લગભગ દરેક ભારતીય ખેડૂત જાણતો હોય એવા અંગ્રેજીના થોડાક શબ્દો હોય તો તે છે 'સ્વામીનાથન રિપોર્ટ' અથવા 'સ્વામીનાથન કમિશન રિપોર્ટ'. આ ભારતીય ખેડૂતો એ પણ જાણે છે કે તેમને માટે 'સ્વામીનાથન રિપોર્ટ' ની મુખ્ય ભલામણ શું છે: લઘુત્તમ ટેકાના ભાવ (મિનીમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)) = ઉત્પાદનનો વ્યાપક/સર્વસમાવેશક ખર્ચ (કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ) + 50 ટકા (જેને સી2+50 ટકા તરીકે પણ ઓળખવામાં આવે છે).
પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને માત્ર સરકાર અને અમલદારશાહીના હોલમાં જ નહીં પણ વિજ્ઞાનની સંસ્થાઓમાં પણ યાદ કરવામાં આવશે - પરંતુ મુખ્યત્વે તો રાષ્ટ્રીય કિસાન આયોગ (નેશનલ કમિશન ઓફ ફાર્મર્સ - એનસીએફ) ના અહેવાલના અમલની માગણી કરતા લાખો ખેડૂતો તેમને સદાય હૃદયપૂર્વક યાદ કરતા રહેશે.
એમ.એસ. સ્વામીનાથન એનસીએફના અધ્યક્ષ હતા. એનસીએફના આ અહેવાલો તૈયાર કરવામાં તેમના પ્રચંડ યોગદાન, એ અહેવાલો પર તેમની ભારે અસર અને તેમણે છોડેલી અમીટ છાપને કારણે ભારતીય ખેડૂતો તો આ અહેવાલોને ફક્ત 'સ્વામીનાથન રિપોર્ટ' તરીકે જ ઓળખે છે.
આ અહેવાલોની કથા એ યુપીએ અને એનડીએ બંને સરકારો દ્વારા વિશ્વાસઘાત અને દમનની કથા છે. સૌથી પહેલો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ડિસેમ્બર 2004 માં, પાંચમો અને અંતિમ અહેવાલ ઓક્ટોબર 2006 ની આસપાસ. કૃષિ સંકટ પર સંસદનું વિશેષ સત્ર - જેની આપણને સખત/તાતી જરૂર છે - એની તો વાત જ જવા દો, આ વિષય પર એક કલાકની સમર્પિત ચર્ચા પણ ક્યારેય યોજાઈ નથી. અને સૌથી પહેલો અહેવાલ રજૂ થયાને આજકાલ કરતાં હવે 19 વર્ષ થઈ ગયાં છે.
2014 માં, મોદી સરકાર સત્તામાં આવી, કેટલેક અંશે સ્વામીનાથન રિપોર્ટને, ખાસ કરીને તેની એમએસપીની ફોર્મ્યુલાની ભલામણને, ઝડપથી અમલમાં મૂકવાના તેમણે આપેલા ચૂંટણી-વચનને સહારે. અને (સત્તા પાર આવ્યા બાદ) એ વચનને અમલમાં મૂકવાને બદલે આવનારી સરકારે ઝડપથી સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કર્યું કે એ ભલામણને અમલમાં મૂકવાનું શક્ય નથી કારણ કે તે બજાર ભાવને ખોરવી નાખશે.
કદાચ યુપીએ અને એનડીએનો તર્ક એ હતો કે અહેવાલો વધુ પડતા 'ખેડૂત તરફી' હતા, જ્યારે બંને સરકારો ભારતીય ખેતીને કોર્પોરેટ ક્ષેત્રને સોંપવાનો પ્રયાસ કરી રહી હતી. આ અહેવાલ એ આઝાદી પછી કૃષિ માટે કોઈ સકારાત્મક યોજનાની રૂપરેખાની કંઈક નજીક હોય એવી આ પહેલી વસ્તુ હતી. અને એ બ્લુપ્રિન્ટ તૈયાર કરનાર આયોગનું સુકાન સાંભળ્યું હતું એક એવી વ્યક્તિએ જેણે એક સાવ જ અલગ માળખું શોધી કાઢ્યું હતું: કે અમે કૃષિ ક્ષેત્રના વિકાસને ખેડૂતોની આવકમાં થયેલી વૃદ્ધિના સંદર્ભમાં માપીએ છીએ, માત્ર વધેલા ઉત્પાદનના સંદર્ભમાં નહીં.
