એક યુવતી તરીકે કેકુ-વેએ તેમનાં માતા અને દાદીને દંશી કૌવચ અથવા થેવોના દાંડા વણતાં જોયાં છે. તેઓ તેમનાં માતાએ અધવચ્ચે છોડી દીધેલા એકાદ ટુકડાને ઉપાડતાં અને જાતે જ પ્રેક્ટિસ કરવા લાગતાં. પરંતુ આ કામ તેમણે ગુપ્ત રીતે કરવું પડતું, કારણ કે તેમનાં માતાએ તેમને કડક શબ્દોમાં તે ટુકડાને સ્પર્શ ન કરવાની સૂચના આપેલી હતી. તેઓ કહે છે કે, કેકુ-વે આ રીતે ધીમે ધીમે અને છુપાઈને નાગા શાલ વણવાની કુશળતા શીખી ગઈ, જે તેને ખરેખર કોઈએ શીખવી ન હતી.

આજે, તેઓ એક કુશળ કારીગર છે, અને ખેતીકામ અને ઘરકામ વચ્ચે વણાટ માટે સમય કાઢે છે. તેઓ તેમની તર્જની બતાવતાં કહે છે, “ચોખા રાંધવા માટે પાણી ઉકાળવા મૂક્યું હોય, અથવા જો કોઈ અમારા બાળકોને ફરવા લઈ ગયું હોય ત્યારે અમે આટલું પણ વણવાનો પ્રયાસ કરીએ છીએ.”

કેકુ-વે તેમના બે પડોશીઓ - વેહુઝુલે અને ઈ-છોતો સાથે રુકીઝું કૉલનિમાં તેમના પતરાંવાળા ઘરમાં બેસેલાં છે. કેકુ-વેના અંદાજ મુજબ, નાગાલેન્ડના ફૅક જિલ્લાના ફુત્સેરો ગામના 266 ઘરોમાંથી આશરે 11 ટકા પરિવારો વણાટકામ કરે છે. અને આ કામ મોટે ભાગે ચેખાસાંગ સમુદાયના કુઝામી પેટા જૂથ (અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ) ની મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. કેકુ-વે કહે છે, “અમારા પતિ મદદ કરે છે, તેઓ રસોઈ પણ કરી શકે છે, પરંતુ તેઓ સ્ત્રીઓની જેમ ‘નિષ્ણાત’ નથી. અમારે રસોઈ કરવી પડે છે, ખેતી કરવી પડે છે, વણાટ કરવું પડે છે અને અન્ય કામો પણ કરવાં પડે છે.”

PHOTO • Moalemba Jamir
PHOTO • Moalemba Jamir

ડાબેઃ કેકુ-વે તેમણે બનાવેલી શાલ બતાવે છે. જમણેઃ રુકીઝું કૉલનિમાં વણકરો. (ડાબેથી જમણે) વેહુઝુલે , નિખુ થુલુઓ , તેમના પડોશી (વચ્ચે લાલ શાલમાં) , કેકુ-વે અને ઈ-છોતો કેકુ-વેના ઘરે

PHOTO • Moalemba Jamir
PHOTO • Moalemba Jamir

ડાબેઃ કેકુ-વેના રસોડામાં દંશી કૌવચ (ઉર્ટિકા) અથવા થેવોના દાંડામાંથી બનાવેલું સૂતર. કેટલીક નાગા જાતિઓ વણાટ માટે આ સૂતરનો ઉપયોગ કરે છે. ચાખેસાંગ જનજાતિ આવા સૂતરમાંથી બનાવેલા ઉત્પાદનોને સાઝુખુ , થેબવોરા અથવા લુસા કહે છે. જમણેઃ તેમના રસોડામાં શાલ વણતાં કેકુ-વે , તેઓ સામાન્ય રીતે તેમની મોટાભાગની વણાટ અહીં જ કરે છે

કેકુ-વેની જેમ, વેહુઝુલે અને ઈ-છોતોએ પણ નાની ઉંમરથી જ વણાટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ કળા શીખવાની પ્રક્રિયા સ્પૂલિંગ [દોરા વીંટવાની પ્રક્રિયા], વાઇન્ડિંગ [ગોળ ગોળ વીંટવું] અથવા સૂતરના વેફ્ટિંગ જેવા નાના કાર્યો કરવાથી શરૂ થાય છે.

હવે 35 વર્ષની વયે પહોંચેલાં ઈ-છોતો જ્યારે લગભગ 20 વર્ષનાં હતાં ત્યારે તેમણે વણાટ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “હું વિવિધ પ્રકારનાં કપડાં વણું છું - શાલ અને લપેટી. હું લગભગ 30 ટુકડાઓ વણતી હતી પરંતુ હવે બાળકોની સંભાળ રાખવાની હોવાથી હું ભાગ્યે જ એક કે બે અઠવાડિયામાં એકાદ શાલ વણી શકું છું.”

તેઓ ઉમેરે છે, “સવારે અને સાંજે, હું મારા બાળકોની સંભાળ રાખું છું અને દિવસ દરમિયાન વણાટકામ કરું છું.” પરંતુ હાલ તેમને ચોથા સંતાનનો ગર્ભ હોવાથી તેમણે હાલ પૂરતું કામ કરવાનું બંધ કરી દીધું છે.

મહિલાઓ પોતાના અને પોતાના પરિવાર માટે તેમનો પરંપરાગત પોશાક - મેખલા (પરંપરાગત નાગા સરોંગ) અને શાલ વણે કરે છે. ચોથી પેઢીના વણકર વેહુઝુલે પણ અંગામી જનજાતિ માટે કપડાં વણે કરે છે. તેઓ કહે છે, “હું તેમને ખાસ કરીને વાર્ષિક હોર્નબિલ ઉત્સવની આસપાસ વણું છું, જ્યારે તેની માંગ વધારે હોય છે.”

નાગાલેન્ડ રાજ્ય સરકાર દ્વારા આયોજિત, હોર્નબિલ ફેસ્ટિવલ 10 દિવસનો ઉત્સવ છે જે 1 ડિસેમ્બરથી શરૂ થાય છે. આ તહેવાર પરંપરાગત સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રદર્શન કરે છે અને એમાં ભારતના અને બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

PHOTO • Moalemba Jamir
PHOTO • Moalemba Jamir

ઘરે વણાટ કરતાં નિખુ થુલુઓ (ડાબે) અને વેહુઝુલે (જમણે)

*****

દરેક નાગા આદિજાતિની પોતાની શાલ છે, જે સમુદાય માટે અનન્ય હોય છે અને ચેખાસાંગ શાલને 2017માં ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો હતો.

ફૅક સરકારી કોલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. ઝોકુશેઈ રખો સમજાવે છે, “શાલ અન્ય વસ્તુઓની સાથે ઓળખ, દરજ્જા અને લિંગનું પ્રતીક છે. કોઈ પણ વિધિ અથવા તહેવાર શાલ વિના પૂર્ણ થતો નથી.”

નાગાલેન્ડના આગવા કાપડને પ્રોત્સાહન આપવા અને તેને જાળવવા માટે સમર્પિત આજીવિકા કાર્યક્રમ, ચિઝામી વિવ્ઝ ખાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, નીત્શોપી (એટશોલે) થોપી સમજાવે છે, “પરંપરાગત શાલો અમારી સંસ્કૃતિઓ અને મૂલ્યોને દર્શાવે છે.”

તેઓ સમજાવે છે, “દરેક શાલ અથવા મેખલા વિવિધ વર્ગના હોય છે. ઉદાહરણ તરીકે, કેટલીક શાલ અવિવાહિત વ્યક્તિઓ, પરિણીત યુગલો, યુવતીઓ અથવા પુરુષો માટે ચોક્કસ છે, જ્યારે કેટલીક અંતિમવિધિ માટે આરક્ષિત છે.” એટશોલેનો કહેવા મુજબ, ભાલા, ઢાલ, મિથુન, હાથી, ચંદ્ર, સૂર્ય, ફૂલો અને પતંગિયા એ ચાખેસાંગ શાલમાં સમાવિષ્ટ કેટલીક સામાન્ય રચનાઓ છે.

