“મેં ઘણી વખત 108 [એમ્બ્યુલન્સ સેવા] ને ફોન કરવાનો પ્રયાસ કર્યો. લાઇન કાં તો વ્યસ્ત હતી અથવા પહોંચી શકાય તેમ ન હતી.” તેમના પત્ની ગર્ભાશયના ચેપથી પીડિત હતા અને દવાઓ ચાલુ હોવા છતાં ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. હવે રાત પડી ગઈ હતી અને તેમની પીડા વધી ગઈ હતી. ગણેશ પહાડિયા ગમે તે ભોગે પત્નીને તબીબી સહાય મેળવી આપવા માગતા હતા.

“આખરે મદદની આશાએ મેં સ્થાનિક પ્રધાનના સહાયકનો સંપર્ક કર્યો હતો. ગણેશ યાદ કરે છે, "તેમણે તેમના [ચૂંટણી] પ્રચાર દરમિયાન અમને મદદ કરવાનું વચન આપ્યું હતું." મદદનીશે તેઓ આસપાસમાં નથી એમ કહીને ઇનકાર કર્યો. "તેમણે અમને મદદ કરવાનું રીતસર ટાળ્યું હતું."

ખૂબ અસ્વસ્થ થઈ ગયેલા ગણેશ ઉમેરે છે, "જો એમ્બ્યુલન્સ મળી હોત તો હું તેને [મોટા શહેરો] બોકારો કે રાંચીની સારી સરકારી હોસ્પિટલમાં લઈ જઈ શક્યો હોત." તેને બદલે તેમને એક સંબંધી પાસેથી 60000 રુપિયા ઉછીના લઈ, દેવું કરીને પોતાની પત્નીને નજીકની ખાનગી સુવિધામાં લઈ જવા પડ્યા.

42 વર્ષના, ગામના વડા કહે છે, "ચૂંટણીના સમય દરમિયાન, તેઓ જાતજાતની વાતો કરે છે - આ થશે, તે થશે... બસ અમને જીતવામાં મદદ કરો. પરંતુ પછીથી તમે તેમને મળવા જાઓ તો પણ તેમની પાસે તમારા માટે સમય હોતો નથી." તેઓ કહે છે કે તેમના પહાડિયા (જેમને પહાડીઆ પણ કહેવાય છે) સમુદાયના સભ્યોને મૂળભૂત સુવિધાઓ આપવાનું સરકાર દ્વારા અવગણવામાં આવે છે.

ધનગર એ પાકુડ જિલ્લાના હિરનપુર બ્લોકમાં આવેલો એક નાનકડો કસ્બો છે અને અહીં  પહાડિયા જનજાતિના 50 પરિવારો રહે છે. આ કસ્બામાં આ છેવાડાની વસાહત સુધી પહોંચવા માટે રાજમહેલ પર્વતમાળાની એક ટેકરીની બાજુમાં ખરાબ જાળવણીવાળા રસ્તા પર થઈને આઠ કિલોમીટરની મુસાફરી કરવી પડે છે.

“અમારી સરકારી શાળાની હાલત ખરાબ છે. અમે એક નવી શાળા માગી હતી, પણ ક્યાં છે એ?" ગણેશ પૂછે છે. સમુદાયના મોટાભાગના બાળકના નામ શાળામાં નોંધાવાયેલા નથી અને તેથી તેઓ સરકાર તરફથી ફરજિયાત કરાયેલ મધ્યાહન ભોજન યોજનાનો લાભ મેળવી શકતા નથી.

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: ગણેશ પહાડિયા ધનગર ગામના વડા છે. તેઓ કહે છે કે રાજકારણીઓ મત માગવા આવે છે ત્યારે તેઓ ઘણા વચનો આપે છે, પરંતુ પછીથી તે પૂરા કરતા નથી. જમણે: 2024 ની લોકસભાની ચૂંટણીમાં ગામના લોકોને રસ્તો બનાવી આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ એ વાતને મહિનાઓ વીતી ગયા અને કશું કરવામાં આવ્યું નથી

આ સમુદાયે તેમના ગામ અને પછીના ગામ વચ્ચે રસ્તો બનાવવાની માગણી પણ કરી છે. ગણેશ નાના પથ્થરોથી ભરેલા કાચા રસ્તા (કચ્ચા પાથ) તરફ ઈશારો કરતા કહે છે, "તમે જ જુઓ આ રસ્તો." તેઓ એ પણ જણાવે છે કે આ ગામ માટે એક જ હેન્ડપંપ છે અને તેથી મહિલાઓને તેમના વારા માટે લાઈનમાં ઊભા રહીને રાહ જોવી પડે છે. ગણેશ કહે છે, “અમને એ સમયે વચન આપવામાં આવ્યું હતું કે અમારી માંગણીઓ પૂરી કરવામાં આવશે. મત આપી દઈએ પછી બધાય ભૂલી જાય છે!"

42 વર્ષના ગણેશ હિરનપુર બ્લોકના ધનગરના પ્રધાન, ગામના વડા છે. તેઓ કહે છે કે તાજેતરની સામાન્ય ચૂંટણી 2024 માં નેતાઓએ અહીં ઝારખંડના સંથાલ પરગણા ક્ષેત્રમાં પાકુડ જિલ્લામાં પ્રચાર કર્યો હતો પરંતુ આ સમુદાય માટે કશું જ બદલાયું નથી.

81 બેઠકો ધરાવતી ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે - પહેલો તબક્કો 13 મી નવેમ્બરે; બીજો તબક્કો જ્યારે પાકુડ 20 મી નવેમ્બરે મતદાન કરશે. ચૂંટણી સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના ઈન્ડિયા બ્લોક અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ વચ્ચે લડાશે.

આ ગામ લિટ્ટીપાડા મતવિસ્તારનો ભાગ છે, 2019 માં ઝારખંડ મુક્તિ મોરચાના દિનેશ વિલિયમ મરાંડી 66675 મતો સાથે જીત્યા હતા, ત્યારબાદ બીજેપીના ડેનિયલ કિસ્કુ 52772 મતો સાથે બીજા ક્રમે હતા. આ વખતે જેએમએમના ઉમેદવાર હેમલાલ મુર્મુ છે, જ્યારે ભાજપે બાબુધાન મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે.

ભૂતકાળમાં ઘણા વચનો અપાયા હતા. આ ગામના એક રહેવાસી, મીના પહાડિન કહે છે, "2022 માં ગ્રામ્ય પરિષદની બેઠકમાં ઉમેદવારોએ વચન આપ્યું હતું કે ગામમાં થતા લગ્ન માટે તેઓ રસોઈના વાસણો પૂરા પાડશે." ત્યારથી લઈને આજ સુધી માત્ર એક જ વાર આ રીતે વાસણો પૂરા પાડવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણી વિષે વાત કરતા તેઓ કહે છે, “તેઓ અમને માત્ર હજાર રૂપિયા આપે છે અને પછી ગાયબ થઈ જાય છે. હેમંત [જેએમએમ પાર્ટીનો કાર્યકર] આવ્યો, દરેક મહિલા અને પુરુષને 1000-1000 રૂપિયા આપ્યા, ચૂંટણી જીત્યો અને હવે તે ઓફિસમાં જલસા કરી રહ્યો છે."

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: મીના પહાડિન વેચવા માટે લાકડાં અને ચિરોતા એકઠા કરવા દરરોજ 10-12 કિલોમીટર ચાલે છે. જમણે: સૌર ઉર્જાથી ચાલતા એકમાત્ર હેન્ડપંપ પર પાણી ભરતી મહિલાઓ

ઝારખંડમાં 32 જનજાતિઓ રહે છે અને - અસુર, બિરહોર, બિરજિયા, કોરવા, મલ પહાડીઆ, પરહૈયા, સૌરિયા પહાડીઆ અને સવર જેવા - ઘણા પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ છે. 2013 ના આ અહેવાલ મુજબ ઝારખંડમાં પીવીટીજીની કુલ વસ્તી ચાર લાખથી વધુ છે.

તેમની ઓછી સંખ્યા અને છેવાડાના ગામો ઓછી સાક્ષરતા, આર્થિક પડકારો અને ખેતીની શરૂઆત થઈ તે પહેલાની તકનીક પરની તેમની નિર્ભરતા એકબીજા સાથે મેળ ખાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝાઝું કંઈ બદલાયું નથી. વાંચોઃ ધ હિલ્સ ઓફ હાર્ડશીપ , પી. સાંઈનાથના એવરીબડી લવ્સ અ ગુડ ડ્રોટ પુસ્તકમાંથી એક અંશ.

ગણેશ પારીને કહે છે, "ગાંવ મેં જ્યાદાતર લોગ મજદૂરી હી કરતા હૈ, સર્વિસ મેં તો નહીં હૈ કોઈ. ઔર યહાં ધાન કા ખેત ભી નહીં હૈ. ખાલી પહાડ પહાડ હૈ." [ગામના મોટાભાગના લોકો શ્રમિકો તરીકે કામ કરે છે; અહીં કોઈ નોકરી [સરકારી નોકરી] કરતું નથી. અને અમારી પાસે અહીં ડાંગરના ખેતરો પણ નથી, બધે માત્ર ટેકરીઓ જ ટેકરીઓ છે." મહિલાઓ લાકડાં અને ચિરોતા [કરિયાતું] એકઠા કરવા જંગલમાં જાય છે, જે તેઓ બજારમાં વેચે છે.

આ પહાડિયા જનજાતિ (જેમને પહાડીઆ પણ કહેવાય છે) ઝારખંડના સંથાલ પરગણા ક્ષેત્રના પ્રારંભિક રહેવાસીઓમાંની એક છે. તેઓ ત્રણ શાખાઓમાં વિભાજિત છે: સૌરિયા પહાડિયા, મલ પહાડિયા અને કુમારભાગ પહાડિયા, અને ત્રણેય સદીઓથી રાજમહેલ પર્વતમાળામાં રહેતા આવ્યા છે.

જર્નલ માં જણાવ્યા પ્રમાણે ઐતિહાસિક નોંધો સૂચવે છે કે તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન, 302 બીસીઈમાં ભારતનો પ્રવાસ કરનાર ગ્રીક રાજદ્વારી અને ઈતિહાસકાર મેગેસ્થેનિસ દ્વારા ઉલ્લેખિત મલ્લી જાતિના છે. તેમનો ઇતિહાસ સાંથાલો સાથેના અને તેમને તેમના પૂર્વજોના મેદાનોમાંથી બળજબરીથી વિસ્થાપિત કરીને ટેકરીઓમાં ધકેલી દેનાર બ્રિટિશ વસાહતી શાસન સાથેના સંઘર્ષો સહિત બીજા સંઘર્ષોથી ચિહ્નિત છે. તેમની ઉપર ડાકુઓ અને પશુ-ચોરના લેબલ લગાવી દેવામાં આવ્યા હતા.

સિદો-કાન્હૂ યુનિવર્સિટી, દુમકા, ઝારખંડના પ્રોફેસર ડો. કુમાર રાકેશ આ અહેવાલ માં લખે છે, “એક સમુદાય તરીકે પહાડિયાઓ એક કોચલામાં જતા રહ્યા છે. ભૂતકાળમાં સાંથાલો અને અંગ્રેજો સાથેના સંઘર્ષમાં તેઓ ખૂબ ખરાબ રીતે હારી ગયા હતા અને એ આઘાતમાંથી તેઓ બહાર આવ્યા નથી.”

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

ડાબે: મીનાના ઘરની બહાર રાખેલ લાકડાનો ઢગલો રસોઈ માટે વપરાય છે અને તેમાંથી અમુક વેચાય છે. જમણે: જંગલમાંથી ચિરોતા એકઠા કરીને તેને સૂકવવામાં આવે છે અને પછી નજીકના બજારોમાં 20 રુપિયે કિલોના ભાવે વેચવામાં આવે છે

*****

શિયાળાના હળવા તડકામાં અહીં ધનગર ગામમાં બાળકોના રમવાના અવાજો, બકરાંનું બેં બેં અને ક્યારેક ક્યારેક કૂકડાનું કૂકડેકૂક સંભળાય છે.

મીના પહાડિન તેમના ઘરની બહાર બીજી મહિલાઓ સાથે તેમની મૂળ ભાષા માલ્તોમાં વાત કરી રહ્યા છે. તેઓ કહે છે, “અમે જગબાસી છીએ." તેઓ આ પત્રકારને પૂછે છે, "શું તમે જાણો છો કે એનો અર્થ શું છે?" તેઓ સમજાવે છે, "તેનો અર્થ છે કે આ પર્વત અને જંગલ આપણાં ઘર છે."

તેઓ દરરોજ બીજી મહિલાઓ સાથે સવારે 8-9 વાગ્યા સુધીમાં જંગલમાં જવા માટે નીકળે છે, અને બપોર સુધીમાં પાછા આવે છે. તેઓ તેમના માટીના ઘરની છત પર સૂકાઈ રહેલી ડાળીઓ તરફ ઈશારો કરીને કહે છે, "જંગલમાં ચિરોતા હોય છે; અમે આખો દિવસ તેને એકઠા કરવામાં વિતાવીએ છીએ, પછી તેને સૂકવીને વેચવા લઈ જઈએ છીએ."

તેઓ ઉમેરે છે, “ક્યારેક અમને એક દિવસમાં બે કિલો મળે, તો ક્યારેક ત્રણ, કદાચ નસીબદાર હોઈએ તો પાંચ કિલોય મળે. તે સખત મહેનત માગી લે છે." ચિરોતા 20 રુપિયે કિલોના ભાવે વેચાય છે. ચિરોતામાં ઘણા ઔષધીય ગુણો છે, અને લોકો તેનો ઉકાળો પીવે છે. મીના કહે છે, "બાળકો, વડીલો - બધા એ પી શકે છે. એ ઉકાળો પેટ માટે ફાયદાકારક છે."

મીના દરરોજ 10-12 કિલોમીટરની મુસાફરી કરીને જંગલમાંથી ચિરોતા ઉપરાંત લાકડાં પણ એકઠા કરે છે. તેઓ કહે છે, "આ બંડલ ભારે હોય છે અને દરેક માત્ર 100 રુપિયામાં વેચાય છે." સૂકા લાકડાના બંડલનું વજન લગભગ 15-20 કિલોગ્રામ હોય છે, પરંતુ જો લાકડું ભીનું હોય તો તે 25-30 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.

મીના ગણેશ સાથે સંમત થાય છે કે સરકાર વચનો આપે છે પરંતુ તેને ક્યારેય પૂરાં કરતી નથી. તેમણે ઉમેર્યું, "પહેલાં કોઈ અમારી પાસે આવતુંય નહોતું, પરંતુ હવે છેલ્લા થોડાં વર્ષથી લોકો આસપાસ આવવા લાગ્યા છે. કેટલાય મુખ્યમંત્રીઓ અને વડા પ્રધાનો બદલાયા, પરંતુ અમારી સ્થિતિ એવી ને એવી જ રહી છે. અમને માત્ર વીજળી અને રાશન મળ્યાં છે."

આ રાજ્યમાં આદિવાસી આજીવિકા પરનો આ 2021 નો અહેવાલ જણાવે છે, “ઝારખંડમાં હજી આજે પણ આદિવાસીઓ વિસ્થાપનની મુખ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મુખ્ય પ્રવાહના વિકાસ કાર્યક્રમો આ જૂથની સામાજિક-સાંસ્કૃતિક વિશિષ્ટતાને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે અને 'એક જૂતા બધાને બંધબેસે'/એક ઉકેલ બધાયને માટે કામ લાગે' ના અભિગમને અનુસર્યા છે."

PHOTO • Ashwini Kumar Shukla
PHOTO • Ashwini Kumar Shukla

પહાડિયા આદિવાસીઓની ઓછી સંખ્યાએ તેમની અલગતામાં વધારો કર્યો છે, અને તેઓ રોજેરોજ આર્થિક પડકારોનો સામનો કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઝાઝું કંઈ બદલાયું નથી. જમણે: ધનગર ગામની સરકારી પ્રાથમિક શાળા. ગ્રામજનો કહે છે કે વર્ષોથી રાજકારણીઓએ એક નવી શાળાનું વચન આપ્યું છે, પરંતુ એ વચન ક્યારેય પાળવામાં આવ્યું નથી

અહીંથી બહાર સ્થળાંતર કરનારા 250-300 લોકો વતી બોલતા મીના કહે છે, "કોઈ કામ નથી! બિલકુલ કામ નથી. તેથી અમારે બહાર જવું પડે છે. બહાર જવાનું મુશ્કેલ છે; પહોંચતા ત્રણથી ચાર દિવસ લાગે છે. અહીં કામ મળી રહેતું હોત તો કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે અમે ઝડપથી પાછા આવી શકત."

પહાડિયા સમુદાય ‘ ડાકિયા યોજના ’હેઠળ તેમના ઘરઆંગણે પરિવાર દીઠ 35 કિલોગ્રામ રાશન મેળવવા હકદાર છે. જો કે મીનાએ જણાવ્યું કે એટલું રાશન તેમના 12 સભ્યોના પરિવાર માટે પૂરતું નથી. તેઓ ઉમેરે છે, "એક નાના કુટુંબ માટે કદાચ એ પૂરતું થઈ રહે, પરંતુ અમારે તો એ 10 દિવસેય ચાલતું નથી."

તેમના ગામની સ્થિતિને ધ્યાનમાં લેતા તેમણે કહ્યું કે ગરીબોની દુર્દશાની કોઈને પડી નથી. મીનાએ ધ્યાન દોર્યું, "અમારી પાસે અહીં આંગણવાડી પણ નથી." નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ ( રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ) મુજબ છ મહિનાથી છ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા માતાઓ આંગણવાડીમાંથી પૂરક પોષણ મેળવવા હકદાર છે.

પોતાનો હાથ કમર સુધી ઊંચો કરીને બતાવતા મીના કહે છે, "બીજા ગામડાઓમાં આટલી ઊંચાઈના બાળકોને પૌષ્ટિક ખોરાક મળે છે - સત્તુ, ચણા, ચોખા, દાળ... પણ અમને તેમાંનું કશું જ મળતું નથી." તેઓ ઉમેરે છે, "માત્ર પોલિયોના ટીપાં મળે છે. બે ગામ વચ્ચે એક આંગણવાડી છે, પરંતુ તેઓ અમને કશુંય આપતા નથી."

દરમિયાન તેમની પત્નીની તબીબી ફી આપવાની બાકી છે - ગણેશને 60000 રુપિયાની લોન અને વધારાનું વ્યાજ ચૂકવવાના છે. તેઓ આ પત્રકારને કહે છે, “કા કાહે કૈસે, દેંગે, અબ કિસી સે લિયે હૈ તો દેને હૈ…થોડા થોડા કર કે ચૂકાએંગે, કિસી તરહ [ મને ખબર નથી હું શી રીતે ચૂકવીશ. કોઈની પાસેથી ઉધાર લીધા છે તો મારે કોઈક રીતે તો તેમને ચૂકવવા પડશે."]

મીનાએ મક્કમપણે નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં “અમે કોઈની પાસેથી કંઈ લઈશું નહીં. અમે સામાન્ય રીતે જેમને મત આપતા આવ્યા છીએ તેમને નહીં આપીએ; અમે એવી વ્યક્તિને મત આપીશું જે અમારું ભલું કરશે."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ashwini Kumar Shukla

अश्विनी कुमार शुक्ला, झारखंड के स्वतंत्र पत्रकार हैं, और नई दिल्ली के भारतीय जन संचार संस्थान (2018-2019) से स्नातक कर चुके हैं. वह साल 2023 के पारी-एमएमएफ़ फ़ेलो हैं.

की अन्य स्टोरी Ashwini Kumar Shukla
Editor : Priti David

प्रीति डेविड, पारी की कार्यकारी संपादक हैं. वह मुख्यतः जंगलों, आदिवासियों और आजीविकाओं पर लिखती हैं. वह पारी के एजुकेशन सेक्शन का नेतृत्व भी करती हैं. वह स्कूलों और कॉलेजों के साथ जुड़कर, ग्रामीण इलाक़ों के मुद्दों को कक्षाओं और पाठ्यक्रम में जगह दिलाने की दिशा में काम करती हैं.

की अन्य स्टोरी Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

की अन्य स्टोरी Maitreyi Yajnik