અંગત રીતે તેમના વિશેની મારી ચિરસ્થાયી સ્મૃતિ છે 2005 ની, જ્યારે તેઓ એનસીએફના અધ્યક્ષ હતા, અને મેં તેમને વિદર્ભની મુલાકાત લેવાની વિનંતી કરી હતી. તે સમયે આ પ્રદેશમાં કેટલીક સિઝનમાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ દિવસની 6-8 ના દરે બનતી હતી. પરિસ્થિતિ અત્યંત દયનીય હતી, જો કે તમને તમારા મોટાભાગના પ્રસાર માધ્યમોમાંથી એના વિષે કંઈ જાણવા મળશે નહીં. (2006 માં, વિદર્ભની બહારના માત્ર આંગળીને વેઢે ગણાય એટલા છ જ પત્રકારો આ પ્રદેશના છ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાર સુધી નોંધાયેલા ઇતિહાસમાં આત્મહત્યાની ઘટનાઓની સૌથી મોટી લહેરને આવરી રહ્યા હતા. તે જ સમયે, મુંબઈમાં લેક્મે ફેશન વીક ચાલી રહ્યું હતું. 512 માન્યતાપ્રાપ્ત પત્રકારો અને દૈનિક પાસ ધરાવતા લગભગ 100 બીજા પત્રકારો આ કાર્યક્રમને આવરી રહ્યા હતા. વિડંબના તો જુઓ, ફેશન વીકનું વિષયવસ્તુ હતું 'કોટન' (સુતરાઉ કાપડ) – જે ખૂબ લાલિત્યપૂર્ણ રીતે રેમ્પ પર રજૂ કરવામાં આવી રહ્યું હતું જ્યારે ત્યાંથી વિમાન માર્ગે માંડ એક કલાક દૂર એ જ કોટન (કપાસ) ઉગાડનારા પુરુષો, મહિલાઓ અને બાળકો ભૂતકાળમાં ક્યારેય ન બની હોય એટલી મોટી સંખ્યામાં આત્મહત્યાની ઘટનાઓમાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા હતા.)
પરંતુ 2005 ની વાત કરીએ તો, પ્રોફેસર સ્વામીનાથને અમારી, વિદર્ભને આવરી લેતા પત્રકારોની, વિનંતીનો અમારામાંથી કોઈનીય અપેક્ષા કરતાં વધુ ઝડપથી પ્રતિસાદ આપ્યો હતો અને એનસીએફની ટીમ સાથે તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા.
તેમની મુલાકાતથી વિલાસરાવ દેશમુખની સરકારને ફાળ પડી હતી અને સરકારે તેમને અમલદારો અને તંત્રજ્ઞો (બ્યુરોક્રેટ્સ અને ટેક્નોક્રેટ્સ) સાથે અનેક ચર્ચાઓ, કૃષિ કોલેજો ખાતે સમારંભો વિગેરેમાં વ્યસ્ત રાખે એ પ્રકારનો માર્ગદર્શક પ્રવાસ કરાવવા માટે પોતાનાથી શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ એ અતિ વિનમ્ર વ્યક્તિએ મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે તેઓ જે સ્થળોની મુલાકાત લે એવું સરકાર ઈચ્છે છે તે સ્થળોની મુલાકાત તો તેઓ લેશે જ - પરંતુ એ ક્ષેત્રમાં જે જગ્યાઓએ મેં તેમને મારી અને જયદીપ હાર્ડીકર જેવા સાથી પત્રકારો સાથે જવાનું કહ્યું હતું ત્યાં પણ તેઓ સમય ગાળશે. અને તેમણે તેમ કર્યું.
વર્ધામાં અમે તેમને શ્યામરાવ ખટાળેને ઘેર લઈ ગયા હતા. શ્યામરાવના દીકરાઓ પરિવારની ખેતી સંભાળતા ખેડૂતો હતા, જેમણે આત્મહત્યા કરી પોતાનો જીવ લીધો હતો. અમને જાણવા મળ્યું કે થોડા કલાકો પહેલાં જ શ્યામરાવનું અવસાન થયું હતું. ભૂખમરાને કારણે અને દીકરાઓ ગુમાવ્યાનો કુઠારાઘાત સહન ન થતા તેમની તબિયત કથળી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્ય સરકારે એ વ્યક્તિ મૃત હોવાનું કહીને (સ્વામીનાથની મુસાફરીના) માર્ગમાં ફેરફાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્વામીનાથને આગ્રહ રાખ્યો હતો કે મૃતકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા તેઓ તેમને ઘેર જશે. અને તેમણે તેમ કર્યું.
પછીના કેટલાક ઘરોની મુલાકાતો દરમિયાન આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવનારા લોકોના પરિવારજનોની વાતો સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે વર્ધામાં વૈફડ ખાતે પીડિત ખેડૂતોની એક યાદગાર સભામાં પણ હાજરી આપી હતી, તેનું આયોજન - કૃષિ વિષયક બાબતો અંગે બેશક આપણા શ્રેષ્ઠ બૌદ્ધિકોમાંના એક - મહાન વિજય જાવંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સભામાં એક સમયે ભીડમાંથી એક વૃદ્ધ ખેડૂત ઊભા થયા અને ગુસ્સાથી સ્વામીનાથનને પૂછ્યું કે સરકારને ખેડૂતો માટે આટલી બધી નફરત કેમ છે? શું (સરકાર) અમારો અવાજ સાંભળે એ માટે અમારે આતંકવાદી બની જવું જોઈએ? ખૂબ જ દુઃખી થયેલા પ્રોફેસર સ્વામીનાથને એ ખેડૂતને અને તેમના મિત્રોને ખૂબ ધીરજપૂર્વક અને સમજપૂર્વક સંબોધ્યા હતા.
ત્યારે સ્વામીનાથનની ઉંમર 80 વર્ષથી વધુ હતી. આ ઉંમરે આટલો શ્રમ વેઠવાની તેમની શક્તિ, સ્વસ્થતા, નમ્રતા અને શિષ્ટચારથી હું ચકિત થઈ ગયો હતો. અમે એ પણ નોંધ્યું કે સ્વામીનાથન તેમના મંતવ્યોની અને તેમના કામની સખત ટીકા કરતા લોકો સાથે પણ ખૂબ નિષ્ઠાપૂર્વક વાતચીત કરતા હતા. તેઓ ખૂબ ધીરજપૂર્વક તેમની ટીકાઓ સાંભળતા હતા - અને કેટલીક કબૂલતા પણ ખરા. પોતે આયોજિત કરેલ સેમિનાર અથવા વર્કશોપમાં પોતાના ટીકાકારોને, એ ટીકાકારોએ જે વસ્તુઓ તેમને વ્યક્તિગતરૂપે કહી હોય તે જાહેરમાં કહેવા માટે, આમંત્રિત કરે એવી, પ્રોફેસર સ્વામીનાથન સિવાય, બીજી કોઈ વ્યક્તિને હું જાણતો નથી.
તેમની સૌથી પ્રભાવશાળી લાક્ષણિકતાઓમાંની એક એ હતી કે તેઓ દાયકાઓ પહેલાની વાત વિષે પુનર્વિચાર કરી શકતા હતા અને એમ કરતાં તેમના પોતાના (એ વખતના) કામમાં હવે જે નિષ્ફળતાઓ અને ખામીઓ જણાય તેને સંબોધિત કરી શકતા હતા. હરિયાળી ક્રાંતિ સાથે જે રીતે અને ધોરણે અનિયંત્રિત રીતે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થવા લાગ્યો હતો એ જોઈ તેઓ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું પણ ખરું કે આવું થશે એની તેમને કલ્પના પણ નહોતી. સમય જતા તેઓ ઇકોલોજી અને પર્યાવરણ પ્રત્યે, જળ સંસાધનોના ઉપયોગ અને દુરુપયોગ પ્રત્યે વધુને વધુ સંવેદનશીલ બન્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે બીટી અથવા આનુવંશિક રીતે સુધારેલા પાકોના અનિયંત્રિત, અવિચારી ફેલાવાની વધુને વધુ ટીકા કરી હતી.
મનકોમ્બુ સાંબાસિવન સ્વામીનાથનના નિધનથી ભારતે માત્ર એક અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક જ નહીં, પરંતુ એક પ્રતિભાશાળી વ્યક્તિ અને ઉત્તમ માનવી ગુમાવ્યા છે.
આ લેખ પહેલા 29 મી સપ્ટેમ્બર, 2023ના રોજ ધ વાયરમાં પ્રકાશિત થયો હતો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક