા તેના ગામ પાછી ફરી હતી. લોકડાઉન શરૂ થતાં જ બેંગલુરુમાં ઘરેલુ નોકર તરીકેનું તેનું કામ અટકી ગયું હતું. તે સાથે જ તેની 7000 રુપિયાની આવક - જેમાંથી અમુક પૈસા તે દર મહિને ઘેર મોકલતી હતી - એ પણ બંધ થઈ ગઈ હતી.
શાસ્તીના પિતા, 44 વર્ષના ધનંજય ભુનિયા, અહીંના મોટાભાગના ગામોના ઘણા લોકોની જેમ સીતારામપુરના કિનારે આવેલા નયાચાર ટાપુ પર માછીમાર તરીકે કામ કરે છે. તેઓ કેટલીકવાર ખુલ્લા હાથેથી અને કેટલીકવાર નાની જાળીનો ઉપયોગ કરીને માછલીઓ અને કરચલાઓ પકડીને નજીકના બજારોમાં વેચે છે અને દર 10-15 દિવસે એક વાર ઘેર પાછા ફરે છે.
ધનંજયના માતા મહારાણી, તેમની દીકરીઓ 21 વર્ષની જંજલી, અને 18 વર્ષની શાસ્તી અને 14 વર્ષનો દીકરો સુબ્રત તેમની માટીની અને ઘાસ છાયેલી ઝૂંપડીમાં રહે છે. સુબ્રતના જન્મના થોડા મહિના પછી ધનંજયના પત્નીનું અવસાન થયું હતું. હવે મહિને 2000 થી 3000 રુપિયા કમાતા ધનંજય કહે છે, “અમને ટાપુ પર પહેલાના જેટલી માછલીઓ અને કરચલા મળતા નથી, [છેલ્લાં કેટલાંક વર્ષોમાં] અમારી કમાણી ઘણી ઘટી ગઈ છે. આજીવિકા માટે અમારે માછલીઓ અને કરચલાઓ પકડવા પડે છે. તેમને શાળાએ મોકલીને અમને શું મળવાનું છે?”
તેથી જેવી રીતે શાસ્તીએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો તેવી જ રીતે સુંદરવનના વર્ગખંડોમાંથી બીજા વિદ્યાર્થીઓ પણ ઝડપથી ગાયબ થઈ રહ્યા છે. ખારી જમીન ખેતીને મુશ્કેલ બનાવે છે, અને નદીઓના પહોળા થતા જતા પટ અને વારંવાર આવતા ચક્રવાતો નદીના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલા તેમના ઘરોને બરબાદ કરે છે. પરિણામે આ પ્રદેશના ગામડાઓમાંથી ઘણા લોકો રોજીરોટી મેળવવા સ્થળાંતર કરે છે. બાળકોને પણ 13-14 વર્ષની ઉંમર સુધીમાં કામની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. ઘણીવાર આ બાળકો તેમના પરિવારની શાળાએ જતી પહેલી પેઢી હોય છે. પછીથી ક્યારેય તેઓ ફરી વર્ગમાં પાછા ફરતા નથી.
દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સરકારી સહાય મેળવતી 3584 પ્રાથમિક શાળાઓમાં 768758 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, અને 803 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 432268 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંના ઘણા વિદ્યાર્થીઓ (કામની શોધમાં સ્થળાંતર કરે ત્યારે) જે શાળાઓ પાછળ છોડી જાય છે એના વર્ગખંડો જર્જરિત હાલતમાં હોય છે અને શાળાઓમાં શિક્ષકો અને બીજા કર્મચારીઓની તીવ્ર અછત હોય છે - પરિણામે આવી શાળાઓ વિદ્યાર્થીઓને પાછા ખેંચવામાં નિષ્ફળ જાય છે.
સાગર બ્લોકના પૂર અને પાણીમાં ડૂબી જવાની સંભાવના ધરાવતા ઘોડામારા ટાપુની પ્રાથમિક શાળાના શિક્ષક અશોક બેરા કહે છે, “2009 થી [સુંદરવન ક્ષેત્રમાં] અધવચ્ચે શાળા છોડી જનાર બાળકોના દરમાં તીવ્ર વધારો થયો છે." તેઓ જે વર્ષનો ઉલ્લેખ કરી રહ્યા છે તે વર્ષે આ પ્રદેશમાં ચક્રવાત આઇલાએ વ્યાપક વિનાશ સર્જ્યો હતો અને વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ત્યારથી ઘણા વાવાઝોડા અને ચક્રવાતોએ જમીન અને તળાવોની ખારાશમાં વધારો કર્યો છે, પરિણામે પરિવારો શાળાએ જતા વધુ ને વધુ કિશોરોને કામ પર મોકલવા મજબૂર બન્યા છે.
ગોસાબા બ્લોકના અમતલી ગામની અમૃતા નગર હાઈસ્કૂલના શિક્ષક અમિયો મંડલ કહે છે, "અહીં નદી અમારી જમીનો, મકાનો અને ઘરો છીનવી લે છે અને વાવાઝોડા અમારા વિદ્યાર્થીઓ [છીનવી લે છે]. અમે [શિક્ષકો] લાચાર છીએ."
આ ખાલી વર્ગખંડો કાયદાઓ અને વૈશ્વિક લક્ષ્યો કરતાં ખૂબ જ અલગ જમીની વાસ્તવિકતા છતી કરે છે. 2015 માં ભારતે 2030 માટેના યુએનના 17 ટકાઉ વિકાસ લક્ષ્યોને અપનાવ્યા; આમાંથી ચોથું છે "સમાવેશક અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું અને બધા માટે આજીવન શિક્ષણની તકોને ઉત્તેજન આપવું." દેશનો બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ (રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન), 2009, 6 થી 14 વર્ષની વચ્ચેના તમામ બાળકોને આવરી લે છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક), 2005, બધા માટે, ખાસ કરીને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સમાવેશક વર્ગખંડોના મહત્વ પર ભાર મૂકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અધવચ્ચે શાળા છોડી જતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે ઘણી શિષ્યવૃત્તિ આપે છે અને પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકે છે.
પરંતુ સુંદરવન મુખત્રિકોણ પ્રદેશમાં આવેલી શાળાઓ હજી આજે પણ ધીમે ધીમે વિદ્યાર્થીઓ ગુમાવી રહી છે. અહીં એક શિક્ષક તરીકે વર્ગખંડોમાંથી ગાયબ થતા જતા ચહેરાઓ શોધવા એ મારે માટે ડૂબતી જમીનની વચ્ચે ઊભા રહેવા જેવું છે.
મારા વિદ્યાર્થી રાબિન ભુનિયાએ આ વર્ષે 20 મી મેના રોજ પાથરપ્રતિમા બ્લોકમાં આવેલા તેના ગામ બુડાબુડીર ટાટ પર ચક્રવાત અમ્ફાન ત્રાટક્યું તેના થોડા દિવસો પછી મને કહ્યું હતું, “ભણીને શું થવાનું છે? આખરે તો મારે મારા પિતાની જેમ નદીમાં માછલીઓ અને કરચલાઓ જ પકડવાના છે.” 17 વર્ષના રાબિને બે વર્ષ પહેલા તેના પિતાને માછીમારીમાં મદદ કરવા માટે શાળા છોડી દીધી હતી. અમ્ફાને તેનું ઘર બરબાદ કરી નાખ્યું હતું અને તેના ગામને ખારા પાણીથી છલકાવી દીધું હતું. સપ્તમુખીના પાણી તરફ ઈશારો કરીને તેણે કહ્યું હતું: "આ નદી અમને બધાયને ભટકતા કરી દેશે."
શાળા છોડી દેનારાઓમાં 17 વર્ષના મોસ્તાકીન જમાદારનો પણ સમાવેશ થાય છે, તે પણ શાસ્તીના જ ગામનો છે. બે વર્ષ પહેલાં, જ્યારે તે 9 મા ધોરણમાં હતો ત્યારે, તેણે શાળા શા માટે છોડી દીધી એ વિષે વાત કરતા તે કહે છે, "મને ભણવામાં કંઈ મઝા આવતી નથી." તેના પિતા ઈલિયાસ જમાદાર ઉમેરે છે, "ભણીને શું મળવાનું છે? મેં મારા દીકરાને માછીમારીના ધંધામાં પૂર્ણ-સમયની નોકરીમાં લગાડ્યો છે જેથી તે કમાઈને અમારા પરિવારનું ભરણપોષણ કરવામાં મદદરૂપ થઈ શકે. ભણીને કંઈ વળવાનું નથી. મને પણ ભણીને કોઈ ફાયદો થયો નથી.” 49 વર્ષના ઈલિયાસે આજીવિકા કમાવવા માટે 6 ઠ્ઠા ધોરણ પછી ભણવાનું છોડી દીધું, અને પછીથી કડિયા તરીકે કામ કરવા કેરળ સ્થળાંતર કર્યું હતું.
શાળાઓ છોડી દેવાથી ખાસ કરીને છોકરીઓને વધારે અસર પહોંચે છે - શાળા છોડી દેનાર છોકરીઓમાંથી વધુને વધુ કાં તો ઘરે જ રહે છે અથવા તેમના લગ્ન કરાવી દેવાય છે. કાકદ્વીપ બ્લોકમાં શિબકાલીનગર ગામની આઈ.એમ. હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક દિલીપ બૈરાગીએ 2019 માં મને કહ્યું હતું કે, "જ્યારે મેં [7 મા ધોરણની વિદ્યાર્થીની] રાખી હાઝરાને પૂછ્યું કે છેલ્લા 16 દિવસથી એ કેમ ગેરહાજર હતી ત્યારે એ રડવા માંડી. તેણે કહ્યું કે તેના માતા-પિતા બંને ઘર છોડીને હુગલી નદીમાં કરચલા પકડવા ગયા હતા ત્યારે તેને [3 જા ધોરણમાં ભણતા] તેના ભાઈની સંભાળ રાખવી પડતી હતી."
લોકડાઉનને કારણે શાળા છોડી દેવાના કિસ્સાઓ વધ્યા છે. બુડાબુડીર ટાટ ગામમાં એક માછીમાર અમલ શીતે 9 મા ધોરણમાં ભણતી પોતાની 16 વર્ષની દીકરી કુમકુમને, પરિવારે આર્થિક તંગી હળવી કરવા માટે તેના લગ્ન નક્કી કર્યા ત્યારે શાળા છોડી દેવાનું કહ્યું હતું. તેમના છ સભ્યોના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ અમલ કહે છે, "નદીમાં પહેલાંના જેટલી માછલીઓ મળતી નથી. તેથી જ તે ભણતી હોવા છતાં લોકડાઉન દરમિયાન મેં તેના લગ્ન કરાવી દીધા."
2019 નો યુનિસેફના અહેવાલ નોંધે છે કે ભારતમાં (જેમના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થયા હોય એવી) 22.3 કરોડ બાળવધૂઓમાંથી 2.2 કરોડ માત્ર પશ્ચિમ બંગાળની રહેવાસી છે.
પાથરપ્રતિમા બ્લોકમાં શિબનગર મોક્ષદા સુંદરી વિદ્યામંદિરના મુખ્ય શિક્ષક બિમાન મૈતી કહે છે, “બંગાળ સરકાર તરફથી [શિક્ષણ ચાલુ રાખવા] પ્રોત્સાહનો અપાતા હોવા છતાં અહીં [સુંદરવન ક્ષેત્રમાં] મોટી સંખ્યામાં બાળ લગ્નો થાય છે. મોટાભાગના માતા-પિતા અને વાલીઓ વિચારે છે કે છોકરીને ભણાવવાથી પરિવારને કોઈ ફાયદો થતો નથી, અને એક જણનું પેટ ભરવાનું મટશે તો થોડાઘણા પૈસા બચશે.”
મૈતી આગળ કહે છે, "કોવિડ -19 લોકડાઉનને કારણે શાળાઓ લાંબા સમયથી બંધ છે અને કંઈ પણ શીખવવામાં આવતું નથી. વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રથી દૂર થઈ રહ્યા છે. આ નુકસાન પછી તેઓ પાછા નહીં ફરે. તેઓ અદ્રશ્ય થઈ જશે, હંમેશને માટે. ”
શાસ્તી ભુનિયા જૂનની મધ્યમાં બેંગલુરુથી પાછી ફરી ત્યારે તેના પણ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. 21 વર્ષનો તાપસ નૈયા, શાસ્તીની શાળામાં જ ભણ્યો હતો અને જ્યારે તે 17 વર્ષનો હતો ત્યારે 8 મા ધોરણમાં તેણે અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું હતું. તેને ભણવામાં રસ નહોતો અને તે તેના પરિવારને મદદરૂપ થવા માગતો હતો, તેથી તેણે કેરળમાં એક કડિયા તરીકેનું કામ શોધી કાઢ્યું હતું. લોકડાઉનને કારણે તે મે મહિનામાં ગામમાં પાછો ફર્યો હતો. શાસ્તી કહે છે, “તે હવે સિબકાલીનગર ખાતે મરઘાંની દુકાનમાં કામ કરે છે.”
તેની મોટી બહેન - 21 વર્ષની જંજલી ભુનિયા, જે સાંભળી કે જોઈ શકતી નથી - તેણે પણ તે 18 વર્ષની હતી ત્યારે, 8 મા ધોરણથી ભણવાનું બંધ કરી દીધું હતું. એક વર્ષ પછી ઉત્પલ મંડલ સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા - ઉત્પલ હાલ 27 વર્ષના છે - કુલપી બ્લોકમાં તેમના ગામ નૂતન ત્યાંગ્રાચારની તેમની શાળામાં તેઓ 8 મા ધોરણમાં હતો ત્યારે તેમણે અધવચ્ચે શાળા છોડી દીધી હતી. મોંડલ બાળપણમાં પોલિયોમેલિટિસનો ભોગ બન્યા હતા અને ત્યારથી તેમને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેઓ કહે છે, "હું મારા પોતાના હાથ-પગના જોરે શાળાએ જઈ શકતો નહોતો, અને વ્હીલચેર માટે અમારી પાસે પૈસા નહોતા. ભણવા માગતો હોવા છતાં હું ભણી ન શક્યો."
શાસ્તી અને જંજલીના દાદી 88 વર્ષના મહારાણી, જેમણે તેમને ઉછેર્યા છે, તેઓ જણાવે છે, "મારી બે પૌત્રીઓ ભણી શકી નહોતી." હવે કોવિડ -19 લોકડાઉનને કારણે શાળાઓ બંધ થઈ ગઈ છે, તેઓ કહે છે, "કોણ જાણે મારો પૌત્ર [સુબ્રત] પણ ભણી શકશે કે નહીં."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક