ગરીબ કે તવંગર, યુવાન કે વૃદ્ધ, દરેક વ્યક્તિએ પોતાનાં પગરખાં ઉતારીને મહારાજાના ચરણ સ્પર્શ કરવા સિવાય છૂટકો નોહ્તો. જોકે, તેમની આંખમાં આંખ મિલાવીને જોતો એક નાજુક વયનો યુવાન ટટ્ટાર ઊભો રહ્યો અને નમીને તેમની સલામ ભરવાનો ઇન્કાર કરી દીધો. કોઈ પણ અસંમતિને નિર્દયતાથી કચડવા માટે જાણીતા મહારાજાની સામેના આવા અવજ્ઞાના કૃત્યથી પંજાબના જોગા ગામના વડીલો ગભરાઈ ગયા હતા અને જુલમી મહારાજ ગુસ્સે ભરાયો હતો.

તે યુવક હતો જાગીર સિંહ જોગા. તેમનો બહાદુરીભર્યો, વ્યક્તિગત વિરોધ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)નાં કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે બોલિવૂડ સેલિબ્રિટી અને હવે હિમાચલ પ્રદેશના મંડીથી સંસદ સભ્ય કંગના રનૌતને થપ્પડ માર્યાના નવ દાયકા પહેલાં નોંધાયો હતો. જોગાની અસંમતિ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહ સામે હતી, જેમના સામંતી ગુંડાઓએ ગરીબ ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે 1930ના દાયકાની વાત છે. તે પછી જે બન્યું તે લોકકથાઓ અને ચકાસી શકાય તેવા ઇતિહાસમાં ખોવાઈ ગયું છે. પણ તે દિવસે જોગાનો જીવ બચી ગયો હતો.

તેના એક દાયકા પછી, જોગા અને તત્કાલીન લાલ પક્ષના તેમના સાથીઓએ કિશનગઢ (હવે સંગરૂર જિલ્લામાં)ની આસપાસ યુગોના યુગ સુધી યાદ રહે તેવા એક સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું અને ભૂપિંદર સિંહના પુત્ર પાસેથી 784 ગામોમાં હજારો એકર જમીન છીનવી લઈને તેને જમીનવિહોણા લોકોમાં વહેંચી દીધી. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પટિયાલાના ભૂતપૂર્વ રાજવી એવા કેપ્ટન અમરિંદર સિંહ ભૂપિંદર સિંહના પૌત્ર છે.

તે જમીનના અને અન્ય સંઘર્ષોને પગલે 1954માં જોગા નાભા જેલમાં હતા — જ્યારે લોકોએ તેમને જેલમાં હોવા છતાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જીતાડ્યા હતા. તેઓ 1962, 1967 અને 1972માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

PHOTO • Jagtar Singh

ડાબેઃ 1930ના દાયકામાં , જાગીર સિંહ જોગાની અસંમતિ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહ સામે હતી , જેમના સામંતી ગુંડાઓએ ગરીબ ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. જમણેઃ CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે જૂન 2024માં નવાં ચૂંટાયેલાં સાંસદ કંગના રનૌત સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો

જોગાના જીવનચરિત્ર લેખક જગતર સિંહ કહે છે, “વિરોધ પ્રદર્શનો પંજાબની હવામાં ખીલતા હોય છે. કુલવિંદર કૌર એ પંજાબમાં વ્યક્તિગત — ઘણીવાર સ્વયંસ્ફુરિત — વિરોધની લાંબી સાંકળની નવીનતમ કડી છે, જે ન તો જોગાથી શરૂ થાય છે અને ન તો કુલવિંદર કૌર સાથે સમાપ્ત થાય છે.” નિવૃત્ત કોલેજ શિક્ષક, જગતર સિંહ ‘ઇન્કલાબી યોદ્ધાઃ જાગીર સિંહ જોગા (ક્રાંતિકારી યોદ્ધાઃ જાગીર સિંહ જોગા)’ ના લેખક છે.

પંજાબમાં જોવા મળેલા મોટાભાગના વ્યક્તિગત, સ્વયંસ્ફુરિત વિરોધ જનસામાન્ય દ્વારા જ કરાયા છે, જેઓ ઘણી વાર નમ્ર અથવા સાદી પૃષ્ઠભૂમિના હોય છે. CISF કોન્સ્ટેબલ કુલવિંદર કપૂરથલા જિલ્લાના મહિવાલ ગામના એક નાના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમનાં માતા વીર કૌર — જેમની કંગના રનૌતે મજાક ઉડાડી હતી અને તેમને બદનામ કર્યાં હતાં તેવું કુલવિંદરને લાગ્યું હતું  — તે હજુ પણ એક ખેડૂત જ છે.

જોગા પહેલાં, તે પ્રેમદત્ત વર્મા હતા જેમણે ભગતસિંહ અને તેમના સાથીઓ વિરુદ્ધની લાહોર કાવતરાના કેસની સુનાવણી (1929-30) દરમિયાન અદાલતની અંદર ભગતસિંહના સાથીમાંથી તેમના વિરુદ્ધ સાક્ષી આપવા રાજી થઈ ગયેલા જય ગોપાલ પર ચપ્પલ ફેંક્યું હતું. ધ ભગત સિંહ રીડરના લેખક પ્રોફેસર ચમન લાલ કહે છે, “તે કોઈ આયોજિત વ્યૂહરચના નહોતી, અને વર્માનો વિરોધ સ્વયંભૂ હતો. ટ્રાયલ દરમિયાન, તેમના પર અને અન્ય આરોપીઓ પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.”

ફક્ત નામ પૂરતી જ ટ્રાયલ ચલાવીને, ભગતસિંહ અને તેમના બે સાથીઓને 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. (તેમાંથી સૌથી નાની વયના વર્માને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી). તેના બરાબર એક વર્ષ પછી, તેમની શહાદતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, અને ‘દેખો ત્યાંથી ઠાર કરો’ ના અમલમાં મૂકાયેલા આદેશોના સંપૂર્ણ તિરસ્કાર સાથે, 16 વર્ષીય હરકિશન સિંહ સુરજીતે હોશિયારપુરમાં જિલ્લા દરબારની ટોચ પરથી બ્રિટિશ ધ્વજ ખેંચી ઉતારીને ત્રિરંગો ફરકાવ્યો હતો.

સ્થાનિક ઇતિહાસકાર અજમેર સિદ્ધુ પારીને જણાવે છે કે, “બ્રિટિશ ધ્વજ (યુનિયન જેક) ને નીચે પાડવાની હાકલ આમ તો કોંગ્રેસ પાર્ટીએ કરી હતી, પણ પછી તેઓએ આડી અવળી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. સુરજીતે પોતાની રીતે આ કામને અંજામ આપ્યો હતો, ને બાકીનું હવે ઇતિહાસનો ભાગ છે.” ઘણા દાયકાઓ પછી, જૂની યાદો સાથે સુરજિત કદાચ કહેતા, “મેં તે દિવસે જે કર્યું તેના પર મને હજુ પણ ગર્વ છે.” બ્રિટિશ ધ્વજને નીચે પાડી દેવાની ઘટનાના લગભગ છ દાયકા પછી, સુરજીત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના મહાસચિવ બન્યા હતા.

PHOTO • Daily Milap / courtesy Prof. Chaman Lal
PHOTO • Courtesy: Prof Chaman Lal

લાહોર કાવતરાના કેસ પરનું ધ ડેઇલી મિલાપનું 1930નું પોસ્ટર (ડાબે). પ્રેમદત્ત વર્મા (જમણે) , કે જેમણે ભગતસિંહ અને તેમના સાથીઓ વિરુદ્ધની સુનાવણી દરમિયાન અદાલતની અંદર સાથીમાંથી તેમના વિરુદ્ધ સાક્ષી બનનારા જય ગોપાલ પર ચપ્પલ ફેંક્યું હતું

PHOTO • Courtesy: Amarjit Chandan
PHOTO • P. Sainath

ડાબેઃ 1932માં , હરકિશન સિંહ સુરજીત જ્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમણે હોશિયારપુરમાં જિલ્લા દરબાર પર ફરકતો બ્રિટિશ ધ્વજ ફાડી નાખીને તેના બદલે તીરંગો ફરકાવ્યો હતો. ફેબ્રુઆરી 1967માં પંજાબના ફિલ્લૌર વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા પછીની તસવીર. જમણેઃ ક્રાંતિકારી શહીદ ભગત સિંહના ભત્રીજા પ્રો. જગમોહન સિંહ (વાદળી કપડાંમાં) જુગ્ગિયન સાથે રામગઢમાં તેમના ઘરે

1932ની તીરંગાને ઊપર ચઢાવવાની ઘટનાના થોડા વર્ષો પછી, તેમના સાથી ભગતસિંહ જુગ્ગિયને, જે તેમના કરતાં ઘણા નાના હતા, તેમણે 11 વર્ષની ઉંમરે સૌથી જોરદાર વ્યક્તિગત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જુગ્ગિયન ત્રીજા ધોરણના પુરસ્કાર વિજેતા વિદ્યાર્થી હતા, જેમાં તેમણે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ઇનામો આપનાર શિક્ષણ વિભાગના મહાનુભાવે તેમને મંચ પર અભિનંદન આપ્યા અને તેમને ‘બ્રિટનિયા ઝિંદાબાદ, હિટલર મુર્દાબાદ’ ના નારા લગાવવાનું કહ્યું. સમારોહમાં એક યુવાન જુગ્ગિયન પ્રેક્ષકોની સામે આવ્યા અને નારો લગાવ્યો: “બ્રિટનિયા મુર્દાબાદ, હિન્દુસ્તાન ઝિંદાબાદ.”

તેમને માર મારવામાં આવ્યો હતો, બહાર ફેંકી દેવામાં આવ્યા હતા અને તેઓ ક્યારેય શાળામાં પરત ફરી શક્યા ન હતા. પરંતુ તેમના જીવનના છેલ્લા દિવસો સુધી, જુગ્ગિયનને તેમણે જે કર્યું તેના પર તેમને ગર્વ હતો. તમે તેમની વાર્તા અહીં વાંચી શકો છો , જ્યાં જુગ્ગિયને પારીના સ્થાપક-સંપાદક પી. સાઈનાથ સાથે 2022માં 95 વર્ષની વયે તેમના મૃત્યુના માંડ એક વર્ષ પહેલાં વાત કરી હતી.

આ જ લાગણી આ વર્ષે 12 જૂનના રોજ ગુંજી રહી હતી, જ્યારે છ એકર જમીનની માલિકી ધરાવતાં કુલવિંદર કૌરના ભાઈ શેરસિંહ મહિવાલ મોહાલીમાં પોતાની બહેનને મળ્યા બાદ બહાર નીકળ્યા હતા અને મીડિયાને દૃઢપણે કહ્યું હતું કેઃ “ન તો તેમને અને ન તો અમને તેમણે જે કર્યું તેનો અફસોસ છે. તેથી, માફી માંગવાનો પ્રશ્ન પણ ઊભો થતો નથી.”

પંજાબનો તાજેતરનો ભૂતકાળ પણ સમાન પ્રકારના વ્યક્તિગત વિરોધ પ્રદર્શનોથી ઘેરાયેલો છે. ખેડૂતોની આત્મહત્યા, માદક દ્રવ્યોના વ્યસન અને વ્યાપક બેરોજગારીની લહેર વચ્ચે, 2014 પંજાબના કપાસ ઊગાડતા પટ્ટામાં એક ઉથલપાથલ મચાવી દેનારું વર્ષ હતું. એકેય બાજુથી આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું, વિક્રમ સિંહ ધનૌલાએ તેમના ગામથી ખન્ના શહેર સુધી લગભગ 100 કિમીની મુસાફરી કરી હતી, જ્યાં 15 ઓગસ્ટ, 2014ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ તિરંગો ફરકાવવાના હતા.

PHOTO • Courtesy: Vikram Dhanaula
PHOTO • Shraddha Agarwal

વર્ષ 2014માં વિક્રમ સિંહ ધનૌલા (ડાબે) એ બેરોજગાર યુવાનો અને મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતો પ્રત્યે રાજ્યની ઉદાસીનતાનો વિરોધ કરવા માટે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર જૂતા ફેંક્યા હતા. 2021માં પંજાબની મહિલાઓ કૃષિ વિરોધ પ્રદર્શનમાં મોખરે હતી (જમણે)

બાદલે તેમના ભાષણની શરૂઆત જ કરી હતી કે ધનૌલાએ તેમની તરફ જૂતા ફેંક્યા હતા. “હું સરળતાથી તેમના ચહેરા પર પ્રહાર કરી શક્યો હોત, પણ મેં જાણીજોઈને તેને મંચ તરફ ફેંક્યું હતું. હું માત્ર તેમને બેરોજગાર યુવાનો અને નકલી બીજ અને જંતુનાશકોના વેચાણને કારણે આત્મહત્યા કરનારા ખેડૂતોના પડઘા સંભળાવવા માંગતો હતો.”

ધનૌલા, કે જેઓ હજુ પણ બર્નાલા જિલ્લાના ધનૌલા ગામમાં રહે છે, તેમણે 26 દિવસ જેલમાં વિતાવ્યા હતા. શું તેમણે જે કર્યું તેના પર તેમને કોઈ પસ્તાવો છે? તેમણે પારીને કહ્યું હતું કે, “જ્યારે તમને ક્યાંય કોઈ આશાનું કિરણ નજરે ન પડતું હોય, ત્યારે માણસ કુલવિંદર કૌરે જે કર્યું છે અથવા મેં 10 વર્ષ પહેલાં જે કર્યું હતું તેનો આશરો લે છે.” બ્રિટિશ રાજથી માંડીને હાલની ભાજપ સરકારના સમય સુધી, સમય જતાં, વ્યક્તિઓના એકલા અવાજો અસ્તિત્વમાં રહ્યા છે, દરેકનો પોતાનો પડઘો છે, તેઓ તેમની ચાલમાં અડગ છે, ભલેને તેઓએ ગમે તેવા પરિણામો ભોગવવા પડે.

કંગના રનૌતનો પંજાબ સાથેનો સંબંધ 2020માં ફરીથી વ્યાખ્યાયિત થયો, જ્યારે ખેડૂત આંદોલનની ચરમ સિમાએ પર, તેમણે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરતી મહિલાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, જેને કેન્દ્ર સરકારે આખરે 19 નવેમ્બર, 2021ના રોજ રદ કર્યા હતા. કંગનાએ ટ્વિટ કર્યું હતું, “હા હા હા, આ એ જ દાદી છે, જે સૌથી શક્તિશાળી ભારતીય હોવા માટે ટાઇમ મેગેઝિનમાં પ્રકાશિત થઈ હતી. અને તે 100 રૂપિયામાં મળે  છે.”

એવું લાગે છે કે પંજાબના લોકો કંગનાના શબ્દો ભૂલ્યા ન હતા. 6 જૂનના રોજ તેઓ ફરી એક વાર સામે આવ્યા અને ગુંજી ઉઠ્યા, જ્યારે કુલવિંદર કૌરે કહ્યું, “તેમણે [કંગનાએ] નિવેદન આપ્યું હતું કે ખેડૂતો દિલ્હીમાં 100 કે 200 રૂપિયા માટે વિરોધ કરી રહ્યા હતા. તે સમયે, મારી માતા પ્રદર્શનકારીઓનો ભાગ હતી.” વિચિત્ર રીતે, હજી સુધી કોઈએ એવો દાવો નથી કર્યો કે તેણે વાસ્તવિક થપ્પડનું ફૂટેજ જોયું છે જેમાં સાબિત થતું હોય કે કુલવિંદરે કંગનાને લાફો માર્યો છે. પરંતુ જે પણ થયું, તે 6 જૂનથી શરૂ થયું ન હતું.

જુઓ વીડિયોઃ કંગનાના શબ્દો સામે રોશે ભરાયેલા લોકોની પડદા પાછળની વાર્તા

પંજાબમાં જોવા મળેલા મોટાભાગના વ્યક્તિગત, સ્વયંસ્ફુરિત વિરોધ જન સામાન્ય દ્વારા જ કરાયા છે, જેઓ ઘણી વાર નમ્ર અથવા સાદી પૃષ્ઠભૂમિના હોય છે

ચંદીગઢ એરપોર્ટ પર ઘટેલા 6 જૂનના કથિત ‘થપ્પડ વિવાદ’ ના ઘણા સમય પહેલાં, 3 ડિસેમ્બર, 2021ના રોજ, જ્યારે કંગના રનૌત મનાલીથી પરત ફરી રહી હતી, ત્યારે તેમની કાર પંજાબમાં પ્રવેશી તે જ ક્ષણે મહિલા ખેડૂતો દ્વારા તેને રોકવામાં આવી હતી. કંગના પાસે પોતાની ટિપ્પણી માટે માફી માંગવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. આ ચાલી રહેલા સંઘર્ષમાં પણ, કુલવિંદર, તેમના ભાઈ શેર સિંહ મહિવાલ અને તેમના સંબંધીઓ માટે, પારિવારિક પ્રતિષ્ઠા અને ગૌરવના ગંભીર મુદ્દાઓ પણ સામેલ છે.

માહીવાલ પારીને કહે છે, “અમે ઘણી પેઢીઓથી સુરક્ષા દળોની સેવા કરી રહ્યા છીએ. કુલવિંદર પહેલાં, મારા દાદાના પરિવારના પાંચ સભ્યો સેનામાં સેવા આપતા હતા. જેમાં મારા દાદા પણ સામેલ હતા. અને તેમના પાંચમાંથી ત્રણ પુત્રોએ પણ ભારતીય સેનામાં સેવા આપી હતી. તેઓ આ દેશ માટે 1965 અને 1971ના યુદ્ધોમાં લડ્યા હતા. શું તમને હજુ પણ લાગે છે કે અમને કંગના જેવી વ્યક્તિ પાસેથી દેશભક્તિના પ્રમાણપત્રોની જરૂર છે, જે અમને આતંકવાદી કહે છે?”

કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 35 વર્ષીય કુલવિંદર — જેણે અન્ય CISF કોન્સ્ટેબલ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો છે, પાંચ વર્ષનો છોકરો અને નવ વર્ષની છોકરી — પર તેની CISFની નોકરી ગુમાવવાનું જોખમ છે. તેમ છતાં, જેઓ પંજાબને જાણે છે તેઓ નિર્દેશ કરે છે તેમ, તમામ વ્યક્તિગત પ્રદર્શનકારીઓ તેમના કરેલા કૃત્યના પરિણામોનું ભારણ બેજીજક સહન કરી જ લે છે, પરંતુ તેમની વ્યક્તિગત હિંમત ઘણી વાર ઉજ્જવળ આવતીકાલનાં બીજ વાવે છે. છ દાયકા પહેલાં જાગીર સિંહ જોગા સાથે જોડાનારા CPIના ભૂતપૂર્વ ધારાસભ્ય હરદેવ સિંહ અર્શી કહે છે, “જોગા અને કૌર બંને એ વાતનું પ્રતીક છે કે આપણાં સપનાં હજુ પણ જીવંત છે.” અર્શી દાતેવાસ ગામના છે, જે જાગીર સિંહના ગામ જોગાથી લગભગ 25 કિલોમીટર દૂર છે. આ બંને આજના માનસા જિલ્લામાં આવે છે.

