ખેતરના કિનારે ઊભેલા વિજય તેમના પાક તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે, જે હવે ભારે વરસાદ પછી ઘૂંટણ સુધીના પાણીમાં ડૂબી ગયો છે. વિદર્ભમાં વિજય મરોત્તરનું કપાસનું ખેતર બરબાદ થઈ ગયું હતું. 25 વર્ષીય વિજય કહે છે, “મેં પાક પાછળ લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મેં તેનો મોટાભાગનો હિસ્સો ગુમાવી દીધો છે.” આ સપ્ટેમ્બર 2022ની વાત છે, જે વિજય માટે પાકની પ્રથમ મોસમ હતી. અને આ વખતે, તેમની પાસે તેમની સમસ્યાઓ વિષે વાત કરવા માટે કોઈ નહોતું.
તેમના પિતા ઘનશ્યામ મારોટ્ટરે પાંચ મહિના પહેલા આત્મહત્યા કરી હતી અને બે વર્ષ પહેલાં અચાનક હૃદયરોગના હુમલાથી તેમની માતાનું અવસાન થયું હતું. અનિયમિત વાતાવરણ અને વધતા દેવા સાથે મોસમ દર મોસમ પાકમાં નુકસાન ભોગવવું પડ્યું હોવાથી વિદર્ભ પ્રદેશના અન્ય ઘણા ખેડૂતોની જેમ તેના માતાપિતાને ગંભીર ચિંતા અને તણાવનો સામનો કરવો પડ્યો હતો. અને તેમને આનો સામનો કરવામાં બહુ ઓછી મદદ મળી છે.
પરંતુ વિજય જાણતા હતા કે તેમના પિતાની જેમ ભાંગી પડવું તેમને પોસાત તેમ નથી. તેઓ આગામી બે મહિના સુધી પોતાના ખેતરમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત રહ્યા હતા. દરરોજ બે કલાક સુધી, હાથમાં ફક્ત એક ડોલ લઈને તેઓ તેમના પડતર પડી રહેલા ખેતરને ઉઘાડે પગે ખેડતા હતા, તેમનો પાયજામો તેમના ઘૂંટણ સુધી વળેલો હતો, તેમની ટી-શર્ટ પરસેવાથી રેબઝેબ હતી. જાતે જ પાણી કાઢી કાઢીને તેમની કમર તૂટી ગઈ હતી. વિજય સમજાવે છે, “મારું ખેતર ઢોળાવ પર આવેલું છે. તેથી, વધુ પડતો વરસાદ પડવાથી હું વધુ પ્રભાવિત થાઉં છું. આસપાસના ખેતરોમાંનું પાણી ખાણમાં વહી જાય છે અને તેનો નિકાલ કરવો અઘરો થઈ પડે છે.” આ અનુભવથી તેઓ હેબતાઈ ગયા છે.
જ્યારે અતિશય વરસાદ, લાંબા સમય સુધી પાણીનો અભાવ અને કરા જેવી પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓ ખેતીને ભારે નુકસાન પહોંચાડીને ખેડૂતોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ દોરી જાય છે, તેવા સમયમાં પણ આ કટોકટીનો સામનો કરવામાં ખેડૂતોને રાજ્ય તરફથી મદદ માટે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. (વાંચો વિદર્ભમાં: મનને સતત કોરી ખાતી કૃષિ સંકટની ચિંતા ). મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 હેઠળ માનસિક તણાવ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા લોકો માટે ઉપલબ્ધ સેવાઓ કે જોગવાઈઓ વિષેની કોઈ માહિતી, વિજય અથવા તેમના પિતા ઘનશ્યામ સુધી, જ્યારે તેઓ હયાત હતા અને માનસિક સ્વાસ્થ્ય સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પહોંચી ન હતી. ન તો તેમણે 1996ના જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ આયોજિત કોઈ આઉટરીચ કેમ્પ વિષે સાંભળ્યું છે.
નવેમ્બર 2014માં, મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ‘પ્રેરણા પ્રકલ્પ ખેડૂત પરામર્શ આરોગ્ય સેવા કાર્યક્રમ’ ની શરૂઆત કરી હતી. આ પહેલ જિલ્લા કલેક્ટર દ્વારા યવતમાલ સ્થિત એનજીઓ — ઇન્દિરાબાઈ સીતારામ દેશમુખ બહુદેશિયા સંસ્થાની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવી હતી. આ સંસ્થાનો હેતુ જાહેર-ખાનગી (નાગરિક સમાજ) ભાગીદારી મોડેલની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં સારવારમાં રહેલી ત્રુટીઓને દૂર કરવાનો હતો. પરંતુ 2022માં વિજયે તેમના પિતાને ગુમાવ્યા ત્યાં સુધીમાં તો સરકારનો આ બહુપ્રચારિત પ્રેરણા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો.
આ પ્રદેશના જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ચક્કરવાર, કે જેઓ આ પ્રોજેક્ટ પાછળ દૂરદર્શી હતા, કહે છે, “અમે રાજ્ય સરકારને બહુવિધ કટોકટી હસ્તક્ષેપ વ્યૂહરચના પૂરી પાડી હતી. અમે આ સમસ્યાનો સામનો કરવાની પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ભાવનાત્મક શિક્ષણ કાર્યકરોને તાલીમ આપી હતી, જેમણે ગંભીર કેસોની ઓળખ કરીને તેના વિષે જિલ્લા સમિતિને જાણ કરી હતી. અમે આમાં આશા કાર્યકર્તાઓને પણ સાથે લઈને ચાલ્યા હતા કારણ કે તેઓ સમુદાયના સંપર્કમાં હોય છે. અમારા અભિગમમાં સારવાર, દવા તેમજ પરામર્શનો સમાવેશ થતો હતો.”
આ યોજનાના લીધે 2016 દરમિયાન યવતમાલમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા, જ્યાં અન્ય મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોની તુલનામાં આત્મહત્યાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રાજ્યના સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2016ના પહેલા ત્રણ મહિનામાં જિલ્લામાં આત્મહત્યાની સંખ્યા ઘટીને 48ની થઈ ગઈ હતી, જે આંકડો અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 96નો હતો. અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોની આત્મહત્યામાં કાં તો વધારો થયો હતો કાં તો તે આંકડો અકબંધ રહ્યો હતો. યવતમાલની સફળતાએ રાજ્યને તે જ વર્ષે અન્ય 13 અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રેરણા પ્રોજેક્ટ લાગું કરવાની પ્રેરણા આપી.
પરંતુ આ પ્રોજેક્ટ અને તેની સફળતા વધુ સમય સુધી ટકી ન હતી અને ખૂબ જ ટૂંક સમયમાં તે પ્રોજેક્ટ નિષ્ફળ થવા લાગ્યો હતો.
ચક્કરવાર કહે છે, “આ પ્રોજેક્ટની શરૂઆત સારી રીતે થઈ હતી, કારણ કે સરકારી તંત્રએ આમાં નાગરિક સમાજને ટેકો આપ્યો હતો. તે એક જાહેર-ખાનગી ભાગીદારી હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ શરૂ થયાના થોડા સમય પછી, ટીમો વચ્ચે વહીવટી અને પરામર્શ જેવા મુદ્દાઓ બાબતે દરાર પડવા લાગી. આખરે, નાગરિક સમાજ સંગઠનોએ પીછેહઠ કરી અને પ્રેરણા પ્રોજેક્ટ સંપૂર્ણપણે સરકાર હસ્તક કરી દેવામાં આવ્યો, જે પછી તેમાં કાર્યક્ષમ અમલીકરણનો અભાવ જોવા મળ્યો હતો.”
હતાશ હોવાની સંભાવના હોય તેવા અથવા ચિંતિત દર્દીઓને શોધવા માટે આ કાર્યક્રમમાં આશા કાર્યકર્તાઓને આ વધારાની જવાબદારી સોંપીને વધારાના વળતર અને લાભોનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે સરકારે લાભ ચૂકવવામાં વિલંબ કર્યો, ત્યારે આશા કાર્યકર્તાઓએ આમાંથી રસ ગુમાવ્યો હતો. ચક્કરવાર કહે છે, “તેથી, તેઓએ વાસ્તવિક રીતે સર્વેક્ષણો કરવાને બદલે નકલી કેસોની જાણ કરી હતી.”
2022માં ઘનશ્યામ મરોત્તરનું આત્મહત્યાથી મૃત્યુ થયું ત્યાં સુધીમાં, પ્રેરણા પ્રોજેક્ટ એક નિષ્ફળ સરકારી પ્રોજેક્ટ બની ગયો હતો — જેમાં મનોચિકિત્સક વ્યાવસાયિકો માટે ખાલી જગ્યાઓની સંખ્યા વધી રહી હતી અને સ્થાનિક સ્વયંસેવકો અને પ્રશિક્ષિત આશા કાર્યકરોની સંખ્યા ઘટી રહી હતી. ફરીથી, યવતમાલમાં તીવ્ર કૃષિ સંકટ તોળાઈ રહ્યો હતો, જ્યાં તે વર્ષમાં 355 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
માનસિક સ્વાસ્થ્યની કટોકટીને પહોંચી વળવામાં રાજ્યની અસમર્થતાના કારણે ત્યાં એક કરતાં વધુ બિન-નફાકારક સંસ્થાઓએ પ્રવેશ કર્યો હતો. ટાટા ટ્રસ્ટે માર્ચ 2016થી જૂન 2019 સુધી યવતમાલ અને ઘાટનજી તાલુકાના 64 ગામોમાં વિદર્ભ સાયકોલોજિકલ સપોર્ટ એન્ડ કેર પ્રોગ્રામ નામનો પાયલોટ પ્રોજેક્ટ ચલાવ્યો હતો. આ પ્રોજેક્ટના વડા પ્રફુલ કાપસે કહે છે, “અમારી પહેલથી લોકોમાં મદદ માંગવાની માનસિકતામાં વધારો થયો છે. અગાઉના સમયમાં ખેડૂતો તેમની માનસિક સ્વાસ્થ્યની વિકૃતિઓ દૂર કરવા માટે તાંત્રિકો પાસે જતા હતા તેના બદલે વધુને વધુ ખેડૂતો તેમની સમસ્યાઓ વિષે જાણ કરવા લાગ્યા હતા.”
2018ની ખરીફ મોસમમાં, ટાટા ટ્રસ્ટ સાથે કામ કરતા એક મનોવિજ્ઞાનીએ શંકર પંતંગવારનો સંપર્ક કર્યો હતો. ઘાટનજી તાલુકાના હટગાંવ ગામમાં ત્રણ એકર જમીન ધરાવતા આ 64 વર્ષીય ખેડૂત આત્મહત્યાના વિચારથી ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. તેઓ યાદ કરે છે, “હું એક મહિનાથી મારા ખેતરો ગયો ન હતો. હું દિવસો સુધી મારી ઝૂંપડીમાં સૂઈ રહેતો હતો. મેં મારી આખી જિંદગી ખેડૂત તરીકે જ વિતાવી છે અને મને નથી લાગતું કે હું ક્યારેય આટલા લાંબા સમય સુધી મારી જમીન જોયા વગર રહ્યો હોઉં. જ્યારે અમે અમારા ખેતરમાં અમારા પ્રાણ રેડી દઈએ અને બદલામાં કંઈ ન મળે, ત્યારે તમે કેવી રીતે હતાશ ન થાઓ?”
સતત બે કે ત્રણ મોસમ સુધી શંકરે તેમના ખેતરમાં ગંભીર નુકસાન સહન કર્યું હતું, જ્યાં તેઓ કપાસ અને તુવેરની ખેતી કરે છે. અને તેથી, જ્યારે 2018માં મે મહિનો આવ્યો, ત્યારે આગામી મોસમ માટે તૈયારીનો કરવાનો વિચાર તેમને દુખમય લાગવા લાગ્યો. એ વખતે તેમને આટલી બધી મહેનત કરવાનો કોઈ હેતું સમજાયો નહીં. શંકર કહે છે, “મેં મારી જાતને કહ્યું કે હિંમત હારવી મને પોસાય તેમ નથી. જો હું ભાંગી પડીશ તો મારો પરિવાર પણ ભાંગી પડશે.”
શંકરનાં 60 વર્ષીય પત્ની, અનુશયા દૈનિક મજૂર તરીકે કામ કરે છે, કારણ કે અનિયમિત હવામાનને કારણે ખેતી વધુને વધુ અનિશ્ચિત બની છે. તેમને બે બાળકો છે — મોટી પુત્રી 22 વર્ષીય રેણુકા પરિણીત છે અને તેમનો 20 વર્ષીય પુત્ર બૌદ્ધિક રીતે અસ્થિર છે. 2018ની ખરીફ મોસમ નજીક આવી રહી હતી ત્યારે શંકરે તેમના પરિવાર માટે તેમના પોતાની અંદરના રાક્ષસો સામે લડવાનું નક્કી કર્યું.
તે સમયની આસપાસ મનોવૈજ્ઞાનિક તેમની પાસે આવ્યા હતા. તેઓ યાદ કરીને કહે છે, “તેઓ મારી પાસે આવતા અને ત્રણ-ચાર બેસતા. મેં તેમને મારી બધી જ મુશ્કેલીઓ જણાવી. તેમની સાથે વાત કરીને મેં સારું અનુભવ્યું.” આગામી કેટલાક મહિનાઓમાં નિયમિત મુલાકાતોથી તેમને ખૂબ જ જરૂરી રાહત મળતી હોય તેવું લાગતું હતું. તેઓ આગળ કહે છે, “હું તેમની સાથે મુક્તપણે વાત કરી શકતો હતો. કોઈના દ્વારા પરીક્ષા કરાયા સિવાય વાતચીત કરવી એ ખૂબ તાજગીભર્યું હતું. જો આ બધી વાતો હું મારા પરિવાર અને મિત્રો સાથે શેર કરતો, તો તેઓ તણાવમાં આવી જતા. હું શું કામ તેમને આ રીતે પરેશાન કરું?”
શંકર ધીમે ધીમે દર બે મહિને આ રીતની ક્રિયાપ્રતિક્રિયાની અપેક્ષા રાખવાની દિનચર્યાની આશા રાખવા લાગ્યા અને અચાનક એક દિવસ તે બંધ થઈ ગઈ — કોઈ પણ પ્રકારની ચેતવણી અથવા સમજૂતી વિના. પ્રોજેક્ટના વડા કાપસે બસ આટલું જ કહી શક્યા, “તેવું વહીવટી કારણોસર થયું હતું.”
તેમની છેલ્લી મુલાકાત વખતે, ન તો મનોવૈજ્ઞાનિકો કે ન તો શંકરને ખબર હતી કે તેઓ ફરી ક્યારેય એકબીજાને જોશે નહીં. શંકર તેમની વાતચીતને ખૂબ યાદ કરે છે. ત્યારથી તેઓ તણાવમાં ધકેલાઈ ગયા છે અને તેમણે ઊંચા વ્યાજ દરે ખાનગી શાહુકાર પાસેથી 50, 000 રૂપિયા ઉછીના લીધા છે, જેનું માસિક વ્યાજ 5 ટકા અથવા વાર્ષિક વ્યાજ 60 ટકા હતું. તેઓ કોઈની સાથે વાત કરીને તેમનું મન ખાલી કરવા માંગે છે. પરંતુ હવે તેમના માટે એકમાત્ર ઉપાય 104 નંબર ને ડાયલ કરવાનો છે, જે 2014માં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ટોલ-ફ્રી હેલ્પલાઈન છે. આ સરકાર દ્વારા શરૂ કરાયેલા પણ હમણાં કાર્યરત ન હોય, તેવી સેવાઓ પૈકીની વધુ એક સેવા છે.
સપ્ટેમ્બર 2022માં, જ્યારે પ્રાદેશિક દૈનિક અખબાર દિવ્ય મરાઠીએ આત્મહત્યાના વિચારો ધરાવતા એક વ્યથિત ખેડૂત બનીને 104 પર ફોન કર્યો, ત્યારે હેલ્પલાઈનમાંથી જવાબ મળ્યો હતો કે કાઉન્સેલર અન્ય દર્દીઓ સાથે વ્યસ્ત છે. ફોન કરનારને તેમનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ નોંધવવા અને અડધા કલાકમાં ફરીથી ફોન કરવા વિનંતી કરવામાં આવી હતી. કાપસે કહે છે, “ઘણી વખત એવું બનતું હોય છે કે મદદ શોધનારની વાતચીત સાંભળવામાં આવે એટલે તેને સાંત્વના મળે છે. પરંતુ જો મદદ માંગનારે તીવ્ર તકલીફમાં હોય ત્યારે ફોન કર્યો હોય અને જો તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હોય, તો કાઉન્સેલર માટે જરૂરી થઈ જાય છે કે તે વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ સેવા પર ફોન કરવા માટે સમજાવે. હેલ્પલાઈનનું સંચાલન કરતા સલાહકારોને આવા કેસોનો સામનો કરવા માટે તાલીમ આપવી જોઈએ.”
રાજ્ય સરકારના આંકડા અનુસાર, હેલ્પલાઈનમાં 2015-16થી સૌથી વધુ કોલ્સ મહારાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયા હતા, જેની સંખ્યા 13,437 હતી. આગામી ચાર વર્ષ માટે કોલની સરેરાશ સંખ્યા દર વર્ષે આશરે 9,200 જેટલી હતી. જો કે, જ્યારે 2020-21માં કોવિડ-19 ફાટી નીકળ્યો, અને માનસિક સ્વાસ્થ્ય કટોકટી ટોચ પર પહોંચી, ત્યારે કોલ્સની સંખ્યામાં નાટ્યાત્મક ઘટાડો જોવા મળ્યો હતો, જે એક વર્ષમાં 3,575 કોલ્સ — આશ્ચર્યજનક 61 ટકાનો ઘટાડો હતો. તે પછીના વર્ષે, તેમાં વધુ ઘટાડો થઈને આંકડો 1,963 થઈ ગયો હતો, જે અગાઉના ચાર વર્ષની સરેરાશથી 78 ટકા ઘટ્યો હતો.
બીજી તરફ, ગ્રામીણ વિસ્તારોમાં માનસિક પીડા અત્યાર સુધીની સૌથી વધુ હતી અને સમગ્ર મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યાનું પણ એવું જ હતું. મહારાષ્ટ્ર સરકારના આંકડા અનુસાર, જુલાઈ 2022થી જાન્યુઆરી 2023ની વચ્ચે 1,023 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ આંકડો તે 1,660 ખેડૂતો કરતાં ગણો વધુ ખરાબ છે, જેમણે જુલાઈ 2022 પહેલા દોઢ વર્ષમાં આત્મહત્યા કરી હતી.
30 ઓક્ટોબર 2022ના રોજ, કેન્દ્ર સરકારે ધીમે ધીમે 104ના બદલે નવી હેલ્પલાઈન — 14416 — ની જાહેરાત કરી હતી. નવી હેલ્પલાઈનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું અત્યારે ખૂબ જ વહેલું છે. જો કે, માનસિક પીડા હજું પણ યથાવત્ છે.
સપ્ટેમ્બર 2022માં પડેલા ધોધમાર વરસાદને કારણે શંકરનો પાક બગડી થયો છે. તેમણે હજુ પણ એક લાખ રૂપિયાનું દેવું ચૂકવવાનું છે. તેઓ મજૂર તરીકે કામ કરવાનું શરૂ કરીને તેમની પત્નીની આવકમાં વધારો કરવાની યોજના ધરાવે છે, એવી આશામાં કે તેઓ સાથે મળીને 2023માં આગામી ખરીફ મોસમ માટે મૂડી એકત્ર કરી શકશે.
અકપુરીમાં વિજય પહેલેથી જ આ વિષચક્રમાંથી બહાર નીકળવાની યોજના ઘડી ચૂક્યા છે. તેમણે કપાસની વાવણીને તબક્કાવાર બંધ કરવાનો અને તેના બદલે સોયાબીન અને ચણા જેવા વધુ લવચીક પાકો વાવવાનો નિર્ણય લીધો છે, જે હવામાનના નાના ફેરફારો સામે વધુ સારી રીતે ટકી શકે છે. તેમણે એમએ ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરવાની સાથે સાથે હાર્ડવેરની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું છે જ્યાં તેઓ મહિને 10,000 રૂપિયા કમાણી કરે છે. જ્યારે વિજય અભ્યાસ કે કામ ન કરતા હોય, ત્યારે તેઓ તેમનો સમય વાંચવામાં, ટેલિવિઝન જોવામાં અથવા રસોઈ કરવામાં વિતાવે છે.
તેમની 25 વર્ષની વય કરતાં ક્યાંય વધુ સમજદાર અને એકલા હાથે ખેતી કરવા અને ઘર ચલાવવા માટે મજબૂર વિજય, તેમના મનને ભટકવા દેતા નથી, રખેને તે એવા વિચારો સામે લાવીને મૂકી દે, જેનો સામનો કરવા માટે તેઓ તૈયાર નથી.
તેઓ કહે છે, “મેં માત્ર પૈસા કમાવવા માટે જ નોકરી સ્વીકારી નહોતી. તે મારા મનને વ્યસ્ત રાખે છે. હું સખત અભ્યાસ કરવા માંગુ છું અને સ્થિર નોકરી મેળવવા માંગુ છું, જેથી હું નિરાંતે ખેતી છોડી શકું. મારા પિતાએ જે કર્યું હતું તે હું નહીં કરું. પણ હું કાયમ માટે અનિયમિત હવામાન સાથે જીવી શકતો નથી.”
પાર્થ એમ. એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વતંત્રતાઓ પર અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
જો તમારા મનમાં આપઘાત કરવાના વિચારો આવતા હોય , અથવા તો તમે કોઈ એવાં માણસને જાણતા હોય કે જેઓ માનસિક ઉદાસીનતામાં રહેતા હોય , તો મહેરબાની કરીને રાષ્ટ્રીય હેલ્પલાઇન ‘ કિરણ ’ ને 1800-599-0019 ( 24 * 7 ટોલ ફ્રી ) પર અથવા તો આમાંથી તમારી નજીકની કોઈ પણ હેલ્પલાઇનનો સંપર્ક કરો . માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો અને સેવાઓ વિષે જાણકારી મેળવવા માટે , મહેરબાની કરીને એસપીઆઈએફની માનસિક સ્વાસ્થ્ય નિર્દેશિકા તપાસો.
અનુવાદક: ફૈઝ મોહંમદ