રે ગુનો જો મારે મૂ મે ખોટા વેમ ધારે,
મુંજા માલધારી રાણા મૂકે રે ગુનો જો મારે

આ લોકગીતનો આવો ઉપાડ આપણને ચોક્કસપણે ચોંકાવનારો લાગવાનો. જોકે, તે એમાં જે કઠોર વાસ્તવિકતા રજૂ થઇ છે તે એના કરતાં ય વધુ ચિંતાજનક છે અને તેનો વ્યાપ ગુજરાતના કચ્છની સરહદની પાર દૂર દૂર સુધી જોવા મળે એવી છે.

પોતાના સૌથી અંગત સહધર્મચારી સાથે થતી હિંસા, ખાસ કરીને પત્નીની મારપીટ એ પહેલેથી જ એક વૈશ્વિક સમસ્યા છે. સ્ત્રીઓના માનવ અધિકારોના ઉલ્લંઘનની દ્રષ્ટિએ, તેમજ જાહેર આરોગ્યની સમસ્યા તરીકે. યુએનના મહિલાઓ વિરુદ્ધ હિંસાના વૈશ્વિક આંકડા મુજબ, દર ત્રણમાંથી એક સ્ત્રી તેના જીવનસાથી દ્વારા કોઈને કોઈ પ્રકારની શારીરિક અને જાતીય હિંસાનો ભોગ બને છે.

શું પતિ પોતાની પત્નીને મારે વર્તન યોગ્ય છે ?

રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સર્વેક્ષણ 2019-21 ( NFHS 5 ) અનુસાર, ગુજરાતમાં 30 ટકાથી વધુ સ્ત્રીઓ અને 28 ટકા પુરુષોએ આ પ્રશ્નના જવાબમાં હામી ભરી છે. અને પત્નીઓને પીટવા માટે કયાં કારણ પૂરતાં છે એવું આ પુરુષો માને છે? આમાં  બેવફા હોવાની શંકાથી શરૂ કરીને, દલીલબાજી, સેક્સ કરવાનો ઇનકાર, પતિને જાણ કર્યા વિના બહાર જવું, ઘરની અવગણના કરવી અને સારી રસોઈ ન બનાવવી સુધીના ઘણાં કારણો ગણાવાય છે.

આંકડાકીય રાષ્ટ્રીય સર્વેક્ષણની જેમ, પરંતુ એનાથી કંઈક વધુ રસપ્રદ રીતે, લોકગીતો ઘણીવાર આપણી સમક્ષ એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ રજૂ કરે છે. એક સર્વેક્ષણ જે સ્ત્રીઓના  જટિલ સંવેદનો અને લાગણીઓના આંતરિક વિશ્વ તેમજ  તેમના સમુદાયોની કાર્યપદ્ધતિને  પ્રતિબિંબિત કરે છે.

તમે આ ગીતોને વંચિતોના હથિયાર કદાચ કહેશો, કદાચ નહીં. ઉદાહરણ તરીકે, પ્રસ્તુત ગીતમાં આપણે ખાતરીપૂર્વક કહી શકીએ એમ નથી કે ચોરીછૂપીથી પ્રેમગીતના લયમાં વેશપલટો કરીને આવતા, કે  પરંપરાગત ઢાળને અનુસરતા સ્ત્રીના શબ્દોમાં ધૂર્ત નિંદા છે. આપણે એ પણ દ્રઢતાપૂર્વક કહી શકીએ એમ નથી કે પોતાના પતિ માટે એણે વાપરેલા આદરપૂર્ણ સંબોધન "માલાધારી રાણો" માં કોઈ પ્રતિકારનો સંકે અભિપ્રેત છે કે નહીં.

ગીતમાં સ્ત્રીને ન્યાય અપાવવાની તો શું આ પ્રબળ સામાજિક માળખામાં ખલેલ પહોંચાડવાની પણ શક્તિ નથી. પરંતુ આવા ગીતો સ્ત્રીને તેના રોજિંદા જીવનની ભયાનક વાસ્તવિકતાઓની અભિવ્યક્તિ માટે જગ્યા આપે છે. ગીતના શક્તિશાળી, સ્પષ્ટ, સંગીતમય પ્રવાહમાં, તે એ સૌ દુઃખ ને વેદના જે તે ભાગ્યેજ કોઈને કહી શકે છે એ સૌને વહાવી શકે છે.  કદાચ અહીં કોઈ પરિચિત સૂરની પડખે, એની હૂંફમાં જ એ એના જીવનના અસહ્ય સત્યોને લપેટીને બે ઘડી શાતા મેળવી શકે છે. આપણા સમાજમાં માળખાકીય સહાયના નામે જ્યાં બધું નહીંવત છે ત્યાં આવા ગીતો જ એને  વધુ એક દિવસ ટકી રહેવાની તાકાત આપે છે.

સાંભળો જુમા વાઘેરના કંઠે ગવાયેલું આ ગીત

કચ્છી

રે ગુનો જો મારે મૂ મે ખોટા વેમ ધારે,
મુંજા માલધારી રાણા મૂકે રે ગુનો જો મારે

રે ગુનો જો મારે મૂ મે ખોટા વેમ ધારે,
મુંજા માલધારી રાણા મૂકે રે ગુનો જો મારે

કડલા પૅરીયા ત છોરો આડી નજર નારે (૨),
આડી નજર નારે મૂ મેં વેમ ખોટો ધારે
મૂજો માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે (2)
રે ગુનો જો મારે મૂ મેં ખોટા વેમ ધારે
મૂજો માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે

બંગલી પૅરીયા ત મૂંજે હથેં સામૂં  નારે (૨)
હથેં સામૂં નારે મૂ મેં વેમ ખોટો ધારે
રે ગુનો જો મારે મૂ મેં ખોટા વેમ ધારે
મૂજો માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે
માલધારી રાણા મૂકે રે ગુનો જો મારે (2)
રે ગુનો જો મારે મૂ મેં ખોટા વેમ ધારે
મૂજો માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે

હારલો પૅરીયા ત મૂંજે મોં કે સામૂં નારે (૨)
મોં કે સામૂં નારે મૂ મેં ખોટા વેમ ધારે,
રે ગુનો જો મારે મૂ મેં ખોટા વેમ ધારે
મૂજો માલધારી રાણા મૂકે રે ગુનો જો મારે (2)
રે ગુનો જો મારે મૂ મેં વેમ ખોટો ધારે,
મૂજો માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે

નથડી પૅરીયા ત મૂંજે મોં કે સામૂં નારે (૨)
મોં કે સામૂં નારે મૂ મેં વેમ ખોટો ધારે,
મૂજા માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે (2)
રે ગુનો જો મારે મૂ મેં વેમ ખોટો ધારે,
માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે

ગુજરાતી

વગર ગુને મારે,  મારા  પર ખોટા વહેમ રાખે,
મારો માલધારી રાણો મને વગર ગુને મારે. (૨)

વગર ગુને મારે,  મારા  પર ખોટા વહેમ રાખે,
મારો માલધારી રાણો મને વગર ગુને મારે.(૨)

કડલા પહેરું તો છોરો આડી નજરે જૂએ (૨)
આડી નજરે જૂએ મારા પર વહેમ ખોટા રાખે.
મારો માલધારી રાણો...
મારો માલધારી રાણો મને વગર ગુને મારે,
વગર ગુને મારે મારા પર વહેમ ખોટા રાખે

બંગડી પહેરું તો મારા હાથ સામે જૂએ (૨)
હાથ સામે જૂએ, મારા પર વહેમ ખોટા રાખે,
મારો માલધારી રાણો....
મારો માલધારી રાણો મને વગર ગુને મારે,
વગર ગુને મારે મારા પર વહેમ ખોટા રાખે

હારલો પહેરું તો મારા ચહેરા સામે જૂએ, (૨)
ચહેરા સામે જૂએ મારા પર વહેમ ખોટા રાખે,
મારો માલધારી રાણો...
માલધારી રાણો મને વગર ગુને મારે,
વગર ગુને મારે મારા પર વહેમ ખોટા રાખે,
મારો માલધારી રાણો....
મારો માલધારી રાણો મને વગર ગુને મારે,
વગર ગુને મારે મારા પર વહેમ ખોટા રાખે

નથણી પહેરું તો મારા ચહેરા સામે જૂએ, (૨)
ચહેરા સામે જૂએ મારા પર વહેમ ખોટા રાખે, મારો માલધારી રાણો...
માલધારી રાણો મને વગર ગુને મારે,
વગર ગુને મારે મારા પર વહેમ ખોટા રાખે,
મારો માલધારી રાણો...
મને વગર ગુને મારે, માલધારી રાણો મને વગર ગુને મારે (૨)

ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત

ગીતગુચ્છ : ગીતો લોકજાગૃતિના

ગીત : 14

ગીતનું શીર્ષક : મૂજો માલધારી રાણૂ મૂકે રે ગુનો જો મારે

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : જુમા વાઘેર, ભદ્રેસર ગામ, મુન્દ્રા તાલુકો

વાજીંત્રો : ઢોલ, હાર્મોનિયમ, ખંજરી

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

લોકસમુદાય સંચાલિત રેડિયો , સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે . રણના ગીતો : કચ્છી લોકગીતોનો સંગ્રહ

આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની , અરુણા ધોળકિયા , સેક્રેટરી , KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર .

Series Curator : Pratishtha Pandya

प्रतिष्ठा पांड्या, पारी में बतौर वरिष्ठ संपादक कार्यरत हैं, और पारी के रचनात्मक लेखन अनुभाग का नेतृत्व करती हैं. वह पारी’भाषा टीम की सदस्य हैं और गुजराती में कहानियों का अनुवाद व संपादन करती हैं. प्रतिष्ठा गुजराती और अंग्रेज़ी भाषा की कवि भी हैं.

की अन्य स्टोरी Pratishtha Pandya
Illustration : Labani Jangi

लाबनी जंगी साल 2020 की पारी फ़ेलो हैं. वह पश्चिम बंगाल के नदिया ज़िले की एक कुशल पेंटर हैं, और उन्होंने इसकी कोई औपचारिक शिक्षा नहीं हासिल की है. लाबनी, कोलकाता के 'सेंटर फ़ॉर स्टडीज़ इन सोशल साइंसेज़' से मज़दूरों के पलायन के मुद्दे पर पीएचडी लिख रही हैं.

की अन्य स्टोरी Labani Jangi