2024નું વર્ષ પારી લાઇબ્રેરી માટે એક સીમાચિહ્નરૂપ છે − અમે આ વર્ષે વિક્રમી સંખ્યામાં સંસાધનો તૈયાર કર્યા અને આર્કાઇવ કર્યા છે. તેમાં અધિનિયમો અને કાયદાઓ, પુસ્તકો, સંમેલનો, નિબંધો, કાવ્યસંગ્રહો, શબ્દકોશો, સરકારી અહેવાલો, પત્રિકાઓ, સર્વેક્ષણો અને લેખોનો સમાવેશ થાય છે.
જોકે આ દરમિયાન અન્ય, વધુ ગંભીર રેકોર્ડ પણ તૂટી રહ્યા હતા − 2024 એ નોંધવામાં આવેલું સૌથી ગરમ વર્ષ બનવા જઈ રહ્યું છે, જે અગાઉના સૌથી ગરમ શહેર 2023ને પાછળ છોડવા જઈ રહ્યું છે. બદલાતી આબોહવાને કારણે સ્થળાંતર કરતી પ્રજાતિઓ પર અસર થઈ છે, જેમાં પાંચમાંથી એક પ્રજાતિ પર હવે લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. અને ભારતની કળણભૂમિ , તમામ સ્પાંગ, ઝીલ, સરોવર, તળાવ, તાલ, કોલા, બિલ અને ચેરુવુ જોખમમાં છે.
પ્રદૂષણ અને ગરમી વચ્ચેના સંબંધોનું સારી રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, અને દક્ષિણ એશિયામાં કણરૂપ દ્રવ્યોને કારણે વાયુ પ્રદૂષણ ખાસ કરીને ખરાબ રહ્યું હતું. ભારતમાં તેની સાંદ્રતા 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતી, જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં 11 ગણી વધારે હતી. નવી દિલ્હી, કે જ્યાં સાંદ્રતા 102.1 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરની આસપાસ હતી, તેની હાલત તો એટલી કફોડી હતી કે તેનાથી રાઇડ-સોર્સિંગ સેવા માટે એક ગિગ કામદારના અનુભવો વિશે કોમિકને પ્રેરણા મળી હતી.
સતત બે વર્ષ સુધી તાપમાનના વિક્રમો તૂટવાથી, પેરિસ સમજૂતી ભંગાણના આરે છે. પરંતુ તાપમાનમાં વધારો માત્ર કુદરતી પર્યાવરણ પૂરતો જ સીમિત ન હતો. દેશની 18મી લોકસભાની રચના કરનારી 2024ની સામાન્ય ચૂંટણીઓ સુધી દેશમાં રાજકીય વાતાવરણ પણ પોતાની આગવી રીતે ગરમાયું હતું.
ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2018માં રજૂ કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ્સને સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરી, 2024ના રોજ ગેરબંધારણીય ગણાવ્યા હતા. એક મહિના પછી, ભારતીય સ્ટેટ બેંક અને ચૂંટણી પંચે આ બોન્ડ્સની ખરીદી અને રોકડીકરણ વિશે વિગતો જાહેર કરી હતી.
રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપનારા ટોચના ત્રણ દાતા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ (પી.આર. એન્ડ પ્રાઇવેટ લિમિટેડ), મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ હતા. આના લાભાર્થીમાં , ભારતીય જનતા પાર્ટી (6,060 કરોડ રૂપિયા), અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ (1,609 કરોડ રૂપિયા) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (1,422 કરોડ રૂપિયા) સૌથી મોખરે હતા.
1922 અને 2022માં ભારતમાં સંપત્તિના વિતરણની સરખામણી દર્શાવે છે કે ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં સૌથી ટોચના ધનિક એક ટકાનો હિસ્સો 1922ની સરખામણીએ 2022માં ઘણો વધારે હતો. વર્ષ 2022માં રાષ્ટ્રીય આવકનો લગભગ 60 ટકા હિસ્સો દેશના સૌથી ધનિક 10 ટકા પાસે હતો.
