ભારતમાં જ્યાં જ્યાં પોલોની રમત રમાતી હતી તે સ્થાનોની યાદી આપતા રણજીત માલ કહે છે, “પછી એ કોલકાતા હોય, જયપુર હોય, દિલ્હી હોય કે બોમ્બે, વાંસના પોલોના બોલ સીધા દિઓલપુરથી જ જતા હતા.”

પશ્ચિમ બંગાળના દિઓલપુર વસ્તીગણતરી નગરના પોલો બોલ બનાવનાર કારીગર 71 વર્ષના રણજીતે લગભગ 40 વર્ષ સુધી ગુઆડુઆ વાંસના રાઇઝોમ્સમાંથી બોલ બનાવ્યા છે. રાઇઝોમ્સ, જેને સ્થાનિક રીતે બાંશેર ગોડા તરીકે ઓળખવામાં આવે છે, એ વાંસના છોડનું ભૂપ્રકાંડ (જમીનની અંદરનો ભાગ) છે જે વાંસને વધવામાં અને ફેલાવામાં મદદ કરે છે. આજે તેઓ આ હસ્તકલાના છેલ્લા શિલ્પકાર (કારીગર) છે; એક એવી હસ્તકલા જે રણજીતના પોતાના જ શબ્દોમાં ક્યારનીય એક ઇતિહાસ બની ચૂકી છે.

શરૂઆતમાં પોલોની રમત સૈન્ય, શાહી પરિવારો અને ઉચ્ચ વર્ગના લોકોની ક્લબોમાં જ રમવામાં આવતી - પરંતુ છેલ્લા 160 વર્ષથી વધુ સમયથી રમાતી આધુનિક પોલોની રમત માટે વાંસના બોલ દિઓલપુરથી આવતા. હકીકતમાં દુનિયાની સૌથી પહેલી પોલો ક્લબની સ્થાપના 1859 માં આસામના સિલચરમાં કરવામાં આવી હતી; બીજી 1863 માં કલકત્તામાં. આધુનિક પોલો એ સગોલ કાંગજેઈ (મણિપુરમાં મૈતેઈ સમુદાયની પરંપરાગત રમત) નું અનુકૂલિત સંસ્કરણ છે, અને મૈતેઈ સમુદાયના લોકો (એ રમત) રમવા માટે વાંસના રાઇઝોમમાંથી બનેલા બોલનો ઉપયોગ કરતા હતા.

1940 ના દાયકાની શરૂઆતમાં દિઓલપુર ગામના છ થી સાત પરિવારો 125 થી વધુ કારીગરોને રોજગારી આપતા હતા, જેઓ ભેગા મળીને વર્ષે કુલ એક લાખ જેટલા પોલો બોલ બનાવતા હતા. રણજીત ઉમેરે છે, “અમારા કુશળ શિલ્પકારો પોલોના બજારથી બરોબર વાકેફ હતા." તેમના દાવાઓને પ્રમાણિત કરતા હાવડા જિલ્લાના બ્રિટિશ યુગના એક સર્વેક્ષણ અને વસાહતી અહેવાલ (સર્વે એન્ડ સેટલમેન્ટ રિપોર્ટ) માં જણાવવામાં આવ્યું છે કે: "ભારતમાં દિઓલપુર એકમાત્ર એવું સ્થળ લાગે છે જ્યાં પોલો બોલ બનાવવામાં આવે છે."

રણજીતના પત્ની મિનોતી માલ કહે છે, "પોલો બોલ બનાવવાનો ધીકતો ધંધો જોઈને હું માત્ર 14 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મારા લગ્ન અહીં કરાવી દીધા હતા." મિનોતી હવે ઉંમરના સાઠમા દાયકામાં છે, અને હજી આજથી દસ વર્ષ પહેલા સુધી તેમના પતિને આ હસ્તકલામાં મદદ કરતા હતા. આ પરિવાર પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ માલ સમુદાયનો છે; રણજીત તેમની આખી જીંદગી દિઓલપુરમાં જ રહ્યા છે.

પોતાના ઘરમાં માદુર ઘાસની સાદડી પર બેસીને રણજીત જૂના અખબારની કાપલીઓ અને સામયિકોના લેખોના તેમના કિંમતી ખજાના પર નજર નાખી રહ્યા છે. તેઓ ગર્વથી કહે છે, "આ દુનિયામાં ક્યાંય પણ જો તમને લુંગીમાં સજ્જ પોલો બોલ બનાવતા માણસનો કોઈ ફોટો જોવા મળે તો એ મારો ફોટો હશે."

Ranjit shows his photographs of ball-making published in a Bangla magazine in 2015 (left) and (right) points at his photograph printed in a local newspaper in 2000
PHOTO • Shruti Sharma
Ranjit shows his photographs of ball-making published in a Bangla magazine in 2015 (left) and (right) points at his photograph printed in a local newspaper in 2000
PHOTO • Shruti Sharma

રણજીત 2015 માં બાંગ્લા મેગેઝિનમાં પ્રકાશિત થયેલા બોલ બનાવવાના તેમના ફોટોગ્રાફ્સ બતાવે છે (ડાબે) અને (જમણે) 2000 માં સ્થાનિક અખબારમાં છપાયેલા પોતાના ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધે છે

રણજીત સુભાષ બાઘની વર્કશોપમાં પોતે કામ કરી રહ્યા હોય અને પોતાના ટેપ રેકોર્ડર પર મોહમ્મદ રફીના ગીતો વાગી રહ્યા હોય એવો કામ પરનો એક સામાન્ય દિવસ યાદ કરે છે. તેઓ હસતા હસતા કહે છે, “હું એક મોટો રફી ભક્ત [ચાહક] છું. મેં તેમના ગીતોની કેસેટો પણ બનાવી હતી." પોલો રમતા લશ્કરી અધિકારીઓ કોલકાતાના ફોર્ટ વિલિયમથી બોલ ખરીદવા માટે અહીં આવતા હતા. તેઓ ઉમેરે છે, “ગાન શૂને પછંદો હોયે ગે છિલો. શોબ કેસેટ નીયે ગેલો [અધિકારીઓએ ગીતો સાંભળ્યા અને તેમને એ ગમી ગયા. એ પછી તેઓ બધી જ કેસેટો તેમની સાથે લઈ ગયા હતા]."

દિઓલપુરનું ગૌરવભર્યું સ્થાન ત્યાં સરળતાથી મળી રહેતા ગુઆડુઆ વાંસને કારણે હતું, સ્થાનિક ભાષામાં તેને ઘોરો બાંશ તરીકે ઓળખવામાં આવે છે, તે હાવડા જિલ્લાના આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગુઆડુઆ વાંસ ઝુંડમાં ઊગે છે, પરિણામે જમીનની નીચે મજબૂત અને વિસ્તરેલ રાઇઝોમ્સની રચના થાય  છે, તેમાંથી પોલો બોલ બનાવવામાં આવે છે.

રણજીત સમજાવે છે, “પોલો બોલ માટે વજન અને કદના માપદંડોને યોગ્ય રાઇઝોમ વાંસની દરેક પ્રજાતિઓમાં હોતા નથી." દરેક બોલ ઇન્ડિયન પોલો એસોસિએશન દ્વારા નિર્ધારિત, લગભગ 78-90 મીમી વ્યાસ અને 150 ગ્રામ વજનના, ચોક્કસ ધોરણો અનુસાર તૈયાર કરવાનો રહેતો હતો.

1990 ના દાયકા સુધી બધા પોલો બોલ આ સામગ્રીમાંથી જ બનાવવામાં આવતા હતા. આ પીઢ કારીગર કહે છે, “ધીમે ધીમે એનું [વાંસના બોલનું] સ્થાન આર્જેન્ટિનાથી લાવવામાં આવેલા ફાઇબર ગ્લાસ બોલે લેવા માંડ્યું.

ફાઈબરગ્લાસના બોલ વધુ ટકાઉ હોય છે અને તેની કિંમત પણ વાંસના બોલ કરતા ઘણી વધારે હોય છે. જોકે, રણજીત કહે છે કે, “પોલો એ પ્રોચોર ધોની લોક [અત્યંત અમીર લોકો] ની રમત બની રહી છે, તેથી [બોલ પર] વધુ પૈસા ખર્ચવા એ તેમને માટે મોટી વાત નથી." બજારના આ ફેરફારે દિઓલપુરની આ હસ્તકલાને કચડી નાખી છે. તેઓ કહે છે, "2009 પહેલા અહીં 100-150 જેટલા બોલ બનાવનાર હતા, 2015 સુધીમાં પોલો બોલ બનાવનાર હું એકલો જ બચ્યો હતો." પરંતુ ખરીદવાવાળું કોઈ રહ્યું નથી.

*****

Left: Carrying a sickle in her hand, Minoti Mal leads the way to their six katha danga-zomin (cultivable piece of land) to show a bamboo grove.
PHOTO • Shruti Sharma
Right: She demarcates where the rhizome is located beneath the ground
PHOTO • Shruti Sharma

ડાબે: હાથમાં દાતરડું લઈને મિનોતી માલ અમને વાંસની ઝાડી બતાવવા તેમની છ કાઠા ડાંગા-ઝોમિન (ખેતીલાયક જમીનના ટુકડા) તરફ દોરી જાય છે. જમણે:  ભૂગર્ભમાં રાઇઝોમ ક્યાં છે તે બતાવવા તેઓ જમીન ચિહ્નિત કરે છે

Left: The five tools required for ball-making. Top to bottom: kurul (hand axe), korath (coping saw), batali (chisel), pathor (stone), renda (palm-held filer) and (bottom left) a cylindrical cut rhizome - a rounded ball.
PHOTO • Shruti Sharma
Right: Using a katari (scythe), the rhizome is scraped to a somewhat even mass
PHOTO • Shruti Sharma

ડાબે: બોલ બનાવવા માટે જરૂરી પાંચ સાધનો. ઉપરથી નીચે: કુરુલ (કુહાડી), કોરાત (આરીપાનુ), બટાલી (છીણી), પાથોર (પથ્થર), રેંદા (ફાઇલર) અને (નીચે ડાબે) એક નળાકારમાં કાપેલું રાઇઝોમ - એક ગોળ આકાર આપેલો બોલ. જમણે: કટારી (લાંબા હાથવાળા દાતરડા) નો ઉપયોગ કરીને, રાઇઝોમને કંઈક અંશે સમાન વજનના થાય ત્યાં સુધી છોલવામાં આવે છે

હાથમાં દાતરડું લઈને મિનોતી અમને પોતાના બાંશેર બાગાન [વાંસની ઝાડી] તરફ દોરી જાય છે, રણજીત અને હું તેમને અનુસરીએ છીએ. પોતાના ઘરથી લગભગ 200 મીટર દૂર આ દંપતીની છ કાઠા જમીન છે જ્યાં તેઓ પોતાના વપરાશ માટે ફળો અને શાકભાજીની ખેતી કરે છે અને વધારાની પેદાશ સ્થાનિક વિક્રેતાઓને વેચી દે છે.

મિનોતી રાઇઝોમને જમીનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાની વિગતો આપતા કહે છે, "એકવાર વાંસના છોડની દાંડી કાપી નાખ્યા પછી જમીનની નીચેથી રાઇઝોમ કાઢવામાં આવે છે." આ કામ મુખ્યત્વે દિઓલપુરના સરદાર સમુદાય દ્વારા કરવામાં આવતું હતું. રણજીત તેમની પાસેથી વાંસના રાઇઝોમ ખરીદતા - 2 થી 3 કિલોગ્રામ વજનનું રાઇઝોમ 25 થી 32 રુપિયે વેચાતું હતું.

રાઇઝોમ્સને લગભગ ચાર મહિના સુધી તડકામાં સૂકવવામાં આવતા. રણજીત સમજાવે છે, “ના શુકલે, કાચો ઓબોસ્થા-તે બોલ ચિટ-કી જાબે. ટેઢા બેકા હોઈ જાબે [જો રાઇઝોમ્સને બરોબર સૂકવવામાં ન આવે તો બોલમાં તિરાડ પડી જાય છે અને બોલ વાંકોચૂંકો થઈ જાય છે]."

એ પછી 15-20 દિવસ માટે તેમને તળાવમાં પલાળી રાખવામાં આવતા. આ અનુભવી કારીગર ઉમેરે છે, “રોડ-એ પાકા [ગરમીમાં પાકેલા] રાઇઝોમને નરમ કરવા માટે પલાળવું જરૂરી છે – નહીં તો તમે રાઇઝોમને કાપી ન શકો. અમે 15-20 દિવસ સુધી એને ફરીથી સૂકવીએ. તો જ તે આકાર આપવા લાયક થાય.”

હવે લાંબા સમયથી પીઠના દુખાવાથી પીડાતા અને ધીમે ધીમે જ ચાલી શકતા રણજીત કહે છે કે કટારી (લાંબા હાથવાળા દાતરડા) અથવા કુરુલ (કુહાડી) વડે રાઇઝોમને છોલવાથી માંડીને અનિયમિત આકારના સમૂહને નળાકાર ટુકડાઓમાં કાપવા માટે કોરાત (આરીપાના) નો ઉપયોગ કરવા સુધીની "આ પ્રક્રિયામાં દરેક પગલું અધૂકડા બેસીને કરવાનું હતું." તેઓ ઉમેરે છે, "પોલોની રમત અમારા કારીગરોની પીઠના દર્દને ભોગે જ રમાતી હતી."

એકવાર રાઇઝોમમાંથી લગભગ નળાકાર ટુકડાઓ કાપી નાખવામાં આવ્યા પછી તેને એક છીણી વડે ચોક્કસ ગોળ આકાર આપવામાં આવતો હતો, એ માટે છીણીના હાથા પર પથ્થર વડે ઘા કરવામાં આવતા હતા. રણજીત કહે છે, "રાઇઝોમના કદના આધારે, અમે એક ટુકડામાંથી બે, ત્રણ કે ચાર બોલ બનાવી શકતા." એ પછી તેની સપાટીને લીસી બનાવવા માટે તેઓ હથેળીથી પકડવાના રંદા વડે બોલને ફાઇલ કરતા.

દિઓલપુરનું ગૌરવભર્યું સ્થાન ત્યાં સરળતાથી મળી રહેતા ગુઆડુઆ વાંસને કારણે હતું, સ્થાનિક ભાષામાં તેને ઘોરો બાંશ તરીકે ઓળખવામાં આવે છે, તે હાવડા જિલ્લાના આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે

આ હસ્તકલા પરનો એક ટૂંકો વિડીયો જુઓ

એક જૂનો બોલ લઈને મિનોતી ગ્લેઝિંગની (બોલને ચમક આપવાની) પ્રક્રિયા બતાવે છે: તેઓ સમજાવે છે, “ઘરના કામકાજની સાથે વચ્ચે વચ્ચે, શિરીષ પેપર નીયે બોલ આમી માઝતમ [હું કાચપેપરથી બોલને લીસા કરવાનું અને આખરી ઓપ આપવાનું કામ કરતી રહેતી]. 'પછી એને સફેદ રંગથી રંગવામાં આવતો. કેટલીકવાર અમે તેના પર મહોર પણ લગાવતા."

દરેક બોલને પૂરો કરવામાં 20-25 મિનિટનો સમય લાગતો. રણજીત કહે છે, “એક દિવસમાં અમે બંને મળીને 20 બોલ પૂરા કરી શકતા અને 200 રુપિયા કમાતા."

આ કામ માટે કૌશલ્ય, જ્ઞાન અને વિગતો પર ધ્યાન આપવાની જરૂર હોવા છતાં આટલા વર્ષોમાં રણજીતને ખાસ નફો થયો નથી. તેમણે એક કારખાના (વર્કશોપ) માં પોલો બોલ બનાવવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમને નંગ દીઠ 30 પૈસા જેવી નજીવી રકમ જ ચૂકવવામાં આવતી હતી. 2015 સુધીમાં આ વેતન વધીને નંગ દીઠ માત્ર 10 રુપિયા સુધી પહોંચ્યું હતું.

તેઓ કહે છે, “દરેક બોલ દિઓલપુરથી 50 રુપિયામાં વેચાતો હતો." કલકત્તા પોલો ક્લબની વેબસાઈટના મર્ચેન્ડાઈઝ (વેચાણ માટેની વસ્તુઓના) વિભાગ પર એક ઝડપી નજર નાખીએ તો જણાય છે કે શિલ્પકારોની તનતોડ મહેનતમાંથી જંગી નફો એકઠો કરવામાં આવ્યો હતો.

વેબસાઈટ પર આ બોલનું વર્ણન “પશ્ચિમ બંગાળના ગ્રામોદ્યોગમાં ખાસ બનાવવામાં આવેલા વાંસના બોલ” તરીકે કરવામાં આવ્યું છે અને દરેક બોલની કિંમત હાલમાં 150 રુપિયા છે - દરેક બોલ માટે રણજીતને ચૂકવવામાં આવતા મહેનતાણા કરતા 15 ગણી વધારે.

"એક જ પોલો મેચ માટે 25-30 થી વધુ બામ્બુ બોલની જરૂર પડતી હતી." આટલી મોટી સંખ્યામાં બોલની જરૂર પાડવાનું કારણ સમજાવતા તેઓ કહે છે, “રાઇઝોમ કુદરતી છે અને તેથી તેનું વજન બદલાય છે.  પોલો મેચ દરમિયાન મેલેટ દ્વારા વારંવાર તેને ફટકારવામાં આવે છે ત્યારે તે ઝડપથી આકાર ગુમાવે છે અથવા તેમાં તિરાડો પડી જાય છે." બીજી તરફ ફાઇબરગ્લાસ બોલ લાંબા સમય સુધી ટકે છે: રણજીત કહે છે, “એક પોલો મેચ માટે આવા માત્ર ત્રણથી ચાર બોલ જ પૂરતા છે."

A sack full of old bamboo rhizome balls (left).
PHOTO • Shruti Sharma
Minoti (right) demonstrating the task of glazing a polo ball with sand paper. 'Between housework, I used to do the smoothening and finishing,' she says
PHOTO • Shruti Sharma

જૂના વાંસના રાઇઝોમ બોલથી ભરેલી બોરી (ડાબે). મિનોતી (જમણે) કાચપેપર વડે પોલો બોલને ચમકતા બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે. તેઓ કહે છે, 'ઘરના કામકાજની સાથે વચ્ચે વચ્ચે હું બોલને લીસા કરવાનું અને આખરી ઓપ આપવાનું કામ કરતી રહેતી'

Left : Ranjit holds a cut rhizome and sits in position to undertake the task of chiselling.
PHOTO • Shruti Sharma
Right: The renda (palm-held file) is used to make the roundedness more precise
PHOTO • Shruti Sharma

ડાબે: રણજીત એક કાપેલું રાઇઝોમ લઈને તેને આકાર આપવાનું કામ કરવા અધૂકડા બેસે છે. જમણે: રેંદા (ફાઇલર) નો ઉપયોગ ગોળાકારને વધુ ચોક્કસ બનાવવા માટે થાય છે

1860 ના દાયકાની શરૂઆતમાં દિઓલપુરથી માત્ર 30 કિમી દૂર કલકત્તા પોલો ક્લબની સ્થાપનાથી અહીં પોલો બોલના ઉત્પાદનને વેગ મળ્યો હતો, પરંતુ આ બોલની માંગમાં ઘટાડો થતાં ક્લબે 2015 સુધીમાં વાંસના દડાઓ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.

*****

રમતગમત કે ખેલદિલી રણજીત માટે અજાણ્યા નથી - તેઓ ગામની સ્પોર્ટ્સ ક્લબ, દિઓલપુર પ્રગતિ સંઘ તરફથી ફૂટબોલ અને ક્રિકેટ રમતા હતા અને તેઓ એ ક્લબના પહેલા સચિવ હતા. તેઓ યાદ કરે છે, “ખૂબ નામ થા હમારા ગાંવ મેં” [હું ગામમાં ખૂબ જાણીતો હતો] ઝડપી બોલર અને ગોલ રક્ષક તરીકે."

તેમણે કામની શરૂઆત સુભાષ બાઘની માલિકીના કારખાનામાં કામ કરવાથી કરી હતી, દિઓલપુરમાં પોલો બોલ બનાવવાની હસ્તકલાની શરૂઆત કરવાનું શ્રેય સુભાષના દાદાને આપવામાં આવે છે. હવે 55 વર્ષના સુભાષ પોલો અને દિઓલપુર વચ્ચેનો એકમાત્ર કડી છે - પરંતુ હવે તેમણે પોલો મેલેટ્સ બનાવવાનું કામ શરુ કર્યું છે.

પોલો બોલ બનાવવાની હસ્તકલા એ પચાસ વર્ષ પહેલા દિઓલપુરના રહેવાસીઓએ આજીવિકા રળવા માટે અપનાવેલી બહુવિધ હસ્તકલાઓમાંની એક હતી. મિનોતી કહે છે, “અમે અમારું ઘર ચલાવવા અને અમારા ત્રણ બાળકોને ઉછેરવા જોરી-ર કાજ [જરીના દોરાનું ભરતકામ], બીડી બાંધા [બીડી વાળવી] થી માંડીને પોલો બોલ બનાવવા સુધીનું શક્ય તેટલું બધું જ કરી જોયું." રણજીત ઉમેરે છે, “શોબ ઓલ્પો પોઈશો-ર કાજ છિલો. ખૂપ કોષ્ટ હોઇ છિલો [આ બધા ઓછા મહેનતાણાવાળા અને વધુ શારીરિક શ્રમ માગી લેતા કામ હતા. અમે ખૂબ સંઘર્ષ કર્યો હતો."

દિઓલપુરના રહેવાસીઓને હવે વધુ સારી નોકરીઓની તકો મળી રહે છે એ વાતથી રણજીત ખુશ છે. તેઓ કહે છે, “હવે લગભગ ચાર કિલોમીટરના અંતરે ધુલાગઢ ચૌરસ્તાની નજીક ઘણા બધા ઉદ્યોગો આવી ગયા છે." મિનોતી ઉમેરે છે, "હવે લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ પગારવાળી નોકરી કરે છે. પરંતુ કેટલાક લોકો હજી પણ ઘેર જ જોરી-ર કાજ કરે છે." દિઓલપુરમાં આશરે 3253 લોકો ગૃહઉદ્યોગોમાંથી રોજગારી મેળવે છે (વસ્તીગણતરી 2011).

આ દંપતી તેમના નાના દીકરા 31 વર્ષના શૌમિત અને તેમની પત્ની શુમોના સાથે રહે છે. શૌમિત કોલકાતા નજીક એક સીસીટીવી કેમેરા કંપનીમાં કામ કરે છે અને શુમોના તેમની સ્નાતક કક્ષાની પદવી માટેનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારબાદ તેઓ પણ નોકરી મેળવવાની આશા રાખે છે.

Left : Sumona, Ranjit and Minoti on the road from where Mal para (neighbourhood) begins. The localities in Deulpur are segregated on the basis of caste groups.
PHOTO • Shruti Sharma
Right : Now, there are better livelihood options for Deulpur’s residents in the industries that have come up closeby. But older men and women here continue to supplement the family income by undertaking low-paying and physically demanding zari -work
PHOTO • Shruti Sharma

ડાબે: શુમોના, રણજીત અને મિનોતી રસ્તા પર, ત્યાંથી માલ પારા (પડોશનો વિસ્તાર) શરૂ થાય છે. દિઓલપુરના વિસ્તારોને જાતિ જૂથોના આધારે અલગ પાડવામાં આવ્યા છે. જમણે: હવે નજીકમાં શરૂ થયેલા ઉદ્યોગોમાં દિઓલપુરના રહેવાસીઓ માટે આજીવિકાના વધુ સારા વિકલ્પો મળી રહે છે. પરંતુ અહીંના ઉંમરલાયક પુરુષો અને મહિલાઓ ઓછી કમાણીવાળું અને વધુ શારીરિક શ્રમ માગી લેતું જરી-કામ કરીને કુટુંબની આવકમાં પૂરક બનવાનો પ્રયાસ ચાલુ રાખે છે

*****

રણજીત કહે છે, “મારા જેવા શિલ્પકારોએ આ હસ્તકલાને અમારું સર્વસ્વ આપી દીધું છે, પરંતુ એના બદલામાં અમને પોલો ખેલાડીઓ તરફથી કે સરકાર તરફથી કંઈ જ મળ્યું નથી.

પરંપરાગત કલા અને હસ્તકલાના સ્વરૂપો વિકસાવવા માટે 2013 માં પશ્ચિમ બંગાળ સરકારે યુનેસ્કોની સાથે ભાગીદારીમાં સમગ્ર રાજ્યમાં ગ્રામીણ હસ્તકલા કેન્દ્ર યોજનાઓ શરૂ કરી છે. આ ભાગીદારી આજે તેના ત્રીજા તબક્કામાં છે અને સમગ્ર રાજ્યમાં 50000 લાભાર્થીઓને આવરી લે છે - પરંતુ તેમાં વાંસના પોલો બોલ બનાવનાર એક પણ કારીગર નથી.

રણજીત કહે છે, “2017-18માં અમે નબન્ના [રાજ્ય સરકારના મુખ્ય મથક] ગયા હતા અને અમારી હસ્તકલા લુપ્ત ન થઈ જાય એ માટે પગલાં લેવાની માંગણી કરી હતી. અમે અમારી સ્થિતિની જાણ કરી, અરજીઓ દાખલ કરી, પરંતુ તેનાથી કંઈ વળ્યું નહીં. જો અમારી હસ્તકલા અને આજીવિકા મરી પરવારશે તો અમારી આર્થિક સ્થિતિ શું થશે? અમે ખાઈશું શું? અમે તેમને પૂછ્યું હતું."

રણજીત કહે છે, "કદાચ પોલો બોલ દેખાવમાં સુંદર હોતા નથી એ કારણે આ હસ્તકલા બહુ ઓછા લોકોને મન મહત્વની હતી." એક ક્ષણ માટે અટકીને તેઓ ઉમેરે છે, "...કોઈએ ક્યારેય અમારા વિશે તો વિચાર્યું જ નહોતું."

મિનોતી થોડે દૂર બેસીને બપોરના ભોજન માટે બાટા ફિશ (મીઠા પાણીની નાની માછલી) સાફ કરી રહ્યા છે. રણજીતની વાત સાંભળીને તેઓ કહે છે, "જોકે મને હજીય આશા છે કે અમારી સતત મહેનત માટે અમારી કંઈક કદર તો થશે."

જોકે રણજીત એટલા આશાવાદી નથી. તેઓ કહે છે, “થોડા વર્ષો પહેલા સુધી પોલો વિશ્વ સંપૂર્ણપણે અમારા કારીગરો પર નિર્ભર હતું. પરંતુ તેઓ ખૂબ ઝડપથી આગળ નીકળી ગયા છે. હું હવે એ લુપ્ત થઈ ગયેલી હસ્તકલાનો એકમાત્ર જીવંત પુરાવો છું."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Shruti Sharma

श्रुति शर्मा, एमएमएफ़-पारी फ़ेलो (2022-23) हैं. वह कोलकाता के सामाजिक विज्ञान अध्ययन केंद्र से भारत में खेलकूद के सामान के विनिर्माण के सामाजिक इतिहास पर पीएचडी कर रही हैं.

की अन्य स्टोरी Shruti Sharma
Editor : Dipanjali Singh

दीपांजलि सिंह, पीपल्स आर्काइव ऑफ़ रूरल इंडिया में सहायक संपादक हैं. वह पारी लाइब्रेरी के लिए दस्तावेज़ों का शोध करती हैं और उन्हें सहेजने का काम भी करती हैं.

की अन्य स्टोरी Dipanjali Singh
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

की अन्य स्टोरी Maitreyi Yajnik