સંજય ગોપેએ તેમનું આખું જીવન વ્હીલચેરમાં જ પસાર કર્યું છે. હું તેમને ઝારખંડના પુરબી (પૂર્વ) સિંઘભૂમ જિલ્લામાં જાદુગોડા નગર (વસ્તી ગણતરીમાં જાદુગોરા તરીકે સૂચિબદ્ધ) યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (યુ.સી.આઈ.એલ.) ખાણથી લગભગ છ કિલોમીટર દૂર આવેલા ગામ બાંગોમાં મળ્યો હતો.
યુ.સી.આઈ.એલ. ભારત સરકાર હસ્તકની સંસ્થા છે, જેણે 1967માં અહીં તેની પ્રથમ ખાણ ખોદી હતી. જાદુગોડા અને નજીકની અન્ય છ ખાણોમાં પ્રક્રિયા કરાયેલી અયસ્કને યલો કેક (યુરેનિયમ ઓક્સાઈડનું મિશ્રણ)માં રૂપાંતરિત કરીને હૈદરાબાદના ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સમાં મોકલવામાં આવે છે.
જ્યારે તેઓ બે વર્ષના હતા, ત્યારે સંજયનાં ચિંતિત માતાપિતા તેમને યુ.સી.આઈ.એલ. હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, કારણ કે તેઓ હજુ સુધી ચાલતા ન હતા. તેમના પિતા દૈનિક મજૂર છે, જ્યારે તેમનાં માતા આ ગામડાઓમાં મોટાભાગના લોકોની જેમ ડાંગરના ખેતરોમાં કામ કરે છે. થોડાક લોકો યુ.સી.આઈ.એલ.ની ખાણોમાં કામ કરે છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તેમને ત્યાં નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, જે તેમને ક્યારેય મળી જ નથી. ડૉક્ટરોએ સંજયનાં માતા-પિતાને ખાતરી આપી હતી કે આમાં ચિંતાનું કોઈ કારણ નથી. તેથી તેઓ ધીરજપૂર્વક રાહ જોતાં રહ્યાં, પરંતુ તેમના પુત્રએ ક્યારેય પોતાનું પહેલું — કે એકેય — પગલું ન ભર્યું.
સંજય, હવે 18 વર્ષના છે, જેઓ લગભગ 800 લોકોના ગામ (2011ની વસ્તી ગણતરી) બાંગોમાં જન્મજાત ખોડખાંપણ સાથે જન્મેલા અથવા તેમના કારણે મૃત્યુ પામેલાં ઘણાં બાળકો પૈકી એક છે, આવાં મોટાભાગનાં બાળકો સંતાલ, મુંડા, ઓરાઓન, હો, ભૂમિજ અને ખારિયા જાતિના લોકોનાં છે. ઈન્ડિયન ડૉક્ટર્સ ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ નામના જૂથ દ્વારા હાથ ધરાયેલા 2007ના એક અભ્યાસ મુજબ, આ ખાણની નજીકનાં (0-2.5 કિલોમીટરની ત્રિજ્યામાં) ગામોમાં 30-35 કિલોમીટર દૂરની વસાહતો કરતાં આવી ખામીઓથી મૃત્યુ પામેલાં બાળકોની સંખ્યા 5.86 ગણી વધારે હતી.
આ ગામોમાં મહિલાઓને મોટી સંખ્યામાં કસુવાવડો થઈ હોવાનું પણ નોંધાયું છે. કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ જેવા રોગોએ આ ખાણોમાં કામ કરતા અથવા પ્રોસેસિંગ પ્લાન્ટ્સ અને 'ટેઈલિંગ પોન્ડ્સ' (યુરેનિયમની અયસ્કના પ્રોસેસિંગમાંથી બચેલી ઝેરી ગળતરની થાપણો) ની નજીક રહેતા ઘણા લોકોને જીવ ભરખી લીધો છે.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો લાંબા સમયથી કહે છે કે આ વિકૃતિઓ અને રોગો કિરણોત્સર્ગના ઊંચા સ્તરો અને કિરણોત્સર્ગી કાટમાળ સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે કે ઝેરી 'ટેઈલિંગ પોન્ડ્સ'ની આસપાસની વસાહતો ખાસ કરીને સંવેદનશીલ છે કારણ કે ગ્રામવાસીઓ અનિવાર્યપણે આ પાણીના સંપર્કમાં આવે જ છે. જોકે, યુ.સી.આઈ.એલ. તેની વેબસાઇટ પર કહે છે કે, “બીમારીઓ…. કિરણોત્સર્ગને કારણે નથી પરંતુ કુપોષણ, મેલેરિયા અને [ગામોમાં] પ્રવર્તમાન અસ્વચ્છતાને આભારી છે.”
પૂર્વ સિંઘભૂમમાં યુ.સી.આઈ.એલ.ની સાત ખાણો છે — જાદુગોડા, ભાટીન, નરવાપહાર, બગજાતા, તુરામડીહ, માહુલડીહ અને બંધુહુડાંગમાં. અહીં કિરણોત્સર્ગની ઘાતક અસરોનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી સહિત કોર્ટ કેસોમાં સામે આવ્યો છે. 2004માં, ત્રણ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની એક બેન્ચે કથિત રીતે એટોમિક એનર્જી કમિશન દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટના આધારે એક જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી. તે એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે, “યુરેનિયમના કચરામાંથી કિરણોત્સર્ગને નિયંત્રિત કરવા માટે પર્યાપ્ત પગલાં લેવામાં આવ્યાં છે.” જાદુગોડામાં અને તેની આસપાસના લોકોની ચળવળો, જેમ કે ઝારખંડી ઓર્ગેનાઈઝેશન અગેઈન્સ્ટ રેડિયેશન, લાંબા સમયથી ગ્રામીણ લોકો તેમના દેશની યુરેનિયમની જરૂરિયાત માટે ભારે કિંમત ચૂકવી રહ્યા છે તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