જોગા 1954માં પંજાબની વિધાનસભામાં ચૂંટાયા હતા, જ્યારે તેઓ હજુ પણ નાભા જેલમાં હતા. સુરજિત, ભગતસિંહ જુગ્ગિયા અને પ્રેમ દત્તા વર્મા પંજાબની વ્યક્તિગત વિરોધની લાંબી ગાથા અને સંઘર્ષની લોકકથાઓનો ભાગ છે.

આ ઘટના પર બોલતા કુલવિંદરના ભાઈ શેર સિંહ મહિવાલનો વીડિયો જુઓ

તમામ વ્યક્તિગત પ્રદર્શનકારીઓ તેમના કરેલા કૃત્યના પરિણામોનું ભારણ બેજીજક સહન કરી જ લે છે, પરંતુ તેમની વ્યક્તિગત હિંમત ઘણી વાર ઉજ્જવળ આવતીકાલના બીજ વાવે છે

કુલવિંદર કૌરના સમર્થનમાં પંજાબ અને ચંદીગઢમાં રેલીઓ અને શોભાયાત્રાઓ યોજાઈ છે અને હજુ પણ ચાલુ છે. મુદ્દાની વાત એ છે કે, આ લોકોએ થપ્પડની ઉજવણી કરી નથી અથવા તે કરવું યોગ્ય બાબત છે તેવો આગ્રહ પણ નથી કર્યો. અહીંના લોકો તેને એ રીતે જુએ છે કે, તેઓ જે કરી રહ્યાં છે તે પંજાબના ખેડૂતોની ગરિમા અને અખંડિતતાના બચાવમાં એક શક્તિશાળી સેલિબ્રિટી અને સાંસદ સામે ઊભા રહેલા કોન્સ્ટેબલની ઉજવણી માત્ર છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ કુલવિંદરે જે કર્યું તેને પંજાબની વ્યક્તિગત સ્વયંસ્ફુરિત વિરોધની પરંપરાનો એક ભાગ જ માનવામાં આવે છે.

આ સમગ્ર ઘટનાએ રાજ્યભરમાં કવિતાઓ, ગીતો, મીમ્સ અને કાર્ટૂનની ભરમાર મચાવી દીધી છે. આજે પારી એ કવિતાઓમાંથી એકને આ વાર્તા સાથે રજૂ કરે છે. આ કવિતા છે કવિ સ્વરાજવીર સિંહની, જેઓ જાણીતા નાટ્યકાર અને પંજાબી ટ્રિબ્યુનના ભૂતપૂર્વ સંપાદક છે.

કુલવિંદર કૌર સુરક્ષા દળોમાં તેની નોકરી ગુમાવી શકે છે, પણ તેમના સમર્થનમાં પુરસ્કારો, કાનૂની સહાય અને વિરોધનું પૂર જોવા મળ્યું છે. પરંતુ, જોગાની જેમ, પંજાબ વિધાનસભામાં તેમના માટે ઘણી મોટી નોકરી રાહ જોઈ રહી હશે — કારણ કે પાંચ પેટાચૂંટણીઓ નજીક છે. પંજાબમાં ઘણા લોકો આશા રાખી રહ્યા છે કે તે ચૂંટણી લડશે.

PHOTO • PARI Photos

ડાબેઃ આ ઘટના ઘટ્યા બાદ ચંદીગઢ એરપોર્ટ પર કુલવિંદર કૌર. જમણેઃ 9 જૂન, 2024ના રોજ મોહાલીમાં કંગના વિરુદ્ધ અને કુલવિંદરની તરફેણમાં રેલી યોજાઈ હતી

___________________________________________________

કહે ને, મા

સ્વરાજવીર

મા, ઓ મા
કહી દે શું છે તારા હૈયામાં
મારામાં કઈંક જ્વાળામુખીઓ ફાટે
હે ઉછળે છે લાવાની છોળો

કહે, કોણ મારે છે આપણને થપ્પડ રોજેરોજ?
કોણ મચાવે છે શેરીઓમાં ધાંધલ
ને કરે છે રાડારાડ સ્ક્રીન પર?

આપણેતો વેઠીએ શ્રીમંત ને બળવાનોની થપ્પડ
આપણે વંચિતો સહીએ દુઃખ સઘળાં સૃષ્ટિના.
છે જૂઠા વાયદા આ માઈબાપ સરકારના.

પણ ક્યારેક,
હા, કોઈક દુર્લભ સમયે,
કરે છે બળવો એક પીટાયેલી ગરીબ છોકરી,
પ્રચંડ લાગણીઓના તોફાનને દઈ હૈયે
ઉગામે છે એ હાથ એક
એ લલકારે છે પાશવી સત્તાધારીઓને

આ ફટકો,
આ તમાચો એ કોઈ ઘા નથી, મા.
એ તો છે આક્રંદ, એક ચિસ, એક ગર્જના મારા દુખતા હૈયાની.

કોઈ કહે છે સાચું
કોઈ કહે છે ખોટું
અરે કહો શિષ્ટ કે અશિષ્ટ
આ મારું હૈયું છે જે કકળે છે તારા માટે થઈને.

બળવાનો એ ધમકાવ્યા તને તારા લોકોને.
ને આપ્યો પડકાર તને
અને એ જ બળવાનો તો કર્યો છે ફટકાર મારા હૈયા પરે.

તે મારું હૈયું છે, મા,
મારું કકળતું હૈયું,
કહો વિનયી કહો અણઘડ
એ રડે છે, કરે છે આક્રંદ તારા માટે
કોઈ કહેશે ઉચિત
કોઈ કહેશે અનુચિત

પણ મારું તો હૈયું છે, મા.
આ મારું નાનકડું બળવાખોર હૈયું,
ધબકતું તારે માટે થઈને.

(ચરણજીત સોહલના અંગ્રેજી અનુવાદ પરથી)

સ્વરાજવીર નાટ્યકાર, પત્રકાર અને ધ ટ્રિબ્યુન (પંજાબી) ના ભૂતપૂર્વ સંપાદક છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Vishav Bharti

विशव भारती चंडीगढ़ स्थित पत्रकार हैं, जो पिछले दो दशकों से पंजाब के कृषि संकट और प्रतिरोध आंदोलनों को कवर कर रहे हैं.

की अन्य स्टोरी Vishav Bharti
Editor : P. Sainath

पी. साईनाथ, पीपल्स ऑर्काइव ऑफ़ रूरल इंडिया के संस्थापक संपादक हैं. वह दशकों से ग्रामीण भारत की समस्याओं की रिपोर्टिंग करते रहे हैं और उन्होंने ‘एवरीबडी लव्स अ गुड ड्रॉट’ तथा 'द लास्ट हीरोज़: फ़ुट सोल्ज़र्स ऑफ़ इंडियन फ़्रीडम' नामक किताबें भी लिखी हैं.

की अन्य स्टोरी पी. साईनाथ
Illustration : Antara Raman

अंतरा रमन, सामाजिक प्रक्रियाओं और पौराणिक कल्पना में रुचि रखने वाली एक इलस्ट्रेटर और वेबसाइट डिज़ाइनर हैं. उन्होंने बेंगलुरु के सृष्टि इंस्टिट्यूट ऑफ़ आर्ट, डिज़ाइन एंड टेक्नोलॉजी से स्नातक किया है और उनका मानना है कि कहानी और इलस्ट्रेशन की दुनिया सहजीविता पर टिकी है.

की अन्य स्टोरी Antara Raman
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad