નાગી રેડ્ડી તામિલનાડુમાં રહે છે, કન્નડ બોલે છે અને તેલુગુ વાંચે છે. ડિસેમ્બરની એક વહેલી સવારે અમે તેમને મળવા માટે થોડા કિલોમીટર ચાલીને મુસાફરી કરીએ છીએ. તેઓ કહે છે કે તેમનું ઘર “બસ નજીકમાં જ છે.” વાસ્તવમાં, તે છલકાઇ રહેલા તળાવની પેલી બાજુ, મોટા આંબલીના ઝાડની પાછળ, નીલગીરીની ટેકરી ઉપર, કેરીના ઝાડની નીચે, રક્ષા માટે ઊભેલા કૂતરાની બાજુમાં, બૂમો પાડતા ગલુડિયા અને ઢોરઢાંખરના શેડની પાસે હતું.
દેશના કોઈપણ ખેડૂતે વેઠવી પડતી સામાન્ય સમસ્યાઓ અને તકલીફો ઉપરાંત, નાગી રેડ્ડી બીજી એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે - જે એટલી કઠીન છે કે તેઓ તેમનો પાક બદલવાનું વિચારી રહ્યા છે. તેમને ત્રણ ભયજનક પાત્રોએ ઘેરી લીધા છે: મોટ્ટે વાલ, મક્કાના અને ગિરી.
અહીંના ખેડૂતોએ શીખી લીધું છે કે આમને હળવાશથી લેવાય તેમ નથી - અર્થાલંકારિક રીતે પણ અને શાબ્દિક રીતે પણ. અને જ્યારે તેમનું વજન ક્રમશ: ૪,૦૦૦ અને ૫,૦૦૦ કિલોની વચ્ચે હોય ત્યારે તો બિલકુલ નહીં. આ લૂંટારૂ હાથીઓના ચોક્કસ વજન અને ઊંચાઈને નજીકથી માપવામાં સ્થાનિક લોકોનો નિરુત્સાહ સમજી શકાય તેમ છે.
અમે કૃષ્ણગિરી જિલ્લામાં છીએ જે બે રાજ્યો સાથે સરહદ ધરાવે – તામિલનાડુ અને કર્ણાટક. દેંકનિકોટ્ટાઈ તાલુકામાં આવેલું નાગી રેડ્ડીનું ગામ વાડરા પલયમ જંગલો અને હાથીઓથી વધારે દૂર નથી. અને અમે જ્યાં બેઠા છીએ એ સિમેન્ટનો વરંડો તેમના ખેતરોથી થોડાક જ મીટર દૂર છે. આ ૮૬ વર્ષીય ખેડૂત, કે જેઓ અત્યંત પૌષ્ટિક અનાજ એવા રાગી (બાજરી)ની ખેતી કરે છે, તેમને ગામના લોકો નાગન્ના કહીને બોલાવે છે. તેઓ છેલ્લા દાયકાઓમાં ખેતીમાં થયેલા દરેક ફેરફારના સાક્ષી પણ છે – પછી ભલે ને તે સારું હોય, ખરાબ હોય કે જેવું મોટેભાગે હોય છે તેમ ભયંકર હોય.
“જ્યારે હું નાનો હતો, ત્યારે વાવણીની મોસમમાં થોડા દિવસો સુધી જ્યારે રાગીની સુગંધ તેમને આકર્ષિત કરતી ત્યારે આનાઈ (હાથી) આવતા હતા.” હવે? “હવે તેઓ વારેઘડીએ આવે છે, અને હવે તેઓ પાક અને ફળો ખાવા માટે ટેવાઈ ગયા છે.”
નાગન્ના તમિલ ભાષામાં સમજાવે છે, “આના પાછળ બે કારણો હોઈ શકે છે. ૧૯૯૦ પછી આ જંગલમાં હાથીઓની સંખ્યા વધી છે, જ્યારે જંગલના વિસ્તાર અને ગુણવત્તામાં ઘટાડો થયો છે. આથી તેઓ અહીંયાં ખોરાકની શોધમાં આવે છે. અને જેમ આપણે કોઈ સારી હોટેલમાં જઈએ તો આપણા મિત્રોને તેના વિષે કહીએ છીએ, તેમ તેઓ પણ કહે છે,” તેઓ નિસાસો નાખીને હસે છે. તેમની આ વ્યંગાત્મક સરખામણીથી તેઓ ખુશ થાય છે, પણ મને આનાથી આશ્ચર્ય થાય છે.
તેઓ તેમને જંગલમાં પાછા કઈ રીતે મોકલે છે? “અમે કૂચલ [મોટો અવાજ] કરીએ છીએ. અમે બેટરીનું અજવાળું કરીએ છીએ,” તેઓ એલઇડી ટોર્ચ તરફ ઈશારો કરીને કહે છે. તેમના પુત્ર આનંદરામુ, કે જેઓ આનંદા નામથી ઓળખાય છે, વન વિભાગ દ્વારા આપવામાં આવેલી ટોર્ચ શરૂ કરે છે. તે એક તેજસ્વી સફેદ પ્રકાશ વાળી ટોર્ચ છે જેની પહોંચ ઘણી લાંબે સુધી છે. નાગન્ના કહે છે, “પણ ફક્ત બે જ હાથીઓ પાછા જાય છે.”
આનંદા વરંડાના કિનારે જઈને ટોર્ચ તરફ પીઠ કરીને બતાવીને કહે છે, “મોટ્ટે વાલ પાછો ચાલ્યો જાય છે, પોતાની આંખો બચાવે છે અને ખાવાનું ચાલુ રાખે છે. મોટ્ટે વાલ પેટ ન ભરાય ત્યાં સુધી જતો નથી. જાણે કે તે એવું કહી રહ્યો હોય: તમે બત્તી પ્રગટાવવાનું તમારું કામ કરો, અને હું મારું કામ કરીશ – જ્યાં સુધી મારું પેટ ન ભરાય ત્યાં સુધી ખાવાનું.”
તેનું પેટ મોટું હોવાને કારણે મોટ્ટે વાલને જે મળે તે ખાઈ જાય છે. રાગી તેની મનપસંદ વસ્તુ છે. અને ફણસ પણ. જો તે ઊંચી ડાળીઓ સુધી પહોંચી ન શકે, તો તે તેના આગળના પગ ઝાડ પર મુકે છે અને તેની લાંબી સૂંઢનો ઉપયોગ કરીને ઝપટી લે છે. જો ઝાડ એનાથી પણ ઊંચું હોય, તો તે તેને તોડી પાડે છે. અને તેના ફળો ખાઈને ઉજાણી કરે છે. આનંદા ઉમેરે છે, “મોટ્ટે વાલ ૧૦ ફૂટ ઉંચો છે. અને જો તે તેના આગળના બે પગ પર ઊભો રહે ત્યારે તેની ઉંચાઈ ૬ થી ૮ ફૂટ વધી જાય છે.”
નાગન્ના કહે છે, “પણ મોટ્ટે વાલ માણસોને નુકસાન નથી પહોંચાડતો. તે મકાઈ અને કેરીઓ ખાય છે અને ખેતરમાં જે પણ પાક હોય તેને કચડી નાખે છે, અને હાથીઓ જે બાકી રાખે એને વાંદરાઓ અને ભૂંડ પૂરું કરી દે છે.” જો અમે હંમેશા તૈયાર ન રહીએ, તો અમારા માટે દૂધ અને દહીં પણ નહીં વધે, કારણ કે વાંદરાઓ રસોડામાં ધાડ લગાવતા રહે છે.
“જાણે કે આ પૂરતું ન હોય તેમ, જંગલી કૂતરાઓ અમારી મરઘીઓ ખાઈ જાય છે, અને ચિત્તા આવીને અમારા રક્ષક કુતરા ખાઈ જાય છે. ગયા અઠવાડિયે જ [આવું થયેલું]...” તેઓ આંગળીઓ દ્વારા એ મોટી બિલાડીનો રસ્તો બતાવે છે અને હું કંપી ઉઠું છું. આ કંપારી ફક્ત સવારની ઠંડી ના લીધે જ નહીં, પણ આવી અનિશ્ચિતતાઓ વચ્ચે હાંશિયા પર જીવન પસાર કરવાના વિચાર સુદ્ધાં ને લીધે પણ છે.