PHOTO • Courtesy: Neitshopeü (Atshole) Thopi
PHOTO • Courtesy: Chizokho Vero

ડાબેઃ તાજેતરનાં વર્ષોમાં , રીરા અને રુરા સાથે , થુપિખુ/ત્સુકેતસુરા/હપિદાસ શાલ ચેખાસાંગ આદિજાતિના સૌથી વધુ ઓળખી શકાય તેવી શાલ તરીકે ઉભરી આવી છે. પરંપરાગત રીતે , આ શાલ એવા યુગલોને આપવામાં આવતી હતી જેમણે તમામ નિયુક્ત ‘યોગ્યતાની ઉજવણી’નું પાલન કર્યું હોય. હપિદાસ શાલ સર્વોચ્ચ સન્માન ધરાવે છે અને સમૃદ્ધિ અને ઉદારતાનું પ્રતીક છે. જમણેઃ ‘રુરા’ શાલ રીરા શાલની સ્ત્રીની પ્રતિરૂપ છે. તે સામાન્ય રીતે એરૂ ડિઝાઇનમાં અને સફેદ રંગમાં હોય છે. વધારાની મોટી સફેદ પટ્ટી પ્રકાશ , સુખ , અને મનની શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે અને એરુ ડિઝાઇન સંપત્તિ અને સત્કર્મના વળતરનું પ્રતીક છે

PHOTO • Courtesy: Chizokho Vero
PHOTO • Courtesy: Neitshopeü (Atshole) Thopi

ડાબેઃ એક પરંપરાગત ચેખાસાંગ સ્ટૉલ. જમણેઃ પુરુષો માટે ‘રીરા’ શાલમાં ભાલા , ઢાલ , પ્રાણીઓના હાડકાં અને છરીના આવરણ જેવી રચનાઓ હોય છે

પરંતુ જે મહિલાઓ સાથે પારીએ વાત કરી હતી તે મોટાભાગે આ વર્ગો અને તેઓ જે રચનાઓ વણાટ કરે છે તેના મહત્વથી અજાણ હતી, જે સૂચવે છે કે એક પેઢીથી બીજી પેઢીમાં આ કળા તો પસાર થઈ છે, પરંતુ વાર્તાઓ નથી થઈ. કેકુ-વે અને તેમના પડોશીઓ પણ નથી જાણતા કે ચેખાસાંગ શાલને GI મળ્યું છે, પરંતુ કહે છે કે આર્થિક કટોકટી દરમિયાન વણાટથી ઘણી મદદ મળે છે. વેહુઝુલે, દોરો પરોવતાં અને તેને લાકડાના બીટરથી કડક કરતાં પારીને કહે છે, “જ્યાં સુધી પાકની લણણી ન થાય ત્યાં સુધી અમે ખેતીમાંથી કંઈ કમાતા નથી, પરંતુ વણાટમાં, તે કટોકટીમાંથી બહાર આવવા માટે કોઈપણ સમયે વેચી શકાય છે.”

*****

વણકરો સામાન્ય રીતે ફૅક જિલ્લાના પેટા વિભાગ ફુત્સેરોના બજારમાંથી કાચો માલ ખરીદે છે. હાલમાં, વણાટમાં કપાસ અને ઉન એમ બે પ્રકારના સૂતર વધુ સામાન્ય છે અને છોડના પરંપરાગત કુદરતી રેસાનો વપરાશ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, કારણ કે, વજારમાં મોટા પાયે ઉત્પાદિત સૂતર સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે.

વેહુઝુલે કહે છે, “અમે સામાન્ય રીતે પીક સીઝન, નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન નિયુક્ત દુકાનમાંથી જથ્થાબંધ ખરીદી કરીએ છીએ, જેઓ સામાન્ય રીતે અમારા તૈયાર ઉત્પાદનોને ત્યાં વેચાણ માટે રાખે છે અથવા ઓર્ડરની વ્યવસ્થા કરી આપે છે.” એક કિલો સ્થાનિક ઊન અને ટૂ-પ્લાય સૂતરની કિંમત 550 રૂપિયા અને એક કિલો થાઈલેન્ડ સૂતરની કિંમત 640 છે.

વણકરો વાંસ અને લાકડાના બનેલા પરંપરાગત નાગા લોઇન લૂમ પર વણાટ કરે છે.

કેકુ-વે ચેઝેરો અથવા બેકસ્ટ્રેપ અને રાડ્ઝું અથવા લાકડાના રેપિંગ મશીન તરફ ધ્યાન દોરે છે. તેઓ સમજાવે છે કે, બેકસ્ટ્રેપ કેપ (લાકડાની પટ્ટી અથવા લાકડી) સાથે જોડાયેલું છે. આ તણાવ પેદા કરે છે અને વણાયેલા છેડાને લપેટી લે છે. જોકે, ‘રાડ્ઝુ’ વિના પણ, ‘રાડ્ઝુ કુલો’ તરીકે ઓળખાતા લપેટીના બીમ, તણાવ પેદા કરવા માટે દિવાલ અથવા કોઈપણ સહાયક માળખા સાથે જોડી શકાય છે.

PHOTO • Moalemba Jamir

ડાબેઃ વણાટ માટે ઘણાં સાધનોની જરૂર પડે છે. જમણેઃ કેકુ-વે ‘રાડ્ઝુ કુલો’ નામના લપેટીના બીમ પર વણાટ કરે છે જે રસોડાની દિવાલ સાથે જોડાયેલું છે

PHOTO • Moalemba Jamir
PHOTO • Moalemba Jamir

ડાબેઃ વેહુઝુલે અંગામી આદિજાતિની શાલ પર ભાત વણેે છે. જમણેઃ નિખુ થુલુઓ કામમાં વ્યસ્ત છે

વણકરો વણાટની પ્રક્રિયા માટે જરૂરી પાંચથી આઠ સાધનોનો ઉપયોગ કરે છેઃ શાલની ગુણવત્તા, સરળતા અને દ્રઢતા નક્કી કરવામાં લોજી અથવા લાકડાનું બીટર નિર્ણાયક ભૂમિકા ભજવે છે; મેફેત્સુકા તરીકે ઓળખાતી વણાટ શટલ એ સૂતર સાથેની એક સરળ લાકડી છે. જટિલ ભાતનું નિરૂપણ કરવા માટે, વણકરો પાતળા વાંસની હેડલ સ્ટિક્સનો ઉપયોગ કરે છે - લોનુ થસુકા - સૂતરના હેડલ સાથે ગૂંથેલા. વણાટ દરમિયાન ઉપરના અને નીચલા જૂથોમાં વણાટને અલગ કરવા માટે લોપુ અથવા વાંસની છાજલીની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. કેઝે થ્સુકા અને નેચે થ્સુકા તરીકે ઓળખાતા પાતળા વાંસના સળિયા લીઝ સળિયાની ગરજ સારે છે જેથી દોરડાના સૂતરને અલગ અને ક્રમમાં રાખી શકાય.

*****

અહીંનો મુખ્ય પાક મે-જૂનમાં ઉગાડવામાં આવતો ડાંગર છે, જેનો ઉપયોગ પરિવારો પોતાના વપરાશ માટે કરે છે. તેમની જમીનના નાના પ્લોટ પર, વેહુઝુલે ખુવી (એલિયમ ચાઇનીઝ) ની પણ ખેતી કરે છે - જે એક પ્રકારની સુગંધિત જડીબુટ્ટી છે જેનો ઉપયોગ સલાડ અને અન્ય વાનગીઓમાં થાય છે. વેહુઝુલે આને સ્થાનિક બજારમાં વેચે છે.

તેઓ ઉમેરે છે, “વાવણી અને લણણી વચ્ચેના સમયગાળામાં, સામાન્ય કૃષિ ચક્ર હોય છે જેમ કે નીંદણ, ઉછેર અને વન્યજીવનથી પાકનું રક્ષણ.” આ બધા પછી વણાટ માટે ખૂબ ઓછો સમય બાકી રહે છે.

કેકુ-વે યાદ કરે છે કે તેમના પરિવાર દ્વારા ખેતીમાં પૂરતું યોગદાન ન આપવા બદલ અને તેના બદલે તેનો સમય વણાટ કરવામાં ખર્ચવા બદલ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. પણ તેમણે પોતાનો વિચાર બદલ્યો નહીં. તેઓ કહે છે, “હું ખેતરમાં વધું જતી ન હોવા છતાં, વણાટે અમારા માટે આજીવિકાનો એક મહત્ત્વપૂર્ણ સ્રોત પૂરો પાડ્યો હતો. મારા લગ્ન પહેલાં, હું મારા ભત્રીજા-ભત્રીજીની ટ્યુશન ફી ચૂકવવામાં પરિવારને મદદ કરતી હતી અને તહેવારો દરમિયાન મારાથી શક્ય હોય તે રીતે તેમને મદદ કરતી હતી.” કેકુ-વે ઉમેરે છે કે, ઓફ-સીઝન દરમિયાન, વણાટમાંથી કમાએલા પૈસા પરિવારના રેશન માટે ચૂકવવામાં આવતા હતા.

PHOTO • Moalemba Jamir
PHOTO • Moalemba Jamir

ડાબે અને જમણેઃ કેકુ-વે તેમની પુત્રી સાથે. તેમણે ખેતી અને ઘરકામ વચ્ચે વણાટ કરવા માટે સમય કાઢવો પડે છે

PHOTO • Moalemba Jamir
PHOTO • Moalemba Jamir

ડાબેઃ કેકુ-વેના નિવાસસ્થાનનું દૃશ્ય. જમણેઃ વેહુઝુલેએ વણેલી ત્રણ ભાગની અંગામી નાગા આદિજાતિના શાલના તૈયાર ભાગને પકડીને ઊભેલાં કેકુ-વે અને વેહુઝુલે

આ મહિલાઓ કહે છે કે વેતન પૂરતું નથી.

વેહુઝુલે કહે છે, “જો અમે દૈનિક વેતન કામ કરીએ તો અમે [અઠવાડિયામાં] લગભગ 500 થી 600 રૂપિયાની કમાણી કરી શકીએ છીએ અને જો અમે વણાટકામ કરીએ તો અમે અઠવાડિયામાં લગભગ 1,000 થી 1,500 રૂપિયાની કમાણી કરીએ છીએ.” કેકુ-વે ઉમેરે છે કે દૈનિક વેતન ઓછું હોવાનું કારણ એ છે કે, “એક દૈનિક મજૂર દરરોજ લગભગ 600 થી 1,000 કમાય છે, પરંતુ મહિલાઓને માત્ર 100 થી 150 રૂપિયા જ મળે છે.”

ઈ-છોતો હળવા અંદાજમાં ટિપ્પણી કરે છે, “પોઈસા પાઈલી હોઇશે [જ્યાં સુધી મને વેતન મળે ત્યાં સુધી તે ઠીક છે].” પછી તેઓ ગંભીર મૂદ્દો રજૂ કરતાં કહે છે, “અહીં સરકાર તરફથી કોઈ સહાય નથી.”

આમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ છે. ખૂબ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસેલા રહેવાથી અથવા નમેલા રહેવાથી હ્યુમોર્બિખા (પીઠનો દુખાવો) થાય છે, જે, વેહુઝુલે તરત જ કહે છે કે, તેમના કાર્યના સૌથી મોટા પડકારોમાંનો એક છે.

બજારમાં મશીનો દ્વારા બનાવેલા ઉત્પાદનો સામે પણ મોટી સ્પર્ધા છે. કેકુ-વે કહે છે, “લોકો કોઈ પણ ફરિયાદ વિના બજારમાંથી આવાં કપડાં ખરીદતી વખતે વધુ કિંમત ચૂકવે છે. પરંતુ જ્યારે સ્થાનિક વણકરો દ્વારા બનાવેલી વસ્તુઓની વાત આવે છે, ત્યારે એક પણ દોરી જૂદી પડી ગઈ હોય તો પણ લોકો ડિસ્કાઉન્ટ માગવા લાગે છે.”

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમ.એમ.એફ.)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Moalemba Jamir

मोआ जामिर (मोआलेम्बा) द मोरंग एक्सप्रेस में असोसिएट एडिटर हैं. वह पत्रकारिता में 10 साल से ज़्यादा का अनुभव रखते हैं और उनकी दिलचस्पी हुकूमत और सार्वजनिक नीति, लोकप्रिय संस्कृति और पर्यावरण जैसे विषयों में रहती है. वह साल 2023 के पारी-एमएमएफ़ फ़ेलो हैं.

की अन्य स्टोरी Moalemba Jamir
Editor : Sarbajaya Bhattacharya

सर्वजया भट्टाचार्य, पारी के लिए बतौर सीनियर असिस्टेंट एडिटर काम करती हैं. वह एक अनुभवी बांग्ला अनुवादक हैं. कोलकाता की रहने वाली सर्वजया शहर के इतिहास और यात्रा साहित्य में दिलचस्पी रखती हैं.

की अन्य स्टोरी Sarbajaya Bhattacharya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

की अन्य स्टोरी Faiz Mohammad