તેનાથી વિપરીત, ઘરગથ્થુ વપરાશ ખર્ચના 2022-23 સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે, ગ્રામીણ ભારતમાં વ્યક્તિએ માલસામાન અને સેવાઓ પર દર મહિને સરેરાશ માત્ર 3,773 રૂપિયા જ ખર્ચ્યા છે. અને કામદારોની સરેરાશ વાસ્તવિક કમાણીમાં 2019 અને 2022 વચ્ચે કોઈ સુધારો જોવા મળ્યો ન હતો .
વર્ષ 2024માં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ, કે જેનો ઉદ્દેશ ભારતને “ડિજિટલ રીતે સશક્ત સમાજ અને જ્ઞાન−આધારિત અર્થતંત્ર”માં પરિવર્તિત કરવાનો છે, તેણે તેના 10મા વર્ષમાં પ્રવેશ કર્યો. વ્યંગાત્મક રીતે, 2024માં, આપણે ઇન્ટરનેટ શટડાઉનના બનાવોમાં પણ વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે − સતત છઠ્ઠા વર્ષે.
ભારતમાં લૈંગિક અન્યાય અને અસમાનતામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી કારણ કે વૈશ્વિક લિંગ તફાવત અહેવાલમાં આપણા દેશને 129મો ક્રમ આપવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષની સરખામણીએ બે સ્થાન નીચે (અને ખરાબ) છે. તે શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રોમાં ભારતીય મહિલાઓની બગડતી સ્થિતિને ઉજાગર છે. આપણે એસ.ડી.જી. જાતિ સૂચકાંકમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું છે, જેમાં આપણે લૈંગિક સમાનતામાં 139 દેશોમાંથી 91મા ક્રમે રહ્યાં છીએ.
લિંગની વાત કરીએ તો, વિધાનસભાના 135 જેટલા વર્તમાન સભ્યો (ધારાસભ્યો) પર મહિલાઓ સામેના ગુનાઓ — મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી, લગ્નના ઈરાદાથી અપહરણ, બળાત્કાર, ઉપરાઉપરી બળાત્કાર, ઘરેલું દુર્વ્યવહાર, વેશ્યાવૃત્તિ માટે સગીરને ખરીદવી અને મહિલાની ગરિમાનો દુરુપયોગ — કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કાયદાનું જ્ઞાન મેળવવાની શરૂઆત કરવામાં ક્યારેય મોડું નથી થઈ જતું. જસ્ટિસ અડ્ડા દ્વારા આ વર્ષે પ્રકાશિત ટૂલકિટ ‘ધ લૉ એન્ડ એવરીડે લાઇફ ’નો હેતુ લોકોને આ દિશામાં આગળ વધવામાં મદદ કરવાનો હતો.
આ ઉપરાંત, અમે આરોગ્ય , ભાષાઓ , લિંગ , સાહિત્ય અને વધુ મુદ્દાઓ પર સંસાધનો આર્કાઇવ કર્યા છે — સારાંશ અને હાઇલાઇટ્સ સાથે. અમે અમારા લાઇબ્રેરી બુલેટિન પ્રોજેક્ટમાં પણ ઉમેરો કર્યો છે જે ચોક્કસ વિષયો પર પારી વાર્તાઓ અને સંસાધનોને સહયોગ આપે છે. આવતા વર્ષે, અમે અમારા અભ્યાસનો વ્યાપ વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ જે લોકોની પોતાની આ આગવી લાઇબ્રેરીને ટકાવી રાખે છે. આમાં નવું શું આવ્યું છે તે જોવા માટે અહીં આવતા રહો!
જો તમે પારી લાઇબ્રેરીના કામમાં મદદરૂપ થવા માગતા હો તો [email protected] પર લખો
અમે જે કામ કરીએ છીએ તેમાં તમને રુચિ હોય અને તમે પારીમાં યોગદાન આપવા ઈચ્છતા હો તો કૃપા કરીને [email protected] પર અમને લખો. અમે ફ્રીલાન્સ અને સ્વતંત્ર લેખકો , પત્રકારો , ફોટોગ્રાફરો , ફિલ્મ નિર્માતાઓ , અનુવાદકો , સંપાદકો , ચિત્રકારો અને સંશોધકોને અમારી સાથે કામ કરવા માટે આવકારીએ છીએ.
કવર ડિઝાઇન: સ્વદેશા શર્મા
અનુવાદક: ફૈઝ મોહંમદ