મેં એમને પૂછ્યું કે તેઓ આનો સામનો કેવી રીતે કરે છે? તો આનંદા સમજાવે છે, “અમે અમારા ઘર માટે જરૂરી છે તેટલી જ રાગી અડધી એકર જમીનમાં ઉગાડીએ છીએ. ૮૦ કિલોની બોરીનો ભાવ ૨,૨૦૦ રૂપિયા છે, તેમાંથી અમને નફો થાય તેમ નથી. આ ઉપરાંત, કમોસમી વરસાદ પણ હોય છે. અને જે કંઈ વધે, એને જાનવરો ખાઈ જાય છે. આથી અમે અમારા ખેતરોમાં નીલગીરીના ઝાડ ઉગાડવાનું શરૂ કર્યું છે. અને આ વિસ્તારના અન્ય લોકોએ રાગીના બદલે ગુલાબની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે.”
હાથીઓ ફૂલોનો બગાડ નથી કરતા. હજુ સુધી તો નથી કરતા...
*****
રાગીના ખેતરની બાજુના ઝૂલા પર હું વાટ જોતી રહી
જ્યાં અમે પોપટનો પીછો કરતા, જ્યારે તે આવ્યો,
તો મેં પૂછ્યું, “સાહેબ! મારા ઝૂલાને થોડો ઝૂલાવો.”
“સારું, છોકરી!” કહીને તેણે હળવેથી ઝૂલો ઝુલાવ્યો;
મારી પકડ ગુમાવવાનો ડોળ કરીને, હું તેની છાતી પર પડી;
તે સાચું હતું એમ સમજીને, તે મને પકડવા દોડ્યો;
હું બેહોશ થઈ ગઈ હોય તેમ સ્થિર પડી રહી
કપિલાર દ્વારા રચિત ‘ કલિત્તોકઈ ’ માંથી લીધેલ સંગમ યુગની આ મનમોહિત પંક્તિઓ ૨,૦૦૦ વર્ષ જૂની છે. સંગમ યુગના સાહિત્યની કવિતાઓના અનુવાદ પ્રકાશિત કરતા બ્લોગ OldTamilPoetry.com ચલાવનાર સેન્થિલ નાથ કહે છે કે આ કવિતામાં રાગીનો સંદર્ભ કંઈ નવાઈની વાત નથી.
સેન્થિલ નાથ કહે છે, “સંગમ યુગની કવિતાઓમાં રાગીના ખેતરોનો પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગ થાય છે. સામાન્ય શોધખોળ કરીએ તો જાણવા મળે છે કે રાગીનો ઉલ્લેખ ૧૨૫ વખત થયો છે, જે ચોખાના ઉલ્લેખ કરતા થોડીક વધારે વખત થયો છે. આથી એ માનવું સાચું રહેશે કે સંગમ યુગ (આશરે ૨૦૦ BCE થી ૨૦૦ CE) ના લોકો માટે રાગી એક મહત્વપૂર્ણ અનાજ હતું. તે જૂથમાં, થીનાઈ (કાંગની) સૌથી વધારે પ્રખ્યાત છે, ત્યારપછી વરાગુ (રાગી કે કોડો બાજરી) જોવા મળે છે.”
કે.ટી.ચાયા તેમના પુસ્તક, ઈન્ડિયન ફૂડઃ અ હિસ્ટોરિકલ કમ્પેનિયનમાં લખે છે કે રાગીનો ઉદ્ભવ ઉત્તર આફ્રિકાના યુગાન્ડા દેશમાં થયેલો છે. ત્યાંથી દક્ષિણ ભારતમાં તે હજારો વર્ષો પહેલા પહોંચી હતી અને કર્નાટકમાં તુંગભદ્રા નદી પર હલુર સાઈટ પાસે (૧૮૦૦ BCEમાં) અને તામિલનાડુમાં પાયમપલ્લી (૧૩૯૦ BCEમાં) તેને પામવામાં આવી હતી. તે નાગન્નાના ઘરથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર છે.
તામિલનાડુ ભારતમાં રાગીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે – જ્યારે પહેલા ક્રમે કર્ણાટક છે. તામિલનાડુમાં આ પાકનું વાર્ષિક ઉત્પાદન ૨.૭૪૫ લાખ મેટ્રિક ટનને સ્પર્શે છે. કૃષ્ણાગિરી જિલ્લો, જ્યાં નાગી રેડ્ડીનું ગામ આવેલું છે, એ એકલો જ રાજ્યની ૪૨% રાગીનું ઉત્પાદન કરે છે.
યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ) રાગીના ઘણા ‘વિશિષ્ટ લક્ષણો’ દર્શાવે છે. તેમાંથી એક છે, રાગીને કઠોળ સાથે વાવીને વધારાની આવક ઊભી કરી શકાય છે. તે ઓછી મહેનત અને રોકાણમાં વાજબી ઉપજ આપી શકે છે અને ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન પર પણ ટકી શકે છે.
તેમ છતાં, રાગીના ઉત્પાદન અને તેની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સીધી રીતે, આની લોકપ્રિયતામાં ઘટાડાની સાથે હરિયાળી ક્રાંતિમાં ચોખા અને ઘઉંની લોકપ્રિયતામાં વધારો નોંધાયો છે – જેઓ જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) દ્વારા તેઓ સરળતાથી ઉપલબ્ધ થવા લાગ્યા.
ભારતભરમાં ખરીફ સિઝનમાં રાગીના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધઘટ જોવા મળી છે, પણ ૨૦૨૧માં તેનું ઉત્પાદન ૨ મિલિયન ટનની નજીક હોવાનું માનવામાં આવે છે. જો કે, વર્ષ ૨૦૨૨ માટેના પ્રથમ અંદાજમાં આ ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું સૂચવવામાં આવે છે. ૨૦૧૦માં આ આંકડો ૧.૮૯ મિલિયન ટન હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨માં આ માટેનો અંદાજ ૧.૫૨ મિલિયન ટન છે.
રાગીના ઉત્પાદન પર કામ કરતી સંસ્થા ધાન ફાઉન્ડેશનના આંકડાઓ મુજબ, “તેમાં રહેલા પોષકતત્વો અને જળવાયું પરિવર્તન સામે તેમની સ્થિતિસ્થાપકતા છતાં, છેલ્લા પાંચ દાયકાઓમાં ભારતમાં રાગીના વપરાશમાં ૪૭% ઘટાડો થયો છે, જ્યારે અન્ય નાની રાગીની જાતોના વપરાશમાં ૮૩% નો ઘટાડો થયો છે.”
પાડોશના કર્ણાટક રાજ્યમાં, કે જે દેશનું સૌથી વધારે રાગીનું ઉત્પાદન કરતું રાજ્ય છે, “ગ્રામીણ પરિવારો દ્વારા રાગીની માથાદીઠ સરેરાશ માસિક વપરાશ ૨૦૦૪-૦૫માં ૧.૮ કિલો હતી એમાંથી ઘટીને ૨૦૧૧-૧૨માં ૧.૨ કિલો થઈ ગઈ છે.”
આ પાક એટલા માટે હજુ સલામત છે કારણ કે કેટલાક સમુદાયો અને ભૌગોલિક વિસ્તારના લોકો રાગી ઉગાડે છે અને ખાય છે. કૃષ્ણગિરી તેમાંનો એક છે.
*****
તમે જેટલી વધારે રાગી ઉગાડશો, તેટલી વધારે ઢોર તમે રાખી શકશો, અને [તેટલી
સારી] અઠવાડિક આવક થશે. ઘાસચારાની અછતના
કારણે લોકોએ પોતાના પશુઓ વેચી દીધા છે.
એક લેખક
અને ખેડૂત ગોપાકુમાર મેનન
મેં આ વિસ્તારમાં અમારા યજમાન નાગન્નના ઘરની મુલાકાત લીધી એની આગલી રાતે ગોપાકુમાર મેનન મને હાથીની એક રોમાંચક વાર્તા કહે છે. ડિસેમ્બરની શરૂઆત છે અને અમે ગોલ્લાપલ્લી ગામમાં તેમના ઘરના ધાબા પર બેઠા છીએ. અમારી આસપાસ, બધું કાળું, ઠંડું અને અત્યંત સુંદર છે. ફક્ત નાનકડા રાતના જીવડાં જ જાગે છે; તેઓ ગાય છે, તેઓ ગણગણાટ કરે છે, અને તેમનો અવાજ એકી સાથે આશ્વાસન પણ આપે છે અને વિચલિત પણ કરે છે.
તેઓ થોડે દૂર આવેલા આંબાના ઝાડ તરફ ઈશારો કરતા કહે છે, “મોટ્ટે વાલ અહીં આવ્યો હતો. તેને કેરીઓ જોઈતી હતી, પણ તે ફળો સુધી પહોંચી ન શક્યો. તેથી તેણે ઝાડ નીચે પાડી દીધું.” હું આજુબાજુ જોઉં છું, તો મને બધું હાથીના આકારનું લાગે છે. ગોપા મને ખાતરી આપતા કહે છે, “ચિંતા ન કરો, જો તે અત્યારે અહીં હોત, તો તમને ખબર પડી જ જાત.”
આગળના એક કલાક સુધી ગોપા મને ઘણી વાર્તાઓ કહે છે. તેઓ મનોવૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર માં નિષ્ણાત, લેખક અને કોર્પોરેટ ફેસિલિટેટર છે. લગભગ ૧૫ વર્ષ પહેલા તેમણે ગોલ્લાપલ્લીમાં થોડી જમીન ખરીદી હતી. તેમણે એવું વિચાર્યું હશે કે તેઓ ખેતી કરશે. એમણે ખેતી કરવાની શરૂ કરી પછી એમને ખબર પડી કે ખેતી કરવી કેટલી અઘરી છે. તેઓ હવે તેમના બે એકરના ખેતરમાં લીંબુના ઝાડ અને ઘોડાના ચણા જ ઉગાવે છે. પૂર્ણ સમયના ખેડૂતો, કે જેમની આવકનો આધાર ફક્ત ખેતી જ છે, તેમને તો વધારે તકલીફો વેઠવી પડે છે. તેઓ કહે છે કે પ્રતિકૂળ નીતિ નિયમો, જળવાયું પરિવર્તન, વેચાણની ઓછી કિંમત, અને માનવ-પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષના કારણે પરંપરાગત રાગીનો પાક લુપ્ત થઇ જવા આવ્યો છે.
ગોપા કહે છે, “રાગીનો પાક સરકાર દ્વારા પસાર કરેલા અને પછી રદ કરેલા કૃષિ કાયદાઓ કાર્યરત ન રહ્યા હોત તેનું એક ઉદાહરણ છે. કાયદામાં જોગવાઈ હતી કે તમે કોઈને પણ તમારી ઊપજ વેચી શકો છો. ઉદાહરણ તરીકે તામિલનાડુ લો. જો આવું હોત, તો ખેડૂતો વધારે રાગી ઉગાડતા હોત ને? તો પછી તેઓ તેની કર્નાટકમાં દાણચોરી કેમ કરતા, જ્યાં ક્વિન્ટલ દીઠ લઘુતમ ટેકાનો ભાવ ૩,૩૭૭ રૂપિયા છે? [આનંદા કહે છે કે તેમને તામિલનાડુમાં આનો ઘણો ઓછો ભાવ મળે છે.]”
આનાથી સાબિત થાય છે કે તામિલનાડુના આ ભાગમાં લોકો ટેકાનો ભાવ મેળવી શકતા નથી. તેથી જ, ગોપા મેનન કહે છે તેમ, કેટલાક તેની સરહદ પારથી દાણચોરી કરે છે.
આનંદા કહે છે કે, અત્યારે તામિલનાડુના હોસુર જિલ્લામાં, “ઊંચી ગુણવત્તા વાળી ૮૦ કિલો રાગીની બોરીની કિંમત ૨,૨૦૦ રૂપિયા છે, અને ઊતરતી કક્ષાની રાગીની કિંમત ૨,૦૦૦ રૂપિયા. જેનો અર્થ થાય છે ૨૫ રૂપિયા અને ૨૭ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચેનો ભાવ.”
આ તે કિંમત છે જે કમિશન એજન્ટ તેમને તેમના ઘરઆંગણેથી ખરીદીને ચૂકવે છે. તે માણસ જ્યારે આને વેચશે ત્યારે તેનો નફો ઉમેરશે – આનંદાના અંદાજ મુજબ તેમનો નફો થેલી દીઠ લગભગ ૨૦૦ રૂપિયા હોય છે. જો ખેડૂતો રાગી સીધી મંડીમાં જ વેચે, તો તેમને ઊંચી ગુણવત્તા વાળી રાગી (ની ૮૦ કિલોની એક બોરી માટે) ૨,૩૫૦ રૂપિયા મળી શકે છે. પણ આનંદાને આમાં કોઈ ફાયદો નથી દેખાતો. તેઓ કહે છે, “મારે ટેમ્પોમાં ચડાવવાનું ભાડું, ટેમ્પોનું ભાડું, અને મંડીનું કમિશન આપવું જ પડશે.”
કર્ણાટકમાં તામિલનાડુ કરતાં ખેડૂતોને એમએસપીનો સારો ફાયદો મળે છે. તેમ છતાં, ખરીદીમાં થતા વિલંબને કારણે કેટલાક ખેડૂતો ટેકાના ભાવથી ૩૫% ઓછા ભાવે વેચાણ કરી રહ્યા છે.
ગોપા મેનન કહે છે, “દરેક જગ્યાએ યોગ્ય એમએસપી લાગુ કરો. જો તમે ૩૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદો છો, તો લોકો તેને ઉગાડશે. જો તમે આવું નહીં કરો, તો આ વિસ્તારમાં લોકો જે ફૂલો, ટામેટા અને ફ્રેન્ચ બીન્સ (એક જાતની શાકની શિંગ) ઉગાડી રહ્યા છે, તે કાયમી બની જશે.”
એક આધેડ વયના નાના ખેડૂત સીનપ્પા ગામમાં તેમના પાડોશી છે, જેઓ હવે વધુ ટામેટાં ઉગાડવા માંગે છે. સીનપ્પા કહે છે કે “તે એક લોટરી છે. દરેક ખેડૂત એક એવા ખેડૂતથી પ્રભાવિત છે જેણે ટામેટાં ઉગાડીને ૩ લાખ નફો કર્યો હતો. પરંતુ આમાં રોકાણ ખર્ચ ખૂબ વધારે છે. અને ભાવની વધઘટ અવિશ્વસનીય છે. તેનો ભાવ ૧ કિલોનો ૧ રૂપિયો પણ થઇ જાય છે અને ૧ કિલોના ૧૨૦ રૂપિયા પણ.”
જો સીનપ્પાને સારી કિંમત મળે, તો તેઓ ટામેટાં ઉગાડવાનું બંધ કરીને રાગીની ખેતી કરશે. “તમે જેટલી વધારે રાગી ઉગાડશો, તેટલી વધારે ઢોર તમે રાખી શકશો, અને [તેટલી સારી] અઠવાડિક આવક થશે. ઘાસચારાની અછતના કારણે લોકોએ પોતાના પશુઓ વેચી દીધા છે.”
ગોપા મેનન મને કહે છે કે રાગી અહીંના તમામ લોકોનો મુખ્ય આહાર છે. તમે રાગી ત્યારે જ વેચો છો, જ્યારે તમારે પૈસાની જરૂર હોય. તેને બે વર્ષ સુધી સંગ્રહિત કરી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ફરીથી ઉગાડી શકાય છે કે અને તેને ખાઈ શકાય છે. અન્ય પાકો આટલું લાંબુ સંગ્રહિત કરી શકાતા નથી. એમાં કાં તો તમને જેકપોટ મળશે, કાં તો તમને મસમોટું નુકસાન જશે.”
આ વિસ્તારમાં સંઘર્ષો ઘણા છે અને તે જટિલ પણ છે. ગોપા મેનન કહે છે, “અહીં ઉગાડવામાં આવતા ફૂલો મુખ્યત્વે ચેન્નાઈના બજારમાં જાય છે. એક વાહન ખેતરના દરવાજે આવે છે અને તમને તમારું પેમેન્ટ મળી જાય છે. જ્યારે રાગી કે જે પાકોમાં સૌથી મૂલ્યવાન છે, તેમાં કોઈ ખાતરી નથી. અને તમે મૂળ જાતિ વાવો, સંકર જાતિ વાવો કે પછી કાર્બનિક વાવો, બધાની કિંમત સરખી જ મળે છે.”
ગોપા કહે છે, “સમૃદ્ધ ખેડૂતોએ ઇલેક્ટ્રિક વાડ અને દિવાલો મૂકી છે અને આથી હાથીઓ ગરીબ ખેડૂતોના ખેતરો તરફ વળ્યા છે. સમૃદ્ધ ખેડૂતો બીજા પાક ઉગાડી રહ્યા છે, અને ગરીબ ખેડૂતો રાગી ઉગાડી રહ્યા છે. અને તેમ છતાં અહીંના ખેડૂતો હાથીઓ પ્રત્યે ખુબજ સહનશીલ છે. તેમનો મુદ્દો એ છે કે હાથીઓ જેટલું ખાય છે એ તેમના નુકસાનના દસમા ભાગનું જ છે. મેં મોટ્ટે વાલને ૨૫ ફૂટ દૂરથી જોયો છે.” અને ગોપા ફરી પાછા હાથીઓની રોચક વાર્તાઓ માંડે છે. “લોકોની જેમ, મોટ્ટે વાલ પણ એક કરતાં વધુ રાજ્યોનો રહેવાસી છે. તે તમિલનો રહેવાસી છે. અને માનદ કન્નડીગા પણ છે. મક્કાના તેનો નાયબ છે. તે મક્કાનાને આ ઇલેક્ટ્રિક વાડ કેવી રીતે પાર કરવી તે બતાવે છે.”
હવે એવું લાગવા લાગે છે કે જાણે મોટ્ટે વાલ ધાબાની બાજુમાં છે, અને અમારી વાતો સાંભળી રહ્યો છે. હું ચિંતામાં હસીને કહું છું કે હું હોસુર જઈને ગાડીમાં સૂઈ જઈશ. અને ગોપા હસી પડે છે. તેઓ અભિનય સાથે કહે છે, “મોટ્ટે વાલ ખુબ મોટો... મહાકાય છે, પણ તે સારો છે.” હું પ્રાર્થના કરું છું કે મારે તેને, કે અન્ય કોઈ પણ હાથીને મળવું ના પડે, પરંતુ દેવતાઓની અલગ યોજનાઓ છે...
*****
રાગીની મૂળ દેશી જાતિની ઉપજ
ઓછી હતી, પરંતુ તેમાં સ્વાદ અને પોષકતત્વો વધારે હતા.
કૃષ્ણગિરીમાં
રાગીના ખેડૂત, નાગી રેડ્ડી.
જ્યારે નાગન્ના યુવાન હતા, ત્યારે રાગી તેમની છાતી જેટલી ઊંચી ઉગતી હતી. તેઓ એક ઊંચા અને પાતળા માણસ છે – ૫ ફૂટ અને ૧૦ ઇંચના. તેઓ ધોતી અને ખમીસ પહેરે છે, અને તેમના ખભા પર ટુવાલ લપેટાયેલો રહે છે. તેઓ ઘણીવાર તેમની સાથે લાકડી પણ રાખે છે, અને જ્યારે તેઓ સામાજિક મુલાકાતો માટે જાય, ત્યારે દાગ વગરનો એકદમ સફેદ શર્ટ પહેરે છે.
તેઓ તેમના વરંડામાં બેસીને ગામ, ઘર, અને આંગણા તરફ નજર કરીને કહે છે, “મને રાગીની પાંચ જાતો યાદ છે. મૂળ નાટ (દેશી) જાતિમાં ફક્ત ચાર કે પાંચ જ ડાળ થતી. તેની ઉપજ ઓછી હતી, પરંતુ તેમાં સ્વાદ અને પોષકતત્વો વધારે હતા.”
તેઓ યાદ કરીને કહે છે કે વર્ણસંકર જાતિઓ ૧૯૮૦માં પહેલી વાર જોવા મળી હતી. તેમના નામ એમઆર, એચઆર જેવા હતા અને તેમાં ડાળીઓ વધારે થતી હતી. ઉપજમાં વધારો નોંધાયો – ૮૦ કિલોની પાંચ બોરીઓમાંથી વધીને સીધો ૧૮ બોરીઓ જેટલું. પરંતુ ઉપજમાં વધારો ખેડૂતોને ઉત્સાહિત કરે તે જરૂરી નથી, કારણ કે ભાવ એટલા વધારે નથી કે જેથી તેઓ મોટા પાયે તેની ખેતી કરી શકે.
નાગન્નાએ ૧૨ વર્ષની ઉંમરે ખેતી કરવાની શરૂઆત કરી દીધી હતી, અને તેમણે છેલ્લા ૭૪ વર્ષમાં ઘણા પાક ઉગાડ્યા છે. “અમારે જેની જરૂરિયાત હતી એ બધું અમારો પરિવાર ઉગાડતો હતો. અમે અમારા ખેતરોમાં શેરડી ઉગાડીને તેમાંથી ગોળ બનાવતા હતા. અમે તલ ઉગાડ્યા અને તેના બીજને લાકડાની ઘાણીમાં પિસીને તેલ કાઢ્યું. રાગી, ચોખા, ઘોડાના ચણા, મરચાં, લસણ, ડુંગળી... અમે બધું ઉગાડતા હતા.”
ખેતર તેમની શાળા હતી. ઔપચારિક શાળા દૂર હતી અને સુલભ પણ નહોતી. તે પરિવારના ઢોરઢાંખરનું પણ ધ્યાન રાખતા હતા, જેમાં ગાયો-ભેંશો અને બકરીઓનો સમાવેશ થતો હતો. તે એક વ્યસ્ત જીવન હતું. અને એમાં બધા માટે કામ હતું.
નાગન્નાનો સંયુક્ત પરિવાર મોટો હતો. તેમના પરિવારમાં – તેઓ ૪૫ સભ્યો સુધી ગણે છે – બધા સભ્યો તેમના દાદાએ બનાવેલા મોટા મકાનમાં રહેતા હતા. તે મકાન ગલીની પેલે પાર છે, તે ૧૦૦ વર્ષ જૂની ઇમારત છે જેમાં ઢોરઢાંખર માટે એક શેડ અને જૂની બળદગાડી છે, અને વાર્ષિક રાગીના પાકનો સંગ્રહ કરવા માટે વરંડામાં અનાજનું કોઠાર બનાવવામાં આવેલું છે.
જ્યારે તેઓ ૧૫ વર્ષના હતા, ત્યારે નાગન્નાના પરિવારે તેમના ઘણા સભ્યો વચ્ચે મિલકતના ભાગ પાડ્યા હતા. તેમને જમીનના હિસ્સા ઉપરાંત શેડ પણ મળ્યો હતો, જે એ વખતે ગૌશાળા હતી. અને તેને સાફ કરીને ઘર બનાવવાની જવાબદારી તેમની હતી. “એ વખતે, સિમેન્ટની એક થેલીની કિંમત ૮ રૂપિયા હતી – [જે એ વખતે] ખૂબ જ મોટી રકમ હતી. અમે આ ઘર બનાવવા માટે એક કડિયા સાથે ૧,૦૦૦ રૂપિયામાં ઓપંડમ [કરાર] કર્યો હતો.”
પણ તેને પૂરું થતા વર્ષો લાગી ગયા. એક બકરી અને ગોળના ૧૦૦ બાંધા વેચીને દિવાલ બનાવવા માટે અમે કેટલીક ઇંટો ખરીદી. સામાન માટુ વંડી (બળદ ગાડા) માં આવ્યો. તે સમયે પૈસાની તંગી હતી. રાગીની એક પડીના ફક્ત ૮ આના જ મળ્યા હતા. (પડી આ રાજ્યમાં પરંપરાગત માપ છે, ૬૦ પડી એટલે ૧૦૦ કિલો.)
તેમના લગ્નના થોડા વર્ષો પહેલા ૧૯૭૦માં - નાગન્ના છેલ્લે તેમના ઘેર રહેવા ગયા. તેમણે તેમાં કોઈ આધુનિક સ્પર્શ ઉમેર્યો નથી. તેઓ કહે છે, “અહીં અને ત્યાં થોડોક [સુધારો કર્યો છે].” તેમના પૌત્રે તેનું કામ કર્યું છે. તેણે એક તીક્ષ્ણ સાધન વડે, પેરાઈ (તેલનો દીવો રાખવાની જગ્યા) પર પોતાનું નામ કોતર્યું છે અને તેના પર તેની પસંદગીનો હોદ્દો લખ્યો છે: “દિનેશ ડોન છે.” અમે તે સવારે તે ૧૩ વર્ષના બાળકને જોયો હતો, તે તેની શાળાના રસ્તે ચાલતો હતો – જો કે તે ડોન કરતાં વધારે સારો છોકરો દેખાતો હતો – તે અમારું અભિવાદન કરીને ભાગી ગયો.
ડોન બનાવની મહેચ્છા રાખનાર આ છોકરાની માતા પ્રભા અમને ચા પીરસે છે. નાગન્ના તેમને ઘોડાના ચણા લાવવાનું કહે છે. તેઓ તેને ટીનના ડબ્બામાં લાવે છે, અને જ્યારે તેઓ તેને હલાવે છે ત્યારે તેમાંથી એક પ્રકારના સંગીત જેવો અવાજ આવે છે. તેઓ સમજાવે છે કે તેને કોઝામ્બુ (ગ્રેવી) માં કેવી રીતે રાંધવામાં આવે છે. તેઓ કહે છે, તેને કાચું ખાવું પણ, “પર્વઇલ્લઈ [ચાલે].” તે આપણા બધાની પાસે હોય છે. તે સખત, ચટપટા અને સ્વાદિષ્ટ હોય છે. નાગન્ના કહે છે, “તેને શેક્યા અને મીઠું ચડાવ્યા પછી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે.” અમને તેના પર જરા પણ શંકા નથી.
હું તેમને પૂછું છું કે ખેતીમાં શું બદલાવ આવ્યો છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે, “બધું જ. કેટલાક ફેરફારો સારા છે, પરંતુ લોકો,” તેઓ માથું હલાવીને કહે છે, “હવે કામ કરવા નથી માગતા.” ૮૬ વર્ષની ઉંમરે, તેઓ હજી પણ દરરોજ ખેતરમાં જાય છે અને રોજીંદી નડતી સમસ્યાઓની સ્પષ્ટ સમજણ ધરાવે છે. તેઓ કહે છે, “હવે, તમારી પાસે જમીન હોવા છતાંય, તમને મજૂરો મળતા નથી.”
આનંદા કહે છે, “લોકો તમને કહેશે કે રાગીની કાપણી માટે મશીનો ઉપલબ્ધ છે, પરંતુ મશીન ડાળીઓ વચ્ચે ભેદ કરી શકતું નથી. એક જ ક્ધીર [સાંઠા] પર એક ડાળી પાકેલી હોય, તો બીજી સૂકી કે દૂધ વાળી હોઈ શકે છે. મશીન તે બધાને એકસાથે ફાડી નાખશે. જ્યારે તેને પેક કરવામાં આવે છે, ત્યારે તે નકામા થઈ જાય છે અને તેમાંથી ગંધ આવવા લાગશે.” હાથ વડે કામ કરવામાં મજૂરી વધારે પહોંચે છે, “પણ તેને લાંબા સમય સંગ્રહિત કરી શકાય છે.”
શિવ કુમારનના ભાડા પર લીધેલા રાગીના ખેતરમાં પંદર મહિલાઓ હાથથી કાપણી કરી રહી હતી. બગલની નીચે દાતરડું રાખીને, અને ‘સુપરડ્રાય ઈન્ટરનેશનલ’ શબ્દો અંકિત કરેલી ટી-શર્ટ પર ટુવાલ લપેટીને, શિવ રાગી વિષે જુસ્સાથી વાત કરે છે.
ગોલ્લાપલ્લીની બહાર, તેમના ખેતરમાં અગાઉના અઠવાડિયામાં ઘણો વરસાદ અને પવન જોવા મળ્યો હતો. ૨૫ વર્ષીય શિવા એક ઉત્સુક ખેડૂત છે, અને મને ભીના દિવસો અને ઉપજના ખરાબ નુકસાન વિષે વાત કરે છે. સાંઠા જુદી જુદી દિશામાં પડેલા હતા, અને સ્ત્રીઓ ત્યાં બેસીને રાગીને દાતરડાથી વાઢતી હતી અને બંડલમાં બાંધતી હતી. તેઓ કહે છે, ઉપજમાં ઘટાડો થયો છે, જ્યારે કે લણણી માટે સ્ત્રીઓની મજૂરીના કલાકો એકથી વધીને બે દિવસ થઇ ગયા છે. જો કે, જમીનનું ભાડું અકબંધ છે.
“આ બે એકરથી નાના ખેતર માટે, મારે રાગીની સાત બોરી ચુકવણી પેટે આપવી પડે છે. બાકીની ૧૨ કે ૧૩ બોરીઓ હું મારી પાસે રાખી શકું છું કે પછી તેને વેચી શકું છું. પણ કર્નાટક રાજ્ય જેટલી કિંમત મળે તો જ તમને નફો થાય. અમને તામિલનાડુમાં કિલોના ૩૫ રૂપિયા ભાવ જોઈએ છે. તેને લખી લો,” તેઓ મને કહે છે. પછી હું નોંધ કરું છું...
તેમના આંગણમાં, નાગન્ના મને જૂનો ઘૂમતો પથ્થર [ઘંટી] બતાવે છે. તે એક વિશાળ નળાકાર સાધન છે, જેને ખાસ કરીને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલી જમીન પર ફેલાવવામાં આવેલી લણણી કરેલી રાગી પિસવાના કામમાં લેવામાં આવે છે. ધીમે ધીમે, પરંતુ કાર્યક્ષમતાથી, ઘંટીમાં રાગી પિસાઈ ગઈ. [તેમાંથી] રાગી અને સાઠા અલગથી એકઠા કરવામાં આવ્યા. પછી રાગીને પિસીને ઘર આગળના ખાડાઓમાં સંગ્રહિત કરવામાં આવશે. પહેલાનાં સમયમાં, તેને શણની કોથળીઓમાં ભરવામાં આવતી હતી, અને હવે તેને સફેદ પ્લાસ્ટિકની થેલીઓમાં.
નાગન્ના અમને આમંત્રણ આપતા કહે છે, “હવે અંદર આવો. જમો.” અને રસોડામાં કેટલીક વાર્તાઓ સાંભળવાની આશા સાથે, હું આતુરતાથી પ્રભાની પાછળ જાઉં છું.
*****
કબૂતરના
ઈંડા જેવા રાગીના દાણા
વરસાદના
પાણીથી ખેતરમાં ઉગેલા
દૂધમાં બનાવેલા
અને મધ સાથે મેળવેલા
આગ ઉપર
રાંધેલું સસલાનું માંસ
હું મારા
સગા વહાલા સાથે બેસીને ખાઉં છું
અલાસુર
કિઝ્હાર દ્વારા રચિત સંગમ કવિતા ‘પુરાનાનોરું
૩૪’
અનુવાદ: સેન્થિલ
નાથ
કેલ્શિયમ અને આયર્નની વધારે માત્રા ધરાવતું, સત્ત્વ (ચીકાશ) રહિત, અને લાંબા સમય સંગ્રહિત કરી શકાય તેવું - બે વર્ષ સુધી - રાગી એક સ્વાસ્થ્યપ્રદ અનાજ છે. ૨,૦૦૦ વર્ષ પહેલાં પણ, તમિલ વાસીઓમાં માંસ, દૂધ અને મધ સાથે રાગીની એક રસપ્રદ રેસીપી પ્રચલિત હતી. આજે, રાગીને મુખ્ય ભોજન તરીકે રાંધવા અને ખાવામાં આવે છે, નાસ્તા તરીકે બનાવવામાં આવે છે, અને બાળકોને ખવડાવવામાં આવે છે. તામિલનાડુના ઘણા પ્રદેશોમાં પોતાની આગવી રેસીપી જોવા મળે છે. કૃષ્ણગિરીમાં, તે રાગી મુડ્ડ (દડો) છે, જેને કાલી પણ કહેવાય છે, જેવું કે પ્રભા કહે છે.
અમે તેમના રસોડામાં છીએ, જ્યાં સિમેન્ટના પ્લેટફોર્મ પર સ્ટીલનો ચૂલો મુકેલો છે. તેઓ એલ્યુમિનિયમની કડાઈમાં પાણી રેડે છે. અને તેઓ એક હાથમાં નાની લાકડી અને બીજા હાથમાં રાગીનો લોટ લઈને રાહ જુએ છે.
હું વાતચીતની શરૂઆત કરવા માટે પૂછું છું, “શું તેઓ તમિલ બોલી શકે છે?” સલવાર કમીઝમાં સજ્જ, થોડાક ઘરેણાં અને મરક મરક સ્મિત પહેરીને તેઓ હકારમાં માથું ધુણાવે છે. પરંતુ તેઓ ભાષા સમજે છે, અને થોડી તમિલ શબ્દો વાળી કન્નડમાં ભાષામાં અટકી અટકીને જવાબ આપે છે. “હું છેલ્લા ૧૬ વર્ષથી આ બનાવી રહી છું.” તેઓ ૧૫ વર્ષના હતા ત્યારથી.
જ્યારે પાણી ઉકળવા લાગે છે, ત્યારે તેમનો અનુભવ જાહેર થાય છે. તેઓ તેમાં રાગીના લોટનો એક મોટો કપ ઉમેરે છે. તે ભૂખરા રંગના રગડામાં ફેરવાય છે. સાણસી વડે તપેલીને પકડીને, તેઓ લાકડી વડે મિશ્રણને ઝડપથી હલાવે છે. તે કઠીન કામ છે – જેમાં કૌશલ્ય અને તાકાતની જરૂર પડે છે. રાગીને રાંધવામાં થોડી વાર લાગે છે, ગૂંદેલો લોટ દડાની જેમ લાકડીની આસપાસ ફરે છે.
તેઓ આ કામ કરી રહ્યા છે ત્યારે હું ચિંતન કરી રહી છું કે અહીંની મહિલાઓ કદાચ હજારો વર્ષોથી આ કામ કરી રહી છે.
નાગન્ના સમજાવે છે, “જ્યારે હું નાનો હતો, ત્યારે આ લાકડું સળગાવીને તેના પર માટીનું વાસણ મુકીને બનાવવામાં આવતું હતું.” તેઓ કહે છે કે, સ્વાદ ખૂબ સારો હતો. આનંદા કહે છે કે તેનું કારણ તે સમયે ખવાતી દેશી જાતિના લીધે હતું. તેઓ દેશી જાતિની સુગંધનું વર્ણન કરતા કહે છે, “તેની સુગંધ તમને ઘરની બહાર પણ આવતી. ગમ ગમ વાસનઈ. સંકર જાતિની સુગંધ તો, બાજુના ઓરડામાં પણ નથી આવતી!”
કદાચ તેમના સાસરીયાવાળા હાજર હોવાથી પ્રભા બહુ ઓછી વાત કરે છે. તેઓ કડાઈને રસોડાના એક ખૂણામાં ચોરસ ગ્રેનાઈટ પથ્થર પર લઈ જાય છે અને તેના પર બાફવા મુકેલા રાગીના ગૂંદેલા લોટને મુકે છે. તેમની હથેળીની મદદથી, તેઓ ચપળતાપૂર્વક ગરમ ગૂંદેલા લોટને ગોળાકારમાં ફેરવી છે. પોતાના હાથને ભીંજવવા માટે તેઓ તેને પાણીમાં ડુબાડે છે, પછી તેઓ રાગીનો મોટો ટુકડો બનાવે છે અને તેને તેમની હથેળી અને પથ્થરની વચ્ચે રાખીને એક દડા જેવો આકાર આપે છે.
જ્યારે તેઓ આ રીતે થોડા દડા બનાવી લે છે, ત્યારે અમને સ્ટીલની પ્લેટ પર અમારું ભોજન પીરસવામાં આવે છે. મારી રાગીના મુદ્દે ના નાના-નાના ટુકડા કરીને ઘોડાના ચણાની ગ્રેવીમાં બોળીને નાગન્ના કહે છે, “અહીં, તેને આ રીતે ખાઓ.” પ્રભા કપમાં તળેલા શાકભાજી લાવે છે. તે એક સ્વાદિષ્ટ ભોજન છે અને તેનાથી આપણને કલાકો સુધી ભૂખ લાગતી નથી.
કૃષ્ણગિરી જિલ્લામાં આવેલા નજીકના બારગુરમાં, લિંગાયત સમુદાયો દ્વારા રાગીની રોટલી બનાવવામાં આવે છે. લાંબા સમય પહેલાની મુલાકાત દરમિયાન, ખેડૂત પાર્વતી સિદ્ધૈયાએ મારા માટે તેને એક ખરબચડા આઉટડોર ચૂલામાં રાંધ્યું હતું. જાડી અને સ્વાદિષ્ટ રોટલીઓ ઘણા દિવસો સુધી ચાલી હતી. અને જ્યારે તેઓ ઢોરઢાંખરને ચરાવવા માટે જંગલમાં લઈને જાય ત્યારે પરિવારના પશુપાલકો માટે તે મુખ્ય ભોજન હતું.
ચેન્નઈ સ્થિત ખાધ ઇતિહાસકાર, વિશેષજ્ઞ અને ટીવી શો ના હોસ્ટ રાકેશ રઘુનાથન, એક વારસાગત પારિવારિક રેસીપીનું વર્ણન કરે છે: રાગી વેલ્લા અડઇ. રાગી પાવડર, ગોળ, નારિયેળનું દૂધ અને એક ચપટી ઈલાયચી અને સૂકા આદુના પાવડરથી બનતી આ વાનગી મીઠી પેનકેક કહેવાય છે. “મારી માતાના દાદીએ તેમને આ અડઇ શીખવાડી હતી. તે તંજાવુર પ્રદેશમાં બનાવવામાં આવતી હતી, અને તે પરંપરાગત રીતે કર્તિગઈ દીપમ [પ્રકાશનો પરંપરાગત તહેવાર] ના દિવસે ઉપવાસ તોડવા માટે ખાવામાં આવતું હતું.” થોડું ઘી નાખીને બનાવેલ આ મોટા પેનકેક્સ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે, જે ઉપવાસ પછી ખાવા માટે એક આદર્શ ભોજન છે.
પુદુકોટ્ટઈ જિલ્લાના ચિન્ના વીરમંગલમ ગામમાં, વિલેજ કુકિંગ ચેનલના પ્રખ્યાત રસોઇયાઓ રાગીથી બનતું વ્યંજન કરુવાડુ (સૂકી માછલી) ખાઈ રહ્યા છે. તેમની યુટ્યુબ ચેનલની ખાસિયત છે પરંપરાગત વાનગીઓને પુનર્જીવિત કરવાની છે. ચેનલના સહ-સ્થાપક, ૩૩ વર્ષીય સુબ્રમણ્યમ એક ટેલિફોન ઇન્ટરવ્યુમાં કહે છે, “હું સાત કે આઠ વર્ષનો હતો ત્યારે રાગીને ખુબ રાંધવામાં આવતી અને ખાવામાં આવતી. પછી તે લુપ્ત થઈ ગઈ, અને ચોખાનો વ્યાપ ધીમે ધીમે વધવા લાગ્યો.”
ચેનલના કૂલ ૧૫ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હોવાથી એ નવાઈની વાત નથી કે તેમની ચેનલ પર ૨ વર્ષ પહેલા મુકેલો રાગીને ગ્રેનાઈટ પથ્થરથી પીસવાથી લઈને તેને ખજૂરનાં પાનનાં કપમાંથી ખાવા સુધીનાં દરેક પ્રક્રિયા દર્શાવતો વિડીઓ લગભગ ૮ મિલિયન લોકોએ જોયો છે.
તેમાં સૌથી રસપ્રદ ભાગ રાગી મુદ્દે રાંધવાનો છે. સુબ્રમણ્યમના ૭૫ વર્ષીય દાદા પેરિયાતામ્બી, મુઠ્ઠીભર રાંધેલા ચોખા સાથે પીસેલી રાગી ભેળવીને, તેના દડા બનાવીને તેને ચોખાના પાણીમાં નાખવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે. આ ક્ષારયુક્ત મિશ્રણને સૂકી માછલી સાથે ખાવામાં આવે છે, જેને લાકડાની આગ પર ધીમા તાપે શેકવામાં આવે છે, જ્યાં સુધી તેની ચામડી શેકાઈને ખાવાલાયક ન થઇ જાય. તેઓ કહે છે, “સામાન્યપણે રોજબરોજના ભોજનને લીલાં મરચાં અને ડુંગળી સાથે ખાવામાં આવે છે.”
સુબ્રમણ્યમ ચોખાની દેશી જાતો અને રાગીના પોષક ગુણધર્મો વિષે જુસ્સાપૂર્વક વાત કરે છે. ૨૦૨૧ની તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી જ્યારે તામિલનાડુની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ સુબ્રમણ્યમ, તેમના ભાઈઓ અને તેમના પિતરાઈઓથી પ્રભાવિત થયા હતા. અને તેમની ચેનલ દરેક વિડીઓ સાથે અદૃશ્ય થવાની અણી પર હોય તેવી વાનગીઓને ઉજાગર કરે છે કે પછી તેમને પુનઃજીવિત કરે છે.
*****
જે ખેડૂતો
કેમિકલનો છંટકાવ કરતા રહે છે તેઓ જાણે કે તેમનો નફો હોસ્પિટલોને દાનમાં આપે છે.
કૃષ્ણગિરીમાં
રાગીના ખેડૂત આનંદરામુ
નાગન્નાના ગામની આસપાસના ખેતરોમાંથી રાગી ઓછી થવા પાછળ ત્રણ પરિબળો છે: અર્થશાસ્ત્ર, હાથી, અને તાજેતરનું અને વધુ ચિંતાજનક: જળવાયું પરિવર્તન. પહેલું પરિબળ આખા તામિલનાડુ રાજય માટે સાચું છે. રાગીના એક એકર માટે રોકાણ ખર્ચ ૧૬,૦૦૦ થી ૧૮,૦૦૦ જેટલો છે. આનંદા સમજાવે છે કે, “લણણીની મોસમ દરમિયાન જો વરસાદ પડે કે પછી હાથીઓની ધાડ પડે, તો બધા લોકો મજૂરોની શોધમાં હોય છે, અને તેનાથી ૨,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ વધી જાય છે.”
આનંદા કહે છે, “તામિલનાડુમાં રાગીની ૮૦ કિલોની કે બોરીની વેચાણ કિંમત ૨,૨૦૦ રૂપિયા છે, એટલે કે ૨૭.૫૦ રૂપિયા પ્રતિ કિલો. જો વર્ષ સારું હોય તો તમે ૧૫ બોરીઓ જેટલી ઊપજ મેળવી શકો છો – અને જો તમે ઊંચી ઉપજવાળા બીજનો ઉપયોગ કરો તો ૧૮ બોરીઓ પણ લણી શકો છો. પણ, ઢોરઢાંખરને સંકર જાતિ પસંદ નથી. તેમને તો ફક્ત દેશી જાતિ જ પસંદ છે.”
અને તે એક મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે રાગીના સાંઠાનો એક ભારો ૧૫,૦૦૦ રૂપિયામાં વેચાય છે. અને તમે એક એકરમાંથી બે જેટલા ભારા ઉગાડી શકો છો. પશુધન ધરાવતા ખેડૂતો તેનો ઉપયોગ તેમના પશુઓને ખવડાવવા માટે કરે છે. તેઓ ઢગલો કરીને તેનો સંગ્રહ કરે છે, અને તે એક વર્ષથી પણ વધુ સમય સુધી સારી રીતે ટકી રહે છે. આનંદા જણાવે છે, “જ્યાં સુધી અમને આગળના વર્ષે સારો પાક ન મળે ત્યાં સુધી, અમે રાગી વેચતા નથી.” ફક્ત અમે જ નહીં, પણ અમારા કૂતરા અને મરઘીઓ પણ ફક્ત રાગી જ ખાય છે. આથી અમારે બધાને પહોંચી વડે તેટલી રાગી રાખવી પડે છે.
આનંદરામુ મૂળભૂત રીતે તો એક જૂના સત્યની પુષ્ટિ કરી રહ્યા છે: રાગી આ વિસ્તાર અને આ તેના લોકો માટે મહત્વની છે, ફક્ત એટલા માટે નહીં કે તે પ્રાચીન છે. આનંદા કહે છે કે આ પાક એવો છે જેને બારે માસ ખુલ્લામાં મૂકી શકાય તેવો છે અને તે “જોખમ મુક્ત” છે. “તેને બે અઠવાડિયા સુધી પાણી ન મળે તો પણ તેનો પાક બગડી જતો નથી. આમાં વધારે જંતુઓ પણ નથી હોતા, એટલે અમારે ટામેટાં અથવા કઠોળની જેમ રસાયણોનો છંટકાવ કરતા રહેવાની જરૂર નથી પડતી. જે ખેડૂતો કેમિકલનો છંટકાવ કરતા રહે છે તેઓ જાણે કે તેમનો નફો હોસ્પિટલોને દાનમાં આપે છે.”
તામિલનાડુ સરકારની તાજેતરની એક પહેલ કદાચ તેમના જીવનને થોડું સરળ બનાવી શકે છે. રાજ્ય સરકારે ચેન્નઈ અને કોઈમ્બતુરમાં જાહેર વિતરણ પ્રણાલીની દુકાનો પર રાગીનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત, મંત્રી એમઆરકે પનીરસેલ્વમ દ્વારા રજૂ કરાયેલ ૨૦૨૨ કૃષિ બજેટ ભાષણમાં ૧૬ વખત રાગીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (ચોખા અને ડાંગરનો મળીને ૩૩ વખત ઉલ્લેખ થયો હતો). રાગીને લોકપ્રિય બનાવવાની દરખાસ્તોમાં, બે વિશેષ ઝોનની સ્થાપના અને રાજ્ય અને જિલ્લા સ્તરના ઉત્સવનું આયોજન કરવાની પણ વાત છે. આ માટે ૯૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ “રાગીના પોષણતત્વોના મહત્વ અંગે જાગૃતિ લાવવી.”
આ ઉપરાંત, ભારત દ્વારા રજૂ કરાયેલ એક વિચાર પર સહમત થઈને એફએઓ દ્વારા ૨૦૨૩ને રાગીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી રાગી સહિત ‘પોષક અનાજ’ પણ ઉજાગર થઇ શકે છે.
જોકે, નાગન્નાના પરિવાર માટે આ વર્ષ પડકારરૂપ બની રહેશે. તેઓ તેમને ફાળવવામાં આવેલા તેમના અડધા એકરમાંથી માત્ર ત્રણ બોરીઓ રાગી લણવામાં સફળ થયા છે. બાકીની ઊપજ વરસાદ અને જંગલી જાનવરો દ્વારા કરવામાં આવેલી તબાહીમાં બરબાદ થઇ ગઈ હતી. આનંદા કહે છે, “રાગીની મોસમમાં દરરોજ રાત્રે, અમારે મચાનમાં [ઝાડમાં બનાવેલું એક પ્લેટફોર્મ] જઈને સૂવું પડે છે અને નજર રાખવી પડે છે.”
તેમના અન્ય ભાઈ-બહેનોએ – તેમને ત્રણ ભાઈઓ અને એક બહેન છે, ખેતી કરવાને બદલે નજીકના શહેર થેલીમાં નોકરી કરવાનું પસંદ કર્યું છે. આનંદાને ખેતીમાં રસ છે. તેઓ તેમના ખેતરમાં ચાલતા અને ઘોડાના ચણાના પાકની તપાસ કરતા કહે છે, “હું શાળાએ ક્યાં જતો હતો? હું તો આંબાના ઝાડ પર ચઢતો અને ત્યાં બેસીને બીજા બાળકો શાળાએથી પાછા આવે એટલે તેમની સાથે ઘેર પાછો આવી જતો. મને આવું જ કરવું ગમતું હતું.”
તેઓ અમને વરસાદથી થયેલું નુકસાન બતાવે છે - તે દરેક જગ્યાએ છે. ચિંતાતુર નાગન્ના કહે છે, “મારા ૮૬ વર્ષની જીંદગીમાં મેં આવો વરસાદ ક્યારેય નથી જોયો.” તેમના અને તેમના વિશ્વાસુ પંચાંગ (જ્યોતિષીય કેલેન્ડર) ના મતે આ વર્ષનો વરસાદ ‘વિશાકા’ છે, વરસાદના બધા પ્રકારોનું નામ તારાઓ પરથી રાખવામાં આવ્યું છે. “ઓરુ માસમ, મઝાઈ, મઝાઈ, મઝાઈ.” આખો મહિનો, માત્ર વરસાદ, વરસાદ, અને વરસાદ. “માત્ર આજે જ થોડો સૂરજ ઉગ્યો છે.” છાપાના અહેવાલો તેમના નિવેદનને સમર્થન આપે છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે તામિલનાડુમાં ૨૦૨૧માં ૫૭% વધારે વરસાદ થયો છે.
ગોપાના ખેતરમાં પાછા ફરતાં, અમારી મુલાકાત બે વૃદ્ધ ખેડૂતો સાથે થાય છે. તેમણે શાલ, અને ટોપી પહેરી છે અને તેમના હાથમાં છત્રીઓ છે. શુધ્ધ કન્નડમાં, તેઓ સમજાવે છે કે રાગીની ખેતી કેટલી ઓછી થઇ ગઈ છે. ગોપા મારા માટે તેનો અનુવાદ કરી આપે છે.
૭૪ વર્ષીય કે. રામ રેડ્ડી મને ખાતરી આપે છે કે થોડા દાયકાઓ પહેલાની સરખામણીમાં આજે ફક્ત “અડધા ખેતરોમાં” જ રાગીની ખેતી થાય છે. “કુટુંબ દીઠ બે એકર. હવે અમે ફક્ત આટલું જ વાવીએ છીએ.”
બાકીના ખેતરો ટામેટા અને કઠોળથી ભરેલા છે. અને હવે જ્યાં રાગી ઉગાડવામાં આવે છે તે પણ માત્ર “સંકર, સંકર, સંકર” જ છે, ૬૩ વર્ષીય ક્રિષ્ના રેડ્ડી, આ શબ્દ પર ભાર મુકવા માટે શબ્દનું પુનરાવર્તન કરતાં મને કહે છે.
પોતાના બાવડાની માંસપેશીઓની તાકાત બતાવતા રામ રેડ્ડી કહે છે, “નાટુ રાગી શક્તિ જાસ્તી [દેશી રાગી શક્તિવર્ધક હોય છે].” તેઓ પોતાના સારા શરીર માટે તેમણે યુવાનીમાં ખાધેલી રાગીને શ્રેય આપે છે.
પરંતુ તેઓ આ વર્ષના વરસાદથી નાખુશ છે. રામ બડબડાટ કરતા કહે છે, “તે ખુબજ ખરાબ છે.”
તેમને કોઈ પણ જાતનું વળતર મળવાની ખાતરી નથી. “ખોટનું કારણ ગમે તે હોય, અમને લાંચ વિના કંઈ મળતું નથી. આ ઉપરાંત, પટ્ટા [શીર્ષક ખત] અમારા નામે હોવા જોઈએ.” તેનાથી ગણોતિયાઓને કોઈપણ જાતનું વળતર મળતું નથી.
આનંદા નિરાશાની સાથે સમજાવે છે, તે હંમેશા સરળ નથી હોતું. તેમના પિતાને તેમના કાકાએ છેતર્યા હતા. આનંદા આ વિશ્વાસઘાતને નકલ કરીને વર્ણવે છે. તેઓ એક દિશામાં ચાર પગલાં ભરે છે અને બીજી દિશામાં ચાર પગલાં ભરે છે. “તેમણે અમને આ રીતે જમીન આપી હતી: આટલા પગલાં તારા અને આટલા મારા. મારા પિતા ભણેલા નથી, એટલે તેઓ સહમત થઇ થયા. અમારી પાસે ફક્ત ચાર એકર માટે જ દસ્તાવેજ છે.” વાસ્તવમાં, તેઓ વધારે જમીન પર ખેતી કરી રહ્યા છે, પરંતુ તેઓ સત્તાવાર રીતે તેમની માલિકીની ચાર એકર જમીનમાં થયેલા નુકસાન સિવાયના કોઈપણ નુકસાનનું વળતર મેળવવા માટે રજૂઆત કરી શકતા નથી.
તેમના વરંડામાં પહોંચ્યા પછી, તેઓ અમને છબીઓ અને દસ્તાવેજો બતાવે છે. અહીં હાથીની ધાડ, ત્યાં ભૂંડની ધાડ. પડી ગયેલું ઝાડ. કચડી નાખવામાં આવેલો પાક. પડી ગયેલા જેકફ્રૂટની આગળ ઊભેલા તેમના ઊંચા અને નિરાશ પિતા.
નાગન્ના દલીલ કરે છે, “તમે ખેતી કરીને કઈ રીતે પૈસા બનાવી શકો છો? શું તમે સરસ વાહન ખરીદી શકો છો? સરસ કપડાં? આવક ખુબજ ઓછી છે, અને આ તો હું જમીન ધરાવનાર વ્યક્તિ તરીકે તમને કહું છું.” તેમણે હવે ઔપચારિક કપડા પહેરી લીધા છે: સફેદ શર્ટ, નવી ધોતી, ટોપી, માસ્ક અને રૂમાલ. તેઓ આગળ કહે છે, “મારી સાથે મંદિરમાં આવો.” અને અમે ખુશીથી એમની સાથે જઈએ છીએ. તેઓ જે ઉત્સવમાં જઈ રહ્યા હતા તે દેંકનિકોટ્ટાઈ તાલુકામાં ઉજવાઈ રહ્યો હતો, જે અડધા કલાકના અંતરે આવેલા ‘સ્ટાર’ (ઉત્તમ ગુણવત્તા વાળા) રોડ પર હતો.
નાગન્ના અમને સીધો રસ્તો બતાવે છે. આ વિસ્તાર કેટલો બદલાઈ રહ્યો છે એ વિષે તેઓ અમને વાત કરે છે. તેઓ કહે છે કે ગુલાબના ખેડૂતોએ મોટી લોન લીધી છે. તેમને એક કિલો દીઠ ૫૦ થી ૧૫૦ રૂપિયા ભાવ મળે છે, જે તહેવારોની મોસમમાં વધી જાય છે. હું જે સાંભળી રહી છું એ જોતા ગુલાબની સૌથી આકર્ષક વિશેષતા એની રંગ કે સુગંધ નથી - પણ એ વાત છે કે હાથીઓને તે ખાવું પસંદ નથી.
અમે મંદિરની જેમ જેમ નજીક જઈએ છીએ, તેમ તેમ રસ્તાઓ પર ભીડ વધતી જાય છે. ત્યાં એક લાંબુ સરઘસ છે અને – નવાઈ તો એ છે કે ત્યાં એક હાથી પણ છે. નાગન્ના આગાહી કરે છે, “આપણને આનાઈ મળશે.” તેઓ અમને મંદિરના રસોડામાં નાસ્તો કરવા આમંત્રણ આપે છે. [ત્યાંની] ખીચડી અને બજ્જી જાણે કે સ્વર્ગનો ખોરાક હોય. ટૂંક સમયમાં, તામિલનાડુના અન્ય વિસ્તારના એક મંદિરમાંથી લાવવામાં આવેલો હાથી એક મહંત અને પૂજારી સાથે આવે છે. નાગન્ના કહે છે, “પઝુથા આનાઈ.” જૂનો હાથી. હાથી ધીમે ધીમે, શાંતિથી આગળ વધે છે. તેમના મોબાઈલ ફોન ઊંચા કરીને લોકો સેંકડો ફોટા લે છે. જંગલથી ફકત ૩૦ મિનિટના અંતરે, અહીં એક અલગ જ હાથીની વાર્તા છે.
આનંદાએ તેમના ગળાની ફરતે રૂમાલ લપેટીને તેમના વરંડામાં બેસીને મને જે વાત કરી હતી એ મને યાદ આવી જાય છે. “જો એક કે બે હાથી આવે તો અમને કોઈ વાંધો નથી. પણ યુવાન નર હાથીઓ માટે કોઈ પણ અવરોધક અસરકારક નથી. તેઓ કોઈપણ જાતની વાડ ઉપરથી કૂદી જાય છે અને બધું આરોગી જાય છે.”
આનંદા તેમની ભૂખ સમજે છે. તેઓ હસીને કહે છે, “અડધા કિલો ખોરાક મેળવવા માટે આપણે કેટલો સંઘર્ષ કરીએ છીએ. હાથીઓ શું કરે? તેમને તો દરરોજ ૨૫૦ કિલો ખાવા જોઈએ! એક જેકફ્રૂટના ઝાડમાંથી અમને ૩,૦૦૦ રૂપિયાની કમાણી થાય છે. જે વર્ષે હાથીઓ વધુ ખાઈ જાય છે, ત્યારે અમે માનીએ છીએ કે ભગવાન આપણી મુલાકાતે આવ્યા છે.”
તેમ છતાં, તેઓ એક ઈચ્છા રજૂ કરે છે: કોઈ દિવસ રાગીની ૩૦ કે ૪૦ બોરીઓની ઊપજ મેળવવાની. “સેઇયનમ, મેડમ.” મારે તે કરવું જ પડશે.
જો મોટ્ટે વાલ ઈચ્છશે તો...
આ સંશોધન અભ્યાસ માટે અઝીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય દ્વારા તેમના સંશોધન અનુદાન પ્રોગ્રામ ૨૦૨૦ અંતર્ગત ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
કવર ફોટો: એમ. પલાની કુમાર
અનુવાદક: ફૈઝ મોહંમદ