સંતોષી કોરી માલિકીની નવીન લાગણીનો આનંદ માણી રહ્યાં છે. તેઓ હસતાં હસતાં ઉમેરે છે, “અમે મહિલાઓએ જ રુંજ એફ.પી.ઓ. [ફૂડ પ્રોસેસિંગ ઓર્ગેનાઈઝેશન]ની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. હવે અમારા ગામના પુરુષો પણ સ્વીકારે છે કે તે એક સારો વિચાર છે.”

ભૈરહા પંચાયતના ગુચારા ગામનાં દલિત ખેડૂત એવાં સંતોષીએ પન્ના જિલ્લાની 300 આદિવાસી, દલિત, અને અન્ય પછાત વર્ગની (અન્ય પછાત વર્ગ) મહિલાઓની ભાગીદારીવાળી રુંજ મહિલા ખેડૂત ઉત્પાદક સહકારી લિમિટેડમાં સભ્યપદ ફી તરીકે જાન્યુઆરી 2024માં 1,000 રૂપિયા ચૂકવ્યા હતા. સંતોષી રુંજના બોર્ડનાં પાંચ સભ્યોમાંથી એક છે અને તેમને મેળાવડાઓમાં બોલવા અને પ્રચાર કરવા માટે બોલાવવામાં આવે છે.

તેઓ પારીને કહે છે, “અગાઉ, બિછોલિયા [વેપારીઓ] આવતા અને અમારી અરહરની દાળ [તુવેરની દાળ] ઓછી કિંમતે ખરીદી લેતા, કારણ કે તે દળ્યા વગરની રહેતી. અને તે ક્યારેય સમયસર ન આવતો કે ન તો અમને અમારા પૈસા સમયસર મળતા.” ત્રણ બાળકોનાં 45 વર્ષીય માતા પોતાના પરિવારની બે એકર વરસાદ આધારિત જમીન પર તુવેર ઉગાડે છે અને તેમણે ભાડાપટ્ટે વધુ એક એકર જમીન પણ લીધી છે. દેશમાં માત્ર 11 ટકા મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે અને આમાંથી મધ્યપ્રદેશ બાકાત નથી.

રુંજ એફ.પી.ઓ.નું નામ રુંગ નદીના નામ પરથી પડ્યું છે, જે યમુનામાં વહેતી બાઘ હૈનની ઉપનદી છે. આ નદી અજયગઢ અને પન્ના બ્લોકના 28 ગામોમાં મહિલા ખેડૂતોને ફાયદો પહોંચાડે છે. 2024માં શરૂ થયેલ આ FPOનું ટર્નઓવર હાલ રૂપિયા 40 લાખને પાર કરી ગયું છે અને આગામી વર્ષમાં આને બમણું કરવાનું લક્ષ્યાંક છે.

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબેઃ સંતોષી પન્ના જિલ્લાની ભૈરહા પંચાયતમાં પોતાના ખેતરમાં. જમણેઃ રુંજ નદી (જેના નામ પરથી આ એફ.પી.ઓ.નું નામ રાખવામાં આવ્યું છે) જેના કિનારે ખેડૂતો તુવેર ઉગાડે છે

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબેઃ પન્ના જિલ્લાના અજયગઢમાં રુંજ એફ.પી.ઓ. ખાતે દાળને જૂદી પાડવાનું મશીન. દાળના સૉર્ટિંગ મશીન પર ભૂપેન કૌંદર (લાલ શર્ટમાં) અને કલ્લુ આદિવાસી (વાદળી શર્ટમાં). જમણેઃ અમર શંકર કૌંદર દાળને અલગ પાડી રહ્યા છે

આ એફપીઓ સ્થાપવાનું કારણ સમજાવતાં સંતોષી કહે છે, “મારા ગામના લગભગ બધા પરિવારો પાસે ઓછામાં ઓછી 2 થી 4 એકર જમીન છે. તેથી અમે વિચાર્યું કે આપણે બધા જૈવિક પાક ઉગાડી રહ્યા છીએ, તેથી ચાલો તુવેર પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને બધા મળીને તેના પર પ્રક્રિયા કરવા માટેનું મશીન લાવવા માટે યોગદાન આપીએ.”

અજયગઢ પ્રદેશની તુવેર ઘણી પ્રખ્યાત છે. પ્રદાનના ગર્જન સિંહ કહે છે, “રુંજ નદી જ્યાંથી વહે છે તે ધરમપુર પટ્ટાની દાળ તેના સ્વાદ અને સુગંધ માટે પ્રખ્યાત છે.” સ્થાનિકોનું કહેવું છે કે વિંધ્યાચલ ટેકરીઓમાંથી વહેતી આ નદી ખેતી માટે ફળદ્રુપ પરિસ્થિતિઓ ઊભી કરે છે. પ્રદાન અહીંના ખેડૂતો સાથે કામ કરતી એક બિન-સરકારી સંસ્થા છે અને તેણે માત્ર મહિલાઓ માટેની એફ.પી.ઓ.ની સ્થાપના કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

સંતોષી જેવા ખેડૂતો વાજબી ભાવ મેળવવા માટે મક્કમ હતા. તેઓ કહે છે, “હવે અમે તેને અમારા એફ.પી.ઓ.ને આપી શકીએ છીએ અને અમારા પૈસા સમયસર મેળવી શકીએ છીએ.” તુવેરની દાળ મોટાભાગે રૂ. 10,000 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે, પરંતુ મે 2024માં ભાવ ઘટીને રૂ. 9,400 થઈ ગયો હતો. જોકે, રુંજના સભ્યોને લાગ્યું કે તેમણે તેમના સામૂહિક માધ્યમથી સીધી ખેતરમાંથી કરેલ ખરીદીના કારણે તેમને વધુ સારો સોદો મળ્યો છે.

રાકેશ રાજપૂત રુંજના સી.ઈ.ઓ. (એકમાત્ર કર્મચારી) છે અને તેઓ કહે છે કે તેઓ પરંપરાગત બિયારણનો ઉપયોગ કરે છે; સંકર જાતો અહીં જોવા મળતી નથી. તેઓ 12 સંગ્રહ કેન્દ્રોની સંભાળ રાખે છે જેમાં દરેક થેલીની સામગ્રી તપાસવા માટે વજન મશીનો, થેલીઓ અને એક પારખી હોય છે.

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબેઃ મશીનમાં જુદી થયા પછીની દાળ. જમણેઃ પેકેજ્ડ દાળ બતાવતા, એફ.પી.ઓ.ના સી.ઈ.ઓ. રાકેશ રાજપૂત

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબેઃ ગુચારામાં પોતાના ઘરે સંતોષી કોરી. જમણેઃ તેમના બેકયાર્ડમાં જ્યાં તેઓ પોતાના વપરાશ માટે શાકભાજી પણ ઉગાડે છે

પ્રદાન સાથે કામ કરતાં સુગંધા શર્મા કહે છે, રુંજ આગામી વર્ષમાં સભ્યપદમાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે અને વર્તમાન તુવેરથી માંડીને ચણા, પશુધન માર્કેટિંગ (બુંદેલખંડી જાતિના બકરા) અને જૈવિક ખાતરો અને બિયારણ સુધીના ઉત્પાદનોની શ્રેણીમાં વિવિધતા લાવવા માંગે છે. તેઓ ઉમેરે છે, “અમે અમારા ખેડૂતો માટે ડોર-ટુ-ડોર કનેક્ટિવિટી ઇચ્છીએ છીએ.”

તેમના ઘરની પાછળની જમીનમાં સંતોષી કોળાં અને અન્ય શાકભાજી ઉગાડે છે જેને તેઓ આપણને બતાવે છે; પરિવારની બે ભેંસ તેમના પતિ સાથે ચરવા ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં પાછાં આવશે.

તેઓ ગર્વથી કહે છે, “મેં ક્યારેય બીજી કોઈ દાળ ખાધી નથી. મારા ખેતરની દાળ ચોખાની જેમ ઝડપથી રંધાઈ જાય છે, અને તે સ્વાદમાં મીઠી હોય છે.”

Priti David

प्रीति डेविड, पारी की कार्यकारी संपादक हैं. वह मुख्यतः जंगलों, आदिवासियों और आजीविकाओं पर लिखती हैं. वह पारी के एजुकेशन सेक्शन का नेतृत्व भी करती हैं. वह स्कूलों और कॉलेजों के साथ जुड़कर, ग्रामीण इलाक़ों के मुद्दों को कक्षाओं और पाठ्यक्रम में जगह दिलाने की दिशा में काम करती हैं.

की अन्य स्टोरी Priti David
Editor : Sarbajaya Bhattacharya

सर्वजया भट्टाचार्य, पारी के लिए बतौर सीनियर असिस्टेंट एडिटर काम करती हैं. वह एक अनुभवी बांग्ला अनुवादक हैं. कोलकाता की रहने वाली सर्वजया शहर के इतिहास और यात्रा साहित्य में दिलचस्पी रखती हैं.

की अन्य स्टोरी Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad